ફ્રાન્સ - પેરીસથી સ્વિત્ઝરલેન્ડની રોડ ટ્રીપ આઠસો-એક કિલોમીટરનું
અંતર નવેક કલાકમાં કાપીને કરવાની મજા આવી. હાઈવે પર અમુક અંતર પછી ટ્રાફીક પણ ઓછો હતો.
ગાડી સો-એકસો દસની ઝડપે ભૌમિક હંકારી રહ્યો હતો. ટોમટોમ નામના જી.પી.એસ. ડીવાઈસથી ડ્રાઈવિંગ
માટે આગળના માર્ગ અને દિશાના નિર્દેશ અનુસરતા અને નેહા તેમજ મારા દ્વારા મોબાઈલ પર
વગાડાઈ રહેલ અવનવા હિન્દી-અંગ્રેજી ગીતોની મજા માણતા માણતા ભૌમિક ગાડી હંકારી રહ્યો
હતો. રસ્તાની બંને બાજુએ હરીયાળા ખેતરો, પવનચક્કીઓ વગેરે જોતા જોતા પાંચ-છ કલાક પસાર
થઈ ગયાં અને પછી શરૂ થયો ગ્રામ્ય વિસ્તાર. અહિ જુદાજ પ્રકારના યુરોપીય ઘરો, દેવળો અને
જનજીવનની ઝાંખી જોવા મળી. માણસો ખુબ ઓછા નજરે ચડતા. ખાલીખમ રસ્તા પર પણ લાલ સિગ્નલ
આવે એટલે ભૌમિક અને અન્ય વાહનચાલકો અચૂક પોતાના વાહન થંભાવી સિગ્નલ લીલું થયાની રાહ
જુએ અને એ લીલુ થયા બાદ જ આગળ વધે. (જ્યારે અહિ ભારત-મુંબઈમાં આજે જ આ બ્લોગ લખતી વેળાએ
સમાચાર વાંચ્યા કે સરકારે દ્વિચક્રી વાહનો ધરાવનારાઓની સુરક્ષા માટે, હેલ્મેટ પહેરનારાઓને
જ પેટ્રોલ વેચવાના પ્રસ્તાવ સામે બળવો કરાશે!)
ઠેર ઠેર, અલગ અલગ દિશાઓમાં કયા ગામ કે શહેર તરફ જઈ શકાશે
તેના અટપટા નામ દર્શાવતા મલ્ટીપલ એરોસ ધરાવતા સાઈનપોસ્ટ્સ ઉભા કરાયેલા જોવા મળતા હતાં.
લીલાછમ ખેતરોમાં શિંગડા વગરની હ્રુષ્ટપુષ્ટ ગાયો કે ઘેટા-બકરા દ્રષ્યમાન થતા હતા. ક્યાંક
વાંકાચૂંકા તો ક્યાંક સીધા, ઉંચાનીચા સ્વચ્છ રસ્તાઓ પર બીજા એકાદ-બે કલાક પસાર કર્યા
બાદ રસ્તાની બંને બાજુએ પહાડો દેખાવાની શરૂઆત થઈ ગઈ.એક મોટાં નીલા આસમાની રંગનું પાણી
ધરાવતા જળાશયને નિહાળીને પણ મનને અનેરો આનંદ પ્રાપ્ત થઈ રહ્યો હતો. થોડા વધુ આગળ પહોંચ્યા
એટલે પહાડો પર આછો આછો બરફ દેખાવાની શરૂઆત થઈ જે હવે અમે અમારી મંઝીલની નજીક હોવાની
ચાડી ખાતો હતો!
ફ્રાન્સ અને સ્વીત્ઝરલેન્ડની સરહદ પાસે સ્વીસ પોલીસે અમારી
ગાડી રોકી. કાળા યુનિફોર્મધારી ગોરા ગોરા ફૂટડા બે યુવાન પોલીસ અને એક સુંદર યુવતિ
પોલીસે અમારી ગાડી અને અમારા પાસપોર્ટ્સ તપાસ્યાં.મારો પાસપોર્ટ નજીકની કેબીનમાં વધુ
તપાસાર્થે લઈ જવાયો.અહિ ફરી એક વાર મને થોડો અજ્ઞાત એવો ડર લાગ્યો પણ થોડી જ મિનિટોમાં
પોલીસ યુવતિ મારો પાસપોર્ટ લઈ પાછી ફરી, તેણે ભૌમિક સાથે ફ્રેન્ચ ભાષામાં થોડી વાતચીત
કરી અને સસ્મિત અમને તેમના દેશમાં આગળ વધવા જણાવ્યું.
સ્વીત્ઝરલેન્ડ ની વાત જ કંઈક નિરાળી હતી! પહાડો વચ્ચે આવેલો
આ એક અતિ સુંદર દેશ છે જ્યાં પ્રાકૃતિક સૌંદર્ય ખોબલે ને ખોબલે વેરાયેલું જોવા મળે!
રસ્તો કાપતી વેળાએ મને ઠેર ઠેર ભારતના મનાલીની યાદ આવતી હતી. અહિ પણ એક નદી અમારી સાથે
સાથે રસ્તાની સમાંતરે વહી રહી હતી.લીલા પહાડોમાં વચ્ચે વચ્ચે ક્યાંક એકલદોકલ તો ક્યાંક
ઝૂમખામાં લાકડાના બનેલા નાનકડા સુંદર ઘરો દ્રષ્યમાન થતા હતાં.
રસ્તામાં એક પટ્ટો એવો આવ્યો જ્યારે રસ્તાની માત્ર ડાબી બાજુએ
એક ખાસ પ્રકારના અતિ લાંબા ખાસ પ્રકારના વૃક્ષો હારબંધ જોવા મળ્યા જેમના ઘટાદાર પાન
એક ખાસ ત્રિકોણાકાર ભાતમાં એક જ બાજુએ ઉગેલા જોવા મળ્યાં. જાણે આ વૃક્ષો માર્ગની એક
બાજુએ ઉભા રહી,તેમના વિશિષ્ટ આકારે ઢળેલા પર્ણોની છટાથી વટેમાર્ગુઓનું સ્વાગત ન કરતા
હોય! સ્વીત્ઝરલેન્ડમાં પછી તો ઠેર ઠેર જોવા મળેલા ઉંચા પાઈન-દેવદારના ઝાડ નહોતા એ.
છેલ્લો અડધો કલાક પહાડ પરના સાપ જેવા વાંકાચૂકા રસ્તે થઈ
સ્વીત્ઝરલેન્ડમાં વધુ આગળ પહોંચ્યા ત્યારે સાંજ પડી ગઈ હતી, આઠેક વાગી ગયા હતાં,પણ
અહિ તો અગાઉ જણાવ્યા મુજબ હજી ભારતમાં સાંજના પાંચ વાગ્યા હોય એવું વાતાવરણ હતું.અમે
મ્યુન્સ્ટર નામના ગામમાં એક હોમસ્ટેની સુવિધા ધરાવતું ઘર અમારા બે દિવસના મુકામ માટે
ભાડે રાખ્યું હતું. સ્વીસના જ વતની એવા માર્થા નામના સુંદર,જાજરમાન અને પ્રેમાળ વૃદ્ધા
આ કાષ્ઠના બનેલા ઘરના માલકણ હતા.
ઘર લાકડાનું એટલે રખે એમ સમજતા કે ઝૂંપડા જેવું ઘર હશે. એને
બંગલો કહેવું વધારે યોગ્ય ગણાશે. અલબત્ત માર્થા મેડમના આ સુંદર ઘરની આસપાસ અન્ય ઘણાં-બધાં
ઘર લાકડાના જ બનેલા હતાં. અહિ બરફ ખુબ પડતો હોવાથી આ પ્રકારના તેમાં ટકી શકે એવા જ
ઘર બનાવવામાં આવે, અમુક સમય બાદ લાકડાનો રંગ કાળાશ પડતો તપખીરિયો થઈ જાય અને ઘરની દિવાલોને
અનેરો સુંદર ઓપ આપે. દરેક ઘરની બહાર આંગણામાં ટ્યુલીપનાં લાલ- પીળાં , ઓર્કીડના જાંબલી
કે અન્ય અતિ સુંદર મનમોહી નાજુક વિવિધ રંગી ફૂલોના કૂંડા કે ક્યારા અચૂક દેખાય. કેટલાક
ઘરોની બહાર આ નાનકડા બગીચામાં માટીના સાત વહેંતિયાઓ કે પરી કે પ્રાણી કે વાર્તાના પાત્રોના
માટીના રંગબેરંગી રમકડાં પણ ખાસ રીતે ગોઠવીને મૂકેલાં જોવા મળે,કેટલાક ઘરોનાં આંગણામાં
નાનકડા મરૂન રંગનાં પાંદડા અને સફેદ ફૂલ ધરાવતાં અતિ સુંદર ઝાડ જોવા મળે જે તમને પરીકથામાં
વાંચેલ આદર્શ સુંદર ઘરની યાદ અપાવે! વિન્ડ-ચાઈમ્સ કે ફાનસ કે અન્ય સુશોભનની કોઈક વસ્તુ
પણ બારીમાં કે છાપરે ચોક્કસ નજરે પડે. દરેક ઘરનાં આંગણે મોંઘા ભાવની અને સુંદર એવી
'પોશ' ગાડી પણ અચૂક જોવા મળે!
માર્થા મેડમના ઘરમાં પ્રવેશ્યાં એટલે દિલ ખુશ થઈ ગયું તેમાંની
અત્યાધુનિક સુવિધાઓ જોઇને. મોડ્યુલર કિચન, દરેક રૂમમાં હીટર, હોલમાં મોટું ડાઈનિંગ
ટેબલ અને ખુરશીઓ સાથે માથે લટકતા સુંદર લેમ્પ શેડ્સ અને ટેબલ પર નાનકડી ફૂલદાની જેમાં
ઘરના આંગણાના બાગમાંથી જ ચૂંટેલા નાનકડા સુંદર નાજુક પુષ્પો,, ડીશવોશર, રેફ્રિજરેટર,બાથરૂમમાં
હેન્ડશાવર,ગીઝર અને મોંઘી કટલરી,ઓવન આ બધું માર્થા મેડમે અમને ઉત્સાહથી બતાવ્યું અને
તેમના વપરાશ માટેના જરૂરી નિર્દેશ આપ્યાં. ત્રણ સુંદર કાષ્ઠની જ દિવાલો તેમજ ફ્લોરીંગ
ધરાવતાં સુંદર ઓરડા, તેમાંથી બહારના સુંદર દ્રષ્યો દેખાડતી ચોરસ બારીઓ, દરેક રૂમમાં
એસ્થેટીક લેમ્પ્સ, ફર્નિચર આ બધું અમારે બે દિવસ વાપરવાનું હતું, એ વિચારે એટલી બધી
ખુશી અનુભવાઈ રહી હતી કે એ અહિ કદાચ શબ્દોમાં નહિ વર્ણવી શકાય! સ્વીત્ઝર્લેન્ડ જેટલું
સુંદર હતું એટલું જ સુંદર હતું માર્થા મેડમનું એ ઘર જેમાં અમે અગાઉ નિયત કર્યા મુજબ
બે નહિ, ત્રણ દિવસ રહ્યાં અને એ ત્રણ દિવસમાં જે મજા માણી છે તેના સુંદર અનુભવની વાત
આવતા સપ્તાહે!
[આ બ્લોગપોસ્ટની સુંદર તસવીરો તમે આ લિન્ક ક્લિક કરી જોઈ શકશો.]
(ક્રમશ:)