Translate

રવિવાર, 11 ઑક્ટોબર, 2020

બારી બહારનું ઝાડ


      મને કોઈ પૂછે કે તમારા ઘરનો કયો ભાગ તમને સૌથી વધુ ગમે તો હું કહીશ બારી! ફ્રેન્ચ વિન્ડોનું સૌથી સારું પાસું તેની મોટી સાઇઝ છે. મોટી બારી! જેટલી મોટી બારી એટલું એમાંથી દેખાતું દ્રશ્ય મોટું. મારા ઘરમાં બે મોટી ફ્રેન્ચ બારીઓ છે, જે મને બેહદ પ્રિય છે. બારી બહાર મૂકવામાં આવતી ગ્રીલ કે જાળી મને જેલ જેવી લાગે છે એટલે મેં એ પણ નખાવી નથી. બહારના વિશ્વને મારા ઘર સાથે જોડતી બારી આગળ મને કોઈ પ્રકારનો અવરોધ ન ગમે. આ બંને બારી બહાર મેં કતારબદ્ધ છોડના કૂંડા મૂક્યા છે જેમાં ઉગાડેલા છોડ - વેલ મને મારા સંતાનો જેટલા જ વ્હાલા છે. 

એક બારી બહાર સામેના બિલ્ડીંગનું દર્શન થાય છે જ્યારે બીજી બારી બહાર એસ. વી. રોડ અને તેના પર અવિરત પસાર થતા વાહનોનું. મને આ બીજી બારી વધુ પ્રિય છે. જોકે એનું બીજું પણ એક કારણ છે અને એ છે મારી આ બારી અને એસ. વી. રોડ વચ્ચે ઊભેલું સુંદર ઝાડ. મારી બારી બહાર આ ઝાડની ઘટા અને ટોપનું સુંદર દર્શન થાય છે અને છેલ્લાં થોડાં દિવસથી તેની મુલાકાતે અવનવા પહેલા મેં ક્યારેય ન જોયેલા પક્ષીઓ નિયમિત આવે છે જેને જોઈ મારું મન અપ્રતિમ પ્રસન્નતા અનુભવે છે.

    આ ઝાડ છે ઉંબરનું , જેની માહિતી મને આપી મારા નેચર વર્લ્ડ વોટ્સ એપ ગ્રૂપનાં મિત્ર બોટનીસ્ટ ઉષામા અને પ્રકૃતિ પ્રેમી શોભાજીએ. તે ગુલાર નામે પણ ઓળખાય છે અને તેનું અંગ્રેજી નામ છે Ficus Racemosa - ફિકસ રેસમોસા. તેને ટેટાં જેવા ફળો આવતાં હોવાથી તેનો સમાવેશ 'ફિગ' શ્રેણીનાં વૃક્ષોમાં કરાયો છે. આ ઝાડ પર ઉગતા ટેટાં કદાચ પક્ષીજગતમાં ખાસ્સા પ્રિય હશે એટલે જ મારી બારી બહારનું આ ઝાડ અતિ ઘટાદાર ન હોવા છતાં તેની મુલાકાતે પાંચ - છ નવાં જ પ્રકારનાં પંખીઓ નિયમિત આવે છે અને તેમણે એ ટેટાં - ફળો ખાઈ જઈ ઝાડને હવે મોટે ભાગે ફળ વગરનું કરી મૂક્યું છે. સામાન્ય રીતે પહેલાં ફૂલ ઊગે અને પછી તેમાંથી ફળ પાકે, પણ ઉંબર ને આવતાં ફળો ગુચ્છામાં તેની ડાળી કે થડ પર ઉગે અને ફૂલ તેના લીલા રંગના ફળની અંદર હોય. પરાગનયન ખાસ પ્રકારની ભમરી (wasp - વાસ્પ) - આ જંતુ દ્વારા થાય, આ પ્રકૃતિની વિસ્મય પમાડનારી અકળ અને અદ્ભુત લીલા છે.

 ખિસકોલીઓતો અહીં આ ઝાડ પર મોટી સંખ્યામાં દોડાદોડ કરતી જોવા મળે જ પણ કબૂતર - કાગડા - ચકલી - કાબર - બુલબુલ જેવા પંખીઓ યે તેના પર જોવા મળે. ઘણાં પતંગિયા અને વાણિયા કે ભમરી જેવા જંતુઓ પણ દેખા દે જોકે તેમની નવાઈ ના લાગે. આશ્ચર્ય ત્યારે થયું જ્યારે મેં એક મોટું ચામાચિડિયું બરાબર મારી બારી બહાર, સામે થોડું દૂર લટકતું જોયું! કાળી પાંખો અને બદામી રંગનું મોટા ઉંદર જેવું શરીર ધરાવતું આ ફ્રૂટ બેટ તરીકે ઓળખાતું પ્રાણી તમને ઠેર ઠેર જોવા મળતું નથી. મારી બારી બહાર ઝાડની ડાળી પર ઊંધુ લટકી એ ચામાચિડિયું ટેટાં જેવા ફળ મજેદાર રીતે આરોગી રહ્યું હતું. તેની પાંખો સાથે જોડાયેલા હાથ વડે જ ફળ તોડી તે તેના મોઢામાં પધરાવતું હતું અને ઊંધું જ લટકી બટક બટક ખાઈ રહ્યું હતું! કોઈ જીવને આમ ઊંધો લટકી ખોરાક ખાતા જોવાનો આ મારો પહેલો અનુભવ હતો. ગુરુત્વાકર્ષણની વિરુધ્ધ દિશામાં તેના મોઢામાંથી ખોરાક પેટ સુધી ઉપર પહોંચતો શી રીતે હશે! મેં અમી, નમ્યા અને હિતાર્થને પણ ફળ આરોગતો આ અવનવો જીવ જોવા બૂમ પાડી અને એ દિવસે તે ચામાચિડિયાએ ધરાઈને ફળો ખાધા અને અમે એને ધરાઈને જોયું. બીજે દિવસે તો વળી એ ચામાચિડિયું તેના કોઈક દોસ્ત કે સાથીને પણ સાથે તેડી લાવ્યું. બન્ને જણે ધરાઈને કલાકો સુધી ઊંધા જ લટકી ફળો ખાધા અને પછી તેઓ પોતાને ઘેર પાછાં ઉડી ગયાં. આ ક્રમ ચાર - પાંચ દિવસ ચાલ્યો. હવે છેલ્લાં થોડાં દિવસથી ચામાચિડિયા દેખાયા નથી.

  જે દિવસે ચામાચિડિયું પહેલી વાર દેખાયું હતું તેના બીજે દિવસે સવારે અન્ય એક ચકલી કરતાં થોડું મોટું પણ કાબર કરતાં સહેજ નાનું એવું બેઠી દડીનું રંગબેરંગી પક્ષી જોવા મળ્યું. હું તેને પ્રથમ વાર જોતા રાજીના રેડ થઈ ગયો! લીલું શરીર, લાલ માથું, કાળી આંખોની ફરતે પીળા રંગનો પટ્ટો અને ટૂંકી પૂંછડી અને ટૂંકી જાડી ચાંચ ધરાવતું આ પંખી કંસારો તરીકે ઓળખાય છે એ ગૂગલ પરથી માલૂમ પડયું. પહેલા તો તેનો નાનો વિડિયો નેચર વર્લ્ડ ગ્રૂપ પર પોસ્ટ કર્યો એટલે શોભાજી અને રમેશજીનો તરત ઉત્તર આવ્યો કે એ કોપરસ્મિથ બાર્બેટ તરીકે ઓળખાતું સુંદર નાનકડું પંખી છે. કંસારો પણ ચામાચિડિયાની જેમ તેના જોડીદાર ભેગો આવ્યો હતો. આ નાનકડાં પક્ષીને પણ ટેટાં ફળ તોડી મજાથી ખાતું જોવાનો અમને જલસો પડી ગયો. આ પંખી તો હવે અહીં રોજ આવે છે. તેનો ઘેરો સાદ પણ ક્યારેક સાંભળવા મળે છે.

 ત્રીજું એક અસામાન્ય પક્ષી અહીં ક્યારેક ક્યારેક જોવા મળે છે એ છે ચકલી કરતાં પણ અડધાં કદનું સુંદર લીલા રંગનું પંખી. તેની સોય જેવી અણીદાર કાળી ચાંચ વડે તે આ ઝાડના ફળ ખાતું તો ક્યારેય જોવા મળ્યું નથી પણ તેને ય આ ઝાડ નક્કી ખૂબ ગમતું હોવું જોઈએ એટલે જ એ એકાંતરે મને અહીં એક ડાળે થી બીજી ડાળે કૂદાકૂદ કરતું જોવા મળી જાય છે!

આ સિવાય પણ સફેદ રંગની એકાદ બે પટ્ટી ધરાવતું કાળું પક્ષી પણ અવારનવાર ગુલારની મુલાકાત લેવા આવી ચડે છે. ઉંબરના આ ઝાડને લીધે પ્રકૃતિ આટલી હદે મને અને મારા પરિવારને માણવા મળે છે તે માટે તેનો આભાર માનું એટલો ઓછો.

 થોડા સમય અગાઉ અમારા બિલ્ડીંગમાં ચોર આવ્યો હતો અને તે આ ઝાડ પરથી ચડી  અમારા એક પાડોશીના ઘરની બારીમાંથી કંઈક ચોરતા પકડાઇ ગયેલો અને ભાગી છૂટયો હતો, ત્યારે આ ઝાડ કાપવાની વાત થઈ હતી જેનો મેં વિરોધ નોંધાવ્યો હતો. મુંબઈ જેવા મહાનગરમાં આમ પણ વૃક્ષો ઓછાં છે અને જો આ રીતે તેમને એક યા બીજા કારણ સર કાપવા માંડીએ તો અજાણતા કુદરતને અને આવા ઝાડ પર નભતી અનેક પ્રજાતિઓને આપણે ખૂબ મોટું નુકસાન પહોંચાડી બેસીશું.

  છેલ્લે ઉંબરના ઝાડ વિશેની અન્ય કેટલીક રસપ્રદ માહિતી સાથે આ લેખ પૂરો કરું. ઉંબરનાં ટેટાં કાચા લીલા હોય છે અને પાકે ત્યારે લાલ રંગના થાય છે પણ પક્ષીઓને તે એટલા ભાવે છે કે તે લાલ થાય એ પહેલાં જ તેઓ તેમને ખાઈ જાય છે! આ ટેટાંમાંથી કેટલીક જગાએ લોકો સ્વાદિષ્ટ શાક પણ બનાવે છે. તેના ફળ અને ઝાડની છાલ માંથી બનતો બામ જખમ પર જલ્દી રૂઝ લાવે છે અને અકસીર સાબિત થાય છે. આ ઝાડનું લાકડું પવિત્ર ગણાય છે અને તે હવન કાર્યમાં વપરાય છે તેમજ તેના પાન અને ડાળીઓ ધાર્મિક પૂજા વિધિ વગેરેમાં વપરાય છે. આ ઝાડ આપણાં દેશમાં ઘણી જગાઓએ ઉગે છે. કાચા પાકા તો તેના ફળ પક્ષીઓને ભાવે જ છે પણ જો કદાચ તે પાકી ને સડી જાય તો હજારોની સંખ્યામાં કીડા આકર્ષે છે. ઘણાં પ્રદેશોમાં આ ઝાડનાં ટેટાં કાચા અથવા અન્ય ખાદ્ય પદાર્થ સાથે ભેળવી મોજથી ખવાય છે. તેનો રસ પણ લિજ્જતદાર પીણું બનાવે છે. પેટની બીમારી અને ડાયાબિટીસ માટે તે અકસીર દવા ગણાય છે. આ ઝાડનાં ફળ, પાન અને ખાલ - એમ દરેક ભાગ ઔષધિય ગુણો ધરાવે છે અને આયુર્વેદમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. આર. પી. એન. સિન્હા દ્વારા લિખિત પુસ્તક 'અવર ટ્રીઝ' માંથી આ માહિતી શેર કરવા બદલ શોભાજીનો ખૂબ ખૂબ આભાર! 

મુંબઈ હાર્મોનિકસ સંસ્થાનો પ્રતિભાવ

       મુંબઈ હાર્મોનિકસ સંસ્થાના સ્થાપક રમેશ પરીખે વીસમી સપ્ટેમ્બરનો બ્લોગ લેખ વર્ચ્યુઅલ મેરેથોન વાંચી પોતાના મુંબઈ મેરેથોન સાથે સંકળાયેલા કેટલાક સંસ્મરણો વાગોળ્યા. 

      મેરેથોનમાં દોડનાર દોડવીરો જેટલું જ મહત્ત્વ તેમને ચિયર કરનારા એટલે કે તાળીઓ પાડી, હર્ષોલ્લાસભરી ચિચિયારીઓ પાડી તેમના ઉત્સાહમાં વધારો કરનારાં પ્રેક્ષકોનું હોય છે. આ પ્રેક્ષક સામાન્ય જન પણ હોઈ શકે અથવા ખાસ મંચ ઉભો કરી તેના પર જૂથમાં ગાઈ, નાચી કે વાજિંત્ર વગાડી દોડ વીરો નો ઉત્સાહ વધારવા ને તેમના માં જોમ ભરવાનો પ્રયત્ન કરતો એક કરતાં વધુ વ્યક્તિઓનો સમૂહ પણ હોઈ શકે. આવું જ એક જૂથ છે મુંબઈ હાર્મોનિકસ. 

     હાર્મોનિકા એટલે મોઢેથી વગાડાતું વાજું. આ વાદ્ય તેમનાં જૂથ 'મુંબઈ હાર્મોનિકસ' સાથે જોડાયેલું છે. આ જૂથ હાર્મોનિકા વગાડતાં સભ્યોનું બનેલું છે. તેઓ છેલ્લાં છ વર્ષથી મુંબઈ મેરેથોનમાં દોડતાં દોડવીરોનો ઉત્સાહ વધારે છે મોઢેથી વાજું વગાડીને. સવારે સાડા છ વાગ્યાથી શરૂ કરી સતત ત્રણેક કલાક સુધી તેઓ હાર્મોનિકા દ્વારા સંગીતની સૂરાવલિઓ રેલાવતા રહે છે. દસ - બાર જણાં મોઢેથી વાજું વગાડે અને ચાર - પાંચ રીધમિસ્ટ તેમને અન્ય વાજિંત્ર વગાડી સાથ આપે.

તેમના મંચની આસપાસ દોડવીરોને ચિયર કરનારા 

પ્રેક્ષકોનું ટોળું જમા થઈ જાય અને પછી તો તેઓ પણ ગાવા અને તાળીઓ પાડવામાં જોડાઈ જાય અને આ બધાંનો સહિયારો સ્વરઘોષ મેરેથોનર્સના મોઢાં પર સ્મિત લાવવાના પ્રયાસમાં જોતરાઈ જાય. 

     તેઓ મુંબઈ મેરેથોન માર્ગમાં કેડબરી જંક્શન પાસે પોતાનો મંચ બનાવે, જેથી એકવીસ કે બેતાલીસ કિલોમીટર જેટલું લાંબુ અંતર દોડયા બાદ દોડવીરો છેલ્લું સૌથી અઘરું અંતર કાપવા સંઘર્ષ કરી રહ્યાં હોય. તેમનો ઉત્સાહ બિરદાવવા હાર્મોનિકાના સંગીતનો સહારો લઈ અન્ય સેંકડો પ્રેક્ષકોનું પણ મનોરંજન કરનાર મુંબઈ હાર્મોનિકસ જૂથના સર્વે સભ્યોને બ્લોગને ઝરૂખેથી સલામ!!

શનિવાર, 3 ઑક્ટોબર, 2020

ગેસ્ટ બ્લોગ : લોકડાઉન :શુંગુમાવ્યું/શું મેળવ્યું ?

                 શાયર ‘મરીઝે” એક ગઝલમાં લખ્યું છે,

                          “એવો કોઈ દિલદાર જગતમાં નજર આવે 

                             આપી દે મદદ કિન્તુ ન લાચાર બનાવે.”   

                         ‘લાચારી’ આ શબ્દનો અનુભવ તો દરેક વ્યક્તિને થતો રહે છે, પણ માનવજાત માટે આ શબ્દ અણગમતો છે. કોઈને લાચારી ખપતી નથી.. કોઈ હોનારત કે કુદરતી આપત્તિ આવી પડે, ત્યારે માનવી તેની સામે ઝઝૂમે છે. જ્યાં સુધી આ મુસીબતનું નિરાકરણ ન થાય, ત્યાં સુધી તેને લાચાર જ રહેવું પડે છે, પછી તે રંક હોય કે રાય નબળો હોય કે તંદુરસ્ત. સમસ્યા નાની હોય કે મોટી તેની ગંભીરતાને લક્ષમાં રાખી સમયાનુસાર લાચાર રહેવું પડે છે, તેમાં છૂટકો નથી. 

                       આ વીસમી સદીમાં જગત આખાની માનવજાત કોરોના જેવી મહામારીનો સામનો કરી રહી છે. ક્યારે ય વિચાર્યું ન હોય, એવું સંકટ આવી પડ્યું છે માનવીને અકલ્પનીય લાચારીનો અહેસાસ થઈ રહ્યો છે. દેશ અને દુનિયાના લોકો ચિંતાગ્રસ્ત છે, પીડાય છે. કોણ કોને દોષ દે? બધા જ એક જ નાવના મુસાફર છે. સૌ પોતાની જ જાતને પૂછી રહ્યા છે, શું આવું કઈ થાય? અને પછી પલભર પોતાને જ જવાબ આપે છે,કે હા, આવું પણ થાય. અનુભવની આ જ છે ઓળખ. 

                      જીંદગી માણસની પરીક્ષા લેતી હોય છે. કોરોનાએ આકરી કસોટી કરી છે. તેની સામે માનવી લાચાર રહ્યો છે, પણ હાર્યો નથી, કારણ ભારત સહીત વિશ્વના સમૃધ્ધ દેશોમાં આ જીવલેણ વિષાણુ વિરુધ રસીના સંશોધનનું કાર્ય યુધ્ધના ધોરણે ચાલી રહ્યું છે.ઈતિહાસ સાક્ષી છે કે ટી બી, પ્લેગ પોલિઓ જેવા રોગોને આંતરવા રસીની શોધ થઈ હતી, જે આશીર્વાદ સમ બની રહી છે. સાલ બેહજાર ચૌદ પૂર્વે ઘણા બાળકો પોલીઓનો ભોગ બન્યા હતા, પરંતુ ત્યાર પછી ભારત દેશ સંપૂર્ણ રીતે પોલિઓ મુક્ત થઈ ગયો. જે રસીને આભારી છે. આજના સંદર્ભમાં આ ઉદાહરણ પૂરતું છે. 

                    સંસ્કૃતના એક સુભાષિતમાં કહેવાયું છે “રાત્રિ ગમીષ્યતી, ભવિષ્યતી સુપ્રભાતમ” એમ આ સંકટ પણ કાયમી નથી રહેવાનું. આ દિવસો પણ ચાલ્યા જશે એવો સકારાત્મક અભિગમ આપણે અપનાવવો જ રહ્યો. દરેક મુસીબત આપણને કૈંઈક ને કૈંઈક શીખવી જાય છે. કોરોનાએ એ સંદેશ આપ્યો છે, કે હવે પરિવર્તન સાથે જીવવાનું છે. જીવન શૈલીમાં ઘણા બધા ફેરફારો અપનાવી રહેવાનું છે. 

                     દરેક વ્યક્તિ વિચાર કરે કે લોકડાઉન દરમિયાન કશુંક ગુમાવ્યું હશે તો સાથે કૈંઈક મેળવ્યું પણ હશે. રોજ અનેક લોકોને મળતા અને તેમની સાથે સંવાદ સાધતા, પણ ક્યારે ય આપણે ખુદને મળ્યા છીએ? જાત સાથે વાત કરવાનો અમૂલ્ય અવસર આ લોકડાઉને આપ્યો છે.એકાંતની મધુર પળો માણવાની તો આ સુંદર તક સાંપડી છે. કોરોનાના આ આક્રમણે સૌને આત્મ ચિંતન કરવા પ્રેર્યા છે. એકલતાને સ્મૃતિઓના શણગારથી સજાવવાનો કીમતી સમય મળ્યો છે. નવું નવું જાણવા, જોવા અને શીખવા મળ્યું છે.  

                    લોકડાઉનમાં એવા દાખલા પણ જોવા મળ્યા કે માનવીમાં રહેલી સુષુપ્ત શક્તિ  બહાર આવી. પોતાનામાં છૂપાએલી વિવિધ કલાઓને ઉજાગર કરવાનો મોકો મળ્યો. જ્યાં શૂન્ય હતું, ત્યાં નવું સર્જન થયું તો જ્યાં ઉત્તમ હતું તે બમણું થયું. થેંક્સ ટુ કોરોના. આમ લોકડાઉનમાં કશુંક ગુમાવ્યાનો રંજ ન રાખતાં કશુંક મેળવ્યાનો આનંદ અને પરિતોષ રાખવો ઉચિત લેખાશે. પરિસ્થિતીને સહર્ષ સ્વીકાર્યા સિવાય કોઈ આરો નથી. ગઝલકાર ‘સગીર’ની એક ગઝલનો મત્લા જીવનમાં ઉતારવા જેવો છે,

                     “ હું બધા સંજોગને અપનવતો ચાલ્યો ગયો 

                       જીંદગીને એ થકી શોભાવતો ચાલ્યો ગયો”. 

                  આમ સંજોગોની સામે ઝૂકવાને બદલે લડીને જીત પ્રાપ્ત કરવામાં જ શાણપણ રહેલું છે. 

   - નીતિન વિ મહેતા

વર્ચ્યુઅલ મેરેથોન

    દોડવાનો શોખ હોય તેમને માટે મેરેથોન શબ્દ નવો નથી. ફૂલ મેરેથોનમાં લગભગ ૪૨ કિલોમીટર જેટલું અંતર દોડીને કાપવાનું હોય છે અને હાફ મેરેથોનમાં લગભગ ૨૧ કિલોમીટર જેટલું. છેલ્લાં કેટલાંક વર્ષોથી દસ, પાંચ કિલોમીટરની શ્રેણી પણ મુંબઈમાં દર જાન્યુઆરી માસમાં યોજાતી મેરેથોનમાં ઉમેરવામાં આવી છે, સાથે જ અન્ય પણ અનેક નવા પ્રકારની મેરેથોન દોડ છેલ્લાં કેટલાક વર્ષોમાં જોવા મળી છે જેમકે રાત્રે અંધારામાં યોજાતી નિઓન દોડ, વરસાદમાં પલળતા દોડવાની ભીની મેરેથોન, હોળીના રંગો ઉડાડતાં દોડવાની રંગ મેરેથોન, વિઘ્ન દોડ મેરેથોન વગેરે. વિશ્વભરમાં મેરેથોન યોજાતી આવી છે અને દોડવીરો પોતાના દેશ સિવાયની અન્ય દેશમાં યોજાતી પ્રચલિત મેરેથોનમાં ભાગ લેવા પણ હોંશે હોંશે જાય છે. દર વર્ષે મુંબઈમાં જાન્યુઆરીમાં યોજાતી મેરેથોનમાં દોડવા ઈચ્છતા દોડવીરો માટે ઓનલાઇન નોંધણી પ્રક્રિયા પાછલા વર્ષના જુલાઈ - ઓગષ્ટમાં જ સંપન્ન થઈ જતી હોય છે, પરંતુ આ વર્ષે કોરોનાના કારણે, હજી સુધી મુંબઈ મેરેથોન ૨0૨૧માં તેના મૂળ સ્વરૂપે યોજાશે કે કેમ તે સ્પષ્ટના હોવાથી નોંધણી પ્રક્રિયા ના કોઈ અહેવાલ નથી. કારણ મેરેથોનમાં હજારો દોડવીરો એક સાથે એક સ્થળે દોડવા ભેગા થાય છે અને એક જ સમયે એક જ માર્ગ પર ભેગા દોડે છે. કોરોનાને પગલે હાલ પૂરતી તો આ બાબત શક્ય જ નથી. એટલે કદાચ વિશ્વમાં અન્ય જગાઓએ જેની શરૂઆત થઈ ચૂકી છે તે અહીં મુંબઈ અને ભારતમાં પણ અન્ય સ્થળોએ જોવા મળે તો નવાઈ નહીં લાગે - એ છે વર્ચ્યુઅલ મેરેથોન.

  વર્ચ્યુઅલ મેરેથોનમાં વ્યક્તિ વિશ્વના કોઈ પણ ખૂણેથી કોઈ ચોક્કસ જગાએ યોજાતી મેરેથોનમાં નામ નોંધાવી, ભાગ લઈ શકે છે. જેમ કે હું અહીં મુંબઈમાં રહીને પણ અમેરિકા ખાતે ન્યૂયોર્કમાં યોજાનારી વર્ચ્યુઅલ મેરેથોનમાં ભાગ લઈ શકું છું. મારે મારી અનુકૂળતા પ્રમાણે જગા અને સમય નક્કી કરી નિયત અંતર દોડી લેવાનું અને તે સત્તાવાર મોબાઈલ એપમાં નોંધી તેની વિગત આયોજકોને મોકલી આપવાની. યોગ્ય ચકાસણી બાદ તેઓ મને મારું સર્ટિફિકેટ ઓનલાઇન અને મેડલ કૂરિયર દ્વારા મોકલી આપે! લાગે છે ને મજેદાર વાત? હા, આ હવે વાસ્તવિકતા બની છે. હું મારા ઘરમાં જ ટ્રેડ મિલ પર પણ ૨૧ કે ૪૨ કિલોમીટર દોડી મેરેથોનમાં દોડ્યાનો અનુભવ કરી શકું, એના ફાયદા અને લાભ (સર્ટિફિકેટ કે મેડલ) મેળવી શકું. ઘેર ટ્રેડ મિલ ના હોય તો મારી આસપાસ ના સુરક્ષિત વિસ્તારમાં પણ ચોક્કસ સમયે એક સાથે નિયત અંતર દોડી વર્ચ્યુઅલ મેરેથોનમાં ભાગ લઈ શકું છું.

  આ રીતે દોડવામાં શું શું ના મળે જે મૂળ રિયલ મેરેથોનમાં દોડતાં મળી શકે? આનો જવાબ છે રિયલ મેરેથોન વખતે માર્ગમાં તમારા ઉત્સાહને બિરદાવતા, હર્ષની ચિચિયારીઓ પાડતાં નાનામોટાં સેંકડો સાચા લોકો! તમને ઓળખતા પણ ના હોય તો પણ વહેલી સવારથી કેળાં, સંતરાના ટુકડા કે બિસ્કીટ કે મીઠું, સાકર વગેરે લઈ રસ્તાની બંને બાજુએ આ પ્રેક્ષકો ગોઠવાઈ ગયાં હોય અને માત્ર પ્રેક્ષકના બની રહેતાં તે ખાદ્ય પદાર્થો આપી કે તાળી આપી કે ઉત્સાહ વધારનાર હાથે લખેલા બેનર્સ બતાવી , દોડવીરોનું દોડવું આસાન બનાવે! આ મેરેથોનમાં દોડવાની સૌથી મહત્વની ઉપલબ્ધિ ગણી શકાય જે વર્ચ્યુઅલ મેરેથોનમાં તમે ના પામી શકો. હા, તમે બહાર દોડવાના હોવ તો તમારા પરિવારજનોને ફિનિશ લાઇન પાસે ઊભા રહી તમને ચિયર કરવાની વિનંતી તમે કરી શકો. પણ એમાં રિયલ મેરેથોન જેવી મજા તો ન જ આવે. બીજું, રિયલ મેરેથોનમાં મેડિકલ ઈમરજન્સી હેન્ડલ કરવા ડોક્ટર વગેરે હાજર હોય, પાણી, એનર્જી ડ્રિન્ક વગેરે પૂરા પાડતા સ્ટોલ થોડે થોડે અંતરે હાજર હોય જે વર્ચ્યુઅલ દોડ વખતે તમને ન મળી શકે. પાણી, દવા કે એનર્જી આપતા બિસ્કીટ - ફળ વગેરે તમારે પોતે ઉંચકી દોડવું પડે જેનું વજન વધતાં દોડવામાં મુશ્કેલી આવી શકે, એ બાબતનું ધ્યાન રાખવું જરૂરી છે.

વર્ચ્યુઅલ મેરેથોનમાં ભાગ લેવા તમે શિસ્ત અને પ્રમાણિકતાના ચૂસ્ત આગ્રહી હોવા જોઈએ. સેલ્ફ મોટિવેટર હોવું અહીં ખૂબ જરૂરી બની રહે છે.

  વર્ચ્યુઅલ મેરેથોનનો સૌથી મોટો ફાયદો એ છે કે અહીં કોઈ સરહદનું બંધન નથી. તમને વિદેશી મેરેથોનમાં ભાગ લેવાની ઈચ્છા હોય તો તે તમે અહીં તમારે ઘેર રહી પૂરી કરી શકો અને દોડ પૂર્ણ થયે ત્યાંનું સર્ટિફિકેટ મેળવી સંતોષ પ્રાપ્ત કરી શકો છો. બીજું, તમારા આરોગ્ય વિષયક લક્ષ્યાંક તમે નક્કી કરી પાર પાડી શકો. મેરેથોન થાય જ નહીં તો તમે દોડો નહીં અને ઘેર બેસી રહો તો સ્વાસ્થ્યને લગતો લાભ ના મળે, પણ વર્ચ્યુઅલ રેસમાં નામ નોંધાવી પ્રેક્ટિસ કરો અને ખરેખર દોડી સ્વાસ્થ્યને થતાં ફાયદાનો લાભ મેળવી શકો.

સ્ટાર્વા, ગાર્મીન, રનકીપર, મેપ માય રન વગેરે જેવી ઘણી મોબાઈલ એપ જે તે વર્ચ્યુઅલ મેરેથોનનોના આયોજકોએ મંજૂર કરેલી હોય છે જેની માહિતી તમે નામ નોંધાવો ત્યારે મેળવી લેવાની રહે છે અને પછી દોડતી વખતે તે એપ મોબાઈલ પર ચાલુ રાખવાની રહે છે અને દોડ પૂરી થયે તેના પર નોંધાયેલી માહિતી આયોજકોને મોકલી આપવાની રહે છે.

      વિશ્વની છ દેશોની મેરેથોન પ્રખ્યાત ગણાય છે - ટોક્યો, બોસ્ટન, લંડન, બર્લિન, શિકાગો અને ન્યૂયોર્ક. આમાંથી બોસ્ટન, શિકાગો અને ન્યૂયોર્ક તો આ વખતે વર્ચ્યુઅલ મેરેથોન જ યોજવાનું પસંદ કર્યું છે. સવાસો વર્ષોથી મેરેથોન યોજતા બોસ્ટનમાં વર્ચ્યુઅલ મેરેથોન સાતમીથી ચૌદમી સપ્ટેમ્બર વચ્ચે યોજાઈ ગઈ તો શિકાગો મેરેથોન પાંચમી થી અગિયારમી ઓક્ટોબર વચ્ચે યોજાવાની છે. તો ન્યૂયોર્ક વર્ચ્યુઅલ મેરેથોન ઓક્ટોબર સત્તરથી નવેમ્બર પહેલી વચ્ચે યોજાશે.

    મન હોય તો માળવે જવાય અને દોડવું જ હોય તો વર્ચ્યુઅલ મેરેથોનમાં દોડાય!!  

શનિવાર, 12 સપ્ટેમ્બર, 2020

નટુકાકાની તબિયત કેમ છે?

     છેલ્લાં સાતેક દિવસથી સતત મારો ફોન રણકયા કરે છે. સેંકડો ફોન કોલ્સ, મેસેજ સંદેશાઓ પર એક જ પ્રશ્ન - નટુકાકા ને કેમ છે? તેમની તબિયત સારી છે? સગા - સ્નેહી - મિત્રો અને શુભેચ્છકોના આ પ્રેમ જોઈ હું નવાઈ પામ્યો છું, ગદગદિત થયો છું, ક્યારેક થોડો ઘણો કંટાળ્યો પણ છું તો ક્યારેક સંવેદનશીલ બની ઈશ્વરનો આભારી પણ બન્યો છું. 

   પપ્પા ઘનશ્યામ નાયક એટલે કે તારક મહેતાના નટુકાકા ગત શનિવારથી હોસ્પિટલમાં દાખલ થયા અને એ જ દિવસે એક અંગ્રેજી અખબારમાં આ સમાચાર છપાયા બાદ, આ અહેવાલ અન્ય છાપાઓ, ટી. વી. અને સોશિયલ મિડીયામાં વાઈરલ થતાં, જાણે લોકોના સંદેશાઓ અને શુભેચ્છાઓનો ધોધ વહ્યો છે. લાખો ચાહકોની પ્રાર્થનાને પગલે જ તેમની લાળગ્રંથિ નજીક ઉત્પન્ન થયેલી આઠેક ગાંઠ સફળતાપૂર્વક કાઢવાની શસ્ત્રક્રિયા સંપન્ન અને સફળ રહી છે અને ઈશ્વરની અસીમ કૃપાથી હવે પપ્પા સ્વસ્થ છે અને એક મોટી આફતમાંથી તેઓ હેમખેમ પાર ઉતર્યા છે. 

  આજ કાલ જ્યાં કોરોનાના આંકડા સતત વધવાના અને અનેક લોકો મૃત્યુ પામતાં હોવાના સમાચારો જ ચારેકોર સાંભળવા મળતા હોય છે એવા વાતાવરણમાં પપ્પાની વાત હકારાત્મક છે એટલે હું એ આ માધ્યમથી તમારા સૌ સાથે શેર કરી રહ્યો છું. 

    પપ્પાને દોઢેક વર્ષ અગાઉ આંખમાં પાંપણ ઉપર એક ગાંઠ વારંવાર થતી હતી. ત્રણેક વાર એ સામાન્ય ડોક્ટર પાસે કઢાવ્યા બાદ ચોથી વાર તે સર્જરી દ્વારા કઢાવી અને તે વાંધાજનક (મેલિગ્નન્ટ) હોવાનું નિદાન થયું હતું જો કે તે સંપૂર્ણ રીતે કાઢી નાંખવામાં આવી હતી અને અમે ધાર્યું હતું કે એ પ્રકરણ પૂરું થઈ ગયું છે. આ સર્જરી કરનાર કુશળ યુવા ડોક્ટર નિરવ રાઈચૂરાએ ખૂબ કુશળતાથી અને સારી રીતે આંખની પાંપણ પરની એ ગાંઠ શસ્ત્રક્રિયા દ્વારા દૂર કરી હતી અને આ દરમ્યાન તેમણે પપ્પાના ડાબા ગાલના કાન પાસે ના ભાગ પર થોડો ઉપસેલો ભાગ જણાતાં તેની ટેસ્ટ કરાવવા સૂચન કર્યું હતું, જેનો હિસ્ટોપેથ રિપોર્ટ એ વાંધાજનક ન હોવાનું સૂચન કરતો હતો જેને મેડિકલ ભાષામાં 'બીનાઇન' કહેવામાં આવે છે. ત્યારે તેમણે બીજો અભિપ્રાય લેવા હિન્દુજા હોસ્પિટલ પણ મોકલ્યા અને અન્ય એક આંખ નિષ્ણાત એવા મહિલા ઓપ્થોસર્જન ડો. સાંવરી પાસે ચેક અપ કરાવ્યું. તેમણે પેટસ્કેન કરાવવાનું સૂચન કર્યું જેમાં આખા શરીર ની ચકાસણી થાય છે અને કોઈ પણ મેલિગ્નન્ટ ગાંઠ કે કેન્સર જેવું તત્ત્વ શરીરમાં હોય તો તેનું સચોટ નિદાન થાય છે. હવે આ ટેસ્ટ થોડો ભારે હોય અને એમાં શરીરમાં કિરણોત્સર્ગ કરવામાં આવતો હોવાથી હું થોડો અચકાતો હતો અને પપ્પાએ પણ ત્યારે આ બાબત ગંભીરતાથી ના લીધી અને અમે આ ટેસ્ટ ન કરાવ્યો. આ ઘટનાના દોઢેક વર્ષ બાદ, ડાબા ગાલ પાસેની પેલી કાન નજીકની ગાંઠ સહેજ મોટી બની અને પપ્પાને થોડું દુખવા પણ માંડ્યું. એટલે એ ગયા સૂચક હોસ્પિટલ. ત્યાં એ ગાંઠ પર વધુ સંશોધન થાય એ પહેલાં કોણ જાણે ક્યાંથી હર્પીસ નામના ચેપી વિષાણુએ ડાબા ગાલ પર જ હૂમલો કર્યો અને પપ્પાનો ડાબો ગાલ અને તેની નીચે ગળા સુધીનો ભાગ પીડાદાયક ફોલ્લાંથી ભરાઈ ગયો. તેની ટ્રીટમેન્ટ માં વીસેક દિવસ નીકળી ગયાં. આ પીડાએ પણ જોકે પપ્પાનું મનોબળ 

ડગાવ્યું નહીં. એક તો કોરોના લોક ડાઉન નો કપરો કાળ, કામધંધો પાંચ - છ મહિનાથી બંધ, પંચોતેર વર્ષની ઉંમર - પણ આ વામન કદના માનવીનું મનોબળ, હકારાત્મકતા કોઈ યુવાનને પણ શરમાવે એવા હોઈ તેમની વિરાટતાના દર્શન થયાં. હર્પીસ ગાયબ થયા બાદ ફરી સૂચક હોસ્પિટલ ના ચક્કર શરૂ થયાં. આ હોસ્પિટલ મલાડમાં આવેલી પચાસ વર્ષ કરતાં પણ જૂની, અન્ય પૈસા છાપવાના મશીન ગણાતી પ્રોફેશનલ હોસ્પિટલ કરતાં ઘણી જુદી અને સારી છે. તેના સ્થાપક ડો. અનિલ સૂચક ના પત્ની આભાબેનના પિતા જૂના જમાનાના એક ખૂબ સારા અભિનેતા હતાં અને આ તેનું બીજું પાસું જેના કારણે પપ્પાને આ હોસ્પિટલ ખાસ્સી આત્મીય લાગે છે. અગાઉ તેમનો એક અકસ્માત થયો હતો ત્યારે પણ તેઓ અહીં જ સાજા થયાં હતાં, તેમની અન્ય પણ નાની મોટી સર્જરી અહીં ભૂતકાળમાં સફળ રીતે પાર પડી હતી તેથી તેઓ અહીં આવવામાં બિલકુલ અચકાતા નહોતા. મને કોરોના ના કારણે અત્યારે ઘરની બહાર નીકળવામાં પણ જોખમ જણાતું પણ તેઓ વિના કોઈ ડર કે સંકોચ સાથે અહીં આવતા અને થોડાં ઘણાં જરૂરી ટેસ્ટ કર્યા બાદ જાણ થઈ કે તેમની ડાબા ગાલ પાસેની પેલી ગાંઠ વાંધાજનક છે. અલબત્ત પેટ સ્કેન અને અન્ય ટેસ્ટ માં જણાયું કે આ ગાંઠની આસપાસ અન્ય નાની મોટી ગાંઠ પણ હોઈ શકે છે જે બીનાઇન કે મેલિગ્નન્ટ પણ હોય અને એ વહેલામાં વહેલી તકે કઢાવી નાખવી જોઈએ. કોરોના પ્રભાવિત આવા કપરા કાળમાં અન્ય કોઈ, આ પ્રકારનું નિદાન જાણી ગભરાઈ જાય, પણ ઘનશ્યામ નાયક જેનું નામ! અતિ હળવાશ અને નિર્ભયતાથી તેઓ ડોક્ટરને પૂછે છે ક્યારે કાલે થઈ શકે આ ઓપરેશન?! મારો સ્વભાવ થોડો અલગ, હકારાત્મકતા તો જાણે મને પણ વારસા માં જ મળી છે પણ હું અઢાર ગળણે પાણી પીવામાં માનનારો માણસ. બીજો ઓપિનિયન લેવો જોઈએ? મોટી હોસ્પિટલ માં જવું જોઈએ? ઓપરેશન થતી વેળાએ કોરોના લાગી જાય તો? ઓપરેશન અત્યારે જ કરાવવું જોઈએ? આવા અનેક પ્રશ્નો મને સતાવતા હતાં. પણ પપ્પાએ તો નિર્ણય લઈ લીધો કે સૂચક હોસ્પિટલમાં જ તેઓ શક્ય એટલી જલદી શસ્ત્રક્રિયા કરાવી પેલી વણજોઈતી, વાંધાજનક ગાંઠોને દૂર કરાવશે અને ગત શનિવારે તેઓ હોસ્પિટલમાં દાખલ પણ થઈ ગયા! 

  સદનસીબે અતિ કુશળ એવા યુવાન ઓંકો સર્જન યોગેન છેડા અને તેમના પત્ની અલકનંદાએ સાથે મળી ગત સોમવારે પપ્પાના ગળા પાસે વાઢકાપ કરી સૂચક હોસ્પિટલમાં જ શસ્ત્રક્રિયા દ્વારા આઠેક નાની મોટી ગાંઠ બહાર કાઢી. પપ્પાના આત્મીય એવા સૂચક હોસ્પિટલના ડો. શર્મા પણ સતત ચાર કલાક સુધી ચાલેલા ઓપરેશનમાં તેમની સાથે રહ્યાં. ભગવાનની પરમ કૃપા થકી આ ઓપરેશન સફળ રહ્યું અને અગાઉ જે ભયની મેં ડોક્ટર છેડા સાથે ચર્ચા કરી હતી તે બધાં દૂર થયાં. આ ગાંઠ લાળગ્રંથિની અતિ નજીક આવેલી એક નસ પાસે હતી જે મગજ, આંખ, ગાલ, જીભ-મોઢા અને ગળા જેવા પાંચ અવયવો સાથે જોડાયેલી હોય છે અને અતિ પાતળી અને સંવેદનશીલ એવી આ નસ પર શસ્ત્રક્રિયા સમયે જો અસર પહોંચે તો તેની સીધી અસર આ પાંચ અવયવો કે તેમની કામગીરી પર પડી શકે છે. પપ્પા નું દાયકા અગાઉ બાય પાસ ઓપરેશન પણ થયું હતું અને ડાયાબીટીસ અને પ્રેશરની ગોળીઓ પણ તેઓ નિયમિત લે છે. આ બધી પરિસ્થિતિ ને લઈને હું ભારે ચિંતિત હતો પણ ગાંઠ દૂર કરવાની સર્જરી વિના વિઘ્ન પાર ઉતરી. 

  છેલ્લાં અઠવાડિયા થી હું પપ્પાની સાથે જ હોસ્પિટલમાં છું અને અન્ય કેટલીક મજેદાર વાતો મને અહીં કરવી ગમશે. જેમકે ઓપરેશન થયા બાદ પપ્પાને બે - ત્રણ દિવસ આઈ. સી. યુ. માં રાખવાના હતાં, પણ બીજે જ દિવસે સવારે તેઓ તેમનાં માટે ફાળવેલા અલાયદા રૂમમાં આવી ગયા. મને કહે "એક બુઢ્ઢો બાજુ માં હતો એ આખી રાત લોહી પી ગયો! તેણે સતત બડ બડ કરી મને અને અન્ય ડોક્ટરોને પરેશાન કરી મૂક્યા. એટલે હું અહીં આવી ગયો." મારી આંખો આશ્ચર્ય થી પહોળી થઈ ગઈ. હજી ઓપરેશન ને એક દિવસ થયો છે, તેમને આઈ. સી. યુ. માં રાખવાનું સૂચન થયું હતું અને તેમણે ડોકટરને મનાવી પણ લીધા, તેમને શિફ્ટ કરવા! જો કે તેમની રિકવરી ઘણી સારી અને ઝડપી હોવાથી જ આ શક્ય બન્યું. હવે ઓપરેશન તાજું હોવાથી તેમણે ખોરાક મોઢે થી ચાવી ને લેવાનો નહોતો અને તેમનાં નાકમાંથી એક નળી પસાર કરી સીધી અન્ન નળી સાથે જોડી હતી જેના વાટે તેમને પ્રવાહી ખોરાક લેવાનો હતો. પણ આ ભારે અસુવિધા ભર્યું હતું એટલે જ્યારે પણ નર્સ કે ડોક્ટર આવે ત્યારે પૂછે "આ ગણપતિ બાપા ની સૂંઢ ક્યારે દૂર કરવાની છે?! “. તેમને સતત ચાલતા રહેવાની આદત, બેસવું તો ગમે જ નહીં. ઓપરેશન દરમ્યાન અને ત્યાર બાદ પેદા થતું ખરાબ લોહી નીકળી જાય એ માટે એક નળી ગળામાંથી બહાર કાઢી તેનો બીજો છેડો એક થેલી જેવા પાત્ર સાથે જોડેલો હોય એટલે ઉભા થઈ ચાલવું હોય તો આ થેલી સતત હાથમાં પકડી ઉભું થવું પડે કે ચાલવું પડે. જ્યારે પણ નર્સ કે ડોક્ટર આવે ત્યારે પોતાના કોમેડી સ્વભાવ મુજબ પૂછે, "હવે આ વરરાજાના સતત હાથમાં રાખવા પડતાં નાળિયેર ને ક્યારે છોડો છો?! “. નર્સ અને ડોક્ટર હસતાં હસતાં રૂમમાંથી બહાર જાય!

 તેમને વાતો કરવાનો ભારે શોખ. દવા આપવા જ્યારે પણ જુદી જુદી નર્સ આવે એ દરેક સાથે અચૂક અલક મલકની વાતો કરે. એક નર્સ નું નામ ઉર્વશી એટલે તેને કહે, "હવે તું અહીં રંભા ને પણ બોલાવી લાવ એટલે ઈન્દ્રસભાનું આયોજન કરીએ! “. તેમને કસરત કરાવવા ફિઝિઓથેરાપીસ્ટ એવા યુવા ડો. પ્રતીક શાહ આવે એટલે એમની સાથે પણ જુદા જુદા વિષયો પર ગોષ્ઠી માંડે. ડો. જયેશ શાહ પણ તેમનું બી. પી. અને સુગર ચેક કરવા આવે ત્યારે તેમને પેલી સૂંઢ અને વરરાજાના નાળિયેર વળી વાત કરી હસાવે! ઓપરેશન પછી ત્રીજા દિવસે પેલી સૂંઢમાંથી મુક્તિ મળી અને છઠ્ઠા દિવસે પેલી વરરાજાના નાળિયેર સમી થેલી પણ ડોક્ટરે દૂર કરી! હવે તેઓ બધો ખોરાક પણ લઈ શકે છે અને થોડાં દિવસ બાદ તેમને હોસ્પિટલમાંથી રજા પણ મળી જશે. નર્સો કહે છે "કાકા, અમે તમને મિસ કરીશું! “ 

  હવે તેમની ગાંઠનો વિગતપૂર્વકનો રિપોર્ટ આવી ગયા પછી આગળની ટ્રીટમેન્ટ નક્કી થશે. એકાદ મહિનો હજી આરામ કરવાનું ડોક્ટરોએ સૂચવ્યું છે. ત્યારબાદ, નવરાત્રિ સુધી કે નવરાત્રિના શુભ દિવસો દરમ્યાન તેમના પ્રાણવાયુ સમા શો તારક મહેતા માં તેઓ ફરી એન્ટ્રી મારે એવી તેમની ઈચ્છા છે. પ્રાર્થના કરીએ કે નટુકાકાની આ ઇચ્છા પણ અંબામા પૂરી કરે! 


રવિવાર, 6 સપ્ટેમ્બર, 2020

બોરડીનું મંજુલા નક્ષત્ર ઉદ્યાન

   તમે આરાધ્ય દેવ - દેવી વિશે સાંભળ્યું કે વાંચ્યું હશે પણ નક્ષત્ર, રાશિ અને ગ્રહ સંબંધિત આરાધ્ય વૃક્ષ પણ હોય તેની જાણ છે તમને? તીર્થંકર ભગવાન સંબંધી વૃક્ષ વિશે ખબર છે?

   ઘણાં લોકો નિવૃત્ત જીવન ગામડે જઈ ગાળવાની ઈચ્છા ધરાવતાં હોય છે તો ઘણાં આવું પ્રકૃતિ સાથે તાલમેલ ધરાવતું જીવન જીવવાનું સૌભાગ્ય ધરાવતાં હોય છે. આવી જ એક વ્યક્તિ એટલે હસમુખ પરમાર. શ્રી ગોવિંદ ચૈતન્યદાસ નામે પણ ઓળખાતા આ શાંત, સૌમ્ય અને સજ્જન શીલ વ્યક્તિને મળવાનું થયું હતું દોઢેક વર્ષ અગાઉ. બોરડી ખાતે. જ્યાં તેઓ વસે છે અને ઉપર જેની વાત કરી એવા આરાધ્ય વૃક્ષો અને અનેક વિધ ફળ, ફૂલ ધરાવતાં છોડ અને ઔષધિય  વનસ્પતિનું ઘર, એવું મંજુલા નક્ષત્ર નામનું ઉદ્યાન તેઓ ત્યાં ધરાવે છે. અગાઉ એકાદ બે વાર જેના વિશે બ્લોગમાં લખ્યું હતું એ બોરડીના હોમ સ્ટેના સુખદ અનુભવ વિશે વાંચીને જન્મભૂમિ પ્રવાસીના નિયમિત વાચક, હસમુખભાઈના પુત્ર હેમંતભાઈ એ મારો સંપર્ક કર્યો અને મને તેમના પિતાનું આ નિસર્ગ ઉદ્યાન જોવા ભાવભર્યું આમંત્રણ આપ્યું. આ ત્રણેક વર્ષ પહેલાંની વાત છે. એ આમંત્રણના એકાદ વર્ષ બાદ જ્યારે હું ફરી બોરડી ફરવા ગયો ત્યારે મેં હિમંત ભાઈ અને હસમુખદાદાની મુલાકાત લીધી અને તેઓ ભાવપૂર્વક મને તેમના 'પેશન' સમા આ અનોખા આયુર્વેદિક ઉદ્યાનમાં લઈ ગયાં. ઘણાં વખતથી આ વિશે લખવાની ઈચ્છા થતી હતી પણ આજે દોઢેક વર્ષે યોગ જાગ્યો અને હું એ સુંદર નક્ષત્ર ઉદ્યાનની મુલાકાતની મીઠી સ્મૃતિઓ વાગોળવા બેઠો છું અને આ લખાઈ રહ્યું છે!

    બોરડી સ્ટેશનથી બોરડીના પ્રખ્યાત દરિયા કિનારા તરફ જતાં માર્ગમાં બંને બાજુએ અનેક વાડીઓ દેખાય. મોટાભાગની ચીકુની અને નાના નાના જંગલ જેવી એ વાડીઓમાં બીજી વનસ્પતિ પણ ઊગે, છતાં મંજુલા નક્ષત્ર ફાર્મ ની વાત જ નોખી! અહીં ઊગેલી કે ઉગાડેલી પ્રત્યેક વનસ્પતિમાં જાણે હસમુખ ભાઈના પ્રેમ અને પેશન પણ ભળ્યા હોય એવી અનુભૂતિ થઈ. તેમના ઘેરથી બે - ત્રણ કિલોમીટર આઘે આવેલી આ વાડીએ જવાની પણ મજા આવી. વાડી નજીકનો થોડા અંતરનો રસ્તો કાચો, એટલે રીક્ષા જાણે ખખડતી - ધ્રૂજતી ચાલતી હતી એટલે મને અને બાળકોને મજા પડી! વાડીના નાનકડા સુંદર ધનુષાકાર છત ધરાવતા લાલ સુંદર પુષ્પોથી આચ્છાદિત ગેટમાંથી પ્રવેશતા જ એક અનોખી હકારાત્મક ઉર્જાનો અનુભવ થયો. હસમુખ ભાઈ પોતે અમને એક એક ઝાડ - છોડની ઓળખ આપતાં, આ ઉદ્યાનમાં ફેરવી રહ્યાં હતાં.

    એક તરફ પીપળો, વડ, બીલી, અશોક અને ઉંબરો - આ પાંચ વૃક્ષોની પંચવટી હતી તો બીજી તરફ ઉભો કરેલો નાનકડો લતા મંડપ. આમળાં અને બહેડાંનાં ઝાડ; કદંબ, સોપારી, બકુલ, આંબા, સાલ વગેરે ઝાડ પણ ખરાં. વાંસ અને ઘાસ તો ખરા જ, સાથે પર્ણફૂટી, અશ્વ ગંધા, શતાવરી, તુલસી જેવા ઔષધિય છોડ પણ વિપુલ માત્રામાં જોવા મળ્યાં.બાગમાં એક જગાએ કમળ કુંડ પણ બનાવાયો છે. હિતાર્થ અને નમ્યાને અહીં અનેક નવા ફૂલ છોડ જોવાની અને પતંગિયા, ભમરા વગેરે પકડવા તેમની પાછળ દોડવાની ભારે મજા પડી.

   ઉપર જેની વાત કરી એ આરાધ્ય વૃક્ષ નક્ષત્ર બાગ સાથે સંકળાયેલ છે. નક્ષત્ર બાગ જ્યોતિષ શાસ્ત્ર, આયુર્વેદ, વનસ્પતિ વિજ્ઞાન અને બાગકામનો સુભગ સમન્વય છે. ભારતીય પુરાણ મુજબ દરેક વ્યક્તિની જેમ એક રાશિ હોય છે તેમ જ તેનું એક આરાધ્ય વૃક્ષ પણ હોય છે. જ્યારે વ્યક્તિ જન્મે તે સમયે ચંદ્ર જે નક્ષત્રમાં હોય તેના પરથી તેનું આરાધ્ય વૃક્ષ નક્કી થાય છે. કુલ ૨૭ નક્ષત્ર હોય છે અને દરેકને પોતાનું એક આગવું વૃક્ષ હોય છે. જેમકે રોહિણી નક્ષત્રનું જાંબુ, પૂર્વ ભાદ્રપદનું આંબો વગેરે. એવું મનાય છે કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાની નજીક પોતાનું આરાધ્ય વૃક્ષ વાવે છે તો ત્યાં હકારાત્મક વાતાવરણ સર્જાય છે, તે વ્યક્તિને આધ્યાત્મિક શાંતિ, સારું સ્વાસ્થ્ય, માનસિક શાંતિ, આરામ અને ઊર્જા મળે છે. અન્ય વૃક્ષો કરતાં આરાધ્ય વૃક્ષો વધુ ઓક્સિજન પણ પૂરો પાડે છે અને તેમનામાંના મોટા ભાગના વૃક્ષો ઔષધિય ગુણો પણ ધરાવતાં હોય છે. સેલવાસ, રાંચી, પુણે અને મુંબઈમાં આવા નક્ષત્ર બાગ વિકસાવવામાં આવ્યાં છે.

  જૈન ધર્મમાં કેટલાક વૃક્ષો ને તીર્થંકર ભગવાન સાથે જોડવામાં આવ્યાં છે. જે વૃક્ષ નીચે તીર્થંકર સ્વામી ને દિવ્ય જ્ઞાન ની પ્રાપ્તિ થઈ હતી અથવા જે વૃક્ષ નીચે તેમણે દિક્ષા લીધી હતી તે વૃક્ષ તેમની સાથે સંલગ્ન થયેલું જોવા મળે છે. જેમકે આદિનાથ ભગવાન સાથે વટ વૃક્ષ, અજીત નાથ ભગવાન સાથે સપ્તપર્ણ, મહાવીર સ્વામી સાથે સાલ વૃક્ષ વગેરે. આ વૃક્ષો પૈકી પણ થોડાં ઘણાં પ્રકારના ઝાડ હસમુખદાદાએ મંજુલા નક્ષત્ર ઉદ્યાનમાં વાવ્યા છે.

     હસમુખદાદાને જ્યોતિષશાસ્ત્રમાં, અધ્યાત્મમાં અને બાગકામમાં ખૂબ રસ હોવાથી તેમણે બોરડીમાં પોતાના ઘર નજીક મંજુલા નક્ષત્ર આયુર્વેદિક ઉદ્યાન તૈયાર કર્યું છે અને ઉંમર થઈ ગઈ હોવા છતાં તે ભારે પ્રેમ અને ઉત્સાહથી આ બાગનું જતન કરે છે. અહીં તેમણે મંત્ર - ધૂન, ભજન, કીર્તન, શાસ્ત્રીય સંગીત અને હોમ - હવન આદિના અને વાતાવરણની શુદ્ધિ અને દિવ્યતાની અભિવૃદ્ધિ માટે પ્રયોગ કરી શકાય અને વિવિધ મનોકામનાઓની પૂર્તિ હેતુ વટવૃક્ષ અને નવકોણીય યજ્ઞ કુંડ સહિતની નાનકડી યજ્ઞશાળા બનાવવાનો પણ પ્રયત્ન કર્યો છે.  આ યજ્ઞ શાળાનું છાપરું પિરામિડ આકારનું બનાવાયું છે અને અહીં બેસી તમે ધ્યાન ધરી શકો કે યોગા કરી શકો. અહીં અદ્ભુત શાંતિનો અનુભવ થાય છે.


  ભલે આ જગા ખૂબ વિશાળ નથી, પણ જેટલી પણ જગા હસમુખદાદાની છે તેના પર ખૂણે ખૂણા નો યોગ્ય ઉપયોગ કરી, ભારે મહેનત અને જતન થી તેમણે આ મંજુલા નક્ષત્ર ઉદ્યાન તૈયાર કર્યું છે અને મને ત્યાંની મુલાકાત લઈ ખૂબ ખૂબ આનંદ આવ્યો.

  આજે દોઢેક વર્ષ બાદ પણ મારા ઘરની બાલ્કનીમાં ઉગાડેલા, મંજુલા નક્ષત્ર ઉદ્યાનમાંથી હસમુખદાદાએ આપેલ પર્ણફૂટીના સુંદર મોટા પાન ધરાવતા છોડ, મને ત્યાંની સુમધુર યાદ અપાવતા રહે છે.  

ગેસ્ટ બ્લોગ : ડર કે આગે જીત હૈ

કોરોના થતા પહેલાં ડરવું જરૂરી છે જેથી જરૂરી સાવચેતી લઈ શકાય, પણ થઈ ગયા પછી ડરવું અને રડવું બંને નોટ અલાઉડ. ડર અને દુઃખ કે પછી નેગેટિવિટી, પરિસ્થિતિમાં બળતામાં ઘી હોમે છે. બસ આવું બધું સુષ્ઠુ સુષ્ઠુ વિચારીને મારી નાનકડી તૈયાર કરેલી બૅગ છાતીએ ચોંટાડી, ઘરમાં કોઈને મળ્યા વિના, કશે અડ્યા વિના મેઇનડોરની બહાર નીકળવા ગઈ કે હું અટકી ગઈ. શું મારા પગ પગથિયાં પાછા ચડશે? ઘર, કુટુંબ બધાંને પાછી જોઈ શકીશ? કે પછી પ્લાસ્ટિક બૅગમાં લપેટાઈ અંતિમ ગંતવ્ય સ્થાને.... આખું શરીર ધ્રૂજી ઊઠ્યું અને આંખમાં આંસુ ઊભરાઈ આવ્યાં. પણ જેવી ટૅક્સીમાં બેઠી કે તરત પ્લાસ્ટિશિલ્ડમાં હાથ નાખી મેં એમને લૂછી નાખ્યા. બસ પહેલું અને છેલ્લું રડી છું બીમારી દરમ્યાન. ખરેખર તો ડરવા અને રડવા માટે કારણ હતા અને પણ ત્રણ ત્રણ. હાઇપરટેન્શન, ડાયાબિટીસ અને ઍલર્જિક બ્રૉન્કાઇટિસનો માર સહી સહીને નબળા પડેલા ફેફસાં પણ મારી સાથે હોસ્પિટલ આવી રહ્યા હતા. હજુ કશુંક ધીમે ધીમે ઊગીને ઊભું થઈ રહ્યું હતું અને હતી પોઝિટિવિટી. એક એવું હથિયાર હતું જે પેલા ત્રણેય જૂનાને એક બાજુએ ચૂપચાપ બેસાડી, નવા આવેલા કોરોના નામના મહેમાનને ઝપાટામાં લઈ લે એમ હતું. ઘરેથી ઑક્સિજન બંધ કરીને નીકળેલી એટલે અત્યારે તો શ્વાસ પર ધ્યાન રાખવું જરૂરી હતું, જોકે આંગળીઓ પર લાગેલ ઑક્સિમીટર કહી રહ્યું હતું કે હજુ થોડી વાર વાંધો નહીં આવે.

કુટુંબના વડીલોની સાથે ઘણી વખત એમને દાખલ કરવા હોસ્પિટલ ગયેલી પણ  ડિલિવરીને બાદ કરતા મારા માટે હું પહેલીવાર જઈ રહી હતી, અને પણ સાવ એકલી.

રોગ એવો છે. “એકલી જાને રેશબ્દોને બરાબર સાર્થક કરે. એક  પોઝિટીવ રિપોર્ટ અને એક ક્ષણમાં તમે અનટચેબલ થઈ જાવ, એટલું નહીં અલોન પણ થઈ જાવ. દિવસો સુધી રૂમ ખાવા ધાય. મોડર્ન ટેક્નોલૉજી, ફોન, ટી.વી., કશું કામમાં આવે. ઢગલો બુક્સ વંચાવા માટે આવા સમયની રાહ જોતી પડી હોય પણ એમને વાંચવાનું તો ઠીક અડવાનું મન થાય. એના બદલે વારેઘડીએ ઑક્સિજન મશીન અને થર્મોમીટર પર આંગળીઓ ફર્યા કરે.

જેવી હોસ્પિટલ પહોંચી કે લેઝર ગનથી ટેમ્પરેચર માપ્યું ને લે,  નૉર્મલ આવ્યું. શું મારું થર્મોમીટર ખરાબ હતું?  કે પછી તાવ હોસ્પિટલથી ડરીને ભાગી ગયો? રિપોર્ટ પોઝિટિવ ના હોત કે સૂંઘવાની શક્તિ ગાયબ ના થઈ હોત તો જરૂર ઘરે પાછી જતી રહી હોત. તે દિવસે સવારે અચાનક યાદ આવેલું, વાસ કે સુગંધ કશું કેમ ખબર નથી પડતી? ઝંડુ બામ, યુ ડી કોલોન,  સ્ટ્રોંગ પર્ફ્યૂમ એમ હું સુગંધનો ડોઝ વધારતી ગઈ પણ નાક તો હતું હડતાળ ઉપર. પછી હડતાળે જોર પકડ્યું  અને શ્વાસ લેવામાં પણ તકલીફ પડવા લાગેલી.

હોસ્પિટલમાં છેલ્લો એક સિંગલ રૂમ  ખાલી હતો જે મારા નસીબે મને મળ્યો, પણ હવે ચિંતા થઈ સ્ટાફની. હું રૂમમાં ગઈ કે તરત સૌ મને મળવા આવ્યા. નવાઈની વાત કે સૌ મને વહાલથી અડવા ગયા પણ મેં એમને કશું ના લાગે એના ડરથી હાથ પાછો ખેંચી લીધો. પછી તેઓ સૌ મને પસવારતા પ્રેમાળ હસ્યા અને બોલ્યા, “આજથી અમે તમારી ફેમિલી ઓકે? અડધી રાત્રે પણ કંઈ પણ જરૂર પડે તો અમને યાદ કરવા.” ઘણા દિવસો બાદ કોઈના મોઢા જોયા, વાત કરી, સ્પર્શ પામી. સારું લાગ્યું. મેં ડૉક્ટરને કહ્યું,  ત્રણ જુના દુશ્મન અને એક નવો દુશ્મન તો લાવી છું, પણ સાથે સાથે એક હથિયાર લાવી છું પોઝિટિવિટીનું. નાઉ બોલ ઈઝ ઇન યોર કોર્ટ.”

ત્યારે એમને પણ કદાચ શબ્દો ઠાલા લાગ્યા હશે પણ જ્યારે સૌએ મને જુના ફિલ્મી ગીતો  ગણગણતા સાંભળી, ઑક્સિજન સપોર્ટ સાથે રૂમમાં ગીતો સાથે ઝૂલતા જોઈ કે પેટમાં ઇન્જેક્શન લેતા મસ્તી કરતા જોઈ ત્યારે તેઓ અચંબિત થઈ ગયા અને કહેવા લાગ્યા કે તમારા રૂમમાં આવવું ગમે છે. બાકી બીજાના રૂમમાં તો જાણે મોત મંડરાતું હોય છે.

એવું નહોતું કે મને દેખાયું નહોતું.  મારા રૂમમાં, મારી આંખોમાં આંખો નાંખીને ઊભેલું ત્યારે ટટ્ટાર ઊભા થઈ હું બોલેલી, "લેવા આવ્યું છે? તો ચાલ તૈયાર છું. આવીશ,  પણ હસતા હસતા.  તું પાડો લઈને આવ પાછળ પાછળ, હું આગળ જતી થાઉં છું." બોલતા તો બોલી દીધું પણ એક શૂળ ઊપડી       હૃદયમાં. હજુ ક્યાં બધું વાંચી લીધું છે? ક્યાં જે લખવું છે તે લખ્યું પણ છે? નવલકથા પણ પૂરી થઈ પ્રકાશિત થવા રાહ જોઈને પડી છે જો મરણોત્તર પ્રકાશિત થાય તો ભાવકના પ્રતિભાવ હું કઈ રીતે જાણી શકીશ?

પણ બધા વિચારો ખંખેરીને મેં ધ્યાન મારી ટ્રીટમેન્ટ પર કેન્દ્રિત કર્યું. રાત અને દિવસ. હોસ્પિટલમાં આમેય  રાતદિવસ, વાર, તારીખ બધું નક્કામું.

ઍક્સરેએ ચુકાદો આપ્યો, તમને ન્યુમોનિયા થઈ ચૂક્યો છે. મારા ફેફસાં મૂંઝાયા. અત્યાર સુધી એક ફેફસાની બીમારીને સાચવતા હતા અને હવે ? એમણે ભાડુઆતને કહ્યું, થોડાક દિવસનો કોન્ટ્રાક્ટ થશે ચાલશે ને? હું ડરી ગઈ ને  મેં ફેફસાંને ડાર્યા, કાગળ પત્તર કર્યા વિના આમને જગ્યા આપી છે તે જોજો પેલા આરબના ઊંટની જેમ અંદર  ફેલાઈ ના જાય ને કાયમની જગ્યા ના પચાવી પાડે. મારું માની એક ફેફસાએ એને સંઘર્યો અને એક નાનકડો ખૂણો એને રહેવા આપ્યો. નવો મહેમાન જગ્યા પચાવી ના પાડે માટે મેં જાણીતા સ્ટેરોઈડ નામના વકીલને રોક્યા, પણ ઊંચાંમાં ઊંચો ડોઝ આપીને. નવી તારીખ પડી અને એક્સરે રૂમમાં અમારી પેશગી થઈ. એક્સરે મશીને ચુકાદો આપ્યો અમારી તરફેણમાં. ન્યુમોનિયાએ ધીમે ધીમે પથારો સંકેલવા માંડ્યો.

પણ બધું જોઈ લોહીને થયું કે આપણે કેમ બાકી રહી જઈએ? આખુ શરીર પડ્યું છે આપણી પાસે તો. ચાલો યુનિયન બનાવી પચાવી પાડીએ. લોહીના નાના-નાના ઘણા યુનિયન થયા જે ધીમે ધીમે બીજા કણો જોડાતા મોટા થવા લાગ્યા અને હાર્ટ કે બ્રેઈનમાં જઈ પરમેનન્ટ જગ્યા બનાવી રહેવાના સપના જોવા લાગ્યા. નાદાન કણોને ક્યાં ખબર હતી કે જ્યાં તેઓ પરમેનન્ટ જગ્યા કરવાના હતા શરીર   ટેમ્પરરી છે  અને એમના કર્મોને લીધે કદાચ બધા ટેમ્પરરી શરીર સાથે પરમેનન્ટલી બળી જઈ શકે છે?

હવે અમારે લાંબી સોયની તલવાર કાઢવી પડી અને મારા શરીરની ચરબીના મુખ્યાલય એટલે કે મારા પેટ પર એનાથી ઊંડા ઊંડા ઘા કરવા પડ્યા. ઘામાંથી જઈને દવા નામના વકીલે કોર્ટ બહાર સેટલમેન્ટ કરાવવા માંડ્યું  અને પાંચેક દિવસની સમજાવટ પછી સૌ યુનિયન તૂટ્યા અને સૌ રક્તકણો પૂર્વવત્ શરીર ચલાવવાના કામે લાગ્યા.

હવે વારો હતો નાકમાં પહેરેલા એક્સ્ટ્રા ઘરેણા કાઢવાનો. નવી વહુ જેમ થોડા દિવસ વડીલ સામે ઘૂંઘટ કાઢે અથવા માથે ઓઢે અને નાના સામે આવતા માથે ઓઢેલું કાઢી નાખે એવું પણ એનાથી વિપરીત ઑક્સિજન પાઇપે કર્યું. જેવો ઑક્સિમીટર પર નાનો આંકડો આવે કે મારા નાકનો શણગાર બને અને મોટા આંકડાના વડીલ આવે કે ઊતરી જાય. આમ આવજાવ થતી રહી. છેવટે મોટા આંકડાના વડીલે સ્થાયી થઈ નાનાંને જતા રહેવાની આજ્ઞા કરી એટલે ઊંચો કાળો બાટલો, આછા લીલા  પાઇપને સાથે લઈ રજાચિઠ્ઠી ના મૂકતા, રેઝિગ્નેશન આપીને જતો રહ્યો.

જતા હોસ્પિટલે પણ મને રજા આપી દીધી. જો કે ઘરે પાછા એકલાં એકલાં આવતા હૃદયમાં આનંદ સમાતો હતો. મને એમ કે ઘણા વીડિયોમાં જોયું છે એમ ગલીમાં લોકો સ્વાગત માટે તાળીઓ પાડતા હશે. પણ હાય, અહીં તો બિલ્ડિંગમાં કોઈ નહોતું. ઘરમાં તાળીઓના ગડગડાટનો અવાજ નહોતો, પણ એનાથી  વિશેષઆઈ લવ યુ”,  વેલકમ હોમના અવાજો દરેકના રૂમમાંથી આવી રહેલા. જોવા આંસુએ પણ  આંખમાંથી થોડા ડોકિયાં કરી  લીધા. અનટચેબલ તો હજુ પણ હતી એટલે પાછી મારી કોટડીમાં પુરાઈ ગઈ.

બહુ બધા   મહેમાનો શરીરમાં  જોઈ ઓવરડ્રાઈવમાં આવી દોડાદોડ કામ કરતા બ્લડશુગર અને બ્લડપ્રેશરને હજુ શાંતિ મળવી બાકી હતી, એટલે થર્મોમીટર અને ઑક્સિમીટરની જગ્યા હવે બી.પી. મશીન અને શુગર મશીને લઈ લીધેલી. એમાંથી નવરી થાય એટલે આંગળીઓ ફોન પર ફરતી. કોઈને પહેલા બધું કહ્યું નહોતું, હવે જણાવેલું એટલે સૌ ફોન કરે, મૅસેજ કરે, ચિંતા કરે. એમને સૌને જવાબ આપવામાં સમય પસાર થવા લાગ્યો. સૌની લાગણી અને પ્રેમમાં તરબતર હું સાતમા આસમાન તરફ ગતિ કરવા લાગી. જ્યારે પાછો રિપોર્ટ -મેલમાં પધાર્યો, પણ બાપડો નેગેટિવ થઈને, ત્યારે ખુશીના માર્યા હું છઠ્ઠાં આસમાને પહોંચી અને જ્યારે ઘરના સૌ મને આખરે ભેટી પડ્યા ત્યારે હું સાતમા આસમાનમાં વિહરવા લાગી.

જો કે તરત પાછું જમીન પર આવવું પડ્યું કારણકે શરીર, દિમાગ, નર્વસ સિસ્ટમ બધું હજી મજબૂત કરવાનું હતું. મોટી લડાઈ જીતી ગયેલા પણ નાના નાના યુદ્ધ બાકી હતા. નવાઈની વાત કે મોટી લડાઈ ઓછી ચાલેલી, પણ નાની-નાની લડાઈઓ ઘણો સમય ચાલી. એકાદ-બે તો હજુ પણ લડી રહી છું પણ આટલું જીતી છું, તો તો જીતીશ . બસ સમય જોઈશે જે હવે મારી પાસે છે, પણ હા, તો છે બોનસ સમય, એક્સ્ટેન્શન તરીકે મળેલો સમય. માટે હવે એને સાચવી સાચવીને વાપરવો પડશે, એનો સદુપયોગ કરવો પડશે. આમ તો પહેલો સદુપયોગ લેખ લખીને કર્યો છે.  આશા રાખું વાંચનારનો સમય વ્યય ના થયો હોય.

                યામિની પટેલ.