Translate

લેબલ summer સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ summer સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

રવિવાર, 19 મે, 2019

ઉનાળાની બળબળતી બપોર

મે મહિનો એટલે ઉનાળાની ચરમસીમા. ઉનાળો જતા પહેલા કેમ જાણે પોતાનું પોત પ્રકાશતો હોય એમ ત્રાહિમામ પોકારાવી દે એવી ગરમી વરસાવે.આ મે માસની ઉનાળાની બપોર કેવી હોય? બળબળતી! કાળઝાળ ગરમી , લૂ વરસાવતી આવી બપોરે જેને બહાર તડકામાં મજબૂરીથી ફરવું પડતું હોય તેનાતો નસીબની બલિહારી!!
જો કે જીવનમાં દરેક બાબતનું મહત્વ હોય છે. છાયાની ટાઢક ત્યારે જ માણી શકાય જ્યારે તડકાનો તાપ જીરવ્યો હોય. પરિવર્તન જ સંસારનો નિયમ છે. સુખ દુ:ખની ઘટમાળ તો ચાલ્યા જ કરે. તડકા પછી છાયો તો છાયા પછી તડકો આવવાના જ હોય, માટે ધીરજ ધરતાં શીખવું જોઇએ. અને જે પરિસ્થિતી આવે તેનો સહર્ષ સ્વીકાર કરી જીવન પ્રત્યેક ક્ષણે માણવાનો પ્રયત્ન કરવો જોઇએ. ઉનાળાના ધોમધખતા તાપ અને બળબળતી બપોરમાંયે માણવા જેવું ઘણું છે! એ માણવા માટે ખુલ્લી નજર, ખુલ્લું મન અને હકારાત્મક અભિગમ જોઇએ!
બળબળતી બપોરે ગાડીમાં બેસીને ક્યાંક જઈ રહ્યાં હોઇએ ત્યારે લીલાછમ ખેતરો આંખને અને મનને કેવી ઠંડક અને શાતા આપે છે! ઠંડું પાણી કે શરબત ત્યારે પીઓ તો એવી પરિતૃપ્તિનો અનુભવ થાય જે શરીર સાથે મનને પણ આનંદ આપે. થોડાં દિવસ અગાઉ ગુજરાતમાં ગામે ગયો ત્યારે એક બળબળતી બપોરે  ઘટાટોપ વડલા નીચે શેરડીનો રસ વેચતા ઠેલા પર નજર પડી. બે ચાર યુવાનો એક મશીન પર શેરડીનો રસ કાઢી તે વટેમાર્ગુઓને વેચી રહ્યાં હતાં. મશીન પણ કેવું ? યાંત્રિક કે સ્વયંચાલિત નહિં. લાકડાનાં બે નળાકાર પાત્રોની સપાટી પર આંકા પાડેલા અને તે આંકા એકમેકમાં ભેરવાય અને એક પાત્ર ધરી પર ગોળાકારે ફરે તો બાજુમાં ગોઠવેલું બીજું પાત્ર પણ આપમેળે વિરુદ્ધ દિશામાં ગોળાકારે ફરે. બંને પાત્રો વચ્ચે થોડી જગ્યા રાખેલી હોય જેમાંથી શેરડીનો સાંઠો એક જણ એક બાજુથી બે પાત્રો વચ્ચે ઘૂસાડે અને બીજો જણ સામે છેડેથી તેને ખેંચે.પાત્રો ગોળાકારે પોતપોતાની ધરી પર ફરતાં હોય એટલે શેરડીના સાંઠાને તેમની વચ્ચેથી પસાર થતાં પીલાવું પડે અને નીચે પડે શેરડીનો મીઠો રસ, જે નીચે ગોઠવેલા વાસણમાં ઠલવાય. રસ પીતા પહેલાં તેને કાઢવાની આ રસપ્રદ પ્રક્રિયા માણવાની ભારે મજા આવી! નળાકાર પાત્રો ફરે કઈ રીતે? એ પણ ભારે મજાનું! એક પાત્ર સાથે મોટી જાડી લાકડી જોડેલી હોય જેનો એક છેડો પેલાં યુવાનોમાંનો એક હાથમાં લઈ ધક્કો મારતો ગોળ ગોળ ફરે! ઘાંચી બળદની જોડને ગોળ ગોળ ઘૂમાવી તેલ કાઢવા માટે જે રીત અપનાવે છે તેની યાદ મને આ દ્રષ્ય જોઈ આવી ગઈ! કદાચ  એ લાકડીને ગોળ ફેરવી રહેલો યુવાન આ વિચાર જાણી ગયો હશે એટલે જ જ્યારે મેં આ શેરડીના રસ કાઢવાની પ્રક્રિયાનો વિડીઓ મારા મોબાઈલ કેમેરામાં ઉતારવાની શરૂઆત કરી કે તે જાણે શરમાઈ ગયો અને તેણે પોતાના મોઢે રૂમાલ ઢાંકી દીધો! શેરડીનાં સાંઠાને ચાર-પાંચ વાર આ પીલાવાની પ્રક્રિયામાંથી પસાર કર્યા બાદ એકાદ-બે ગ્લાસ શેરડીનો મીઠો રસ તૈયાર થાય! ઉનાળાની બળબળતી બપોરે એનો સ્વાદ હોય તે કરતાંયે વધુ મીઠો લાગે જ્યારે તેમાં બરફ અને મસાલો ભભરાવી એ તમારા હાથમાં ધરાય અને તમે એને મોઢે માંડી ગટગટાવી જાવ!
એ જગા પણ ખાસ્સી મજેદાર હતી  માર્ગમાં એક બાજુએ મોટા વડલા હેઠળ, જેની શીળી છાંયામાં તમને ઉનાળાની ગરમી ગાયબ થઈ ગયેલી લાગે! બંને બાજુ મબલખ પાકથી લહેરાતા ખેતરો હતાં. વડલાંની એકાદ ડાળીએ પંખીઓ પાણી પી શકે એ માટે એક તૂટેલું માટલું લટકાવેલું હતું.મારી પાસે પાણીની બોટલ હતી તે મેં એમાં ઠાલવી દીધી.પછી ત્યાં પથ્થરની લાંબી લાદી પાથરીને બનાવેલી બેઠક પર બેસી મેં બે ગ્લાસ શેરડીનો મીઠો રસ ધરાઈને પીધો અને તરસ છીપાવી! અત્યારે તો ભૂખ નહોતી લાગી છતાં કોણ જાણે કેમ એકાદ વાર ઉનાળાની બપોરે બહાર ફરવા જઈ લીમડાનાં ઝાડની છાંયમાં વન-ભોજન લીધાની સ્મૃતિ તાજી થઈ ગઈ. થેપલાં-સૂકી ભાજી અને છાશની માણેલી મજાએ જે છાપ મન પર છોડી હતી તે ક્યારેય ભૂંસાશે નહિ!

થોડે આગળ વધ્યાં એટલે થોડાં ગરમાળાનાં વૃક્ષો નજરે ચડ્યાં. પીળાં ગુચ્છામાં લટકતાં ફૂલો ધરાવતાં આ વૃક્ષો મારા મતે સૌથી સુંદર વૃક્ષોની સ્પર્ધામાં ઇનામ મેળવી જાય તો નવાઈ  ન લાગે! નાના નાના ઝૂમ્મરની જેમ લટકતાં પીળાં પીળાં નાના નાના ફૂલો એટલા તો સુંદર દેખાય કે તમને તેમને જોયાં જ કરવાનું મન થાય! અને એટલાં પ્રમાણમાં ફૂલો હોય કે ઝાડનાં પત્તાં તો તમને દેખાય જ નહિ! આ ફૂલો પણ ઉનાળામાં જ ખીલે છે. કરું તો ગરમાળાના ઝાડ અને ફૂલને થાઈલેન્ડનાં રાષ્ટ્રીય ઝાડ અને ફૂલનો દરજ્જો અપાયો છે તો આપણાં ભારતમાંયે તેને કેરળના રાજ્ય ફૂલ તરીકે સ્થાન અપાયું છે. તેનાં ફૂલો વસંત વિદાય લે ત્યારે ભારે માત્રામાં ખીલી જાણે તેને વિદાય આપે છે! આ ફૂલો ઔષધિય ગુણધર્મ અને મહત્વ પણ ધરાવે છે.
આડવાત
ઘરે પરત આવ્યાં બાદ સાંજે મારા સાળા સાહેબ તેમનાં ભાણી-ભાણાંને બરફનો ગોળો ખાવા લઈ ગયાં. બરફનાં સફેદ ગોળાં પર ત્રણ જુદા જુદા રંગનાં શરબતની સુંદર ડીઝાઈન બનાવી ગોળાવાળાએ જ્યારે મારા બચ્ચાઓનાં હાથમાં એ ગોળા પકડાવ્યાં ત્યારે તેમનાં ચહેરાં પરના ભાવ જોવા જેવા હતાં, એ ગોળાંના સ્વાદ કરતાંયે વધુ સુંદર!! 
રોજ રોજ તો તડકામાં ફરાય નહિ, એટલે બાકીની બપોર તેમનાં ઘરમાં કોઈ ખૂણેથી ગરમી ભરાઈ ન જાય એની તકેદારી રાખી મારા સાસુમાએ ઘરને ચૂસ્ત બંધ કરી, પડદાં વગેરેથી ઢાંકી દઈ એ.સી. ચાલુ કરી અમને નજરકેદ કરી લીધાં! બપોરે ઉંઘવાની આદત નહિ,એટલે મેં નમ્યા સાથે વાર્તાનાં પુસ્તકો વાંચી અને મોબાઈલ પર અમારી મનપસંદ શબ્દ-રમત રમી અન્ય થોડી બપોરો પસાર કરી. પરીવાર વેકેશનનો થોડો વધુ સમય ગુજરાતમાં માણી શકે એટલે તેમને ત્યાં મૂકી હું ફરી મુંબઈ આવી ગયો ત્યારે મને અહિં સરસ મજાની ઉનાળુ સરપ્રાઈઝ મળી! મારા મકાનની બાલ્કનીમાં ગોઠવેલાં એક કૂંડામાં એક મોટી કળી ડોકાઈ રહી હતી.એ કળી હતી વર્ષમાં એક જ વાર મે મહિનામાં જ ખીલતાં લાલ મોટાં સુંદર પુષ્પ મે-ફ્લાવરની! છેલ્લાં ત્રણેક વર્ષથી આ પુષ્પ મારા આંગણાંની શોભા દર ઉનાળે મે માસમાં વધારે છે! આ વર્ષે પણ પેલી કળીએ આ બ્લોગ લેખ લખી રહ્યો છું એ દિવસે પૂર્ણ પણે ખીલી મારા ઉનાળાને માણવા લાયક બનાવી દીધો છે!

...અને છેલ્લે ઉનાળાની વાત ફળોનાં રાજા કેરી વગર કઈ રીતે પૂરી થાય? પીળા રંગનું જાણે ઉનાળા સાથે કોઇ જોડાણ છે! તડકો પીળો! ગરમાળાનાં ફૂલ પીળાં! કેરીનો રંગ પણ પીળો! અમૃત જેવો મીઠો સ્વાદ ધરાવતી કેરી ઉનાળાની આપણને અપાતી શ્રેષ્ઠ ભેટ છે! પછી એ તમે ચીરી ચૂસીને માણો કે રસ સ્વરૂપે પીને...કેરી એટલે કેરી!!
 ઉનાળાની બપોર માત્ર ઘરમાં ભરાઈને જ નહિં પણ બહાર નિકળીને પણ એકાદ વાર માણવી જોઈએ. ગરમી અનુભવ્યાં બાદ ઠંડક જે આરામ અને સુખ આપશે એની અનુભૂતિ શબ્દો દ્વારા વ્યક્ત નહિ થઈ શકે!

શનિવાર, 12 મે, 2018

બળબળતા ઉનાળામાં અબોલ પશુઓની સેવા

ઉનાળાની આગ ઝરતી ગરમીમાં આપણે ગરમીથી બચવાના અનેક ઉપાયો કરી લઈએ છીએ - જેમ કે એર કન્ડિશન્ડ ઓરડામાં ભરાઈ રહેવું,ઠંડુ ઠંડુ પાણી જ્યારે જોઇએ ત્યારે અને જેટલી માત્રામાં જોઇએ એટલું પીવું, આઈસ્ક્રીમ ખાવો, સુતરાઉ કપડા પહેરવા વગેરે વગેરે. પણ વિચાર કરો નદી-નાળા સુકાઈ જાય, પાણીની કમી હોય ત્યારે રસ્તે રઝળતાં કે માત્ર કુદરતી સ્રોતો પર આધાર રાખનારાં પશુ-પંખીઓ કાળઝાળ ગરમીથી બચવા શું કરે?
૧૨મી એપ્રિલ ૨૦૧૮ના દિવસે મારી મુંબઈ - વાંદ્રાના બી.કે.સી. વિસ્તારમાં આવેલી ઓફિસમાં સાંજે પાંચેક વાગે મને મારી ઓફિસના સિક્યુરીટી ગાર્ડ તરફથી ફોન આવ્યો  કે  ઓફિસના ગેટ પાસે એક મોટી સમડી જમીન પર પડી ગઈ છે અને તેને મદદની જરૂર છે. મેં તેને સૂચના આપી કે હું યોગ્ય વ્યક્તિ કે સંસ્થાનો સંપર્ક કરું ત્યાં સુધી તેને એક ખાલી ખોખામાં ઉપાડીને મૂકી રાખે. તેણે તેમ કર્યું અને મેં બર્ડ-એનિમલ હેલ્પલાઈન સંસ્થાનો સંપર્ક કર્યો ૮૬૫૫૩૭૦૦૦૫ નંબર પર. તરત એ સંસ્થા સાથે સંકળાયેલા સોનલ બહેને મને પ્રતિભાવ આપ્યો કે તેઓ કોઇકને મારી ઓફિસ સુધી મોકલી આપશે અને મારે પક્ષીને જે આવે તેને સોંપી દેવું. બદલામાં એક પણ પૈસાની અપેક્ષા રાખ્યા વગર આ સંસ્થા સાથે સંકળાયેલા અબોલ પશુઓના સેવક યુવામિત્રો અને  કાર્યકરો જે - તે જગાએ મદદની જરૂર હોય તેવા પ્રાણી કે પક્ષી પાસે નિસ્વાર્થ ભાવે પહોંચી જાય છે અને તેમને બચાવી લે છે. મારી ઓફિસ સુધી દોઢેક કલાકમાં એક યુવા કાર્યકર મિત્ર એ સાંજે પેલી સમડીને બચાવવા આવી પહોંચ્યો અને જે ખોખામાં સમડીને મૂકી રાખી હતી તે સાથે જ તેને સારવાર અર્થે લઈ ગયો. પ્રાથમિક દ્રષ્ટીએ જોતા તેણે જણાવ્યું કે સમડીને ઉનાળાની સખત ગરમીને કારણે પાણી પીવા ન મળતા ડીહાયડ્રેશનને કારણે ગળે શોષ પડ્યો હશે અને ચક્કર આવતા તે જમીન પર પડી ગઈ હશે.
                ઉનાળાની શેકી નાખે તેવી ભયંકર ગરમીમાં મોટા ભાગના પશુ-પક્ષીઓ આવી સમસ્યાનો શિકાર બને છે. તેમને પીવાનું પાણી ઓછું મળે છે કે ક્યારેક તો કલાકો સુધી મળતું જ નથી. તેઓ તો ફરીયાદ કરવા પણ કોને જાય? આ સમસ્યાનો કંઈક અંશે હલ લાવવાનું બીડું ઝડપ્યું છે મુંબઈના કાંદિવલીમાં રહેતા ૭૧ વર્ષના જીવદયા પ્રેમી ધનસુખલાલ વિઠ્ઠલજી મહેતાએ. તેઓ પોતાના ઘરનાં પૈસામાં તેમને લોકો તરફથી દાનમાં મળતી રકમ ઉમેરી પશુ-પંખીઓ માટે પાણીના માટી-સિમેન્ટ કે પ્લાસ્ટીકના કૂંડા બનાવે છે અને મફતમાં તેનું વિતરણ કરે છે.
રીટાયર્ડ એવા ધનસુખભાઈનું માનવું છે કે મૂર્તિપૂજા કરતા લોકો જીવ-પૂજા (અર્થાત અન્ય જરૂરિયાતમંદ મનુષ્યો કે અબોલ પશુ-પંખીઓની સેવા) કરતાં થાય તો પૃથ્વી પરથી ઘણું દુ:ખ ઓછું થઈ જાય. છેલ્લાં ૩૫ વર્ષથી તેઓ સમજ સેવા-કાર્ય સાથે સંકળાયેલા છે. વર્ષો પહેલા તેમણે એક કૂતરાને ફીનાઈલ વાળું પાણી પી જતાં તરફડીને મરી જતા જોયું ત્યારથી તેમને અબોલ પશુ-પક્ષીઓની તૃષા છિપાવવા કંઈક કરવાનો વિચાર આવ્યો.આજે ઘણાં વર્ષોથી તેઓ પોતાને ખર્ચે રંગબેરંગી ફરફરીયા છપાવે છે અને દુકાનોમાં, મંદીરોમાં કે જાહેર જગાએ તેને લગાડવા કહે છે જેમાં સમજ સેવાની પ્રેરણા આપતા સંદેશાઓ લખેલા હોય છે.
                આ વખતે પણ તેમણે સિમેન્ટના લગભગ દોઢસો,પ્લાસ્ટીકના બસ્સો અને માટેના ત્રણસો જેટલાં કૂંડા પશુપક્ષીઓની તરસ છિપાવવા બનાવડાવ્યાં છે અને તેઓ લોકોને એ મફતમાં લઈ જવા તથા પોતપોતાના ઘરની આસપાસ કે યોગ્ય સ્થળે મૂકવા વિનંતી કરે છે. તમારે પણ જો આવું કુંડૂ જોઇતું હોય તો તમે આ સ્થળોએથી તે પ્રાપ્ત કરી શકો છો : મલાડ રેલવે સ્ટેશન બહાર પશ્ચિમ તરફ આવેલ મોટું જૈન દેરાસર ; બોરિવલીના સાંઈબાબા નગર - સાંઈબાબા રોડ પર પંચરત્ન બિલ્ડીંગ ખાતે રહેતા હસમુખભાઇ શાહના નિવાસસ્થાન, કાંદિવલી પૂર્વમાં ચિલ્ડ્રન્સ એકેડેમી સ્કૂલની ગલીમાં અશોક ચક્રવર્તિ ક્રોસ રોડ પાસે શાંત મનોર બિલ્ડીંગમાં ધનસુખભાઈના નિવાસસ્થાનેથી.
                ધનસુખભાઈ એ લાખો રુપિયાનું દાન એકઠું કરી ગુજરાતના ધોરાજી પાસે આવેલા જામ કંદોણા ગામમાં ૧૮૦૦ ગાયો માટે ગૌશાળા બંધાવી ઘણું ઉમદા કાર્ય કર્યું છે, આ જ ગામમાં તેમણે ૪૦૦ જેટલા લીમડાના વૃક્ષો રોપાવ્યાં છે તેમજ દહાણુ પાસે આવેલા વૃદ્ધાશ્રમ તેમજ માનસિક રીતે અસ્થિર લોકોના આશ્રમ સાથે પણ તેઓ સંકળાયેલા છે અને જીવસેવાનું ઉદાહરણીય અને અનુકરણીય કામ તેઓ કરે છે. ઘરની બહાર નીકળે એટલે પાર્લે-જી બિસ્કીટના પાકીટ્સ તેમની પાસે હોય જ જે તેઓ રસ્તે ભિખ માગતા બાળકો કે મૂગા પશુઓને ખવડાવે છે. ક્યારેક તેઓ પોતાની ઘેર રાખેલા પશુઓ માટેના સ્ટીલના પાણીના કૂંડામાં સાકર ભેળવે છે જેથી પશુઓને પણ શરબત જેવું પાણી પીધાનો આનંદ અને સંતોષ પ્રાપ્ત થાય!
               ધનસુખભાઈ મહેતાનો તમે ૮૧૦૮૮૩૬૯૪૯ આ નંબર પર સંપર્ક કરી શકો છો.
               બીજી એક વાત સાથે આજનો બ્લોગ લેખ પૂરો કરીશ. થોડા મહિના અગાઉ પણ રસ્તે ચાલતા મને એક ચામાચિડીયાનું બચ્ચું દિવસ દરમ્યાન એક ઝાડ નીચે પડેલું મદદ માટે હવાતિયા મારતું નજરે પડ્યું. રસ્તા વચ્ચે તેને કઈ રીતે મદદ કરવી? ચામાચિડીયાને દિવસે દેખાતું નથી અને આ તો વળી નાનકડું બચ્ચું. જો હું ઓફિસ જવામાં મોડું થશે એમ વિચારી તેને હતું ત્યાંનુ ત્યાં મૂકી ચાલ્યો જાત તો કાગડો કે અન્ય પંખી તેને હેરાન કરત અથવા મારી નાખત કે પછે તે કોઈના પગ નીચે આવી કચડાઈ મરત આથી મેં તેની મદદ કરવાનો નિર્ણય કર્યો. બાજુમાં એક મોટી ઓફિસના બિલ્ડીંગનો ગેટ હતો અને તેના સિક્યુરીટી ગાર્ડને મેં એકાદ ખાલી ખોખાની વ્યવસ્થા કરી આપવા વિનંતી કરી પણ તેણે નિસહાયતા દર્શાવી. હવે શું કરવું? તરત મને વિચાર સ્ફૂર્યો. મારી ઓફિસની બેગમાં પ્લાસ્ટીકના ડબ્બામાં સૂકો નાસ્તો હતો તે મેં એક કોથળીમાં ખાલી કરી નાખ્યો અને ડબ્બો લૂછી ચોખ્ખો કરી બાજુમાં પડેલી સળી અને ચમચીની મદદથી ચામાચિડીયાના બચ્ચાને ડબ્બામાં મૂકી દીધું. પછી ઓફિસ જઈ બર્ડ - એનિમલ હેલ્પલાઈનને ફોન કર્યો અને તેના કાર્યકર્તા થોડી વાર રહીને ચામાચિડીયાના બચ્ચાને લઈ ગયાં. તેઓ પશુ-પંખીને લોઅર પરેલ ખાતે આવેલી પ્રાણીઓની હોસ્પિટલમાં લઈ જાય છે અને યોગ્ય સારવાર બાદ તેને તેના કુદરતી રહેઠાણમાં મુક્ત મુકી દે છે. આ પ્રસંગ શેર કરવાનો આશય એટલો કે જો તમે પશુ-પંખીઓની ખરા હ્રદયથી મદદ કરવા ઇચ્છતા હશો તો માર્ગ અને સાધન ઘણાં જડી આવશે. બસ યાદ રાખવાની જરૂર છે કે ધનસુખભાઈના કહ્યાં પ્રમાણે જીવ સેવા એ જ પ્રભુ સેવા છે.