Translate

લેબલ 'nature' સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ 'nature' સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

રવિવાર, 23 જાન્યુઆરી, 2022

કુદરત સાથે કનેક્શન

   આખા બ્રહ્માંડમાં પૃથ્વી એવો ગ્રહ છે જેના પર જીવન ધબકે છે. તેનું કારણ અહીં જીવન ટકી શકે એવા પરિબળો અને સંયોગો મોજૂદ છે. આ પરિબળો અને સંયોગોનું જ એક નામ છે કુદરત. કુદરતને આસ્તિક ભગવાન કહેશે તો નાસ્તિક વિજ્ઞાન. પણ આ કુદરત એક એવી જોઈ, સ્પર્શી અને અનુભવી શકાય એવી હકીકત છે જે જીવન ના અસ્તિત્વ માટે કારણભૂત છે. જ્યાં સુધી આ કુદરત આપણાથી રૂઠેલ નથી ત્યાં સુધી જ આપણે સુરક્ષિત છીએ. કુદરત ક્યારેક રૂઠે ત્યારે થયેલી તારાજીના અનેક ઉદાહરણ આપણે તાજેતરમાં જોયેલા છે. કુદરત રૂઠે એ માટે જો કે મોટે ભાગે આપણે જ જવાબદાર પણ છીએ. લોભ ને ના હોય થોભ અને આંધળા અને સ્વાર્થી વિકાસ માટેના લોભે જ કુદરત ને આપણાથી રૂઠવાના સંયોગો ઉભા થયા છે.

   ખરું જુઓ તો આપણે પણ કુદરતનો જ એક અંશ છીએ, કુદરતનો જ એક ભાગ છીએ. માત્ર મનુષ્ય જ નહીં, બલ્કે આ પૃથ્વી પર નો પ્રત્યેક સજીવ - પશુ, પંખી, જંતુ, વનસ્પતિ વગેરે અને નિર્જીવ તત્વો જેવા કે માટી, પહાડ, ઝરણાં, નદી, સાગર, જંગલ વગેરે સૌ કુદરતના ભાગ છે અને તેઓ અસ્તિત્વ ટકાવી રાખવા માટે એક મેક પર આધાર પણ રાખે છે. આ હકીકત આપણે મનુષ્યોએ ખાસ સમજી લેવાની છે, કારણ તેના સિવાય ના અન્ય કોઈ જીવ કુદરતને જાણતા કે અજાણતા નુકસાન પહોંચાડતા નથી. પણ મનુષ્યે બુદ્ધિનો ઉપયોગ કરી પોતાના વિકાસ માટે અન્ય જીવો અને કુદરતને નુકસાન પહોંચાડવા પાછું વળી જોયું નથી. જંગલો કાપી, દરિયા પૂરી તેણે ઊંચી ઈમારતો બાંધી છે. પ્રાણીઓ ને ગુલામ બનાવી તેમની પાસે થી પોતાનું કામ કઢાવ્યું છે, તેમનો કત્લેઆમ કરી ખોરાક તરીકે અથવા અન્ય ચીજ વસ્તુઓ બનાવી ઉપયોગ કર્યો છે. કચરો - ગંદકી ફેલાવ્યા છે. પ્રદૂષણમાં એટલો વધારો કર્યો છે કે એ જ તેના જીવનને જોખમમાં મૂકનાર રોગોનું કારણ બન્યું છે.

   કુદરત સાથે તાદાત્મ્ય સાધીએ તો તેના અનેક લાભ આપણને મળી શકે એમ છે. શહેરમાં વસતાં લોકો માટે તો ઘરની બારી બહારનું ઝાડ કે નજીકનો બાગ જ કુદરતનું સ્વરૂપ. પણ તેની સાથે પણ જો શહેરીજન તાદાત્મ્ય કેળવે, એક કનેક્શન બનાવે તો તેને ઘણાં લાભ મળી શકે એમ છે. રોજ જરૂર છે થોડો સમય આ માટે ખાસ ધ્યાન આપી ફાળવવાની.

   અત્યારે કોરોનાના કપરા કાળમાં આ કનેક્શનની ખાસ જરૂર છે આપણું માનસિક સ્વાસ્થ્ય સારું જાળવી રાખવા કે સુધારવા. ઘરમાં ને ઘરમાં રહી આપણે કંઈક અંશે બહાવરા થઈ ગયા છીએ, કંટાળી ગયા છીએ, હતાશ - નિરાશ થઈ ગયા છીએ ત્યારે કુદરત આપણી વહારે આવી શકે એમ છે. દોઢ - બે વર્ષ પહેલાં આપણે મોટે ભાગે ઘરની બહાર રહેતાં કે જતા - આવતા, ત્યારે જાણ્યે અજાણ્યે આપણે કુદરત સાથે કનેક્શન જાળવી શકતા. પણ પેન્ડેમિકના કારણે આપણે ફરજીયાત ઘરમાં ગોંધાઈ રહેવાની ફરજ પડી છે ત્યારે આપણું કુદરત સાથેનું કનેક્શન તૂટી જવા પામ્યું છે. એક અભ્યાસ મુજબ, આ કનેક્શન તૂટી જવાને કારણે પણ આપણી હતાશા અને નિરાશામાં વધારો થયો છે. કુદરત સાથેનું કનેક્શન આપણી સુખાકારી અને માનસિક સ્વાસ્થ્ય માટે અતિ જરૂરી છે. જેટલા આપણે કુદરતની વધુ સમીપ જઈશું, એટલું વધુ તંદુરસ્ત અને સુખી આપણું જીવન બની રહેશે. જ્યારે તમે કુદરત સાથે જોડાઓ છો ત્યારે તમે જે જે અડો છો, જુઓ છો, સાંભળો છો, અનુભવો છો તેની સીધી અસર તમારા મૂડ પર થાય છે. એ તમારા ચેતાતંત્ર, મજ્જાતંત્ર અને રોગપ્રતિકાર ક્ષમતા પર સારી અસર કરી શકે છે. જો તમે સુંદર દ્રશ્ય જુઓ તો તમારી ધ્યાન ધરવાની અને કેન્દ્રિત કરવાની ક્ષમતામાં સુધારો થાય છે. તેનાથી તમારું મન તાજગી અનુભવી નવા અને વધુ કાર્યો કરવા તૈયાર થઈ જાય છે. જો તમે હરિયાળી વચ્ચે કે આસપાસ વધુ લીલોતરી જગામાં રહેતા હોવ તો તમારી સર્જનાત્મકતા અને કાર્ય ઉત્પાદકતામાં નોંધનીય વધારો જોવા મળે છે. જો તમે આ ઈચ્છતા હોવ તો તમારે વચ્ચે વચ્ચે બ્રેક લઈ આવી વધુ કુદરતી સૌંદર્ય કે સામીપ્ય ધરાવતી જગાએ થોડાં સમય માટે જતાં રહેવું જોઈએ.

   કુદરતનું સાંનિધ્ય આપણને રોજબરોજની મુશ્કેલીઓ, તણાવ અને ઉચાટ વગેરે માંથી થોડા સમય માટે દૂર જવામાં મદદ કરે છે. એ તમને ક્રોધ પર નિયંત્રણ રાખવા માટે પણ મદદરૂપ સાબિત થાય છે અને માનસિક હકારાત્મકતા અને આનંદી લાગણીઓ વધારવામાં સહાય કરે છે. કુદરત સાથે નિકટતા બ્લડ પ્રેશર, હ્રદયના ધબકારા અને સ્નાયુઓમાં તાણ ઘટાડે છે જે તમારા શારીરિક સ્વાસ્થ્યમાં સુધારો આણે છે. શાંત અને સુખી થવાની આ એક અતિ સરળ અને અસરકારક રીત છે. માત્ર પાંચ મિનિટ માટે કુદરત સાથે ગાળેલી ક્ષણો પણ તમારી ઉત્પાદકતા કલાકો માટે વધારી કે સુધારી શકે છે.

   પહાડો, નદીઓ કે જંગલો પાસે વારંવાર જવાનું શક્ય ન હોય તો કઈ રીતે કુદરત સાથે કનેક્શન ટકાવી શકાય? જવાબ છે તેને તમારી નજીક લઈ આવી! ઘરમાં નાનકડો બાગ બનાવો, જગાના અભાવે એ શક્ય ન હોય તો નાનકડા કૂંડામાં છોડ ઉગાડો, તેને ઉછેરો, તેની માવજત કરો, તેનો વિકાસ નિહાળો. તેમાં ફૂલ, ફળ કે શાક ઉગશે ત્યારે એ જોઈ, તેને સ્પર્શી પણ તમે કુદરત સાથે તાદાત્મ્ય કેળવ્યાની લાગણી પ્રત્યક્ષ અનુભવી શકશો. સૂર્યોદય, સૂર્યાસ્ત, ચંદ્રોદય, તાજી હવા, કુમળો તડકો, માટી, લીલોતરી આ બધાં પણ કુદરતના સ્વરૂપ છે.


તે તમે ઘરે રહીને પણ માણી શકો છો. ઘાસ પર ચાલો. માટીમાં રમો, આંગળીઓને ભીની માટી નો સ્પર્શ થવા દો. વહેલા ઉઠો. વહેલી સવારે કે સાંજે ચાલવા જાઓ. માટીના વાસણો વસાવો. પંખીઓનો કલરવ, દરિયાના મોજાનો ઘૂઘવતો ધ્વનિ, નદીઓનો ખળખળ સ્વર વગેરે રેકોર્ડ કરી કે ઓનલાઈન જઈ સાંભળો. ઘરમાં છોડ - વેલા વગેરે વાવો. રોજ તેને પાણી પાઓ. ઉંડા શ્વાસ લો. તારા નિહાળો. બારી ખુલ્લી રાખો. સ્વચ્છ હવા અને સૂર્ય પ્રકાશ ઘરમાં આવવા દો. કુદરત સાથે કનેક્શન બનાવો અને જુઓ જીવનમાં કેવું પરિવર્તન આવે છે.

રવિવાર, 11 ઑક્ટોબર, 2020

બારી બહારનું ઝાડ


      મને કોઈ પૂછે કે તમારા ઘરનો કયો ભાગ તમને સૌથી વધુ ગમે તો હું કહીશ બારી! ફ્રેન્ચ વિન્ડોનું સૌથી સારું પાસું તેની મોટી સાઇઝ છે. મોટી બારી! જેટલી મોટી બારી એટલું એમાંથી દેખાતું દ્રશ્ય મોટું. મારા ઘરમાં બે મોટી ફ્રેન્ચ બારીઓ છે, જે મને બેહદ પ્રિય છે. બારી બહાર મૂકવામાં આવતી ગ્રીલ કે જાળી મને જેલ જેવી લાગે છે એટલે મેં એ પણ નખાવી નથી. બહારના વિશ્વને મારા ઘર સાથે જોડતી બારી આગળ મને કોઈ પ્રકારનો અવરોધ ન ગમે. આ બંને બારી બહાર મેં કતારબદ્ધ છોડના કૂંડા મૂક્યા છે જેમાં ઉગાડેલા છોડ - વેલ મને મારા સંતાનો જેટલા જ વ્હાલા છે. 

એક બારી બહાર સામેના બિલ્ડીંગનું દર્શન થાય છે જ્યારે બીજી બારી બહાર એસ. વી. રોડ અને તેના પર અવિરત પસાર થતા વાહનોનું. મને આ બીજી બારી વધુ પ્રિય છે. જોકે એનું બીજું પણ એક કારણ છે અને એ છે મારી આ બારી અને એસ. વી. રોડ વચ્ચે ઊભેલું સુંદર ઝાડ. મારી બારી બહાર આ ઝાડની ઘટા અને ટોપનું સુંદર દર્શન થાય છે અને છેલ્લાં થોડાં દિવસથી તેની મુલાકાતે અવનવા પહેલા મેં ક્યારેય ન જોયેલા પક્ષીઓ નિયમિત આવે છે જેને જોઈ મારું મન અપ્રતિમ પ્રસન્નતા અનુભવે છે.

    આ ઝાડ છે ઉંબરનું , જેની માહિતી મને આપી મારા નેચર વર્લ્ડ વોટ્સ એપ ગ્રૂપનાં મિત્ર બોટનીસ્ટ ઉષામા અને પ્રકૃતિ પ્રેમી શોભાજીએ. તે ગુલાર નામે પણ ઓળખાય છે અને તેનું અંગ્રેજી નામ છે Ficus Racemosa - ફિકસ રેસમોસા. તેને ટેટાં જેવા ફળો આવતાં હોવાથી તેનો સમાવેશ 'ફિગ' શ્રેણીનાં વૃક્ષોમાં કરાયો છે. આ ઝાડ પર ઉગતા ટેટાં કદાચ પક્ષીજગતમાં ખાસ્સા પ્રિય હશે એટલે જ મારી બારી બહારનું આ ઝાડ અતિ ઘટાદાર ન હોવા છતાં તેની મુલાકાતે પાંચ - છ નવાં જ પ્રકારનાં પંખીઓ નિયમિત આવે છે અને તેમણે એ ટેટાં - ફળો ખાઈ જઈ ઝાડને હવે મોટે ભાગે ફળ વગરનું કરી મૂક્યું છે. સામાન્ય રીતે પહેલાં ફૂલ ઊગે અને પછી તેમાંથી ફળ પાકે, પણ ઉંબર ને આવતાં ફળો ગુચ્છામાં તેની ડાળી કે થડ પર ઉગે અને ફૂલ તેના લીલા રંગના ફળની અંદર હોય. પરાગનયન ખાસ પ્રકારની ભમરી (wasp - વાસ્પ) - આ જંતુ દ્વારા થાય, આ પ્રકૃતિની વિસ્મય પમાડનારી અકળ અને અદ્ભુત લીલા છે.





 ખિસકોલીઓતો અહીં આ ઝાડ પર મોટી સંખ્યામાં દોડાદોડ કરતી જોવા મળે જ પણ કબૂતર - કાગડા - ચકલી - કાબર - બુલબુલ જેવા પંખીઓ યે તેના પર જોવા મળે. ઘણાં પતંગિયા અને વાણિયા કે ભમરી જેવા જંતુઓ પણ દેખા દે જોકે તેમની નવાઈ ના લાગે. આશ્ચર્ય ત્યારે થયું જ્યારે મેં એક મોટું ચામાચિડિયું બરાબર મારી બારી બહાર, સામે થોડું દૂર લટકતું જોયું! કાળી પાંખો અને બદામી રંગનું મોટા ઉંદર જેવું શરીર ધરાવતું આ ફ્રૂટ બેટ તરીકે ઓળખાતું પ્રાણી તમને ઠેર ઠેર જોવા મળતું નથી. મારી બારી બહાર ઝાડની ડાળી પર ઊંધુ લટકી એ ચામાચિડિયું ટેટાં જેવા ફળ મજેદાર રીતે આરોગી રહ્યું હતું. તેની પાંખો સાથે જોડાયેલા હાથ વડે જ ફળ તોડી તે તેના મોઢામાં પધરાવતું હતું અને ઊંધું જ લટકી બટક બટક ખાઈ રહ્યું હતું! કોઈ જીવને આમ ઊંધો લટકી ખોરાક ખાતા જોવાનો આ મારો પહેલો અનુભવ હતો. ગુરુત્વાકર્ષણની વિરુધ્ધ દિશામાં તેના મોઢામાંથી ખોરાક પેટ સુધી ઉપર પહોંચતો શી રીતે હશે! મેં અમી, નમ્યા અને હિતાર્થને પણ ફળ આરોગતો આ અવનવો જીવ જોવા બૂમ પાડી અને એ દિવસે તે ચામાચિડિયાએ ધરાઈને ફળો ખાધા અને અમે એને ધરાઈને જોયું. બીજે દિવસે તો વળી એ ચામાચિડિયું તેના કોઈક દોસ્ત કે સાથીને પણ સાથે તેડી લાવ્યું. બન્ને જણે ધરાઈને કલાકો સુધી ઊંધા જ લટકી ફળો ખાધા અને પછી તેઓ પોતાને ઘેર પાછાં ઉડી ગયાં. આ ક્રમ ચાર - પાંચ દિવસ ચાલ્યો. હવે છેલ્લાં થોડાં દિવસથી ચામાચિડિયા દેખાયા નથી.

  જે દિવસે ચામાચિડિયું પહેલી વાર દેખાયું હતું તેના બીજે દિવસે સવારે અન્ય એક ચકલી કરતાં થોડું મોટું પણ કાબર કરતાં સહેજ નાનું એવું બેઠી દડીનું રંગબેરંગી પક્ષી જોવા મળ્યું. હું તેને પ્રથમ વાર જોતા રાજીના રેડ થઈ ગયો! લીલું શરીર, લાલ માથું, કાળી આંખોની ફરતે પીળા રંગનો પટ્ટો અને ટૂંકી પૂંછડી અને ટૂંકી જાડી ચાંચ ધરાવતું આ પંખી કંસારો તરીકે ઓળખાય છે એ ગૂગલ પરથી માલૂમ પડયું. પહેલા તો તેનો નાનો વિડિયો નેચર વર્લ્ડ ગ્રૂપ પર પોસ્ટ કર્યો એટલે શોભાજી અને રમેશજીનો તરત ઉત્તર આવ્યો કે એ કોપરસ્મિથ બાર્બેટ તરીકે ઓળખાતું સુંદર નાનકડું પંખી છે. કંસારો પણ ચામાચિડિયાની જેમ તેના જોડીદાર ભેગો આવ્યો હતો. આ નાનકડાં પક્ષીને પણ ટેટાં ફળ તોડી મજાથી ખાતું જોવાનો અમને જલસો પડી ગયો. આ પંખી તો હવે અહીં રોજ આવે છે. તેનો ઘેરો સાદ પણ ક્યારેક સાંભળવા મળે છે.

 ત્રીજું એક અસામાન્ય પક્ષી અહીં ક્યારેક ક્યારેક જોવા મળે છે એ છે ચકલી કરતાં પણ અડધાં કદનું સુંદર લીલા રંગનું પંખી. તેની સોય જેવી અણીદાર કાળી ચાંચ વડે તે આ ઝાડના ફળ ખાતું તો ક્યારેય જોવા મળ્યું નથી પણ તેને ય આ ઝાડ નક્કી ખૂબ ગમતું હોવું જોઈએ એટલે જ એ એકાંતરે મને અહીં એક ડાળે થી બીજી ડાળે કૂદાકૂદ કરતું જોવા મળી જાય છે!

આ સિવાય પણ સફેદ રંગની એકાદ બે પટ્ટી ધરાવતું કાળું પક્ષી પણ અવારનવાર ગુલારની મુલાકાત લેવા આવી ચડે છે. ઉંબરના આ ઝાડને લીધે પ્રકૃતિ આટલી હદે મને અને મારા પરિવારને માણવા મળે છે તે માટે તેનો આભાર માનું એટલો ઓછો.

 થોડા સમય અગાઉ અમારા બિલ્ડીંગમાં ચોર આવ્યો હતો અને તે આ ઝાડ પરથી ચડી  અમારા એક પાડોશીના ઘરની બારીમાંથી કંઈક ચોરતા પકડાઇ ગયેલો અને ભાગી છૂટયો હતો, ત્યારે આ ઝાડ કાપવાની વાત થઈ હતી જેનો મેં વિરોધ નોંધાવ્યો હતો. મુંબઈ જેવા મહાનગરમાં આમ પણ વૃક્ષો ઓછાં છે અને જો આ રીતે તેમને એક યા બીજા કારણ સર કાપવા માંડીએ તો અજાણતા કુદરતને અને આવા ઝાડ પર નભતી અનેક પ્રજાતિઓને આપણે ખૂબ મોટું નુકસાન પહોંચાડી બેસીશું.

  છેલ્લે ઉંબરના ઝાડ વિશેની અન્ય કેટલીક રસપ્રદ માહિતી સાથે આ લેખ પૂરો કરું. ઉંબરનાં ટેટાં કાચા લીલા હોય છે અને પાકે ત્યારે લાલ રંગના થાય છે પણ પક્ષીઓને તે એટલા ભાવે છે કે તે લાલ થાય એ પહેલાં જ તેઓ તેમને ખાઈ જાય છે! આ ટેટાંમાંથી કેટલીક જગાએ લોકો સ્વાદિષ્ટ શાક પણ બનાવે છે. તેના ફળ અને ઝાડની છાલ માંથી બનતો બામ જખમ પર જલ્દી રૂઝ લાવે છે અને અકસીર સાબિત થાય છે. આ ઝાડનું લાકડું પવિત્ર ગણાય છે અને તે હવન કાર્યમાં વપરાય છે તેમજ તેના પાન અને ડાળીઓ ધાર્મિક પૂજા વિધિ વગેરેમાં વપરાય છે. આ ઝાડ આપણાં દેશમાં ઘણી જગાઓએ ઉગે છે. કાચા પાકા તો તેના ફળ પક્ષીઓને ભાવે જ છે પણ જો કદાચ તે પાકી ને સડી જાય તો હજારોની સંખ્યામાં કીડા આકર્ષે છે. ઘણાં પ્રદેશોમાં આ ઝાડનાં ટેટાં કાચા અથવા અન્ય ખાદ્ય પદાર્થ સાથે ભેળવી મોજથી ખવાય છે. તેનો રસ પણ લિજ્જતદાર પીણું બનાવે છે. પેટની બીમારી અને ડાયાબિટીસ માટે તે અકસીર દવા ગણાય છે. આ ઝાડનાં ફળ, પાન અને ખાલ - એમ દરેક ભાગ ઔષધિય ગુણો ધરાવે છે અને આયુર્વેદમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. આર. પી. એન. સિન્હા દ્વારા લિખિત પુસ્તક 'અવર ટ્રીઝ' માંથી આ માહિતી શેર કરવા બદલ શોભાજીનો ખૂબ ખૂબ આભાર! 

રવિવાર, 7 એપ્રિલ, 2019

ઝાડ-છોડ સાથે વાત

તમારા ઘરમાં તમે એકાદ નાનો છોડ પણ વાવ્યો હોય તો તમે નસીબદાર છો. આમ કહેવા માટે મારી પાસે સબળ કારણ છે. અમેરિકામાં તાજેતરમાં એક સંશોધન થયું છે જેના તારણ મુજબ જો તમે રોજની ઓછામાં ઓછી વીસ મિનિટ પ્રકૃતિના સાનિધ્યમાં ગાળો તો એ તમારી તંદુરસ્તી માટે ખૂબ ફાયદાકારક સાબિત થાય છે, એનાથી તમારું બ્લડપ્રેશર નિયંત્રણમાં રહે છે અને સ્ટ્રેસ (તણાવ) પેદા કરતાં કોર્ટીસોલ હોર્મોનનું પ્રમાણ ભારે માત્રામાં ઘટાડે છે. એ તો જગજાહેર હતું કે કુદરતના ખોળામાં તમે જેટલો વધુ સમય પસાર કરો, જેટલા તમે પ્રકૃતિ સાથે વધુ જોડાયેલા હોવ એટલું વધુ સારું પણ ચોક્કસ કેટલો સમય એ અંગે નક્કર પુરાવા નહોતા. સાઇકોલોજીના જર્નલ ફ્રંટીઅરમાં જો કે હવે સત્તાવાર નોંધવામાં આવ્યું છે કે જો શહેરમાં રહેતો મનુષ્ય પણ માત્ર વીસ મિનિટ એવી જગામાં પસાર કરે જ્યાં તેને કુદરત નજીક હોવાનો અહેસાસ થાય તો તેના સ્ટ્રેસ લેવલમાં ભારે ઘટાડો થાય છે. હવે દવાની ટીકડીઓ ગળવા કરતા આવી ‘નેચર પીલ્સ’ લેવાથી જ સ્વાસ્થ્ય સારું રહેવાનું હોય તો એનાથી રૂડું બીજું શું હોઈ શકે?
  કુદરતની નજીક હોવ એવો અહેસાસ કરાવે તેવી જગા જો કે મુંબઈ જેવા શહેરમાં ગોતવી થોડું મુશ્કેલ સાબિત થઈ શકે! પણ એ અશક્ય તો નથી જ! ઓફિસમાં સવારે જતી વેળાએ કે લંચબ્રેકમાં લીલોતરી ધરાવતા વિસ્તારમાં ચક્કર મારો કે ત્યાંથી થઈને તમારો રોજનો માર્ગ બનાવી દો તો એ શક્ય બને પણ પછી એ ચાલતી વેળાની થોડી ક્ષણો માનસિક રીતે આસપાસની લીલોતરી સાથે જોડાયાનો અનુભવ કરતાં કરતાં પસાર કરવાની, નહીં કે મોબાઇલ પર આંગળા ફેરવતા ફેરવતા! એ વીસ મિનિટ ચાલતાં ચાલતાં 'પ્લાન્ટ મેડીટેશન' કરવાનું, અન્ય સઘળી ચિંતાઓ, જવાબદારીઓ વિસારે પાડી દેવાની. જેને ચાલવાની તકલીફ હોય એ લીલોતરી વચ્ચે બેસીને પણ વીસ મિનિટ પસાર કરી શકે. નહીં આમાં મોંઘીદાટ દવાઓનો ખર્ચ કે નહીં તેમની આડ અસર વગેરે જેવી કોઈ ચિંતા. મફતમાં નેચર પીલ્સ લો અને સ્ટ્રેસથી મુક્તિ મેળવો અને તંદુરસ્તીમાં સુધારો અનુભવો! હવે ઓફીસની કે ઘરની આસપાસ આવો કોઈ હરિત પટ્ટો ન હોય તો શાંત તળાવ,નદી કે સરોવર કાંઠે બેસીને પણ તમે કુદરતની નજીક હોવાની લાગણી અનુભવી શકો.પણ જો આવું કોઇ જળાશય પણ નજીકમાં ન હોય તો  યા તો નેશનલ પાર્ક જેવી જગાએ વહેલા ઉઠીને જવાનો નિયમ કરો, ઘરની આસપાસનાં સારી એવી લીલોતરી ધરાવતાં બગીચામાં જાવ અથવા એ પણ શક્ય ન હોય તો ઘરમાં ગાર્ડન બનાવો. એટલે મેં કહ્યું કે જો તમારા ઘરમાં તમે એકાદ નાનો છોડ પણ વાવ્યો હોય તો તમે નસીબદાર છો.
      એ તો વૈજ્ઞાનિક સત્ય છે કે વનસ્પતિ પણ સજીવ છે પણ જ્યાં ઝાડ છોડ હોય ત્યાં પોસિટીવ એનર્જી વહે છે, ઓક્સિજનનું પ્રમાણ પણ ત્યાં વધુ હોઈ એ તમારા શરીરમાં જતી શુદ્ધ હવાનું પ્રમાણ વધતા તમારા સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક સાબિત થાય છે. એક મિત્ર ની વાત મને યાદ આવે છે. એ કહે છે કે તમારા ઘેર વાવેલા છોડ સાથે કે ઘરની આસપાસ ઉગેલા ઝાડ સાથે મૈત્રી બાંધો, તેની સાથે વાત કરો! આનાથી તેનો વિકાસ તો વધુ સારો થશે જ પણ તમારું સ્ટ્રેસ લેવલ ઘટતાં અને બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહેતા તમને પણ એ ઝાડ-છોડ કરતા પણ વધુ ફાયદો થશે. આવો પોતાને માટેનો ઓછામાં ઓછો વીસ મિનિટ નો સમય આપણે કાઢવો જ જોઈએ. ઘરમાં ઝાડ છોડ વાવ્યા હોય તો તેની માવજતમાં પણ થોડો ઘણો સમય તો એમ જ પસાર થઈ જાય, જેમકે તેને પાણી નાખવામાં, તેને સ્પર્શવામાં, તેના પર નવાં ફૂલ કે ફળ આવ્યાં હોય તો તેને નીરખતા વિસ્મય પામવામાં, તેનાં પર કોઈ પ્રકારની જીવાત તો નથી થઈ તેની ચકાસણી કરવામાં, તેને ખાતર પૂરું પાડવામાં વગેરે. હાલ માં મેં મારે ઘેર ભીંડો વાવ્યો છે અને તેના પર દસ - બાર ભીંડા બેઠાં પણ છે! હું મારો આનંદ શબ્દોમાં વર્ણવી નથી શકતો જે એમને જોઈને અનુભવાય છે! હવે એ યોગ્ય સમયે ઉતારી એનું શાક ઘેર બનાવી ખાવા માટે હું અતિ ઉત્સુક છું! મારા ઘરની સામે એક મોટું ઝાડ છે તેના પર આવતાં ચકલી જેવા એક સુંદર પક્ષીના અવાજની નકલ કરવાની મને મજા આવે છે તો બીજી બારી પાસે સામેની ભીંતેથી ઉગી આવેલા કિશોર પીપળાના ઝાડની ડાળી બરાબર મારી બારી સામે ડોકિયું કરતી જોઈ મને એવો જ વિચાર આવે છે જાણે એ મેં બારી પાસે લટકાડેલા દીવો મૂકવાના નાનક્ડા મંદીર બોક્સ
સાથે મિત્રતા બાંધવાના,તેની સાથે વાતચીત કરવાના પ્રયત્ન કરતું હોય! હું મારા ઘેર દસ-બાર કૂંડામાં વાવેલા છોડો સહિત આ બંને ઝાડ સાથે પણ વાતચીત કરી લઉં છું!
જ્યારે જ્યારે ઘેર ઉગાડેલા છોડ પર ફૂલ ઉગે ત્યારે એ દરેક વેળાએ જોઈને એક નવસર્જન કર્યાની અજબ ની સંતોષની લાગણી અનુભવાય છે. તુલસી, મની પ્લાન્ટ વગેરે છોડ તો ઘર આંગણે કે ઘરની અંદર વાવી આપણે ચોક્કસ ઘરની હવામાં વધુ ઓક્સિજન ભેળવી શુદ્ધ હવા શ્વાસમાં લઈ શકીએ પણ હવે તેની સાથે થોડો વધુ સમય પસાર કરી, તેને મિત્ર બનાવી તેની સાથે વાત પણ કરવાનો નિયમ કરીએ અને આ 'નેચર પીલ' દ્વારા સ્વાસ્થ્ય સુધારીએ.

સોમવાર, 2 ઑક્ટોબર, 2017

અંબોલીના જંગલોમાં રાત્રિ-ભ્રમણ (ભાગ-3)

ઢળતી સાંજે અને આગળ વધતી રાતને સમયે અમે ગાઢ જંગલના એ પટ્ટામાંથી દેડકા,તેમના પારદર્શક ઇંડા,કાનખજુરા જેવા અનેક પગ ધરાવતા ચિતરી ચડે એવા વિચિત્ર અને ડરામણા જંતુ
 (Scutigera coleoptrata) ,ટેરેન્ટુલા નામના મોટા કરોળિયા અને મોટા એક પાન પર લીલા રંગની અનેક ઇયળો જોયા બાદ ફરી મુખ્ય રસ્તા પર આવી ગયાં. ધુમ્મસ મિશ્રીત ગાઢ અંધકારમાં અમારી ટોર્ચના પ્રકાશને લીધે જ અમે રસ્તા પર આગળ વધી શકતા હતા.પણ આવા અંધારામાં પણ અમે અચરજ ભરેલાં કેટલાક જીવ જોયા. ઢાલ જેવા શરીર પર વારાફરતી પીળા અને કાળા પટ્ટા ધરાવતું એક મધ્યમ કદનું જીવડું  (pill millipede) તેને અડતા જ ગોળ દડો  બની જતું દીઠું તો થોડે આગળ આગિયાની માસિયાઈ બહેન સમી ગ્લો-વર્મ્સ એટલે કે જેની પૂંછડી ઝબુક ઝબુક થતી લીલી ફ્લોરોસેન્ટ લાઈટ છોડતી હતી એવી રાખોડી રંગની ઇયળ જોઈ. એક જગાએ ઝાડના પાન પર બેઠેલું ચળકતા પીળા રંગનું  મસમોટું ફુદું (ગોલ્ડન એમ્પરર મોથ) દીઠું તો જતી વખતે જ્યાં મલબાર પીટ વાઈપર સાપ, દેડકાને પકડવા યોગ-સાધનામાં બેઠેલો જોયો હતો તેને કલાકો બાદ એ જ મુદ્રામાં ફરી એ જ જગાએ બેઠેલો જોયો! અંધારામાં આમ અજાણી જગાએ એકાંતમાં ભટકવાનો આવો અભૂતપૂર્વ અનુભવ માણતા માણતા અમે આવી પહોંચ્યા સત્પુરુષ હોટલના અમારા ઉતારે લગભગ સાડાનવ-દસ વાગે અને ભૂખ સારી એવી લાગી હોવાથી તૂટી પડ્યા મહારાષ્ટ્રીયન શૈલીના ખાણા પર! સાદું પણ સાત્વિક અને પૌષ્ટિક એવું વાળું કર્યા બાદ રૂમ પર જઈ થોડો આરામ કર્યા બાદ નીકળી પડ્યા રાત્રિ-ભ્રમણ અને હર્પિંગ ટ્રેલના અમારા બીજા રાઉન્ડ માટે.
બીજા રાઉન્ડમાં ઓમકાર અમને અંબોલીના એક વન ઉદ્યાનમાં લઈ ગયો.રાતે તો જોકે બધી જગા એક સરખી જ જણાય.માત્ર ટોર્ચ બેટરીના પ્રકાશમાં દેખાય એટલા ભાગનો તાગ મેળવી શકાય કે પ્રકાશ પડે છે ત્યાં જમીન છે,ઘાસ છે,પાણીનું ખાબોચિયું છે કે પછી આ વન ઉદ્યાનમાં આવેલ નાનકડા મંદીરનું દેરું કે પાળી બાંધેલ પાણીનો ક્યારો કે ચાલવા માટે બનાવેલી પરસાળ.વન ઉદ્યાન હશે ખુબ સુંદર જગા એવી કલ્પના અમે કરી શક્યાં.પ્રવેશતા જ થોડે આગળ અમને એક ઝાડના તળીયે તેની લાક્ષણિક અદામાં ગૂંચળું વાળીને બેઠેલો મલબાર પીટ વાઈપર જોવા મળ્યો પણ આ હતી તેની ગ્રીન મોર્ફ વરાઈટી એટલેકે લીલી ઝાંય ધરાવતો સાપ.
તેને ધ્યાનથી નિહાળી,તેના ફોટા પાડી આગળ વધ્યા ત્યાં પેલા બાળકોના રમકડાના ટક ટક અવાજ જેવો સ્વર ધરાવતા મલબાર ગ્લાઈડિંગ ફ્રોગ નો અવાજ સંભળાયો.તે ઝાડ પર ક્યાંક ઉંચી ડાળ પર માદાને આકર્ષવા ડ્રાઉં ડ્રાઉં કરી રહ્યો હતો અમને નીચેથી તેના શરીરનો તળીયાનો ભાગ જ દેખાતો હતો એ પણ ખાસ્સે ઉંચે હોવાને લીધે બરાબર નહિ,પણ થોડે જ આગળ આકસ્મિક ઝાડના થડ પર અધવચ્ચે ફૂટી નિકળેલા એકાદ પર્ણ પર ચિપકીને બેઠેલો પોપટી રંગનો આ દેડકો જોવા મળ્યો.તે ખુબ સુંદર દેખાતો હતો.પાતળું લાંબુ શરીર ધરાવતો આ દેડકો જમીન પરથી એટલો લાંબો કૂદકો મારે છે કે જાણે હવામાં તરતો તરતો ઝાડ ઉપર ચડી જાય!ઈંડા મૂકવા તે પાણીમાં ખાસ પ્રકારનો ફીણફોદા ધરાવતો માળો બનાવે છે જે અમને સવારે બરાબર રીતે જોવા મળ્યો. અમારા આશ્ચર્ય વચ્ચે દૂર અમને અન્ય કેટલીક ટોર્ચના અજવાળા આમતેમ ફરતા માલૂમ પડ્યાં.ઓમકારના કોલેજના પ્રોફેસર પણ એક ગ્રુપને લઈને વન ઉદ્યાનમાં રાત્રિ ભ્રમણ કરવા આવ્યા હતાં.તેમને અલપ-ઝલપ મળી અમે આગળ વધ્યાં.આગળ જુદા જુદા પ્રકાર નાં દેડકાઓની કેટલીક જાતો જોવા મળી.જેમકે શરીર પર ત્રણ રંગના ઉભા પટ્ટા ધરાવતો દેડકો,બેઠા ઘાટનો નાનકડો ચપળ તપખિરીયો દેડકો વગેરે. આપણે ત્યાં જોવા મળતા કાચિંડા સહિત ઘણી નવી જાતની ગરોળીઓ (Gecko) જોવા મળી.ઝાડના ખરબચડા ભીના થડ પર ઘણી વાર તો આ ગરોળીઓના ઘેરા રંગ અને શરીર પરનાં રંગીન પટ્ટા એટલા આબેહૂબ એકેમેક સાથે ભળી જતા જોવા મળે કે આ ગરોળીઓને સામાન્ય માણસ શોધી જ ન શકે પણ ઓમકારની નિષ્ણાત નજર તેમને તરત સ્પોટ કરી લેતી અને તે અમને આ ગરોળીઓ બતાવી તેમના વિશે માહિતી આપતો.
એક-દોઢ વાગ્યા સુધી વન ઉદ્યાનમાં રખડપટ્ટી કરી અમે ફરી સત્પુરુષનીરુમ પર પહોંચ્યા અને જે જે જીવો જોયા હતા તેની નોંધ કરી સૂઈ ગયાં.સરસ ઉંઘ આવી. સવારે ઉઠી કાંદા-પોહા અને અહિની ખાસ ઉત્તપા-ઢોસા જેવી એક વાનગી આરોગી ચા-પાણી પતાવી ફ્રેશ થયાં. સત્પુરુષ હોટલના રૂમ એટલે બેઠા ઘાટની ચાર-પાંચ ઓરડીઓ.


ફાઈવ સ્ટાર હોટલ જેવી લક્ઝુરી કે સુવિધાઓ ભલે અહિ નહોતી પણ પ્રક્રુતિની સુંદર ગોદમાં આવેલી આ જગા અમને તો બેહદ પસંદ પડી ગયેલી.અને અગાઉ જણાવ્યું તેમ આ ઓરડીઓની આસપાસ પણ નાનું એવું જંગલ જ હતું!ઓરડીની બહાર પણ અનેક ઝાડ-છોડ-વેલા ઉગાડેલા હતાં અને અહિ પણ અનેક ફુદા-કરોળિયા-ગોકળગાય-સ્લગ-પતંગિયા-ભમરી વગેરે જીવ જોવા મળ્યાં. નાહી-ધોઈ ફ્રેશ થઈ ફરી અમે અંબોલીના વન ઉદ્યાનમાં લટાર મારવા ગયાં અને આ વખતે દિવસના પ્રકાશમાં તેનું તદ્દન નોખું રૂપ જોવા મળ્યું.આ જગા ખુબ સુંદર હતી.અનેક લીલાછમ ઝાડ,શંકરનું નાનકડું મંદીર





 ,પાણીના ફુવારા માટે બનાવેલા કુંડ,ચાલવા માટે બનાવેલ પગથીઓ,બાળકો માટે રમવાના સાધનો,ઝૂલા,વચ્ચે એક જગાએ ગોળાકાર પાણીના કૂંડમાં હાથીનું રંગીન શિલ્પ આ બધું જોઈ મનને અનેરા આનંદ અને શાંતિનો અનુભવ થયો.અમારા આશ્ચર્ય વચ્ચે ગાયબ હતી તો માત્ર રાતે ખળભળતી જીવંત જીવસ્રુષ્ટિ!અત્યારે ઝાડ પર નહોતા દેખાતા સાપ કે દેડકા કે ગરોળીઓ કે જાતજાતના પેલા રંગબેરંગી જીવડાં!
બપોરે હોટલ પાછા ફરી જમ્યાં અને થોડો આરામ કર્યા બાદ ઉપડ્યા મહાદેવ ગઢની સફરે.ત્રણ - ચાર કિલોમીટર ચાલીને આ પ્રખ્યાત પોઇન્ટ પર ગયા.અહિં કોઈ કિલ્લો ન હતો પણ અન્ય હવા ખાવાના સ્થળો પરના પોઇન્ટની જેમજ એક જગાએ રેલિંગ બિછાવી , થોડી ઘણી બેઠકો ની વ્યવસ્થા કરેલી હતી.વાતાવરણ અહિ ઘણું જ સુંદર હતું.વાદળ અમારી આસપાસ રમતાં હતાં!એકાદ મોટું વાદળું આવીને પસાર થઈ જાય એટલે ખીણની સુંદરતા અને દૂર સુધી માત્ર હરિયાળી અને પહાડોનું સુંદર દર્શન થાય પણ ફરી એકાદ વાદળું આવી ચડે અને બધું ગાયબ! અમે અંધારું થતા સુધી અહિ જ બેસી,વાતો કરી સમય પસાર કર્યો અને ત્યાંથી પાછા ફરતા પહેલા એક ઠેલા-સ્ટોલ પર ચાપાણી નાસ્તો કરી અમારી પરત યાત્રા આરંભી.
પરત ફરતી વખતે પણ ફરી વાર અંધારા જંગલમાંથી પસાર થતી વખતે રસ્તાની બંને બાજુએ એ જ ભીના લીલાછમ ઝાડ , તેમના પર બેઠેલા સાપ,જીવ-જંતુઓ વગેરેને નિહાળતા, તેમના ફોટા પાડતા બેટરી તથા ટોર્ચના પ્રકાશ વડે આગળ વધતા છ રેનકોટ ધારી યુવાનો એટલે કે અમે વન્ય માહોલને શ્વાસમાં ભરતા ભરતા આગળ ધપી રહ્યાં. આ વખતે માર્ગમાં એક મહાકાય દેડકો જોવા મળ્યો,સાથે કેટલાક નવા પ્રકારનાં ફૂદાં  

અને જંતુઓ,કેટલાક જંગલમાં જ ઉગતા અખાદ્ય ફળો તથા નવા પ્રકારના ફૂલ પણ જોયાં.છેવટે બે નવા આકર્ષક જીવ જોવા મળ્યા.પહેલો લીલોછમ લાંબો વિષધારી બામ્બૂ પીટ વાઈપર જે આ પ્રદેશમાં સામાન્ય રીતે ઓછો જોવા મળે છે.તે બિનવિષારી વાઈન સ્નેક જેવોજ દેખાય પણ ઓમકારે સમજાવ્યું તેમ આ સાપનું મોઢું આગળથી ત્રિકોણાકાર પ્રકારની ખાસ રચના ધરાવે છે જ્યારે વાઈન સ્નેકનું મોઢું આવો આકાર ધરાવતું નથી. બંને નો રંગ પોપટી જેવો આકર્ષક અને શરીરનું તળીયું પીળું. લંબાઈ પણ લગભગ સરખી પણ એક ઝેરી અને બીજો બિનઝેરી. બીજો જીવ એ એક આજ પ્રદેશમાં જોવા મળતો જાંબલી પગ ધરાવતો કરચલો જેને વન્ય જીવો અને તેમાં વિશેષ રસ ધરાવતા બાળ ઠાકરે પરીવારના યુવાન સભ્ય ઉદ્ધવ ઠાકરે ના પુત્ર તેજસ ઠાકરે એ શોધી કાઢ્યો હતો અને તેના નામ પરથી આ કરચલાનું નામ આપવામાં આવ્યું છે. કેટલાક ઝાડની ડાળીમાં લપાઈને બેઠેલા પંખીઓના જોડા પણ જોવા મળ્યાં.ફરી ત્રણ-ચાર કિલોમીટરનું અંતર પગે ચાલીને કાપતા અમે સત્પુરુષ હોટલ પર આવી પહોંચ્યા અને વાળુ કરી લીધા બાદ રૂમ પર જઈ ફ્રેશ થઈ અમારી છેલ્લી અને પાંચમી હર્પિંગ ટ્રેલ પર જવા નિકળ્યાં.
પાંચમી ટ્રેલ વન ઉદ્યાન પાસેથી જ પસાર થતા માર્ગે થઈ થોડે આગળ ખેતરોમાં કરી જ્યાં અનેક દેડકા જોવા મળ્યાં અને કેટલીક અલગ જાતની ગરોળીઓ જોવા મળી.સૌથી લાંબો પાંચ-છ ફૂટનો લીલો બિનઝેરી વાઈન સ્નેકપણ સાવ નજીકથી અને ધરાઈને જોયો.પાછા ફર્યા બાદ એક મિત્રના પગે ચોંટેલી જળો પણ જોઈ.મિત્રના પગે ચોંટી એણે લોહી પીવાનું ચાલુ જ કર્યું હતું પણ મિત્રે તેને સિફતથી દૂર કરી અને વચ્ચેનું શરીર ઉંચુ કરી ઘોડાની નાળ જેવો આકાર બનાવી ચાલતી એ જળોએ આ જીવ મેં પહેલા ક્યારેય પ્રત્યક્ષ ન જોયો હોવાથી તેને જોવાની મારી તીવ્ર ઇચ્છા પૂરી કરી! બીજે દિવસે સવારે રીક્ષામાં બેસી અંબોલીનો ઘાટ ઉતરી,વચ્ચે એક ભવ્ય જળધોધ જોઈ સાવંતવાડી સ્ટેશન આવી પહોંચ્યા જ્યાંનુ સ્ટેશન મને ખુબ ગમ્યું.

અહિં ટોઇલેટ પણ ફોરેનમાં જોવા મળે છે તે પ્રકારનું અદ્યતન અને ચોખ્ખું હતું.ગાડી આવવાને વાર હતી એટલે સ્ટેશન પરથી ખાવાપીવાની ચીજવસ્તુઓની ખરીદી કરી અને પછી ગાડીમાં બેસી ફરી પાછા દાદર આવી અમારી આ યાદગાર અનોખી યાત્રાનું સમાપન કર્યું.
આવી તથા પશુ-પંખીઓનો અભ્યાસ કરાવતી અને સાથે પ્રક્રુતિ સાથે તાદાત્મ્ય કેળવવાની તક પૂરી પાડતી આવી અન્ય યાત્રાઓ માટે તમે ઓમકાર અધિકારીનો 88986 82777 આ નંબર પર સંપર્ક કરી શકો છો અને મારી આ હર્પિંગ ટ્રેલ દરમ્યાન લીધેલી કેટલીક સુંદર રંગીન તસવીરો તમે આ કટારની બ્લોગ-વેબસાઈટ blognezarookhethee.blogspot.com પર જઈને જોઈ શકો છો.
   
(સંપૂર્ણ)