Translate

શનિવાર, 5 મે, 2018

વેકેશનમાં મામા ને ઘેર...

       વેકેશન અને મામાનાં ઘર વચ્ચે એક અનેરો સંબંધ છે. પ્રસંગોપાત મામાને ઘેર જવાનું તો બનતું હશે પણ વેકેશન પડે એટલે મામાનું ઘર અચૂક યાદ આવે. મારાં બંને સંતાનો હાલ તેમનાં મામાને ઘેર મહેસાણામાં વેકેશનની મજા અને ઉનાળાની ગરમી માણી રહ્યાં છે અને હું પણ એક પ્રસંગે હાજરી આપવા મારા મામા ને ઘેર સૂરત આવ્યો છું અને વેકેશન તો નહીં પરંતુ નિરાંતની કેટલીક સુખમય પળો માણી રહ્યો છું. આ બ્લોગ લખતી વેળા એ વિચારો ના વમળ મનમાં જાગ્યા છે. સમય વિતતો જાય છે અને પરિવર્તનનું ચક્ર ફરતું ફરતું ઘણું બધું બદલી નાખતું રહે છે.
       મામાના ઘેર જમવામાં ગુંદાનું શાક બનાવવાની તૈયારી થઈ રહી છે. આ ગુંદા જોઈ ઘણી બધી જૂની યાદો તાજા થઈ જાય છે. ત્રણેક દાયકા અગાઉ મારા બચપણમાં વેકેશનમાં જોયેલી, માણેલી ઘટના અને બાબતો ગુંદા યાદ અપાવી જાય છે. ત્યારે ઉનાળાની ગરમી વેકેશન સાથે અથાણા, કેરી, પત્તાની રમતો, બટાટાની કાતરી, ખીચીયા પાપડ, નવો વેપાર, ચૂરણ, પેપ્સી અને આવું તો કઇંક લઈ આવતી. ક્યાં ગાયબ થઈ ગયું આ બધું? 
          રાઇ અને મેથીના પીળા કુરિયા ઉકળતા તેલમાં લાલ મરચાં સાથે પડોશમાં રહેતાં એક માસી પાસે મમ્મી ખાસ રીતે મિશ્ર કરાવતી અને તેમાં હળદરમાં પલાડેલા લીલી કાચી કેરીના પીળા કટકા નાખી અથાણું બનાવાતું જે કાચ ની બરણીમાં ભરી આખું વર્ષ ખાવા માટે વપરાતું. આ આખી પ્રક્રિયા જોવાની ખૂબ મજા પડતી. હળદરમાં પલાડેલા કાચી કેરીનાં એ કટકા તડકે સૂકાવા મૂક્યા હોય ત્યારે ચોરીને ખાવાની મજા આજના બાળકો ક્યાંથી માણી શકવાના જ્યારે બેડેકરનાં ઇન્સ્ટન્ટ અથાણાંનો વપરાશ આપણને કોઠે પડી ગયો છે. કેરીનાંએ પીળાં કટકાનો તીવ્ર સ્વાદ હજી મારી દાઢમાં સચવાયો છે. 
     ગુંદામાંથી દસ્તા વડે તેને તોડીને તેનાં ચીકણા બી કાઢવાની ક્રિયા પણ એટલી જ મજેદાર રહેતી. આ ગુંદા અને કરંદાનું અથાણું પણ હવે ભાગ્યે જ જોવા મળે છે. 
       બટાટા બાફી ગરમ ગરમ પાણીમાં નાંખી તેની છાલ ઉતારવાનું કામ પરાણે મમ્મી પાસેથી આંચકી લેતાં અને પછી તેમાંથી સળી આકારની કાતરી કે ખાસ પ્રકારની છીણી પર છોલી કાણા કાણાવાળી બટાટાની કાચી વેફર તૈયાર કરવાની ક્રિયા જોવાની મજા પણ અનોખી હતી. પછી એને ઉકળતા તેલમાં તળાય ત્યારે થતો છમ્મ કરતો અવાજ હજી કાનમાં ગુંજે છે. આજે બાળકોને જે ખૂબ ભાવે છે તેવી મૅકડોનાલ્ડ ની ફ્રેંચ ફ્રાઈસ કદાચ આ બટાટા ની કાતરીનું જ બદલાયેલું સ્વરુપ છે. 
      ખીચીયા પાપડ બનાવવા ખાસ પ્રકારનું મશિન વપરાતું જેમાં લીસ્સા બે સફેદ ગોળાકાર ડિશ જેવા ભાગ પર તેલ લગાડી વચ્ચે લોટનું ગુલ્લું મૂકી ઉપર દંડા જેવાં હાથાથી દબાણ આપવાનું એટલે ગુલ્લાંમાંથી સરસ મજાનો ગોળાકાર કાચો પાપડ તૈયાર થઈ જાય. તડકામાં જૂની સાડી છાપરા કે ચારપાઇ પર પાથરી તેના પર આ ગોળાકાર કાચા પાપડ કતાર બદ્ધ સૂકાવા મૂકાય. આવા દ્રશ્યો હવે ભાગ્યે જ જોવા મળે છે. 
         કેરી, ચૂરણ અને કેસરી રંગ ની ઓરેન્જ ફ્લેવર વાળી કે કાળાશ પડતા રંગ ની કાલાખટ્ટા ફ્લેવર વાળી પેપ્સીની મજા જોકે હજી ઉનાળામાં આજના બાળકો પણ માણતાં જોવા મળે છે ખરા ક્યારેક. પેપ્સી ત્યારે ચાર આનામાં મળતી અને હવે તો પાવલી નું ચલણ જ બંધ થઇ ગયું છે. પત્તાની રમતો, નવો વેપાર કે અન્ય એ જમાનાની રમતોનું સ્થાન હવે મોબાઈલ દ્વારા છીનવી લેવાયું છે.
            વિચાર આવે છે કે જ્યારે આજ નાં બાળકો મોટા થશે ત્યારે સમય ચક્રએ કેવું પરિવર્તન આણ્યું હશે? ત્યારે આજ નાં મોટાં થયેલાં બાળકો પાસે પણ વેકેશનમાં માણેલી સુખદ સ્મૃતિઓનો કેવોક ખજાનો હશે? આશા રાખીએ કે ત્યારે પણ વેકેશન અને મામાનું ઘર મનમાં આવા જ સ્પંદનો જગાડી શકે!

2 ટિપ્પણીઓ:

  1. વેકેશન ની વ્યાખ્યા બદલાતી જાય છે. જૂની યાદો જે તમે અને અમે વાગોળીએ છીએ તે આજની પેઢી માણી તો નહીં શકે પણ જોઈ પણ નહીં શકે. ઉનાળાની રજાઓ એટલે મામાનું ઘર અને આખા વર્ષના અથાણાંની તૈયારી આ સમીકરણ સંપૂર્ણપણે ખોવાઈ જશે. ચાલી સિસ્ટમ અને સંયુક્ત કુટુંબ જેમ જેમ તૂટતા જાય છે તેમ તેમ કેટલાક સામાજિક રીતિ-રીવાજો ઇતિહાસમાં જમા થઈ જશે.

    જવાબ આપોકાઢી નાખો
  2. વેકેશન...અહા!! વેકેશનની તો આતુરતાપૂરવક રાહ જોવાતી.. પછી ભલે ઉનાળાનું હોય કે દિવાળીનું ..બંને વેકેશનની મજા અલગ. મોટે ભાગે મે મહિનાના વેકેશનમાં બહારગામ કે મામાના ઘરે જવાનું થતુ હોય. મિત્રો સાથે હસતા રમતા કે નિર્દેાશ તકરાર માં દિવસો વીતી જતાં તો સાથે જુદી જુદી રમતોનું વૈવિધ્ય .. ગિલ્લી દંડા, ગોટી, સાપસીડી જેવી કેટલીય રમતો. અને ખરેખર સૂકવેલી કેરી ચોરીને ખાવાની તો મજા જ કંઈ ઓર હતી.અત્યારના જેવી સગવડો તે સમયમાં ભલે નહોતી તો પણ કોઈ અભાવ નહોતો સાલતો. હવે આજે જ્યારે 'એક જ બાળક' કે 'બાળક જ નહિ' નું ચલણ છે ત્યારે આવનાર જનરેશન માટે મામા- માસી કે કાકા - ફોઈનું અસ્તિત્વ જ કદાચ લુપ્ત થઈ જશે.

    જવાબ આપોકાઢી નાખો