Translate

રવિવાર, 29 જૂન, 2014

વર્ષગાંઠની અનોખી ઉજવણી 'ડિઝાયર સોસાયટી'ની બાળકીઓ સાથે…


તેર નાનકડી દેવદૂત સમી છોકરીઓ. સૌથી નાની કોમલ સાડા ત્રણ વર્ષની. બીજી વર્ષા વર્ષની. સૌથી મોટી છોકરીની ઉંમર પણ માત્ર તેર-ચૌદ વર્ષ. કોડીલી કન્યાઓ અને જીવંતતાથી ભરેલી પણ કદાચ ઇશ્વરને તેમની પોઝીટીવીટી એટલી ગમી ગઈ કે તેમણે બધી કન્યાઓને વધુ એક પોઝીટીવ ટેગ આપી દીધું - એચ.આઈ.વી. પોઝીટીવ. ગયો તો હતો મારી નાનકડી પરી નમ્યાની ચોથી વર્ષગાંઠ તેમની સાથે ઉજવી તેમની એક સાંજ ખુશીથી ભરી દેવા પણ મને નહોતી ખબર કે અમારા સૌ માટે પણ જીવનની એક યાદગાર આનંદમય સાંજ બની રહેશે!

નમ્યાની પહેલી વર્ષગાંઠ મારા ઘરે પરિવારજનો,થોડાં મિત્રો અને પાડોશનાં બાળકો સાથે ઉજવી હતી પણ પછી એવો વિચાર આવ્યો કે જે બધાં આમંત્રિતો હતાં તે બધાં ઇશ્વરકૃપાથી પૈસેટકે અને અન્ય રીતે સુખી હતાં. તો હવે થી નમ્યાની વર્ષગાંઠ એવી રીતે ઉજવવી જેથી તે પણ કેક કાપવાની સાથે સાથે સમાજનાં કોઈક રીતે વંચિત સભ્યો સાથે પોતાની ખુશી શેર કરી તેમનાં જીવનમાં થોડો ઉમંગ-ઉલ્લાસ ભરી શકે અને નાનપણથી સારા કાર્યો કરવામાં પરોવાઈ શકે, સુસંસ્કારી બની શકે.

આથી તેની બીજી વર્ષગાંઠ દયાવિહાર અનાથાલયના બાળકો સાથે,ત્રીજી વર્ષગાંઠ ડ્રીમ્સહોમની કન્યાઓ સાથે મનાવી. હવે વર્ષે પચ્ચીસમી જૂને તેની ચોથી વર્ષગાંઠ પણ અલગ રીતે કોઈક નવી જગાએ ઉજવવાની ઇચ્છા હતી આથી એકાદ પખવાડિયા અગાઉથી મેં ઓનલાઈન સર્ચ આદરી દીધી અને મને ગોરેગામના 'ડિઝાયર સોસાયટી'ની વિગતો પ્રાપ્ત થઈ.

રવિબાબુ નામના યુવાને વર્ષ ૨૦૦૪માં હૈદરાબાદ ખાતે મૂળ સંસ્થા 'ડિઝાયર સોસાયટી'ની સ્થાપના કરી જે નોન-પ્રોફીટ વોલ્યન્ટરી ઓર્ગેનાઈઝેશન છે અને એચ.આઈ.વી./એઈડ્ઝ થી પીડિત બાળકોના સ્વાસ્થ્ય વિકાસ અને કલ્યાણ ક્ષેત્રે કાર્યરત છે. બાળકોમાં માબાપ દ્વારા તરછોડાયેલા કે સેક્સ વર્કર્સ,ટ્રક ડ્રાઈવર્સ વગેરેના બાળકો કે જાતિય શોષણથી પીડિત ગરીબ બાળકોનો સમાવેશ થાય છે.

ગોરેગામના ઉન્નત નગર ખાતે એક્માળના બેઠા ઘાટના બંગલામાં 'ડિઝાયર સોસાયટી'ની તેર બાળકીઓ રહે છે. લતા નામની મહારાષ્ટ્રીયન યુવતિ ઓફિસનું કામ સંભાળે છે.અન્ય એક યુવતિ સવાર-સાંજ રસોઈ બનાવવાનું કામ કરે છે. એક યુવક બહારનું અને ડોનેશન વગેરે મેળવવાનું કામ સંભાળે છે.અન્ય બે-ચાર યુવતિઓ કેર ટેકર્સ તરીકે સેવા આપે છે. બાળકોને ખાસ પ્રકારનો સ્વાસ્થ્ય વર્ધક ખોરાક આપવો પડે છે. તમે બહારનું કંઈ ખાવાનું તેમના માટે લઈ જઈ શકો નહિ.આથી અમે માત્ર કેક મંગાવી હતી. તમે તમારી પસંદની વાનગી બાળકો માટે અમુક ખર્ચની રકમ આપી બનાવડાવી શકો છો. મેં નમ્યાની વર્ષગાંઠ નિમિતે પનીરનું શાક અને મીઠાઈમાં રસગુલ્લાનો સમાવેશ કરવા જણાવ્યું હતું.

સાંજે સાડા વાગ્યાની આસપાસ હું નમ્યા,અમી,મારી બે બહેનો અને  જે નમ્યાને ખૂબ ચાહે છે એવા અમારા પાડોશી દંપતિ - સંતરૂદાદા અને  કિનુબા સાથે 'ડિઝાયર સોસાયટી' જઈ પહોંચ્યો. કેક મેં ઓનલાઈન ઓર્ડર કરી સીધી ત્યાં મગાવી લીધી હતી. જઈને તરત પહેલાં બધી બાળકીઓને અમે પ્રેમપૂર્વક તેમને   મળ્યાં. દરેક સાથે હસ્તધૂનન કર્યું.

સમાજમાં એચ.આઈ.વી./એઈડ્ઝ દર્દીઓ અંગે ખોટો ભય છે. વ્યાધિ અંગે અનેક ખોટી ધારણાંઓ પ્રવર્તે છે. જેમકે આવાં દર્દીઓને અડવાથી રોગ આપણને પણ થઈ જાય વગેરે. પણ રોગ અડવાથી ફેલાતો નથી. જો એચ.આઈ.વી./એઈડ્ઝ ધરાવતાં દર્દીનું લોહી આપણાં શરીરમાં જાય (જેમકે તેનાં શરીર પર ઘા પડ્યો હોય અને લોહી નિકળતું હોય અને તમારા શરીર પર પણ ખુલ્લો ઘા હોય અને તમારૂં લોહી દર્દીનાં લોહીનાં સંપર્કમાં આવે) તો રોગ આપણને પણ થવાની શક્યતા રહેલી છે.
 

 

 




 
'ડિઝાયર સોસાયટી'ની દરેક બાળકી ઉત્સાહ-ઉમંગથી છલકાતી હતી.તેમની સાથે ઓળખાણ કરી જ્યારે તેમને જણાવ્યું કે નમ્યાના દાદા તારક મહેતા સિરિયલમાં આવતાં નટુકાકા છે ત્યારે તેમની ખુશીનો પાર ન રહ્યો.શૂટીંગની વ્યસ્તતાને કારણે તે અમારી સાથે જોડાઈ ન શક્યા હોવાની વાત કરી ત્યારે તેમણે મારી પાસે વચન લઈ લીધું કે મારે તેમને બધાને એક વાર નટુકાકા સાથે ચોક્કસ મેળવવાં! પછી તો અમે કેક કાપી અને ત્યાર બાદ અમે મકાનનાં પહેલા માળે જઈ ગોળાકારે બેઠાં. તેમણે અમારા માટે ખાસ તૈયાર કરેલું સ્વાગત ગીત ગાયું,પ્રાર્થના ગાઈ અને અમે પરિચય રમત શરૂ કરી!

દરેક બાળકીએ ઉત્સાહ ભેર પોતપોતાનો પરિચય આપ્યો,મોટા થઈ પોતાને શું બનવું છે તેની વાત કરી,પોતાના પ્રિય ભણવાના વિષય અંગે માહિતી આપી અને તેમના શોખ અને ફેવરેટ હીરો-હીરોઈનનાં નામ જણાવ્યાં! મોટા ભાગની બાળકીઓને ડોક્ટર બનવાની ઇચ્છા હતી.તો એકને શિક્ષિકા,એક ને સિંગર અને બે ને ડાન્સર બનવાની ઇચ્છા હતી! કદાચ મેં મારા ફેવરેટ હેરો-હીરોઈન હ્રિતિક રોશન અને ઐશ્વર્યા રાય ગણાવ્યાં એટલે તેમાંની ચાર-પાંચ જણીઓએ પણ તેમને પોતાના મનપસંદ કલાકાર ગણાવ્યાં!પણ એક-બે જણે ટાઈગર શ્રોફને પોતાનો ફેવરેટ હીરો જણાવ્યો ત્યારે મને સાનંદ આશ્ચર્ય થયું! નમ્યાના પરિચય વેળાએ તેને પૂછ્યું "તારે મોટા થઈને શું બનવું છે?" અને તેણે નિર્દોષ ભાવે જવાબ આપ્યો "મમ્મી" અને અમે સૌ હસી હસીને બેવડ વળી ગયાં! પછી તો જેણે સિંગર બનવાની ઇચ્છા વ્યક્ત કરી હતી તેની પાસે ગીત ગવડાવ્યું અને જેને ડાન્સર બનવું હતું તેની પાસે ડાન્સ કરાવ્યો! તેઓ અદભૂત ટેલેન્ટ ધરાવતાં હતાં. નમ્યાને પણ જરાયે અતડું કે નવું નહોતું લાગતું. પણ બરાબર ખીલી હતી! તેણે પોતાનો મનપસંદ ગરબો "લીલી લેંબડી રે...લીલો નાગર વેલ નો છોડ..." ગાયો અને પોતાના તાલે તે બરાબર ઝૂમી! ડાન્સ શરૂ થતાં આખું વાતાવરણ મસ્તી ભર્યું બની ગયું અને બધી બાળકીઓ ડાન્સમાં જોડાઈ ગઈ. અમે પણ ડાન્સ કર્યો અને પછી તો બાળકીઓએ સામેથી ફરમાઈશ કરી તેમનાં મનપસંદ ગીતો પર ડાન્સ કર્યો!

ડાન્સ શરૂ હતો દરમ્યાન બે-ત્રણ ક્ષણ માટે હું ગંભીર બને ગયો અને મને વિચાર આવ્યો શા માટે ભગવાને ફૂલ જેવી બાળકીઓને આવી વ્યાધિ આપી હશે? લતાનાં જણાવ્યા અનુસાર તેમના આયુષ્ય અંગે કંઈ કહી શકાય નહિ. તે વીસ-ત્રીસ વર્ષ પણ જીવે કે કદાચ ચાલીસની વય સુધી પણ પહોંચી શકે.પણ તેમની રોગ-પ્રતિકાર શક્તિ અતિ ક્ષીણ હોવાથી તેમણે તબિયત પ્રત્યે ખૂબ સભાન રહેવું પડે.

બીજો એક વિચાર રવિ બાબુ અને લતા તથા અન્ય ત્રણ-ચાર કેર ટેકર્સની સેવાભાવી પ્રકૃતિ વિશે આવ્યો અને તેમના પ્રત્યે આભાર અને ઉપકાર ભાવથી મન ભરાઈ આવ્યું. કેવી નિસ્વાર્થ અને મહાન સેવા તેઓ કરી રહ્યાં છે! માણસના સ્વરૂપમાં તેઓ ફરીશ્તા છે.

ધરાઈને ડાન્સ કર્યા બાદ દરેક બાળકીને મેં તેમના માટે ખાસ તેમની ઉંમર ધ્યાનમાં લઈને પસંદ કરેલી ભેટ આપી અને તેમનાં ચહેરા પર ખુશી અને સંતોષનાં ભાવ જોઈ અમારી સાંજ પણ અવિસ્મરણીય બની ગઈ! ત્યાંથી ખસવાનું મન નહોતું થતું.પણ સમય થઈ ગયો હતો તેમનાં જમવાનો અને અમે ભાવપૂર્વક 'ફરી મળીશું'ના સાદ સાથે તેમની વિદાય લીધી.

તમારે પણ બાળકીઓને મળવું હોય તો લતાનો સંપર્ક 9619537455 નંબર પર અથવા 'ડિઝાયર સોસાયટી'ની ઓફિસમાં 6500 7771 નંબર પર કરી શકો છો.
 
Videos related to this Blog can be seen at :