Translate

બુધવાર, 29 ડિસેમ્બર, 2010

ગેસ્ટ બ્લોગ : મોંઘવારીના વમળમાં ફસાયેલો મધ્યમવર્ગનો માનવી

"ધરતી પર ફેલાયો છે મોંઘવારીનો રોગચાળો,


ત્રાહી ત્રાહી મચી છે, કોઈ તો સંજીવની પાઓ."

હા, ત્રાહી ત્રાહી મચી ગઈ છે સમગ્ર વિશ્વમાં મોંઘવારી નામનો રોગચાળો ફાટી નિકળ્યો છે. જેનું ઔષધ શોધવામાં વૈજ્ઞાનિકો પણ સફળ થયા નથી અને જેના દ્વારા પ્રશાસનના પાયા ડગમગવા લાગ્યા છે એ મોંઘવારીની કાળી છાયામાંથી નીકળવા મધ્યમવર્ગીય માનવી પાણી વગરની માછલીની જેમ તરફડીયા મારી રહ્યો છે. સતત વધતા જતા મોંઘવારીના વમળમાં માનવી સૂડી વચ્ચે સોપારીની જેમ ફસાયેલો છે. પોતાના મનની ભાવના, લાગણીને સરકાર સમક્ષ પ્રસ્તુત કરવા ૫ જુલાઈના રોજ "ભારતબંધ" નામનો કાર્યક્રમ આયોજીત કર્યો હતો. પણ શું તેનાથી મોંધવારી ઓછી થઈ જવાની છે?

આ ભારતબંધને કારણે ૧૩ હજાર કરોડનું થયેલું નુકશાન શું ભૂલવાલાયક છે? ના કદી પણ નહી. આ વધતી જતી મોંઘવારીનું કારણ શું? વધતા જતા પેટ્રોલ- ડિઝલના ભાવને કારણે સામાન્ય જનતા ત્રસ્ત છે. આ વિદેશી પ્રવાહીને પ્રશાસન માત્ર ૨૬ રૂ. પ્રતિ બેરલમાં પ્રાપ્ત કરે છે અને તેના પર રાજ્ય અને કેન્દ્ર સરકાર કર લગાડી બજારમાં ૫૨ રૂ. માં વહેંચે છે અને જ્યારે વધતી મોંઘવારીના કારણ પૂછવામાં આવે તો વિશ્વ બજારને મોંઘા ભાવ હોવાનું જણાવી સરકાર પીછેહઠ કરે છે. માનવ મનની શાંતી, લાગણી, રૂપિયાની લાલચ જેવા તત્વો મોંઘવારીમાં નાશ પામ્યા છે, માટે જ કહેવાયુ છે કે,

"સઘળાં સુખો પોઢી ગયા રૂપિયાની સોડમાં,

ને લાગણી હારી ગઈ, રૂપિયાની હોડમાં."

મોંઘવારીનો શ્રાપ મધ્યમવર્ગ અને પછાત વર્ગને એવો લાગ્યો છે કે ૬ જુલાઈના રોજ યુ.પી ના એક ગામડામાં માતા- પિતાએ પોતાના છ માંથી થી ત્રણ સંતાનને મોતના મુખમાં પોઢાડી દીધા. કારણ વધતા જતા ભાવને લીધે તેઓ પોતાના સંતાનનું ભરણ-પોષણ કરવામાં સક્ષમ ન હતા. બીજી બાજુ ખેડૂતો દ્વારા પકાવવામાં આવતા ઘઉં જે ભારતની ૨/૩ વસ્તીની જઠરાગ્નિ શોષી શકતો હતો, તે પાક વરસાદના પાણીમાં સડી રહયો છે.

હાપુડ ,ઝાંસી જેવા શહેરો માં અનુક્ર્મે ૪.૫ લાખ અને ૫,૦૦૦ ઘઉં ની ગુણીઓ સડી રહી છે અને પ્રશાસન ચૂપ છે. જે શાક કાલે ૧૦રૂ કિલોમાં વહેંચાતું હતું તે જ શાક આજે ૧૨થી ૧૫રૂ પા કિલો જ મળે છે. મોંઘવારીનો સામનો કરવા ક્રુષિ પ્રધાન શરદ પવાર દ્રારા પગલા ભરવામાં નથી આવતા અને બીજી બાજુ તે પોતાના માથા પરથી સરકારી બોજો ઓછો કરવા વિનંતીની ફુલમાળા ગૂંથી રહ્યા છે.

ભારતના અર્થતંત્રને વિશ્વમાં માન-સન્માન મળી રહ્યું છે પણ તે અર્થતંત્રમાં પીસાતા મધ્યમવર્ગ અને પછાત વર્ગના માનવીની પરિસ્થિતિ શું છે તે જાણવા કોઈ પ્રયત્ન નથી કરતું.

આઈ.પી.એલ.(Indian Premiere League) માં કરોડો-અબજો રુપિયાની ઉજાણી કરવામાં આવે છે, દાવતો ગોઠવવામાં આવે છે અને બી.પી.એલ (Below Poverty Line) ગરીબી રેખાની નીચે જીવતા નાગરિકોને એક ટંક ભોજન પણ નથી મળતું! એક જ દેશમાં આઈ.પી.એલ અને બી.પી.એલ વચ્ચે આટલો તફાવત આશ્ચર્યકારક નથી?

ફુગાવો એટલે inflation થોડાં મહિનાઓ અગાઉ જ દ્રિઅંકી સંખ્યા પર પહોંચી આવ્યો છે જે ખૂબ જ ગંભીર બાબત છે. અમીર વર્ગ પણ મોંઘવારીના કારણે કરકસર કરતો થઈ ગયો છે. જો નજીકના ભવિષ્યમાં બધા મનુષ્ય મળીને મોંધવારીનો ખાતમો નહી કરે તો ‘પીપલી લાઈવ’ ફિલ્મનું આ ગાયન જીવનભર ગાતા રહેવું પડશે –

"સખી સૈયા તો ખૂબ હી કમાત હૈ ,મહેગાઈ ડાયન ખાય જાત હૈ !”

- સચીન વજાણી

સોમવાર, 20 ડિસેમ્બર, 2010

બત્તી-બંધ ને પાંખો પ્રતિભાવ

તારીખ ૧૧મી ડિસેમ્બરના બીજા શનિવારે પાછલા ચાર વર્ષની જેમજ આ વર્ષે પણ બત્તી-બંધ કાર્યક્રમની જાહેરાત કેટલાક એક્ટિવીસ્ટ જૂથો દ્વારા કરવામાં આવી. (સિડની શહેરથી શરૂ થયેલ આ કાર્યક્રમ હેઠળ નિયત એક કલાક દરમ્યાન લોકો સ્વેચ્છાએ ઘરના,ઓફિસના વગેરે શક્ય બધાં વિજળીથી ચાલતા ઉપકરણો બંધ કરી દે છે જેથી વિજળીની બચત પણ થાય અને ગ્લોબલ વોર્મિંગ જેવા મુદ્દાઓ અંગે જાગરૂકતા ફેલાય. કેટલીક જગાઓએ તો સરકાર તરફથી પણ સહકાર પ્રાપ્ત થતાં એક કલાક માટે ફરજિયાત આખા શહેરમાં અંધારપટ કરી દેવાય છે.) આ વખતે તો બત્તી-બંધ દરમ્યાન મુંબઈના જુહુ વિસ્તારથી મરીન ડ્રાઈવ સુધી એક સાયકલ રેલી પણ યોજવામાં આવી હતી. પણ કોઈ વર્તમાન પત્રમાં આ વિષેના અહેવાલ જોવા મળ્યા નહિં. ખરું જોતા ગ્લોબલ વોર્મિંગ, ઋતુઓની અનિયમિતતા વગેરે જેવા પરિબળોને ધ્યાનમાં લેતા, આવા કાર્યક્રમોનો વર્તમાન પત્રોએ જોરશોરથી પ્રચાર કરવો જોઈએ અને નિયત શનિવારના એકાદ અઠવાડિયા અગાઉથી રોજ લોકોને એમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરવાનું કામ પ્રસાર માધ્યમોએ કરવું જોઈએ.
આ કાર્યક્રમના બે દિવસ અગાઉ એક અંગ્રેજી અખબારમાં આ વિષેની એક નાનકડી ખબર વાંચી અને મેં આ વખતે પણ બત્તી-બંધ કાર્યક્રમમાં મારી રીતે સહભાગી થવાનું નક્કી કર્યું, ઓફિસમાં પણ બને એટલા લોકોને આ ઇનિશિયેટીવમાં જોડાવા ભલામણ કરીને. પણ આપણે ત્યાં લોકોને જ્યાં સુધી કોઈ પ્રત્યક્ષ કે તરત ફાયદો ન જણાય ત્યાં સુધી આવા કોઈ કાર્યક્રમમાં ભાગ લેવા તૈયાર કરવા લોઢાના ચણા ચાવવા જેટલું અઘરું કામ છે. આ ‘લોકો’ માં મારા ઘરવાળા પણ આવી ગયા!ગયા વર્ષે ડિસેમ્બરના બીજા શનિવારે જ્યારે બત્તી-બંધ યોજાવાનો હતો ત્યારે હું મહેસાણા મારે સાસરે ગયો હતો.ત્યાં મેં મેઇન સ્વિચ બંધ કરવા સૂચન કર્યું પણ સાંજે મહેમાન આવી ચડ્યા અને લાઈટ-પંખા બંધ કરવાનું અશક્ય બની ગયું. છતાં મેં મારી રીતે બત્તી-બંધમાં સહભાગી થવાનો નિર્ધાર કર્યો હતો.આથી હું પહોંચી ગયો ધાબે અને ત્યાં મારો મોબાઈલ મેં સ્વિચ ઓફ કરી દીધો અને એક કલાક મેડિટેશન કર્યું, જાત સાથે વાતો કરી અને એકાંતમાં સમય ગાળી એક કલાક પસાર કર્યો. સતત સાથે રહેતા,બીજા કોઈ પણ અતિ નજીકના સ્વજન કરતા પણ વધુ સમય તમે જેની સાથે ગાળતા હોવ તેવા મોબાઈલથી પૂરો એક કલાક દૂર રહેવું કેટલું અઘરું છે, આજના સમયમાં, એ તો મારા જેવો કોઈ મોબાઈલ સામે હોવા છતાં તેને એક કલાક સ્વિચ ઓફ કરી મૂંગો બેસી રહેનાર સમદુખિયો જ જાણે!આ વર્ષે તો હું અહિં મુંબઈમાં જ મારે ઘેર હતો.આથી આ વર્ષે પણ મેં બત્તિ બંધમાં ભાગ લેવા વિચાર્યું.સવારે ઘરમાં જાહેર કરી દીધું કે સાંજે સાડા સાત થી સાડા આઠ લાઈટપંખા વગર ચલાવવું પડશે.કોઈ તરફથી કોઈ પ્રતિભાવ ન મળ્યો એટલે મેં ભોળાએ સહુના મૌનને તેમની સંમતિ ગણી ઉત્સાહમાં આવી જઈ બીજા ત્રણ પાડોશીઓને પણ બત્તિબંધ વિષે થોડી ઘણી માહિતી આપી એમાં ભાગ લેવા સૂચન કર્યું.તેમણે હા ભણી.સાંજે સાડા સાત થવાની થોડી મિનિટો પહેલા મેં ફરી સૌને યાદ દેવડાવી મેઇન સ્વિચ બંધ કરવાની વાત કરી એટલે બધાએ એકી સૂરમાં વિરોધ નોંધાવ્યો!છતાં આ તો બધા મારા જ ઘરવાળા હતા ને?મનાવી લઈશ એમ વિચારી બરાબર સાડા સાતે મેં મારા ઘરની મેઇન સ્વિચ બંધ કરી દીધી.અને શરૂ થયો મારા પર ગાળોનો વરસાદ!મને વેદિયો કહેવામાં આવ્યો.હું એકલો આમ બત્તિ બંધ કરીને શું મોટી ધાડ મારી લેવાનો હતો કે મારા એકલાના બત્તિ બંધ કરવાથી સરકારને વિજળી બચાવવામાં કેટલે મોટી મદદ મળી જવાની હતી આવા પ્રશ્નો પૂછવામાં આવ્યા પણ મેં મારી બેન પાસે મીણબત્તિ તૈયાર રખાવડાવી હતી અને અડધો કલાક બત્તિ બંધ કરવાની પરવાનગી મેં મારા પરિવાર પાસેથી મેળવી લીધી.પેલા બીજા બેત્રણ પાડોશીમાંથી એકે બત્તિબંધ કરી નહિં પણ મને સંતોષ અને ખુશી છે કે મેં એક નહિં તો અડધા કલાક માટે પણ બત્તિ બંધ પાળ્યો ખરો!

મુદ્દો છે સારા કાર્યક્રમોને પ્રોત્સાહન આપવાનો, તેમાં સહભાગી થવાનો. તમે એમ ન વિચારો તમે એકલા કંઈક સારુ કરીને શું મોટી ધાડ મારી લેવાના છો? ટીપું ટીપું મળીને જ સમુદ્ર રચાય છે. બીજું કોઈક કંઈ સારું કરતું હોય તેને તમારાથી બને એટલો સહકાર આપો, પ્રોત્સાહન આપો. આપણે સૌએ મળીને એક સારા સમાજની રચના કરવાની છે અને આવતી પેઢી માટે તેઓ સારુ જીવન જીવી શકે એવું જગત છોડી જવાનું છે. તો ચાલો નાની નાની વાતો પર ધ્યાન આપીએ,આપણાથી બનતું કંઈક કરી દેખાડીએ...

રવિવાર, 12 ડિસેમ્બર, 2010

માનવી માનવ થાય તોયે ઘણું...

કેટલીક વસ્તુઓથી ભગવાન દૂર જ રાખે તો સારું.હોસ્પિટલ,પોલીસચોકી,અદાલત,સરકારી કચેરી આ બધી જગાઓ આવી છે જેનાથી તમારો પનારો ન પડે તો તમે સદનસીબ.પણ દરેકના જીવનમાં ક્યારેક આ જગાઓમાંની એક કે વધુની એકાદ મુલાકાતનો પ્રસંગ તો આવે જ છે. નવેમ્બર માસમાં મારે ચારેક હોસ્પિટલની મુલાકાત,મારા પિતાની અચાનક ખરાબ થઈ ગયેલી તબિયતને કારણે લેવી પડી.પણ આ બધી હોસ્પિટલમાં મને થયેલ અનુભવો મહદાંશે સારા રહ્યા. એકાદબે અનુભવોની વાત મારે આ બ્લોગ થકી તમારી સાથે શેર કરવી છે.


દિવાળીને દિવસે પપ્પાને હોસ્પિટલમાંથી રજા મળવાની હતી.આથી પૈસા ચૂકવવા હું હોસ્પિટલના રિસેપ્શન કાઉન્ટર પર ઉભો હતો.ત્યાં મારી બાજુમાં એક ભાઈ ઉભા હતા તેમણે મારી સામે રુપિયા પાંચ હજાર રોકડા કોઈક દર્દીને આપી દીધાની જાણ રિશેપ્સન પર બેઠેલ ખ્રિસ્તી સ્ત્રીને કરી. વાત એમ હતી કે આ ભાઈ તેમની પત્ની અને યુવાન પુત્રીને

લઈને દિવાળીના શુભ દિવસે કોઈ જરૂરિયાતમંદની મદદ કરવાના હેતુથી તેમના ઘરની નજીક આવેલી આ હોસ્પિટલ પર આવી પહોંચ્યા હતા.તેઓ કંઈ પેલા યુવાન,જેને તેમણે તેના પિતાના ઓપરેશન માટે પાંચ હજાર રુપિયાની મદદ કરી હતી તેને ઓળખતા નહોતા.પણ સીધા હોસ્પિટલના રિસેપ્શન કાઉન્ટર પર આવી તેમણે પેલી પીઢ અનુભવી રિસેપ્શનીસ્ટને યોગ્ય જરૂરિયાતમંદ દર્દી વિશે પૂછપરછ કરી.રિસેપ્શનીસ્ટ દરેક દર્દી પૈસા ચૂકવવા તેની પાસે જ આવતા હોવાથી તેમની આર્થિક સ્થિતી,ઘરની પરિસ્થિતી વગેરે અંગે માહિતી મેળવી લેતી હોય છે. આથી તેણે પેલા મદદ કરવા આવેલા ભાઈને એક ગરીબ યુવક પોતાના પિતાને મોટા ઓપરેશન માટે ગઈ રાત્રે જ દાખલ કર્યા હોવાની જાણ કરી અને એ ભાઈ તે યુવકને પાંચ હજાર રુપિયા આપી આવ્યા.હજી બીજી વધુ મદદ માટે બીજા કોઈ જરૂરિયાતમંદ દર્દી વિષે તેઓ પૃચ્છા કરી રહ્યા હતા જે મેં સાંભળી.હું સાવ આભો જ બની ગયો હતો અને અહોભાવપૂર્વક એ વ્યક્તિ અને તેની વાતચીત નિહાળી-સાંભળી રહ્યો હતો.રિશેપ્સનિસ્ટે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બધા દર્દીઓની ફાઈલ ચકાસી લીધી પણ તેને કોઈ મદદની જરૂર હોય એવું દર્દી જણાયું નહિં.આથી તે ભાઈએ પોતાનું બિઝનેસ્સ-વિઝિટીંગ કાર્ડ રિસેપ્સનિસ્ટને આપી કોઈને મદદની જરૂર પડે તો પોતાનો સંપર્ક કરવા જણાવ્યું.મારુ સંવેદના તંત્ર આ ઘટનાના સાક્ષી બની ઝણઝણી ઉઠ્યું.

તુંડે તુંડે મતિર્ભિન્ના - જુદા જુદા માણસો જુદી જુદી મતિ. એ જ ન્યાયે બધી હોસ્પિટલો પણ સારી હોય એવું જરૂરી નથી.ભગવાનની દયાથી મારે તો મુલાકાત લેવી પડેલી ચારે હોસ્પિટલનો મારો અનુભવ સારો જ રહ્યો પણ મેં એવી પણ કેટલીક હોસ્પિટલો વિષે સાંભળ્યું છે જ્યાં તેઓ દર્દીની હાલત કે તબિયતનો જરા સરખો પણ વિચાર કર્યા વિના તેને દાખલ કરતા પહેલા ડિપોઝિટની રકમ જમા કરી દેવાની ફરજ પાડે છે.ગરીબ દર્દીઓનો બિલકુલ વિચાર કરતી હોતી નથી.દરેક હોસ્પિટલની ફરજ પહેલા માણસનો જીવ બચાવવાની, તેની તબિયત સુધારવા તેને શ્રેષ્ઠ સારવાર આપવાની છે, જે તેણે ચૂકવી ન જોઈએ.

ડોક્ટર પણ કેટલાક ખૂબ સારા તો કેટલાક ખૂબ 'વ્યવહારુ' હોય છે.એટલી હદ સુધી વ્યવહારુ કે વેપારી કે તેઓ માણસ હોવાનું પણ ચૂકી જાય છે.પપ્પાના હ્રદયમાં લોહી લઈ જતી મુખ્ય નસમાં ત્રણેક અવરોધો જણાયા ત્યારે અમારી સ્થિતી કફોડી થઈ ગઈ.કેટલાક ડોક્ટર પોતાના અંગત સ્વાર્થને લઈને એન્જિયોપ્લાસ્ટી નામના ઉપાયની સલાહ આપે તો બીજા કેટલાક સર્જન ડોક્ટર્સ બાયપાસ ઓપરેશન કરાવવાની સલાહ આપે.આપણને સામાન્ય જનને તો આ બધી જટિલ બાબતમાં શી સમજ પડે?આખરે ઘણા ડોક્ટર્સની તેમજ સ્નેહી સંબંધીઓ-મિત્રોની સલાહ અનુસરી અમે પપ્પાની બાયપાસ સર્જરી કરાવવાનું નક્કી કર્યું.ડોક્ટર્સે હંમેશા સાચી સલાહ આપવી જોઈએ.

એક મિત્રના પિતાને અડધી રાતે હ્રદયમાં દુખાવો ઉપડતા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા.ડોક્ટરે આવીને ઇલાજ ઓપરેશન કરી દીધાં અને બિલ પકડાવ્યું રુપિયા નવ લાખનું.સામાન્ય સંજોગોમાં ચાર-પાંચ લાખની કિંમતમાં થઈ જતા આ ઓપરેશનના મારા મિત્રના પિતાના કેસમાં કેમ આટલા વધારે રુપિયા માંગવામાં આવ્યા હતા એ પ્રશ્નના જવાબમાં મહિલા ડોક્ટરે જણાવ્યું કે તેણે ઇમર્જન્સી ચાર્જ લગાડ્યો હતો જે અડધી રાતે આવવા માટેનો હોઈ સામાન્ય કરતા બમણાથીયે વધુ હતો. શું ડોક્ટર્સ આટલા ઉંચા ભાવ વસૂલે એ યોગ્ય ગણાય?

આવા અનેક અનુભવ પાછલા મહિને થયા પણ હવે ઇશ્વરની કૃપાથી પપ્પાની તબિયત સારી છે.

ભગવાનને પ્રાર્થના કે સૌને સદબુદ્ધિ આપે અને માણસાઈ આપે જેથી કપરા કાળમાં માનવી માનવ થઈ એકમેકની સહાય કરે...

રવિવાર, 5 ડિસેમ્બર, 2010

ગેસ્ટબ્લોગ - જૂની પેઢીએ યાદ રાખવા જેવી વાત

                                                                             
                                                                                     ગેસ્ટબ્લોગર  - લતા બક્ષી

ઘણી વાર જિંદગીમાં મૂલ્ય વાત નાના પ્રસંગથી એક્દમ સચોટ રીતે ઉભરી આવે છે.હમણાં હું ને મારા પતિ તેમના માટે શર્ટ લેવા એક આધુનિ ક મોલમાં ગયા.ત્યાં એક શોપમાં મને જે પ્રકારના શર્ટ જોઈતા હતા તે વિષે એક કાઉન્ટર સંભાળી રહેલા યુવાનને જણાવ્યું. થોડી શોધ પછી તેણે મને કહ્યું - મેડમ, આ ઓલ્ડ ડીઝાઈન છે,હવે નહિં મળે. મેં એ યુવાનને બહુ જ સાહજિકતાથી જણાવ્યું કે મે પણ તો ઓલ્ડ છીએ ને?! હું ને મારા પતિ ૬૦થી ઉપરની વયના છીએ.મારા ઉત્તર બાદ તે યુવાને નવીન અને રમૂજભરી દ્રષ્ટીથી મારી સામે જોયું!!એવું છે ને કે પેઢીભેદ કે વિચારભેદ મોટી વયના નાગરિકો કદાચ તેમના અસંતોષ ને ઉપેક્ષાને કારણે સેવતા હોય છે.માત્ર નજર બદલવાની જરૂર છે.મારા અનુભવના એકબે તારણ છે - પૂછ્યા સિવાય મત ન આપવો. નવયુવાન પેઢીને સદા આલોચનાપૂર્વક અને ટીકાપાત્ર રીતે ન મૂલવવી.જે પસંદગીની સ્વત્રંતતા - ફ્રીડમ ઓફ ચોઈસ - આપણને નથી મળી તે એમને મળે એવી સગવડ આપવી.

આ સંદર્ભમાં મારી દિકરીની બહેનપણીએ પ્રથમ વાર ત્રણ કલાકની મુલાકાત બાદ મારી હાજરીમાં તેને જણાવ્યું – “Your mummy is cool!” (યોર મમ્મી ઈઝ કુલ - તારી માતા 'કુલ' એટલે કે આજના જનરેશનની ભાષામાં - બહુ સારી છે) ત્યારે આ પ્રશંસા મારે માટે આનંદમય બની રહી.

મેં બાવીસ વરસના ગાળા બાદ પુન: ભણવાનુ શરૂ કર્યુ. પચીસ છત્રો ના સમુહમાં બાવીસની વય ૧૮-૨૦ વરસ હતી. અમે ત્રણ બેતાળીસ વરસના હતા. સત્ર ને પહેલે દિવસે સર્વ તૈયારી કરી હું જવા નીકળી ત્યારે મેં મારી આશંકા મારા દીકરાને જણાવી કે આ સમુહ માં એકરસ કેમ થઈ શકાશે? ત્યા રે રાહુલે મને કહ્યું કે " Be yourself.” (બી યોર સેલ્ફ - તમે જેવા છો તેવા જ બની રહો) આ સૂત્રે મારો અભ્યાસ કાળ અતિ સરળ માહિતી સભર બનાવ્યો.એ સમયે મને સમજાયુ કે મનના બારણા ખુલ્લા રાખવા અતિ મહત્વનું છે. દરેક જ્ણ પોતાના કથન કરતાં વર્તન દ્વારા દાખલો બેસાડે તો તે વધુ સચોટ રહેશે. કહેવાય છે કે “ You can not demand respect, you command respect. “ (યુ કેન નોટ ડીમાન્ડ રિસપેક્ટ, યુ કમાન્ડ રિસપેક્ટ - તમે માન છિનવી શક્તા નથી તે કમાવું પડે છે.)

ઘણી વાર સાંભળવા મળે છે - અમારો જમાનો, અમારા જમાનાનો ડ્રેસ, અમારા જમાનાનું ફલાણું અને અમારા જમાનાનું ઢીંકણું - જમાનો મારા-તમારો કે કોઈનો નથી. સમય કોઈનો સગો નથી. આપણે સમયની સર્વોપરિતા સ્વીકારીને તે અનુસાર પોતાને તે માળખામાં બંધબેસતુ કરીએ તો કોઈ કડવાશ ન રહે. કોઇ અસંતોષ ન રહે.

યુવાયુવતીમાં થનગનાટ છે. વણખેડી ભૂમિ ખેડવાની ધગશ છે, સાહસ છે, સાથે સાથે ભવિષ્ય ની સલામતી અંગે સજાગતા છે. એક અગમ્ય અજાણ પરિબળ વિશે ચિંતા છે.

રખે એમ માનતા કે આ વિચારો વરિષ્ઠ નાગરિકોને ઉતારી પાડવા માટે છે.આ નાગરિકો તેમના અનુભવ વડે ભવિષ્યની સફરના ભયસ્થાનો અંગે સૂચના કરી શકે છે. યુવાનીનુ કોઈ દુસાહસ આખી જિંદગી ભાર રૂપ બનાવી દે તેવા પ્રસંગ વિશે માર્ગદર્શન આપે છે. આ છતાં પણ તેમનું બાળ ક કોઈ કૃત્ય કરે તો હંમેશા તેની સાથે રહે છે. અને તેને પીઠબળ આપે છે. એ યાદ રાખવું અગત્યનું છે કે બાળકોનો ઉપયોગ પોતાના અધૂરા રહી ગયેલા સપના સાકાર કરવા કદાપિ ન કરશો.

- લતા બક્ષી

શનિવાર, 27 નવેમ્બર, 2010

વાંચન : એક ઉમદા અને ઉત્તમ શોખ

થોડા સમય અગાઉ મધૂવન પૂર્તિની અપૂર્વભાઈ લિખિત આંખમાં પીળુ કટારમાં વાંચે ગુજરાત શીર્ષક હેઠળ સરસ લેખ વાંચ્યો અને વાંચનને આટલી હદે પ્રોત્સાહન આપતા મોદી સાહેબ પ્રત્યે વધુ એક વાર માન ઉપજ્યું.


મને કોઈ મારા શોખ વિષે પૂછે તો પ્રથમ નામ 'વાંચન' નું આપું.હું દ્યઢપણે માનું છું કે સારું વાંચન તમારા વ્યક્તિત્વ પર ખૂબ ઉંડી અને સારી અસર કરે છે.

જ્યારે આપણે ફિકશન એટલે કે કલ્પિત નવલકથા કે નવલિકા,ટૂંકી વાર્તા વાંચીએ ત્યારે આપણે એક જુદાં જ વિશ્વમાં પહોંચી જતા હોઈએ છીએ - કલ્પનાજગતમાં. વાંચન તમને જકડી લઈ શકવાની જાદૂઈ તાકાત ધરાવે છે.વાંચન તમને ખુશીના સર્વોચ્ચ શિખરે લઈ જવાથી માંડી દુ:ખની ઉંડી ગર્તામાં લઈ જવાનો અહેસાસ કરાવી શકે છે.તમે નવલકથા વાંચો ત્યારે તેના પાત્રો સાથે હસો છો અને તેમના રડવા સાથે આંસુ પણ વહાવો છો.તમે જાણે એ નવલકથા કે કલ્પનાજગતનાં જ એક પાત્ર બની જાઓ છો.ઘણી વાર વાંચતી વખતે મારા રૂંવાડા ઉભા થઈ જતા મેં અનુભવ્યા છે.કોઈક સારી વાર્તા કે વાત વાંચીએ એટલે ત્યારે જ એ આપણાં કોઈ સંવેદનશીલ સહ્રદયી મિત્ર કે સગાને પણ વંચાવવાની અદમ્ય ઇચ્છા આપણને થઈ આવે છે ખરૂં ને?તમે જેટલો સમય વાંચનના કલ્પના જગતમાં વિહરતા હોવ એટલી ક્ષણો પૂરતા તમે તમારા સઘળાં ટેન્શન-ચિંતાઓથી મુક્ત થઈ જાઓ છો. કેટલીક વાર તો સમયનું ભાન પણ ભૂલી બેસો છો. રસપ્રદ નવલકથાનાં પાનાં એક પછી એક વંચાતા જ જાય અને આવી રીતે એકી બેઠકે નવલકથા વાંચી જનારા કેટલાંક મિત્રોને પણ હું ઓળખું છું.તમે ઘણી વાર વાંચનના બંધાણી થઈ જાઓ છો.

નોન-ફિકશન એટલે કે વાસ્તવિક કે વિચારાત્મક, સ્વમદદ કે વ્યક્તિત્વ વિકાસ માટેનું વાંચન પણ તમારા સંપૂર્ણ જીવનને બદલી દઈ શકે છે.આવું વાંચન તમારા ચરિત્ર અને વ્યક્તિત્વનું ઘડતર કરી શકે છે.આવા વાંચનથી તમારો જીવન જીવવાનો દ્રષ્ટીકોણ - અભિગમ હકારાત્મક થઈ જાય છે,તમે આશાવાદી બની જાઓ છો. સારા પુસ્તકો તમારા સૌથી શ્રેષ્ઠ મિત્રો છે અને તે તમને કઈ રીતે સુખી અને સફળ થવું તે શીખવી શકે છે.મારા કોલેજ કાળ દરમ્યાન મેં વાંચેલા આવા ઘણાં પ્રેરણાત્મક પુસ્તકોની અસર મેં પ્રત્યક્ષ અનુભવી છે.આવાં પુસ્તકો રોગીઓને પણ માનસિક રોગમાંથી મુક્તિ અપાવી શકે છે અને તેના સતત વાંચનથી તમે વ્યક્તિગત લક્ષ્યાંકો બનાવી તેનેસફળતાપૂર્વક પાર પાડતા શીખો છો. સારૂં વાંચન તમને દુનિયા સામે કઈ રીતે ઝઝૂમવું અને આવનારી વિકટ પરિસ્થિતીનો કઈ રીતે સામનો કરવો,પ્રતિકૂળ સંજોગોમાં કઈ રીતે ટકી રહેવું એ શીખવે છે.સારા વાંચનથી તમારો દ્રષ્ટિકોણ બહોળો થાય છે.

વાંચનની શરૂઆત બાળપણથી થવી જોઈએ.તો એ આગળ જતા ટેવ કે શોખ બની શકે.જો બાળક સારી વાર્તાઓ વાંચશે તો તેને સારા સંસ્કાર મળશે અને તે મોટો થઈ એક સારો મનુષ્ય બની શકશે.તે સર્જનાત્મક,વિચારશીલ અને સાચો નિર્ણયકર્તા બની શકશે.ઈસપની બાળવાર્તાઓ,જાતકકથાઓ કે પંચતંત્રની પ્રાણી કથાઓ બાળક માટે રસપ્રદ તો બની જ રહે છે તદુપરાંત તેમને જીવન સાચી અને સારી રીતે જીવવાના બોધપાઠ પણ નાની વયથી જ શીખવે છે.સંશોધકોએ શોધી કાઢ્યું છે કે ગર્ભવતી સ્ત્રી ગર્ભાવસ્થા દરમ્યાન સારા પુસ્તકો વાંચે તો તેની સારી અસર આવનારા સંતાન પર પડે છે અને તે હોંશિયાર અને સારા ગુણો ધરાવનારું બને છે. માતાપિતાઓ તમારા બાળકોને ખૂબ વંચાવો.તેમને એકાદ નવી વિડીઓગેમ કે રમકડાને બદલે સારા પુસ્તકોની ભેટ આપો.આપણે સૌ જાણીએ છીએ કે બાળકોને વાર્તાઓ સાંભળવી કેટલી ગમતી હોય છે તો પછી આ વાર્તાઓ લખતાવાંચતા શીખ્યા બાદ તેઓ પોતે વાંચે એવું ન કરી શઈએ?

વ્રુદ્ધજનોને પણ વાંચન ગમે છે.ક્યારેક તેઓ સમય પસાર કરવા ખાતર વાંચતા હોય છે. તમારા દાદાદાદી કે ઘરડા સગાને તમે ભાગવત ગીતા કે બીજા કોઈક ધાર્મિક પુસ્તકો વાંચતા જોયા હશે.જ્યારે તેમના સંતાનો તેમને જાકારો આપે ત્યારે પુસ્તકો જ વયોવ્રુદ્ધ વ્યક્તિઓનો સહારો,તેમના મિત્રો બની રહેતા હોય છે.

સારુ વાંચન તમારા આત્મવિષ્વાસને દ્રઢ બનાવે છે.એ તમને બહારની દુનિયામાં કઈ રીતે વર્તવું,કઈ રીતે ઇન્ટરવ્યૂઝમાં તમારી જાતને રજૂ કરવી,ગ્રુપ ડીસ્કશન્સ કે ડીબેટ્સમાં કઈ રીતે સહભાગી થવું એ બધું પણ શીખવે છે.વધુ વાંચીને તમે ફક્ત તમારો શબ્દભંડોળ જ નથી વધારતા પણ એ દ્વારા તમને વાતચીતના વધુ વિષયો મળે છે,તમે બીજાઓ સાથે ચર્ચાવિચારણા કરી શકો છો.અખબારનું નિયમિત વાંચન પણ ખૂબ ફાયદાકારક સાબિત થાય છે.એનાથી તમે વર્તમાનના વ્હેણ સાથે તાલ મિલાવી શકો છો.તમે સમાચાર વાંચી સજાગ રહેતા અને બીજાએ કરેલી ભૂલોમાંથી પાઠ શીખી શકો છો.આજકાલ વર્તમાનપત્રોમાં ફક્ત સમાચાર જ નહિં પણ મહાન વ્યક્તિઓના ઇન્ટરવ્યૂઝ,આધ્યાત્મિક કે પ્રેરણાત્મક લેખો,સ્પર્ધાઓ અને અનેક રસથી ભરપૂર કટારો છપાય છે.મને રોજ એક ગુજરાતી અને એક અંગ્રેજી છાપું વાંચવા જોઈએ જ છે! છાપા સાથે આવતી પૂર્તિઓ આખું અઠવાડિયું મને ટ્રેનમાં મુસાફરી કરતી વખતે સરસ કંપની આપે છે! ટ્રેનમાં સરખા ઉભા રહેવાની પણ જગા ન હોય તેવી સ્થિતીમાં પણ ગડી વાળેલું અખબાર તો હાથ ઉપર-નીચે-ડાબે-જમણે જ્યાં જગા મળે ત્યાં પકડી કે ફેરવી વાંચીજ શકાય! વાંચનનો આવો ગાંડો શોખ કેળવો તો પણ એમાં ખોટું નથી જ..!

રવિવાર, 14 નવેમ્બર, 2010

ઓબામા ભારતમાં...

મારા મિત્ર દર્શન દોડિયા(@DarshanDodia)એ થોડા દિવસો પહેલાં ઓબામાની ભારતની મુલાકાતને લગતાં ખૂબ મજાના, રમૂજી છતાં વિચારપ્રેરક ટ્વીટ્સ ટ્વીટર (http://www.twitter.com/) ઉપર કર્યા હતાં:


* ભગવાનના નામે આપણે હ્રદય ચોખ્ખું કરીએ છીએ,તહેવારોના નામે આપણે આપણા ઘર સ્વચ્છ કરીએ છીએ અને 'ઓબામા'ના નામે આપણે આપણું શહેર ચોખ્ખું કરીએ છીએ!

* છેવટે કોલાબાની કાયાપલટ થઈ ખરી!ઝાડછોડ વવાયા,શેરીઓ સ્વચ્છ કરાઈ,ભંગાર-કાટમાળ દૂર કરાયો,રસ્તાઓ પરના ડિવાઈડર્સ ફરી રંગાયા.થેન્ક યુ @ઓબામા!

* ઓબામાએ દર વર્ષે એક વાર ભારત યાત્રાએ આવવું જોઈએ.આ રીતે તો સરકાર સુરક્ષાને લઈને ખડે પગે સજાગ રહેશે!

ભલે આ રમૂજી લાગતું હોય પણ આપણે એવાં જ છીએ! પેલી કહેવત છે ને : 'આગ લાગે ત્યારે જ કૂવો ખોદવા બેસીએ.' તેને આપણે જાણે અનુસરતા હોઈએ છીએ.આપણે કામ મોટે ભાગે પાછું ઠેલીએ છીએ.આપણો સ્વભાવ જ બેદરકારીભર્યો થઈ ગયો છે.આપણે મોટે ભાગે દરેક વસ્તુને ગણકારતાં જ નથી.મોટા ભાગની ચીજોની આપણને પડી હોતી નથી.

બીજી એક બાબત એ છે કે આપણે કોઈ જોતું હોય ત્યારે જ કામ યોગ્ય રીતે કરીએ છીએ.ઓફિસમાં ઘણાં લોકો મેનેજર કે સુપરવાઈઝર ધ્યાન આપતો હોય તો જ કામ વ્યવસ્થિત રીતે કરે છે નહિંતર તેઓ કામચોરી કરે છે.મેં ક્યાંક વાંચ્યું હતું : ગુણવત્તા જ્યારે કોઈ જોઈ ન રહ્યું હોય ત્યારે પણ તમારો શ્રેષ્ઠ દેખાવ જાળવી રાખવામાં છે.

ઓબામા આવી રહ્યા હોવાને કારણે આપણે શહેરને ચોખ્ખુંચણાક બનાવી દીધું.જો પ્રધાનમંત્રી કે રાષ્ટ્રપતિ કે કોઈ મોટા નેતા આવવાના હોય તો તે સ્થળ ચકાચક બનાવી દેવાય છે,રોડની મરામત કરી દેવામાં આવે છે.આસપાસની જગાએ સુશોભીકરણ કરી તેને સુંદર બનાવી દેવાય છે.આવો દેખાડો શા માટે?આવું વલણ શા માટે?ફક્ત V.I.P.ઓ આવવાના હોય ત્યારે જ નહિં પણ હંમેશા આપણી આસપાસની વસ્તુઓ સારી રીતે ન રાખી શકાય?જાળવી શકાય?

આપણી બીજી એક ખાસિયત એ છે કે આપણે ઘેલાં છીએ!આપણે ખૂબ જલ્દી અંજાઈ જઈએ છીએ.સેલીબ્રીટી(ખ્યાતનામ વ્યક્તિ)ને આપણે દેવની જેમ પૂજીએ છીએ.તેમને આપણે અતિ નમ્ર બની જઈ ખૂબ માન આપીએ છીએ (અને ક્યારેક આપણી સૌથી વધુ દરકાર કરનારી વ્યક્તિનું માન આપણે બિલકુલ જાળવતા હોતા નથી)આપણે સ્વમાન જાળવતાં શીખવું જોઇએ.આપણાંથી મોટા હોદ્દાની કે લાયકાત ધરાવતી વ્યક્તિ આગળ ક્યારેક આપણે આપણી જાતને તુચ્છ ગણી સ્વમાન જાળવતા નથી.પણ આપણે દરેક વ્યક્તિને સમાન સમ્માન અને આદર આપતા શીખવું જોઈએ.
સમાજમાં ઘણો દંભ પ્રવર્તે છે અને આપણે પોતાની ખરી જાતને ભૂલી જઈ જીવતા હોઈએ છીએ. ઇશ્વરને પ્રાર્થના કે આ વૃુતિમાંથી બહાર કાઢી અમને સાચી અને સારી રીતે જીવતાં શીખવ.

શનિવાર, 6 નવેમ્બર, 2010

ગેસ્ટ બ્લોગ : આજ દિવાળી...

આજ દિવાળી, આજ દિવાળી,


દિવાળી નું મેરીયું ,....

ફટ ફટ ફટ ફટ ફૂટે ફટકા ,

ધન ન ન ધૂમ, ધન ન ન ન ન ધૂમ..

થાય ધડાકા ...

સ ર ર , સ ર ર ફૂટતી ફૂલ ઝ ડીયું,

દિવાળી નું મેરીયું...

સહુ વાચક મિત્રોને દિવાળી નિમિત્તે શુભકામના અને આવતાં નુતન વર્ષ નિમિત્તે અભિનંદન...

મિત્રો,

ઉપર લખેલું દિવાળી -ગીત મને મારા માં એ હું સાવ નાની હતી ત્યારે શીખવેલું, ત્યારે નાંનાં નાનાં છોકરાંઓ દિવાળી ને દિવસે શેરડી ના સાંઠા ઉપર કોડિયું બાંધી, કપાસ મૂકી, પ્રગટાવતા અને દિવાળીનું મેરીયું, દિવાળીનું મેરીયું કહી શેરી માં ઘૂમતા....
દિવાળી ની વાત કરવી એટલે એ તો બહુ જ મોટો, ના ના , વિશાળ વિષય કહેવાય.. દિવાળી એટલે વીતેલા વર્ષ નું સરવૈયું... જીવન ના આનંદ અને આત્માના ઉજાસનું પર્વ...બ્રહ્માંડમાં થી ... અવકાશમાંથી પણ કાળીચૌદશ ની વિશેષ કાળરાત્રીએ પ્રગટેલા દીપની આભા , ઉજાસ પામી શકાય.. આપણાં આત્માના દીપને પ્રગટાવી વિશ્વ ને ઉજાસ આપનારા ઉર્જસ્રોતમાં મેળવવાનું પર્વ, એટલે દિપાવલી પર્વ..

દિવાળી એટલે, જાતજાતના કોડિયા, દિપક પ્રગટાવવા, પહેલાના જમાનામાં શુદ્ધ ઘી તેલ ના દીપ પ્રગટાવવામાં આવતાં, પર્યાવરણ સંરક્ષણ નો દેકારો કરવાની જરૂર જ નહોતી.. આજે મીણબત્તીઓ પણ મૂકી દેવાય છે.

ફૂલ, પાન ના હાર- તોરણ બંધાતા..

 નવરાત્રી જાય એટલે તરત જ દિવાળીની તૈયારીઓ શરુ થઇ જતી... પહેલું કામ તાંબા -પિત્તળના વાસણો મન્જાવવાનું થતું. છાજલીઓ ઉપરથી મસમોટા તાંબા પિત્તળના વાસણો ઉતારીને તેને સોના જેવા ચકચકાટ કરાતા.. તેને માટે આંબલી અને નાળીયેરના છુન્છા અને ઈંટના પત્થરનો ભૂકો વપરાતો. મારવાડણો વાસણો માંજવા આવતી... પાછા તે વાસણોને મંજાઇ જાય એટલે લુછી ને તડકે સુકવતા. ઘરની છાજલી પર સજાવેલા સોના જેવા ચળકતા વાસણો તે ઘરની શાન ગણાતી . તે જોઇને ઘર કેવું સુખી છે તે મપાતું. હવે તો આ વાસણો એન્ટીક સંગ્રહાલયોમાં જોવા મળે છે.

જાતજાતની ભાતભાતની રંગોળી પુરવામાં આવતી...જો કે રંગોળી તો આજે પણ પુરીએ છીએ. રંગોળી પૂરવાની કલા વહુને સાસરામાં ખાસ સ્થાન અપાવતી, વહુ, દિયર, નણંદ, દેરાણી - જેઠાણી બધા સાથે મળીને રંગોળી પૂરતા, કૌટુંબિક ભાવના . વધતી... .. ફેમીલી બોન્ડ મજબુત થતું, રંગોળી ને ગાય, કુતરાથી બચાવવા તેની ઉપર પાટલા મુકવામાં આવતાં. કે પછી, કાથીના ખાટલા મુકતા. કોઈ અટકચાળા વળી કોઈએ પોણી રાત મહેનત કરીને પૂરેલી રંગોળી ને ચુપચાપ બગાડી પણ જતું ! ! અને રંગોળી બનાવનારના મોઢેથી ખુબ સ્વસ્તી વચન સાંભળવા મળતા. ...!

દિવાળી એટલે સેવ, સુંવાળી , મઠીયા, ઘૂઘરા, ચકરી, ચેવડો, મગસ, મોહનથાળ, કાજુ કતલી, ચોળાફળી ...વગેરે વગેરે ઢગલાબંધ મીઠાઈઓ..ફરસાણ ...ઘરમાં બનતા... શેરી મહોલ્લા, પોળ,ફળિયાના લોકો એકબીજાને આ બધું બનાવવામાં મદદ કરતાં.

( પહેલાના જમાનામાં આ બધી વાનગીઓ સામાન્ય રીતે દિવાળીમાં જ ખવાતી, આજના જમાનાની જેમ ઠેર ઠેર વેચાતી પણ નહોતી મળતી અને બહારથી લવાતી પણ નહોતી.. રોજ રોજ ખવાતી નહીં એટલે એનું મહત્વ ઘણું હતું. ).

પૂજા ઉપરાંત ટોટકા પણ નિભાવતા. કાળી ચૌદશને દિવસે માથા ધોવાના, સાંજે કકળાટ કાઢવાનો - અડદના વડા અને પૂરી ચાર રસ્તે જઈને મૂકી આવવાના, પાછું વાળીને નહીં જોવાનું.... વગેરે વગેરે...

હનુમાનજી ને તેલ ચડાવવાનું...શ્રીફળ વધેરવાનું...


ફટાકડામાં તારામંડળ, બપોરિયા, (રંગીન દીવાસળી) સાપ, ચકરડી, લૂમ, બોમ્બ, જલેબી, કોઠી .... ક્યારેક વળી હવાઈઓ ઉડીને કાકાના ધોતિયામાં પણ ઘુસી જતી....અને યુવાનીયાઓને જોણું થતું તો કાકાને ભારે થતી....કોઈ વાર આ મુદ્દે લડાઈ ઝઘડાઓ પણ થતાં...


ગુજરાતમાં દિવાળી પછીના દિવસને બેસતું વર્ષ ગણે છે.. દિવાળીની રાત મહત્વની. બેસતા વર્ષ ને દિવસે વહેલી સવારે નાનાં નાનાં છોકરાંઓ સબરસ એટલે કે મીઠુ લઈને આવતાં.. તે ચુપચાપ લઇ લેવાનું, જે આપવું હોય તે આપીને ,એટલે કે ૪ આના, દસ પૈસા કે જે મન થાય તે આપીને ચપટી મીઠુ ખરીદી લેવાનું.. શુકન ગણતા . પછી વહેલા દેવ દર્શન અને પછી તરત ઘરના -કુટુંબના વડીલોના આશીર્વાદ લેવાના... લોકો સવારથી દોડતા હોય..નવા નવા કપડાં.પહેર્યા હોય..લોકો હારણ દોરણ દોડતા હોય..

અગીયારશથી માંડીને લાભ પાંચમ સુધીના દિવસો અતિ શુભ મનાય છે. કહે છે કે જેણે દિવાળી જોઈ તો જોઈ... કોને ખબર આવતા વર્ષે કોઈ ક્યાં હશે ? એટલે સહુ દિવાળી નિમિત્તે એકબીજાને ખુબ પ્રેમથી મળે, સ્નેહમિલનો યોજાય... પાછલું બધું ભૂલીને નવા વર્ષે નવેસરથી એકડો ઘૂંટવાનો નિર્ધાર કરે.

અને બાળકો માટે તો સૌથી મહત્વનું, દિવાળીની બોણી મળતી તે ...! પહેલાં તો એક રૂ . કે બહુ બહુ તો બે રૂ, ની બોણી મળતી... તેમાં સહુ ખુશ... વેપારી વર્ગ સિવાય ગિફ્ટો આપવાનો કંઈ રીવાજ થોડો હતો ?


મને કોઈ પૂછે , દિવાળીની યાદો.... તો કહીશ કે આજથી વર્ષો પહેલાં મારા ઘરમાં એટલે કે નડિયાદમાં અમારા ઘરમાં દિવાળી માણી છે તેવી ક્યારે ય નથી માણી..મને હજુયે નડિયાદના નારણદેવ ના મંદિરની દીપમાળ યાદ છે, આજે પણ અંબિકા માતાના મંદિરના દર્શન યાદ છે..ડભાણ ભાગોળે આવેલા સાઠોદરા નાગરના હાટકેશ્વર મંદિરમાં બેસતા વર્ષે સવારના છ વાગતામાં યોજાતું સ્નેહમિલન અને પ્રાર્થના યાદ છે...દાદા -દાદી, માં -પપ્પા , કાકા - કાકીના આશીર્વાદ અને નાનાં ભાઈના વહાલભરી દિવાળી એ જ ખરી દિવાળી.. ઘરના બધા જ સભ્યો સાથે મળીને માણેલો દિવાળીનો આનંદ આજે પણ હૈયે સ્વર્ગ જેવો જ વસેલો છે. તેને ઝૂરું છું..કાશ સમય પાછો આવે અને ફરી તે દિવાળી માણવા મળે...પણ મને પણ ખબર છે કે સમય પાછો નહીં આગળ વધે છે..આજના વૈશ્વિકરણના જમાનામાં બાળકો પોતાની કારકિર્દી ઘડવા પરદેશ ઉડી જાય છે , ત્યારે ઘર, બાળકો વગર સુના માળા જેવું ભાસે છે, એટલે જ કહું છું કે આજની ઘડી રળિયામણી. કાલની કોને ખબર છે ? .ચાલો આજે આપણે સહુ આજની ઘડીને માણીએ અને આજે આપણે સહુ સાથે છીએ તે ઘડીને દિવાળી મનાવીએ..મતભેદોને મનભેદો ના બનવા દઈએ, કોઈને સાથ આપીએ, સહારો દઈએ, નીતિમત્તાના મૂલ્યોનું જતન કરીએ, હૈયાના આનંદને આત્માના ઉજાસના પર્વમાં બદલી નાખીએ કે ઘેર ઘેર દીપ પ્રગટે, અને સહુના આત્માનો ઉજાસ દિપાવલી બનીને બ્રહ્માંડમાં છવાય ..... અસ્તુ..


મૈત્રેયી મહેતા,
mainakimehta@yahoo.co.in

શુભ દિવાળી, નુતન વર્ષાભિનંદન .....

રવિવાર, 31 ઑક્ટોબર, 2010

સ્વિમીંગ (ગોલ્ડન જ્યુબિલી સ્પેશ્યલ)

[
વ્હાલા વાચકમિત્રો,


આજે ‘બ્લોગને ઝરૂખેથી…’ની ગોલ્ડન જ્યુબિલી છે એટલે કે આજે આ કટારનો પચાસમો લેખ તમારી સમક્ષ રજૂ કરતા એક ખૂબ આનંદની લાગણી અનુભવી રહ્યો છું.આ કટારમાં આપણા જીવનમાં, આપણી આસપાસ બનતા બનાવો કે કંઈક ખાસ હોય કે હ્રદયને સ્પર્શી ગઈ હોય એવી વાત આપણે બીજાઓ સાથે શેર કરીએ છીએ.’આપણે’ એટલા માટે લખ્યું છે કારણ મહિનામાં એક બ્લોગ તમારામાંના એક વાચકનો હોય છે, જે ગેસ્ટ બ્લોગ તરીકે અહિં છપાય છે.મને ખૂબ સારું લાગે છે જ્યારે તમે પણ અહિં કંઈક લખી તમારી ભાવનાઓ, તમારા વિચારો બ્લોગના માધ્યમથી બીજાઓ સાથે શેર કરો છો. અહિં છપાયા બાદ દરેક બ્લોગ http://blognezarookhethee.blogspot.com પર પણ પબ્લિશ કરવામાં આવે છે જે ઇન્ટરનેટ દ્વારા વિશ્વભરના લાખો લોકો સુધી પહોંચે છે.


શનિવારે જન્મભૂમિની ‘મહેક’ પૂર્તિમાં છેલ્લા સાત વર્ષથી નિયમિત રજૂ થતી મારી કટાર 'ઇન્ટરનેટ કોર્નર' (જેના પાંચ પુસ્તકો કથાકોર્નર,મહેક,કરંડિયો,આભૂષણ અને ઝરૂખો ગૂર્જર ગ્રંથરત્ન દ્વારા પ્રકાશિત થઈ ચૂક્યા છે) જેટલો જ પ્રેમ તમે મારી આ કટારને પણ આપ્યો છે એ વાતની મને બેહદ ખુશી છે અને એ માટે હું તમારા સૌનો આભાર માનું એટલો ઓછો છે.બસ, આ કટાર વાંચતા-વંચાવતા રહેજો, તમારા વિચાર - અભિપ્રાય મારી સાથે અને બીજા વાચકો સાથે આ કટારના માધ્યમથી શેર કરતા રહેજો એવી નમ્ર વિનંતી સાથે તમને સૌને હ્રદયપૂર્વકના વંદન!

- વિકાસ ઘનશ્યામ નાયક

]
 
છેલ્લાં ઘણાં સમયથી મારી એક અતિ મનપસંદ પ્રવ્રુત્તિ હું મિસ કરું છું - સ્વિમીંગ. મારા ઘર નજીક આવેલ કાંદિવલીના સ્વિમીંગ પુલમાં ત્રણેક વર્ષ નિયમિત તર્યા બાદ જાણે મને એની આદત પડી ગઈ હતી.પણ મુંબઈમાં પાણીની ઉદભવેલી તંગીને કારણે બી.એમ.સી એ બધાં જ સ્વિમીંગ પુલ બંધ કરાવી દીધા અને મારી આ મનપસંદ પ્રવ્રુત્તિ પર અનિચ્છાએ બ્રેક લાગી ગઈ.મેં સ્વિમીંગ કંઈ ફક્ત કસરત કે શરીર સ્નાયુબદ્ધ બનાવવાના આશયથી જ નહોતું શરૂ કર્યુ. પણ આ એક એવી પ્રવ્રુત્તિ હતી જે મારા મનને સાચો આનંદ આપતી હતી, આપે છે! સ્વિમીંગ એક ઉમદા શોખ છે.


ઉનાળા દરમ્યાન સ્વિમીંગથી વધુ સારી કસરત બીજી કઈ હોઈ શકે?શિયાળામાં આમેય ઠંડી હોય અને ઉપરથી સ્વિમીંગ પુલનું ઠંડુ પાણી જો સંપર્કમાં આવે તો તબિયત બગડવાની શક્યતાને કારણે સ્વિમીંગ થોડો સમય બંધ થઈ જાય, પણ ફરી ચોમાસામાં સ્વિમીંગની મજા જ કંઈક ઓર હોય છે! ચોમાસામાં સ્વિમીંગ એટલે ઉપર-નીચે આજુબાજુ બધે પાણી જ પાણી! ચોમાસુ શરૂ થતા પહેલા પણ સાંજે જ્યારે વાતાવરણ વાદળિયું હોય અને સંધ્યા ખિલવાને કારણે આકાશમાં કેસરી,પીળા અને લાલ જેવા રંગોની મનમોહક રંગોળી રચાઈ હોય એ વખતે સ્વિમીંગની આહલાદક મજા તો ત્યારે જેણે સ્વિમીંગ કર્યુ હોય તે જ અનુભવી શકે!અને પછી ધીમે ધીમે વર્ષાના છાંટણા શરૂ થાય.પહેલા આછાં આછાં અને નાના નાના અને ધીરે ધીરે તેમનું કદ વધતું જાય અને પછી જ્યારે વરસાદ પૂર જોશમાં શરૂ થઈ જાય ત્યારે તમે સ્વિમીંગ પુલમાં જ હોવ તો સ્વર્ગીય સુખ જેવી અનુભૂતિ થાય!

યોગામાં જેમ વિવિધ વિવિધ યોગાસનો હોય છે તેમ સ્વિમીંગ પણ જુદી જુદી રીતે કરી શકાય છે: દેડકાની જેમ (ફ્રોગ સ્ટાઈલ), પતંગિયાની જેમ(બટરફ્લાય સ્ટાઈલ), પાણીમાં અંદર/નીચે તળિયે(અન્ડરવોટર), ઉંધા (બેક સ્ટ્રોક) વગેરે વગેરે.ઉંધા એટલેકે પાણીને પથારી બનાવી આંખો આકાશ તરફ રહે એમ તરવું મને સૌથી વધુ પસંદ છે.આ રીતે તરતી વખતે તમે બન્ને હાથ એક સાથે માથા પરથી શરૂ કરી કમર તરફ લાવી હળવા ઝટકા સાથે આગળ વધતા તરી શકો અથવા એક હાથ માથાથી કમર તરફ અને બીજો કમરથી માથા સુધી લઈ જઈ તરી શકો.આંખો આકાશ તરફ હોવાથી તમે ઉપરનું દ્રષ્ય જોતા જોતા તરી શકો. મને આ રીતે પાણીની પથારી પર ઉંધા સૂતા સૂતા શાંતિથી તર્યા કરવું બેહદ પસંદ છે.મને આ રીતે તરતી વેળાએ કુદરત સાથે પ્રત્યક્ષ જોડાયાની લાગણીનો અનુભવ થાય છે - આકાશ નિરખતા, વાદળાં કે ઉપર ઉડતાં પંખીઓ સાથે કે ક્યારેક વિમાન સાથે સ્પર્ધા કરતા, તેમની સાથે વાતચીત કરતા કરતા હું પણ કુદરતનો જ એક અંશ હોઉં એવી લાગણી મને થાય છે...ક્યારેક તો પેલા વાણિયા નામના જંતુ (બાળકો જેને 'હેલિકોપ્ટર' તરીકે બોલાવતા હોય છે) પણ મારી સાથે કે બાજુમાં ઉડે અને હું તેની સાથે પણ વાત કરું! બેક સ્ટ્રોકની આ સ્ટાઈલ એક જાતના મુક્તપણાનો પણ અહેસાસ કરાવે છે.થોડી ક્ષણો માટે દુન્યવી ચિંતાઓ, પરેશાનીઓથી આઝાદીનો અનુભવ તમે ચોક્કસ કરી શકો છો આ સ્ટાઈલમાં તરીને. આ પ્રકારે સ્વિમીંગ કરતી વખતે એમ પણ લાગે કે જાણે સમગ્ર ધરાની ગતિ ધીમી પડી ગઈ છે. પણ જ્યારે પુલમાં બીજું પણ કોઈ આ જ સ્ટાઈલની મજા માણી રહ્યું હોય તમારી વિરુદ્ધ દિશામાં અને તમારી જ સીધી રેખામાં,અને એ તમને ભટકાય ત્યારે તમે પાછા એ સ્વપ્નવત સ્થિતીમાંથી ભાનમાં આવી જાઓ છો.(પાછા પ્રુથવી પર તો કહેવાય નહિં કારણ તમે પાણીમાં હોવ છો !)અને ત્યારે જો યોગ્ય સંતુલન તરત જાળવી ન લો તો ડૂબી જવાના પૂરા ચાન્સીસ!

સ્વિમીંગ સાથે જ ડાઈવિંગ અને જંપિંગ પણ સંકળાયેલા છે.ડાઈવિંગ એટલે પાણીમાં એ રીતે ધુબાકો મારવો કે તમારું માથું પહેલા પાણીમાં પ્રવેશે અને આખું શરીર પછી. જ્યારે જંપિંગમાં આનાથી ઉંધુ એટલે કે કૂદકો મારતી વખતે પહેલા તમારા પગ પાણીમાં જાય અને છેલ્લે માથુ.મેં એકાદ માળ જેટલી ઉંચાઈએ થી ડાઈવ મારવાની મજા ઘણી વાર અનુભવી છે.આ રીતે પાણીમાં કૂદવું ખૂબ રોમાંચકારક છતાં ભયજનક, પણ મજેદાર હોય છે!જ્યારે એક-બે માળ જેટલી ઉંચાઈએ તમે ડાઈવ બોર્ડ પર ઉભા હોવ ત્યારે ભયનું લખલખું તમારા શરીરમાંથી પસાર થયા વિના રહે નહિં પણ એક વાર હિંમત કરી કૂદી પડો ત્યારે તમને તો આ સાહસ બદલ ગૌરવ મિશ્રિત હર્ષની લાગણી થાય જ પણ તમને ડાઈવ કરી,પાણીમાં પડતા જોનારને પણ ચોક્કસ મજા પડે છે!ડાઈવ બોર્ડ પર થી હાથ ઉંચા કરી શરીર ધનુષાકારે વાળી તમે તીર છૂટે એમ પાણીની દિશામાં જંપ લાવો છો અને ક્ષણવારમાં જ ધબાક કરતા અવાજ સાથે પાણીની છોળો ઉડે છે.તમે જેટલી વધુ ઉંચાઈએ થી કૂદો છો,પાણીમાં એટલા વધુ ઉંડા જઈ પહોંચો છો અને ત્યાં પાણીમાં ઉંડે ઉંડે થોડી ક્ષણો માટે તો તમે સમય,સ્થળ,દિશા વગેરે બધાનું ભાન ગુમાવી બેસો છો!પણ જલ્દી જ પાછા સામાન્ય સ્થિતીમાં આવી જઈ તમારે પાણીની સપાટી તરફ પ્રયાણ કરી ઉપર આવતા રહેવું પડે છે,બીજો ધુબાકો મારવા!ખરેખર આ એક ખૂબ મજાનો અનુભવ છે!

અન્ડરવોટર સ્વિમીંગમાં પણ જુદા જ પ્રકારની મજા આવે છે.માછલીઓ સતત પાણીની અંદર રહીને જેવું અનુભવતી હશે તેવો અનુભવ તમે અન્ડરવોટર સ્વિમીંગ વખતે કરી શકો. આ પ્રકારે તરવા માટે ખાસ પ્રકારના પાણીની નીચે પહેરી તમે ચોખ્ખુ જોઈ શકો તેવા ગોગલ પણ બજારમાં મળે છે. મારે હજી સ્વિમીંગની આ રીત બરાબર શીખવાની બાકી છે.

આપણા શહેરી જીવનની દોડધામમાં આપણે મનપસંદ શોખ કે પોતાના સ્વાસ્થ્ય માટેય થોડો ઘણો સમય ફાળવી શક્તા નથી પણ આપણે સ્વિમીંગ જેવી કોઇ પ્રવૃત્તિ માં જોતરાઈ શરીર અને મન બન્ને ને થોડો ચેન્જ આપવો જ જોઈએ.સુખથી જીવવાનો એ સાચો અને સરળ ઉપાય છે.

કોઈ સાથે ખરાબ વર્તન કરશો નહિં...(પ્રતિભાવો)

[ગયા અઠવાડિયાના બ્લોગમાં મને થયેલા એક સારા અને બીજા ખરાબ અનુભવની વાત

કરી અને લોકોનું આપણી સાથેનું વર્તન કેવી અસર કરે છે એ વિષે વાત કરી. મૂળ
અંગ્રેજીમાં મેં લખેલા આ બ્લોગ પર મારા ઘણા વાચક મિત્રોએ ઘણી રસપ્રદ
કમેન્ટ્સ લખી હતી જે આજે અહિં ગુજરાતીમાં વાંચીએ.]

કમેન્ટ્સ:


માનવીય વર્તન પરનો બ્લોગ સરસ હતો.આપણામાંના દરેક રોજબરોજ ખરાબ વર્તન
કરતાં લોકોના સંપર્કમાં આવતા હોઈએ છીએ. મારા અંગત મતે,ખાસ કરીને શહેરોમાં
લોકો પોતાની અંગત અને વ્યવસાયિક જિંદગી વચ્ચે ભેદરેખા જાળવી શક્તા
નથી.એમાં વળી ઓછું હોય એમ કામકાજ તેમજ તે માટે કરવી પડતી રોજબરોજની
મુસાફરીનો તણાવ,લોકોની અંગત તેમજ વ્યવસાયિક નિષ્ફળતાઓ દ્વારા ઉદ્ભવતો
અસંતોષ વગેરે વગેરે જેવી પળોજણોને લીધે માણસ તેના સહકર્મચારી કે તેના હાથ
નીચે કામ કરતા માણસો કે ગ્રાહકો સાથે સામાન્ય સૌજન્યશીલતા પણ દાખવવાનું
ભૂલી જઈ ક્યારેક ઉદ્ધતાઈથી વર્તી બેસે છે.જ્યારે આપણો પનારો આવી વ્યક્તિ
અને પરિસ્થિતિ સાથે પડે ત્યારે મોટે ભાગે આપણે તેમની કે તેમના વર્તનની
દરકાર ન કરવી જોઈએ.ઘણી વાર તો આપણે તેમની પાસેથી આપણું કામ પણ કઢાવવાનું
હોય છે.જો તેમનો સામનો કરવા જઈએ તો આપણું કામ પણ અટકી જઈ શકે છે.ઘણા લોકો
જ્યાં સુધી તેમનું કામ થઈ રહ્યું હોય ત્યાં સુધી સામે વાળાની ગમે તેવી
વર્તણૂંક ચલાવી લેતા હોય છે.પણ એક વાર તેમનું કામ પતી ગયા પછી પેલી
વ્યક્તિ તેમને ફરી ક્યારેય ક્યાંય ન ભટકાય એમ મનોમન ઇચ્છે છે.આમ ઘણી વાર
આંખ આડા કાન કરવા એ જ સૌથી વ્યવહારુ ઉપાય બની રહેતો હોય છે.
હું માનું છું કે આ બધા અસભ્ય વર્તન કરતા લોકો પાસે એ રીતે વર્તવા
માટેનું વ્યાજબી કારણ હોય છે.પણ તેઓ સમજતા નથી કે પોતાનો રોષ બીજાઓ પર
ઠાલવી કે ખરાબ રીતે વર્તી તેમની મૂળ સમસ્યા કંઈ ઉકેલાઈ જવાની નથી.
મને લાગે છે સમય સાથે આ વલણ વધતું જ જવાનું જેમ જેમ ગળાકાપ સ્પર્ધા
વધવાની, લોકોની મહત્વકાંક્ષાઓ વધવાની અને પરિણામે જેમ જેમ તણાવ વધતો
જવાનો...

અને આપણામાંના મોટા ભાગના આ મુશ્કેલી અને તેના ઉપાયો જાણીએ છીએ...

ફરી એક વાર આવા સુંદર મુદ્દા પર બ્લોગ લખવા અભિનંદન...બ્લોગ લખતો રહે...

- જયેશ જોશી (મલાડ - મુંબઈ)એક મહત્વના મુદ્દા વિષે ચર્ચા છેડીને આ બ્લોગ થકી તે ખૂબ સારો પ્રયાસ
કર્યો છે, વિકાસ. મને તારી આ પોસ્ટ ખૂબ ગમી છે. હું તે જે સૂચન કર્યું છે
તે સમજી શકું છું.આપણે બીજાઓ આપણો સંપર્ક સહજતા અને સરળતાથી કરી શકે
તેવું વ્યક્તિત્વ વિકસાવવું જોઈએ. જ્યારે આપણે કોઈ સમસ્યા લઈ બીજી
વ્યક્તિ પાસે જઈએ ત્યારે સામે વાળી વ્યક્તિ ખૂબ સારા અને ઉત્સાહી મૂડમાં
હોય એ જરૂરી બની રહે છે.અથવા એ તમને પ્રેમથી બોલાવે અને સાંભળે એમ થાય તો
સારું. તમે જ્યારે આવી વ્યક્તિ પાસે જાઓ ત્યારે તમને માન આપી તેણે તમારી
કદર કરી તમને સમય આપવો જોઈએ અને તેણે તમે જે કહો છો તેના પર ધ્યાન આપી
તમને મદદ કરવાના તમામ પ્રયત્નો કરવા જોઈએ.
પણ તારા ડોક્ટર સાથેના અનુભવની વાત વિષે મારું એમ માનવું છે કે કદાચ તે
પોતાના અંગત કે વ્યવસાયિક જીવનમાં કોઈ મુશ્કેલીનો સામનો કરી રહ્યા
હશે.કોઈ સમસ્યા કે ચિંતાને કારણે તે તારી સાથે સૌજન્યતા પૂર્વકનો વ્યવહાર
કરવાનું ચૂકી ગયા હશે.હંમેશા કોઈ જાણી જોઈને આવું વર્તન નથી કરતું.દરેક
માણસ પોતાનાથી બનતા સારા બનવાના પ્રયત્ન કરતો જ હોય છે પણ બધાં કંઈ
'પરફેક્ટ' નથી હોતાં...ઘણી વાર બધાં માટે એક સાથે એક કરતા વધારે કામ કે
પ્રવૃત્તિ કરવી શક્ય કે સરળ નથી હોતું. આવે વખતે આપણે સામે વાળાને સમજી
તેને થોડી છૂટ આપવી જોઈએ.
કદાચ તું મારા મત સાથે સંમત ન પણ થાય.પણ મારી સાથે થયેલા અનુભવ પરથી હું
આમ વિચારું અને કહું છું..!

- અમૃતા (પુણે)ખૂબ સરસ લેખ વિકાસ! તમે હંમેશા સરસ મજાના વિષયો પસંદ કરતા હોવ છે અને આ
વખતનો ટોપિકતો ખૂબ મહત્વનો પણ છે જે આપણને યાદ અપાવે છે કે આપણી
રોજબરોજની અતિ વ્યસ્ત જિંદગીમાં આપણે કેટલી વસ્તુઓ કરવાની ભૂલી જતા હોઈએ
છીએ અને કેટલીયે ભૂલો પણ અજાણતા કરતા હોઈએ છીએ.
હું તમારી સરકારી કચેરીઓની વાત સાથે સંપૂર્ણ સહમત થાઉં છું. માન્યું કે
તેમને તેમની અનેક મુશ્કેલીઓ હશે પણ એનો અર્થ એમ નથી થતો કે તેઓ તેમનું
ફ્રસ્ટ્રેશન (હતાશા અને ગુસ્સો) બીજાં ઉપર ઉતારે.જો તેમને ખરેખર જ ખૂબ
મુશ્કેલીઓ હોય તો તેમણે સરકારી નોકરી છોડી ખાનગી ખાતામાં નોકરીએ લાગી
જવું જોઈએ! પણ એ તો તેઓ ક્યારેય નહિં કરે કારણ:
અનામત, નોકરીની સુરક્ષિતતા, લાંચ દ્વારા થતી વધારાની આવક,તેમને મળતી
સુવિધાઓ (જેવી કે રેલવેમાં આરક્ષણ,શાળાઓમાં તેમના બાળકોનું
એડમિશન,કોલેજોમાં તેમને મળતું પ્રાધાન્ય) અને આવા તો બીજા અનેક લાભો
તેમને મળતા હોય છે તેમના તરફથી રખાતી કામની અપેક્ષા તેઓ સંતોષતા ન હોવા
છતાં.આ બધું શું તેમને ખાનગી કંપનીમાં મળી શકે?ના...કદાપિ નહિં.તમે જો
સરકારી કર્મચારી તેમના નિયત કાર્યો સારી રીતે કરે છે કે નહિં એ જાણવા
અંગે મત લો તો તમને ચોક્કસ નિરાશા જ સાંપડશે.
આમ શા માટે?લોકો વચ્ચે રહેલી અસમાનતાને લીધે, તેમના સમાજે પાડેલા ભાગલાને
લીધે.આપણે સાચા અર્થમાં પ્રગતિ ત્યારે જ કરી શકીશું જ્યારે સમાજમાંથી બધા
દૂષણો નાશ પામશે.આ માટે આપણે જાતિ, વર્ગ અને ધર્મ વચ્ચેના ભેદભાવોને ભૂલી
જવા પડશે.

મને પેલી 'આઈડિયા' મોબાઈલની ખૂબ મજાની એડ યાદ આવે છે જેમાં લોકોને તેમના
નામ, અટક,જાતિ વગેરેથી નહિં પણ એક અલાયદા ફોનનંબર જેવી ખાસ ઓળખથી બોલાવવા
જોઈએ!

ઘણાં લોકોને એવી આદત હોય છે કે તરત તેઓ સામેવાળાને પૂછશે: તમે કઈ જાતના?
મને નથી સમજાતું શા માટે તેઓ આવી મનોવૃત્તિ ધરાવતા હશે? આપણે ચોક્કસ
બદલાવું પડશે.

ચાલો આપણે શરૂઆત કરીએ સ્મિત આપીને અને બધાં સાથે નમ્રતાપૂર્વક વર્તવાનો
નિયમ બનાવીને!

- સુનિલકુમાર મૌર્ય (અંધેરી - મુંબઈ)

શનિવાર, 23 ઑક્ટોબર, 2010

કોઈ સાથે ખરાબ વર્તન કરશો નહિં...

ક્યારેય કોઈ સાથે ખરાબ વર્તન કરશો નહિં કારણ તમે કોઈને કેવી રીતે ટ્રીટ કરો છો એ તે વ્યક્તિને સદાય યાદ રહેતું હોય છે.અને કોઈ સાથે ખરાબ રીતે વર્તવું પણ શા માટે જોઈએ?આજે દરેકનું જીવન પૂરતા તણાવ,મુશ્કેલીઓ,ચિંતાઓથી ભરેલું હોય જ છે તો પછી સરસ મજાના સચ્ચાઈપૂર્વકના સ્મિત દ્વારા થોડી ખુશી શા માટે ન ફેલાવવી કે કોઈની સાથે સારું વર્તન કરી તેનો મૂડ સુધારી કેમ ન શકીએ?કોઈને સારુ મહેસૂસ કરાવી આપણે કેટલું સારુ અનુભવીએ છીએ એનો અખતરો ક્યારેક કરી જોજો!


કેટલાક લોકો એવું સોગિયુ મોઢુ લઈને ફરતા હોય કે તેમની સાથે વાત કરવાનું મન જ ન થાય.તો કેટલાક ચહેરા તો વળી એટલા ઉદાસી ભર્યા અને ગમગીન હોય કે તેમની સાથે વાત કરવી તો દૂરની વાત, તેમની સામે જોવાનું પણ મન ન થાય.આવા બોસના હાથ નીચે કામ કરતા બિચારા માણસની દુર્દશાની તો કલ્પના જ કરવી રહી!

બીજે છેડે એવા પણ કેટલાક લોકો હોય છે જેમના ચહેરા પર સુંદર મજાનું સ્મિત સદાય રમતું જોવા મળે જેના કારણે તેઓ 'ક્યૂટ' દેખાય છે!આવા લોકો વ્યસ્ત હોય છતાં આપણને મુશ્કેલી સમયે તેમનો સંપર્ક કરવામાં સંકોચનો અનુભવ ન થાય.તેઓ વ્યસ્તતા વચ્ચે પણ સમય કાઢી તમને સસ્મિત આવકારશે.જેને આવો બોસ મળે તેવી વ્યક્તિના સદનસીબનું તો પૂછવું જ શું?

આ બ્લોગ થકી મને થોડા સમય પહેલા થયેલાં બે અનુભવો મારે વર્ણવવા છે,એક સારો અને એક ખરાબ.આ બન્ને અનુભવો પરથી આપણે જોઈ શકીશું કે તમે બીજા સાથે કરેલું વર્તન તેમના પર કેવી અસર કરે છે.

પહેલા સારો અનુભવ.સાત-આઠ વર્ષ પહેલા એન્જિનિયરીંગ ડીગ્રી અભ્યાસ પૂરો કર્યો હતો એ કોલેજમાં એક કામ પડતા જવાનું થયું.જેને સરકારી ઓફિસમાં કંઈક કામ પડ્યું હશે તેમને મોટા ભાગે અતિ ઉદ્ધત અને અમાનવીય વ્યવહાર કરનારા સરકારી કર્મચારીનો અનુભવ થયો હશે.તેઓ સામે વાળા સાથે એવું વર્તન કરે છે કે તેમને ધિક્કારવાનું મન થાય.તેઓના આવા વ્યવહાર અને વર્તનને કારણે જ સરકારી ખાતાની છાપ તદ્દન બગડી ચૂકી છે.તમારું કામ કઢાવવા તમારે કેટલા ભાઈ-બાપા કરવા પડે અને ક્યારેક તો લાંચ વગર તમારું કામ થાય જ નહિં.ભગવાન કરે ને આવ લોકો સાથે આપણો પનારો ક્યારેય ન પડે.

મારી કોલેજમાં ક્લાર્ક તરીકે એક યુવતિ કામ કરતી જે દેખાવે ભલે સુંદર ન હતી પણ તેના ચહેરા પર સદાય રમતું મોટુ સ્મિત અને વાચાળ સ્વભાવને કારણે મને અને તેની સાથે કામ પડ્યુ હોય એવા સૌને તેની સાથે વાતો કરવી ગમતી.તેની સદાય હસતા રહેવા સિવાયની બીજી એક લાક્ષણિકતા એ હતી કે તે બધા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને નામથી બોલાવતી.જ્યારે જ્યારે અમારે કંઈક ઓફિસનું કામ પડે - રેલવે પાસનું કન્શેસન લેવાનું હોય કે નવા સેમિસ્ટરની ફી ભરવાની હોય,અમારે મંજુમેડમ પાસે જવાનું થાય અને લાંબો સમય કતારમાં ઉભા રહ્યા બાદ જ્યારે અમારો નંબર આવે એટલે સૌને તેમના પોતપોતાના નામથી સંબોધન કરી એ ફોર્મમાં જરૂરી વિગતો ભરવામાં મદદ પણ કરે અને સાથે સાથે બીજી થોડી ઘણી સામાન્ય વાતો કરવાનું પણ ચૂકે નહિં.મંજુમેડમના ચહેરા પરનું સરળ મોટું સ્મિત અને પહેલા નામથી બોલાવી પ્રદર્શિત કરેલી આત્મિયતા સૌને ખૂબ ગમતી અને કતારમાં લાંબા સમય ઉભા રહ્યાનો થાક કે બીજી મુશ્કેલીઓ પણ તેટલા સમય પૂરતી તો ભૂલાઈ જ જતી.તેમનો પોતાનું કામ કરતા કરતા (જેમકે ફોર્મ પર કોલેજનો સ્ટેમ્પ મારતા,ફોર્મમાં અમે કરેલી ભૂલો શોધી તે સુધરાવતા કે પૈસા ગણતાં ગણતાં) સામે વાળા સાથે થોડી વાતચીત કરી તેને સારુ લાગે તેવું વર્તન કરવાનો આ ગુણ આપણે શિખવા જેવો ખરો.

હવે જ્યારે સાત-આઠ વર્ષ પછી મારે કોલેજની ઓફિસમાં જવાનું થયું કે સૌ પહેલા મને મંજુ મેડમ યાદ આવ્યા અને વિચાર આવ્યો શું હજી તે કોલેજની ઓફિસમાં નોકરી કરતા હશે?સાત-આઠ વર્ષનો ગાળો કંઈ ટૂંકો ન કહેવાય!પણ મંજુમેડમ ત્યાં હતાં!અને જેવો હું તેમની પાસે ગયો કે તરત તેઓ તેમના સરળ ટ્રેડમાર્ક સાથે બોલી ઉઠ્યા ,"કેમ છે વિકાસ?" મને એક સુખદ આંચકો લાગ્યો!આટલાં વર્ષો પછી પણ તેમને મારું નામ યાદ હતું!મારા કોલેજ છોડ્યા બાદ હજારો નવા વિદ્યાર્થીઓ એ કોલેજમાંથી પાસ થઈ ચૂક્યા હશે,પણ હજી મંજુ મેડમને મારું નામ યાદ હતું!મેં તેમને સ્મિત આપ્યું અને મારું કામ પતાવી આપવા બદલ તેમનો આભાર માની કોલેજમાંથી વિદાય લીધી,પણ એ દિવસે મને એટલું સારું લાગ્યું કે હું આ નાનકડી સામાન્ય ઘટના ક્યારેય ભૂલી શકીશ નહિં.ક્યારેક તમારી નાનકડી એવી કોઈક વર્તણૂંક દ્વારા તમે સામેની વ્યક્તિને દર્શાવો છો કે તમને તેના પ્રત્યે લાગણી છે,તમે તેમને માન આપો છો,તમને તેની પરવા છે.અને આ એક ઉમદા બાબત છે.તમે કોઈકને સારુ લાગે એવું કંઈક કરો અને જુઓ તમને પણ કેટલું સારુ લાગે છે.

હવે બીજા પ્રસંગની વાત કરું.મારે એક વાર એક ઈ.એન.ટી. (કાન,નાક,ગળાના) ડોક્ટરની મુલાકાત લેવાનું થયું.ક્લિનિકમાં એકાદ કલાક બેઠાંબેઠાં કોઈક કાનના તો કોઈક નાક તો કોઈક ગળાના દર્દીને જોતા જોતા જેમતેમ સમય પસાર કર્યો અને જ્યારે મારો નંબર આવ્યો ત્યારે ડોક્ટરની કેબિનમાં પ્રવેશ્યો ત્યાં જ તેમણે મારી સામે એવી દ્રષ્ટીએ નાંખી કે જે જોઈ મને સારી લાગણી ન થઈ.એક ડોક્ટર જો દર્દીને સ્મિત આપી તેને આવકાર આપે તો તેનું અડધુ દરદ ત્યાં જ ઓછું થઈ જાય.પણ આ ડોક્ટરના તંગ ચહેરા પર એવા કોઈ આવકારના ભાવ નહોતા.મેં મારા દરદ વિષે કહેવું શરૂ કર્યું પણ ડોક્ટરે તેમાં રસ દાખવવોતો દૂર રહ્યું,મારી વાત પણ ધ્યાનથી પૂરે પૂરી ન સાંભળી.તેમણે મને ઉતાવળે એક-બે દવા લખી આપી.મને બે ઘડી માટે તો વિચાર આવ્યો કે મને કંઈક પ્રોબ્લેમ છે કે તે ડોક્ટરને?મેં તે ડોક્ટરની કેબિન છોડી કંઈક અંશે એક અણગમા ભરી લાગણી સાથે.મારો મૂડ બગડી ગયો.આ દિવસ અને ઘટના પણ હું ક્યારેય ભૂલી શકીશ નહિં.હું આ ડોક્ટર પાસે જવાની સલાહ ક્યારેય કોઈને નહિં આપું(બીજા સાથે ખરાબ વર્તન દ્વારા તમે ધંધો પણ ગુમાવો છો!) કે ન તો હું કોઈ સાથે આવું રૂક્ષ વર્તન કરીશ એવો નિર્ણય મેં ત્યારે લઈ લીધો.બીજો પણ એક મહત્વનો પાઠ હું એ દિવસે શીખ્યો.ક્યારેય કોઈની અવગણના કરશો નહિં.ડોક્ટરે મને નિગ્લેક્ટ કર્યો અને મને જે રીતે ખરાબ લાગ્યું તેમ તમે કોઈને નિગ્લેક્ટ કરો છો ત્યારે પણ સામેવાળી વ્યક્તિ ખૂબ દુ:ખની લાગણી અનુભવે છે.

તમારા મિત્ર,સહકર્મચારી,ઘરની વ્યક્તિ,ગ્રાહક કે અન્ય કોઈ પણ વ્યક્તિ તમારી સાથે વાત કરે ત્યારે તેમાં રસ લો અને તેને ધ્યાનથી સાંભળો.દરેક વ્યક્તિને માન આપો.લોકોને હંમેશા યાદ રહે છે કે તમે તેમની સાથે કેવું વર્તન કરો છો.અને યાદ રાખો તમે જે કંઈ આપો છો એ જ ફરીને ક્યારેક તમારી પાસે પાછું આવે છે.કમેન્ટ્સ:
----------
ખૂબ સાચી વાત કરી છે આ બ્લોગ થકી.આપણે ક્યારેક જીવનમાં આવી નાની નાની વાતો ભૂલી જતા હોઈએ છીએ.

- દેવેન્દ્ર પુરબિયા (બેંગ્લોર)[મૂળ અંગ્રેજીમાં લખાયેલા આ બ્લોગ પર દેવેન્દ્ર સિવાય પણ બીજા ત્રણ-ચાર મિત્રોએ રસપ્રદ,સ્વતંત્ર બ્લોગ બની શકે એટલી લાંબી અને સારી તેમજ એકાદ વિરોધાભાસી ગણી શકાય એવી કમેન્ટ્સ પોસ્ટ કરી હતી.તે આવતા સપ્તાહે આ કટારમાં વાંચીશું.]

સદાય હસતા રહો...

મુંબઈની લોકલ ટ્રેનમાં મારા જેવા લાખો પ્રવાસીઓ રોજ સવારે ચિક્કાર ગર્દી અને ગરમી વચ્ચે ભીંસાઈને ઓફિસ જવા નિકળતા હશે.અડધો કલાકની મુસાફરી હોય કે એક કલાકની સમય કાપવા માટે જુદા જુદા લોકો જુદી જુદી તરકીબ અપનાવતા હોય છે.મારા જેવું કોઈક સંગીત સાંભળતું હોય કાનમાં આઈપોડ કે મોબાઈલના ઈયર ફોન ભરાવીને કે પછી મોબાઈલ પર ફટાફટ આંગળા ફેરવી SMS (કે મારી જેમ બ્લોગ!) ટાઈપ કરતા હોય.કેટલાક છાપાની નાનામાં નાની ગડી વાળી તાજા ખબરો,શેરોના ભાવ કે ફિલ્મી ગપશપ વાંચતા હોય તો કેટલાક કોઈક નવલકથાનું રસપ્રદ પ્રકરણ વાંચવામાં મશગૂલ હોય. લેડીઝ કમ્પાર્ટમેન્ટમાં તો ડબ્બો ખાલી હોય ત્યારે સ્ત્રીઓ શાક સમારતી હોવાનું અને ઊન ગૂંથતી હોવાની પ્રવ્રુત્તિમાં વ્યસ્ત હોવાનું પણ સાંભળ્યું છે!ટ્રેનમાં મુસાફરી કરતી વખતે દિવસભરનું પ્લાનિંગ પણ થઈ શકે!આજકાલ તો કેટલાંય લોકો ટ્રેનમાં બેસવાની જગા હોય ત્યારે લેપટોપમાં ડૂબેલા પણ જોવા મળે છે.ટ્રેન ભરેલી હોય કે ખાલી,મારી મનપસંદ પ્રવ્રુત્તિ છે વાંચન અને મારા મોબાઈલ પર મ્યુઝિક સાંભળવું.


મોબાઈલ પર કે આઈપોડમાં મ્યુઝિક સાંભળવાના અનેક ફાયદા છે. એક તો આ સાધનો કદમાં નાના (તમારા ખિસ્સામાં સમાઈ જાય એવડાં) હોવાથી ટ્રેન ભરેલી હોય તો પણ તમે આરામથી બીજાને ખલેલ પહોંચાડ્યા વગર કાનમાં ઈયરપ્લગ્સ ભેરવી તમારું મનપસંદ સંગીત સાંભળી શકો. કેટલાક યુવાનિયાઓ ખૂબ મોટા અવાજથી ગીત-સંગીત સાંભળતા હોય છે જે તેમના કાન માટે તો નુકસાનકારક સાબિત થાય છે જ પણ આજુબાજુ ઉભેલા સહપ્રવાસીઓને પણ ડિસ્ટર્બ કરે છે. ઘણાં તો બીજાનો વિચાર કર્યા વગર મોટેથી પણ ગીતો વગાડવાના શરૂ કરી દેતા હોય છે. આ ખોટું છે. તમારો સાંગીતનો ટેસ્ટ ગમે તેટલો સારો કેમ ન હોય પણ તમે જાહેર જગાએ બીજાઓનો વિચાર કર્યા વગર આ પ્રમાણે વર્તો એ યોગ્ય નથી. સંગીત હંમેશા ઈયરફોન પહેરીને જ સાંભળવું જોઈએ.

મોબાઈલ કે આઈપોડ પર એક સાથે ઘણાં બધાં ગીતોનો સંગ્રહ થઈ શકે છે, એ પણ યોગ્ય વર્ગીકરણ સાથે. તમે આ ગીતો ક્રમબદ્ધ (એક પછી એક ક્રમમાં) કે આડાઅવળાં ક્રમમાં પણ સાંભળી શકો એવા વિકલ્પ હોય છે.ભજન હોય કે પ્રભાતિયા, તમારી ભાષામાં હોય કે પછી બીજી કોઈ ભાષામાં, ફિલ્મી હોય કે શાસ્ત્રીય સંગીત બધાં જ પ્રકારના ગીતો કે સંગીત તમે મોબાઈલ કે આઈપોડ પર સાંભળી શકો છો.

હજી એક વધુ ફાયદો એ છે કે તમારા સંગ્રહમાં ખૂબ સરળતાથી નવા ગીતો ઉમેરી શકો છો કે ન ગમતા ગીતો ભૂંસી શકો છો. કેટલાંક વધુ આધુનિક મોબાઈલ કે આઈપોડ પર તો એડ્વાન્સ સેટીંગ્સ બદલી એક જ ગીત અલગ અલગ ઈફેક્ટ સાથે સાંભળી શકો છો.

વિચાર કરો, ટ્રેન ખાલી હોય, તમે દરવાજે (એટ્લે કે ફૂટબોર્ડ પર) ઉભા હોવ, તમારું મનપસંદ ગીત તમારાં કાનમાં ફક્ત તમે પોતે સાંભળી રહ્યાં હોવ, વહેલી પરોઢનો સમય હોય કે મોડી સાંજ કે રાતનો સમય હોય ,ગાડી પૂર ઝડપે દોડી રહી હોય તમારા મોં પર હવા વિંઝણો ઢોળી રહ્યો હોય અને તમારી આંખ સામેથી સુંદર દ્રષ્ય પસાર થઈ રહ્યાં હોય!કેટલી સુખકારક કલ્પના છે નહિં!

થોડાં દિવસો અગાઉ હું મારી આદત મુજબ મોબાઈલ પર મારા મનપસંદ ગીતો સાંભળી રહ્યો હતો.તેમાં અચાનક એક ઘણાં લાંબા સમય પહેલા સાંભળેલી જાણીતી ધૂન વાગી.કેટલાક દિવસ પહેલાં જ કમ્પ્યુટર પરથી મેં મારા પ્રિય પણ ઘણાં જૂના ગીતો મોબાઈલ પર ઉમેર્યા હતા. તેમાંનું એક ગીત હતું આ.શબ્દો સાંભળ્યા બાદ યાદ આવ્યું કે એ મારા પ્રિય ફિલ્મ દિગ્દર્શક સંજય લીલા ભણસાલીની પ્રથમ અને મારી ખૂબ પ્રિય એવી ફિલ્મ 'ખામોશી-ધ મ્યુઝિકલ' નું એક ગીત હતું - 'રે મોજ મે લે ચલો મિલ કે બાજા રે રાજા પોઢે સંભાલ...' ((આ ફિલ્મ આજે પણ કોઈ ચેનલ પર બતાવવામાં આવી રહી હોય તો રીમોટનું બટન એ ચેનલ પર જ અટકી જાય અને હું ફરી એક વાર એ ફિલ્મ

જોવાનું પ્રલોભન રોકી શકતો નથી અને અચૂક એ દરેક વેળાએ પેટ ભરીને રડું પણ આવે છે! અને એ ફિલ્મના દરેક ગીત પણ મને બેહદ પ્રિય છે)

અચાનક સાંભળવા મળેલા મારા આ મનપસંદ ગીતે મને વિચાર કરતો કરી મૂક્યો.કેટલો ઉમદા વિચાર આ ગીત દ્વારા રજૂ થયો છે!તમારામાંના જેમણે આ ફિલ્મ જોઈ હશે તેમને કદાચ આ ગીત ફિલ્મમાં કયા સંજોગોમાં આવે છે તે વિષે ખબર હશે. તમારામાંના જે વાચકોએ આ પ્રેક્ષણીય સંવેદનશીલ ફિલ્મ જોઈ નથી તેમના માટે હું આ ગીતની આસપાસની થોડી વાર્તા કહી દઉં. ફિલ્મમાં એક ખ્રિસ્તી કુટુંબ બતાવાયું છે જેમાં પાંચ સભ્યો હોય છે - એક મૂંગા-બહેરા પતિપત્ની,તેમના બે વહાલસોયા સંતાનો અને ઘરડી વહાલી લાગે તેવી સમજુ દાદીમા. આ પરિવારના બધા સભ્યોને સંગીત ખૂબ વહાલુ છે,પતિ-પત્ની તો બોલી કે સાંભળી પણ શક્તા ન હોવા છતા તેમના ઘરમાં વસાવેલા એક

મોટા પ્યાનોને પોતાની મહામૂડી ગણી તેનું ખૂબ જતન કરે છે.દાદી સૂરીલા મજાના ગીતો ગાઈ પ્યાનો વગાડી તેમાંથે સર્જાતા મધૂર સ્વરોથી પોતાના બન્ને નાનકડા પૌત્ર-પૌત્રીનું મન બહેલાવે છે અને તેમને પણ સુંદર ગીતો ગાતા શીખવે છે.પરિસ્થિતી એવી નિર્માણ થાય છે કે આર્થિક સ્થિતી વણસતા આ કુટુંબે પ્યાનો વેચવાનો મુશ્કેલ નિર્ણય લેવો પડે છે.બાળકો તો જીવનની વિષમતા અને મુશ્કેલી થોડી સમજી શક્તા હોય છે?તેઓ તો રોકક્કળ કરી મૂકે છે અને તેમના પ્યારા પ્યાનોને લઈ જતા રોકે છે.ત્યારે દાદી પોતાના

વહલુડા બાળકોને તેમની ભષામાં સમજાય એવી રીતે ગાઈને મનાવવાનો પ્રયાસ કરે છે અને આ મજાનું ગીત ફિલ્મમાં આવે છે.તે આ ગીત દ્વારા પ્યાનો લઈ જનાર મજૂરોને વિનંતી કરે છે કે તેઓ પ્યાનો રાજાને ધીરે ધીરે અને પ્રેમથી ઉંચકી લઈ જાય જેથી પોઢેલા પ્યાનો રાજાની ઊંઘમાં ખલેલ ન પડે!પછી તે નાનકડા બાળકોને પ્રેમથી ગાતા ગાતા ન રડવા જણાવે છે કારણ અત્યાર સુધી તે એકલી જ પ્યાનો વગાડતી અને ગાતી હતી પણ હવે પ્યાનોના મધુર સૂરો સમગ્ર વિશ્વ સમક્ષ રેલાશે અને આખું જગત સંગીતમય બની તેના તાલે ગાશે અને ડોલશે!આથી દુખી થયા વગર તે બાળકોને પોતાના પ્યારા પ્યાનો રાજાને હસીને ખુશીથી વિદાય આપવા સમજાવે છે.કેટલો ઉમદા અને ઉદાત્ત વિચાર!

કવિતા કૃષ્ણમૂર્તિએ આ હ્રદયસ્પર્શી ગીતને પોતાના કોકિલકંઠે ગાઈ સંપૂર્ણ ન્યાય આપ્યો છે!ગીતને અંતે સૂરોના આરોહ સાથે ગવાતો આલાપ દાદીના કાળજાને આકરી વેદનાનો સ્પષ્ટ ચિતાર આપે છે.અત્યાર સુધી તો તેણે ભૂલકાઓને સમજાવ્યા-હસીને પટાવ્યા પણ હવે તેને પોતાને કોણ સાંત્વન આપશે?પ્યાનો તો તેનો એક માત્ર સાથી હતો જેના દ્વારા તે પોતાના ભાવ વ્યક્ત કરતી.હવે તેને કોણ સાથ આપશે એ વિચારે તે બાળકોથી છાનું છાનું, પણ મન મૂકીને રડી લે છે.આ વેદના કવિતાજીએ ગીતને અંતે ગવાતા હાઈ પીચ આલાપમાં આબાદ રીતે ઝીલી છે.

આ બ્લોગ અહિં જ પૂરો કરતા હું પણ એટલું જ કહેવા ઇચ્છુ છું કે સદાય હસતા રહો...

બુધવાર, 29 સપ્ટેમ્બર, 2010

મંદિરોમાં વેપારીકરણ

        ભારતમાં બાર જ્યોતિર્લિંગ છે.તેમાંનું એક શ્રી મલ્લિકાર્જુન - હૈદ્રાબાદથી લગભગ ત્રણસો કિલોમીટર દૂર આવેલા ગામ શ્રી સૈલમની પવિત્ર ભૂમિ પર સ્થિત છે.
       પવિત્ર માસ શ્રાવણના સોમવારે જ્યોતિર્લિંગના દર્શનનું અનેરૂં મહત્વ હોવાથી, અન્ય પાંચ મિત્રો સાથે ૧૫ ઓગષ્ટની રજા પણ આવતી હોવાથી મલ્લિકાર્જુનના દર્શનનો લ્હાવો લેવા જઈ પહોંચ્યો શ્રી સૈલમની પવિત્ર ભૂમિ પર.
    શ્રી સૈલમમાં આમ તો અનેક હોટલો-ધરમશાળાઓ હોવા છતાં, રવિવાર-શ્રાવણી સોમવાર-૧૫મી ઓગષ્ટ આ બધું ભેગુ થયુ હોવાથી અમને ક્યાંય રહેવા માટે જગા મળી રહી નહોતી. દરેક જગાએ 'હાઉસ ફૂલ'ના પાટિયા લટકતા હતા.પાંચ-છ કલાક મથ્યા બાદ એક મોંઘી એવી હોટલમાં બે રૂમની વ્યવસ્થા થઈ ગઈ.એક વાતનો સંતોષ હતો કે આ હોટલ મુખ્ય શિવાલયથી સાવ નજીક હતી.રવિવારની મોડી સાંજ થઈ ચૂકી હતી. સ્નાન વગેરે પતાવી અમે મંદિરે દર્શન કરવા જવાનું નક્કી કર્યું. મંદિર જઈ પહોંચ્યા.
    પવિત્ર તીર્થધામે આવેલા કોઈ પણ મંદિરમાં લોકોની ભીડભાડ અને ઘણાંબધા કોલાહલ છતાં, અનેરી પવિત્રતાનો અનુભવ, મનમાં એક અજબની શાંતિ સાથે થતો હોય છે. ભગવાનના દર્શન માટે લાગેલી લાંબીલચક કતાર જોઈને આશ્ચર્ય થતું હતું ત્યાં જ સામેની એક ઓરડીની ભીંત પર દર્શન-આરતી વગેરે માટે કિંમત ભાવ લખ્યાં હતાં એ વાંચી મને આંચકો લાગ્યો. મોટા મોટા મંદિરોમાં લોકોની ભાવના-શ્રદ્ધાને નેવે મૂકીને રીતસર એક પ્રકારનો વેપાર જ ચાલે છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી.'જલ્દી દર્શન' માટે ૫૦ રૂપિયા અને ૧૦૦ રૂપિયાની એમ બે જાતની ટિકીટોની કતાર અને ભગવાનના દર્શન માટેની ટિકીટ વગરની એક સામાન્ય કતાર.આમ કુલ ત્રણ કતારો. સામાન્ય પૈસા વગરની કતાર લાંબીલચક. ૫૦ રૂપિયા વાળી કતારમાં થોડી ઓછી ભીડ અને ૧૦૦ રૂપિયા વાળી કતારમાં સાવ થોડા ભક્તો જોવા મળે! ભગવાનને એક આરતી ચઢાવવાની કિંમત અઢીસો રૂપિયા. સામાન્ય કતારમાં પાંચ-છ કલાક જેવો સમય લાગે એમ હોવાથી અમારે નાછૂટકે પચાસ રૂપિયાવાળી ટિકીટ લેવી પડી.
    ભગવાન શંકરના જ્યોતિર્લિંગના દર્શન થયા પણ દસ ફૂટ દૂરથી અને હજી તો શિવલિંગ પર નજર ઠરે એ પહેલા તો ત્યાં ઉભેલા કાર્યકરોએ અમને હડસેલો મારી દક્ષિણ ભારતીય ભાષામાં આગળ વધવાનો આદેશ આપ્યો.મને ખૂબ દુ:ખ થયું.કેટલે દૂરથી ભગવાનના દર્શન કરવા આસ્થા પૂર્વક હજારો-લાખો ભક્તો અહિં આવે, કેટલાક તો પૈસાવાળી કતારમાં ઉભા રહે અને છતાં ભગવાન સન્મુખ આવે ત્યારે કેટલીક સેકન્ડમાં જ તેમણે ધક્કામુક્કી સહન કરી ભગવાનના દર્શન સરખા થાય-ન થાય છતાં આગળ વધી જવાનું.ખેર અમે નક્કી કર્યું બીજે દિવસે સવારે વહેલા ઉઠી ફરી દર્શન કરવા આવીશું અને ત્યારે ધરાઈને દર્શન કરીશું.પણ બીજા દિવસની સવારે શ્રાવણી સોમવાર હતો એટલે પચાસ રૂપિયાની કતારની ભીડ જોતા અમને ચક્કર આવી ગયા! હવે સો રૂપિયાની ટિકીટ લીધા સિવાય છૂટકો નહોતો.સો રૂપિયા વાળી કતાર પણ કંઈ ટૂંકી નહોતી.અહિં ઉભા ઉભા એક અજબ દ્રષ્ય જોવા મળ્યું.કેટલાક ભક્તો જમીન પર ચત્તાપાટ સૂઈ, ઉભા થઈ ભગવાનનું નામ લેતા બે ડગલા આગળ વધી ફરી પાછા ચત્તાપાટ જમીન પર સૂઈ જતા અને આ ક્રમનું પુનરાવર્તન કરી આગળ વધતા.પુરુષો સહિત કેટલીક સ્ત્રીઓને પણ આ આકરી રીતે આગળ વધતા જોઈ અનેરી લાગણી થઈ.શું આવી રીતે દર્શન કરીને જવાથી ઇશ્વર તેમને વધુ સારું ફળ આપતા હશે?આને શ્રદ્ધા કહેવી કે શ્રદ્ધાનો અતિરેક?કે પછી તેઓમાંના કોઈકે આવી આકરી બાધા-આખડી રાખ્યા હશે તો શું ઇશ્વરે પ્રસન્ન થઈ તેમની મનોકામના પૂર્ણ કરી હશે?અને ત્યારબાદ તેમને આ રીતે બાધા પૂર્ણ કરતા જોઈ ઇશ્વર ખુશ થતા હશે?આવા વિચારો કરતા કરતા આગળ વધતા હતા અને અમારો નંબર આવી ગયો.ભગવાનના જ્યોતિર્લિંગના દર્શન કર્યા ત્યારે જોવા મળ્યું કે એક આખો પરિવાર શિવલિંગની બાજુમાં બેસી તેનો પ્રત્યક્ષ સ્પર્શ કરી પૂજા વિધિ કરી રહ્યો હતો.પૂછતા ખબર પડી કે આ રીતે દર્શન અને પૂજા કરવા તમારે છસો કે હજાર રૂપિયાની ખાસ ટિકીટ ખરીદવી પડે!આ કેવું વિચિત્ર!જે વધુ પૈસા ખર્ચે તેને જ ભગવાનનો સ્પર્શ કરી નજીકથી દર્શન કરવા મળે.દર્શન કર્યા બાદ ટિકીટ વાળા દર્શનાર્થીઓને ખાસ તૈયાર કરેલો પ્રસાદ મળે જ્યારે સામાન્ય, ટિકીટ વગરની કતારમાં ઉભેલા દર્શનાર્થીઓને પ્રસાદ જેવું કંઈ ન મળે! મને થોડી અણગમાની લાગણી થઈ આવી.ભગવાનના પવિત્ર ધામમાં અનુભવેલું આ વેપારીકરણ મને જરાય ના ગમ્યું.

મંગળવાર, 21 સપ્ટેમ્બર, 2010

ઈકોફ્રેન્ડલી ગણપતિબાપ્પા

વાતાવરણમાં સર્વત્ર ઉત્સાહ અને ખુશાલી પ્રવર્તી રહી છે. પર્વોનો મેળો જામ્યો છે - પર્યુષણ, ઈદ અને ગણેશોત્સવ. નવરાત્રિ પછી દિવાળી જેવા બીજા તહેવારો પણ જાણે હવે લાઈનમાં રાહ જોઈને જ ઉભા રહેશે! આપણે સૌએ બધા તહેવારો હર્ષોલ્લાસભેર ઉજવવા જોઈએ પણ વિવેકભાન સાથે.


હું ખુશ છું.કારણ આ બ્લોગ છપાશે ત્યારે સુમુખ(ગણેશ)મારે ઘેર પધાર્યા હશે.હું ખુશ છું એનું બીજું કારણ એ પણ છે કે આ વર્ષે પણ મારા ગણપતિબાપ્પા ઈકોફ્રેન્ડલી છે! આ વર્ષે છાપાઓમાં ઘણી જગાએ ઈકોફ્રેન્ડલી એકદંત(ગણેશ)ની મૂર્તિઓનો ઉલ્લેખ વાંચવા મળ્યો હોવા છતાં લોકોમાં આ વિષે જોઇએ એવી જાગ્રુતિ આવી નથી.મારે જ મલાડમાં કપિલ(ગણેશ)ની ઈકોફ્રેન્ડલી મૂર્તિ શોધવા ઠેર ઠેર ફરવું પડ્યું હતું. કેટલાક દુકાનદારો અને મૂર્તિકારોને તો ઈકોફ્રેન્ડલી શબ્દનો અર્થ પણ ખબર ન હતો. ગજકર્ણક(ગણેશ)ના ઈકોફ્રેન્ડલી અવતાર વિષે જાણ હોય કે ન હોય પણ મૂર્તિકારોને લંબોદર(ગણેશ)ને વિવિધ રૂપ આપવા બેહદ પસંદ હોય એમ લાગે છે! કેટકેટલા અવનવા મોહક અને સુંદર રૂપોમાં વિકટ(ગણેશ) તમને જોવા મળશે!

કોઈ મૂર્તિકાર વિઘ્નનાશ(ગણેશ)ને શંકર ભગવાન સ્વરૂપે કંડારશે તો કોઈ વિનાયક(ગણેશ)ને સાંઈબાબાનું સ્વરૂપ આપશે તો કોઈક વળી તેમને હનુમાનદાદા બનાવી દેશે! હદ તો ત્યારે થઈ જાય જ્યારે કોઈક ધૂની મૂર્તિકાર ધૂમ્રકેતુ (ગણેશ)ને માણસનું સ્વરૂપ આપી દે છે!ગયાં વર્ષે જ મેં એક ગણપતિની મૂર્તિ ચડ્ડી-બૂશર્ટ પહેરેલ વિદ્યાર્થીના સ્વરૂપમાં જોઈ અને બીજી એક શિવાજી મહારાજના સ્વરૂપમાં! હવે આ મને જરા વધુ પડતું લાગે છે.ભગવાનને તેમનું મૂળ સુંદર સ્વરૂપ મૂકીને પામર મનુષ્યના સ્વરૂપમાં મૂકવાની વાત મારે ગળે ઉતરતી નથી.ગણાધ્યક્ષ(ગણેશ)ને આપણે તેમના અસલ સ્વરૂપે જ ન પૂજી શકીએ?હા, મને ગોટીઓમાંથી કે ચોકલેટ કે શ્રીફળ કે શાકભાજી કે સૂકામેવા કે આવી અવનવી વસ્તુઓમાંથી બનાવેલ ભાલચંદ્ર(ગણેશ)ની સર્જનાત્મક મૂર્તિ ગમે છે! ગજાનન(ગણેશ) એક જ ભગવાન છે જે, લોકોને અલગ અલગ હજાર સ્વરૂપમાં જોવા ગમે છે!

વળી પાછા ઈકોફ્રેન્ડલી મૂર્તિની વાત પર આવીએ તો આ મૂર્તિની કિંમત સામાન્ય (પ્લાસ્ટર ઓફ પેરિસની) મૂર્તિઓ કરતાં મોંઘી હોય છે કારણ આ પ્રકારની મૂર્તિ પ્લાસ્ટર ઓફ પેરિસ (જે પર્યાવરણને નુકસાન પહોંચાડે છે) ને બદલે માટીમાંથી કે બીજા પર્યાવરણને નુકસાન ન પહોંચાડે એવા તત્વોમાંથી બનાવવામાં આવે છે.તેના પર રંગ પણ પર્યાવરણ મિત્ર પદાર્થમાંથી બનાવાયો હોય તેવો જ વપરાય છે જે સામાન્ય પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ પર કરાતા ભડક રાસાયણિક પદાર્થોમાંથી બનેલા રંગો જેવો આકર્ષક હોતો નથી.આપણને ભડક અને ભપકાદાર વસ્તુઓનો જ મોહ હોય છે આથી લોકો ઈકોફ્રેન્ડલી મૂર્તિઓ ખરીદતા નથીં. લોકોમાં પર્યાવરણ વિષે પૂરતું જ્ઞાન કે પ્લાસ્ટર ઓફ પેરિસ અને રાસાયણિક રંગો પર્યાવરણને કેટલું નુકસાન પહોંચાડે છે તે વિષેની સાચી ને સચોટ માહિતિનો પણ અભાવ છે. હવે જ્યારે લોકો ઈકોફ્રેન્ડલી મૂર્તિઓની સરખામણીમાં સસ્તી અને વધુ આકર્ષક પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ મળતી હોય તો ઈકોફ્રેન્ડલી મૂર્તિઓ શા માટે ખરીદે?આખરે મૂર્તિકારો પણ એવી જ મૂર્તિ બનાવે ને જે વધુ વેચાય? આથી આપણે જાગ્રુત થઈ ઈકોફ્રેન્ડલી મૂર્તિઓ જ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ.

ઘેર શણગાર માટે પણ જે પદાર્થોનો ઉપયોગ કરીએ તે ઈકોફ્રેન્ડલી જ હોય એવો આગ્રહ રાખવો જોઈએ જેમકે થર્મોકોલ કે પ્લાસ્ટીકને બદલે સાચા ફૂલો, રંગબેરંગી દુપટ્ટાઓ, લોટ, લીલાંછમ છોડ-વેલા વગેરેનો ઉપયોગ કરવા વિષે વિચારી શકાય.

બીજો પણ એક મુદ્દો અતિ મહત્વનો છે. પ્લાસ્ટર ઓફ પેરિસની મોટી મોટી મૂર્તિઓ જ્યારે દરિયામાં કે બીજા જળાશયોમાં પધરાવવામાં આવે ત્યારે ત્યાં વસતા જળજીવોને હદ બહારનું નુકસાન થાય છે.આપણે વગર વિચાર્યે જૂનો પૂજાનો સામાન વગેરે પણ પ્લાસ્ટિકની થેલીમાં ભરી તેને દરિયામાં પધરાવતા હોઈએ છીએ જેમ ન કરવું જોઇએ.હવે તો સરકાર ગણેશોત્સવ બાદ ગજાનન(ગણેશ)ની મૂર્તિઓના વિસર્જન માટે પણ ખાસ પ્રકારના કૃત્રિમ તળાવ બનાવે છે.બધાએ આ તળાવોનો ઉપયોગ કરવો જોઇએ. મારા એક મિત્રે અમેરિકામાં તેના ઘેર ગણપતિની મૂર્તિ લાવી હતી અને તેણે આ મૂર્તિનું વિસર્જન પોતે જ તેના ઘરના કંપાઉન્ડમાં નાનકડો ખાડો ખોદી તેમાં સ્વચ્છ પાણી ભરી વિધિવત તેમાં કર્યું હતું અને આ પ્રસંગના ફોટા અમે સૌએ જોયા હતાં અને આશ્ચર્ય પણ અનુભવ્યું હતું.

ગણેશોત્સવ શ્રદ્ધાનું પર્વ છે તેમાં દેખાદેખી કે બીજાને આંજી નાંખવા કે બીજા સાથે સ્પર્ધા કરવા બેફામ ખર્ચ જેવા તત્વો ન ઉમેરાવા જોઈએ. વિનાયક(ગણેશ)ની મૂર્તિને વિસર્જન માટે લઈ જતી વખતે પણ લોકો મોટામોટા બેન્ડ અને હવે તો ડી.જે. પાછળ મસમોટો ખર્ચ કરે છે.દારુ પીને બેહૂદા નાચ કરે છે.ગુલાલ સાથે કૃત્રિમ ફીણ અને કોલ્ડડ્રીંકની છોળો ઉડાડે છે. આ બધું ગણેશોત્સવના પવિત્ર પર્વને કલુષિત કરે છે.આ રીતે ભગવાનને યાદ કરવાના ન હોય.

આજે આપણે ગ્લોબલ વોર્મિંગ, ઋતુઓની અનિયમિતતા, ક્યાંક સુકો દુકાળ તો ક્યાંક લીલો દુકાળ જેવી અનેક પર્યાવરણ સંબંધી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છીએ ત્યારે જીવનમાં ડગલે ને પગલે આપણે કઈ રીતે પર્યાવરણને થોડું પણ નુકસાન થતાં અટકાવી શકીએ એ વિષે વર્તવુ જોઈએ અને સમજણપૂર્વક કુદરતી સ્રોતોનો ઉપયોગ કરવો જોઇએ.ગ્લોબલ વોર્મિંગ જેવા પરિબળોની પર્યાવરણ પર થઈ રહેલી વિપરીત અસરોને ધ્યાનમાં લઈ આપણે દરેક પર્વની ઉજવણી કરવી જોઈએ કારણ એમ કરીશું તો જ આપણે આવનારા ઘણાં વર્ષો સુધી એમ કરવા જીવતા રહી શકીશું અને આપણી આવનારી પેઢીઓને પણ એમ કરવાની તક પૂરી પાડી શકીશું.

હે વક્રતુંડ, ક્રુષ્ણપિંગાક્ષ, ગજ્વકત્ર, વિઘ્નરાજ, ધૂમ્રવર્ણ ગણપતિ બાપ્પા અમને સૌને સદબુદ્ધિ આપો જેથી અમે આપનો આ તહેવાર તથા બીજા બધાં તહેવારો 'યથાયોગ્ય' રીતે ઉજવી શકીએ!!!

રવિવાર, 29 ઑગસ્ટ, 2010

ગેસ્ટ બ્લોગ : શ્રાવણ મહિનો અને કોમનવેલ્થ ગેમ્સનું આયોજન

                                                                                             - લતા બક્ષી, બોરિવલી, મુંબઈ

શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે.હવે પર્વના દિવસો ચાલુ થયા. દેવદિવાળી સુધી ઉમંગ તાજો રહેવાનો.જો કે મન ખુશ અને આનંદિત હોય તો સદાયે આનંદ જ છે! દેવ દર્શન,પૂજા અર્ચના,દાન પુણ્યના મહિમાનો આ સમય છે.વર્તમાન સમયમાં ધર્મના ક્ષેત્રમાં માણસનો ભૌતિક દેખાવ,અહમ વૃત્તિ અને આડંબર સાત્વિક્તા અંગે વિચાર માગી લે છે.મારા નમ્ર મતે ધર્મ એ અંગત બાબત છે.જે ભગવાન સાથે આપણે તાર જોડવા પ્રયત્ન કરીએ તેને કરોડોના દાગીના-મુગટથી લાદીએ તો શું એમાંથી એવો સૂર નથી નિકળતો કે જો મેં તને કેટલું આપ્યું!ભૌતિકતામાં ભક્તિ અને ભાવ વિસરાઈ જાય છે.માણસ અજાણતામાં પણ જો બીજાનું શુભ કરે તો તે ધર્મને આત્મસાત કરે છે. હું માણસ મટીને માનવ થાઉં એ જ મારે માટે અર્થપૂર્ણ છે.


હાલમાં આગામી ઓક્ટોબરમાં ભારતમાં યોજાનારા કોમનવેલ્થ ગેમ્સના આયોજન વિષે ઘણું વાંચવા-જાણવા મળ્યું છે.તેમાં ગેમ્સ સિવાય સર્વ ચીજો ખેલાઈ રહી છે! બીજા વિશ્વયુદ્ધમાં જર્મનીની હાર પછી યુદ્ધ અંગેના ગુનાઓનો ખટલો જે વ્યક્તિઓ સામે નોંધાયો હતો તેઓના બચાવમાં મુખ્ય મુદ્દો એ હતો કે અમુક નિર્ણય તેઓનો ન હતો, તેમણે માત્ર તે નિર્ણયનો અમલ કર્યો હતો - આવો જ કંઈક સૂર હાલમાં રમતના આયોજન અંગેના કથિત કૌભાંડમાં સંડોવાયેલ વ્યક્તિઓનો જોવા મળે છે.આવી અયોગ્ય સરખામણી માટે માફી ચાહું છું પણ આથી વધુ સચોટ સરખામણી મને અત્યારે યાદ આવતી નથી.પ્રજાના ધનનો અમર્યાદ બેફામ વ્યય થતો જોઈને કવિશ્રી ઉમાશંકર જોશીની કાવ્યપંક્તિ - ‘ભૂખ્યાજનોનો જઠરાગ્નિ જાગશે’ - યાદ આવે છે.

ચાલીના રહેણાંક અંગે આજ કટારમાં અગાઉ વિકાસભાઈએ લખેલા સ્વાનુભવના પ્રતિભાવમાં એટલું જ કહીશ કે આવી ચાલીઓમાં રહેનારાઓની જગા નાની હોય છે પણ મન મોટાં હોય છે. આ લેખનકાર્ય માટે મીઠા આગ્રહ અને પ્રોત્સાહન માટે વિકાસભાઈનો આભાર માનતા માનતા મારો આ પ્રથમ બ્લોગ અહિં પૂરો કરું છું.

- લતા બક્ષી, બોરિવલી, મુંબઈ

રવિવાર, 8 ઑગસ્ટ, 2010

સચીન તેંડુલકરના લોહી દ્વારા હસ્તાક્ષર???

થોડા દિવસો અગાઉ છાપામાં એક ખબર વાંચવા મળ્યા કે સચીન તેંડુલકરનું આત્મકથાસમું એક પુસ્તક પ્રકાશિત થવાનું છે જેમાં તેના જીવનની કેટલીક દુર્લભ અને યાદગાર તસ્વીરો પણ સમાવી લેવામાં આવશે. આ પુસ્તકમાં ઘણી આગવી વિશેષતાઓ હશે જેમકે આ પુસ્તકની ફક્ત દસ જ નકલ પ્રકાશિત થવાની છે જેની અંદાજિત કિંમત ભારતીય સાડત્રીસ લાખ રૂપિયા જેટલી હશે.( સારી બાબત એ હતી કે આ રૂપિયા ચેરિટી કાર્યો માટે વપરાશે એવી માહિતી પણ એ ખબર સાથે વાંચી ) પણ આ ખબરનો સૌથી આંચકા જનક ભાગ એ હતો કે સચિને તેના વિષેના આ પુસ્તકમાં પોતાના લોહીથી હસ્તાક્ષર કર્યા છે.


હવે આ વાંચીને તમે જ કહો વિચિત્ર લાગણી ન અનુભવાય?અજુગતુ ન લાગે?

મને વિચાર આવ્યો સચિન તેન્ડુલકર જેવી મહાન હસ્તિ આવા બાલિશ અને હિચકારીભર્યા ક્રુત્ય માટે શી રીતે તૈયાર થઈ હશે?

નથી મને કોઈ સ્પોર્ટ્સમાં ખાસ રસ કે નથી હું ક્રિકેટપ્રેમી,છતાં સચિન જેવા અજોડ ક્રિકેટ-નિષ્ણાત માટે મને ખાસ માન છે.તે ફક્ત એક મહાન ભારતીય રમતવીર જ નથી પણ ખૂબ સારો અને ઉમદા મનુષ્ય પણ છે.આથી સચિનના લોહિયાળ હસ્તાક્ષર વાળી વાત વાંચી મને એક નકારાત્મક અરેરાટીભરી લાગણી થઈ આવી અને બે ઘડી સચિન માટે પણ થોડા અણગમા અને રોષનો ભાવ ઉપજ્યો.

આ છે પ્રસાર અને પ્રચાર માધ્યમની તાકાત!તે તમારો કોઈક વ્યક્તિ કે વાત વિષેનો દ્રષ્ટિકોણ બદલી નાંખવાની તાકાત ધરાવે છે.

મને સચિન વિષેના, તેના પુસ્તક વિષેના આ સમાચાર વાંચી અણગમાની લાગણી થઈ આવી. છેવટે આ ખબર દરેક નાનામોટાં વર્તમાનપત્રમાં છપાઈ ચૂક્યા બાદ, સચિનનો આ બાબત અંગે ખુલાસો બે-ત્રણ દિવસ બાદ સમાચારપત્રોમાં વાંચવા મળ્યો કે તેણે કોઈ પુસ્તકમાં પોતાના લોહીથી હસ્તાક્ષર કર્યા નથી.હવે પુસ્તકના પ્રકાશકોનો ખુલાસો પણ આવ્યો કે તેમની વાત પ્રસાર માધ્યમોએ ફેરવી તોળીને છાપી છે જેની પાછળ કોઈક ગેરસમજ જવાબદાર છે.જો એમજ હતું તો તેમનો ખુલાસો સચિને કરેલી સ્પષ્ટતા બાદ શા માટે આવ્યો?તેઓ લોહી વાળી જૂઠ્ઠી વાત છપાયા પછી તરત બીજે જ દિવસે પણ આ અફવાનું ખંડન કરી શક્યા હોત ને? પણ તેમણે આ હલ્કા પબ્લિસીટી સ્ટંટનો લાભ ખાંટવો હોય એમ સ્પષ્ટ જણાય છે.

બીજો મુદ્દો પ્રસાર અને પ્રચાર માધ્યમોની નૈતિક જવાબદારીનો છે.શું કોઈ પણ સમાચાર છપતા પહેલાં તેની સચ્ચાઈ વિષે ખાતરી કરી લેવાની તેમની ફરજ નથી? પણ ગળાકાપ સ્પર્ધાના આ યુગમાં દરેક ન્યૂઝચેનલે કે અખબારે સમાચાર પ્રથમ જાહેર કરવાની જાણે ઘેલછા લાગી છે!

ખેર જે હોય તે,પણ એક વાતનું આશ્વાસન એ મળ્યું કે સચિને લોહીથી સહી કરવાનું નાદાની ભર્યું બાલિશ અને હલ્કું કૃત્ય કર્યું નહોતું!

મંગળવાર, 3 ઑગસ્ટ, 2010

શા માટે ?

મને ઘણી વાર વિચાર આવે છે આ સૃષ્ટિના સર્જનહારે શા માટે સૃષ્ટિનું સર્જન કર્યું હશે?


બ્રહ્માંડ,આકાશગંગા,તારાઓ,ગ્રહો,ધૂમકેતુઓ,આપણી પૃથ્વી વગેરેના સર્જન પાછળ તેનો ઉદ્દેશ શો હશે?શા માટે તેણે પૃથ્વી પર જીવનનું સર્જન કર્યુ હશે? આપણે તો પૃથ્વી સિવાય બીજી કોઈ જગાએ જીવનના અસ્તિત્વ વિષે કંઈ જાણી શક્યા નથી.પણ પૃથ્વી પર જ જીવનનું જે વૈવિધ્ય જોવા મળે છે તેના અભ્યાસ માટે આખું આયખુંયે ઓછું પડે એમ છે.

શા કારણે પહાડો આટલા ઉંચા અને મહાસાગરોના તળિયા અગાધ ઉંડા હશે? તમે આવા કોઈ ડુંગરાની ટોચે કે મહાસાગરના તળિયે પહોંચી પણ જાવ તો ત્યાં અનેરી વિશેષતા અને સુંદરતા ધરાવતા જીવો જોવા મળશે.કેટલું અદભૂત!

મારા ઘેર મેં ઘાસ જેવા દેખાતા 'લીલી' નામના છ કે આંઠ પાંખડી ધરાવતા અતિ સુંદર અને નાજુક ગુલાબી રંગના ફૂલો જેને ફક્ત ચોમાસા દરમ્યાન જ આવે છે તેવી વનસ્પતિ વાવી છે જે મને બેહદ પ્રિય છે. પણ શા માટે આ વનસ્પતિને ફૂલ ફક્ત પહેલો વરસાદ પડી ગયા બાદ જ આવે છે અને પછી આઠ આઠ મહિના સુધી તેને એક પણ ફૂલ આવતુ નથી. આવા જ બાર વર્ષે એક જ ફૂલ આપતા બ્રહ્મકમળ વિષે પણ મેં સાંભળ્યુ છે. શા માટે તેને પણ બાર વર્ષે એક જ વાર ફૂલ આવે છે?

તમને ખબર છે આપણી આ પૃથ્વી પર જ ફક્ત કેટલીક મિનિટોના આયુષ્ય થી માંડી હજારો વર્ષનું આયુષ્ય ભોગવનારા જીવો વસે છે.કેટલાક સૂક્ષ્મ જીવો માત્ર થોડી જ ક્ષણો માટે જીવે છે. સુંદરતાના બેનમૂન દાખલા સમા નાજૂક પતંગિયાનું સરેરાશ આયુષ્ય થોડાં મહિનાઓનું હોય છે તો અચરજકારી ઘટનાની જેમ પતંગિયાઓનો જેમનામાંથી ઉદભવ થાય છે એવી ઇયળ કે પછી કીડી-મંકોડા જેવા અસંખ્ય નાનકડાં જીવો માત્ર ગણ્યાંગાંઠ્યા દિવસો જ જીવે છે તો બીજે છેડે હજારો વર્ષોની વય સુધી જીવનારા કાચબા અને કેટલાંક વૃક્ષો પણ આપણી પૃથ્વી પર જ અસ્તિત્વ ધરાવે છે.આ ભેદ પાછળ પણ સર્જનહારાનો કોઈ આશય ખરો?

દરિયાનું પાણી ખારુ અને નદી-ઝરણાનું પાણી મીઠું શા માટે? આખરે ઝરણાઓ મળીને જ નદી અને નદીઓ ભેગી થઈને જ સાગર બનતા હોય છે ને?

મધમાખીઓ શા માટે મધ ભેગુ કરતી હોય છે? ફૂલોનો રસ ચૂસી ખાલી પૂડો બનાવીને પણ તે રહી શકે ને? પણ તેઓ તો આખું જીવન મધ બનાવવામાં જ પૂરું કરી નાંખે છે!

શા માટે જીવો કે નિર્જીવ વસ્તુઓ દ્વારા ઉત્પન્ન થતા અવાજોમાં વિવિધતા જોવા મળે છે? કેટલાક અવાજો એટલા ધીમા હોય છે (ચામાચિડિયા જેવા જીવો દ્વારા પેદા કરાતા સૂક્ષ્મ અવાજો) કે તે મનુષ્ય તો સાંભળી પણ ન શકે તો કેટલાક અવાજો એટલા ઘોંઘાટિયા અને કર્કશ હોય કે તે સાંભળી કાન ફૂટી જાય! કેટલાક અવાજો એટલા મધુરા હોય કે મન તે સાંભળી પ્રસન્નતાસભર બની જાય તો કેટલાક અવાજો અરૂચિકર પણ જોવા (સોરી સાંભળવા !) મળે. શા માટે તેમાં પણ આટલું વૈવિધ્ય?

આજ રીતે પાંચે પ્રકારની શરીરને થતી અનુભૂતિઓ (જોવું,સાંભળવું,સૂંઘવું,સ્વાદ ચાખવો અને સ્પર્શ કરવો)માં શા માટે આટઆટલી વિવિધતા અસ્તિત્વ ધરાવતી હશે? ઇશ્વર ગૂઢ છે, ગહન છે તે જ રીતે તેના બધાં જ સર્જનો અને તેમાં જોવા મળતી વિવિધતાઓ પણ એટલાં જ ગૂઢ અને ગહન છે.આપણે આ રહસ્યોનો તાગ પામી શકીશું ખરા?

સાથે જ બીજો પણ એક વિચાર તંતુ મારા મનમાં આકાર લે છે.શા માટે કેટલાક મનુષ્યો દયાના દરિયા જેટલા ઉદાર હોય છે તો બીજે છેડે કેટલાંક સાવ ટૂંકા મનના અને સંકુચિત વૃત્તિ ધરાવતા?બધા સારા જ ન હોઈ શકે?શા માટે મનુષ્યના મનમાં લાલચ,ઇર્ષ્યા,માલિકીભાવ,વિકૃતીઓ વગેરે જેવી દુવૃત્તિઓ જન્મતી હશે?બધાને હંમેશા સારા જ વિચારો ન આવી શકે?બધામાં સારા ગુણો જ શા માટે જોવા નહિં મળતા હોય? શા માટે આપણે મનુષ્યો એ પ્રુથ્વી પર સરહદો બનાવી તેના ભાગલા પાડી નાંખ્યા હશે? જેને જ્યાં મન ફાવે ત્યાં વિના બંધન-રોકટોક તે જઈ ન શકે.ગોરા લોકો કાળા લોકો સામે નીચી દ્રષ્ટીએ જુએ.શા માટે આવા ભેદભાવ?શા માટે માણસ યુદ્ધ કરતો હશે?શા માટે આતંકવાદ, માઓવાદ, નક્સલવાદ જેવા વાદો અસ્તિત્વમાં આવતા હશે? શું આખી પ્રુથ્વી પર સુખ અને શાંતિનું સામ્રાજ્ય સ્થાપિત ન થઈ શકે?

હે ઇશ્વર મારા આ સ્વપ્નને તું ક્યારેય પૂરું કરશે ખરો?

રવિવાર, 25 જુલાઈ, 2010

ફિલ્મ દ્વારા સમાજને ખોટો સંદેશ

થોડા સમય અગાઉ 'જન્નત' નામની એક હિન્દી ફિલ્મ જોઈ (જેમા ઇમરાન હાશ્મી અને સોનલ મુખ્ય ભૂમિકામાં હતા).મને વિવિધ વિષ્યો પરની ફિલ્મો માણવી ગમે છે.આ ફિલ્મના વિષયવસ્તુ પણ કંઈક નોખા - ગેમ્બ્લિંગ હોઈ મને આ ફિલ્મ રસપ્રદ લાગી. એ ખરૂં કે આ ફિલ્મ કંઈ એટલી બધી સારી નહોતી કે તેના પર મારે આખો એક બ્લોગ લખવો પડે પણ આ ફિલ્મ જોતા એક અહેસાસ થયો તે લાગણી મારે આ બ્લોગ થકી શેર કરવી છે.


આપણી ફિલ્મોમાં ફિલ્મને અંતે ભલે સંદેશ સારો અપાયો હોય પણ ફિલ્મમાં વચ્ચે કેટલાક દ્રષ્યો એવી રીતે ફિલ્માવાયા હોય છે કે તેની બૂરી અસર યુવા માનસ કે સમાજ પર પડે છે. આ મુદ્દો વધુ સારી રીતે સમજવા ફિલ્મ 'જન્નત' નું જ ઉદાહરણ વિસ્તારપૂર્વક ચર્ચીએ.આ ફિલ્મનો હીરો એક ગરીબ, સિદ્ધાંતવાદી અને પ્રમાણિક પિતાને ઘેર જન્મ્યો હોય છે આથી તેની બધી ભૌતિક જરૂરિયાતો તેમજ તેના મોજશોખ પિતાને ઘેર પૂરા ન થઈ શક્તા હોવાને કારણે તેમજ પોતાનો સ્વભાવ પણ અતિ લાલચુ હોવાને કારણે પિતા સાથે થતા સતત મતભેદોને લીધે તે ગ્રુહ ત્યાગ કરે છે અને તે જેમાં અતિ પાવરધો હોય છે તેવા ગેમ્બ્લિંગને વ્યવસાય તરીકે અપનાવી લે છે.તે માને છે કે ગેમ્બ્લિંગ જેવો વ્યવસાય જેમાં તે કોઇને પ્રત્યક્ષ ઇજા પહોંચાડતો નથી કે જેની સમાજપર કોઈ પ્રત્યક્ષ બૂરી અસર પહોંચતી નથી, તેના દ્વારા અઢળક ધન કમાવું કોઈ રીતે ખોટું નથી.(હું માનું છું કે જુગારીના કુટુંબીજનો પર તો તેના જીવન કે કર્મોની પ્રત્યક્ષ અસર પહોંચે જ છે.) હીરો ગેમ્બ્લિંગ કરતો હોય ત્યારે તેને હારવાનો બિલકુલ ડર લાગતો નથી,પછી ભલે એ લાખો રૂપિયાની રકમ કેમ હારી જવાનો ન હોય.એવું બને પણ છે કે તે મહામોટું ભયંકર રિસ્ક લે છે અને એક જ રમતમાં લાખો રૂપિયા હારી જાય છે. હીરો પાસે ક્રિકેટના કયા દડે કેટલા રન થશે કે કોણ આઉટ થશે તેનું સચોટ ભવિષ્ય ભાખવાની અદભૂત અને આગવી સૂઝ હોય છે જેના દમ પર બૂકીઓના વર્તુળમાં ખૂબ નામના મેળવી તે પોતાની ગર્લફ્રેન્ડ સાથે સાઉથ આફ્રિકા સુધી પહોંચી જાય છે.ધન અને એશોઆરામના ઢગ વચ્ચે સુખસાહ્યબીની છોળો ઉડાડતા જીવનમાં એક દિવસ તેનો ભેટો ત્યાંના અન્ડરવર્લ્ડ ડોન સાથે થઈ જાય છે.તેઓ વચ્ચે સાંઠગાંઠ સર્જાય છે અને તેમની જોડી મેચ-ફિક્સીંગ ક્ષેત્રે અપૂર્વ સફળતા મેળવી સિદ્ધીઓના નવા શિખરો સર કરે છે.હવે હીરો જાણતો હોય છે કે આ રીતે થયેલ ધનની બધી કમાણી ડોન ડ્રગ્સ,કોકેન અને આંતંકવાદને પ્રોત્સાહન આપવા જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં વાપરે છે પણ તે આ પાસા પ્રત્યે સદંતર દુર્લક્ષ સેવે છે.પોતે ભાગીદારીમાં કમાયેલા કાળા ધન દ્વારા લાખો નિર્દોષ લોકોની હત્યા થતી હોવાની જાણ છતા હીરો આ કૃત્યોની નૈતિક જવાબદારી સ્વીકારતો નથી એવા વિચારને અપનાવીને કે પોતે તો ફક્ત પેટિયુ રળવા કામ કરે છે અને પોતે પ્રત્યક્ષ રીતે થોડો કંઈ જાનહાનિમાં સંડોવાયેલો છે?
                  એક દ્રષ્યમાં હીરોઈન જ્યારે હીરો પાસે તેના ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવણી અંગે ખુલાસો માંગે છે ત્યારે હીરો એવી દલીલ કરે છે કે એમ તો ભારત સરકાર પણ લોકો પાસેથી લાખો રૂપિયા કરપેટે વસૂલી તેમાંથી પરમાણુ શસ્ત્રો અને બંદૂકો અને બોમ્બ જેવા પ્રાણઘાતક અને વિનાશક શસ્ત્રો બનાવે છે.આ પોઇન્ટ મને જરા ખૂંચ્યો.આવો સંવાદ ફિલ્મસર્જક કઈ રીતે હીરોના મોઢે બોલાવી જ શકે?સરકાર કદાચ કરપેટે વસૂલેલા રૂપિયામાંથી થોડો ઘણો હિસ્સો શસ્ત્રસરંજામ અર્થે ખર્ચતી પણ હોય તેમ છતાં તેનો આ પાછળનો ઉદ્દેશ તો નાગરિકોની સુરક્ષા જ હોય છે,નહિં કે લાખો નિર્દોષ લોકોની હત્યાનો.તો પછી ફિલ્મમાં હીરો પોતાની ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો ઢાંકપિછોડો આમ સરેઆમ સરકારને બદનામ કરીને કઈ રીતે કરી શકે?


આજ ફિલ્મના અન્ય એક દ્રષ્યમાં,હીરો પોતાના નાનપણના દિવસો યાદ કરી ફરિયાદ કરતો બતાવવામાં આવ્યો છે જ્યાં તે બળાપો કાઢે છે કે કઈ રીતે શ્રીમંતોના બાળકોને મળતી બધી સુખ-સગવડોથી પોતે વંચિત રહ્યો અને તેના પિતા ક્યારેય તેને આઈસક્રીમ પાર્લર કે રમકડાની દુકાન હોય તે રસ્તા પરથી લઈ જતા નહિં જેથી પોતે આઈસક્રીમ ખાવાની કે રમકડા ખરીદવાની જીદ કરે નહિં.પોતે એટલા ગરીબ હતા કે આ બધું ખરીદી શકવાની તેમની આર્થિક શક્તિ નહોતી. હીરો કહે છે તે નથી ઇચ્છતો કે તેના સંતાનો પણ એ જ પરિસ્થિતીમાંથી પસાર થાય.એ તેમને સઘળા સુખો આપવાની ખેવના રાખે છે.પણ કયા રસ્તે? શેના ભોગે? પોતાના અનિતીના માર્ગે કમાયેલા ધનથી? હીરો અતિ સંવેદનાત્મક ઢબે અને બીજા સહેલાઈથી તેની વાતમાં આવી જાય એ રીતે વિશ્વાસપૂર્વક આ ડાયલોગ્ઝ બોલે છે જે જોઇને ઇમેચ્યોર યુવાન સહેલાઈથી તેના અનિતી આચરીને પણ પોતાના સંતાનોને સુખ આપવાની ગેરદોરવણી કરતી વાતમાં આવી જાય. ફિલ્મનો સાચો સંદેશ તો ફિલ્મના અંતે આવે છે પણ આવા મનપર ઘેરી અસર કરનારા દ્રષ્યો કે સંવાદો ફિલ્મમાં અધવચ્ચે આવતા હોવાથી ફિલ્મ ખોટો સંદેશ જ સમાજ સુધી પહોંચાડી બેસે છે. ઉપરોક્ત દ્રષ્ય જોયા બાદ ઇન્ટરવલ દરમ્યાન બે યુવાનો આ મુદ્દા વિષે વાતચીત કરી રહ્યા હતા જે મારા કાને પડી અને એ સાંભળી મને ઝટકો લાગ્યો અને ત્યારે જ મને આ બ્લોગ લખવાનો વિચાર સ્ફુર્યો. એક યુવાન બીજાને કહી રહ્યો હતો કે હીરોની વિચારધારા સાથે તે પૂરી રીતે સહમત છે અને જ્યારે કોઈ પોતા માટે અને પોતાના કુટુંબ માટે કમાઈ રહ્યો હોય ત્યારે તેણે શા માટે સમાજ વિષે કે બીજા કોઈ પણ વિષે વિચારવું જોઇએ? થોડા અનૈતિક કે સ્વાર્થી બની જઈએ તેમાં કંઈ ખોટુ નથી આવો તેમની વાતચીતનો સૂર હતો જે સાંભળી મને ખેદ થયો.
             ફિલ્મનો અંત યોગ્ય જ દર્શાવાયો છે.અસત્યનું આયુષ્ય અતિ લાંબુ હોતું નથી અને હીરોની પોલિસના હાથે હત્યા થાય છે.આમ ફિલ્મને અંતે સાચો સંદેશ એ જ અપાયો છે કે બૂરે કા અંજામ બૂરા ઔર સચ કી હી આખિર મે જીત હોતી હૈ. પણ આ સંદેશ આવે છે ફિલ્મના અંતે, જ્યારે મારે મતે મોડું થઈ ગયું હોય છે.પેલા બે ફિલ્મ વિષે ચર્ચા કરી રહેલા યુવાનોની જેમ અધકચરું માનસ ધરાવતા અનેક આ ફિલ્મમાંથી અનેક ખોટી વસ્તુઓ ફિલ્મ પૂરી થયા પહેલાં જ ગ્રહણ કરી ચૂક્યા હોય છે.હિંસા ન આચરવી જોઇએ એવો સંદેશ આપવા માગતી ફિલ્મમાં જ એટલા બધા હિંસાપ્રચૂર ક્રૂરતા ભર્યા દ્રષ્યો દર્શાવાતા હોય છે કે તેની ભયંકર અસર યુવા કુમળા માનસ પર પડી શકે છે. ફિલ્મો અને ટી.વી. જેવા મગજ પર ગહન છાપ છોડી જનાર સઘળા પ્રસાર માધ્યમોની સામાજિક જવાબદારી છે કે તેઓ ખોટો સંદેશ સમાજ સુધી ન પહોંચાડી બેસે.

મંગળવાર, 20 જુલાઈ, 2010

ચાલમાં રહેવાની મજા

થોડાં સમય અગાઉ અમારા એક પાડોશી અમારી ચાલમાં આવેલું તેમનું ઘર વેચી બીજી જગાએ નવા ઘરમાં રહેવા ગયા.આજના ધમાલિયા શહેરી જીવનમાં,કોઈ બિલ્ડીંગમાં આ ઘટના બની હોત તો તેનું કંઈ ખાસ મહત્વ હોત નહિં.પણ હું જ્યાં ચાલમાં રહું છું એ મલાડનો ભાદરણ નગર વિસ્તાર ગુજરાતના કોઈ નાનકડા નગર જેવો જ છે જ્યાં બેઠા ઘાટના મકાનો કતારબંધ ચાલ સ્વરૂપે ગોઠવાયેલા છે.એકાદ ચાલમાં અંદાજે પંદર-વીસ ઘર અને આવી ચાલીસ-પચાસ ચાલ ભાદરણનગરમાં અસ્તિત્વ ધરાવે જ્યાં દરેક ચાલના રહેવાસીઓ વચ્ચે ઘર જેવા સંબંધ જોવા મળે.એટલે અમારી ચાલમાં વર્ષોથી રહેતું એક કુટુંબ જ્યારે તેમનું ઘર વેચી બીજી નવી જગાએ રહેવા ગયું એ પ્રસંગ અમારા અને અમારા બીજા પાડોશી કુટુંબો માટે એક મોટી ઘટના સમાન બની રહ્યો.


ચાલ સિસ્ટમમાં એક ઘરના દરવાજા સામે, સામેની બીજી ચાલના ઘરનો દરવાજો પડે.મોટે ભાગે આખા વિસ્તારમાં ગુજરાતીઓની બહુમતિ હોવા છતાં,મોટા ભાગની ચાલમાં મારવાડી,દક્ષિણ ભારતીય,પંજાબી,ઉત્તર ભારતીય,મુસલમાન જેવી પચરંગી પ્રજા વસતી જોવા મળે અને તેમની વચ્ચે સંપ પણ ગજબનો.ગામ હોય ત્યાં ઉકરડો પણ હોવાનો જ એ ન્યાયે રગડાઝગડા પણ જોવા મળે છતાં લોકો વચ્ચે પ્રેમ અને મૈત્રીભર્યા સંબંધો પણ અહિં ચોક્કસ જોવા મળે.

અમારા જે પાડોશી ઘર ખાલી કરી બીજે રહેવા ગયા તેમનું ઘર અમારા ઘરથી ત્રણ-ચાર ઘર છોડીને આવ્યું હતું.આ કુટુંબનો તેમના અડીને બાજુમાં આવેલા ઘરમાં વસતા કુટુંબ સાથે તેમજ તેમની બરાબર સામે રહેતા બીજા એક કુટુંબ સાથે ખૂબ નજીકના સંબંધો.અમારે પણ આ ત્રણે ઘર સાથે સારો એવો સંબંધ.

જે દિવસે અમારી ચાલમાં પેલું ઘર ખાલી થયું એ દિવસે સવારથી એમાં રહેતા કુટુંબને જવાની ધમાલમાં આખી ચાલમાં અલગ જ પ્રકારનું વાતાવરણ જોવા મળ્યું.સામે વાળા ભાભીતો મારે ઘેર આવી લાગણીશીલ અવાજમાં તેમના જઈ રહેલા કુટુંબ સાથેના સંબંધોની ખાટ્ટીમીઠી યાદો વાગોળવા લાગ્યા.તેમને એવી ખબર પડેલી કે જઈ રહેલા કુટુંબની બાજુનું ઘર પણ ટૂંક સમયમાં ખાલી થવાનું છે અને એ કુટુંબ પણ બીજે ક્યાંક નવી જગાએ રહેવા જવાનું છે.આથી એ ભાભી ખૂબ ઢીલા પડી ગયેલા.તે હવે એકલા પડી જવાના એવી ચિંતા તેમને સતાવી રહી હતી. અમારી સાથે વાતચીત કરતા કરતા તેમની આંખોમાં ઝળઝળિયા આવી ગયાં.

આ છે ચાલમાં રહેવાની વિશેષતા.અહિં સાચા અર્થમાં સમૂહજીવન જોવા-અનુભવવા મળે છે.તમે તમારા પાડોશી સાથે ઘનિષ્ઠ સંબંધો ધરાવતા થઈ જાઓ છો.તેમના કુટુંબના સભ્યો તમારા ઘરના સભ્યો જેવા બની જાય છે.તમે સારાનરસા પ્રસંગે એકમેકની પડખે ઉભા રહો છો.અડધી રાતે તમને તાત્કાલિક મદદની જરૂર પડે ત્યારે તમારા પાડોશી અહિં ખડે પગે તમારી સેવામાં હાજર થઈ જાય છે.તમે હકથી તેમનું બારણું ખખડાવી શકો છો.તમે ફક્ત જમવામાં બનતી વાનગીઓ જ તમારા પાડોશીઓ સાથે નથી વહેંચતા બલ્કે તેમના સુખદુ:ખના પણ તમે સાથી બની રહો છો. તમારા પાડોશી તમારા જીવનનો એક હિસ્સો બની જાય છે.પેલા ભાભી ઢીલા પડી ગયેલા કારણ તેઓ અનુભવી રહ્યા હતા જાણે તેમના શરીરનો એક હિસ્સો પણ તેમના પાડોશી ભેગો નવી જગાએ રહેવા જઈ રહ્યો હતો.તેમની ભાવુક્તાએ મને, મારી મમ્મી તેમજ બહેનને પણ થોડા ગમગીન બનાવી મૂક્યાં.

પુરુષોતો મોટે ભાગે દિવસ દરમ્યાન ઘરની બહાર, કામે ગયા હોય પણ સ્ત્રીઓ એકલી કે બાળકો સાથે દિવસભર ઘરમાં હોય એટલે પાડોશ સાથે સારો ઘરોબો કેળવે અને તેઓ સાથે જ કામ પણ કરે અને ટોળટપ્પા પણ મારે.ક્યારેક ઘરનો પુરુષ થાક્યોપાક્યો કામ પરથી સાંજે ઘેર પાછો ફરે ત્યારે પાડોશની કોઈ સ્ત્રી તે ઘરમાં બેઠી બેઠી એ પુરુષની પત્ની સાથે શાક સમારતી બેઠી હોય કે ટી.વી. જોતી વાતચીત કરતી હોય અને એ પુરુષને તે પાડોશણની હાજરી ખૂંચે એવું પણ બની શકે. પોતાની પ્રાયવસી જળવાતી નથી એવો અનુભવ એ પુરુષને થાય એવું બની શકે.પણ ત્યારે તેણે એમ વિચારવું જોઇએ કે તેને જેમ ઓફિસમાં સહકર્મચારીઓ સાથે ગપ્પા મારવા ગમે છે તેમ તેની પત્નીને પણ કોઇક તો સાથી જોઇએને મન હળવું કરવા?સાસુ-વહુના કાર્યક્રમો પણ સ્ત્રીઓને એકમેકની સંગતમાં જોવા વધુ ગમે છે!

ચાલ સિસ્ટમમાં મોટે ભાગે બિલ્ડીંગ સિસ્ટમ કરતા વિપરીત ઘરના દરવાજા ખુલ્લા જોવા મળે છે.જેના અનેક ફાયદાઓ છે.ચોરી-લૂંટફાટના બનાવોની શક્યતા ઘટી જાય છે.તમને જ્યારે મૂડ સારો ન હોય ત્યારે કોઈકની કંપની મળી રહે છે.તમે પોતે ઘરે ન હોવ ત્યારે પણ તમારું ઘર સચવાઈ જાય છે,તમારા બાળકો જલ્દી અને સારી રીતે મોટા થઈ જાય છે.

કાલે કદાચ જો હું પણ નવી જગાએ મોટા ઘરમાં રહેવા જઈશ ત્યારે મારી આ ચાલ અને મારા વર્ષો જૂના ઘર,જ્યાં મારો જન્મ થયો હતો અને જ્યાં હું મોટો થયો છું અને આજે જે મુકામ પર છું ત્યાં પહોંચ્યો છું તેમને કદાપિ ભૂલી શકીશ નહિં.

રવિવાર, 11 જુલાઈ, 2010

ગેસ્ટ બ્લોગ : રૂપિયાની નવી સંજ્ઞા માટે શોધ-સંશોધન

GUEST BLOG URL: http://harshalpushkarna.blogspot.com/search/label/Indian%20Rupee

                                                                                                                         - હર્ષલ પુષ્કર્ણ
ભારતમાં પંદરમી સદી દરમ્યાન દાખલ કરાયેલા રૂપિયાના ચલણને ડોલરની, પાઉન્ડની તેમજ યુરોની માફક પોતાની આગવી સંજ્ઞા નથી. આંકડાની આગળ Rs શબ્દ લખવાનો ધારો આપણે ત્યાં વર્ષોથી ચાલ્યો આવે છે. પરંતુ એ સંજ્ઞા ભારત ઉપરાંત પાકિસ્તાન, શ્રી લંકા, નેપાળ જેવા દેશો પણ વાપરે છે. વિશ્વબજારમાં ભારતીય રૂપિયાની લેવડદેવડ જોતાં ભારતના નાણાં મંત્રાલયે થોડા વખત પહેલાં રૂપિયાનો નોખો સિમ્બોલ તૈયાર કરવાનું ઠરવ્યું. ભારતની અસ્મિતાની ઝલક જેમાં જોવા મળે, Indian Rupee નો પ્રથમદર્શી ભાવ જેમાં વ્યક્ત થતો હોય અને કમ્પ્યૂટરના યુનિકોડમાં જેને ઢાળવાનું શક્ય બને તેવા સિમ્બોલની ભારતના નાણાં મંત્રાલયને તલાશ હતી--અને તે માટે તેણે ઓપન ફોર ઓલ સ્પર્ધા રાખી. નાણાં મંત્રાલયે નક્કી કરેલાં ધારાધોરણો જાળવીને ભારતીય રૂપિયા માટે નવો સિમ્બોલ તૈયાર કરનારે પોતાના બે આર્ટવર્ક રૂપિયા ૫૦૦ના ડ્રાફ્ટ સાથે નાણાં મંત્રાલયને મોકલવાનાં હતાં. જે સ્પર્ધકનો સિમ્બોલ ફાઇનલ પસંદગી પામે તેને ભારત સરકારે રૂપિયા અઢી લાખનું કેશ પ્રાઇઝ આપવાનું ઠરવ્યું છે. માર્ચમાં શરૂ થયેલી સ્પર્ધા ૧૫મી એપ્રિલે પૂરી થઇ. હવે રિઝલ્ટની રાહ જોવાઇ રહી છે.

                               
 
 આ સ્પર્ધામાં ભાગ લેવાનો અવસર તો જાણે (આ લખનારથી એટલે કે ગેસ્ટ બ્લોગર હર્ષલ પુષ્કર્ણથી ) ચૂકી જવાયો, પણ રૂપિયાના નવા સિમ્બોલ વિશે મગજમાં જે રૂપરેખા હતી તેને ગ્રાફિક સ્વરૂપે અહીં રજૂ કરી છે. સિમ્બોલ થ્રી ઇન વન જેવો છે. અર્થાત્ તેમાં એકસાથે ત્રણ બાબતો વ્યક્ત થાય છે. અંગ્રેજી I અને R શબ્દો Indian Rupee ના સૂચક છે. R શબ્દને રુ નું સ્વરૂપ આપવાનો ઉદ્દેશ હિન્દી શબ્દ રુપયાને બહાર લાવવાનો છે, જ્યારે I ની ઉપર મૂકેલું ૨૪ દાંતાવાળું અશોક ચક્ર ભારતની અસ્મિતાનું પ્રતીક છે. ભારતે એ ચક્રને તેની રાજમુદ્રા (સારનાથ) પર તેમજ રાષ્ટ્રધ્વજ પર સ્થાન આપ્યું છે. પરિણામે Indian Rupee ના સિમ્બોલને અશોક ચક્ર ભારતીય ટચ આપે છે.

આ પ્રકારનો સિમ્બોલ જો કે રોજિંદા વ્યવહારમાં વાપરવાનું જરા કડાકૂટિયું બને. સિમ્બોલને કમ્પ્યૂટરના યુનિકોડમાં એક સમયે ઢાળી દો તો પણ લેખિત સ્વરૂપે અશોકચક્રનાં ૨૪ દાંતા દર્શાવવા મુશ્કેલ છે. આ તકાદાને ધ્યાનમાં લેતાં અશોકચક્ર વિનાનો બીજો સિમ્બોલ અહીં રજૂ કર્યો છે. તકલીફ એક જ છે--ભારતના નાણાં મંત્રાલયે રૂપિયાના સિમ્બોલમાં ભારતની અસ્મિતાની ઝાંખી વ્યક્ત કરવા અંગે જે ભાર મૂક્યો છે તે તકાદો બીજા સિમ્બોલમાં જળવાતો નથી.પ્રસ્તુત સિમ્બોલ તૈયાર કરતી વખતે ગ્રાફિકલ સેન્સ લડાવવામાં મગજનો પૂરો કસ નીકળ્યો એ તો જાણે સમજ્યા, પણ નાણાં મંત્રાલયે બાંધેલી શરતોને ધ્યાનમાં રાખીને કંઇક રચનાત્મક સર્જન કરવાનો તકાદો વધુ ચેલેન્જિંગ જણાયો. ગણીને બે અક્ષરમાં ભારતીય રૂપિયાને તેમજ ભારતીય અસ્મિતાને કેમ વ્યક્ત કરવી એ ખરેખર બહુ મોટો તકાદો છે. આ બાબતનો જાતઅનુભવ કરવો હોય તો કલ્પનાશક્તિને પૂરજોશમાં દોડાવો. શક્ય છે મગજના કોઇ અજ્ઞાત ખૂણે ઢબૂરાયેલી કળાશક્તિ ખીલી ઉઠે અને કઈંક રચનાત્મક સર્જન થાય. નાણાં મંત્રાલય એ કૃતિને સ્વીકારે કે ન સ્વીકારે, અહીં પોસ્ટિંગ માટે બ્લોગના દરવાજા ખૂલ્લા છે!

 - હર્ષલ પુષ્કર્ણ

સોમવાર, 5 જુલાઈ, 2010

દિકરી વ્હાલનો દરિયો...

પ્રથમ સંતાનનું દરેક દંપતિના જીવનમાં વિશિષ્ટ અને અદકેરું મહત્વ હોય છે. નવ મહિનાના ઇંતજાર બાદ મારી પત્નિ અમીએ વટસાવિત્રી પૂનમની શુક્રવારની સાંજે ૨૫-જૂન-૨૦૧૦ લક્ષ્મીના અવતાર સમી નાનકડા દેવદૂત જેવી લાગતી પુત્રીને - અમારા પ્રથમ સંતાનને જન્મ આપ્યો. હું તો આ ખબર સાંભળી સાતમા આસમાનમાં વિહરવા માંડ્યો અને અમીએ તેમજ મારા તથા અમીના ઘરના બીજા સભ્યોએ આવનાર બાળકીને વધાવી લીધી પણ બીજા ઘણાં સગા-સ્નેહીઓની પ્રતિક્રિયા મને દિકરી આવ્યાના સમાચાર સાંભળી આટલી ખુશીભરી અને હકારાત્મક નહોતી.કેટલાંકે તો અમીની ખબર કાઢવા આવ્યા ત્યારે એવા શબ્દો વાપર્યા કે 'કંઈ વાંધો નહિં, બીજી વાર તો ચોક્કસ દિકરો જ આવશે..' શા માટે આપણો સમાજ હજી એક દિકરી આવ્યાના ખબરને એટલી જ ખુશીથી નથી વધાવતો જેટલી ખુશી એક દિકરાના જન્મના ખબર સાંભળી અનુભવે છે?શા માટે સમાજ હજી આટલો પુત્રઘેલો છે?
અમી ગર્ભાવસ્થા દરમ્યાન તેના પિયર મહેસાણા હતી તેથી હું દર પખવાડિયે તેની સાથે સમય ગાળવા અને તેની તબિયતનું ધ્યાન રાખવા મુંબઈથી મહેસાણા જતો.આ મુલાકાતો દરમ્યાન એક કિસ્સો સાંભળવામાં આવ્યો.અમીની એક સખી પણ ગર્ભવતી હતી અને તેણે ગર્ભપરિક્ષણ કરાવ્યું હતું (આ કાયદેસર એક ગુનો છે છતા કેટલીયે ગેરકાયદેસર વસ્તુઓ બનતી રહેતી હોય છે) અને તેને ખબર પડી કે ગર્ભમાં વિકાસ પામી રહેલ ભ્રુણ દિકરીનું છે ત્યારે તરત તેણે ગર્ભપાત કરાવી નાંખ્યો.સમાજમાં તેણે એવી વાત ફેલાવી કે પોતે પડી ગઈ હોવાથી ગર્ભપાત થઈ ગયો હતો પણ વાસ્તવિકતા જુદી હતી.મને આ કિસ્સો સાંભળી જોરદાર આંચકો લાગ્યો.
ગુજરાતભરમાં ઠેરઠેર 'બેટી બચાવો'ના પોસ્ટર્સ લાગેલા હોવા છતાં,આપણે આજે એકવીસમી સદીમાં પહોંચી ગયા હોવા છતાં એક સ્ત્રીએ,એક માતાએ પોતે આવું પગલું ભરવું પડે એ દુ:ખદ બાબત છે.
આ પ્રસંગ પછી પણ ઘણી વાર મહેસાણા જવાનું થયું અને કોઈ વડીલને હું અને અમી પગે લાગીએ એટલે આશિર્વાદ મળે દેવ જેવો દિકરો તમારે ઘેર પધારે.ક્યારેય કોઇએ એવા આશિર્વાદ નથી આપ્યા કે દેવી જેવી દિકરી કે લક્ષ્મી પધારે.શું એવા આશિર્વાદ ન આપી શકાય કે તમારે ઘેર તંદુરસ્ત બાળક અવતરે,ભલે પછી એ પુત્ર હોય કે પુત્રી? છતાં આજેય વડીલો શામાટે પુત્રવતી ભવ ના જ આશિષ આપતા હોય છે?
શરીરમાં ભગવાન આવે એ વાતમાં હું તો જરાય માનતો નથી.પણ મારા કેટલાક નજીકના સંબંધીઓ જેમના પંડમાં માતાજી પ્રવેશે છે તેમણે તેમજ એક ભુવાજીએ પણ મારા પપ્પા સમક્ષ એવી આગાહી વિશ્વાસપૂર્વક કરી હતી કે મારે ઘેર દિકરો જ જન્મશે.પણ મારી ખુશી બેવડાઈ ગઈ જ્યારે એ બધી આગાહીઓ ખોટી પડી અને મારે ઘેર ફૂલ જેવી કોમળ બાળકીનો જન્મ થયો!
જન્મનાર બાળક ઇશ્વર તરફથી મળતી અણમોલ અને ઉત્તમ ભેટ છે,પછી ભલે એ દિકરો હોય કે દિકરી.તમે જ્યારે તમારા નવજાત શિશુને હાથમાં ઉપાડશો ત્યારે તમે ચોક્કસ મારી આ વાત સાથે સહમત થશો.કુદરતનું એક અદભૂત સર્જન છે તાજું જન્મેલું બાળક.
મારી દિકરીના જન્મ પછી હું મહેસાણામાં મારા સસરાજી સાથે મારી પુત્રીનો જન્મ કરાવનાર ડોક્ટરને મળવા ગયો ત્યારે એક બીજી આઘાતજનક ઘટના મારી સમક્ષ બની.એક સ્ત્રીને બાળકી જન્મી હતી અને કોઈક કોમ્પ્લિકેશન ઉભું થતા તે બાળકીનું ઓપરેશન કરવાની જરૂરિયાત ઉભી થઈ.જન્મનાર બાળકીના પિતા અને દાદી સામે હાજર થઈ ડોક્ટરે નવજાત શિશુના ઓપરેશનમાટે પરવાનગી માંગી.તે પુરુષે ડોક્ટરને સામો પ્રશ્ન કર્યો : "પહેલા અમને જાણ કરો દિકરો છે કે દિકરી? જો દિકરો હોય તો જ તેનું ઓપરેશન કરો. દિકરી હોય તો તેનું જે થવું હોય તે થવા દો." હજી તેના આંચકાજનક શબ્દોના આઘાતમાંથી બહાર આવું એ પહેલા નવજાત શિશુની દાદી બોલી, "હે ભગવાન, ખોડખાંપણ વાળોયે દિકરો દીધો હોત તો સારું થાત." ભલુ થજો એ ડોક્ટરનું કે ક્રોધે ભરાયા હોવા છતાં વધુ માથાઝીંક કર્યા વગર તે તાજી જન્મેલી બાળકીને ઓપરેશન માટે રવાના કરવા ત્યાંથી ચાલ્યા ગયા.
આજે ઘરડા માબાપને વૃદ્ધાશ્રમમાં ધકેલી દેનાર કેટલાય કુપુત્રોના કિસ્સા સાંભળ્યા હશે અને આવા જાકારો પામનાર માબાપને દિકરીએ સધિયારો આપ્યાના પણ કેટલાક કિસ્સા પ્રકાશમાં આવ્યા હોવા છતા આપણા સમાજના મોટા ભાગના લોકોની માનસિકતા કેમ હજી પરિવર્તન પામી નહિં હોય?એક પુત્રીને પણ પુત્ર જેટલાં જ પ્રેમ અને સન્માનથી આપણો સમાજ ક્યારે આવકારશે?

ગુરુવાર, 1 જુલાઈ, 2010

મોસમના પહેલા વરસાદમાં નાહ્યા કે નહિં?

તમે કદી મોસમના પહેલા વરસાદમાં નાહ્યાં છો? કદાચ એ ન કર્યુ હોય તો ક્યારેક જાણી જોઇને કે સંજોગવશાત મૂશળધાર વરસાદમાં પલળ્યા છો?આ એક એવો અનેરો આનંદ છે જે તમે જાતે અનુભવીને જ માણી કે સમજી શકો!
દર વર્ષે હું મોસમના પહેલા વરસાદમાં નહાવાનું ચૂકતો નથી.એ રોમાંચક અનુભવની લાગણી આહલાદક હોય છે.ગરમીથી તપ્ત શરીર અને મન બન્ને મોસમના પહેલા વરસાદના અમી છાંટણામાં પલળી અનેરી શાંતિ અને અનુપમ સુખની અનુભૂતિ કરે છે.ત્યારે વાતાવરણમાં પ્રસરી જતી ભીની માટીની ફોરમ પણ ગરમીથી ત્રાસેલા અને થાકેલા મનને હળવું અને તાજગીથી તરબતર કરવામાં મોટો ફાળો આપે છે.હા, પહેલા વરસાદમાં છાપરા પર કે ધાબા પર જમા થયેલી ધૂળ-કચરો વગેરે પણ ધોવાઈને પાણીના રચાતા નેવા ભેગા વહેતા હોવાથી પહેલા વરસાદમાં નેવા નીચે ઉભા રહી નહાવું ટાળી શકાય પણ બાળકોને તો ક્યાં ગંદકી-સ્વચ્છતા જેવા ભેદભાવમાં રસ હોય છે?તેઓ તો નેવા નીચે ઉભા રહી શરીર ગંદુ થતુ હોવા છતાં પહેલા વરસાદની મજા ભરપૂર માણે છે!આપણે ય ક્યારેક ફરી બાળક જેવા બની જઈ મનભરીને વરસાદમાં પલળવાનું સુખ માણવું જોઇએ.
આ વખતે પહેલો વરસાદ અડધી રાતે પડ્યો હોવાથી તેમાં નાહવાની મજા ચૂકી જવાઈ.આ વખતે તો વરસાદ અહિં મુંબઈમાં શરૂઆતથી જ જામી પડ્યો.એક-બે દિવસના વરસાદમાં જ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા.સુખદ સમાચાર તો એ વાંચ્યા કે પ્રથમ કેટલાક ઝાપટાંમાં જ મુંબઈના જળાશયોમાં પા ભાગનો પુરવઠો ભરાઈ રહ્યો એટલે આવતા વર્ષે પાણીકાપ નહિં મૂકાય!અને અહિં તો વરસાદ છેલ્લા થોડા દિવસોમાં નિયમિત પડતો જ રહ્યો છે.પણ અહિં કરતા વિપરીત પરિસ્થિતી ગુજરાતમાં જોવા મળી.ત્રણ દિવસ માટે હું મહેસાણા જઈ આવ્યો એવી આશા સાથે કે મુંબઈના વરસાદને હું મારા ભેગો ત્યાં લઈ જઈશ!પણ મારી એ આશા ઠગારી નિવડી.ત્યાં હજી ઉનાળાની ત્રાહિમામ પોકારાવતી ગરમી અને બળબળતી બપોરો યથાવત જ છે.ફક્ત રાતે ધાબે જઈને સુવાની ત્યાં ખૂબ મજા પડી.ગુજરાતવાસીઓનું આ ધાબે સુવાનું સુખ આપણને મુંબઈ ગરાઓને ઇર્ષ્યા અપાવે એવું હોય છે!રાતે ધાબા ઉપર ઠંડી ઠંડી હવાની લહેરખીઓ મન બહેલાવતી રહી આમછતાં ત્રણમાંથી એકેય રાત ત્યાં વરસાદ તો ન જ પડ્યો.અને જેવો મેં પાછા ફરી અહિં મુંબઈમાં પગ મૂક્યો કે ફરી અહિં તો બધું ભીનું ભીનું જ જોવા મળ્યું!
એકાદ-બે દિવસ પહેલા એક સાંજે હું ઓફિસેથી પાછો ફરી રહ્યો હતો.ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો હતો.રસ્તામાં મારી નજર એક ઘરના ઉંબરે બેઠેલ બાળક ઉપર પડી.એની આંખોમાં જે વિસ્મય જોયું એણે મને વિચાર કરતો કરી મૂક્યો.શું મને પણ વરસાદ એટલો જ વિસ્મયકારી આજે લાગે છે?ઉંમર સાથે પાકટતા આવતા આવા કેટકેટલા વિસ્મયો આપણે ગુમાવી બેસતા હોઇએ છીએ!એ બાળકની નિર્દોષ ભાવવાહી આંખોએ મને પણ બાળક બનાવી મૂક્યો!મને પણ ફરી આજે વર્ષો બાદ વરસાદના પાણીના ખાબોચિયામાં છબછબિયા કરવાનું મન થઈ ગયું!મને પણ કાગળની હોડી બનાવી વરસાદના પાણીની ધારાઓમાં તેને તરતી મૂકી દૂર દૂર વહી જતી જોવાની તીવ્ર ઇચ્છા થઈ ઉઠી! આખરે આ મોસમનો પહેલો વરસાદ ન માણ્યો હોઈ તથા અત્યાર સુધી આ મોસમના એક પણ વરસાદમાં નાહ્યાના સુખની અનુભૂતિ ન કરી હોઈ આજે તો મેં નાહી જ નાંખવાનું નક્કી કર્યું! કોઈને નહિં ...વરસાદમાં નાહી નાખવાનું..!અને પહેલા વરસાદમાં નાહ્યા જેવી જ મજા મેં તે દિવસે સાંજે માણી લીધી. મારા ઘરના છાપરા પરથી પડી રહેલા વરસાદના પાણીના નેવાને મોઢા પર ઝીલવાનો અવર્ણનીય આનંદ કોઈ ડુંગરેથી પડી રહેલા ધોધને મોઢા પર ઝીલવાના આનંદથી જરાય ઓછો નહોતો!ત્યાં બાજુમાં દેડકાનું ડ્રાઉં ડ્રાઉં સંભળાયું અને પગે લીસા લીસા સ્પર્શનો અનુભવ થયો તે અળસિયું નીકળ્યું!લાંબા સમય સુધી મેં આ વર્ષાસ્નાનનો આનંદ પેટભરીને માણ્યો. તમે આ મોસમના એકેય વરસાદમાં ન નાહ્યા હોવ તો હજી પણ મોડું થયું નથી!
તમે હજી આ મોસમના એક પણ વરસાદમાં ન નાહ્યા હોવ તો હજી મોડું થયું નથી...!

રવિવાર, 13 જૂન, 2010

S.S.C નું પરિણામ

ટૂંક સમયમાં જ S.S.C નું પરિણામ જાહેર થવાનું છે.કેટલાંય વિદ્યાર્થીઓ સરસ માર્ક્સ સાથે ખૂબ સારા ટકા મેળવશે તો કેટલાક મહેનત કરી હોવા છતાં ધાર્યા ગુણાંક પ્રાપ્ત કરી શકશે નહિં.ક્યાંક હર્ષની ચિચિયારીઓ સંભળાશે તો ક્યાંક ડૂસકા અને રૂદનને કારણે વાતાવરણ ગંભીર હશે. દસમું ધોરણ એટલે કે S.S.C.ને શાળાજીવનનું સૌથી મહત્વનું વર્ષ ગણવામાં આવે છે.અને આજનાં સ્પર્ધાત્મક યુગમાં માતાપિતા પોતાના બાળક પાસેથી પહાડ જેટલી અપેક્ષાઓ રાખતા હોય છે.એમાં મરો થઈ જાય છે બાળકનો.તેની રસરૂચી હોય કે ન હોય પણ ગોખેલું ઓકી તેની પાસેથી S.S.Cમાં તે સારા માં સારા માર્ક મેળવે તેવી અપેક્ષા રાખવામાં આવે છે જેથી તે સારી એવી એકાદ પ્રતિષ્ઠીત કોલેજમાં એડમિશન મેળવી એન્જિનીયર કે ડોક્ટર બનવા ભણી આગળ વધી શકે.
પણ જો કદાચ ના જાહેર થયેલા પરિણામમાં તમારા સંતાનના ધાર્યા ટકા ન આવે કે તે નાપાસ થાય તો મહેરબાની કરી તેને જાકારો ન આપશો.તેની પડખે ઉભા રહેશો.તેના આત્મવિશ્વાસની જ્યોત બૂઝાઈન જાય એનું ખાસ ધ્યાન રાખશો. વિદ્યાર્થીઓ, તમે પણ ધ્યાન આપજો કે S.S.C.નું પરિણામ જ કંઈ સર્વસ્વ નથીં. S.S.C પરિણામમાં જ દુનિયા પૂરી થઈ જતી નથી. ઉલટું આ પછી જ તો એક નવી શરૂઆત થવાની છે તો તેનું સ્વાગત ગમગીનીથી શીદને કરવું?
આજકાલ નાપાસ થવાને કારણે વિદ્યાર્થીઓ આત્મહત્યા કર્યાના સમાચાર અવારનવાર અખબારોમાં વાંચવા મળે છે.પણ આ તો નરી કાયરતાની નિશાની છે. એમ કંઈ શાળાની કે ની પરિક્ષામાં નાપાસ થયા એટલે અતિ મૂલ્યવાન એવા જીવનનો અંત આણી દેવાનો? આ તો કેવું મૂર્ખતાભર્યું પગલું?આનાથી ન તો જાન ગુમાવનારને કંઈ હાંસલ થાય છે ન તો તેના પરિવારજનોને.ઊલટું બન્ને પક્ષ ગુમાવે જ છે.આત્મહત્યા કરનાર મહામૂલું જીવન અને પરિવારજનો પોતાનો પરિવારનો એક સભ્યં ી પરિક્ષામાં હોય કે પછી જીવનમાં કોઈ પણ તબક્કે મળેલી બીજી કોઈ નિષ્ફળતા - કોઈ નિષ્ફળતા એટલી મોટી નથી હોતી કે જેને કારણ થઈ તમે જીવન ખતમ કરી નાંખવા જેવું અંતિમ પગલું ભરી બેસો.
બીજી એક મહત્વની વાત કરવાનું મન થાય છે.ક્યાંક વાંચેલું કે ઇશ્વર તમને એ નથી આપતા જે તમે ઇચ્છતા હોવ, પણ એ તમને એ આપે છે જે તમારા માટે સારું હોય, યોગ્ય હોય. મારું પોતાનું ઉદાહરણ ટાંકુ તો આજથી સોળ વર્ષ પહેલા, દર વર્ષે શાળામાં પ્રથમ આવવા છતાં S.S.Cમાં હું શાળામાં પ્રથમ તો શું દ્વિતીય પણ ન આવી શક્યો. ત્રીજા સ્થાને રહી મેં ૯૦.૮૫ % માર્ક્સ મેળવ્યા. આ પરિણામ કોઈ જ રીતે ખરાબ કે ઓછું ન હોવા છતાં મેરિટ લીસ્ટ સાત માર્કથી છેટું રહી ગયું અને હું ખૂબ દુ:ખી થઈ ગયો. પણ હિંમત ન હારી માતાપિતાના સંપૂર્ણ સહયોગ અને આશિર્વાદથી નજર ઉંચી જ રાખી, આગળ ભણવા અને સારી કારકિર્દી બનાવવામાં. ગુજરાતી માધ્યમમાં ભણવા બદલ હું આજે પણ કોઈ જાતની નાનમ નથી અનુભવતો અને મને એ વાતનું ગૌરવ છે.માતૃભાષામાં ભણવાને કારણે જ હું નેવું ટકા કરતા પણ વધુ માર્કસ S.S.Cમાં મેળવી શક્યો અને એ વાત મને આગળ ઉચ્ચ અભ્યાસમાં પણ ક્યાંય અંતરાયરૂપ નથી બની અને બારમામાં પણ સારા ટકા મેળવી એન્જિનયીરીંગ અને પછી M.B.A. સુધીની મજલ કાપી અને સારી પ્રતિષ્ઠીત કંપનીમાં નોકરી મેળવી શક્યો. જીવનમાં કોઈ પણ પગલે તમારું ધાર્યું પરિણામ ન મળે તો નાસીપાસ કે નિરાશ થયા વગર તેને ઇશ્વરનો સંકેત ગણી સ્વીકારી લો અને અધિક મહેનત કરી આગળ ધપવા માંડો. એ જ સફળ થવાની સાચી રીત છે.
પરિણામની રાહ જોઈ રહેલા, બધાં ના વિદ્યાર્થીઓને મારા All The Best અને મિત્રો, યાદ રાખજો કે S.S.C.નું પરિણામજ જીવનનો અંત નથી બલ્કે એ તો એક શરૂઆત છે. આથી તમારું ધાર્યું પરિણામ આવે તો તો સારું જ છે પણ જો એ તે પ્રમાણે ન આવે તો નિરાશ થવાની જરાય જરૂર નથી.'કરતા જાળ કરોળિયો' વાળી કવિતા યાદ કરી ફરી પાછા મચી પડો મહેનત કરવા અને ઓછા માર્ક્સ આવે તો જીવનમાં આગળ ઘણી બીજી પરિક્ષાઓ આવશે જ્યાં તમને ફરી તક પ્રાપ્ત થશે મહેનત કરી સારું પરિણામ મેળવવાની. ઇશ્વરમાં શ્રદ્ધા રાખો.

મંગળવાર, 1 જૂન, 2010

અસરકારક સંદેશવ્યવહાર

થોડા સમય અગાઉ પાઠશાલા નામની હિન્દી ફિલ્મ જોઈ.મોટા ભાગની હિન્દી ફિલ્મોમાં હોય છે તે પ્રમાણે ફિલ્મની શરૂઆત પહેલા ફિલ્મ તેમજ તેની સાથે સંકળાયેલી વ્યક્તિઓના નામ સ્ક્રીન પર દર્શાવવાની શરૂઆત થઈ.એક સાથે ત્રણ વસ્તુઓ આ દરમ્યાન ચાલુ હતી.આ ફિલ્મના મુખ્ય કલાકારો સહિત તમામ લાગતા વળગતાઓ ( દિગ્દર્શક, નિર્માતા, પાર્શ્વગાયકો, ન્રુત્ય દિગ્દર્શકો, એડિટર વગેરે વગેરે) જેમણે આ ફિલ્મ બનાવવા ૨-૩ વર્ષ કે તેથી પણ વધુ સમય સુધી રાત-દિવસ એક કરીને મહેનત કરી હતી તે સૌના નામ સ્ક્રીન પર લાલ અક્ષરોમાં અલપ ઝલપ થઈ રહ્યાં હતાં.નામો પાછળ બેકગ્રાઉન્ડમાં તાજેતરમાં વર્તમાનપત્રોમાં છપાયેલા શિક્ષણ ક્ષેત્રને લગતાં, મોટા ભાગના નકારાત્મક પ્રકારના સમાચારો (જેવા કે ફલાણા વિદ્યાર્થીએ કરેલો આપઘાત, ઢિકણા શિક્ષકે વિદ્યાર્થીને ઢોરમાર મારતા તેનું મ્રુત્યુ થયુ,વિદ્યાર્થીની પર શિક્ષક દ્વારા બળાત્કાર વગેરે વગેરે)ની ક્લિપીંગ્સ દર્શાવવામાં આવી રહી હતી, જેમાં ઘણી બધી માહિતી સ્ક્રીન પર પ્રેક્ષકો માટે પળવાર માટે સ્ક્રીન પર આવી પૂરે પૂરી વંચાય એ પહેલા અદ્રષ્ય થઈ જતી હતી.અને આ બે પ્રક્રિયાની સાથે સાથે જ ફિલ્મનું સુમધુર શિર્ષક ગીત ફિલ્મના ટાઈટલ સાથે જ વાગી રહ્યું હતું.આમ માહિતીઓનો ઓવરલોડ પ્રેક્ષકો સમક્ષ ઝીંકાઈ રહ્યો હતો. હવે સામાન્ય માનવી એક વખતે એક જ પ્રક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કરી શકતો હોય છે.મારું ધ્યાન ટાઈટલમાં દર્શાવાઈ રહેલી સમાચારોની ક્લિપીંગ્ઝ વાંચવામાં રહી ગયું હોવાથી આ ફિલ્મ સાથે સંકળાયેલી મહત્વની વ્યક્તિઓના નામ વાંચવાના હું ચૂકી ગયો.
ફિલ્મ પત્યા બાદ આપણા પ્રેક્ષકોમાં ધરપત હોતી નથી આથી ફિલ્મને અંતે પણ, ઘણી વાર દર્શાવાતા નામો વાંચવા તો દૂર રહ્યું, ક્લાયમેક્સનો સીન જોવા માટે પણ તમારે સીટ પરથી ઉભા થઈ જવું પડે.અને કેટલીયે વાર થિયેટરવાળાઓ પણ ફિલ્મ પૂરી થયા બાદ તરત નામો દર્શાવવાનું ચાલુ રાખવાને બદલે પડદો પાડી દેતા હોય છે.
પાઠશાલા ફિલ્મ જોયા બાદ હજી સુધી મને ખબર નથી આ ફિલ્મ કોણે ડિરેક્ટ કરી હતી?ન તેના નિર્માતા કોણ હતા એ હું જાણી શક્યો છું.આ એક મોટી કમ્યુનિકેશન ફેઇલ્યર હતી - સંદેશ વ્યવહારની નિષ્ફળતા અને બિન અસરકારક્તાનું સચોટ ઉદાહરણ.
આ વાતની સરખામણી તાજેતરમાં જ જોયેલી બીજી એક ફિલ્મ સાથે કરવાનું મન થાય છે.ફિલ્મ સાથે સંકળાયેલી દરેક વ્યક્તિને ક્રેડિટ કઈ રીતે આપવી તેનાં એક ઉત્ક્રુષ્ટ ઉદાહરણસમી શ્યામ બેનેગલ દિગ્દર્શિત આ ફિલ્મ એટલે 'વેલ ડન અબ્બા'!
આ ફિલ્મની કેન્દ્રિય વિષયવસ્તુ 'કૂવા'ના ચિત્ર સાથે ફિલ્મના દરેક નાના મોટા કલાકારના સાચા નામ તેના ફિલ્મમાં ભજવેલા પાત્રના નામ સાથે ફિલ્મના ટાઈટલમાં દર્શાવવામાં આવ્યા હતા.કેટલી સુંદર રીત!આ રીતે ફિલ્મે પોતાની સાથે સંકળાયેલી મહત્વની વ્યક્તિઓને યોગ્ય ક્રેડિટ પણ આપી ગણાય.પ્રેક્ષકો જાણી પણ શકે કે ફિલ્મમા કયું પાત્ર ભજવનાર વ્યક્તિ કોણ છે અને તેનું વાસ્તવિક નામ શું છે.(સિવાય કે તે રાજીવ ભાટિયા બની જનાર અક્ષય કુમાર કે સંજીવ કુમાર બની જનારા હરિભાઈ ઝરીવાલા હોય!)
મારે મતે અસરકારક સંદેશવ્યવહારનું આ એક ઉત્તમ ઉદાહરણ છે. જ્યારે તમે કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓના સમૂહ સાથે સંદેશ વ્યવહાર કે કમ્યુનિકેશન કરી રહ્યા હોવ ત્યારે એ સફળ થયેલું ત્યારે જ ગણાય જો તમારો સંદેશ, તમારી વાત એ વ્યક્તિ કે સમૂહ સમજી શકે, સંપૂર્ણ રીતે જાણી શકે.
કોર્પોરેટ જગતમાં પણ પાવર પોઇન્ટ પ્રેઝેન્ટેશન આપતી વખતે તમે તેનું બેકગ્રાઉન્ડ અતિ ભડક કે ભપકાદાર પસંદ કર્યુ હોય તો તમારી મૂળ વાત, કેન્દ્રિય મુદ્દો ક્યાંક ખોવાઈ જાય છે અને સામે બેઠેલી વ્યક્તિઓનું ધ્યાન ફક્ત પ્રેઝેન્ટેશનનાં ભપકાદાર રંગો કે કરામતોમાં જ વિશેષ રહેવા પામે છે.
હું આશા રાખું છું કે પ્રિય બ્લોગવાચક, તમને મારી વાત બરાબર સમજાઈ અને મારું આ કમ્યુનિકેશન સફળ અને અસરકારક રહ્યું હોય!

રવિવાર, 23 મે, 2010

ગેસ્ટ બ્લોગ : ગંદકી અને શ્રીહરી… મુસીબત ખરેખરી !

Blog URL : http://govindmaru.wordpress.com/2010/05/07/d-panchal/

એક હબસી ટુરીસ્ટે ભારતનો પ્રવાસ કર્યા બાદ તેની ડાયરીમાં લખેલું, ‘ઈન્ડીયા ઈઝ અ ડર્ટી કન્ટ્રી.’ કોઈ હબસી ભારત વીશે આવું સર્ટીફીકેટ આપી જાય તે ભારતની ગંદકી પર આઈ.એસ.આઈ.ની મહોર લાગ્યા જેવી બાબત ગણાય. (સુરતમાં થોડા દીવસ ફર્યા પછી તે એવું લખવા પ્રેરાયો હશે એવી ધારણા હતી; પણ ડાકોર અને બેટ દ્વારકાની ગંદકી નીહાળ્યા પછી લાગ્યું કે ત્યાંથી જ તેને આવું લખવાની પ્રેરણા મળી હશે.) ડાકોર અને બેટ દ્વારકાની ગંદકી સગી બહેનો જેવી છે. ડાકોરના રસ્તા પર દીનદહાડે છોકરા ઝાડે બેસવાનું સ્વાતંત્ર્ય ભોગવે છે. ગોમતીઘાટનું એક દૃશ્ય સ્મૃતીમાંથી ખસતું નથી. થોડીક ટુરીસ્ટ સ્ત્રીઓ બાળકોએ બગાડેલાં કપડાં ધોઈ રહી હતી. એક ફરસાણની દુકાનનો નોકર તેલવાળા વાસણો પાણીમાં ઝબોળી રહ્યો હતો. બાજુમાં એક કુતરો કોહી ગયેલું નારીયેળ ખાઈ રહ્યો હતો. આ બધાંથી દુષીત થયેલું પાણી લીલું ઝેર જેવું જણાતું હતું. થોડે દુર શ્રદ્ધાળુઓ હથેળીમાં એ પાણી લઈ ચરણામૃતની જેમ પીતા હતા. પગ બોળો તો ગંદા થઈ જાય એવું પાણી લોકો શ્રદ્ધાને નામે પેટમાં પધરાવતા હતા. શ્રદ્ધા શ્રદ્ધાને સ્થાને ઠીક છે; પણ તેને માટે આરોગ્યશાસ્ત્રના નીયમોને નેવે મુકો તો પુણ્ય નહીં; હૉસ્પીટલ મળે. એ જમાનો વહી ગયો જ્યાં ભગવાન ભરોસે મીરાંબાઈ ઝેરનો કટોરો પી ગયેલાં. હવે ઝેરનાં સરનામાં બદલાયાં છે. ઝેર માત્ર ‘પૉઈઝન’ના લેબલવાળી શીશીમાં જ નથી હોતું; આઈસક્રીમ કે રસમલાઈમાં પણ હોય છે. અરે… ! ભગવાનના પ્રસાદમાં પણ છુપાયેલું હોય છે. એક મહીના પહેલાંના સત્યનારાયણના પ્રસાદ પર ફુગ આવી ગઈ હતી. તે ફેંકી દેવાને બદલે શ્રદ્ધાપુર્વક આરોગી જતી એક ડોસીને મેં નજરે જોયેલી. માની લઈએ કે પ્રસાદનો અનાદર ન કરાય; પણ ઝેરનોય ના કરીએ તો મોક્ષ નહીં ‘જશલોક’ મળે.
ધાર્મીક સ્થળોની આસપાસ આટલી ગંદકી કેમ હોતી હશે એ વાત મેં ઘણી વાર મંદીરના ફરસ પર બેસી વીચારી છે. એ બે વચ્ચે માણસ પુલ બને છે. માણસ ભગવાનનું ઘર સ્વચ્છ રાખવા મથે છે; પણ પોતાની અસ્વચ્છતા દરગુજર કરે છે. ભગવાનના થાળ માટે જેટલી કાળજી લે છે તેટલી પોતાના ભોજનથાળ માટે નથી લેતો. પ્રસાદમાં એકાદ જીવડું મરી ગયેલું જણાય તો બધો પ્રસાદ ફેંકી દેતો માણસ, દાળમાંથી નીકળેલા વાંદાને નજરઅંદાજ કરી દે છે. પીવાનું પાણી ચરણામૃત જેટલું ચોખ્ખું હોવું જોઈએ એવો તે આગ્રહ નથી રાખતો. પુજા કરતાં પહેલાં એ પ્રભુની મુર્તી ધુએ; પણ જમતાં પહેલાં હાથ ન ધુએ. પુજારી રોજ કૃષ્ણનું પીતાંબર બદલે; પણ પોતાનું ધોતીયું મેલુંદાટ હોય. રોજ એ દીવો કરે; પણ દાઢી ન કરે.
મંદીરો કે ધાર્મીક સ્થળોએ યોજાતા ‘મહાપ્રસાદ’માં થાળી–વાટકા ઠીક સાફ ન થયાં હોય તેવું વેઠી લેવું પડે છે. તે પર આગલા ભોજનના અવશેષો વળગેલા હોય તે જોઈએ ત્યારે પવીત્ર સ્થળને બદલે કોઈ ભંગાર લૉજમાં જમવા બેઠા હોય એવું લાગ્યા વીના ના રહે… ! આવા ઘણા વાંધાઓને કારણે મીત્રોએ મારા નામ પર ‘નાસ્તીક’ની મહોર મારી છે. પણ શ્રદ્ધાને નામે ફુગવાળો શીરો ખાઈ જવો એ શ્રદ્ધા નહીં; અબૌદ્ધીકતા ગણાય. ધાર્મીકતા અને ગંદકી વચ્ચેની આવી અશોભનીય જુગલબન્ધી સાચા આસ્તીકને કદી ન પરવડવી જોઈએ. ફક્ત બે મીનીટ નીચેના પ્રશ્નને ફાળવો. અસ્વચ્છતાથી કોને હાની પહોંચી શકે – જીવતાજાગતા માણસને કે ભગવાનની મુર્તીને ? મંદીરની આસપાસની ગંદકી ભક્તોની સ્વરચીત નીપજ હોય છે. મંદીરનાં સંડાસો, આપણને મળના ઢગલાથી ઉભરાતાં રેલવેનાં સંડાસોની યાદ અપાવે છે. બાથરુમમાં લીલ બાઝી હોય, અંદરથી પેશાબની તીવ્ર દુર્ગન્ધ આવતી હોય, મંદીરનાં પગથીયાં આગળ બગડેલાં નાળીયેરો ફેંક્યાં હોય, એ બધામાં ડાકોરના ઠાકોરનો કેટલો વાંક ? પવીત્રતા નાકથી સહન થાય એટલી જ ગંદી હોવી જોઈએ, એથી વધુ નહીં. મારું ચાલે તો દરેક મંદીરોની બહાર પાટીયાં મરાવી દઉં : ‘ઈશ્વર માત્ર મંદીરમાં જ નહીં; બહાર પણ વસે છે. એને શ્રીફળ કરતાં સ્વચ્છતા વધુ પસંદ છે. આરતીના ઘોંઘાટ કરતાં નીરવતા વધુ પસંદ છે. એથી શાંતી અને સ્વચ્છતાને જ ઉત્તમ પ્રભુભક્તી ગણવા ભક્તોને હાર્દીક અપીલ છે.’ સંતો અને ધર્મપંડીતો લોકોને ઈશ્વરનો સાક્ષાત્કાર કરાવવા પરસેવો પાડી રહ્યા છે. ધાર્મીકતા તેમનું એક માત્ર લક્ષ્ય છે. ધાર્મીક કહેવડાવતો માણસ કેવી ખરાબ રીતે જીવે છે તે તરફ તેમનું ધ્યાન ભાગ્યે જ જાય છે. દરેકના હાથમાં માળા હોય તેવો આગ્રહ રાખતો ધર્મગુરુ, એ વાતને નજરઅંદાજ કરે છે કે ગલ્લા પર બેઠેલો માણસ દીવસમાં કેટલાં કાળાં કર્મો કરે છે. શ્રદ્ધા કે ભક્તી અમાનવતાના વરખમાં લપેટાયેલી હોય તે શા કામની ? મા દીકરાને ખુબ વહાલ કરે; પણ તેનું ગળતું નાક સાફ કરવાનું તેને ન શીખવે તેવો ઘાટ થાય છે. શ્રદ્ધાળુઓએ યાદ રાખવું પડશે. વાળી ઝુડીને સાફ કરેલા આંગણામાં જ રંગોળી શોભે. ગંદા આંગણામાં શોભતી નથી. જીવનની સ્લેટ સાફ કર્યા પછી જ તે પર ધર્મનો એકડો ચીતરી શકાય. આપણે એવા દીવસની પ્રતીક્ષા કરીએ, જેમાં મોરારીબાપુ તેમની કથામાં રામાયણ કે વેદ-ઉપનીષદ સમજાવવાની સાથોસાથ માણસની ગંદી કુટેવો માટેય બે શબ્દો કહે. માણસ નવ દીવસ સુધી કથા સાંભળે અને ઘરે જતી વેળા ચાલુ બસે બહાર એવી રીતે થુંકે છે કે ક્યાં તો એ રસ્તે ચાલતા રાહદારી પર પડે ક્યાં પાછલી સીટ પર બેઠેલા મુસાફરના મોઢા પર પડે. એ થોડાંક થુંકમાં આખું રામાયણ ધોવાઈ જાય છે. (મોરારીબાપુની કથા વખતે પાલાની મુતરડીઓની પુરી વ્યવસ્થા કરવામાં આવી હોવા છતાં; બહાર ગમે ત્યાં ઉભા રહી પેશાબ કરતા ભક્તોને નજરે જોયા છે.)
આપણા ધર્મપ્રેમીઓને ધર્મ પુર્વે સ્વચ્છતાની મહત્તા સમજાય તે જરુરી છે. મળસ્કે પાંચ વાગે ઉઠીને ગીતા વાંચતા માણસના ઘરમાં ઢગલેબંધ કચરો ખુણેખાંચરે પડ્યો હોય ત્યારે એ વાત સાચી લાગે છે. ગીતા હાથમાં લઈ મનનો કચરો સાફ કરતાં પહેલાં ઘરનો કચરો સાફ ન કરો તો કૃષ્ણ કેવી રીતે રાજી થાય ? ગંદા ઘરમાં ધર્મની રંગોળી શોભતી નથી. ભક્તોને પુજાપાઠ વડે ધાર્મીક સ્થળો ગંદાં કરવાનો અધીકાર ન હોવો જોઈએ. પવીત્રતા ગંદકીના વરખમાં લપેટાયેલી હોય એ સ્થીતી સામે પહેલો વાંધો આસ્તીકોને જ હોવો જોઈએ. આપણા દેવો નસીબદાર છે. માણસ દેવનું ઘર સાફસુથરું રાખે છે. પણ પોતાના ઘરની તો ગમે તેવી ગંદકીને એ ગાંઠતો નથી. (અહીં નરી આંખે દેખાતી ભૌતીક ગંદકીની જ વાત કરી છે… માણસના મનના ગોડાઉનની પાર વીનાની વૈચારીક ગંદકીનો એમાં સમાવેશ થતો નથી.) મધર ટેરેસાએ ખોટું નથી કહ્યું. ‘ઈશ્વર તમને ઘોંઘાટ અને અજંપામાં નહીં મળે. એ તો મૌનનો મીત્ર છે. આપણે એટલા માટે સ્વચ્છ અને પવીત્ર રહેવું જોઈએ કે ઈશ્વર આપણામાં રહી શકે… !’

-દીનેશ પાંચાલ (નવસારી)

બુધવાર, 19 મે, 2010

મોટરમેનોની હડતાળને લીધે રઝળી પડ્યાનો અનુભવ

એ દિવસે સવારે જ મહેસાણાથી બોરિવલી રાણકપુર એકસ્પ્રેસ દ્વારા આવતી વેળાએ જબરદસ્ત કંટાળાનો અનુભવ થયો.વિરારથી બોરિવલી સુધી સામાન્ય રીતે ફાસ્ટ લોકલમાં અડધો કલાક લાગે તેની જગાએ રાણકપુર એકસ્પ્રેસે પૂરા કલાક કરતાં પણ વધુ સમય લીધો. મલાડ મારે ઘેર પહોંચી ફ્રેશ થઈ વાંદ્રામાં આવેલી મારી ઓફિસ પહોંચતા સુધીમાં સાડાબાર-એક જેવો સમય થઈ ગયો આથી સાંજે ઓફિસેથી મોડા જ નિકળવુ પડે એવી પરિસ્થિતી નિર્માણ થઈ.છતાં પોણા આઠ સુધી સમય કેમેય કરીને પસાર કર્યા બાદ ઓફિસની બસ દ્વારા વાંદ્રા પહોંચવાનું નક્કી કર્યુ.પણ હંમેશની જેમ એક-બે મિનિટ મોડા પડતા બસ ચૂકી જવાયું અને ત્યાં રસ્તા પર ચાલતી વખતે જ ઓફિસમાંથી એક મિત્રનો ફોન આવ્યો કે લોકલ ગાડીઓ મોટરમેનોની હડતાળને કારણે બંધ છે આથી મારે હાઈવે પરથી સીધી મલાડ જતી બસ પકડી લેવી.પણ મેં તેની વાત ગણકારી નહિં.
મને એમ કે સ્ટેશન પહોંચી એકાદ ટ્રેન તો મળી જ જશે.આમેય ગિર્દી ધરાવતી ટ્રેનમાં ચઢવા-ઉતરવા હું સારી રીતે ટેવાયેલો જ છું.પણ ટ્રેનો સાવ જ બંધ જ થઈ જશે એવી મેં કલ્પના કરેલી નહિં.સ્ટેશને પહોંચી બાંકડે બેસી અખબાર વાંચવું શરૂ કર્યું,ટ્રેનની રાહ જોતા જોતા. પણ આખું અખબાર વાંચી રહ્યા બાદ પણ ટ્રેન આવી નહિં.રેલ્વે અનાઉન્સમેન્ટ હવે મેં ગંભીરતાથી સાંભળવાની શરૂઆત કરી.રેલવેવાળા પ્રવાસીઓને વાંદ્રા સ્ટેશન બહાર ખાસ શરૂ કરાયેલી બેસ્ટની બસ સેવાનો લાભ લેવીનું કહી રહ્યા હતા.મને ખૂબ નવાઈ લાગી.લગભગ સવા આઠે વાંદ્રા બસ ડેપોથી મેં ખીચોખીચ ભરેલી બસ અંધેરી જવા માટે પકડી.જવું હતું તો મલાડ સુધી પણ વાંદ્રા ડેપોથી કોઈ બસ સીધી મલાડ સુધી નહતી અને સ્ટેશનથી ડેપો વચ્ચે નજીવુ અંતર હોવા છતા અહિં બસ સુધી પહોંચતા જ મને દસ મિનિટ જેવો સમય લાગ્યો.એક બાઈક વાળાએ તો તેના બાઈકનું પૈડુ મારા પગ પર ચડાવવામાં કંઈ બાકી જ રાખ્યુ નહોતુ, પણ મારા સદનસીબે મને જરાય ઇજા પહોંચી નહિં.આટલી ગિર્દીમાં હું એની સાથે જીભાજોડી પણ શું કરું.બસ વાંદ્રા ડેપોથી જ શરૂ થતી હોઈ મને ચડવા તો મળી ગયું પણ ખૂબ ભીડ અને ગરમીને કારણે અન્ય બધા પ્રવાસીઓની જેમ જ મારી પણ હાલત ખરાબ થઈ ગઈ.
વાંચવાનો ભારે શોખ એટલે જન્મભૂમિની રવિપૂર્તિ મધૂવન કાઢી આટલી ગરમી અને ગિર્દીમાં પણ ઉભા ઉભા વાંચવાનું શરૂ કરી દીધુ.ખભે લટકાવેલી બેગ સાથે અગવડતા પડી રહી હતી.સાથે જ બેગ પર આટલી ભીડમાં કોઈ ચીરો મારી પાકીટ ચોરી લેશે એવો ભય પણ સતત લાગ્યા કર્યો. આમ છતા પાસેની સીટ પર બેસેલા મારા જેવા જ યુવાન સહપ્રવાસીની મારી બેગ તેના ખોળામાં રાખવાની દરખાસ્ત મેં ખબર નહિં શા માટે નકારી કાઢી!'મારી બારીએથી','કોફી હાઉસ' અને 'આસવ' વાંચી કાઢ્યા ત્યાં કંડક્ટર મહોદય આવી પહોંચ્યા અને મેં જેમ તેમ કરી બેગમાંથી પૈસા કાઢી ટિકિટ કઢાવી.બસની બારીમાંથી બહાર નજર નાંખતા બસ-સ્ટોપ પર, બીજી બસોમાં લોકોના ટોળેટોળા નજરે પડ્યા.મોટરમેનોની હડતાળની સજા મુંબઈગરાઓ ભોગવી રહ્યા હતા.વેસ્ટર્નથી સેન્ટ્રલ કે વેસ્ટર્નમાં જ ચર્ચગેટથી બોરિવલી કે વિરાર સુધી જવા ઇચ્છતા હજારો,સોરી, લાખો લોકો અટવાઈ ગયા હતા.
ખૂબ ગરમી લાગી રહી હોવાથી પરસેવો ખૂબ થતો હતો પણ એના ટીપાં પાસે જ નીચે બેઠેલા સહપ્રવાસી પર પડે એ પહેલા મેં રૂમાલથી મોં લૂછી કાઢ્યું.મહા મુસીબતે અંધેરી આવ્યું અને હું બસમાંથી માંડ માંડ ઉતરી શક્યો. વિચાર આવ્યો સ્ટેશન નજીક જ છે તો લાવ જોવાદે કદાચ ટ્રેન શરૂ થઈ ગઈ હોય અથવા ખાસ અંધેરીથી શરૂ થવાની હોય ને મને બેસીને (!) ઘેર જવા મળે.પણ મારી આ આશા ઠગારી નિવડી.અંધેરી પર વિરાર જવા માટેની લોકલ લાગેલી તો હતી પણ ખીચોખીચ ભરેલી અને તે આગળ વધવાનું નામ નહોતી લઈ રહી.ફરી પાછો હું રસ્તા પર આવી ચાલવા લાગ્યો.
મલાડ જતી એક-બે બસ દેખાઈ પણ એમાં ગિર્દી જોઈ મેં નક્કી જ કરી લીધું કે હવે તો રિક્ષા જ પકડી લેવી.પણ ખાલી રીક્ષાયે મળવી તો જોઇએને?ખેર મેં આગળ ચાલવા માંડ્યુ. મારી સાથે બીજા ઘણા લોકો ચાલી ને આગળ જઈ રહ્યા હતા. કેટલાક મારી જેમ રીક્ષા પણ શોધી રહ્યા હતા.ચાલતા ચાલતા મને વિચાર આવ્યો શું હડતાલ એક જ રસ્તો છે મોટરમેનો પાસે પોતાની માંગણીઓ સરકાર સમક્ષ રજૂ કરવાનો?તેમની હડતાળને લીધે આમ લાખો લોકો રસ્તા પર રઝળી જાય એ યોગ્ય કહેવાય?સરકાર પાસે આનો કોઈ વિકલ્પ હોવો જોઇએ. અને આ હડતાળ પણ સાવ અણધારી અને ઓચિંતી તો નહોતી જ મોટરમેનો એ અગાઉ તેની જાહેરાત કરી હતી તો પછી સરકારે કેમ આગોતરા પગલા ન લીધા?દોઢ-બે દિવસ પછી આપેલી કાનૂની ધારા લગાડવાની ચિમકી આટલા સમય બાદ કેમ અપાઈ?કેટલાય મોટોરમેનો ને ઉપવાસ પર ઉતરી હોસ્પિટલ ભેગા ય થવું પડ્યુ.પગાર વધારો બધાને જોઇએ છે પણ ક્યારેય કોઈ ગંભીરતાથી નિષ્ઠાપૂર્વક કામ કરવાનું વિચારે છે ખરા?બીજી બાજુ સરકારે પણ કર્મચારીઓની હાલત વિષે વિચારવું જોઇએ.એક અખબારમાં વાંચ્યા મુજબ મોટરમેનો પાસે ઓવરટાઈમ કરાવી ૧૪-૧૫ કલાક સુધી કામ ખેંચવામાં આવે છે જે અમાનુષી છે.વધારાના મોટરમેનોને શા માટે ભરતી કરવામાં આવતા નથી?સાથે જ સરકારે પ્રોએક્ટીવ બનવાની પણ જરૂર છે.આગોતરી જાણ કર્યા બાદ મોટરમેનો હડતાલ પર ઉતરે અને લગભગ બે દિવસ બાદ,લાખો પ્રવાસીઓ હાલાકી ભોગવી લે છે ત્યાર બાદ,કેટલાય પ્રવસીઓને ઘણા બધા રૂપિયાનું નુક્સાન થઈ ગયા બાદ સરકારને SEMA ધારા લાગુ પાડવાનું સુઝે છે,આ ચિમકી જો પહેલા જ આપી દેવાઈ હોત તો હડતાલની નોબત જ ન આવત.
ખેર આ બધા વિચારો કરતા કરતા,થાકેલો અને પરસેવે રેબઝેબ હું અંધેરી થી પગપાળા મલાડ તરફ જઈ રહ્યો હતો,એ આશા સાથે કે મને રિક્ષા મળી જાય.મારી નજર કોઈક પરિચિત નો ચહેરો પણ શોધી રહી હતી વાહનચાલકોની ભીડમાં.રખે ને કોઈ ઓળખીતુ મળી જાય તો મને લિફ્ટ મળી જાય.પણ મારા નસીબમાં એ રાતે ચાલવાનું લખ્યું હશે!એકાદ કિલોમીટરનું અંતર ચાલતા ચાલતા કપાઈ ગયું.રસ્તામાં અનેક લોકોને મેં ફોર-વ્હીલર કારમાં કે પછી સ્કૂટર,બાઈક્સ પર એકલા આગળ વધતા જોયા.તેઓ રસ્તા પર બાજુમાં ચાલી રહેલા મારા જેવા લોકોની દયનીય સ્થિતી જોઈ રહ્યા હતા પણ કોઈ કોઈને મદદ કે લિફ્ટ ઓફર કરી રહ્યું નહોતું.શું એમાના કોઈએ કાર-પુલિંગ શબ્દ નહિ સાંભળ્યો હોય?કેટલાય એકલા રિક્ષામાં બેસી જઈ રહેલા પ્રવાસીઓને તો મેં ટ્રાફિકમાં તેમની રિક્ષા અટકતા પૂછ્યું પણ ખરું કે તેઓ મલાડ તરફ જઈ રહ્યા છે? પણ કોઈએ હા ના પાડી.છેવટે જોગેશ્વરી પાસે એક રિક્ષા ખાલી થતી જોઈ જે બે કારખાનામાં કામ કરતા બે માણસોએ પકડી લીધી હતી.પણ મેં તેમને વિનંતી કરી કે મને પણ તેમની સાથે બેસવા દે.તેઓ મલાડ જ જઈ રહ્યા હતા અને રિક્ષા વાળો પણ ભલો માણસ હતો જે પરિસ્થિતી નો લાભ લઈ વધુ પૈસા પડાવી લેવાની વ્રુતી ધરાવતો ન હતો અને તે મીટરથી મલાડ આવવા તૈયાર થઈ ગયો.
વાતો વાતોમાં ખબર પડી કે તેઓ બંને કિંગસર્કલ પાસે ક્યાંક કામ કરતા હતા પણ અટવાઈ જતા મલાડ તેમના કોઈ સગાવહાલાને ત્યાં રોકાઈ જવા જઈ રહ્યા હતા.તેમાનાં એકનો આખો પરિવાર પણ ક્યાંક ફસાઈ ગયો હતો અને તે સતત તેમની સાથે મોબાઈલ પર વાત કરી સંપર્કમાં રહેતો હતો.આવા તો કંઈ કેટલાય લોકો-વ્રુદ્ધો-અપંગો-બાળકો-પરિવારો એ રાતે અટવાઈ ગયા હશે. આખરે મલાડ આવ્યું પેલા બે જણને સ્ટેશન પાસે ઉતરવું હતું આથી તેઓ ઉતરી જાય ત્યાર બાદ હું રીક્ષા વધુ આગળ લઈ જઈશ એમ મેં નક્કી કર્યું પણ સ્ટેશનથી થોડે દૂર રીક્ષા બગડી અને અમારે ત્રણે જણે ત્યાં જ ઉતરી જવું પડ્યુ.(આભાર ભગવાનનો કે રીક્ષા અધવચ્ચે ન બગડતા મલાડ નજીક જ બગડી!)મેં રીક્ષાવાળાને પાંચ રૂપિયા વધુ આપી પેલા બીજા બે જણનો આભાર માન્યો અને ચાલવા માંડ્યુ મારા ઘર તરફ. આ અનુભવ ક્યારેય નહિં ભૂલાય!