Translate

રવિવાર, 19 મે, 2019

ઉનાળાની બળબળતી બપોર

મે મહિનો એટલે ઉનાળાની ચરમસીમા. ઉનાળો જતા પહેલા કેમ જાણે પોતાનું પોત પ્રકાશતો હોય એમ ત્રાહિમામ પોકારાવી દે એવી ગરમી વરસાવે. મે માસની ઉનાળાની બપોર કેવી હોય? બળબળતી! કાળઝાળ ગરમી , લૂ વરસાવતી આવી બપોરે જેને બહાર તડકામાં મજબૂરીથી ફરવું પડતું હોય તેનાતો નસીબની બલિહારી!!
જો કે જીવનમાં દરેક બાબતનું મહત્વ હોય છે. છાયાની ટાઢક ત્યારે માણી શકાય જ્યારે તડકાનો તાપ જીરવ્યો હોય. પરિવર્તન સંસારનો નિયમ છે. સુખ દુ:ખની ઘટમાળ તો ચાલ્યા કરે. તડકા પછી છાયો તો છાયા પછી તડકો આવવાના હોય, માટે ધીરજ ધરતાં શીખવું જોઇએ. અને જે પરિસ્થિતી આવે તેનો સહર્ષ સ્વીકાર કરી જીવન પ્રત્યેક ક્ષણે માણવાનો પ્રયત્ન કરવો જોઇએ. ઉનાળાના ધોમધખતા તાપ અને બળબળતી બપોરમાંયે માણવા જેવું ઘણું છે! માણવા માટે ખુલ્લી નજર, ખુલ્લું મન અને હકારાત્મક અભિગમ જોઇએ!
બળબળતી બપોરે ગાડીમાં બેસીને ક્યાંક જઈ રહ્યાં હોઇએ ત્યારે લીલાછમ ખેતરો આંખને અને મનને કેવી ઠંડક અને શાતા આપે છે! ઠંડું પાણી કે શરબત ત્યારે પીઓ તો એવી પરિતૃપ્તિનો અનુભવ થાય જે શરીર સાથે મનને પણ આનંદ આપે. થોડાં દિવસ અગાઉ ગુજરાતમાં ગામે ગયો ત્યારે એક બળબળતી બપોરે  ઘટાટોપ વડલા નીચે શેરડીનો રસ વેચતા ઠેલા પર નજર પડી. બે ચાર યુવાનો એક મશીન પર શેરડીનો રસ કાઢી તે વટેમાર્ગુઓને વેચી રહ્યાં હતાં. મશીન પણ કેવું ? યાંત્રિક કે સ્વયંચાલિત નહિં. લાકડાનાં બે નળાકાર પાત્રોની સપાટી પર આંકા પાડેલા અને તે આંકા એકમેકમાં ભેરવાય અને એક પાત્ર ધરી પર ગોળાકારે ફરે તો બાજુમાં ગોઠવેલું બીજું પાત્ર પણ આપમેળે વિરુદ્ધ દિશામાં ગોળાકારે ફરે. બંને પાત્રો વચ્ચે થોડી જગ્યા રાખેલી હોય જેમાંથી શેરડીનો સાંઠો એક જણ એક બાજુથી બે પાત્રો વચ્ચે ઘૂસાડે અને બીજો જણ સામે છેડેથી તેને ખેંચે.પાત્રો ગોળાકારે પોતપોતાની ધરી પર ફરતાં હોય એટલે શેરડીના સાંઠાને તેમની વચ્ચેથી પસાર થતાં પીલાવું પડે અને નીચે પડે શેરડીનો મીઠો રસ, જે નીચે ગોઠવેલા વાસણમાં ઠલવાય. રસ પીતા પહેલાં તેને કાઢવાની રસપ્રદ પ્રક્રિયા માણવાની ભારે મજા આવી! નળાકાર પાત્રો ફરે કઈ રીતે? પણ ભારે મજાનું! એક પાત્ર સાથે મોટી જાડી લાકડી જોડેલી હોય જેનો એક છેડો પેલાં યુવાનોમાંનો એક હાથમાં લઈ ધક્કો મારતો ગોળ ગોળ ફરે! ઘાંચી બળદની જોડને ગોળ ગોળ ઘૂમાવી તેલ કાઢવા માટે જે રીત અપનાવે છે તેની યાદ મને દ્રષ્ય જોઈ આવી ગઈ! કદાચ  એ લાકડીને ગોળ ફેરવી રહેલો યુવાન વિચાર જાણી ગયો હશે એટલે જ્યારે મેં શેરડીના રસ કાઢવાની પ્રક્રિયાનો વિડીઓ મારા મોબાઈલ કેમેરામાં ઉતારવાની શરૂઆત કરી કે તે જાણે શરમાઈ ગયો અને તેણે પોતાના મોઢે રૂમાલ ઢાંકી દીધો! શેરડીનાં સાંઠાને ચાર-પાંચ વાર પીલાવાની પ્રક્રિયામાંથી પસાર કર્યા બાદ એકાદ-બે ગ્લાસ શેરડીનો મીઠો રસ તૈયાર થાય! ઉનાળાની બળબળતી બપોરે એનો સ્વાદ હોય તે કરતાંયે વધુ મીઠો લાગે જ્યારે તેમાં બરફ અને મસાલો ભભરાવી તમારા હાથમાં ધરાય અને તમે એને મોઢે માંડી ગટગટાવી જાવ!
જગા પણ ખાસ્સી મજેદાર હતી  માર્ગમાં એક બાજુએ મોટા વડલા હેઠળ, જેની શીળી છાંયામાં તમને ઉનાળાની ગરમી ગાયબ થઈ ગયેલી લાગે! બંને બાજુ મબલખ પાકથી લહેરાતા ખેતરો હતાં. વડલાંની એકાદ ડાળીએ પંખીઓ પાણી પી શકે માટે એક તૂટેલું માટલું લટકાવેલું હતું.મારી પાસે પાણીની બોટલ હતી તે મેં એમાં ઠાલવી દીધી.પછી ત્યાં પથ્થરની લાંબી લાદી પાથરીને બનાવેલી બેઠક પર બેસી મેં બે ગ્લાસ શેરડીનો મીઠો રસ ધરાઈને પીધો અને તરસ છીપાવી! અત્યારે તો ભૂખ નહોતી લાગી છતાં કોણ જાણે કેમ એકાદ વાર ઉનાળાની બપોરે બહાર ફરવા જઈ લીમડાનાં ઝાડની છાંયમાં વન-ભોજન લીધાની સ્મૃતિ તાજી થઈ ગઈ. થેપલાં-સૂકી ભાજી અને છાશની માણેલી મજાએ જે છાપ મન પર છોડી હતી તે ક્યારેય ભૂંસાશે નહિ!

થોડે આગળ વધ્યાં એટલે થોડાં ગરમાળાનાં વૃક્ષો નજરે ચડ્યાં. પીળાં ગુચ્છામાં લટકતાં ફૂલો ધરાવતાં વૃક્ષો મારા મતે સૌથી સુંદર વૃક્ષોની સ્પર્ધામાં ઇનામ મેળવી જાય તો નવાઈ   લાગે! નાના નાના ઝૂમ્મરની જેમ લટકતાં પીળાં પીળાં નાના નાના ફૂલો એટલા તો સુંદર દેખાય કે તમને તેમને જોયાં જ કરવાનું મન થાય! અને એટલાં પ્રમાણમાં ફૂલો હોય કે ઝાડનાં પત્તાં તો તમને દેખાય નહિ! ફૂલો પણ ઉનાળામાં ખીલે છે. કરું તો ગરમાળાના ઝાડ અને ફૂલને થાઈલેન્ડનાં રાષ્ટ્રીય ઝાડ અને ફૂલનો દરજ્જો અપાયો છે તો આપણાં ભારતમાંયે તેને કેરળના રાજ્ય ફૂલ તરીકે સ્થાન અપાયું છે. તેનાં ફૂલો વસંત વિદાય લે ત્યારે ભારે માત્રામાં ખીલી જાણે તેને વિદાય આપે છે! ફૂલો ઔષધિય ગુણધર્મ અને મહત્વ પણ ધરાવે છે.
આડવાત
ઘરે પરત આવ્યાં બાદ સાંજે મારા સાળા સાહેબ તેમનાં ભાણી-ભાણાંને બરફનો ગોળો ખાવા લઈ ગયાં. બરફનાં સફેદ ગોળાં પર ત્રણ જુદા જુદા રંગનાં શરબતની સુંદર ડીઝાઈન બનાવી ગોળાવાળાએ જ્યારે મારા બચ્ચાઓનાં હાથમાં ગોળા પકડાવ્યાં ત્યારે તેમનાં ચહેરાં પરના ભાવ જોવા જેવા હતાં, ગોળાંના સ્વાદ કરતાંયે વધુ સુંદર!! 
રોજ રોજ તો તડકામાં ફરાય નહિ, એટલે બાકીની બપોર તેમનાં ઘરમાં કોઈ ખૂણેથી ગરમી ભરાઈ જાય એની તકેદારી રાખી મારા સાસુમાએ ઘરને ચૂસ્ત બંધ કરી, પડદાં વગેરેથી ઢાંકી દઈ .સી. ચાલુ કરી અમને નજરકેદ કરી લીધાં! બપોરે ઉંઘવાની આદત નહિ,એટલે મેં નમ્યા સાથે વાર્તાનાં પુસ્તકો વાંચી અને મોબાઈલ પર અમારી મનપસંદ શબ્દ-રમત રમી અન્ય થોડી બપોરો પસાર કરી. પરીવાર વેકેશનનો થોડો વધુ સમય ગુજરાતમાં માણી શકે એટલે તેમને ત્યાં મૂકી હું ફરી મુંબઈ આવી ગયો ત્યારે મને અહિં સરસ મજાની ઉનાળુ સરપ્રાઈઝ મળી! મારા મકાનની બાલ્કનીમાં ગોઠવેલાં એક કૂંડામાં એક મોટી કળી ડોકાઈ રહી હતી. કળી હતી વર્ષમાં એક વાર મે મહિનામાં ખીલતાં લાલ મોટાં સુંદર પુષ્પ મે-ફ્લાવરનીછેલ્લાં ત્રણેક વર્ષથી પુષ્પ મારા આંગણાંની શોભા દર ઉનાળે મે માસમાં વધારે છે! વર્ષે પણ પેલી કળીએ બ્લોગ લેખ લખી રહ્યો છું દિવસે પૂર્ણ પણે ખીલી મારા ઉનાળાને માણવા લાયક બનાવી દીધો છે!

...અને છેલ્લે ઉનાળાની વાત ફળોનાં રાજા કેરી વગર કઈ રીતે પૂરી થાય? પીળા રંગનું જાણે ઉનાળા સાથે કોઇ જોડાણ છે! તડકો પીળો! ગરમાળાનાં ફૂલ પીળાં! કેરીનો રંગ પણ પીળો! અમૃત જેવો મીઠો સ્વાદ ધરાવતી કેરી ઉનાળાની આપણને અપાતી શ્રેષ્ઠ ભેટ છે! પછી તમે ચીરી ચૂસીને માણો કે રસ સ્વરૂપે પીને...કેરી એટલે કેરી!!
 ઉનાળાની બપોર માત્ર ઘરમાં ભરાઈને નહિં પણ બહાર નિકળીને પણ એકાદ વાર માણવી જોઈએ. ગરમી અનુભવ્યાં બાદ ઠંડક જે આરામ અને સુખ આપશે એની અનુભૂતિ શબ્દો દ્વારા વ્યક્ત નહિ થઈ શકે!

શનિવાર, 18 મે, 2019

ફિલ્મ ૪ડીએક્સ(4DX)માં જોવાની મજા


       તમે થિયેટરમાં ફિલ્મ જોઈ રહ્યાં હોવ, પડદા પર ગાડી પૂરપાટ ઝડપે જઈ રહી હોય અને તમારી સીટ પણ સાથે ધ્રૂજે જેથી તમને પણ તમે એ ગાડીમાં પ્રત્યક્ષ બેઠાં હોવ તેવો અનુભવ થાય, વચ્ચે કોઇ અડચણ આવે તો તમે પણ તમારી સીટ પર બેઠાં બેઠાં આંચકો અનુભવો, ગાડી જમણે કે ડાબે વળે તો તમારી સીટ પણ એ રીતે હલે કે તમને તમે પોતે એ ગાડીમાં બેઠાં હોવ એવું જ લાગે!  સ્ક્રીન પર ધુમાડો આવે એવો સીન હોય તો તમારી બેઠકની આસપાસ પણ સાચો ધુમાડો છોડવામાં આવે. સ્ક્રીન પર સૂસવાટા મારતો પવન વાતો હોય તો તમારી સીટની આસપાસ પણ એ રીતે હવા છોડવામાં આવે કે તમને એ પવનનો સ્પર્શ અનુભવાય! પિક્ચરમાં વિજળી પડે એવો સીન હોય તો થિયેટરમાં પણ એવી લાઈટ ઇફેક્ટ્સ પ્રયોજવામાં આવે કે તમને તમારી આસપાસ સાચે વિજળી થઈ રહી હોવાનો અનુભવ થાય. આ છે નવી ટેક્નોલોજી ૪ડીએક્સ ની કમાલ!
થ્રીડી ફિલ્મ તમારે ખાસ પ્રકારનાં ગોગલ પહેરી જોવી પડે જેમાં સ્ક્રીન પરની વસ્તુઓ તમારી પર સાચે આવી પડતી હોય તેવો ભાસ ઉભો કરાય, તેનાથી પણ એક ડગલું આગળ વધી ૪ડીએક્સ દ્વારા મોશન પિક્ચર રજૂ કરતી વખતે તમારી સીટ ધ્રુજાવી, પવન, વરસાદ, પ્રકાશ અને વાસ જેવી પર્યાવરણીય અસરો ભેળવી તમને થતાં અનુભવમાં એક નવું પરિમાણ ઉમેરાય છે જેથી તમારો અનુભવ વધુ મમળાવવાલાયક અને યાદગાર બની રહે.
            ૪ડીએક્સ એક મોશન પિક્ચર ટેક્નોલોજી છે જે સીજે ગ્રુપની દક્ષિણ કોરિયાઈ કંપની સીજે ૪ડીપ્લેક્સ દ્વારા વિક્સાવાઈ છે. લોનાવાલા નજીક આવેલ થીમ પાર્ક ઇમેજીકા એડલેબ્સમાં બે-ત્રણ રાઈડ્સ તમને આ ૪ડીએક્સ નો અનુભવ કરાવે છે પણ એટલે બધે લાંબે ન જવું હોય તો મુંબઈનાં કેટલાક થિયેટર્સમાં હવે આ ટેક્નોલોજી ઉપલબ્ધ છે. મલાડનાં ઇન્ફિનીટી અને ઇનઓર્બીટ મોલમાં, થાણેના વિવિયાના મોલમાં, કુર્લાનાં ફિનિક્સ માર્કેટ સીટી મોલમાં આ ટેક્નોલોજી ધરાવતા થિયેટર્સ છે જ્યાં તમે  હાલમાં ચાલી રહેલી અવેન્જર્સ શ્રેણીની અંતિમ ફિલ્મ કે ડીટેક્ટીવ પિકાચુ જેવી સ્પેશિઅલ ઇફેક્ટ્સ ધરાવતી ફિલ્મો ૪ડીએક્સ ઈફેક્ટ્સ સાથે માણી શકો છો. ટિકીટના ભાવ આ થિયેટર્સમાં થોડાં વધુ હોય પણ સવારનાં શો ની ટિકીટના ભાવ પછીના સામાન્ય શો ની ટિકીટના ભાવ કરતાં ઓછા હોય છે. ૪ડીએક્સમાં પિક્ચરની મજાનો અનુભવ ચોક્કસ માણવા જેવો ખરો!

કબૂતરને ચણ આફતને આમંત્રણ?

          આપણામાંના ઘણાં, પશુ - પક્ષીઓ પ્રત્યે દયા - કાળજી ધરાવનારા છીએ અને આ એક સારી પણ બાબત છે. સર્વ જીવો પ્રત્યે સમભાવ - મમતા રાખવાં સરાહનીય છે. પણ આપણાં વડવાઓ કેટલીક સચોટ મજાની કહેવતો કહી ગયાં છે. પરોપકારી વૃત્તિને અનુલક્ષીને એક કહેવત છે કે ધરમ કરતા ધાડ પડી અર્થાત્ આપણે કોઈક બાબત સારા આશય સાથે કરવા જઈએ પણ આફત નોતરી બેસીએ. કબૂતરને ચણ નાખતા આવો જ કઇંક ઘાટ સર્જાય છે. એ અંગે આજે ચર્ચા માંડવી છે.
    તાજેતરમાં મહારાષ્ટ્ર સરકારે જાહેર જગાઓએ કબૂતરને ચણ નાખવા પર પ્રતિબંધ મૂક્યો છે. કેટલાક લોકોએ અને પ્રાણીપ્રેમી-જીવદયા સંસ્થાઓએ આમ થવા પાછળનું મૂળ કારણ જાણ્યા વગર તેનો વિરોધ પણ નોંધાવ્યો છે. પણ કદાચ આજનો લેખ વાંચ્યા બાદ તમે એ પ્રતિબંધનું સમર્થન કરવા માંડશો, તમારા ઘર આંગણે કબૂતરને ચણ નાખવાનું બંધ કરી દેશો. 
    શું તમને ખ્યાલ છે કે કબૂતરની ચરક કે હગાર   જો તરત સાફ ન કરવામાં આવે અને તે સુકાઈ ને પડી રહે તો તેમાં એક ચોક્કસ પ્રકારના  બેક્ટેરિયા અને હિસ્ટોપ્લાસ્મા નામની ફૂગ પેદા થાય છે જે તમારા ફેફસાંમાં જાય તો અનેક જાતના રોગ નોતરી શકે છે અને ક્યારેક જીવલેણ સુદ્ધા સાબિત થઈ શકે છે. કબૂતરના સુકાયેલા મળની ઉડતી રજ શ્વસન અંગોમાં અને ફેફસામાં જાય તો સામાન્ય શરદી અને તાવથી લઈ ન્યૂમોનિયા કે ગંભીર ચેપ જેવી બીમારી લાગૂ પડી શકે છે, અસ્થમાના દર્દી કે નબળી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતા લોકો આ બીમારીઓથી વધુ અને જલ્દી પ્રભાવિત થઈ શકે છે. એક સાજી-સારી ગુજરાતી મહિલા આ કબૂતર - પ્રકોપનો ભોગ બની મોતના મુખેથી પાછી ફરી છે તેના જીવનની પ્રેરણાત્મક વાત આ મુદ્દે વધુ જાગૃતિ લાવવાના હેતુ સાથે અહીં રજૂ કરું છું. 
   નાનકડું કદ પણ મહામોટું મનોબળ ધરાવતી એ નમ્ર મહિલાનું નામ નમ્રતા ત્રિવેદી. ગુજરાતી માધ્યમમાં ભણી ડી. એડ.-બી. એ. નો અભ્યાસ કરી ચૌદ વર્ષ શિક્ષિકા તરીકે કામ કર્યા બાદ, એર હોસ્ટેસ બનવાની ઇચ્છા ધરાવતી નમ્રતાએ  ઐરાવત એવીએશન સંસ્થા દ્વારા એરપોર્ટ હેન્ડલિંગ મેનેજમેન્ટનો અભ્યાસક્રમ પૂરો કરી અંધેરીના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ગ્રાઉંડ સ્ટાફર તરીકે ચાર વર્ષ નોકરી કરી. અહીં સુધી જીવનમાં બધું વ્યવસ્થિત ચાલ્યું પણ વર્ષ ૨૦૧૧માં તેને સૂકી ખાંસી થઈ જે મટવાનું  નામ જ નહોતી લેતી. છ-એક મહિના સુધી સામાન્ય દવાઓ લીધા કરી, ફેમીલી ડૉક્ટરની દવા લીધી, ઘરેલું ઉપચાર કર્યાં. કાન - નાક - ગળાના ડૉક્ટર ને બતાવ્યું, ટી. બી. નથી તેની ખાતરી કરવા તેના રિપોર્ટ કઢાવ્યાં. છેવટે એક ચેસ્ટ સ્પેશીયલિસ્ટ ડૉક્ટરના મતાનુસાર સી. ટી. સ્કેન રિપોર્ટ કઢાવ્યો, તેમાં તેના ફેફસા પર કરોળિયાના જાળાં જેવાં કાળા થર જામેલા જોવા મળ્યાં. એ જોઈ એક ડોક્ટરે તો તેના માતાપિતા ને એવી આગાહી કરી ગભરાવી માર્યા કે તમારી દીકરી હવે વધુ માં વધુ ત્રણેક વર્ષ જીવશે. ભળતી દવાઓ અને સ્ટેરોઈડસના હેવી ડોઝ લેવાને કારણે તેની તબિયત વધુ કથળી. પણ તેના પતિ દિવ્યેશ અને માતાપિતાનો મજબૂત સહયોગ તેને આવી કપરી પરિસ્થિતિમાં પણ ટકી રહેવાનું બળ પૂરું પાડી રહ્યો. આખરે હિન્દુજા હોસ્પિટલના ડૉક્ટર ઝરીર ઉદ્વાડીઆએ તેમને બ્રોન્કોસ્કોપી, બાયોપ્સી બાદ રોગનું ચોંકાવનારું ખરું નિદાન કર્યું. તેમને થયેલ વ્યાધિનું કારણ હતું - પીજન ઈન્ડ્યુસ્ડ હાઇપરસેન્સિટિવીટી ન્યૂમોનાઈટીસ. મૂળ વાત એમ હતી કે નમ્રતા જ્યાં રહેતી તે બિલ્ડીંગમાં તેમની બાજુનો જ ફ્લેટ ખાલી હતો. જેમાં કબૂતર રહેતા હતાં. તેમના બિલ્ડીંગમાં આમ પણ કબૂતરો ખૂબ વધારે પ્રમાણમાં રહેતા હતાં. ભોળે ભાવે જીવદયાના વિચારો અનુસરતા નમ્રતાનો પરિવાર પણ કબૂતરોને ચણ નાખતો. પણ યોગ્ય સફાઈના અભાવે અને બાજુના જ બંધ ફ્લેટમાં કબૂતરના ઉપદ્રવને લીધે સૂકાયેલા હગારની રજ - તેમાંની ફૂગ નમ્રતાના ફેફસામાં ગઈ અને તેણે કાળો કેર વર્તાવ્યો. આ ભયંકર બિમારીએ એવો ભરડો લીધો કે તેની ચુંગાલમાંથી બહાર નીકળતા નમ્રતાના જીવનના ચાર - પાંચ વર્ષનો ભોગ લેવાઈ ગયો, સાથે જ શારીરિક - માનસિક યાતના અને પૈસાના પાણી વધારામાં. તે સરખો શ્વાસ ન લઈ શકે, આખી આખી રાત ઉંઘી ન શકે, ઘડી ઘડી ચક્કર ખાઈ પડી જાય - આ બધું ભોગવ્યું. ભારે દવાઓ અને સ્ટેરોઈડસ ની આડ અસર ને કારણે હાડકાં નબળા પડી જાય, દાંત બરડ અને પોલા થઈ જાય, આંખો નબળી પડી જાય આ બધાં ને પરિણામે તેમની મોઢાંની ત્રણેક સર્જરી કરવી પડી. પણ તેનું મનોબળ અકબંધ રહ્યું. જીજીવિષા જીતી ગઈ અને નમ્રતા રાખમાંથી ઉભા થયેલા ફિનિકસ પંખીની માફક બેઠી થઈ. 
પાંચેક વર્ષ સારવાર બાદ તેને કબૂતર દ્વારા લાગેલી બિમારી માંથી મુક્તિ મળી. જો કે આજે પણ તેની સારવાર ચાલુ જ છે અને દવાઓ અને સ્ટેરોઈડસને કારણે કેલ્સિયમ સ્ટોન સર્જાતા તેને નાની મોટી સર્જરીઓ કરાવવી પડે છે. તેને નવજીવન મળ્યું તેનો યશ તે આપે છે પોતાના જીવનસાથી દિવ્યેશ, માતાપિતા તથા હિન્દુજા હોસ્પિટલના ડૉ. ઝરીર ઉદ્વાડીઆ અને લીલાવતી હોસ્પિટલના ડૉ. પ્રહલાદ પ્રભુ દેસાઈ તથા ગોરેગામમાં ચાલતા તેમના પલ્મોનરી રીહેબ સેન્ટરને જ્યાં આજે પણ નમ્રતા ઉત્સાહ સાથે ત્યાંની પ્રવૃતિઓમાં સક્રિય ભાગ ભજવે છે. 
સતત કઇંક ને કંઈક નવું કરતા રહેવાનો શોખ ધરાવનાર નમ્રતા સ્વચ્છ અને સુઘડ રહેવાનો શોખ પણ ધરાવે છે અને હવે આઠ મહિનાનો બ્યુટીશિયન - હેર સ્ટાઇલિસ્ટનો કોર્સ કરી તે મીરા રોડમાં એક સલૂન મેનેજર તરીકે ફરજ બજાવે છે. કબૂતર દ્વારા ફેલાતી આ બીમારી અંગે જાગૃતિ ફેલાવતી એકોકતી તેઓ ભજવી ચૂક્યા છે - ભજવે છે અને જે સોસાયટી - બિલ્ડિંગ વગેરે ને આ અંગે માર્ગદર્શન જોઈએ તે નમ્રતા ઉત્સાહ પૂર્વક પૂરાં પાડે છે. આ દિશામાં વધુ સારું અને અર્થપૂર્ણ કામ કરવા તે એક એન. જી. ઓ. સ્થાપવાની પણ મહેચ્છા ધરાવે છે. 
    ફરી કબૂતરને ચણ નાખવાની મૂળ વાત પર પાછા ફરીએ.આ થોડાં-ઘણાં સૂચન ધ્યાનમાં રાખીએ. એક તો કબૂતરને જ્યાં ત્યાં જાહેર જગાએ ચણ ન નાંખીએ. ગંદવાડ ન ફેલાવીએ. પક્ષીને ચબૂતરા કે ચોક્કસ જગાએ ચણ નાંખતા પણ હોઈએ તો આ જગાની સ્વચ્છતા અંગે પૂરેપૂરી તકેદારી લઈએ, કબૂતર કે કોઈ પણ પંખી કે પશુની હગાર કે મળમૂત્ર સુકાવા ન દેતા તેનો તાત્કાલિક નિકાલ કરીએ કે કરાવીએ. આપણા ઘર કે બિલ્ડીંગમાં કબૂતરજાળી લગાડીએ. કેટલાક લોકો દરિયાઈ પક્ષીઓને ગાંઠિયા ખવડાવે છે જે આ પક્ષીઓના સ્વાસ્થ્ય માટે અતિ હાનિકારક સાબિત થાય છે. આમ કરવું સદંતર બંધ કરી દઈએ. ઉનાળામાં કાળઝાળ ગરમીથી ત્રસ્ત પશુપક્ષીઓ માટે પાણીના પાત્ર જરૂર મૂકીએ પણ તેની આસપાસ સ્વચ્છતાનું પણ અતિ સજાગતાપૂર્વક ધ્યાન રાખીએ.