Translate

રવિવાર, 7 એપ્રિલ, 2019

ઝાડ-છોડ સાથે વાત

તમારા ઘરમાં તમે એકાદ નાનો છોડ પણ વાવ્યો હોય તો તમે નસીબદાર છો. આમ કહેવા માટે મારી પાસે સબળ કારણ છે. અમેરિકામાં તાજેતરમાં એક સંશોધન થયું છે જેના તારણ મુજબ જો તમે રોજની ઓછામાં ઓછી વીસ મિનિટ પ્રકૃતિના સાનિધ્યમાં ગાળો તો એ તમારી તંદુરસ્તી માટે ખૂબ ફાયદાકારક સાબિત થાય છે, એનાથી તમારું બ્લડપ્રેશર નિયંત્રણમાં રહે છે અને સ્ટ્રેસ (તણાવ) પેદા કરતાં કોર્ટીસોલ હોર્મોનનું પ્રમાણ ભારે માત્રામાં ઘટાડે છે. એ તો જગજાહેર હતું કે કુદરતના ખોળામાં તમે જેટલો વધુ સમય પસાર કરો, જેટલા તમે પ્રકૃતિ સાથે વધુ જોડાયેલા હોવ એટલું વધુ સારું પણ ચોક્કસ કેટલો સમય એ અંગે નક્કર પુરાવા નહોતા. સાઇકોલોજીના જર્નલ ફ્રંટીઅરમાં જો કે હવે સત્તાવાર નોંધવામાં આવ્યું છે કે જો શહેરમાં રહેતો મનુષ્ય પણ માત્ર વીસ મિનિટ એવી જગામાં પસાર કરે જ્યાં તેને કુદરત નજીક હોવાનો અહેસાસ થાય તો તેના સ્ટ્રેસ લેવલમાં ભારે ઘટાડો થાય છે. હવે દવાની ટીકડીઓ ગળવા કરતા આવી ‘નેચર પીલ્સ’ લેવાથી જ સ્વાસ્થ્ય સારું રહેવાનું હોય તો એનાથી રૂડું બીજું શું હોઈ શકે?
  કુદરતની નજીક હોવ એવો અહેસાસ કરાવે તેવી જગા જો કે મુંબઈ જેવા શહેરમાં ગોતવી થોડું મુશ્કેલ સાબિત થઈ શકે! પણ એ અશક્ય તો નથી જ! ઓફિસમાં સવારે જતી વેળાએ કે લંચબ્રેકમાં લીલોતરી ધરાવતા વિસ્તારમાં ચક્કર મારો કે ત્યાંથી થઈને તમારો રોજનો માર્ગ બનાવી દો તો એ શક્ય બને પણ પછી એ ચાલતી વેળાની થોડી ક્ષણો માનસિક રીતે આસપાસની લીલોતરી સાથે જોડાયાનો અનુભવ કરતાં કરતાં પસાર કરવાની, નહીં કે મોબાઇલ પર આંગળા ફેરવતા ફેરવતા! એ વીસ મિનિટ ચાલતાં ચાલતાં 'પ્લાન્ટ મેડીટેશન' કરવાનું, અન્ય સઘળી ચિંતાઓ, જવાબદારીઓ વિસારે પાડી દેવાની. જેને ચાલવાની તકલીફ હોય એ લીલોતરી વચ્ચે બેસીને પણ વીસ મિનિટ પસાર કરી શકે. નહીં આમાં મોંઘીદાટ દવાઓનો ખર્ચ કે નહીં તેમની આડ અસર વગેરે જેવી કોઈ ચિંતા. મફતમાં નેચર પીલ્સ લો અને સ્ટ્રેસથી મુક્તિ મેળવો અને તંદુરસ્તીમાં સુધારો અનુભવો! હવે ઓફીસની કે ઘરની આસપાસ આવો કોઈ હરિત પટ્ટો ન હોય તો શાંત તળાવ,નદી કે સરોવર કાંઠે બેસીને પણ તમે કુદરતની નજીક હોવાની લાગણી અનુભવી શકો.પણ જો આવું કોઇ જળાશય પણ નજીકમાં ન હોય તો  યા તો નેશનલ પાર્ક જેવી જગાએ વહેલા ઉઠીને જવાનો નિયમ કરો, ઘરની આસપાસનાં સારી એવી લીલોતરી ધરાવતાં બગીચામાં જાવ અથવા એ પણ શક્ય ન હોય તો ઘરમાં ગાર્ડન બનાવો. એટલે મેં કહ્યું કે જો તમારા ઘરમાં તમે એકાદ નાનો છોડ પણ વાવ્યો હોય તો તમે નસીબદાર છો.
      એ તો વૈજ્ઞાનિક સત્ય છે કે વનસ્પતિ પણ સજીવ છે પણ જ્યાં ઝાડ છોડ હોય ત્યાં પોસિટીવ એનર્જી વહે છે, ઓક્સિજનનું પ્રમાણ પણ ત્યાં વધુ હોઈ એ તમારા શરીરમાં જતી શુદ્ધ હવાનું પ્રમાણ વધતા તમારા સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક સાબિત થાય છે. એક મિત્ર ની વાત મને યાદ આવે છે. એ કહે છે કે તમારા ઘેર વાવેલા છોડ સાથે કે ઘરની આસપાસ ઉગેલા ઝાડ સાથે મૈત્રી બાંધો, તેની સાથે વાત કરો! આનાથી તેનો વિકાસ તો વધુ સારો થશે જ પણ તમારું સ્ટ્રેસ લેવલ ઘટતાં અને બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહેતા તમને પણ એ ઝાડ-છોડ કરતા પણ વધુ ફાયદો થશે. આવો પોતાને માટેનો ઓછામાં ઓછો વીસ મિનિટ નો સમય આપણે કાઢવો જ જોઈએ. ઘરમાં ઝાડ છોડ વાવ્યા હોય તો તેની માવજતમાં પણ થોડો ઘણો સમય તો એમ જ પસાર થઈ જાય, જેમકે તેને પાણી નાખવામાં, તેને સ્પર્શવામાં, તેના પર નવાં ફૂલ કે ફળ આવ્યાં હોય તો તેને નીરખતા વિસ્મય પામવામાં, તેનાં પર કોઈ પ્રકારની જીવાત તો નથી થઈ તેની ચકાસણી કરવામાં, તેને ખાતર પૂરું પાડવામાં વગેરે. હાલ માં મેં મારે ઘેર ભીંડો વાવ્યો છે અને તેના પર દસ - બાર ભીંડા બેઠાં પણ છે! હું મારો આનંદ શબ્દોમાં વર્ણવી નથી શકતો જે એમને જોઈને અનુભવાય છે! હવે એ યોગ્ય સમયે ઉતારી એનું શાક ઘેર બનાવી ખાવા માટે હું અતિ ઉત્સુક છું! મારા ઘરની સામે એક મોટું ઝાડ છે તેના પર આવતાં ચકલી જેવા એક સુંદર પક્ષીના અવાજની નકલ કરવાની મને મજા આવે છે તો બીજી બારી પાસે સામેની ભીંતેથી ઉગી આવેલા કિશોર પીપળાના ઝાડની ડાળી બરાબર મારી બારી સામે ડોકિયું કરતી જોઈ મને એવો જ વિચાર આવે છે જાણે એ મેં બારી પાસે લટકાડેલા દીવો મૂકવાના નાનક્ડા મંદીર બોક્સ
સાથે મિત્રતા બાંધવાના,તેની સાથે વાતચીત કરવાના પ્રયત્ન કરતું હોય! હું મારા ઘેર દસ-બાર કૂંડામાં વાવેલા છોડો સહિત આ બંને ઝાડ સાથે પણ વાતચીત કરી લઉં છું!
જ્યારે જ્યારે ઘેર ઉગાડેલા છોડ પર ફૂલ ઉગે ત્યારે એ દરેક વેળાએ જોઈને એક નવસર્જન કર્યાની અજબ ની સંતોષની લાગણી અનુભવાય છે. તુલસી, મની પ્લાન્ટ વગેરે છોડ તો ઘર આંગણે કે ઘરની અંદર વાવી આપણે ચોક્કસ ઘરની હવામાં વધુ ઓક્સિજન ભેળવી શુદ્ધ હવા શ્વાસમાં લઈ શકીએ પણ હવે તેની સાથે થોડો વધુ સમય પસાર કરી, તેને મિત્ર બનાવી તેની સાથે વાત પણ કરવાનો નિયમ કરીએ અને આ 'નેચર પીલ' દ્વારા સ્વાસ્થ્ય સુધારીએ.

3 ટિપ્પણીઓ:

  1. ઇલાક્ષી મર્ચન્ટ14 એપ્રિલ, 2019 એ 11:52 AM વાગ્યે

    રવિવાર ૭ એપ્રિલના બ્લોગમાં જે ઝાડ-છોડ સાથે વાત કરવા વિશેના વિચારો પ્રગટ થયાં તે વાંચી મને મારા પિયરના ઘરની વાત યાદ આવી ગઈ! મારું પિયર મલાડમાં હતું અને મારું ઘર ગ્રાઉન્ડ ફ્લોર પર હતું. ઘરની પૂર્વે એક લાંબો ઓટલો હતો જેની આસપાસ મેં જમીનમાં જાસૂદ, ગુલાબ , બારમાસી વગેરે ફૂલોના છોડ વાવ્યાં હતાં. સાથે એક કારેલાની વેલ પણ ઉગાડી હતી. એક ચોમાસામાં આ વેલ પર એટલાં બધાં કારેલા આવ્યાં હતાં કે મેં હરખઘેલી થઈ આસપાસનાં દરેક ઘરમાં એ ખુશી ખુશી વહેંચ્યા હતાં! એ જ રીતે પપૈયાના ઝાડ પર પણ જ્યારે પહેલવહેલાં ત્રણ નાના પપૈયા ઉગ્યાં ત્યારે પણ મારા હરખનો પાર નહોતો રહ્યો. પરણ્યાં પછી સાસરે આવી ત્યારે મારું નવું ઘર બીજે માળે હતું.પણ અહિં સુદ્ધા પ્રકૃતિ સાથેનો મારો નાતો જાળવી રાખવા મેં બાલ્કનીમાં તુલસી,જાસૂદ અને ઠાકોરજીને ગમતાં જાંબલી ફૂલોનો છોડ વાવ્યાં છે. તેમના પર ફૂલો આવે ત્યારે તેમને જોઈ મને અવર્ણનીય આનંદ મળે છે.

    જવાબ આપોકાઢી નાખો
  2. ઝાડ-છોડ સાથે વાત વિષય ખૂબ સુંદર રહ્યો . મને ફૂલ ઝાડ સાથે વાત કરવાનો જબરો શોખ છે. મેં એમને મારી દરેક સંવેદનાઓના પડઘા પાડતાં જોયાં છે. મારા અનુભવના આધારે એટલું ચોક્કસ કહું કે ખરેખર જે કુદરત સાથે વાત કરી શકે છે તે જીવન ની દરેક ક્ષણ આનંદમાં વિતાવી જાણે છે. ફૂલ ઝાડ જેવા નિસ્વાર્થ મિત્રો બીજે શોધ્યા ન જડે.

    જવાબ આપોકાઢી નાખો
  3. ઝાડ-છોડ સાથે વાત બ્લોગ લેખ વાંચી, મુંબઈના જીજામાતા ઉદ્યાન - પ્રાણીબાગની નજીક વિશાળ નર્સરી - છોડ-બી-ગાર્ડનિંગના સાધનો વેચતી શોપ ધરાવતાં શાંતિભાઈ રતનશીએ ભરપૂર ઓક્સિજન પૂરો પાડતો એક નાનો સુંદર છોડ નાનકડા સરસ કૂંડા સાથે મોકલી આપ્યો એ બદલ તેમનો હાર્દિક આભાર!

    જવાબ આપોકાઢી નાખો