Translate

રવિવાર, 25 નવેમ્બર, 2012

આંધળુકીયું

કોઈ પણ બાબતને સારી કે ખરાબ ગણવી તે મોટે ભાગે સંજોગો પર આધાર રાખતું હોય છે. ગર્ભપાત એક એવી ક્રિયા છે જે પ્રથમ દ્રષ્ટીએ ખરાબ જ લાગે પણ જ્યારે ગર્ભવતી સ્ત્રીના પેટમાં ગર્ભના કુપોષણ કે પછી અન્ય કોઈ કારણસર ઉભી થયેલ સંકુલ પરિસ્થિતિને લીધે ગર્ભવતી સ્ત્રીનો જીવ જોખમમાં આવી જાય ત્યારે ગર્ભપાત જરૂરી જ નહિ અનિવાર્ય બની રહે છે. સ્ત્રીનો જીવ બચાવવો વધુ જરૂરી બની જાય છે.તે જીવિત રહેશે તો ફરી ગર્ભ ધારણ કરી જ શકશે. પણ આપણે ઘણી વાર આપણી જ સુવિધા કે સગવડ કે અનુશાસન માટે બનાવેલા નિયમોને લઈને એટલા જડ બની જઈએ છીએ કે સારાનરસાનું ભાન ગુમાવી બેસીએ છીએ અને સાચાખોટા વિષે વધુ ચિંતન કર્યા વગર અન્યાયી,અયોગ્ય અને ખોટો નિર્ણય લઈ બેસીએ છીએ. આયર્લેન્ડમાં તાજેતરમાં બનેલ સવિતા નામની એક યુવાન સ્ત્રી દંતચિકિત્સકના મોતની દુર્ઘટના બદલ આવું અવિચારી રૂઢીચૂસ્ત જડ વલણ જ જવાબદાર બની રહ્યું. તેને સત્તર અઠવાડિયા એટલે કે ચારેક મહિનાનો ગર્ભ હતો જે પૂર્ણપણે વિકસિત પણ ન હોવા છતાં ત્યાંના ડોક્ટર્સને તેના હ્રદયના ધબકારા સંભળાયા જ્યારે ત્રણ દિવસ સુધી હોસ્પિટલમાં તડપી રહેલી સવિતાની અસહ્ય વેદના તેમને ગણકારવા લાયક ન લાગી, તેનો જીવ બચાવવા અનિવાર્ય એવો ગર્ભપાત ખ્રિસ્તી ધર્મ પ્રમાણે પાપ ગણાતો હોવાને લીધે તેમને બિલકુલ જરૂરી ન લાગ્યો અને તેમણે એ અર્ધવિકસિત શિશુને બચાવવા જતાં જાણી જોઈને સવિતાની હત્યા કરી નાંખી. હા, આ હત્યા જ હતી. શિશુતો આમ પણ સવિતાના મૃત્યુ ને લીધે બચી ન જ શક્યું.


આ દુર્ઘટના આપણી માનવજાતની એક વરવી નબળાઈ છતી કરે છે.

આપણે કેટકેટલીયે રૂઢીઓને, પરંપરાઓને બસ અનુસર્યે રાખીએ છીએ. પ્રશ્ન પૂછ્યા વગર, એમ કરવા પાછળ કોઈ જાતનો તર્ક છે કે નહિ એ સમજ્યા વગર. ગાડરિયા પ્રવાહની જેમ. એક બહુ ઉચિત ગુજરાતી શબ્દ છે આ પ્રકારના વર્તન માટે: આંધળુકીયું.

બીજા બે ઉદાહરણ જોઇએ આ બાબતના.

બ્રાહમણ પુરૂષો જનોઈ પહેરે છે.લગભગ બધા જનોઈધારી બ્રાહ્મણો લઘુશંકા કે ગુરુશંકાએ (નહિ સમજાયું? એક નંબર કે બે નંબર!) જતી વેળાએ જનોઈ જમણા કાનની બૂટ પર ચડાવી દે છે.કોઈ એની પાછળનું કારણ નથી જાણતું. ભલભલા પંડિતોને પણ આમ કરવા પાછળનું સાચુ કારણ ખબર નથી.મેં ખૂબ રીસર્ચ કરી ત્યાર બાદ મને આ પાછળનું સાચુ તાર્કિક કારણ જાણવા મળ્યું. જૂના જમાનામાં બ્રાહ્મણો ખુલ્લામાં ગુરૂ શંકાએ જતાં. નીચે બેસવાનું હોય અને જનોઈનો દોરો લાંબો હોય.આથી તે માટીમાં રગદોળાઈ ગંદો ન થાય એ હેતુથી બ્રાહમણો તેને જમણા કાને લપેટી લેતા જેથી પવિત્ર જનોઈ મેલી ન થાય. હવે શહેરોમાં તો ઘેર ઘેર જાજરૂ આવી ગયા છે ત્યારે જનોઈને કાને ભરાવવાની કોઈ જરૂર મને જણાતી નથી. પણ ખરૂં કારણ જાણ્યા વગર આજે પણ લોકો આ પ્રથા અનૂસર્યે રાખે છે.

બીજી આવી એક પ્રણાલી છે સ્મશાનમાં ગયા બાદ મૃતદેહ બાળી આવ્યા પછી ઘણાં લોકો માને છે કે નાસ્તો કરવો જરૂરી છે. એ સિવાય પાછા ઘરે ન જવાય. કારણ? મોટા ભાગના ને ખબર નથી. લોજીક : ગામડાઓમાં ઘણી વાર સ્મશાન ખૂબ દૂર હોય અને ડાઘૂઓ પણ ચાલીને મડદાને ખભે ઉપાડી એટલે લાંબે ગયા હોય, ઘણાં લાંબા સમય સુધી કંઈ ખાધુ ન હોય આથી લાશ બાળ્યા બાદ, ફરી પાછા પોતાને ગામ ખાસ્સે દૂર ચાલીને જવાનું હોય આથી અશક્તિ ન આવી જાય અને શરીરમાં ખોરાક રૂપી ઇંધણ મળી રહે એ હેતુ થી લોકો નાસ્તો કરી લેતા અને પછી પોતાના ગામ તરફ પ્રયાણ કરતાં.હવે શહેરમાં સ્મશાન નજીક હોય ત્યારે વળી નાસ્તો કરી પાછા ઘેર આવવાની શી જરૂર? પણ આંધળૂકિયું!

ક્યારે આપણે જડ માનસિકતા ન અપનાવી જીવનમાં થોડા ફ્લેક્સીબલ બનવાનો પ્રયાસ કરીશું ? ગમે તે રીતરસમ અનુસરતા પહેલા તેની પાછળનું સાચું કારણ ચોક્કસ જાણી લઈએ તો કેટલું સારૂં! .

રવિવાર, 18 નવેમ્બર, 2012

સ્પીડ ડેટીંગ

આજનો જમાનો ઝડપનો છે. મુંબઈ જેવા મહાનગરમાં લોકોને બધું ઇન્સ્ટન્ટ જોઇએ છે. ફાસ્ટ ફૂડ,ફાસ્ટ ટ્રેન્સ,ફાસ્ટ ફોરવર્ડના યુગ પહેલા કોઇએ કલ્પના પણ કરી હશે કે એક સમય એવો પણ આવશે જ્યારે લોકોને આખી જિંદગી જેની સાથે પસાર કરવાની છે એ સાથીની પસંદગી માટે પણ 'ફાસ્ટ' એવું એક ઓપ્શન હશે જેમાં માત્ર ગણતરીની ક્ષણો માટે સામી વ્યક્તિ સાથે વાર્તાલાપ કર્યા બાદ 'હા' કે 'ના' નો નિર્ણય કદાચ તમને તમારો જીવનસાથી મેળવી આપવા જવાબદાર બનશે! કન્ફ્યુઝ્ડ? હું વાત કરી રહ્યો છું ‘સ્પીડ ડેટીંગ’ની! આજના બ્લોગમાં ઝડપથી(!) 'સ્પીડ ડેટીંગ'ની ચર્ચા કરી તમને આ નવા કન્સેપ્ટથી માહિતગાર કરાવવા છે!


સ્પીડ ડેટીંગમાં આયોજકો ઇચ્છુક યુવક-યુવતિઓના પ્રોફાઈલ્સ એકઠાં કરે,તેની વ્યવસ્થિત ચકાસણી કરે,યુવક-યુવતિઓનું બેકગ્રાઉન્ડ ચેક કરે અને ત્યારબાદ તેમને સ્પીડડેટીંગમાં ભાગ લેવાની પરવાનગી આપે.આ અતિ જરૂરી પગલું છે. કારણ યુવક-યુવતિ સમયના અભાવને લીધે સામેવાળાના બેકગ્રાઉન્ડ ચેક કરવાની પળોજણમાં ન પડવું પડે એટલે જ તો સ્પીડડેટીંગમાં ભાગ લેતા હોય છે! એટલે આવા કાર્યક્રમમાં આયોજક એજન્સીની વિશ્વસનિયતા અને તેણે કરેલી દરેક યુવક યુવતિના બેકગ્રાઉન્ડની ચકાસણી અતિ અગત્યના અને જરૂરી બની રહે છે.

હવે સ્પીડડેટીંગની રસપ્રદ પધ્ધતિ જોઇએ! જૂના જમાનામાં સ્વયંવર યોજાતા તેને મળતી આવે છે સ્પીડડેટીંગની રીતરસમ.એક માત્ર ફેર એટલો કે તેમાં એક જ વર કે વધૂ સામે અનેક પાત્રો જોતાં અને તેમાંથી એકને પસંદ કરતાં. સ્પીડડેટીંગમાં બધાં જ ભાગ લેનાર યુવક-યુવતિઓ સામે વાળા દરેક યુવક-યુવતિને થોડી જ ક્ષણો માટે મળે છે,તેની સાથે પાંચ-છ કે વધુમાં વધુ દસ મિનિટ વાર્તાલાપ કરે છે અને પછી નેક્સ્ટ ઉમેદવાર ઇચ્છુક યુવક-કે-યુવતિ તરફ આગળ વધે છે!

રાસ વાળા બ્લોગમાં જેમ બે સમકેન્દ્રિય વર્તુળોની વાત કરી હતી ને એવું જ કંઈક!બહાર તરફ ગોઠવેલી ખુરશી પર ધારોકે યુવતિઓ બેસે તો તેની સામે અંદર વર્તુળાકારે ગોઠવેલી ખુરશીમાં યુવાનો!તેઓ એકબીજાને ઓળખતા ન હોય!તેમને એકબીજાના નામ સુદ્ધા ખબર ન હોય.ખાલી તેમને રોલનંબર્સ આપવામાં આવ્યા હોય અને સાથે રફપેડ જેમાં તે સામે વાળી વ્યક્તિમાં કંઈ સારૂં લાગે તેની અને તે વ્યક્તિના નંબરની નોંધ રાખી શકે.ઘંટડી વાગે અને સ્પીડડેટીંગની શરૂઆત થાય!સામસામે બેઠેલા યુવક-યુવતિ નિયત સમય જેટલી ક્ષણોમાં સામે વાળી વ્યક્તિ સાથે વાતચીત કરી તેની સાથે પોતાની કમ્પેટેબિલિટી ચકાસે અને ગમે તો તેના નંબર અને સારી જણાતી બાબતોની નોંધ ટપકાવી લે.પછી ફરી ઘંટડી વાગે અને કોઈ પણ એક વર્તુળ (બહાર બેઠીલી યુવતિઓ કે અંદર બેઠેલા યુવાનો) આગળ વધે!ફરી નિયત સમય માટે યુગલ એકમેક સાથે પસંદગી-નાપસંદગી,કુટુંબ,વ્યવસાય કે શોખ અંગે સંક્ષિપ્ત ચર્ચા કરે અને ગમે તો નોંધ ટપકાવે અને ફરી ઘંટડી વાગે!આખું સત્ર ત્યારે પૂરૂં થાય જ્યારે દરેક યુવક-યુવતિ આ રીતે સામા બધાં જ પાત્રોને મળી લે.સત્રને અંતે દરેક યુવક યુવતિને થોડો સમય આપવામાં આવે જ્યારે તે સમીક્ષા-રીવીઝન કરી લે પોતાની નોંધનું.અને પછી જે યુવક-યુવતિઓએ ગમતાં નંબર નોંધ્યા હોય તેમને એ સામા યુવક-યુવતિઓના નામ અને ફોન તેમજ ઇમેલ જેવી અન્ય સંપર્ક માહિતી આયોજકો પૂરી પાડે!પછી તે યુવક યુવતિ પોતપોતાની રીતે બહાર મળી શકે! ડેટ પર જઈ શકે!અને યુગ્ય લાગે તો એ સામી વ્યક્તિ સાથે ઘરસંસાર પણ માંડી શકે!શરત એટલી જ કે સ્પીડડેટીંગ દરમ્યાન બંને પાત્રોએ એકમેકમાં રસ દાખવ્યો હોવો જોઇએ!જો કોઈ યુવકે દસ ગમતી યુવતિઓના નંબર નોંધ્યા હોય પણ તેનામાં એક પણ યુવતિએ રસ ન દાખવ્યો હોય તો તેને કોઈની સંપર્ક માહિતી મળે નહિ!જો કોઈ પ્રભાવશાળી યુવક કે યુવતિએ ઘણાં સામા પાત્રોમાં રસ દાખવ્યો હોય અને સામેથી તેનામાં પણ રસ દાખવવામાં આવ્યો હોય તો તે બધાં પાત્રોની માહિતી તેને મળે અને એ બધાં સામા પાત્રોને પણ એ પ્રભાવશાળી યુવક કે યુવતિની માહિતી આપવામાં આવે.

આપણે ત્યાં યોજાતા પરંપરાગત જ્ઞાતિ લગ્ન-મેળાવડાઓમાં કે મેરેજ્બ્યુરોઝ દ્વારા પણ આ સ્પીડડેટીંગનો પ્રયોગ અજમાવવામાં આવે તો તે રસપ્રદ બની રહે!

મંગળવાર, 13 નવેમ્બર, 2012

અજબ ગજબ રીક્ષા!

ગયા અઠવાડિયે ખાર રોડથી ગોરેગામ રિક્ષામાં આવવાનું થયું.જે રીક્ષા મળી તેમાં બેસતા જ હું આભો બની ગયો!શું રિક્ષા હતી એ!અત્યાર સુધી હું જેટલી પણ રીક્ષાઓમાં બેઠો હોઈશ તેમાંની શ્રેષ્ઠ રીક્ષા હશે એ!તમને પ્રશ્ન થતો હશે કે આ રીક્ષામાં એવું તે શું હતું કે હું તેના આટલા વખાણ કરું છું.તો વાંચો એ વસ્તુઓની કે લાક્ષણિકતાઓની યાદી જે આ રીક્ષામાં હતી :


- નાનકડું ટી.વી. અને સાથે એ જ સ્ક્રીન પર રસ્તા પર પાછળ આવી રહેલા વાહનો જોઈ શકાય તેવો કેમેરો.

- સમય જોવા માટે નાનકડી ઘડિયાળ

- તારીખ,તિથી કે વાર જોવા નાનકડું કેલેન્ડર

- સફેદ નાનું પાટિયું જેના પર માર્કર પેનથી આજની તારીખ અને વાર લખ્યા હોય (મેં કન્ફર્મ પણ કર્યું કે હું જે તારીખ અને વારે રીક્ષામાં બેઠેલો તે બરાબર લખેલા હતાં!)

- ૨ નાનકડાં વિજળીથી ચાલતા પંખા

- નાની સરસ ટ્યુબલાઈટ

- સ્પીકર્સ

- દવા / પેઇન કિલ્લર્સ ની નાનકડી ડબ્બી

- કિલોમીટર અને તે મુજબનું ભાડુ બતાવતું અદ્યતન મીટર

- હાલના રીક્ષાના ભાડા દર્શાવતું કાર્ડ

- ત્રણ રૂપિયામાં હાલના રીક્ષા-ટેક્સીના ભાડા દરશાવતા કાર્ડની ફોટોકોપીસ(વાહ ડ્રાઈવરની ધંધાદારી સૂઝ!)

- નાનકડું અગ્નિશામક યંત્ર

- એક અંગ્રેજી અને એક મરાઠી છાપું

- બેઠક સામે વંચાય તેમ લગાડેલી તાત્કાલિક ટેલિફોન નંબર્સની યાદી

- ડ્રાઈવરની સંપર્ક માહિતી ધરાવતા કાર્ડ્સ

(તેના કાર્ડ પરની વિગત જુઓ!

COOL RICKSHAW IN BANDRA

EMAIL : deepakshewale10@gmail.com

Khar - Danda (MH02VA3984)

Mob : 9768617980

You can read about me on Google Search

Deepak Shewale Rickshaw)

- ડ્રાઈવર ઓળખ ક્રમાંક, લાયસન્સ, બેચ ક્રમાંકની વિગત

- તેની રીક્ષાનો સમય (બપોરે એક થી ચાર ડ્રાઈવરનો આરામનો સમય!)

- નાની ફૂલદાની

- રીક્ષામાં પગ રહે ત્યાં સરસ મજાના સ્વચ્છ ફ્લોરમેટ (આગળ અને પાછળ)

- રીક્ષાની અંદર તરફ બેઠકની આજુબાજુની દિવાલ પર પોચી સરસ મજાની ગાદી

- બેઠકની આજુબાજુ અને માથા પર કવર પર લગાડેલી તારક મહેતાના જેઠાલાલ,દયાભાભી અને અન્ય કલાકારો સાથે આ રીક્ષાના ડ્રાઈવરે પડાવેલી તસવીરો

- ભારતનો નાનકડો રાષ્ટ્રીય ધ્વજ

- હાથ વડે પકડી શકાય તેવા પ્લાસ્ટીક હેન્ડલ્સ

- રીક્ષામાં જ્યાં ખાલી જગા બચી હશે ત્યાં અને જ્યાં તમારી નજર પહોંચી શકે એ દરેક શક્ય જગાએ કેટલાક રમૂજી તો કેટલાક સમજવા લાયક સૂત્રો પેઈન્ટ કરાવેલા વાંચવા મળશે.:

* સર્વ ધર્મ સંદેશ : "અપને ધર્મ પે ચલો સબ સે પ્રેમ કરો"

* Respect is commanded, not demanded

* Dont put your Beautiful Legs up! Visit again

* think good do good.

* બાત કરને સે બાત બનતી હૈ...

* સીધી બાત નો બકવાસ

* કફન મે જેબ નહિ હોતી

* મૌત રિશ્વત નહિ લેતી

* First impression is last impression

* પ્યોર ઈટ ..કોઇ શક?

(આ સૂત્રો પરથી અને બીજી કેટલીક ઉપયોગી માહિતી વાંચ્યા બાદ ખ્યાલ આવે કે દીપક માત્ર રીક્ષા ચલાવવાનું જ કામ નથી કરતો પણ સાથે સાથે વિશ્વની ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓ ચર્ચવા સાથે સાથે કઈ રીતે ઈકો ફ્રેન્ડલી બની શકાય તેની ટીપ્સ લખી સમાજ અને દેશ સેવાનું ભગીરથ કાર્ય પણ કરે છે!)

હવે આટલી લાંબીલચક યાદી જોયા બાદ તમને લાગે છે મારે કંઈ વધારે લખવાની જરૂર છે?પૂરા ચાર પૈડા પણ ન ધરાવતી ટચૂકડી રીક્ષામાં પણ (રીક્ષાને ત્રણ જ પૈડાં હોય છે ને?!) આ નોખા રીક્ષા ડ્રાઈવરે કેકેટલી સુવિધાઓ પૂરી પાડવાનો પ્રયત્ન કર્યો છે! જે માત્ર કાબેલેતારીફ, 'હટ કે' જ નહિ પણ આપણને ઘણું શિખવી પણ જાય છે! દીપક શેવાલે રીક્ષાને માત્ર કમાવાના સાધન તરીકે જ નથી નિહાળતો. તે નાનામાં નાની જગાનો પણ પૂરેપૂરો ઉપયોગ કરી કસ્ટમર સેટીસ્ફેકશન જ નહિ, માનવ સેવાનું પણ અનુપમ અને બેજોડ ઉદાહરણ પૂરું પાડે છે. ઘણી વાર જીવનમાં કોઈ નવી શરૂઆત કરીએ ત્યારે અત્યુત્સાહ જોવા મળે જે સમય સાથે ઓસરી જતો જોવા મળે પણ સસ્મિત ચહેરો અને એકવડો બાંધો ધરાવતો દીપક ૧૨ વર્ષથી આ રીક્ષા ચલાવતો હોવા છતાં, તેના કાર્ય અભિગમમાં લેશમાત્ર કંટાળો કે નિરુત્સાહ જોવા મળતા નથી. સલામ દીપક શેવાલેને અને તેની રિક્ષાને! દીપકની આ રીક્ષા જોવા ગૂગલ પર સર્ચ કરી અથવા પ્રત્યક્ષ આ રેઅક્ષા મહારાણીમાં બેસવાનો લહાવો લેવા તમે દીપકને તેના ૯૭૬૮૬૧૭૯૮૦ આ મોબાઈલ નંબર પર સંપર્ક કરી જો જો!

રવિવાર, 4 નવેમ્બર, 2012

ગેસ્ટ બ્લોગ : ભાષાની ભેળપૂરી: અંગ્રેજી તડકા મારકે

[ પ્રિય વાચકમિત્રો,


'બ્લોગ ને ઝરૂખે થી...' કટારનો આજે ૧૫૦મો લેખ રજૂ કરતા એક વિશેષ જાહેરાત કરતા મન ખૂબ આનંદ અનુભવે છે.આ જાહેરાત એ છે કે તમારા સૌની અપાર ચાહના પામેલી આ કટાર પર આધારિત પ્રથમ પુસ્તક 'સંવાદ' ગૂર્જર ગ્રંથરત્ને પ્રકાશિત કર્યું છે.આ પુસ્તકનું લોકાર્પણ પહેલી નવેમ્બરે જાણીતા ઉદ્યોગપતિ અને સમાજસેવક શ્રી મહાવીરપ્રસાદ સરાફજીના વરદ હસ્તે થયું. આનંદોત્સવ સંસ્થાના પ્રમુખ અને જાણીતા સાહિત્યકાર શ્રી યશવંત ત્રિવેદીનો આ લોકાર્પણ કાર્યક્રમ બદલ આભાર માનવો ઘટે! જન્મભૂમિ પ્રવાસીના તંત્રી શ્રી કુન્દનભાઈ વ્યાસને શી રીતે ભૂલાય જેમની પ્રેરણા અને પ્રોત્સાહન મને સદાયે મળ્યા છે. મારા માતાપિતા,પત્ની,પુત્રી,બહેનો અને સમગ્ર જન્મભૂમિ પરિવારનો હ્રદયપૂર્વક આભાર માનું છું આ કટાર અને 'સંવાદ' શક્ય અને સફળ બનાવવા માટે! બસ આમ જ સદાયે તમારા પ્રેમ અને આશિર્વાદનો ધોધ વહાવ્યે રાખજો. અંત:કરણ પૂર્વક આભાર અને વંદન !

- વિકાસ ઘનશ્યામ નાયક]   * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

"મમ્મા, જોને બહાર કેટલું બધું Rain પડે છે"

"ડેડી! તમે આ જ સ્કૂલમાં સ્ટડી કઈરું'તું?

"બધા childrens શાંતિ રાખો, નહીં તો aunty બધાને shout કરશે"

"મને તો ગરબા નો એટલો સોખ છે, I so enjoyed it".

"આ લોકો આવા મોટા પોગ્રામમાં સેન્ડવીચ જ કેમ આપે છે, લેડીઝોએ complain કરવી જોઈએ"

આમાનું એક પણ વાક્ય correct the following sentences તરીકે ભાષાના પ્રશ્નપત્રમાંથી લેવાયું નથી. આ તો મુંબઈનાં જાણીતા પરાંમાં થતાં રાસગરબાની ધમાલ વચ્ચે સંભળાતાં કેટલાંક સંવાદો છે. બાળકો ગુજલીશ વચ્ચે ઝૂલ્યાં કરે છે ને માતાપિતા સાચા ( ને મોટે ભાગે) ખોટા અંગ્રેજી માં તડાકા મારે રાખે છે. ખોટી ભાષા અને ખોટા ઉચ્ચારોની ભેળપૂરી માં સાંભળનારને જરાય ટેસડો પડતો નથી. આ સંવાદો સાંભળ્યા પછી ગુજરાતી કે અંગ્રેજી કે બંને ઠીક ઠીક જાણનારે હસવું, રડવું કે ગુસ્સે થવું એ સમઝાતું નથી. ગુસ્સે થવું તોય કોના પર થવું એ મોટી મૂંઝવણ છે. સતત ખોટી ભાષા વચ્ચે જ ઉછરતા બાળકો પર? મોર્ડન કહેવડાવાના અભરખા રાખતાં મા-બાપ પર? ઈંગ્લીશમાં જ 'converse' કરવાનો આગ્રહ રાખતી શાળાઓ પર? કે આ બધાની એક સામટી બેદરકારી પર?

અહીં પરભાષા કે માતૃભાષા વિષેનાં ચોખાલીયા કે વેદિયા વિચારોની વાત નથી. આપણી ભાષા જ શીખવવી ને અંગ્રેજી તો વિદેશી ભાષા એટલે બહિષ્કાર કરવાનો મુદ્દલ વિચાર કે આગ્રહ નથી. હા, માત્તૃભાષા આવડવી જ જોઈએ એમાં બેમત નથી અને એવું વિચારનારા આજનાં ઘણાંય માતા-પિતા બાળકોને એવી ઈંગ્લીશ મીડિઅમ શાળાઓ માં મૂકે છે જ્યાં ગુજરાતી at least second language તરીકે શીખવાડાવામાં આવે છે. આટલી તકેદારી ચોક્કસ સરાહનીય છે. પણ આ second language જે તે શાળામાં કે બાળક નાં માનસપટ પર secondary treatment પામતી હોય તો તે ભયસૂચક છે. કારણ જે તે ભાષા ભલે તે ગુજરાતી, અંગ્રેજી, હિન્દી કે અન્ય કોઈ પણ ભાષા હોય તે આવડવી જેટલી જરૂરી છે તે સાથે જ તે સાચી ને સારી આવડે એ પણ એટલું કે એથીયે વધુ જરૂરી છે. ભાષા ની શોભા તેના સાચા ઉચ્ચારો ને સાચા વ્યાકરણ થકી જ હોય.

કાં તો બાળક શાળામાં ભણવા જાય ને કાં તો 'સ્કુલ' માં 'સ્ટડી' કરવા જાય. એ જ્યારે શાળામાં 'સ્ટડી' કરવા જાય છે ત્યારે જ ગડબડ ગોટાળા ની શરૂઆત થાય છે. બાળક વિચારે ને મગજ થી જ વિચારે તો સારું પણ એ 'દિમાગ' થી 'સોચવા' લાગે છે ત્યારે જ ભાષાનું ઉઠમણું થાય છે. ૫ થી લઈને લગભગ ૨૫ વર્ષ ની ગુજરાતી પ્રજા આજે "શાયદથી , હું આવીશ" કે "સાડા એક ને સાડા બે વચ્ચે પહોંચવાનું છે એટલે ભાગતી ભાગતી જઈશ" જેવા વાક્યો ભૂલનું ભાન થયા વગર સહજતાથી બોલે છે ત્યારે "ભાષાને શું વળગે ભૂર" પર ફેરવિચારણા કરવાનું મન થાય છે.

હવે જેમ ગુજરાતી, હિંગ્લીશ કે ગુજલીશની ભેળપૂરીમાં ભેળવાઈ ગઈ છે તેમ ૨૫ થી ૭૫ (કે કદાચ એથી એ વધુ) ઉંમરની ગુજરાતી પ્રજા અંગ્રેજી તડકા (વઘાર) મારી મારી ને ગુજરાતીની વલે કરે છે. સાચું-ખોટું અંગ્રેજી પાત્રો ને મોઢે બોલાવવું એ જાણે ગુજરાતી નાટકો નો ફેવરીટ selling point થઇ ગયો છે. ક્યાંક એ પ્રેરણા એમને real life characters પાસેથી મળી જતી હશે? બેગ અને બૅગ વચ્ચે કે સ્નેક્સ અને સ્નૅકસ વચ્ચે ફક્ત ઉચ્ચારનો કે સ્પેલિંગ નો જ નહીં પણ અર્થ નો મોટો ફેર હોઈ શકે એ સમજવું કેટલું જરૂરી છે! કેટલાક મરાઠી મિત્રો ભૂલેચૂકે "શ" ધરાવતા નામ ગુજરાતી પ્રજા વચ્ચે બોલતા ગભરાય છે ક્યાંક "શાંતા" નું "સાંતા" ના થઇ જાય!! 'સોસ્યલ ગ્રુપ નાં પોગ્રામમાં' બિઝી આપણાં ભાઈ બહેનો પાસે 'શ' ને 'સ' વચ્ચે નો ભેદ સમજવાનો ટાઈમ જ ક્યાં છે?. પણ જ્યાં plural નું પણ plural કરવાનું આવે ત્યાં આપણા જેવી દિલદાર પ્રજા ક્યાંય જોવા ના મળે. ચિલ્ડરન્સ (ને ક્યાં તો વળી ચિલ્ડરન્સો), લેડીઝો, ટીચર્ઝો, પીપલ્સ જેવા શબ્દો એ આપણી dictionaryમાં અડીંગો જમાવી ને કાયમી સ્થાન પ્રાપ્ત કરી ચુક્યા છે. હા, સહજ રીતે અંગ્રેજી ભાષાનાં કેટલાય શબ્દો આપણી વાક્ય રચનાનું અને રોજબરોજ ની બોલચાલ નું અભિન્ન અંગ બની ગયા છે એનો વાંધોય નથી પણ એ સાચી રીતે પ્રયોજાય તે તો જોવું જ રહ્યું.

ગુજરાતી ભાષાની અસ્મિતાની ચિંતા કરતા ને અધોગતિ માટે હૈયા વરાળ ઠાલવતાં આપણા સાક્ષરો ને વિચારકોને એક જ વિનંતી છે કે જેમ ભાષા બંધિયાર રહે તો તેમાં લીલ બાઝી જાય ને કાળક્રમે નિરુપયોગી થઇ જાય તે જ રીતે ભાષા ભલે ગુજરાતી હોય કે અંગ્રેજી એમાં વણજોઈતી અશુધ્ધિઓ ઉમેરાય તો તે ડહોળાઈ જાય અને એ ડહોળાય નહિ એ પણ આપણી જ જવાબદારી ખરી ને?

-ખેવના દેસાઈ

સાન્તાક્રુઝ (પ), મુંબઈ