Translate

મંગળવાર, 28 ઑક્ટોબર, 2014

દિવાળી પછી...


દિવાળી પતી ગયા બાદ એક સુંદર સંદેશ એક મિત્રે વ્હોટ્સ એપ પર મોકલ્યો જેનો ભાવાનુવાદ આજે રજૂ કરું છું.

“...અને દિવાળીનો તહેવાર જાણે ઉતાવળે આવ્યો અને ચાલ્યો પણ ગયો! તમારાં રંગબેરંગી દિવાઓમાં હવે પીગળેલું મીણ,સળગ્યા બાદ બચી ગયેલી રૂની વાટ કે રાખ બચ્યાં છે. તમે આંગણે બનાવેલી રંગોળી જો કદાચ સંપૂર્ણ ભૂંસાઈ ગઈ નહિ હોય તો થોડી ઘણી અસ્તવ્યસ્ત તો થઈ ગઈ હશે.

જ્યારે તમે વહેલી સવારે ચાલવા નિકળશો ત્યારે તમને રસ્તા પર ઠેર ઠેર દિવાળીની રાતની ઉજવણીના અંશો નજરે ચડશે અને તમે હજી તમારા પોતાના કે તમારા સગાસ્નેહીઓના અવાજના, સંવાદના પડઘા અનુભવી શકશો...

સગાસ્નેહીઓ ફરી મળવાના વચનો આપી હવે પોતપોતાના ઘેર પાછા ફરી ચૂક્યાં છે.

મીઠાઈઓ ખવાઈ ગઈ છે અને ભેટસોગાદો કબાટમાં મૂકાઈ ગઈ છે. દિવાળી નિમિત્તે બનાવેલા નાસ્તા હજી થોડા દિવસ સુધી સવારસાંજ ચા-કોફી સાથે તમે ખાઈને દિવાળીની મી ઠી યાદો મમળાવતા રહેશો.

દિવાળી નિમિત્તે ખરીદેલા, મોટા દિવસે તમે ઠઠાવેલા મોંઘા,સુંદર વસ્ત્રો અને ઘરેણાં પણ હવે અન્ય ખાસ પ્રસંગે પહેરાવા કબાટમાં મૂકાઈ ગયા છે.

બધી ઉજવણી હવે ધીમે ધીમે ઓછી થતી જશે અને ફરી તમારી સામાન્ય જીવનની ઘરેડ ચાલુ થઈ જશે...પણ એક વચન આપો કે તમારા હ્રદયમાં તમે પ્રકાશને રહેવા દેશો.તમારા મન,વચન અને કર્મમાં, તમારા અસ્તિત્વમાં તમે ઉજવણી ચાલુ રાખશો...અને તમારા સગાસ્નેહીઓને તમે વધારે વાર મળતા રહેશો અને દિવાળીના દિવસે તમે જેટલું હસ્યા હતાં હાસ્ય તમે હવે દરરોજ જાળવી રાખશો અને તેને તમારા જીવનનો ભાગ બનાવી લેશો.

તમને સૌને તહેવારનો જુસ્સો મુબારક,આખા વર્ષ માટે...

પ્રેમ અને સ્મિત સદાયે તમારા જીવનને ભર્યું ભર્યું રાખે એવી શુભેચ્છા...”

રવિવાર, 19 ઑક્ટોબર, 2014

દિવાળીની શુભકામનાઓ...


જેમનું નામ કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરતાં પહેલાં લેવામાં આવે છે એવા ગણેશજી લોકપ્રિય સાર્વજનિક પર્વ ગણેશોત્સવ બાદ પોતાની સાથે જાણે તહેવારોની ફોજ લઈ આવે છે! ગણેશ ઉત્સવ પછી ગણતરીના દિવસોમાં આવી પહોંચે  નવલા નોરતાની રાતોનો કોડીલો યુવા હૈયાઓને  હિલોળે ચડાવતો તહેવાર નવરાત્રિ! નવરાતો બાદ દશેરા, પછી આવે તહેવારોની રાણી સમી દિવાળી. જોકે એ પહેલા વચ્ચે શ્રાદ્ધ પક્ષનાં અશુભ ગણાતાં દિવસો પણ આવી જાય.પણ ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ આ દિવસોમાં પણ પુર્વજોને યાદ કરી કાગડાઓને ખીર-પુરી ખવડાવી દાન વગેરે કરવાની પરંપરા નિભાવી એક રીતે કહીએ તો તેને ઉજવવામાં જ આવે છે. શ્રાદ્ધ પછી તરત નવરાત્રિના શુભ દિવસો અને રઢિયાળી રાત્રિઓ આવે અને યુવા હૈયા થનગની ઉઠે! શુભ પછી અશુભ અને પછી ફરી શુભનં ચક્ર જીવન ચક્રના રૂપક સમું નથી? સંદેશ છે કે એક સરખા દિવસો કોઈના જાતા નથી...તડકા પછી છાયાની જેમજ દુ:ખ પછી સુખ અને સુખ પછી દુ:ખનું ચક્ર અવિરત પણે ગબડ્યા કરે છે. વહેતા પાણીની જેમ સતત ચાલતા રહેવું સાચો મંત્ર છે. અટકી જઈએ તો ફુગ ચડે,શેવાળ બાઝે,સડો લાગે...સતત ગતિમાં રહીએ જીવન ચક્ર સાથે...

દિવાળીનો તહેવાર પણ ઘણી રીતે સૂચક છે. દિવાળી એટલે રોશનીનો તહેવાર. અંધકારમાંથી રોશની તરફ જવાનો તહેવાર. આનંદ અને ઉલ્લાસ સિવાય દિવાળી કલ્પી શકાય કે? એક નાનું અમથું માટીનું કોડિયું પણ જ્યારે તેમાં દિવો પ્રગટાવવામાં આવે ત્યારે મસમોટા અંધકારને ભગાડી પ્રકાશ રેલાવી રહેલું  કેટલું દેદિપ્યમાન લાગે છે! જીવનમાં પણ જ્યારે સંકટો અને દુ:ખોના વાદળોનો અંધકાર છવાયો હોય ત્યારે નાનકડા કોડિયાના દિવા જેટલી શ્રદ્ધા ટકાવી રાખવાની છે અને ઇશ્વરને પ્રાર્થના અને ખંત તથા મહેનતથી ગમે તેવી વિકટ પરિસ્થીતીમાંથી બહાર આવી શકાય છે. એક દિવાને પ્રગટાવ્યા બાદ તેમાંથી બીજા અનેક દિવા પ્રગટાવી શકાય છે એ જ રીતે આપણે પણ આપણાં જીવનમાં સદગુણોનો દિપક પ્રગટાવી અનેકનાં જીવન ઉજાળીએ અને સારી બાબતોનો પ્રસાર અને પ્રચાર કરીએ...

દિવાળીએ અંધકારને દૂર કરવાનો તહેવાર છે.અહિં અંધકાર પણ પ્રતીકાત્મક છે.દિવાળી પહેલાં ઘરમાં સાફસફાઈ અને રંગરોગાન કરવામાં આવે છે.જૂનો નકામો-સંઘરેલો કચરો દૂર કરવામાં આવે છે જેથી નવી વસ્તુ માટે જગા થાય.આપણો સ્વભાવ છે સંઘરણી કરવાનો. નકામી એવી વસ્તુ પણ ક્યારેક કામમાં આવશે એમ વિચારી આપણે માળિયે ચડાવી દેતા હોઇએ છીએ. પણ દિવાળી પહેલાં આ બધું ફંફોસવાનો અવસર મળે છે.ત્યારે બધું ચકાસી જે નકામું છે તેનો તરત ત્યાગ કરવો જોઇએ.અને ખપ પૂરતી વસ્તુઓ જ પાસે રાખવી જોઇએ.મનમાં રહેલો કચરો-ગંદકી પણ ધનતેરસ,કાળીચૌદસ અને દિવાળીના પવિત્ર દિવસોમાં ધ્યાન ધરી,પોતાની જાત સાથે થોડો સમય ગાળી,અંતરમાં ડોકિયું કરી દૂર કરવા જોઇએ. રંગરોગાન કરી ઘરને જેમ સજાવીએ છીએ અને શરીર પર પણ જેમ નવા વસ્ત્રો ધારણ કરી છીએ તેમ આ પર્વનાં ઉલ્લાસમય દિવસો દરમ્યાન મનને પણ નવા શોખ અપનાવી,નવા ધ્યેયો નિર્ધારીત કરી,નવા સદગુણો અને સારી આદતો અપનાવવાનો નિર્ણય લઈ સુશોભિત કરીએ.

જીવનમાં મોટી મોટી વસ્તુઓ પ્રાપ્ત કરવાની હરણફાળ ભરવામાં આપણે થોડી વાર થંભી,નાની નાની વસ્તુઓનો આનંદ લેવાનું ચૂકી જઈએ છીએ. આ દિવાળીએ જીવનને ભારેખમ ન બનાવી દઈ નાની નાની વાતોનો આનંદ લેવાના વિચારતંતુ સાથે છેલ્લે શ્રી ઉમેદ નંદુ દ્વારા સંપાદિત એક અતિ સુંદર પુસ્તક 'તાણાવાણા-૧૧' માંથી ફિલ બોસ્મન્સ લિખિત સુંદર મજાના કાવ્યથી બ્લોગ-લેખનું સમાપન કરું છું :

તો ચાલો

 આપણે સાથે મળીને ફરીથી

સુખ આપતી સામાન્ય વસ્તુઓની તલાશ કરી,

દોસ્તીના સાવ સીધા સાદા જાદુને શોધીએ,

બીમાર માટે થોડાં પુષ્પો,

મહેમાનોને આવકારતું હસતું આંગણું,

અતિથિને આવકારતું રસોડું,

ભાવતા ભોજનની મિજબાની.

બાગમાં આરામ કરવાનો આનંદ,

આકાશ તરફ મીટ માંડીને જોવાની મજા,

હાથમાં હાથ મિલાવીને

લીલાછમ હાસ્યની ખુશી.

મંદિરની શાંતિ,

બાળકનું ચિત્રકામ,

કળીનું ખૂલવું,

પંખીનો ટહુકો,

વૃક્ષોની હારમાળા,

ઝરણું,પહાડ

ચારો ચરતી ગાય.

જો તમે આવી

સામાન્ય લાગતી ચીજોને ચાહી શકો તો,

વસંત મહોરી ઉઠે.

રવિવાર, 12 ઑક્ટોબર, 2014

ગેસ્ટ બ્લોગ : પ્રેમલગ્ન


                                                                - કિશોરી કામદાર

પ્રેમલગ્ન ભારત માટે કંઈ નવી વસ્તુ નથી. પ્રાગૈતિહાસિક કાળમાં પ્રેમલગ્ન થતાં જ હતાં.

જે વ્યક્તિ સાથે જીવન આખું વિતાવવાનું હોય તેના પ્રત્યે પ્રેમ હોય તો જ તે ટકી શકે છે. પ્રેમ એટલે ત્યાગ. જે વ્યક્તિ સાથે પ્રેમ હોય તેને માટે માનવી ગમે તે વસ્તુનો ત્યાગ આપી શકે છે. જીવન ગમે તેટલું સમૃધ્ધ હોય તો પણ હંમેશા એક યા બીજા સ્વરૂપે ત્યાગ માગે છે.

પ્રેમલગ્નથી  જોડાયેલી વ્યક્તિઓ  પરસ્પરના સદ્દ્ગુણો અને દુર્ગુણો સારી રીતે જાણતા થયા હોય છે. સદ્દ્ગુણોએ બંને ને આકર્ષ્યા હોય છે, ધીમે ધીમે બંને વચ્ચે પ્રેમની લાગણી જન્મે છે અને કાળાન્તરે તેઓ એકબીજાના દુર્ગુણો પણ જાણતા થાય છે.

પરંતુ એ સમયે પ્રેમ એટલી ઉત્કૃષ્ટ કક્ષાએ પહોચ્યો હોય છે કે એક પાત્ર પોતાની ગમતી વ્યક્તિ ખાતર બીજા પાત્રની મર્યાદાઓ ચલાવી લે છે.

કોઈપણ વ્યક્તિ સર્વાંગ સંપૂર્ણ નથી. પ્રત્યેકમાં માનવસહજ નબળાઈઓ,દુર્ગુણો હોય જ છે. પરંતુ પ્રેમ દ્રારા થયેલા લગ્નમાં બંને વ્યક્તિઓને પહેલેથી જ પરસ્પરની મર્યાદાઓનો ખ્યાલ આવી જાય છે  એથી મન દુ:ખનું કારણ રહેતું નથી.

                આજે પ્રેમલગ્નનો વિરોધ થાય છે તે ખરેખરા પ્રેમલગ્નનો નહીં પરંતુ બાહ્ય - આકર્ષણથી પરસ્પર ખેંચાયેલા કે મુગ્ધાવસ્થામાં પરસ્પર વશીકરણ પામેલા અને પરિણામે કહેવાતાપ્રેમ- લગ્ન’થી જોડાયેલ યુગ્મોના દુ:ખી અને નિષ્ફળ સંસારને જોઈને વિરોધ થાય છે. એથી ખરેખર તો  'પ્રેમ’ એટલે શું સમજી લેવાની જરૂર છે . આજના કહેવાતા પ્રેમલગ્ન - લવ મેરેજ પ્રેમલગ્ન નથી હોતા પણ દેહાકર્ષણ માંથી જન્મેલા સાનિધ્યની ઝંખનાને પ્રેમ- લગ્નનું રૂપકડુ  લેબલ આપવામાં આવે છે  અને જ્યારે ક્ષણભંગુર આકર્ષણમાં સતત સાનિધ્ય ઓટ લાવે છે ત્યારે પ્રેમ- લગ્ન નિષ્ફળ જાય છે.

પ્રેમ લગ્નમાં વ્યક્તિ માત્ર સામી વ્યક્તિને પ્રેમ કરે તેમાં તેની પૂર્ણાહુતિ નથી પરંતુ પોતાની વ્યક્તિના જીવનમાં એક યા બીજી રીતે ઉપકારક હોય તે સર્વ વ્યક્તિ તરફ પ્રેમ ભાવ રાખે તો જ તેનો પોતાની વ્યક્તિ પ્રત્યેનો પ્રેમ પ્રેમના અર્થને સાર્થક કરે છે.

                માતાને પોતાના બાળક પ્રત્યે અગાધ પ્રેમ હોય છે. બીજા તેના બાળક વિશે ગમે તે કહે પરંતુ તે માનવા તૈયાર થતી નથી. કદાચ તે બાળકના દોષો જાણી લે તો પણ તેનો પ્રેમ તેને ક્ષમા આપી દે છે .  પ્રેમની ક્ષિતિજો વિસ્તરે તો માનવી સંતની કક્ષાએ પહોંચે છે. એથી જ કબીરે કહ્યું છે :

“પોથી પઢી પઢી જગ મૂઆ,

 પંડિત ભયા કોઈ

 ઢાઈ અક્ષર પ્રેમકા,

 પઢે સો પંડિત હોય…

                આમ સાચો પ્રેમી પંડિતની કક્ષાએ  છે. તે પ્રેમીને અને પછી બધાજ માનવીને સમભાવથી, પ્રેમભાવથી જુએ છે. જેમ મા કોઈ દિવસ પોતાના બાળકને છોડવાનો વિચાર પણ કરી શકતી નથી તેમ 'પ્રેમ-લગ્ન ' માં છૂટાછેડા જેવા શબ્દને સ્થાન જ હોય માટે તો ન્હાનાલાલે કહ્યું છે:

“સ્નેહ લગ્નની વિધવાને પુન:લગ્ન જેવું પાપ નથી

દેહ લગ્નની વિધવાને પુન:લગ્ન જેવું પુણ્ય નથી”

આવા પ્રેમમાં બાહ્ય આકર્ષણ ને સ્થાન જ  નથી. મજનુ લયલા ખાતર સર્વસ્વ અર્પણ કરવા તૈયાર હતો પરંતુ લયલા કોઈ રૂપસુંદરી નહોતી એથી બાદશાહે મજનુને બોલાવી કહ્યુંમારા જનાનખાનામાં એકથી એક ચડે એવી રૂપસુંદરીઓ છે.તું ગમે તેને પસંદ કરી લે." ત્યારે મજનુએ કહ્યું – “મારે મન લયલાથી વિશેષ સુંદર જગતમાં કોઈ નથી.”  એક શાયરે સરસ કહ્યું છે 'લયલા કો દેખો તો મજનુકી આંખોસે…’

પ્રેમ બધીજ કુરૂપતા, બધા દુર્ગુણો, બધી જ મર્યાદાઓને  અતિક્રમી  જઈ, માનવીના આત્માના સૌંદર્યને   ઓળખે છે.  આમ જ્યારે બે આત્માઓ પરસ્પરના આત્માને ઓળખે છે ત્યારેજ સાચા પ્રેમલગ્ન થાય છે અને બે આત્મા જ્યારે એક બને છે ત્યારે અદ્વૈતને  પામે  છે. જીવનના સ્થૂળ તત્વોમાંથી સૂક્ષ્મ તરફ ગતિ કરી અનેકમાંથી એકત્વને પામી માનવી જ્યારે અદ્વૈતનો અનુભવ કરે છે ત્યારે પરમ તત્વના પણ પગરણ થાય છે આમ અનેકમાંથી, દ્વૈતમાંથી અદ્વૈત અને  અદ્વૈતમાંથી કેવલાદ્વૈત તરફ ગતિનું પ્રથમ સોપાન છે પ્રેમલગ્ન.

પરંતુ  આજે આપણે શબ્દને કેવો  વિકૃત અને  વિરૂપ બનાવી દીધો છે. પશ્વિમની સંસ્કૃતિએ પ્રેમ એટલે જાતીય- સંબધ એવા પડઘા પાડ્યા છે એથી કોઈ ડોક્ટર પેશન્ટને પ્રેમ કરે કોઈ શિક્ષક વિદ્યાર્થીને પ્રેમ કરે, કોઈ પુરુષ  કોઈ  સ્ત્રીને  પ્રેમ કરે - તો કંઈક બીજો જ અર્થ  ઘટાવાય  છે. પશ્વિમની સંસ્કૃતિ 'પ્રેમ- લગ્ન' ના મૂળ મનોભાવને નિચોવીને તેની માત્ર સ્થૂળતા ટ્કાવી રાખી છે. એથીજ  'પ્રેમ'ને  અને  પ્રેમલગ્નને સમજવામાં ભલભલા ગૂંચવાઈ  જાય છે. 

પ્રેમ માત્ર બે માનવ વચ્ચેજ  નથી હોતો. કોઈ સ્થળ પ્રત્યે,કોઈ સ્થૂળ વસ્તુ પ્રત્યે, કોઈ સિદ્ધાંત પ્રત્યે, કોઈ કળા પ્રત્યે - માનવીને પ્રેમ જન્મે છે. પ્રેમ એટલે વાસના નહી, પ્રેમએટલે એષણા નહી, પ્રેમ એટલે વાસનામાંથી મુક્તિ, એષણા - ઈચ્છારહિતતા (DESIRELESSNESS) - સર્વ પ્રત્યેના પ્રેમની અંતિમ કક્ષા છે. કક્ષાએ કોઈ યોગી કે તત્વજ્ઞાની પહોંચી શકે છે. પરમ સ્થૂળમાંથી પરમ સૂક્ષ્મ તરફ ગતિ કરાવી શકે એવી કોઈ શક્તિ હોય તો તે પ્રેમ છે. પરમતત્વ એના હિમાલયના સર્વોચ્ચ શિખર પર પહોચવાનું પ્રથમ સોપાન છે : પ્રેમલગ્ન.

- કિશોરી કામદાર