Translate

શનિવાર, 12 મે, 2018

બળબળતા ઉનાળામાં અબોલ પશુઓની સેવા

ઉનાળાની આગ ઝરતી ગરમીમાં આપણે ગરમીથી બચવાના અનેક ઉપાયો કરી લઈએ છીએ - જેમ કે એર કન્ડિશન્ડ ઓરડામાં ભરાઈ રહેવું,ઠંડુ ઠંડુ પાણી જ્યારે જોઇએ ત્યારે અને જેટલી માત્રામાં જોઇએ એટલું પીવું, આઈસ્ક્રીમ ખાવો, સુતરાઉ કપડા પહેરવા વગેરે વગેરે. પણ વિચાર કરો નદી-નાળા સુકાઈ જાય, પાણીની કમી હોય ત્યારે રસ્તે રઝળતાં કે માત્ર કુદરતી સ્રોતો પર આધાર રાખનારાં પશુ-પંખીઓ કાળઝાળ ગરમીથી બચવા શું કરે?
૧૨મી એપ્રિલ ૨૦૧૮ના દિવસે મારી મુંબઈ - વાંદ્રાના બી.કે.સી. વિસ્તારમાં આવેલી ઓફિસમાં સાંજે પાંચેક વાગે મને મારી ઓફિસના સિક્યુરીટી ગાર્ડ તરફથી ફોન આવ્યો  કે  ઓફિસના ગેટ પાસે એક મોટી સમડી જમીન પર પડી ગઈ છે અને તેને મદદની જરૂર છે. મેં તેને સૂચના આપી કે હું યોગ્ય વ્યક્તિ કે સંસ્થાનો સંપર્ક કરું ત્યાં સુધી તેને એક ખાલી ખોખામાં ઉપાડીને મૂકી રાખે. તેણે તેમ કર્યું અને મેં બર્ડ-એનિમલ હેલ્પલાઈન સંસ્થાનો સંપર્ક કર્યો ૮૬૫૫૩૭૦૦૦૫ નંબર પર. તરત સંસ્થા સાથે સંકળાયેલા સોનલ બહેને મને પ્રતિભાવ આપ્યો કે તેઓ કોઇકને મારી ઓફિસ સુધી મોકલી આપશે અને મારે પક્ષીને જે આવે તેને સોંપી દેવું. બદલામાં એક પણ પૈસાની અપેક્ષા રાખ્યા વગર સંસ્થા સાથે સંકળાયેલા અબોલ પશુઓના સેવક યુવામિત્રો અને  કાર્યકરો જે - તે જગાએ મદદની જરૂર હોય તેવા પ્રાણી કે પક્ષી પાસે નિસ્વાર્થ ભાવે પહોંચી જાય છે અને તેમને બચાવી લે છે. મારી ઓફિસ સુધી દોઢેક કલાકમાં એક યુવા કાર્યકર મિત્ર સાંજે પેલી સમડીને બચાવવા આવી પહોંચ્યો અને જે ખોખામાં સમડીને મૂકી રાખી હતી તે સાથે તેને સારવાર અર્થે લઈ ગયો. પ્રાથમિક દ્રષ્ટીએ જોતા તેણે જણાવ્યું કે સમડીને ઉનાળાની સખત ગરમીને કારણે પાણી પીવા મળતા ડીહાયડ્રેશનને કારણે ગળે શોષ પડ્યો હશે અને ચક્કર આવતા તે જમીન પર પડી ગઈ હશે.
                ઉનાળાની શેકી નાખે તેવી ભયંકર ગરમીમાં મોટા ભાગના પશુ-પક્ષીઓ આવી સમસ્યાનો શિકાર બને છે. તેમને પીવાનું પાણી ઓછું મળે છે કે ક્યારેક તો કલાકો સુધી મળતું નથી. તેઓ તો ફરીયાદ કરવા પણ કોને જાય? સમસ્યાનો કંઈક અંશે હલ લાવવાનું બીડું ઝડપ્યું છે મુંબઈના કાંદિવલીમાં રહેતા ૭૧ વર્ષના જીવદયા પ્રેમી ધનસુખલાલ વિઠ્ઠલજી મહેતાએ. તેઓ પોતાના ઘરનાં પૈસામાં તેમને લોકો તરફથી દાનમાં મળતી રકમ ઉમેરી પશુ-પંખીઓ માટે પાણીના માટી-સિમેન્ટ કે પ્લાસ્ટીકના કૂંડા બનાવે છે અને મફતમાં તેનું વિતરણ કરે છે.
રીટાયર્ડ એવા ધનસુખભાઈનું માનવું છે કે મૂર્તિપૂજા કરતા લોકો જીવ-પૂજા (અર્થાત અન્ય જરૂરિયાતમંદ મનુષ્યો કે અબોલ પશુ-પંખીઓની સેવા) કરતાં થાય તો પૃથ્વી પરથી ઘણું દુ: ઓછું થઈ જાય. છેલ્લાં ૩૫ વર્ષથી તેઓ સમજ સેવા-કાર્ય સાથે સંકળાયેલા છે. વર્ષો પહેલા તેમણે એક કૂતરાને ફીનાઈલ વાળું પાણી પી જતાં તરફડીને મરી જતા જોયું ત્યારથી તેમને અબોલ પશુ-પક્ષીઓની તૃષા છિપાવવા કંઈક કરવાનો વિચાર આવ્યો.આજે ઘણાં વર્ષોથી તેઓ પોતાને ખર્ચે રંગબેરંગી ફરફરીયા છપાવે છે અને દુકાનોમાં, મંદીરોમાં કે જાહેર જગાએ તેને લગાડવા કહે છે જેમાં સમજ સેવાની પ્રેરણા આપતા સંદેશાઓ લખેલા હોય છે.
                વખતે પણ તેમણે સિમેન્ટના લગભગ દોઢસો,પ્લાસ્ટીકના બસ્સો અને માટેના ત્રણસો જેટલાં કૂંડા પશુપક્ષીઓની તરસ છિપાવવા બનાવડાવ્યાં છે અને તેઓ લોકોને મફતમાં લઈ જવા તથા પોતપોતાના ઘરની આસપાસ કે યોગ્ય સ્થળે મૂકવા વિનંતી કરે છે. તમારે પણ જો આવું કુંડૂ જોઇતું હોય તો તમે સ્થળોએથી તે પ્રાપ્ત કરી શકો છો : મલાડ રેલવે સ્ટેશન બહાર પશ્ચિમ તરફ આવેલ મોટું જૈન દેરાસર ; બોરિવલીના સાંઈબાબા નગર - સાંઈબાબા રોડ પર પંચરત્ન બિલ્ડીંગ ખાતે રહેતા હસમુખભાઇ શાહના નિવાસસ્થાન, કાંદિવલી પૂર્વમાં ચિલ્ડ્રન્સ એકેડેમી સ્કૂલની ગલીમાં અશોક ચક્રવર્તિ ક્રોસ રોડ પાસે શાંત મનોર બિલ્ડીંગમાં ધનસુખભાઈના નિવાસસ્થાનેથી.
                ધનસુખભાઈ એ લાખો રુપિયાનું દાન એકઠું કરી ગુજરાતના ધોરાજી પાસે આવેલા જામ કંદોણા ગામમાં ૧૮૦૦ ગાયો માટે ગૌશાળા બંધાવી ઘણું ઉમદા કાર્ય કર્યું છે, આ જ ગામમાં તેમણે ૪૦૦ જેટલા લીમડાના વૃક્ષો રોપાવ્યાં છે તેમજ દહાણુ પાસે આવેલા વૃદ્ધાશ્રમ તેમજ માનસિક રીતે અસ્થિર લોકોના આશ્રમ સાથે પણ તેઓ સંકળાયેલા છે અને જીવસેવાનું ઉદાહરણીય અને અનુકરણીય કામ તેઓ કરે છે. ઘરની બહાર નીકળે એટલે પાર્લે-જી બિસ્કીટના પાકીટ્સ તેમની પાસે હોય જ જે તેઓ રસ્તે ભિખ માગતા બાળકો કે મૂગા પશુઓને ખવડાવે છે. ક્યારેક તેઓ પોતાની ઘેર રાખેલા પશુઓ માટેના સ્ટીલના પાણીના કૂંડામાં સાકર ભેળવે છે જેથી પશુઓને પણ શરબત જેવું પાણી પીધાનો આનંદ અને સંતોષ પ્રાપ્ત થાય!
               ધનસુખભાઈ મહેતાનો તમે ૮૧૦૮૮૩૬૯૪૯ આ નંબર પર સંપર્ક કરી શકો છો.
               બીજી એક વાત સાથે આજનો બ્લોગ લેખ પૂરો કરીશ. થોડા મહિના અગાઉ પણ રસ્તે ચાલતા મને એક ચામાચિડીયાનું બચ્ચું દિવસ દરમ્યાન એક ઝાડ નીચે પડેલું મદદ માટે હવાતિયા મારતું નજરે પડ્યું. રસ્તા વચ્ચે તેને કઈ રીતે મદદ કરવી? ચામાચિડીયાને દિવસે દેખાતું નથી અને આ તો વળી નાનકડું બચ્ચું. જો હું ઓફિસ જવામાં મોડું થશે એમ વિચારી તેને હતું ત્યાંનુ ત્યાં મૂકી ચાલ્યો જાત તો કાગડો કે અન્ય પંખી તેને હેરાન કરત અથવા મારી નાખત કે પછે તે કોઈના પગ નીચે આવી કચડાઈ મરત આથી મેં તેની મદદ કરવાનો નિર્ણય કર્યો. બાજુમાં એક મોટી ઓફિસના બિલ્ડીંગનો ગેટ હતો અને તેના સિક્યુરીટી ગાર્ડને મેં એકાદ ખાલી ખોખાની વ્યવસ્થા કરી આપવા વિનંતી કરી પણ તેણે નિસહાયતા દર્શાવી. હવે શું કરવું? તરત મને વિચાર સ્ફૂર્યો. મારી ઓફિસની બેગમાં પ્લાસ્ટીકના ડબ્બામાં સૂકો નાસ્તો હતો તે મેં એક કોથળીમાં ખાલી કરી નાખ્યો અને ડબ્બો લૂછી ચોખ્ખો કરી બાજુમાં પડેલી સળી અને ચમચીની મદદથી ચામાચિડીયાના બચ્ચાને ડબ્બામાં મૂકી દીધું. પછી ઓફિસ જઈ બર્ડ - એનિમલ હેલ્પલાઈનને ફોન કર્યો અને તેના કાર્યકર્તા થોડી વાર રહીને ચામાચિડીયાના બચ્ચાને લઈ ગયાં. તેઓ પશુ-પંખીને લોઅર પરેલ ખાતે આવેલી પ્રાણીઓની હોસ્પિટલમાં લઈ જાય છે અને યોગ્ય સારવાર બાદ તેને તેના કુદરતી રહેઠાણમાં મુક્ત મુકી દે છે. આ પ્રસંગ શેર કરવાનો આશય એટલો કે જો તમે પશુ-પંખીઓની ખરા હ્રદયથી મદદ કરવા ઇચ્છતા હશો તો માર્ગ અને સાધન ઘણાં જડી આવશે. બસ યાદ રાખવાની જરૂર છે કે ધનસુખભાઈના કહ્યાં પ્રમાણે જીવ સેવા એ જ પ્રભુ સેવા છે.
           

1 ટિપ્પણી:

  1. મૂંગા પશુ-પક્ષીની સેવા બાબતની બ્લોગલેખ ' બળબળતા ઉનાળામાં અબોલ પશુઓની સેવા' માં પ્રકાશિત થયેલી માહિતી ખુબ જ ઉપયુક્ત છે.લોકો એનો ઉપયોગ કરે એવી અપેક્ષા.ધનસુખ વિઠ્ઠલજી મહેતા અને હસમુખભાઈ શાહને મારા પ્રણામ તથા શુભેચ્છા.ઇશ્વર તેમને લાંબુ આયુષ્ય આપે એવી પ્રાર્થના.

    જવાબ આપોકાઢી નાખો