Translate

રવિવાર, 22 માર્ચ, 2020

કોરોનાના કાળા કેર વચ્ચે ડોકાતી સોનેરી કિનાર

     આપણાં સૌના જીવનમાં આ અત્યારનો ઐતિહાસિક સમયગાળો છે જેમાંથી આપણે પસાર થઈ રહ્યાં છીએ. આપણાં જીવન કાળ દરમિયાન આ પહેલા ક્યારેય આખા વિશ્વને કોઈ મહામારીએ ભરડામાં લીધું હોય અને તેની આટલી ઘેરી અસર વિશ્વભરમાં સૌના જીવન પર પડી હોય એવું ક્યારેય બન્યું નથી. ઓફિસો અને દુકાનો બંધ થઈ ગયા છે. આઠમા ધોરણ સુધીમાં ભણતા વિદ્યાર્થીઓને વગર વાર્ષિક પરીક્ષાએ આગળના ધોરણમાં ચડાવ પાસ કરી દેવાયા છે. વર્ક ફ્રોમ હોમ એટલે કે ઘેર થી કામ અનેક જગાએ ફરજિયાત બનાવી દેવાયું છે. શેર બજારો ગભરાટમાં તળિયું બતાવવા માંડ્યા છે. ફિલ્મનાં અને ટીવી સિરિયલોના શૂટિંગ બંધ થઈ ગયા છે. સિનેમા હોલ, નાટકો, સ્વિમિંગ પૂલ, મોલ વગેરે બધું બંધ છે. ફક્ત એક્ટિવ છે કોરોના વાયરસ. તેણે જાણે શક્ય એટલી વધુ ઝડપે વિશ્વભરમાં વધુ માં વધુ લોકો સુધી પહોંચવાની ટેક લીધી છે! આપણે તેને હંફાવવાનો છે, તેના પર કાબુ મેળવવાનો છે, તેના પર જીત હાંસલ કરવાની છે.
   અત્યારે મોટે ભાગે ડર અને શંકાનું સામ્રાજ્ય ફેલાયેલું છે, પણ તેમાં ક્યાંક સોનેરી કિનાર દેખાય છે તેની આ બ્લોગ થકી વાત કરવી છે. થોડી હકારાત્મકતા ફેલાવવાની છે. ઈટાલીમાં જ્યાં આ મહામારીની સૌથી વધુ અસર થઈ છે, જ્યાં સૌથી વધુ કોરોના ગ્રસ્ત દર્દીઓ મૃત્યુ પામ્યાં છે, ત્યાં વર્ષો પછી ડોલ્ફીન માછલી ત્યાંના દરિયામાં પાછી ફરી છે, હંસ પક્ષી ત્યાંના સરોવર અને તળાવમાં પાછા ફર્યા છે જ્યાં અત્યાર સુધી પ્રવાસીઓના ધાડા ના ધાડા જોવા મળતા હતાં. ગંડોલા બોટ, ક્રૂઝ શીપ બંધ થતાં, પ્રવાસીઓની અવરજવર બંધ થતાં પ્રકૃતિના આ મનુષ્ય જેટલાં જ પ્રિય સંતાન સમા પશુ પક્ષીઓ પોતાના આવાસોમાં પાછા ફર્યા છે. સિંગાપોરની શેરીઓમાં નોળિયા જેવા દેખાતા ઓટર પ્રાણીઓ દોડાદોડ કરતા જોવા મળ્યા છે. ઇજિપ્શિયન બતકોનું એક આખું કુટુંબ (નર - માદા અને તેમના દસ બાર બચ્ચાઓ) નિર્ભય પણે ઇઝરાએલના એક એરપોર્ટ પર વિહરી રહેલું એક વિડિયોમાં જોવા મળ્યું, કારણ અહીં ઉડતા વિમાનો અત્યારે બંધ છે! અન્ય એક વિડિયોમાં શિકાગોના એક ઝૂ માં પેંગ્વીન પક્ષીનું એક જોડલું બિન્ધાસ્ત આખા પ્રાણી સંગ્રહાલયમાં દોડાદોડ કરતું નજરે ચડે છે જ્યાં સામાન્ય રીતે મનુષ્યોની ભીડમાં ક્યારેક આ બધા કેદ પ્રાણીઓ અકળાઈ ઉઠતા હશે! રસ્તા પર વાહનોની ભીડ નથી. પ્રદૂષણનું પ્રમાણ આશ્ચર્યજનક કક્ષાએ નીચું ગયું છે. જળાશયો ચોખ્ખા થયા છે, દરિયા કિનારા અને અન્ય જાહેર સ્થળો સ્વચ્છ બન્યા છે. આ બધું જોતા એક વાત કહેવાની કે કોરોનાએ આપણને એક મહામૂલો પાઠ શીખવ્યો છે - સહ અસ્તિત્વનો. વિશાળે જગ વિસ્તારે, નથી માનવ એકલો... પશુ - પક્ષીઓ - જંતુઓ - વનસ્પતિ - ફૂલો આ બધું પણ પૃથ્વી પર એટલો જ હક્ક ધરાવે છે જેટલો આપણે મનુષ્યો. પણ આપણે બધાં પર અતિ ક્રમણ કરી રાજા બની બેઠાં છીએ. વિકાસના નામે પ્રકૃતિનો કચ્ચર ઘાણ કાઢી નાખવામાં આપણે બે વાર વિચાર કરતા નથી. આપણે જંગલનો બેફામ નાશ કર્યો છે, મહાસાગરોમાં કચરો ઠાલવી તેમનું પાણી પ્રદૂષિત કર્યું છે. અનેક જીવોની કતલ કરી અથવા ફક્ત પોતાનો વિચાર કરી તેમના જીવન માટે જરૂરી તત્વોનો નાશ કરી તેમનું અસ્તિત્વ જોખમમાં મૂક્યું છે - આ મુદ્દે હવે વિચાર કરવાનો અવકાશ મળ્યો છે. આપણે સહ-અસ્તિત્વની વિચારધારા અપનાવી જીવન રીત બદલવાની છે.
   બીજું, પોતાના માટે જ સતત વિચારવાની વૃત્તિ ત્યજી અન્યો માટે થઈ પણ કંઈક કરતા શીખવાનું છે. કોરોના મહા ચેપી વિષાણુ છે. તેનાથી બચવા અને તેને અન્યો સુધી ના પહોંચાડવા પણ આપણે કેટલોક સમય ઘરમાં બેસવાનું છે, ફરાજિયાત. આ સમય અત્યાર સુધી ના કરી શકેલી ઘેર બેસી થઈ શકે એવી પ્રવૃત્તિઓ માટે વાપરવાનો છે. પરિવાર સાથે સુખદ સ્મૃતિઓ બનાવવાની છે. બાળકો સાથે રમવાનું છે. વાંચવાનું અને તેમને સારું વંચાવવાનું છે. ટીવી જોવાનું છે, સારી મિસ કરી લીધેલી ફિલ્મો જોવાની છે. લખવાનો શોખ હોય તો પેટ ભરીને લખવાની તરસ છીપાવવાની છે. પરિવારના અન્ય સભ્યો સાથે સમય અને વ્યસ્તતા ને કારણે ગુમાવી દીધેલી નિકટતા પાછી કેળવવાની છે.
   આપણાં પ્રધાનમંત્રી મોદી સાહેબે જે ચૌદ કલાકનો સમય માગ્યો છે, તે તેમને આપવાનો છે. સાંજે પાંચ વાગે પોતપોતાના ઘરની બારી કે ગેલેરી માં ઉભા રહી તાળી પાડી એ સૌ હીરોના પ્રયત્નો ને બિરદાવવાના છે જેઓ આપણાં માટે આવી વિકટ પરિસ્થિતિ માં પણ ખડે પગે પોતાની ફરજ બજાવી રહ્યાં છે. જેમકે ડોક્ટર અને નર્સ ભાઈ બહેનો, કોરોનાનું પરીક્ષણ કરતી લેબ માં કામ કરતા ભાઈ બહેનો, આપણાં સફાઈ કામદારો, દૂધ અને છાપું નાખવા આવતા ભાઈબહેનો અને આવા તમામ લોકો જે પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે સેવા કરી આપણું જીવવું સરળ બનાવે છે. આ બધાં પ્રત્યે આભાર પ્રકટ કરવા આજે સાંજે પાંચ વાગે પાંચ મિનિટ સુધી તમારી બારી કે બાલ્કની માંથી તાળીઓ પાડજો, ઘંટ નાદ જેવો ધ્વનિ પેદા કરજો અને આ મોટી મુસીબતના સમયે આપણે સૌ એક બીજાની સાથે છીએ એ વાતની પ્રતીતિ કરાવજો.
  વિજ્ઞાન દ્વારા પણ સાબિત થયું છે કે તાળી પાડવી સ્વાસ્થ્ય માટે સારી સાબિત થાય છે અને ઘંટનાદમાં એવા સ્પંદનો છે જે નકારાત્મતાને મારી ભગાડે છે. ચૌદેક કલાક ઘરમાં જ રહીને કોરોના ને પણ વધુ ફેલાતો અટકાવવામાં ઘણી મોટી મદદ મળશે. તો ચાલો આ અભિયાનમાં સહભાગી થઈ આપણે આપણું નાનકડું યોગદાન આપીએ, આપણાં દેશ માટે, આપણી માનવ જાત માટે અને સમગ્ર પૃથ્વી માટે.

ગેસ્ટ બ્લોગ - તમારી પત્ની અને બાળકો આર્થિક રીતે સુરક્ષિત છે?

     આજે આ બ્લોગ ની શરૂઆત વેદ વ્યાસ રચિત મહાભારતની એક વાર્તા થી કરીશ. આ વાર્તા આપણા જીવનની અનિશ્ચિતતા પર પ્રકાશ પાડે છે.

યુધિષ્ઠિર જ્યારે ઇન્દ્રપ્રસ્થ ના રાજા હતા ત્યારની વાત છે. એક દિવસ એક ભિક્ષુક એમની પાસે ભિક્ષા માંગવા આવ્યો. યુધિષ્ઠિર કોઈ કાર્યમાં વ્યસ્ત હતા, એટલે એમણે ભિક્ષુકને બીજા દિવસે આવવા કહ્યું. ભીમ ને આ વાત ની ખબર પડી એટલે એણે નગર માં ઢંઢેરો પિટાવ્યો કે મોટાભાઈ ત્રિકાળદર્શી થઇ ગયા. યુધિષ્ઠિરે પૂછ્યું, આ શું કરે છે? ભીમે કહ્યું મારી ખુશી જાહેર કરું છું. તમે ત્રણેય કાળનું દર્શન કરી શકો છો. તમે ભિક્ષુક ને કાલે આવવા કહ્યું એટલે તમે જાણો છો કે કાલે તમે હશો. તમે આવતી કાલને આજે જોઈ લીધી. યુધિષ્ઠિરને પોતાની ભૂલ સમજાઈ. એમણે ભિક્ષુકને બોલાવીને ભિક્ષા આપી અને માફી માંગી.

આપણે બધા જાણીએ છીએ કે રાજા રામ પણ નહોતા જાણતા કે બીજે દિવસે એમનો રાજ્યાભિષેક થવાનો છે કે એમને વનવાસ મળવાનો છે. ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે!

વાર્તાનો સાર : આપણે ભવિષ્યની ગર્તામાં શું ધરબાયું છે એ નથી જાણી શકતા. મિત્રો, એક બાજુ આપણે નિશ્ચિતપણે ભવિષ્ય નથી જાણી શકતા અને બીજી બાજુ આ જ અનિશ્ચિતતા આપણને દોડતા રાખે છે.

આવતીકાલ ની અનિશ્ચિતતા આપણને વધુ ને વધુ કાર્ય કરવા માટે અને વધુ કમાણી કરવા માટે, વધુ બચત કરવા માટે અને વધુ  જોડવા માટે પણ ભાગતા રાખે છે. ક્યારેય વિચાર કર્યો છે કે આપણે શા માટે આવી રીતે એક એટીમ (એની ટાઈમ મની) મશીનની જેમ કામ કરીએ છીએ? અને કોના માટે કરીએ છીએ? તમે તરત જ ચોક્કસપણે કહેશો કે પરિવાર માટે, જેને આપણે ખૂબ પ્રેમ કરીએ છીએ અને જેની આપણને પરવાહ અને ચિંતા છે.

માની લીધું કે તમે તમારા પરિવાર માટે જ કમાવો છો અને ભેગું કરો છો. પણ કેટલી ખાતરી સાથે તમે કહી શકો કે કોઈ પણ પ્રકારની અસાધારણ પરિસ્થિતિમાં પણ આ કમાયેલું ધન એમના હાથમાં જ આવશે?  અસાધારણ પરિસ્થિતિ જેમ કે ડિસએબીલીટી, (disability) મૃત્યુ કે પછી રિટાયરમેન્ટ.

આપણે દરેકે  ક્યારેક ને ક્યારેક આ અનુભવ કર્યો હશે કે આપણા કોઈ પરિચિત ના જીવનમાં જોયું હશે કે પૈસેટકે ગમે એવા સદ્ધર હોય તો પણ એમના બૈરી છોકરાં એ અસાધારણ અને ઓચિંતી પરિસ્થિતિમાં ઘણી મુશ્કેલીઓ નો સામનો કરવાનો વારો આવ્યો હોય.

આવી અણધારી પરિસ્થિતિમાંથી ઉગરવા અને પત્ની અને બાળકોને એક સન્માનપૂર્વક જીવન આપવા માટે ભારત સરકારે એક એવો કાયદો બનાવ્યો છે જેના થકી વ્યક્તિ પોતાના ઇન્વેસ્ટમેન્ટ ને કોઈપણ પ્રકારના લીગલ અટેચમેન્ટ થી સુરક્ષિત રાખી શકે છે.

તમે કોઈ આવા પ્રકારના કોઈ કાયદા વિશે જાણો છો? આવો કોઈ કાયદો આપણે ત્યાં છે એ વિશે કોઈ જાણકારી છે તમને? મને ખબર છે તમે તરત જ કહેશો, હાં પીપીફ (પબ્લિક પ્રોવિડન્ટ ફંડ) છે ને. તમારી જાણ ખાતર કહી દઉં કે પીપીફ સેવિંગ સ્કીમ છે. પીપીફ માં જયાં સુધી પૈસા પડયા છે ત્યાં સુધી અટેચ ના થાય. તમારી વાત સાચી. એક વખત એમાંથી પૈસા ઉપાડવા માં આવે એટલે એ તમારા સેવિંગ બેંક એકાઉન્ટ માં ટ્રાન્સફર થાય. જે એકાઉન્ટ અટેચેબલ છે. ઉપરથી ભારત સરકારે પીપીફમાં 1.50 લાખ ની હાયર લિમિટ રાખી છે.

અત્યારે હું જે કાયદા ની વાત કરું છું એ બ્રિટિશ ના સમયથી છે અને ભારત સરકારે પછીથી એમાં ફેરફાર કર્યા છે, જેની જાણ બહુ જ ઓછા લોકોને છે. જે તમારી પત્ની અને બાળકોને ફિનાન્સીઅલ કવચ પૂરું પાડે છે.

આ કાયદા દ્વારા તમારા પત્ની અને બાળકો ન માત્ર તેમનાં સપનાં જેમ કે હાયર એડયુકેશન કે એના જેવા બીજા સપનાં પુરા કરી શકે. ન કરે નારાયણ, તમારી હયાતી ન હોય તો પણ તેઓ સ્વમાનપૂર્વક નું પોતાનું જીવન કોઈના પર આધાર રાખ્યા વગર સારી રીતે જીવી શકે.

આ કાયદો એટલે મેરીડ વુમન પ્રોપર્ટી એક્ટ ૧૮૭૪, અમેન્ડેડ એક્ટ ૧૯૫૯.

આ કાયદાના સેક્શન ૬ વડે કોઈપણ પરિણિત પુરુષ, વિધુર કે છૂટાછેડા લીધેલ પુરુષ પોતાના જીવન પર ઇનસ્યુરન્સ કરાવે. ટર્મ કે એન્ડોમેન્ટ કે માર્કેટ સાથે જોડાયેલ કોઈપણ પ્રકારના પ્લાન લઈ શકે. એમાં એ માત્ર પોતાની પત્ની, માત્ર સંતાનો કે પછી પત્ની અને સંતાનો ને બેનેફિસયરી બનાવી શકે.

આ એકટ માં કોઈ હાયર લિમિટ નથી પણ વ્યક્તિને એમની ઇન્કમ વગેરે ના આધાર પર વીમા રાશિ મળે.
આ એક ખૂબ જ સુરક્ષિત અને સચોટ ઉપાય છે. જેમાં પૈસા માત્ર ને માત્ર જે બેનેફિસયરી નક્કી કર્યા હોય એમનાં જ હાથમાં જાય. એકવાર આ મેરીડ વુમન પ્રોપર્ટી એક્ટ નીચે આવે એટલે એ પુરુષ ની મિલકતનો હિસ્સો ન ગણાય. અને એટલે જ પતિ/પિતા ઇનસોલ્વન્ટ (દેવાળું ફૂકે) થઈ જાય તો પણ આ પૈસાને કોઈ હાથ ન લગાડી શકે. પછી એ તમારા લેણિયાત હોય, કોર્ટ કે ટેક્સ ઓથોરિટી હોય.

ડિસેમ્બર ૨૦૧૯ માં આબીસી, ઇનસોલ્વનસી એન્ડ બેંકરપસી એક્ટ નીચે વ્યક્તિગત બાંહેધરી આપનારાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેથી લોન લેનાર જો પૈસા પાછા ના આપી શકે તો બાંહેધરી આપનાર વ્યકિત પાસેથી રકમ વસુલ કરી શકાય અને એની મિલકત જપ્ત થઈ શકે, એવી જોગવાઈ આ નવા સુધારા માં કરવામાં આવી છે. દરેક ધંધાધારી વ્યક્તિ કોઈને કોઈ પ્રકારના રિસ્ક સાથે જ ધંધો કરતા હોય છે અને એ રિસ્ક પરિવાર પર ન આવે એની સાવચેતી રખાવી જોઈએ.

આ એક્ટ ની એક બીજી બાજુ પણ છે. કોઈ કારણસર વ્યક્તિ કમાણી કરતી અટકી જાય, અપંગ બની જાય કે  કોઈપણ જાતના બદઈરાદા વગર બધું જ ગુમાવી દે ત્યારે આ મેરીડ વુમન પ્રોપર્ટી એક્ટ તેની વ્હારે આવે છે.

મેરીડ વુમન પ્રોપર્ટી એક્ટ ની પોલિસી દ્વારા વારસો પણ બનાવી શકાય. એક સંતાનને બીસનેસ સોંપાય અને બીજાને એજ વેલ્યુ ની પોલિસી વારસા માં આપીને વસિયત બનાવી શકાય. તમારી ગેરહાજરી માં કોઇ સક્સેસન માટે દાવો કરે તો પણ આ પૈસા તમારા નક્કી કર્યા મુજબ માત્ર ને માત્ર પત્ની અને બાળકોને જ જાય.

સમાપન કરતી વખતે; મેરીડ વુમન પ્રોપર્ટી એક્ટ નીચે ઝીરો કોસ્ટ પર નોન એટેચેબલ ટ્રસ્ટ ઉભું કરવું એ શાણપણ અને ખૂબ જ મહત્વનું કાર્ય છે.

મેરીડ વુમન પ્રોપર્ટી એક્ટ તમારા કોઈપણ ઇન્વેસ્ટમેંન્ટની લીગલ ઓથોરિટી થી સુરક્ષા માટે જરૂરી છે.

તમારા એન્યુઅલ ટર્નઓવર ના ૩-૪% કોસ્ટ થી એટલી જ રકમ ઉભી કરી શકાય જે સંતાનો વચ્ચે સરખે ભાગે વહેંચણી કરવામાં સારું પડે.

આ એક બહુ જ મહત્વનું હાથવગું સાધન છે જેના થકી તમે તમારી પત્ની અને બાળકોને એક સુરક્ષિત, ઉજ્જવળ અને ફાનાન્સિયલી સબળ જીવનની ઉમદા ભેંટ આપી શકો છો.

તમને નથી લાગતું કે આ મેરીડ વુમન પ્રોપર્ટી એક્ટ તમને મનની શાંતિ આપી શકે.

તો પછી રાહ શેની છે?

આજે જ મેરીડ વુમન પ્રોપર્ટી એક્ટ વાંચો, જાણો, સમજો અને ડહાપણભર્યો નિર્ણય આજે જ લ્યો અને  શાંતિ ભરી આવતીકાલને આવકારો.

- છાયા કોઠારી

બાળઉછેર અંગેની મહત્વની ટિપ્સ

     તાજેતરમાં મારી દિકરી નમ્યાની સ્કૂલ તરફથી આયોજીત એક પેરેન્ટિંગ વર્કશોપમાં હાજરી આપી. ડો. સમીર દલવાઈ નામના સુવિખ્યાત બાળ મનોચિકિત્સકે આ વર્કશોપમાં બાળ ઉછેર અંગેની કેટલીક અતિ ઉપયોગી અને અસરકારક ટિપ્સ શેર કરી. તે આજે આ બ્લોગ થકી સૌ સાથે વહેંચી રહ્યો છું, અમલમાં મૂકજો તમારે નાના બાળકો હોય તો, નહીંતર અન્ય પરિવારજનો, મિત્રો સાથે વહેંચજો - તેમને કામ લાગશે.

બાળકને કામ સોંપો. તમારું બાળક નાનું હોય ત્યારથી જ તેને એ કરી શકે એટલા બધા કામ એને કરવા દો. ઘણી વાર આપણે તેના પર દયા ખાઈને તો ઘણી વાર તેના પ્રત્યેના પ્રેમને વશ થઈ બધાં કામ પોતે કરી લેતા હોઈએ છીએ જેમ કે બાળક નાનું હોય અને રમકડાં રમવા તેના પટારામાંથી તે કાઢ્યા બાદ આમ તેમ બધે વેરવિખેર ફેંકી દે છે અને પછી રમી લીધા બાદ પાછા પોતે પટારામાં મૂકવાનું નામ નથી લેતું. ત્યારે મોટે ભાગે માતા પિતા કે પરિવારના અન્ય સભ્ય એ રમકડાં પાછા પટારામાં મૂકવાનું કામ કરે છે. આ ન કરો. બાળકને નાનપણથી જ પોતાનું કામ જાતે કરવાની ટેવ પાડો. ખાતી પીતી વખતે પોતાનું ભાણું પોતે લાવવાની અને ઉપાડવાની આદત પણ તેના ઘડતરમાં મોટો ભાગ ભજવશે. તેને સ્વતંત્ર અને સ્વાવલંબી બનવાની આદત પાડો.
બીજી એક મહત્વની વાત. તેનું ઘડતર પૂર્વગ્રહો સાથે ન કરો. આ કામ છોકરીનું છે - આ રમત છોકરાઓ થી જ રમાય - છોકરાઓ રડે નહીં - છોકરીઓ આવા કપડાં ન પહેરે આવા બધાં પૂર્વગ્રહો તેના મનમાં ન ઠસાવો. છોકરો હોય કે છોકરી તેને બધાં જ કામ કરવા દો. તેને ઘરનાં બધાં જ કામમાં સમાવિષ્ટ કરો. છોકરો હોય તો તેને છોકરીને માન આપતા અને સન્માનની દ્રષ્ટિએ જોતા શીખવો.

- પૂરતી ઉંઘ સારા સ્વાસ્થ્ય માટે અતિ આવશ્યક છે. ૧૨ વર્ષની ઉંમર સુધીના બાળક માટે ૧૨ કલાકની ઉંઘ જરૂરી છે. બપોરે સૂવાની જરૂર નથી. ૧૨ કલાકની ઉંઘ એકીસાથે રાત્રે જ મળવી જોઈએ. આ માટે એને શારીરિક કસરત મળે તેવા કામ અને રમતોમાં એ વ્યસ્ત રહે એ સુનિશ્ચિત કરો. સાંજનું ભોજન વહેલું લેવું જરૂરી છે. રાત જાણી જોઈને નથી લખ્યું. સાત - સાડા સાત સુધી ભોજન કરી લેવું આદર્શ ગણાય. મોબાઇલનો ઉપયોગ રાત્રે આઠ વાગ્યા પછી વર્જિત હોવો જોઈએ. આ અંગે વિસ્તારથી ચર્ચા પછી. પિતા કે માતા રાતે મોડા આવે તો બાળકોએ ત્યાં સુધી જાગવું જરૂરી નથી. બાળકોને વહેલા સૂવાની ટેવ પાડો.

બાળકને નાના પણ સ્પષ્ટ સૂચન આપો. તેને મૂંઝવી ન નાખો. તે સારું કામ કરે કે પોતાનું કામ જાતે કરે ત્યારે તેની પ્રશંસા કરવાનું ના ચૂકો. તેની પીઠ થાબડો. તેને યોગ્ય ઉત્તેજન આપો, જે નાની યોગ્ય ભેટ સ્વરૂપે પણ હોઈ શકે છે. પણ એ લાલચ સ્વરૂપે ન હોવી જોઈએ. તેની એ રીતે પ્રશંસા કે કદર કરો જેમાં તેને પોતાને માટે એ કઈ રીતે ફાયદાકારક છે તે સમજાય. દા. ત. બાળક રમકડાં પોતે ભરી લે ત્યાર બાદ તેના વખાણ કરી તેને બગીચામાં લઈ જાવ, તેની સાથે વધુ સમય પસાર કરો. એ કંઈક સારું કામ કરે તેની કદર રૂપે ફિલ્મ જોવા કે હોટેલમાં ખાવા આખો પરિવાર સાથે જાવ.

બાળકને તમારા સગા સંબંધીઓ, પાડોશીઓ સાથે હળવા મળવા દો. તેને એકલું ન પાડી દો, એકલવાયું ના બનાવો. પાંચ વાલીઓ ભેગા મળી વારાફરતી પાંચે પરિવારના બાળકોને દર રવિવારે એક વાલી - પરિવારને ત્યાં ચાર પાંચ કલાક હળવા મળવા નો નિયમ બનાવી શકાય. આનાથી અન્ય ચાર પરિવારના પતિ - પત્નીને આરામ મળી શકશે અને બાળકોને પણ બધાં સાથે હળવામળવાની, અન્ય ઘરની સંસ્કૃતિ - રીતભાતની ટેવ પડશે.

બાળકોને દરેક પરિસ્થિતી હળવાશથી લેતા શીખવો. DeStress don't distress. એટલે કે હળવા રહો /થાઓ અને તાણમાં ન આવી જાઓ. પરીક્ષા એન્જોય કરો. પાર્ટીની જેમ ઉજવો.

છેલ્લે ડોક્ટર સાહેબે લંબાણપૂર્વક મોબાઇલના દૂષણ અને ગેરફાયદાઓ વિશે ચર્ચા કરી. તેમની વેબસાઈટ પર અને #LimitMyScreentime આ હેશટેગ સાથે આ વિષય પર વિસ્તૃત માહિતી મેળવી શકાશે.

એક અતિ મહત્વની વાત ડૉક્ટરે એ કરી કે બાળકો જે જૂએ છે એ શીખે છે માટે એમને જે કંઈ શીખવવું હોય એ માતા પિતાએ પ્રથમ પોતે આચરણમાં મૂકવું જોઈએ. મોબાઇલ નો ઉપયોગ પહેલા માતા પિતાએ પોતે ઘટાડવો જોઈએ. પોતે અસત્ય ના બોલવું જોઈએ. પોતે પોતાના માતાપિતાની સેવા કરવી જોઈએ, અન્યોને માન આપવું જોઈએ. ક્રોધ ન કરવો જોઈએ. એકબીજા સાથે ઝઘડવું ન જોઈએ.

પ્રેમનિકેતનના બાળકો સાથે યાદગાર સાંજ

 
  આપણાં બાળકો આપણને ખૂબ વ્હાલા લાગે છે. ખાસ કરીને જ્યારે તેમની ઉંમર પાંચ થી દસ વર્ષ સુધીની હોય. આ એ જ સમય ગાળો હોય છે જ્યારે બાળકને પણ સૌથી વધુ જરૂર હોય છે તેના માતાપિતાના છત્રની, તેમની હૂંફની. જો સંયુકત કુટુંબ હોય તો બાળકને અન્ય પરિવારજનોના સ્નેહનો પણ અનુભવ અને લાભ મળે છે. પણ ક્યારેક એવા બાળકો વિશે વિચારો જેના મા - બાપ નથી કે પછી જેમને સગા મા-બાપે ત્યજી દીધાં હોય છે. આવા અનાથ બાળકો પણ તેમની ઉંમર દસેક વર્ષની થાય ત્યાં સુધી મોટા તો અન્ય બાળકોની જેમ જ થઈ જાય છે પણ માતા પિતા કે અન્ય પરિવારજનોના પ્રેમ નો અનુભવ કરવા પામતા નથી. તેઓ પણ ઇચ્છે છે કે તેમને કોઈ હાથે આંગળી પકડી 'પા - પા કરવા' લઈ જાય કે વ્હાલથી માથે હાથ ફેરવે, ખોળામાં બેસાડે, વારે - તહેવારે તેમના માટે ભેટ - રમકડાં - નવા કપડાં વગેરે લઈ આવે, તેમને રોજ શાળાએ જવાનો આગ્રહ કરે, પરીક્ષામાં સારા માર્કસ આવે તો તેમના વખાણ કરે, તેમની પીઠ થાબડે. પણ આ બધું તેમના નસીબમાં હોતું નથી. આવા બાળકો જે અનાથાશ્રમમાં ઉછરે છે ત્યાં સદ્નસીબે સારા પાલક પિતા કે માતા હોય તો કદાચ તેઓ તેમનો થોડો ઘણો પ્રેમ પામે છે પણ તેમના મનમાં હંમેશા સગા માબાપની હયાતીની વાંછના તો રહી જ જતી હોય છે. આ બધા વિચારોની દુનિયામાં ડોકિયું કરવા મળ્યું મારા દિકરા હિતાર્થની ત્રીજી વર્ષ ગાંઠની ઉજવણી પ્રસંગે. કઈ રીતે તેની માંડીને વાત કરું.
   દર વખતની જેમ આ વર્ષે પણ હિતાર્થનો બર્થ ડે ક્યાં ઉજવવો તેની તપાસ ચાલુ જ હતી ત્યાં એક દિવસ અમારા ઘરની નજીક માર્વે રોડ પાસે એક બોર્ડ પર નજર પડી જેના પર લખ્યું હતું 'પ્રેમનિકેતન' ધ્યાનથી વાંચતા માલૂમ પડયું કે આ એક અનાથાશ્રમ હતો જ્યાં પંદર - વીસ બાળકો નિવાસ કરતા હતાં. કમ્યૂનિટી ડેવલપમેંટ સંસ્થા દ્વારા ચાલતા આ આશ્રમના મકાનના પ્રાંગણમાં જ લ્યુથેરન ચર્ચ નામનું ચર્ચ અને સંસ્થાની ઓફીસ પણ આવેલા હતા. પણ અહીંથી અનેક વાર પસાર થવાનું બન્યું હોવા છતાં તે ધ્યાનથી જોયું નહોતું. તરત સંસ્થાની ઓફીસમાં જઈ તપાસ કરી અને ૧૮મી ડિસેમ્બરની સાંજે હિતાર્થના જન્મદિવસની સાંજ પ્રેમનિકેતનના બાળકો સાથે ઉજવવાનું નક્કી કરી આવ્યો.  વીસમી તારીખે સંસ્થા દ્વારા ચાલતા બધા અનાથાલયોનો સંયુકત વાર્ષિક કાર્યક્રમ તેમના પ્રાંગણમાં જ ઉજવાવાનો હતો એટલે હિતાર્થ ના બર્થ ડે નિમિત્તે અઢારમી તારીખે બીજો કોઈ કાર્યક્રમ ન ગોઠવતા એ સાંજે સરસ મોટી કેક કાપી અને ત્યાંના બાળકો સાથે નાસ્તો કર્યો અને સમય પસાર કર્યો. સપ્તાહ બાદ જ નાતાલ આવતી હોવાથી એ દિવસની સાંજે ફરી ત્યાં જવાનું નક્કી કર્યું. બાળકો માટે એક સ્પર્ધા યોજી. તેમને વિષય આપ્યો 'જો હું સાંતા ક્લોઝને મળું તો તેની સાથે શી વાતચીત કરું? તેની પાસે શું માંગું?' અને બાળકોને વચન આપ્યું કે હું ફરી આવતા સપ્તાહે નાતાલની સાંજ તેમની સાથે વિતાવીશ અને જેણે સૌથી સારા વિચારો લખ્યાં હશે તેમને ઈનામ આપીશ.
   સંસ્થાના સંચાલકને પૂછ્યું હતું કે બાળકોને શાની જરૂરિયાત છે અને તેમણે જાણ કરી કે પ્રેમનિકેતનમાં નહાવા માટે ગરમ પાણીના ગીઝરની જરૂર છે કારણ વીસેક બાળકોનું નહાવાનું પાણી એકસાથે રસોડામાં ગરમ કરતા તકલીફ પડે છે. મેં હિતાર્થના જન્મદિવસની ભેટ રૂપે ગીઝર પ્રેમનિકેતનના બાળકોને આપવાનું નક્કી કર્યું અને ઓનલાઇન ઓર્ડર કરી પચ્ચીસ લિટર ક્ષમતાનું ગીઝર તેમને સીધું આશ્રમમાં મળી જાય એવી વ્યવસ્થા કરી. બાળકોએ આ ભેટ માટે આભાર વ્યક્ત કર્યો. હિતાર્થના જન્મદિવસની એ સાંજે તેના જેવા જ અને તેનાથી થોડા મોટા બાળકોને જોઈ તેમના પર ખૂબ વ્હાલ આવ્યું. તેમની નિર્દોષતા, તેમની લાચારી, તેમની બાળસહજ મસ્તી આ બધું જોતા તેમની સાથે વધુ સમય પસાર કરવાનું મન થયું અને એટલે જ સપ્તાહ બાદ ફરી તેમને મળવા માટે થઈ પેલી સ્પર્ધા યોજી કાઢી. હિતાર્થ અને નમ્યા જે રીતે આ બાળકો સાથે હળીભળી-રમી રહ્યાં હતાં એ જોઈને પણ ખૂબ આનંદની લાગણી થઈ.
  વીસેકમાંથી બારેક બાળકોએ તેમના વિચારો તેમને આવડે એવી રીતે કેટલાકે સરસ અક્ષરોમાં તો કેટલાકે ગડબડિયા અક્ષરોમાં લખી વ્યક્ત કર્યા હતાં. મોટા ભાગના બાળકોએ એવી ઇચ્છા વ્યક્ત કરી હતી કે તેઓ સાંતા ને વ્હાલ કરશે, તેના ખોળામાં બેસશે, તેની પાસે ઘણી બધી ભેટો, કપડાં, ચોકલેટ અને મીઠાઈ ની માગણી કરશે. આ વિચારો વાંચતા વાંચતા મને આજની બ્લોગ પોસ્ટમાં શરૂઆતમાં જે વિચારો વ્યક્ત કર્યા છે તે આવ્યાં અને એ તમારા સૌ સાથે શેર કર્યા.
   જેને પ્રથમ ઈનામ આપ્યું એ એન્જી નામના  બાળકે તેની સુંદર કલ્પના શક્તિનો પરિચય આપતાં લખ્યું હતું કે તે સાંતા પાસે તેના ચશ્મા ની અને લાલ ટોપીની માંગણી કરશે અને પછી તેની સાથે રાઇડ લઈ ઘેર ઘેર ફરવા જશે, ગીતો ગાતાં ગાતાં! તેણે અંતે લખ્યું હતું કે આખી રાત તે સાંતા ના ખોળામાં બેસી ધરાઈ ધરાઈને તેની સાથે વાતો કરશે અને તેનો મોબાઇલ નંબર માંગી લેશે જેથી પછી આખું વર્ષ એ તેની સાથે નિયમિત વાતચીત કરી શકે!
બીજું ઈનામ આપ્યું એ નવીન નામના બાળકે સાંતા પાસે ઘણાં બધાં પુસ્તકોની માંગણી કરશે એવી ઇચ્છા વ્યક્ત કરી હતી જેથી એ વાંચી તે પોતાની અંગ્રેજી ભાષા સુધારી શકે અને ઘણું બધું જ્ઞાન મેળવી શકે. ટૂંકમાં લખેલ તેણે આ નોંધ એક પણ ભૂલ વગર સ્પષ્ટ વિચારો સાથે લખી હતી, તેમાં સાંતા નો આભાર પ્રગટ કર્યો હતો અને તેના મુખનું નાનકડું ચિત્ર પણ દોર્યું હતું!
  શશાંક ભંડારી નામના બાળકે લખ્યું હતું કે તે સાંતા સમક્ષ એવી માંગણી કરશે કે તે પ્રાઇવેટ સ્કૂલમાં તેનું એડમિશન કરાવી દે! આ બધાં બાળકો મલાડની સરકારી શાળામાં જાય છે અને આ બાળકને હ્રદયમાં ઉંડે ઉંડે ક્યાંક આ વાત ખૂંચતી હશે જે તેણે અહીં વ્યક્ત કરી હતી. તેને ત્રીજું ઈનામ આપતા મેં સમજાવ્યું કે શાળા સરકારી હોય કે ખાનગી, પણ પોતાને જો ભણવાની અને જીવનમાં કંઈક કરી દેખાડવાની, કંઈક બનવાની ઇચ્છા હોય તો ભગવાન એ જરૂર પૂરી કરે છે જો ધ્યાન દઈ પૂરી મહેનત અને શ્રદ્ધાથી ભણવામાં આવે તો.તેણે મનમાં બિલકુલ ઓછું આણવાની જરૂર નથી. કેટલાયે બાળકો તો ભણવાની તીવ્ર ઇચ્છા હોવા છતાં શાળા એ જવા જ પામતા નથી. તેને શાળામાં ભણવા તો મળે છે, તેણે આ તકનો પૂરો લાભ લઈ મન દઈ ભણવું જોઈએ. એક દિવસ તે ચોક્કસ સફળ થશે. આ શબ્દોએ તેના મુખ પર સ્મિત આણ્યું.
  ટ્રાન્સફોર્મર કારની ભેટ માંગનાર આયુષ અને સાંતાને હેન્ડસમ હીરો ગણાવી તેની પાસે બાઇક ની ગિફ્ટ માંગનાર પ્રાજ્વલ ને મેં આશ્વાસન ઈનામ આપ્યાં.
  દરેક સ્પર્ધક બાળક માટે મેં ઈનામમાં આપવા પુસ્તકો ખરીદ્યા અને પ્રથમ પાંચ ઈનામો માટે આ બાળકો માટે તેમને ઉપયોગી થાય અને તેમના વિકાસમાં ભાગ ભજવે એવી યોગ્ય ભેટ ખરીદી અને ક્રિસમસની સાંજે ફરી એક વાર તેમની સાથે સમય પસાર કરવા હું પરિવાર સાથે તેમના ઘેર પ્રેમનિકેતન પહોંચી ગયો. તેમને ભેટોની લ્હાણી કરી ત્યારે પ્રેમથી ત્યાં હાજર તેમના ટીચર અને કેર ટેકર સ્ટાફે મારા બાળકોને પણ રિટર્ન ગિફ્ટ આપી. બધા બાળકોને મેં પ્રેરણાત્મક વિચારો સંભળાવી ખૂબ ખૂબ વાંચવાની સલાહ આપી અને આ સાંજ તેમના માટે તો યાદગાર રહી હશે પણ અમારા માટેય અતિ યાદગાર બની રહી. તમે બદલાની અપેક્ષા વગર કોઈક માટે કંઈક કરો છો ત્યારે મન સાચી પ્રસન્નતા અનુભવે છે.
   તમને પણ મન થાય ત્યારે તમે આવા કોઈક આશ્રમમાં જઈ આ બાળકો સાથે સમય પસાર કરશો, તેમને કોઈક વિષય ભણાવશો કે તેમને કોઈક ચોક્કસ વિષયનું માર્ગદર્શન આપશો તો તેમના માટે તો એ સારું જ રહેશે પણ તમે પણ મનથી કંઈક સારું કર્યાની સુખ અને સંતોષની લાગણી અનુભવી શકશો એ નક્કી.
  પ્રેમનિકેતનના સંચાલક રમેશજી નો 9821018258 કે આ સંસ્થા સાથે સંકળાયેલા સમાજ સેવક ચંદ્રકાંત કાંબળેનો 9869703922 પર સંપર્ક કરી શકો છો.

મંગળવાર, 10 માર્ચ, 2020

કચ્છના રણોત્સવનો પ્રવાસ (ભાગ - ૭ અને ૮)


   ત્રીજા દિવસે રણોત્સવમાં વરસાદનો આસ્વાદ પણ માણવા મળ્યો! બપોરે અમારે નિયત ટુર મુજબ 'કાળો ડુંગર' અને 'ગાંધીનું ગામ' જોવા જવાનું હતું, બસ માટે અમે ટેન્ટસીટીના રીસેપ્શન કક્ષ પહોંચ્યા અને વરસાદ તૂટી પડ્યો. આથી અમારો કાર્યક્રમ થોડો મોડો પડ્યો, પણ સામાન આયોજકોના કન્ટીનજેન્સી પ્લાન મુજબ સૌથી મોટા ક્લસ્ટર 'ડી' માં પહોંચાડવા સુપ્રત કરી દીધો એ દરમિયાન વરસાદનું જોર ઓછું થઈ ગયું અને અમે બસમાં બેસી કાળો ડુંગર જવા રવાના થયા. અહીં વરસાદનું જોરદાર ઝાપટું પડયું એ દરમિયાન પાસેના અન્ય એક ગામમાં તો કરા પડ્યા એવી વાત અમે માર્ગમાં સાંભળી. જો કે અમારા સદનસીબે વરસાદ રોકાઈ ગયો હતો અને અમારી સાથે બસમાં આવેલા યુવાન ગુજરાતી ગાઇડે ધોબણા નામના ગામ પાસે એક ખાસ જગાએ બસ થોભાવી અને અમને એવી રસપ્રદ માહિતી આપી કે આ જગા વિશિષ્ટ મહત્વ ધરાવતી જગા હતી જે આખા વિશ્વમાં અમુક ખાસ જગાઓએ જ અને ભારતમાં પણ બે જ સ્થળે જોવા મળે છે. લેહ પાસે અને અહીં. આ વિશિષ્ટતા એટલે અહીંનું ચુંબકીય ક્ષેત્ર જે ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ કામ કરે છે. અહીં ઢાળ ચઢતો હોવા છતાં બસ કે કોઈ પણ વાહન ગિયર સ્ટાર્ટ કર્યા વગર આપમેળે ચાલે છે એ પણ નોંધનીય ઝડપે. ઢાળ ઉતરતો હોય તો આ શક્ય છે પણ અહીં ઢાળ ચઢતો હોવા છતાં આપમેળે સરકતા વાહનમાં બેસવાનો પ્રત્યક્ષ અનુભવ અમે ત્યારે કર્યો! અમારી બસ, ડ્રાઇવરે વાહન બંધ કરી દીધું હોવા છતાં, આપમેળે ઢાળ ચડી રહી હતી!
થોડી વારમાં કાળો ડુંગર તરીકે ઓળખાતી પ્રખ્યાત જગાએ અમે પહોંચી ગયા. તળેટીમાં પઠાણો જેવા પહેરવેશમાં સજ્જ કેટલાક યુવાનો અમને જીપ, ઘોડા, ઊંટ વગેરે પર ઉપર તરફ લઈ જવા વિનવી રહ્યાં તો કેટલાક ભારત - પાકિસ્તાનની બોર્ડર જોવા દૂરબીન ભાડે આપવા કાકલૂદી કરી રહ્યાં તો વળી અન્ય થોડા જણ અમને તેમની ખાસ પાઘડી અને મફલર ભાડે આપી તેમાં ફોટોગ્રાફી કરાવવા ઓફર આપી રહ્યાં. અહીં ધોબણા ગામમાં રહેતા આ પઠાણો પાકિસ્તાનની બોર્ડર અહીંથી નજીક હોવાથી ત્યાંના રહેવાસીઓ જેવો પહેરવેશ, તેમના જેવી ભાષા અને સમાન રહેણીકરણી ધરાવતા હોવાનું માલૂમ પડયું.
જીપમાં બેસી અમે ઉપર ટોચ પર આવ્યાં. અહીં એક દત્તાત્રેય ભગવાનનું પ્રાચીન મંદિર હતું, જેનો તાજેતરમાં પુનારોદ્ધાર થયો હશે એમ લાગ્યું.


આ મંદિરનું ધાર્મિક મહત્વ ઘણું છે. એમ મનાય છે કે અહીં સૈકાઓ અગાઉ પૂજારી સંધ્યા આરતી કરે ત્યારે શિયાળ પશુઓ પ્રસાદ આરોગવા અચૂક આવતા અને આમ તો આ પશુઓ માંસાહારી હોવા છતાં અહીં નો શાકાહારી પ્રસાદ ભાવથી રોજ આરોગતા. આ પરંપરા હજી સુધી જળવાઈ રહી છે અને આજે પણ સાંધ્ય-આરતી નો પ્રસાદ ખાવા શિયાળ આવતા હોવાનું જાણવા મળ્યું. અમારે તો પેકેજ ટુરમાં આવ્યા હોવાથી તેમણે નિયત કરેલા સમય મુજબ ચાલવાનું હતું આથી અંધારું થાય એ પહેલાં નીચે પહોંચી જવાનું હોવાથી આ દ્રશ્ય પ્રત્યક્ષ જોવાની તાલાવેલી ઉત્કટ હોવા છતાં એ શક્ય બન્યું નહીં. પરંતુ અહીં થોડે દૂરથી અંગ્રેજી 'એસ' આકારના ભારત - પાકિસ્તાનના સરહદ વિસ્તાર માં આવેલા સરોવરને દૂરથી જોવાની તથા આ જગાની આસપાસના સૌંદર્યને માણવાની મજા પડી. ઠંડી ખૂબ લાગી રહી હતી અને થોડા સમય અગાઉ આવેલા વરસાદે વાતાવરણ વધુ ઠંડુ બનાવ્યું હતું, એવામાં ગરમાગરમ ચા પીવાની મજા પડી. સાથે સાથે ગાઇડ યુવાન સાથે અને ચા વેચનારા સ્થાનિક દુકાનદાર સાથે વાતચીત કરી આસપાસના પ્રદેશની રસપ્રદ માહિતી મેળવી. અમારા કાનમાં સતત એક પક્ષીના સુંદર ટહુકાનો વિશિષ્ટ ધ્વનિ સંભળાઈ રહ્યો હતો. આ કયા પક્ષીનો અવાજ છે એ જાણવા જતા માલુમ પડયું કે એ ખરેખર કોઈ પક્ષીનો અવાજ નહોતો પણ અહીં એક બે સ્ટોલ પર નાનકડા માટીના પક્ષીના રમકડાં વેચાઈ રહ્યા હતા જેમાં ફૂંક મારો તો એક પ્રકારનો અવાજ સંભળાય, પણ આખું પાણી થી ભરી નાંખો તો આબેહૂબ કોઈ પંખીની તીણી સિસોટી જેવો જુદો સ્વર નીકળે! મેં તરત એ ખરીદી લીધું, સાથે કચ્છી ભરત કામ ધરાવતા થેલા વગેરે પણ ખરીદ્યા. ફરી જીપમાં બેસી નીચે આવ્યાં. વધુ પૈસા આપી દીધા તો પ્રમાણિક જીપ ડ્રાઇવરે એ પાછા આપ્યાં અને આ ઘટના હ્રદયને સ્પર્શી ગઈ!
પાછા ફરતાં માર્ગમાં ગાંધીનું ગામ તરીકે ઓળખાતી એક જગાએ બસ રોકાઈ. સાવ અંધારું થઈ ગયેલું અને ગામમાં લાઇટ ગયેલી. પણ એક મુખ્ય દુકાનમાં ગ્રામવાસીઓએ બનાવેલી હેન્ડ મેડ વસ્તુઓ વેચાતી જોવાની અને ખરીદવાની મજા પડી. અડધો કલાક ઓછો પડ્યો! પછી અંધારું ઘોર હોવા છતાં, એકમેકનો હાથ પકડી અમે ગામમાં એક ખાસ વ્યક્તિને મળવા ગયા. એ હતા રાષ્ટ્રપતિને હાથે થોડા વર્ષો પહેલા સન્માન પામેલા ગ્રામીણ મહિલા ખેતાબેન. બિલકુલ અક્ષરજ્ઞાન ના ધરાવતા પણ કલા - કૌશલ્ય ભારોભાર ધરાવતા આ મહિલા અમને સૌને મળી કેટલા આનંદિત થઈ ગયા! અતિ હેત અને ભાવથી અમે તેમને મળ્યા અને અમે સૌએ તેમની સાથે ફોટા પડાવ્યા અને તેમના હાથે તથા તેમના પરિવારના હાથે બનાવાયેલી વસ્તુઓ - કપડા વગેરે ખરીદ્યા. તેમનું ઘર એટલે પરંપરાગત ઢબ નો સુંદર ભૂંગો જોવાની મજા પડી. 


આસપાસ અન્ય પણ બે-ત્રણ ભૂંગા જોયા અને માલૂમ પડયું કે આ ગ્રામવાસીઓ અહીં હોમ-સ્ટે સુવિધા પૂરી પાડે છે. રવા સુમા ધૂવા નામના તેમના પાડોશી એ પણ ટોર્ચ ની રોશનીમાં તેમનો આકર્ષક ભૂંગો બતાવ્યો. આ ગામની વિશેષતા એ હતી કે ૨૬ જાન્યુઆરીએ થોડા વર્ષો પહેલા આવેલા ભૂકંપમાં આ આખું ગામ તારાજ થઈ ગયેલું પણ મહેનતુ ગ્રામ વાસીઓએ આપ બળે આખું ગામ ફરી ઊભું કર્યું અને આજે અહીં માત્ર દેશભરના નહીં પણ વિદેશી મુલાકાતીઓ પણ આ જગા જોવા આવતા થયા છે. દ્રશ્ય કંઈક એવું સર્જાયું કે અંધારું ઘોર હતું વળી ઉતાવળ હતી અને બધાં ગ્રામવાસીઓ અમને હેતથી પોતપોતાના ઘેર આવવા અને ચીજ વસ્તુઓ ખરીદવા બોલાવી રહ્યા હતા પણ અમારે પાછા ફરવું પડયું! આ જગાએ, સમય કાઢીને ત્યાંની મુલાકાત લેવા જેવું ખરું. અહીં હોમ-સ્ટે માં રહેવાનું પણ મન થઈ ગયું પણ મારી આ વખતની ટુર નું તો સંપૂર્ણ આયોજન અગાઉથી જ થઈ ગયું હતું તેથી એ શક્ય ના બન્યું.
  ટેન્ટસીટી પાછા ફર્યા ત્યારે રાત પડી ગઈ હતી. આજે વરસાદને કારણે સાંસ્કૃતિક કાર્યક્રમ બહાર ખુલ્લામાં તેની નિયત જગા ને બદલે, એક હોલમાં અંદર હતો. રાતનું ભોજન પતાવી આજે આ કાર્યક્રમ માણવા પહોંચી ગયા એ હોલ પર. રાજેન્દ્ર રાવલ નામના આંતરરાષ્ટ્રીય તલવાર કલાકારે અહીં એક સુંદર પર્ફોમન્સ બતાવ્યું. સતત ગોળ ગોળ ફરતા જાય અને હાથમાં કપડાનો રૂમાલ ગોઠવતા, ગડી કરતા છેવટે તેમણે તેમાંથી એક પણ ગાંઠ વગર એક સુંદર મોર બનાવી કાઢ્યો અને પછી એક જ ઝાટકે ફરી કપડું એમનું એમ! તેમની આ કલા મારી જ્ઞાતિ સાથે જોડાયેલ ગુજરાતી લોક નાટ્ય કલા ભવાઈ નો એક ભાગ હોવાનું માલુમ પડયું અને મને ખૂબ સારું લાગ્યું. પછી તો રાજેન્દ્ર ભાઈને રૂબરૂ જઈ અભિનંદન આપ્યા અને તેમણે મારા પપ્પા ને ઓળખતા હોવાની અને તેમની સાથે એકાદ કાર્યક્રમ કર્યાની વાત કરી ત્યારે પણ ખૂબ આનંદ થયો. ત્યાર બાદ એક આદિવાસી નૃત્ય નો કાર્યક્રમ થયો જે જોવાની મજા પડી અને પછી ગરબાની રમઝટ જામી, જેમાં મેં સપરિવાર ઝૂમવાની મજા માણી!
   રાત્રે ક્લસ્ટર ઈ ની જગાએ સૌથી મોટા ક્લસ્ટર ડી ના ટેન્ટમાં અમે પાછા ફર્યા. અતિ મોટા વર્તુળમાં ગોઠવાયેલા એસી ટેન્ટમાંના અમને ફાળવાયેલ ટેન્ટ, પ્રવેશદ્વારથી સાવ સામે છેડે હતો અને વરસાદે આખી ભૂમિ કીચડવાળી કરી નાખી હોવાથી, અમારા એ ટેન્ટ સુધી પહોંચવામાં સારી એવી પાંચ મિનિટ નો સમય લાગ્યો. પણ કોઈ ફરિયાદ નહોતી. આ પણ એક અનુભવ હતો જે અમે માણી રહ્યાં.

(ક્રમશ :)

  રણોત્સવ પ્રવાસનો છેલ્લો ચોથો દિવસ ઉગ્યો અને અમારે સવારે ચેક આઉટ કરી ટેન્ટસિટીને આવજો કહેવાની વેળા આવી પહોંચી. આટલા સરસ ત્રણ દિવસ અને ત્રણ રાત ભરપૂર માણ્યા બાદ અહીંથી વિદાય લેવાનું મન નહોતું થઈ રહ્યું. પણ દરેક સારી બાબતનો અંત નિશ્ચિત હોય છે! 

રંગબેરંગી છકડામાં બેસી સવારનો નાસ્તો કરવા છેલ્લી વાર ભવ્ય ડાઇનિંગ હોલમાં ગયા અને ધરાઈને નાસ્તો કર્યો અને પછી ટેગ્‌સ લગાડેલ સામાન બસમાં મૂકાવી અમે પ્રવેશદ્વાર પરથી છેલ્લી નજર ટેન્ટસિટીના રળિયામણા, સુંદર દ્રશ્યમાન પટ્ટા પર નાખી અને મનમાં આ આખી હંગામી નગરીને 'આવજો' કહી ત્યાંથી બસમાં બેસી વિદાય લીધી.
   આ ચોથા દિવસ માટે પણ રણોત્સવના આયોજકોએ વિચારપૂર્વક ભૂજ શહેરના ચોક્કસ જોવાલાયક સ્થળોની મુલાકાત ગોઠવી રાખી હતી. સૌ પ્રથમ અમને બસ લઈ ગઈ ભૂજના સ્વામી નારાયણ મંદિરે.


 અહીં દર્શન કર્યા બાદ અમે જોયું કચ્છ મ્યૂઝિયમ. એ પત્યું એટલે અમને બસ લઈ ગઈ સંસદ ભવન બાગ નામની જગાએ. અહીં સંસદભવનની પ્રતિકૃતિ એવી ઇમારતમાં સંગ્રહાલય હતું, 


પણ એ સાંજે ખૂલતું હોવાથી અમે એને બહારથી જ જોયું. અહીં થી બસ અમને લઈ ગઈ ભૂજ સ્ટેશનની બહાર રણોત્સવ માટે ખાસ બનાવાયેલા મોટા વાતાનુકૂલિત રાહ જોવાના કક્ષમાં જ્યાંથી ચાર દિવસ પહેલા અમારી રણોત્સવ યાત્રાની શરૂઆત થઈ હતી.
  હવે અમારે જવાનું હતું અમારા છેલ્લા પડાવ - રુદ્રા હિલ હોમસ્ટે. આ હોમસ્ટેમાં રહેવાનો અનુભવ પણ અતિ યાદગાર રહ્યો. ચિત્રોમાં નાના બાળકો દોરતા હોય છે એવું હ્રદયંગમ હતું આ જગાનું સૌંદર્ય. ભૂજ સ્ટેશનથી માત્ર બાર - પંદર કિલોમીટર દૂર એક નાનકડી ટેકરી પર આવેલ આ હોમસ્ટે એટલે એક સુંદર મજાનો પરંપરાગત ભૂંગો જેની જમણે વિશાળ પટ ધરાવતી નદી દેખાય, સામેની તરફ રામદેવ પીરનું એક મંદિર દર્શન દે અને તેની બાજુમાં એક પાર્ક દેખાય જેમાં શહીદ થયેલા સૈનિકોનું એક સ્મારક અને આસપાસ બગીચો બનાવાયા છે. જયદેવ સિંહ જેઠવા અને તેમના પત્ની હતાં અમારા પ્રેમાળ યજમાન અને તેમણે અમારી એટલી સ્નેહ પૂર્ણ પરોણાગત કરી કે અમને એમ લાગ્યું કે અમારે અહીં વધુ રોકાણ કરવું જોઈતું હતું.
   રણોત્સવની બસે બપોરે અઢી - ત્રણ વાગે અમને ભૂજ છોડ્યા અને તરત મેં જયદેવ સિંહજીને ફોન કરી જમવાની વ્યવસ્થા અંગે પૃચ્છા કરી. તેમણે તરત એ માટે તૈયારી બતાવી અને અમે ઘણાં દિવસે ઘરનું ખાવાનું રુદ્રા હિલ્સ હોમસ્ટે પહોંચી ખાધું. આગલા દિવસે ભારે વરસાદ પડ્યો હતો તેના કારણે ટેકરીનો પૂરો રસ્તો ખવાઈ ગયો હતો આથી જે રીક્ષામાં અમે ત્યાં પહોંચ્યા તે ઉપર ભૂંગા સુધી જઈ શકે તેમ નહોતું આથી જયદેવ સિંહ પોતે તેમની ગાડીમાં અમને લેવા નીચે આવ્યા અને સામાન વગેરે ગાડીમાં ગોઠવી અમને ઉપર લઈ ગયા. ગરમાગરમ સાદું પણ સ્વાદિષ્ટ ભોજન કર્યા બાદ અમે ધરાઈને આસપાસના પ્રાકૃતિક સૌંદર્યને નિરખવાની મજા માણી. નદીમાં ઘણી વાર મોટા મગર દેખા દે છે એ જાણી હું અને નમ્યા અતિ રોમાંચિત થઈ ઉઠયા અને પ્રાર્થના કરવા લાગ્યા કે અમને પણ એકાદ મગર તેના કુદરતી રહેઠાણમાં વિહરતો - વિચરતો જોવા મળે! પણ એમ કંઈ થોડી આપણી બધી મનશાઓ પૂરી થાય છે? અમે ઘણી વાર સુધી નદીને, તેના શાંત વહી રહેલા પાણીને, આ નદી પર બાંધવામાં આવેલા પૂલને, દૂર બીજે કાંઠે આવેલા પર્વતને, બીજી તરફ દ્રશ્યમાન રામદેવ પીરના મંદિરને અને તેની બાજુમાં આવેલ સૈનિકો ના સ્મારક વાળા બાગને જોતા જ રહ્યાં.
 પછી વાતાનુકૂલિત ભૂંગામાં જઈ ફ્રેશ થયા અને સાંજની મજા માણવા ટેકરી પરથી નીચે ઉતરી સામે આવેલા રામદેવ પીરના મંદિરે દર્શન કરવા ગયાં. દર્શન કર્યા બાદ બાજુના ગાર્ડનમાં લટાર મારી. અંધારું થવા આવ્યું હોવાથી અહીં ઝાઝો સમય પસાર કરવા ન મળ્યો. ફરી ઉપર આવી ચા-પાણી પીધા. ફરી ભૂંગામાં થોડો સમય પસાર કર્યો. અમીએ છેલ્લું પેકિંગ પતાવ્યું અને મેં નમ્યા અને હિતાર્થ સાથે થોડી ગેલ - ગમ્મત કરી. મોડી સાંજે બહાર આવ્યા તો ઓટલા પર અનેક દેડકા કૂદાકૂદ કરતા જોવા મળ્યાં. જયદેવ સિંહજીની બે - અઢી વર્ષની ભાણી પણ તેમની સાથે હતી, તેને તેની જ વયના હિતાર્થ સાથે રમવાની મજા પડી. રાત્રે ફરી અમારા યજમાને અમારા માટે ભાવ પૂર્વક બનાવેલા ભોજનની મજા માણી અમે સૂઈ ગયા. ભૂંગામાં નિંદર પણ મીઠી આવી!
   સવારે ચા - નાસ્તો કર્યા બાદ મેં એ ડ્રાઇવર કાકાને ફોન કરી બોલાવી લીધા જે અમને પાછલા દિવસે ભૂજ સ્ટેશનથી અહીં હોમ સ્ટે સુધી લઈ આવ્યા હતા. આજનો આખો દિવસ તેમની સાથે રીક્ષામાં ફરવાનું ગોઠવ્યું હતું. જેઠવા દંપતીની સ્નેહ ભરી વિદાય લઈ, અહીં થી પણ જવાનું મન ન થતું હોવા છતાં અમે આ સુંદર જગાને અલવિદા ભણી ભૂજ માં અમારો આ યાત્રાનો છેલ્લો દિવસ માણવા આગળ વધ્યાં. પહેલા ગયા અહીં થી દોઢેક કિલોમીટર દૂર આવેલા રુદ્રા માતાના મંદિરે. વિશાળ પ્રાંગણમાં ફેલાયેલા આ શાંત મંદિરમાં ઘણાં દેવી - દેવતાઓના દહેરા હતા અને એક આશ્રમ પણ હતો જ્યાં સંતોનો નિવાસ હતો. 
શાંતિથી દર્શન કર્યા બાદ અમે ઈકબાલ ચાચાની રીક્ષામાં બેસી જઈ પહોંચ્યા પ્રાગ મહલ. લગાન અને અન્ય ઘણી ફિલ્મોનું જ્યાં શૂટિંગ થયું છે એવા આ ભવ્ય મ્યૂઝિયમ જેવા મહેલની એક ખાસ લાક્ષણિકતા એટલે મુંબઈ ના રાજાબાઈ ટાવર જેવો એક ઉંચો ઘડિયાળનો મિનારો. આખા ભારતમાં કુલ ત્રણ જ છે એમાંનો એક આ મિનારો આજે પણ લોકોમાં ભારે કુતુહલ જગાડે છે. બાજુમાં જ આઈના મહલ હતો, પણ એ દિવસના ચોક્કસ સમય દરમ્યાન જ ખુલ્લો રહેતો હોવાથી તેની મુલાકાત ન લઈ શકાઈ. ત્યાર બાદ અમે ગયા રામકુંડ જ્યાં ચોરસાકારમાં નાના નાના પગથિયા ચારે દિશામાં નીચે ઉતરી સુંદર સમપ્રમાણ રચના કરતા હતાં. હેરિટેજ દરજ્જો મેળવી શકે એવો આ કુંડ ભલે ટુરિસ્ટ આકર્ષણમાં સ્થાન ન પામતો હોય પણ પ્રી - વેડિંગ ફોટોગ્રાફી માટે છેલ્લા કેટલાક સમયથી લોકોની ખૂબ સારી પસંદગી પામ્યો છે. અમે ગયા ત્યારે પણ એક જોડું સુંદર વસ્ત્રોમાં સજ્જ થઈ અહીં લગ્ન પહેલાના ફોટા પડાવી રહ્યું હતું અને એકલ દોકલ વિદેશી સહેલાણીઓ અમને આ જગાએ જોવા મળ્યા. ત્યારબાદ અમે ગયા છતરડી નામની અન્ય હેરિટેજ સાઈટ સમી જગાએ જ્યાં ઘણી ફિલ્મોના શૂટીંગ થયા છે. એક રાજા અને તેની ઘણી રાણીઓના દહેરા અને દરેક પર એક છત્રીની રચના હોય એવા પથ્થરના બનેલા આ સ્ટ્રક્ચરના હવે તો થોડા ઘણાં અવશેષો જ બચ્યા છે અને થોડી નકારાત્મકતા નો આસપાસની હવા માં અનુભવ થતો હોવા છતાં આ જગાની મુલાકાત લેવી ગમી ખરી અમને. પછી બપોરનું ભોજન એક પાસેની હોટેલમાં લઈ અમે ગયા અમારી યાત્રાના છેલ્લા ગંતવ્ય સ્થાને - ભૂજિયા ડુંગર પર. તળેટીમાં આવેલા નાગ દેવતા અને બે દેવીઓના મંદિરે દર્શન કર્યા બાદ અમે ચડવું શરૂ કર્યું ડુંગર પર. અહીં પણ આગલા દિવસે પડેલા વરસાદ ને લીધે રસ્તો ધોવાઈ ગયો હતો, તેથી ઉપર ચડવામાં થોડી તકલીફ પડી પણ ખાસ્સી ઉંચાઈએ ગયા બાદ અમીને બેચેની અને ગભરામણ જેવું અનુભવાતા એક સમયે હું પણ થોડો ભય અને થોડી વિમાસણ અનુભવી રહ્યો. તરત પાછા નીચે જઈ શકાય એમ પણ નહોતું અને ઉપરના છેલ્લા થોડા પગથિયા વધુ સ્ટીપ અને ભયાનક ભાસી રહ્યાં હતાં. પણ ત્યાં એક હિન્દી ભાષી દંપતિ તેમની સાથે આઠ - દસ વર્ષની ત્રણ કન્યાઓને લઈને ઉપર ચડી રહ્યું હતું, તે અમારી સાથે થઈ ગયું. તેમની સાથે સીધી વાત કર્યા વગર, તેમની સાથે અમે છેલ્લો પડાવ ચડી લીધો અને ટોચ પર પહોંચી જે આનંદ અને વિજયની લાગણીનો અનુભવ થયો તે શબ્દોમાં નહીં વર્ણવી શકાય.

અહીં સૂર્યાસ્ત સમયના કેસરી પ્રકાશમાં વહી રહેલા પવન સાથે ફરફરતી કેસરી ધજા એક અનોખું સુંદર દ્રશ્ય સર્જી રહ્યા. અહીં ટોચ પર આવેલ નાગ દેવતાના મંદિરે દર્શન કરી, ઉંચાઈએ થી ચારે દિશામાં થતા ભૂજ નગરીના અલગ અલગ સ્વરૂપના દર્શન કરી, અંધારું થાય એ પહેલાં પહાડ પરથી નીચે ઉતરવાનું શરૂ કર્યું અને ઉતરતી વખતે ખાસ તકલીફ ના અનુભવી.
  પછી તો ઈકબાલ ભાઈએ અમને ભૂજ સ્ટેશન નજીક અહીંની છેલ્લી ચા પીવડાવી અને અમે રાત્રે ટ્રેનમાં બેસી આ સમગ્ર યાત્રાના સુખદ અનુભવોની યાદો મમળાવતા મુંબઈ પાછા ફર્યા.
   પ્રવાસ માટે બનાવેલા બકેટ લિસ્ટ માં રણોત્સવના નામ પર ચેકો મૂક્યો પણ આ સુખદ અવિસ્મરણીય અનુભવ યાત્રા હ્રદયના કચકડા પર કાયમ માટે છાપ મૂકી ગઈ!

(સંપૂર્ણ )