- નીતિન વિ મહેતા.
જાણીતા લેખક અને ચિંતક
સ્વ. હરિભાઈ કોઠારીએ એક વાર પોતાના પ્રવચન દરમિયાન કહ્યું હતું કે, “યોગી ના થવાય
તો કાંઈ નહિ, પણ ઉપયોગી અવશ્ય થાજો.” ગહન સાધના કર્યા પછી, યોગી તો થઈ શકાય છે,
પરંતુ બહુ ઓછા આ ક્ષેત્રે સફળ થાય છે. માટે યોગી થવું આમ ઘણું અઘરું છે.જ્યારે
માણસ તરીકે કોઈને ઉપયોગી થવું આસાન છે. માનવતાની મ્હેંક ફેલાવવાનો આ જ તો સરળ
માર્ગ છે.
માનવીની આશા
અપેક્ષાઓનો કોઈ અંત નથી. દરેક વ્યક્તિનું જીવન સંઘર્ષમય હોય છે. ક્યાંક ને ક્યાંક
તેને અભાવો ને ઓછપોનો સામનો કરવો પડે છે. કશુંક ખૂટે ત્યારે કોઈની પાસેથી સહાયની
આશા બળવત્તર બને છે. માત્ર આર્થિક રીતે જ મદદર રૂપ થવું, મહત્વનું નથી, પણ બીજી
અનેક રીતે માણસ માણસને ઉપયોગી થઈ શકે છે, શરત ફક્ત એટલી જ કે તેમાં શુધ્ધ ભાવના
અને નિઃસ્વારથી સ્વભાવ હોવો જરૂરી છે.
ભાવનગરના પ્રસિધ્ધ શાયર નાઝીર દેખૈયાનો એક
શેર છે,
“ હું હાથને
મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી
હું માગું ને
તું આપી દે એ વાત મને મંજુર નાથી”
અહી એવી ખુમારી છે કે
ભગવાનની પાસે પણ માગવું નથી અપેક્ષા એ છે કે માગ્યા વિના મળી જાય, પણ આ ખુમારી વધુ
ટકતી નથી. હતાશ થએલા માનવને તો આખરે ઈશ્વરને ચરણે નમવું પડે છે. એક સામાન્ય ઉક્તિ છે કે પ્રભુ, બધું સારુ જ કરશે .
આ આસ્થાનું પ્રતીક છે.
માણસને માણસમાં વિશ્વાસ છે તેને ખાત્રી છે કે
ક્યાંકથી તો સહાય મળશે જ સ્વજન, મિત્ર, કે કોઈ અજાણી વ્યક્તિ, સામાજિક કાર્યકર કે
સંસ્થા મદદે આવશે. લાગણીને ઠેસ ન પ્હોંચે
એમ સમસ્યાનો ઉકેલ મળી જાય છે. સામે સહાય લેનાર વ્યક્તિ ઋણ ચૂકવવાની જવાબદારી નિભાવે
તે વ્યવહારિક છે, જ્યારે કેટલાક તેમાં છળ કપટ કરે છે, જે યોગ્ય નથી. આવી વ્યક્તિ
ક્ષમાને ક્યારે ય લાયક નથી. એમ કહેવાય છે
કે અંગત પાસેથી અપેક્ષા રાખવી એ ગુનો નથી, પણ અપેક્ષા માટે અંગત બનવું એ ગુનો છે.
સ્વના
અહંકારને ઓગાળી અન્યને ઉપયોગી થવું યોગ્ય છે. કોઈના પર કરેલા ઉપકારનો ઢંઢેરો
પીટવો, જરા પણ ઉચિત નથી. કોઈ પ્રજ્ઞાચક્ષુને રસ્તો ઓળંગવામાં મદદ કરવી એ નૈતિક ફરજ
છે, જે દયા ભાવનાથી પર હોવી જોઈએ અને તેમાં ઉપકાર કર્યાની ગંધ ન હોય તો આ કરેલી
સહાય તેની સાત્વિકતાની ચરમ સીમાએ છે, તે
નિઃશંક બાબત છે.
ભૂલા પડેલાને
માર્ગ ચીંધવો, દુઃખીને માનસિક હૂંફ આપવી કે કોઈના ખાલીપણાને ઉત્સાહથી છલોછલ છલકાવી
દેવામાં જ ઉપયોગી થવાની સાર્થકતા છે. જેની ઝોળી ખાલી છે, તે લાયક છે તેને આપવામાં
સાર છે,પરંતુ જેની પાસે ઘણું હોવા છતાં યાચના કરે, તેની તો ઉપેક્ષા જ કરવી રહી.
કવિ મકરંદ દવેની
પંક્તિ છે,
“ પોતાની વાંસળી પોતે બજાવીએ,
રેલાવી દઈએ સૂર
ઝીલનારો એને ઝીલી લેશે ભલે,
પાસે જ હોય કે દૂર”
વિનોબા
ભાવેએ ત્યાગ અને દાન વચ્ચેનો ભેદ સમજાવતા
કહ્યું હતું કે ત્યાગીને ભોગવવું એ જ માનવ ધર્મ છે. સુપાત્રને કરેલું દાન યોગ્ય છે,
કુપાત્રને આપેલું વ્યર્થ છે.કેટલાકને દાન કર્યા પછી પ્રસિધ્ધિની ભૂખ હોય છે, તો
કોઈને મન ગુપ્ત દાનનું મહત્વ છે. રચનાત્મક કાર્યોમાં પોતાનો યથા શક્તિ ફાળો
આપવાનું જે સદભાગ્ય તેમને મળ્યું છે, તે માટે તેઓ આનંદ અને સંતોષની લાગણી અનુભવે
છે.
અન્યનું
છીનવી લેવું, એ વિકૃતિ છે, પોતાની પાસે થોડું રાખી બીજાને આપવું, એ પકૃતિ છે, પણ
પોતાની પાસે હોય, તેની વધારે જરૂર જેને હોય, તેને આપી દેવું, એ સંસ્કૃતિની નિશાની
છે. સમર્પણની આવી ભાવના એ જ તો માણસનું શ્રેષ્ઠ આભૂષણ છે.
આખરે તો
ઉપયોગી થવું એટલે, ફળદ્રુપ ભૂમિ ઉપર વરસવું, નહીં કે અફાટ રણમાં.
.
- નીતિન વિ મહેતા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો