Translate

શનિવાર, 24 ડિસેમ્બર, 2011

ગેસ્ટ બ્લોગ : નાતાલ

 - પ્રતિષ્ઠા પંડ્યા (બેંગ્લોર)



           ડીસેમ્બર મહિનો આવે એટલે રસોડામાંથી આવતી વાનગીઓમાં વટાણા, પાપડી ઉમેરાય, રોજ સવારે કોકરવરણા તડકે બેસી છાપું વાંચવાનો દાદીનો કાર્યક્રમ શરુ થાય, સાંજે ચોકઠામાં રમતી મને ઘેર પાછી બોલાવતી માની બૂમો અંધારા સાથે તાલ મેળવતી હવે થોડી વહેલી સંભળાય. પણ મારા મનની ક્ષિતિજ પર દૂર દૂર સુધી ના હોય ક્રિસમસટ્રી, કે ના સ્નો, કે ના રેઇનડીયરવાળી સાન્તાક્લોઝની સ્લેજ. હા, પચ્ચીસમીની સાંજે પપ્પાની આંગળીઝાલી 'પારેખ્સ' જવાનો, લાલટોપાવાળા દાદા જેવા સાન્તાક્લોઝ પાસેથી એકાદ ચોકલેટ લેવાનો કાર્યક્રમ અવશ્ય હોય. આજે ત્રીસ વર્ષ પછી કન્ઝયુમરિસ્ટ વાતાવરણમાં ઉછરતા મારા છોકરાઓને આ વાત અજુગતી લાગે છે. કારણ એમને મન તો ડીસેમ્બર એટલે ક્રિસમસ, અને ક્રિસમસ એટલે મોલ, અને મોલ એટલે સાન્તાક્લોઝ, સાન્તાક્લોઝ એટલે ભેટો, ને ભેટો એટલે મઝા. એમના જગતમાં તો ડીસેમ્બર ની જાહેરાત જ હવે શહેરની એકેક નાની મોટી દૂકાનો ને એની વચમાં plate tectonic mountain range ની જેમ ઉભા થયેલા મોલો કરે છે. ઠંડી રાતે રોશની ના અજવાળા ઓઢી, પ્લાસ્ટિકના શણગારેલા સફેદ લીલા ક્રિસમસ ટ્રી , ને લાલચટક "SALE " ના પાટિયા લઇ બેસે છે આ બજાર, લલચાવતું સૌના ખિસ્સાને. અહિયાં બાળકોને મોલના સાન્તાક્લોઝ, ઘરના ખૂણે ક્રિસમસ ટ્રી, એની નીચે ચમકતા કાગળમાં લપેટાયેલી ભેટો, પથારી ની બાજુમાં સ્ટોકીન્ગ્ઝ અને એમાં ભરેલી સરપ્રાઈઝ સિવાય કઈ અડતું નથી. ભેટો ના આ ઢગલામાં ક્યાંક ખોવાઈ જાય છે બેબી જીસસ.

એવામાં એક દિવસ અકસ્માતે સાંભળું છું 'little drummer boy' NBCના ૧૯૬૮ના ક્રિસમસ સ્પેશિઅલ કાર્યક્રમમાં ગવાયેલું એક કેરલ. નાનો ભરવાડનો છોકરો એનું ઘવાયેલું ઘેટું સાજુ કરવા રાજાની મદદ માગવા જાય છે. રાજા એને દોરે છે દુનિયાના નવા જન્મેલા રાજા પાસે. Menger માં બાળ જીસસ પાસે પડેલી અનેક કીમતી ભેટ જોઈ બાળક વિમાસણમાં પડે છે. કારણ એ તો ગરીબ છે, દુનિયાના રાજાને આપવા યોગ્ય એની પાસે કંઈ નથી, બસ એક ઢોલક વગાડી જાણે છે. પોતાની આ આર્ત્ર દશાનું વર્ણન ગાતાં બાળક ઢોલ વગાડે છે જેના અંતે બેબી જીસસ એની સામું જોઈ હસે છે અને એનું ઘેટું ફરી ચાલતું થાય છે.

Little Baby

Pa, rum, pa, pum, pum

I am a poor boy too

Pa, rum, pa, pum, pum

I have no gift to bring

Pa, rum, pa, pum, pum

That's fit to give a King

Pa, rum, pa, pum, pum

Rum, pa, pum, pum, rum, pa, pum, pum



Shall I play for you, pa , rum , pa, pum pum

On my drum



Mary nodded

Pa, rum, pa, pum, pum

The ox and lamb kept time

Pa, rum, pa, pum, pum

I played my drum for Him

Pa, rum, pa, pum, pum

I played my best for Him

Pa, rum, pa, pum, pum

Rum, pa, pum, pum, rum, pa, pum, pum



Then He smiled at me

Pa, rum, pa, pum, pum

Me and my drum



જે ભાવનાથી આ કેરલ ગવાતું સાંભળ્યું એથી આંખમાં અને હૈયામાં એજ ભાવ ઉભરાયા જે બાલકૃષ્ણનું કોઈ ભજન સાંભળી ઉભરાય છે. કેરલ સાંભળતાં સંભાળતા હું વિચારે ચડું છું કે આપણે અહી એકલા નથી, પણ આ मुकम करोति वाचलं, पंगुम लंघयते गिरीम વાળો ઈશ્વર, આપણને વિના કોઈ કારણ પ્રેમ કરે એવો, આપણે માટે ખુદને ન્યોછાવર કરે એવો ઈશ્વર હંમેશ આપણી પાસે છે એ અનુભૂતિ જો આપણે આ દિવસે પણ ના કરીએ તો શું આપણે ક્રિસમસનો અર્થ પામ્યા કહેવાઈએ? ક્રિસમસમાં જો આપવા લાયક કોઈ ભેટ હોય તો એ છે દૂશ્મનને માફી, વિરોધી ને સહિષ્ણુતા, મિત્રને રહ્દય, સહુને ઉદારતા અને પ્રેમ, અને આપણા બાળકો ને એક ઉદાહરણ. ઉદાહરણ માનવતાનું, ઉદાહરણ સહિષ્ણુતાનું, ઉદાહરણ બિનશરતી પ્રેમનું. આજના ભારતમાં આપણે વિચારધારાઓ નો વિચિત્ર સમન્વય જોઈ છીએ. એક તરફ કઠોર હિન્દુત્વવાદી, કહેવતો રાષ્ટ્રવાદી વર્ગ અવારનવાર ભારતના ગામડાં અને શહેરોમાં ચર્ચની સામે, ધર્મપરિવર્તનના કહેવાતા પ્રયાસો સામે હિંસક બંડ પોકારે છે. પણ આજ વર્ગના પાયા જેવો મધ્યમવર્ગ ચળકતા કપડા પહેરી આવેલી બજારુ ક્રિસમસને બે હાથે વધાવે છે! આ વાતાવરણમાં ઉછારતા આપણાં બાળકોને ક્રિસમસ એટલે સાન્તાક્લોઝ અને ભેટ એ તો જરૂર સમજાય છે પણ આ પ્રેમ, ઉદારતા, અને સર્વના સ્વીકારની જે ભાવનાઓ ક્રિસમસના રુહ્દય સમી છે તેનાથી આપણાં બાળકો વંચિત રહી ગયાં છે એવું નથી લાગતું? ક્રિસમસના હાર્દ ને સમજવા ક્રિશ્ચિયન થવાની જરૂર ખરી ?



ક્રિશ્ચનજન તો તેને રે કહીએ જે પ્રેમ પદારથ જાણે રે

પરસુખે બલિદાન કરે પરજન જનની જણ્યો જાણે રે

ચાલો, આ ઉત્સવના દિવસોમાં નિર્ણય કરીએ ક્રિસમસનું હાર્દ સમજવાનો અને બાળકોને સમજાવવાનો!



- પ્રતિષ્ઠા પંડ્યા (બેંગ્લોર)

Email : pratishtha74@gmail.com

રવિવાર, 18 ડિસેમ્બર, 2011

ડિફરન્ટલી એબલ્ડ

આવતા રવિવારે ગેસ્ટ બ્લોગ છપાવાનો હોવાથી આ વર્ષનો આ મારો અંતિમ બ્લોગ છે એટલે એ કંઈક ખાસ હોવો જોઇએ એવી મારી ઇચ્છા હતી.મેં અનેક વિચારો કર્યા કે આ બ્લોગ કયા વિષય પર લખું જે લોકોના દિલોદિમાગ પર કંઈક છાપ છોડી જાય.એકાદ બે વિષય વિશે વિચાર પણ કર્યો જેનાથી હું પૂરેપૂરો કનવિન્સ્ડ નહોતો ત્યાં મારા આ કટારના એક નિયમિત વાચક શ્રી નિતીન મહેતાએ મને પ્રતિભાવ લખી મોકલ્યો અને મને મારા ખાસ બ્લોગનો વિષય મળી ગયો!


સારા કાર્યોનું આવું જ હોય છે! તમે મનથી કંઈક સારું કરવા ધારો અને તમને ખાસ આઈડિયા ન હોય કે તે તમે કઈ રીતે કરવાના છો ત્યારે ઇશ્વર તમને ચોક્કસ મદદ કરે છે.એ તમને અપ્રત્યક્ષ કે પ્રત્યક્ષ રીતે કોઈક હિન્ટ દ્વારા એ કાર્ય પૂર્ણ કરવા માટેનો માર્ગ સરળ કરી આપે છે! ઓમ શાંતિ ઓમ નો પેલો શાહરૂખ ખાનનો ડાયલોગ યાદ છે ને? : ‘કેહતે હૈ અગર કિસી ચીઝ કો દિલ સે ચાહો તો પુરી કાયનાત ઉસે તુમસે મિલાનેકી કોશિશમે લગ જાતી હૈ’ ગાંધીજી એ પણ ખૂબ સારી રીતે કહેલું : 'ફાઈન્ડ ધ પરપઝ, મીન્સ વિલ ફોલો...'(તમે કોઈ ઉમદા હેતુ નક્કી કરો,તેને પૂર્ણ કરવાના સ્રોતો આપોઆપ જડી આવશે.)

નિતીનભાઈએ એક અતિ સંવેદનશીલ મુદ્દા પર બ્લોગ લખવા સૂચન કર્યું જે વિષે હું પહેલાં ઘણી વાર હ્રદયપૂર્વક ઉંડાણથી વિચાર કરી ચૂક્યો છું અને આજે આ વિષેના મારા થોડા ઘણાં વિચારો આજના આ બ્લોગ થકી તમારા સૌ સાથે ચર્ચીશ.

મનુષ્ય બ્રહ્માંડનું સર્વશ્રેષ્ઠ પ્રાણી ગણાય છે.કારણ તેની પાસે આગવું વિચારી શકવા મન છે,બુદ્ધિ છે.અને આ દ્રષ્ટીએ વિચારીએ તો આપણે સૌથી વધુ નસીબદાર છીએ અને આપણું વર્તન અન્ય મનુષ્યો પ્રત્યે,અન્ય પ્રાણીઓ,જીવો પ્રત્યે સૌથી વધુ પુખ્ત,સૌજન્યશીલ અને પ્રેમાચારભર્યું હોવું જોઇએ.પણ શું આપણું વર્તન એવું હોય છે? ઇન ફેક્ટ આપણાંમાંના કેટલાક લોકોનું વર્તનતો આનાં કરતા તદ્દન વિપરીત હોય છે.

આ તો સમાન બુદ્ધિમત્તા કે ક્ષમતા ધરાવતા અન્ય મનુષ્યો કે પ્રાણીઓ સાથેના વર્તનની વાત કરી પણ કરુણા,દયા,ઉદારતા વગેરે જેવા ઉમદા ગુણો પણ એક માત્ર મનુષ્ય જ ધરાવતો હોવા છતાં તેનું અન્ય ઓછી ક્ષમતા ધરાવતા કે અક્ષમ કે જરા જુદી રીતની ક્ષમતા ધરાવતા લોકો પ્રત્યે વલણ કેવું હોય છે?સમાજના મોટા ભાગના લોકો આવા લોકો પ્રત્યે બેફિકરા હોય છે કે કેટલાક તેમને માત્ર દયાની દ્રષ્ટીએ નિહાળે છે.કેટલાક અસંવેદનશીલ લોકોતો આવા લોકોને તેમની જે તે ખોડ કે ખામીને લઈને બૂરા શબ્દો બોલી કે મજાક-મશ્કરી ઉડાવી તેમનું અપમાન પણ કરી બેસતા હોય છે.આ એક દુ:ખદ પણ સત્ય બાબત છે કે આવા લોકોની ખોડખાંપણ કે ખામીને તેમની ઓળખ બનાવી દઈ તેમને એ નામથી જ બોલાવાય છે.'પેલો આંધળો' કે 'પેલો લંગડો' કે 'પેલી વાંઝણી' કે 'પેલી ખૂંધી કે ઢૂબી' જેવા શબ્દો છૂટથી વપરાતા આપણે રોજબરોજ સાંભળીએ જ છીએ.આવે વખતે શું આ પ્રકારના શબ્દો બોલતી વખતે બોલનારને સામી વ્યક્તિની સંવેદનાનો બિલકુલ અનુભવ નહિં થતો હોય?આપણી સંસ્કૃતિમાં તો કહ્યું જ છે કે 'લંગડાને લંગડો ન કહીએ અને કાણા ને કાણો ન કહીએ.' તો આપણે જ્યારે આવા શબ્દોનો પ્રયોગ કરીએ છીએ ત્યારે એ આપણી કયા પ્રકારની માનસિકતાની ચાડી ખાય છે?

આપણો અભિગમ મદદશીલ હોવો જોઇએ. જેનામાં કોઈ ઉણપ હોય તેને સાચવી લઈ તે કઈ રીતે શ્રેષ્ઠ જીવન જીવી શકે એ માટેના પ્રયત્ન આપણે કરવા જોઇએ.સુદામાને શ્રી ક્રુષ્ણે પોતાનો પરમ સખો બનાવ્યો હતો.આપણા બાળકોને પણ આપણે કોઈ પ્રકારના ભેદભાવ વગર સૌને આદર આપતા અને સૌ સાથે સમાન રીતે વર્તતા શીખવવું જોઇએ.બાળકો સમક્ષ માત્ર ડાહી ડાહી વાતો કરી, વર્તન જુદું રાખીશું તો પણ બાળકો એ વર્તન જોઈ ખોટું જ આચરણ કરવાના. આથી આપણે સદાયે સંયમપૂર્વક અને યોગ્ય વર્તન જ કરવું જોઇએ.

અંગ્રેજી ભાષામાં એક બહુ સુંદર શબ્દ પ્રયોગ છે 'ડિફરન્ટલી એબલ્ડ' મને જાણ નથી ગુજરાતી, હિન્દી કે મરાઠીમાં આવો કોઈ શબ્દ હોય.આપણે 'અપંગ' કે 'વિકલાંગ' જેવા શબ્દો વાપરીએ છે જે 'નેગેટીવ' છે,ઉતારી પાડનારા છે.'ડિફરન્ટલી એબલ્ડ' શબ્દ 'પોઝીટીવ' છે,પ્રોત્સાહક છે.ખરેખર વ્યક્તિમાં કોઈક એવી છૂપી શક્તિ ધરબાયેલી હોય જ છે જે સમાજના તિરસ્કાર કે અણગમાને લીધે તે વ્યક્તિમાં જન્મેલી લઘુતા ગ્રંથિને કારણે દબાઈ ગઈ હોય છે.આપણે આવી શક્તિને પ્રોત્સાહન આપી બહાર લાવવાની જરૂર છે.

આ દિશામાં ઘણું સારુ કાર્ય થયું છે અને થાય પણ છે.તેમાં આપણે સહકાર આપવાની જરૂર છે.આ સહકાર આર્થિક જ હોય એ જરૂરી નથી.મૂકબઘિર વિદ્યાર્થીઓ માટેની કે પછી માનસિક રીતે અવિકસીત કે અલ્પવિકસીત વિદ્યાર્થીઓ માટેની ઘણી શાળાઓ મુંબઈમાં ચાલે છે.ત્યાં જઈ આપણે આ વિદ્યાર્થીઓને કંઈક શિખવી શકીએ કે પછી તેમની સાથે થોડો સમય ગાળી શકીએ.રસ્તામાં કોઈ ચક્ષુહીન વ્યક્તિને રસ્તો ક્રોસ કરાવવાની નાનકડી ચેષ્ટા બાદ પણ જે આનંદ અને સંતોષ અનુભવાય છે તે ક્યારેક લેવાનો પ્રયત્ન કરી જો જો.સ્ટેશન પર લાકડીને સહારે ભીડભાડમાં આગળ વધી સ્ટેશન બહાર નિકળતી ઘણી આવી વ્યક્તિઓને સ્ટેશન બહાર સુધી તેમનો હાથ પકડી લઈ જવાના જાત અનુભવ પરથી હું આ કહી રહ્યો છું.તેમની સાથે વાત કરશો તો તેમને તો ક્ષણિક આનંદ મળશે જ પણ તમને પણ કંઈક સારું કર્યાનો પરમ સંતોષ ચોક્કસ અનુભવાશે.કેટલીક સંસ્થાઓ કે ઓફિસોમાં ફરજિયાત કેટલીક સંખ્યામાં ચક્ષુહીન કે ડિફરન્ટલી એબલ્ડ વ્યક્તિઓ માટે નોકરી અનામત રખાય છે જે આવકાર્ય ગાણાય.શાળાઓમાં પણ જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી આવા બાળકોને સામાન્ય વિદ્યાર્થીઓ સાથે જ પ્રવેશ અપાવો જોઇએ.જે જે સંસ્થાઓ આવી વ્યક્તિઓ માટે સારું કાર્ય કરી રહી હોય તેમાં યથા શક્તિ ધનનું કે જરૂરી-ઉપયોગી ચીજવસ્તુઓનું દાન આપી આપણે આપણાંથી જૂદી રીતે સક્ષમ એવા સમાજના વર્ગ માટે આપનો ફાળો નોંધાવી તેમની પરિસ્થિતીમાં પરિવર્તન લાવી શકીએ.આખરે જનસેવા એ જ પ્રભુ સેવા છે અને જેને મદદની વધારે જરૂર છે એવી વ્યક્તિને મદદ કરનાર સ્વર્ગમાં સ્થાન પામે કે ન પામે પણ તેનું જીવન ચોક્કસ સફળ થયું ગણાશે.

રવિવાર, 11 ડિસેમ્બર, 2011

આપણો વ્યવહાર

થોડાં દિવસો પહેલાં અમે ચાર મિત્રો પત્ની અને બાળકો સહિત એક સારી હોટલમાં ડીનર માટે ગયાં. એક મિત્ર પાર્ટી આપી રહ્યો હતો. ઘણાં વખતે અમે સૌ સપરિવાર ભેગા મળ્યાં હતાં. હોટલનું એમ્બિયન્સ ખૂબ સરસ હતું. અમને થોડું મોડું થયું હતું અને ખાવાનો ઓર્ડર અપાઈ ગયા બાદ ખાવામાં વાર લાગી રહી હતી તેમજ આજુબાજુ બેઠેલા બીજાં અમારા જેવા સ્વાદરસિયાઓના ભાણાંઓ માથી આવી રહેલી અવનવી વાનગીઓની સોડમે અમારી ભૂખ અનેક ગણી વધારી દીધી હતી. ખાવાનું આવતા જ અમે સૌ એના પર તૂટી પડ્યા. ખાવાનું સ્વાદિષ્ટ હતું. થોડું વધારે ખવાઈ ગયું. બધું સરસ હતું પણ આ હોટલની સર્વિસ થોડી ધીમી હતી.પંજાબી શાક સાથે રોટી-નાનનું પહેલું સર્વિંગ તો ક્યારનુંયે પતી ગયું. બીજી રોટી માટેનો રીપીટ ઓર્ડર પણ અપાઈ ચૂક્યો હતો પણ આ બીજી વારની રોટી આવવામાં એટલી વાર લાગી કે અમારા શાક–રસા વાળા હાથ પણ સૂકાઈ ગયાં! જેવી બીજી રીપીટ ઓર્ડર વાળી રોટી આવી કે તરત અમે ત્રીજી વારનો પહેલા કરતાં અડધી એટલી રોટી માટેનો ઓર્ડર આપી દીધો. પછીતો બિરિયાનીની જયાફત પણ ઉડાવી. મજા આવી ગઈ ખાવાની!


હવે આવ્યો બિલનો વારો. અમે ઓર્ડર આપેલી બધી વસ્તુઓની બરાબર ગણત્રી રાખી હતી. હવે બન્યું એવું કે મારો જે મિત્ર પાર્ટી આપવાનો હતો તેણે બિલ ચકાસ્યું તો ખબર પડી કે બિલમાં અમે જે ત્રીજી વારની રોટીનો રીપીટ ઓર્ડર આપ્યો હતો તે ગણી જ નહોતી. આમ બિલમાં કુલ છ રોટી ઓછી ગણતાં બિલ દોઢસો-બસો રૂપિયા ઓછું હતું. મારા મિત્રે અમારા બધાં સમક્ષ આ વાત જાહેર કરી અને એ વાતની ખાતરી કરી લીધી કે ચોક્કસ બિલમાં જ ગડબડ હતી. તરત મારા અન્ય એક મિત્રના શ્રીમતીજીએ ટહૂકો પૂર્યો : 'હવે રહેવા દો.આવી મોટી અને મોંઘી હોટલમાં તો છ એક રોટી ઓછી ગણી હોય અને એટલા પૈસા આપણે ઓછા ભરીશું તો કંઈ બગડી જવાનું નથી.આવી શ્રીમંત હોટલને આટલાં નાનકડા નુકસાનથી કંઈ ફરક પડવાનો નથી. હા, આપણાં એટલાં રૂપિયા ચોક્કસ બચી જશે! '

મારા પાર્ટી આપનારા મિત્રે અમારા સૌ સહિત આ વાત આખી સાંભળી તો લીધી પણ તરત બિલ લઈ આવનાર હોટલના મેનેજરને નજીક બોલાવી તેની ભૂલ તરફ ધ્યાન દોરી નવું સુધારીને વધારે રકમ વાળું બિલ લઈ આવવા સૂચના આપી. મને આ ખૂબ ગમ્યું.

આ રીતે ખાવા હોટલમાં ગયા હોઇએ અને ભૂલથી જો કદાચ હોટલવાળો એકાદ આઈટમ વધુ ઉમેરી વધુ રકમનું બિલ આપે ત્યારે આપણે તેના પર તૂટી પડતા હોઈએ છીએ.તો પછી બિલમાં જ્યારે એકાદ વાનગી ઓછી હોવાને કારણે ઓછી રકમનું બિલ હાથમાં આવે ત્યારે મોટા ભાગના લોકોની નીતિ મારા પેલા મિત્રની પત્નીની જેમ બદલાઈ કેમ જતી હશે? આપણને લેવું સારું લાગે છે તો આપવામાં જીવ શા માટે અચકાવો જોઇએ?

બીજું આપણાં બાળકો સાથે હોય ત્યારે આપણે જે વર્તન કરીએ છીએ કે બોલીએ છીએ તે બધું તેઓ ગ્રહણ કરતાં હોય છે અને પછી તેઓ પણ મોટાં થઈ આપણાં એ જ વર્તનનો પડઘો પાડતા હોય છે. માટે આપણે તેઓ સામે સારું અને સાચું જ આચરણ કરવું જોઇએ.

અને કોઈ જોતું હોય ત્યારે તો ઠીક પણ કોઈ ન જોતું હોય ત્યારે પણ સત્ય અને સારું આચરનાર જ ખરો પ્રમાણિક અને નીતિવાન,ચારિત્ર્યવાન મનુષ્ય કહેવાય.યાદ રાખવું જોઇએ કે કોઈ ન જોતું હોય ત્યારે પણ ભગવાન તો બધું જ જોતા હોય છે.

રવિવાર, 27 નવેમ્બર, 2011

ન્યાયતંત્રમાં સુધારો

ગઈ કાલે ૨૬મી નવેમ્બર હતી.આ તારીખ મુંબઈના ઇતિહાસમાં લખાઈ ગઈ છે.૨૦૦૮ની એ ગોઝારી રાતના આતંકવાદી હૂમલાની દુર્ઘટનાને ત્રણ વર્ષ વીતી ગયા છે.આ આતંકવાદી હૂમલામાં સંડોવાયેલો જીવંત પકડાઈ ગયેલો એક માત્ર આતંકવાદી અજમલ કસાબ હજી ભારતની જેલમાં કેદ ભોગવી રહ્યો છે. એ પાકિસ્તાનનો નાગરિક હોવા છતાં પાકિસ્તાન સુદ્ધાએ તેને ફાંસીએ ચડાવી દેવાનું સૂચન કર્યા બાદ પણ ભારત સરકાર ભગવાન જાણે કોની રાહ જોઈ રહ્યું છે?અરે અજમલ કસાબને તો હજી ત્રણ વર્ષ થયા છે ભારતની જેલમાં પણ સંસદ પર હૂમલો કરનાર અફઝલ ગુરૂનેતો જેલમાં દસકો વીતી જવા છતાં હજી સુધી દેહાંતદંડની સજા થયા બાદ પણ હજી સુધી ફાંસીને માંચડે ચડાવાયો નથી.


આ એક હાસ્યાસ્પદ છતાં દુ:ખદ બાબત છે કે ભારતમાં ન્યાય પ્રક્રિયા ગોકળગાય કરતાં પણ ધીમી ગતિએ ચાલે છે.સાત વર્ષ પહેલાં થયેલું ઇસરત ઝા એન્કાઉન્ટર નકલી હતું એ જાહેર કરતાં ઉચ્ચ ન્યાયાલયને સાત વર્ષ જેટલો લાંબો સમય લાગે છે. ગોધરાકાંડ જેવા હત્યાકાંડનો ફેંસલો સુણાવતા પણ ન્યાયાલયને નવ-નવ વર્ષ જેટલો સમય લાગે છે.લગભગ વીસેક વર્ષ અર્થાત બે દાયકા જેટલો સમય વીતી જવા છતાં મુંબઈના કોમી રમખાણોનો ચુકાદો હજી સુધી સંપૂર્ણ થઈ શક્યો નથી. તો ત્રણેક દાયકા પહેલા ઘટેલી ભોપાલ ગેસ દુર્ઘટનાનો ચુકાદો પણ સાવ અન્યાયી લાગે એ રીતે આટલાં વર્ષો બાદ થોડાં સમય અગાઉ સુણાવાયો હતો.

હમણાં થોડા સમય અગાઉ એક સમાચાર વાંચવામાં આવ્યા. 'જેસિકા લાલ' નામની મહિલાની દિલ્હીના એક ડિસ્કોક્લબમાં સેંકડો લોકોની હાજરીમાં માત્ર એક ડ્રિન્ક સર્વ કરવાની ના પાડવા બદલ બંદૂકની ગોળી મારી હત્યા કરી નાંખનાર અતિ વગ ધરાવનાર પરિવારના નબીરો મનુ શર્મા (આ અતિ ચર્ચાસ્પદ કિસ્સા પર 'નો વન કિલ્ડ જેસિકા' નામની વિદ્યા બાલન અને રાણી મુખર્જી અભિનીત એક ફિલ્મ પણ પ્રદર્શિત થઈ ચૂકી છે) હાલમાં આજીવન કારાવાસની સજા ભોગવી રહ્યો છે. આ સડેલા મગજ ધરાવતા ગુનાખોરને સરકારે તેના ભાઈના લગ્નમાં હાજરી આપી શકે એ માટે પેરોલ પર કેટલાક દિવસની છૂટ આપી છે, જે મુજબ તેને થોડા દિવસ જેલમાંથી મુક્તિ મળશે અને તેના ઘેર જવા મળશે જેથી તે પોતાના ભાઈના લગ્ન-જલસામાં ભાગ લઈ મોજ મજા કરી શકે. જો કે એક વાતનું સરકારે ધ્યાન રાખ્યું છે તેની નોંધ લેવી જોઇએ! આ પહેલા પણ એક વાર આ મનુ શર્માને પેરોલ પર છોડવામાં આવ્યો હતો અને ત્યારે તેણે ફરી એક ડિસ્કોબારમાં જઈ ધમાલ કરી હતી અને પોલિસે વચ્ચે પડવાની ફરજ પડી હતી. આથી આ વખતે પેરોલ ગાળા દરમ્યાન તેને કોઈ પણ ડાન્સબારમાં જવા પર મનાઈ ફરમાવવામાં આવી છે! અરે ભાઈ એ ગુનેગાર છે, એને પૂરેપૂરા જલસા થોડા કરવા દેવાય?

બીજો એક ચોંકાવનારો કિસ્સો સાંભળો. જેસિકા લાલ મર્ડર કેસમાં મનુ શર્માના સાગરિત એવા વિકાસ યાદવ (બીજો એક રાજકીય વગ ધરાવનાર છકેલ નબીરો) (મને તેની સાથે સરખું જ નામ ધરાવવા બદલ પસ્તાવો થાય છે!) ને પણ આ અગાઉ એક વાર પેરોલ પર છોડવામાં આવ્યો હતો અને ત્યારે તેણે એક જણની હત્યા કરી નાંખી હતી.

અહિં એક પ્રશ્ન થાય.આવા ખૂંખાર સમાજ માટે ખતરા રૂપ ગુનેગારોને પેરોલ પર ગમે તે કારણ હોય, રજા આપવાની કોઈ જરૂર ખરી? તેઓ કોઈ ગુના માટે જ સજા કાપી રહ્યા હોય ત્યારે તેમના પર દયા ખાઈ તેમને ગમે તે કારણ સર જેલમાંથી મુક્તિ મળવી જ શા માટે જોઇએ? મહારાષ્ટ્રમાં આ રીતે પેરોલ પર છૂટી ભાગી જનારા કે ગુમ થઈ જનારા કેદીઓનો આંકડો ચોંકાવનારી હદે વધી ગયો છે એવા એક સમાચાર પણ વાંચ્યા. શા માટે ન્યાય પ્રક્રિયામાં લોકો ગેરલાભ લઈ શકે એવી જોગવાઈઓ રાખવી જ જોઇએ?

જામીનની વ્યવસ્થાનો પણ સૌથી વધુ ગેરલાભ ઉઠાવાય છે.પૈસા ભરો અને ગુનો કરી છટકી જાઓ. દેશમાં લાખો બેકાર યુવાનો નોકરી માટે ટળવળે છે ત્યારે તેમાંના મોટા ભાગનાને જો યોગ્ય ટ્રેઇનિંગ આપી ન્યાયવ્યવસ્થાનું જ્ઞાન અપાય અને તેમની મદદથી વર્ષો સુધી ચાલતા કેસોનો ઝડપી ફેંસલો લવાય તો દેશની એક મોટી સમસ્યા એવી બેરોજગારીનો ઉકેલ તો આવે અને સાથે સાથે ન્યાય વ્યવસ્થા અને ન્યાય તંત્રમાં પણ ખૂબ સારો સુધારો જોવા મળે!સરકારે પેરોલ, જામીન જેવી અન્યાયી છૂટછાટ બંધ કરી,કસાબ-અફઝલ ગુરુ જેવાને જલ્દી ફાંસીને માંચડે ચડાવી,મોટા ભાગના બેરોજગાર યુવકો માટે ન્યાયતંત્ર ક્ષેત્રે નોકરીની વિપુલ તઓ ઉભી કરવી જોઇએ.

શનિવાર, 19 નવેમ્બર, 2011

માર્કેટીંગનો યુગ


આજે જમાનો માર્કેટીંગનો છે. ‘જે દેખાય એ વેચાય’ - એ સફળતાનો મંત્ર છે. જાહેરાતો કે એડવર્ટાઈઝીંગ પાછળ મોટી મોટી કંપનીઓમાં તો કરોડો રૂપિયાનું બજેટ હોય છે. વધતી જતી સ્પર્ધાત્મકતાનું આ પરિણામ છે.

ઘણી વાર જાહેરાતની દુનિયામાં જાણે હરિફ કંપનીઓ એક મેક સામે યુદ્ધ છેડે છે. એક કંપની બીજી કંપનીને નીચી દેખાડવા કે તેના ગ્રાહકો છીનવી લેવા ગમે તે હદ સુધી જાય છે. આ તંદુરસ્ત અભિગમ નથી. તમારી પ્રોડક્ટના તમે જોઇએ એટલા ગુણ ગાઓ (એ માટે તમારે સારી ગુણવત્તા ધરાવતી પ્રોડક્ટ બનાવવી પડશે જે જનતાના ફાયદામાં જ છે!) પણ બીજાની પ્રોડક્ટને ખરાબ ચિતરો કે અન્ય હરીફ કંપનીની પ્રોડક્ટની ખામીઓ ઉજાગર કરો એ બિરબલની પેલી વાર્તામાં હતું એમ બીજાની લીટી નાની કરીને તમે પોતાની લીટી મોટી કરો એ બરાબર છે. બીજાની લીટીને અડ્યા વિના તમારી લીટી મોટી કરવા પ્રયત્ન કરો એ નૈતિક દ્રષ્ટીએ સાચું અને યોગ્ય ગણાય.

આ વિચાર મને તાજેતરમાં જ એક કાર કંપનીની એડ જોઇને આવ્યો. ટાટા મોટર્સે બહાર કાઢેલી નવી વિસ્ટા ગાડીની એ એડમાં તેમણે પોતાની આ નવી ગાડીની સરખામણી મારુતિ કંપનીની નવી ગાડી સ્વિફ્ટ સાથે કરી હતી. આ કમ્પેરિઝન ગાડી વેચનારના શો રૂમમાં વેપારી ગ્રાહકને બતાવે (ગ્રાહકના પૂછ્યા બાદ) તો મારા મતે કોઈ વાંધો નહિં પણ પોતાની ગાડી વધુ સારી બતાવવા હરીફની ગાડીના પોતાની ગાડીની સરખામણીએ નબળા પાસા દર્શાવવા એ ટાટા જેવી કંપનીએ કર્યું એ મને ન રૂચ્યું.

જો હરિફના પ્રોડક્ટ સાથે તમારા ખરેખરી ગુણવત્તા ધરાવતા પ્રોડક્ટની સરખામણી કરવી જ હોય તો હરિફનું નામ લીધા વગર પણ એ થઈ જ શકે છે. પ્રખ્યાત કરમચંદ ટી.વી. સિરિયલમાં તેની સેક્રેટરી કીટી બનતી સુસ્મિતા મુખર્જીની પેલી કેપ્ટન કૂક નમક વાળી એડ યાદ છે? ભલે એ મીઠુ બજારમાં નિષ્ફળ ગયું હોય પણ તેની એ એડ લાજવાબ હતી! તેમાં સુસ્મિતા મુખર્જીના એક્સ્પ્રેશન્સ કેટલા સરસ મજાનાં હતાં! હરિફનું નામ લીધા વગર ઘણી સારી રીતે આ એડમાં કેપ્ટન કૂક નમકે પોતાની સરખામણી હરિફ સાથે કરી હતી અને પોતાના મીઠાના પ્લસ પોઇન્ટ્સ અસરકારક રીતે રજૂ કર્યા હતાં.

ફિલ્મ લાઈનમાં જે માર્કેટીંગ વ્યૂહ અને અભિગમ અપનાવાય છે તે પણ ક્યારેક અતિ મજાનો અને રસપ્રદ તો ક્યારેક અતિ નિમ્ન કક્ષાનો હોય છે. આજકાલ દરેક ફિલ્મોનું પ્રમોશન કરવા જે તે ફિલ્મના કલાકાર ટી.વી. પર પ્રસારિત થતી સિરિયલો કે રિયાલીટી શોઝમાં જોવા મળે છે.પહેલાના સમયમાં તો ફિલ્મી દુનિયાના સિતારા ભાગ્યે જ ટી.વી. ના માધ્યમમાં જોવા મળતાં. અને હવે? કોઈ પણ ચેનલ ફેરવો, તમને રૂપેરી પડદાના કલાકારો જજ સ્વરૂપે કે હોસ્ટ તરીકે કે મહેમાન તરીકે કે પછી પોતાની આવનારી ફિલ્મનું પ્રમોશન કરી રહેલા નજરે પડશે! શાહરૂખ ખાને રા.વનની પબ્લિસીટી કરવામાં તો હદ જ કરી નાંખી! હમણાં એક હોરર ફિલ્મના પોસ્ટરે પણ જબરો હોબાળો મચાવ્યો. આ પોસ્ટરમાં શેતાન કે વિલનને ક્રોસ પર ઉભેલા જિસસ ક્રાઈસ્ટ (ખ્રિસ્તીઓના ભગવાન) પર ચાકુ ઘૂસાડતા બતાવાયો હતો. હવે આ પ્રકારના ગતકડા જાણી જોઈને વિવાદ ઉભો કરવા માટે થઈને જ કરવામાં આવે છે જેથી જે હલ્કી પબ્લિસીટી છાપે ચડીને મેળવી શકાય. પણ આજે પ્રેક્ષકો અને વાચકો પણ સ્માર્ટ થઈ ગયા છે. ફિલ્મ જો સારી હશે તો ઓછી પબ્લિસીટી કર્યા છતાં ચાલશે જ! છાપાઓમાં ફિલ્મી કલાકારોના ફિલ્મની રીલીઝ થવાની તારીખ પહેલા અફેર કે લિન્ક અપ્સના ખબર પણ માર્કેટીંગ સ્ટ્રેટેજીનો જ એક ભાગ હોય છે.

અમુલ જેવી બ્રાન્ડ દર સપ્તાહે કે કોઈ મહત્વના પ્રસંગ વખતે જે તે સમયને અનુરૂપ જે હોર્ડીંગ્સ તૈયાર કરી પોતાની બ્રાન્ડની પબ્લિસીટી કરે છે એ કાબેલેતારીફ છે.(મેં ક્યાંક વાંચ્યું હતું કે આ પાછળ કોઈક ગુજરાતીનું ભેજું જ કામ કરે છે) આને કહેવાય સર્જનાત્મકતા. બાકી તમારી બ્રાન્ડમાં દમ હોય કે ન હોય છતાં તમે બીજા હરિફોના પ્રોડક્ટ્સની ઠેકડી ઉડાવી તમારા ઉત્પાદનની પબ્લિસીટી કરો એવું પણ સ્પ્રાઈટ,કોકા કોલા અને પેપ્સીના કેસમાં આપણે સૌએ જોયું જ છે!

ખેર, વાચકો તમે સાચા ખોટાનો ભેદ પારખી શકો એટલાં હોશિયાર તો બનજો જ અને સાથે એટલી જ અપેક્ષા સાથે આ બ્લોગ પૂરો કરું છું કે માર્કેટીગના આ યુગમાં આપણને શ્રેષ્ઠ ગુણવત્તા ધરાવતા ઉત્પાદનો વાપરવા મળે!

શનિવાર, 12 નવેમ્બર, 2011

આપણે ક્યારે કાયરતા છોડીશું?

[વ્હાલા વાચકમિત્રો,



આજે આપની આ લોકપ્રિય કટાર 'બ્લોગને ઝરૂખે થી...' ૧૦૦ સપ્તાહ પૂરા કરે છે.મને બેહદ ખુશી છે કે આપે આ કટારને અને તેમાં પ્રગટ થતાં મારા વિચારો તેમજ ગેસ્ટબ્લોગમાં પ્રગટ થતાં અન્ય વાચક અને બ્લોગર મિત્રોના વિચારોને આવકાર્યા છે,પસંદ કર્યા છે.હું સતત કંઈક નોખું લખી વિવિધ વિષયોને તમારી સમક્ષ પ્રગટ કરવાના પ્રયત્ન કરતો રહ્યો છું અને તેમ કરતાં પોતે પણ ઘણું શીખ્યો છું.આ બ્લોગયાત્રામાં સહભાગી થવા બદલ તમારા સૌનો હ્રદયપૂર્વક આભાર માનું છું.ભવિષ્યમાં પણ તમારો સહકાર કાયમ રહેશે એવા વિશ્વાસ સાથે તમારા વિચારો,પ્રતિભાવો લખી મોકલવા વિનંતી.


- વિકાસ ઘનશ્યામ નાયક ]


સાત મિત્રો પાનના ગલ્લે રાતનું ખાવાનું પતાવી પાન ખાવા આવે છે. તેમાં ત્રણ યુવતિઓ અને ચાર યુવકો છે. પાનના ગલ્લે એક દારૂડિયો પેલા સાત મિત્રોના ગ્રુપમાંની એક યુવતિ ઉપર બિભત્સ કમેન્ટ કરે છે અને તે ગ્રુપના યુવાનો ઉશ્કેરાઈ જાય છે. તેમની પેલા દારૂડિયા સાથે બોલાચાલી વધુ ઉગ્ર બની જાય છે અને ગ્રુપમાંનો એક યુવાન પેલા દારૂડિયાને ગાલે તમાચો લગાવી દે છે. દારૂડિયો યુવાન ધમકી આપી ચાલ્યો જાય છે અને પાંચ જ મિનિટમાં બીજા વીસેક યુવાનો સાથે હાથોમાં હોકી,ચાકુ,સાંકળ અને એવા શસ્ત્રો લઈ પાછો ફરે છે અને પેલા ગ્રુપમાંના બે યુવાનો પર તૂટી પડે છે. બેમાંથી એક યુવાનતો ઘટનાસ્થળે જ મૃત્યુ પામે છે.અને બીજો યુવાન પણ ખૂબ ગંભીર રીતે ઘાયલ છે. આ ઘટનાના દસેક દિવસ બાદ તે બીજો યુવાન પણ હોસ્પિટલમાં મૃત્યુ પામે છે.


આ ખૂંખાર, અરેરાટીભરી અને કમનસીબ ઘટના મુંબઈના અંધેરી પરામાં રાતે સાડા નવની આસપાસ એકાદ મહિના પહેલાં જ બનેલી સાચી દુર્ઘટના છે. પાનનો ગલ્લો એક પ્રખ્યાત એવી રેસ્ટોરન્ટની બહાર જ આવેલો છે જ્યાં ઘણાં લોકોની અવર જવર હોય છે. ઉપરાંત અહિંથી થઈને ઘણી રિક્ષા, ટેક્સી, બસો પસાર થાય છે. વીસ યુવાન ગુંડાઓ પેલા સાત મિત્રોના ગ્રુપ ઉપર તૂટી પડ્યા ત્યારે અનેક લોકો આ દુર્ઘટનાના મૂક સાક્ષી બની રહ્યાં. થોડી ઘણી રીક્ષાઓ, એકાદબે બસો અને થોડાં ખાનગી વાહનો પણ તમાશો જોવા અટક્યા હોય એમ થોડી વાર ઉભા રહ્યાં અને પછી કંઈજ પગલું લીધા વિના પોતપોતાના માર્ગે આગળ વધી ગયાં. પાનના ગલ્લા વાળાએ કે રેસ્ટોરન્ટના માલિક કે સ્ટાફે કે આજુબાજુની દુકાનો વાળાઓએ કે રાહદારીઓએ કે ત્યાંના આજુબાજુના રહીશો જે સૌ આ દુર્ઘટના ના મૂક સાક્ષી જ બની રહ્યાં, તેઓ જો એ સમયે એક થઈ એ વીસેક ગુંડાઓનો સામનો કરવા રસ્તા પર ઉતરી આવ્યા હોત તો કદાચ બે આશાસ્પદ હિંમતવાન યુવાનો પોતાનો જીવ ન ગુમાવી બેસત.

આપણાં દેશમાં મોટાં ભાગના લોકોનો એટીટ્યુડ એવો હોય છે કે આપણે કોઈના જમેલામાં શા માટે વચ્ચે પડવું? આપણું પોતાનું અંગત ક્યાં કોઈ મુશ્કેલીમાં છે? શા માટે કોઈ અજાણ્યાને બચાવવા વણનોતરી મુસીબત માથે લેવી? રસ્તે પણ ઘણી વાર કોઈક સાવ સામાન્ય ઘટના પણ બનશે તો તરત લોકોનું મોટું ટોળું જમા થઈ જશે પણ કોઈ ખરી મદદ કરવા આગળ નહિં આવે.

હજી તો પોતાના ગ્રુપમાંની યુવતિ પર અણછાજતી કમેન્ટ કરનારનો સામનો કરનાર આ બે હિંમતવાન કમનસીબ યુવાનોની હત્યાના આ કેસની છાપામાં ચર્ચા ચાલે જ છે ત્યાં બીજી બે દુર્ઘટનાઓ બની છે જે ફરી એક વાર આપણી કાયરતાની ચાડી ખાય છે. ગુજરાતમાં એક આર.ટી.આઈ એક્ટીવીસ્ટની અમદાવાદના ભરચક વિસ્તારમાં શસ્ત્રધારી બે-ત્રણ ગુંડાઓએ ઉપરાઉપરી ઘા કરી હત્યા કરી નાંખી અને બીજા એક કેસમાં મુંબઈમાં એક યુવાનને બે દુશ્મનોએ પ્રોપર્ટીના ઝઘડામાં જીવતો સળગાવી મારી નાંખ્યો. આ યુવાનનો સાત વર્ષનો પુત્ર રડી રડી ચીસો પાડી લોકોની મદદ માંગતો રહ્યો પણ કોઈ વચ્ચે ન પડ્યું અને સળગતો યુવાન વીસેક મિનિટ સુધી બળી ભડથું થઈ મરી ગયો.

શું માનવતા મરી પરવારી છે? દુર્ઘટના કાલે આપણી સાથે કે આપણાં પરિવારના કોઈ એક સભ્ય સાથે પણ બની શકે છે. કોઈક દુર્ઘટના બની ગયા પછી કેન્ડલમાર્ચ યોજી સરઘસો કાઢી કંઈ હાંસલ થવાનું નથી. જરૂર છે આપણે સૌએ થોડી હિંમત કેળવવાની. જરૂર છે કાયરતા ત્યજી દેવાની. જરૂર છે થોડાં જવાબદાર નાગરિક બનવાની. એકલા કદાચ હીરો કે હીરોઈન ન બની શકીએ પણ ટોળું ભેગું થઈ ચોક્કસ અસામાજિક તત્વોનો સામનો કરી જ શકે.આજુબાજુના લોકોને મદદ માટે હાકલ પાડી તો જુઓ. કદાચ એ તમારી જ કે કોઈ બીજાના આગળ આવવાની રાહ જોતો હોય! કદાચ પોતે એકલા હોઈએ ત્યારે પણ પોલીસને કે મદદ કરી શકે એમ હોય તેવી વ્યક્તિ કે સંસ્થાને પ્રેસેન્સ ઓફ માઈન્ડ વાપરી તરત આવી કોઈ ઘટના વિષે જાણ કરીને પણ આપણે કદાચ મોટી દુર્ઘટના બનતા અટકાવી શકીએ.પણ સાવ નિષ્ક્રીય બની રહી માત્ર મૂંગા સાક્ષી બની રહીશું તો ઇશ્વર પણ આપણને માફ નહિં કરે.

રવિવાર, 30 ઑક્ટોબર, 2011

તહેવારોની ફોજ !

ગયા બ્લોગમાં તહેવારોના રાજા સમા રોશની પર્વ દિવાળીની વાત કરી. આ બ્લોગમાં નવા વર્ષથી શરૂ થઈ જઈ આપણા જીવનમાં ખુશાલી અને ઉમંગોલ્લાસ ભરી દેનાર અન્ય તહેવારોની ફોજની વાત કરવી છે!


દિવાળી બાદ શરૂ થતા આપણાં ગુજરાતીઓના નવા વર્ષની શરૂઆતમાં જ લાભ પાંચમ સુધી દિવાળીનો મૂડ બરકરાર રહે! એનાથી ધરાયા ન હોઈએ તેમ પંદર દિવસ બાદ કારતક સુદ પૂનમે આવે દેવદિવાળી અને તુલસી વિવાહ! બાળકો થોડા ઘણાં ફટાકડા આ રાત માટે સાચવીને રાખ્યા હોય એ ફોડે અને આ દિવસે સાંજે તુલસીના છોડને સરસ વાઘા પહેરાવી,સજાવી શણગારી કૃષ્ણ ભગવાન સાથે પરણાવવામાં આવે!

આપણે ગુજરાતી વર્ષના અંતને દિવાળી દ્વારા ઉજવીએ એટલાં જ ઉત્સાહથી ખ્રિસ્તીઓ અંગ્રેજી કેલેન્ડર વર્ષના અંતને ક્રિસ્મસ કે નાતાલ દ્વારા ઉજવે.ભગવાન ઇશુ ખ્રિસ્તનો જન્મ નાતાલના દિવસે સાંજે માસ પ્રેયર દ્વારા અને રોશની તેમજ પાર્ટી કરીને ઉજવાય અને ૩૧મી ડિસેમ્બરની રાત પણ આપણે સૌ કોઈ મહા ઉત્સવની જેમજ ઉજવીએ!અંગ્રેજી કેલેન્ડરના પ્રથમ દિવસે એટલે કે પહેલી જાન્યુઆરીએ ઓફિસ જવાનો મારી જેમ જ સૌને ભારે કંટાળો આવતો હશે!આ દિવસે જો શનિ-રવિની રજા મળે તો તો જલસા જ પડી જાય!

આ પછી ફરી પાછો હિન્દુ તહેવાર મકર સંક્રાંતિ (ઉત્તરાયણ) આવે! પતંગ ઉડાવવાની અને ચિક્કીની મજા માણવાનો આ અવસર પણ ભાગ્યે જ કોઈ ઉત્સવપ્રિય જણ ચૂકતો હશે! ગુજરાતમાં તો ધાબે ચડી આખો પરિવાર આ પર્વની મજા માણે!મુંબઈગરા પાસે આવું ધાબાનું સુખતો હોતું નથી પણ તેઓ યે કોઈ તહેવારની મજા માણવામાં કચાશ છોડતાં નથી!

ફેબ્રુઆરી-માર્ચમાં વસંત ઋતુ આવે અને સાથે રંગોના તહેવાર હોળી - રંગપંચમી લઈને આવે. પ્રકૃતિ પણ આ ઋતુમાં તો સોળે કળાએ ખિલી હોય એમાં હોળી-ધૂળેટી જેવા તહેવારમાં આબાલવૃદ્ધ સૌ કોઈ મન ભરીને એકબીજાના તનને ગુલાલ,કેસૂડા તેમજ અન્ય રંગોથી રંગી દઈ ધરાઈને માણે! હોળીની સાંજે હોળિકા દહન કરી જ્યારે આપણે અગ્નિની પ્રદક્ષિણા કરીએ છીએ ત્યારે એ શરીરમાંથી કફ છૂટો પાડી આરોગ્ય માટે પણ મદદરૂપ સાબિત થાય છે જેની ઘણાં ઓછાંને ખબર હશે.આમ હોળીની પૂજા અને પ્રદક્ષિણા સ્વાસ્થ્ય માટે પણ સારી સાબિત થાય છે.



પછી થોડાં વિરામ બાદ શ્રાવણ માસ આવે એટલે ફરી વ્રત-તહેવારોની મોસમ શરૂ થઈ જાય. બોળચોથ,નાગપાંચમ,રાંધણ છઠ,શીતળા સાતમ,ગોકુલાષ્ટમી,રક્ષા બંધન,શ્રાવણિયા સોમવાર અને આ બધા પવિત્ર દિવસો-પર્વો એક અજબની અનુભૂતિ કરાવે છે. બોળચોથે ખાંડવા કે દળવાનું નહિં. નાગપાંચમે ઘેર નાગના ચિત્ર દોરી, તેમની પૂજા કરી ફૂલહાર અને દૂધ તથા કુલેરના લાડવા પ્રસાદમાં ધરાવાય (વર્ષમાં આ એક જ દિવસે મીઠ્ઠી સ્વાદિષ્ટ જુવારના લોટ અને ગોળમાંથી બનતી કુલેર ખાવા મળતી હશે!), સાચા નાગને દૂધ જરાયે ભાવતું ન હોવા છતાં મદારીઓ આ દિવસે નાગોને પરાણે દૂધ પાઈ પૈસા ઉઘરાવતા હોય છે.સાચા નાગોને પરાણે દૂધ પાવવાની આ પ્રથા બંધ થવી જોઇએ. રાંધણ છઠ્ઠે બીજા દિવસ માટેનું ખાવાનું બનાવી રાખવાનું અને શીતળા સાતમે વ્રતકથાઓમાંથી દેરાણી-જેઠાણી અને શીતળામાની વાર્તા વાંચી-સાંભળી આખો દિવસ ચૂલો કે ગેસ પેટાવ્યા વગર ઠંડું ખાવાનું. શ્રાવણ વદ સાતમની રાતે કૃષ્ણ જન્મની તૈયારીઓ કરી શણગાર વગેરે કરી કૃષ્ણ જન્મ કરાવવાનો અને બીજે દિવસે મટકી ફોડતા ગોવિંદાઓને જોઈ અચંબો પામવાનું!

શ્રાવણ સુદ પૂનમે આવતો રક્ષા બંધનનો તહેવાર ભાઈબીજ તથા વીરપસલીની જેમ જ ભાઈ-બહેનના પવિત્ર પ્રેમના પ્રતિક સમો તહેવાર છે. હેતપૂર્વક બહેન ભાઈના હાથે રાખડી બાંધી ભગવાનને તેની રક્ષા કરી તેને સુખસમ્રુદ્ધિ આપવાની પ્રાર્થના કરે છે અને ભાઈ બહેનને યથાશક્તિ ભેટ આપે છે. આ તહેવારને દિવસે જે ભાઈઓને બહેન નથી કે જે બહેનોને ભાઈ નથી તેમના મનમાં કેવી લાગણી થતી હશે એવો વિચાર ઘણી વાર આવે છે. આ દિવસ નાળિયેરી પૂર્ણિમા તરીકે પણ માછીમારો દ્વારા દરિયાદેવની પૂજા અર્ચના કરીને ઉજવાય છે.

ત્રણ વર્ષે એક વાર હિન્દુ કેલેન્ડરમાં બીજા મહિનાઓ વચ્ચે સમાઈ જતો અધિક માસ પણ ઘરનું વાતાવરણ ધાર્મિક બનાવી દે છે.ઘરની સ્ત્રીઓ આ પૂરા મહિના દરમ્યાન નાનકડા ખેતરની પ્રતિક્રુતિ બનાવી તે ખેડે છે અને કાંઠાગોરમાની ભાવ અને ભક્તિ પૂર્વક પૂજા કરે છે.હું નાનો હતો ત્યારે આ પુરુષોત્તમ માસ તરીકે પણ ઓળખાતા મહિના દરમ્યાન અમારી ચાલીના કોઈ એક પાડોશીને ત્યાં થતી પૂજામાં રોજ મારી મમ્મી અને બહેનો સાથે જતો અને ત્યારે પૂજા કરતી વખતે તેઓ જે ગીતો ગાતા 'આંબુડુ જાંબુડુ..કેરી ને કોઠીમડું...' , 'ગોરમા ગોરમા રે...સુખડા લ્યો...'વગેરે મને હજી યાદ આવે ત્યારે મારું મન મલકાઈ ઉઠે છે!

આ પછી આવે દેવાધિદેવ ગણરાયાનુ ભક્તિ પર્વ ગણેશોત્સવ જેની ગણના લાંબા ચાલનારા તહેવારોમાં કરી શકાય. આ સાર્વજનિક તહેવાર મહારાષ્ટ્રમાં સૌથી વધુ ઉજવાતો હોવા છતાં હવે તો એ ફક્ત દેશમાં જ નહિં, એન.આર.આઈઓ દ્વારા વિદેશ સુધી જઈ પહોંચ્યો છે! મુંબઈમાં તો લોકો ઘેર ઘેર દૂંદાળા દેવની પધરામણી કરે છે અને યથા શક્તિ દોઢ,ત્રણ,પાંચ,ગૌરી સાથે હોય તો છ,સાત કે દસ દિવસે ગણપતિની મૂર્તિનું વાજતે ગાજતે વિસર્જન કરે છે. વિસર્જન પણ વાજતે ગાજતે કરવાની પરંપરા દ્વારા આ તહેવાર એક અતિ મહત્વનો જીવનપાઠ નથી શિખવતો?

ગણેશ ચતુર્થી સમયે જ જૈનોનો મહાપર્વ ગણાતો પર્યુષણ અને સંવત્સરી તહેવાર પણ ધામધૂમથી ઉજવાય છે. આપણે સૌ 'મિચ્છામી દુક્કડં' બોલી એકમેકની ક્ષમા નથી યાચતા?નાની કે મોટી ઉંમરના અનેક સાધકો આઠ દિવસની ઉગ્ર તપ સાધના કરી અઠ્ઠાઈ કરે ત્યારબાદ ઉપવાસ પૂરાં કરતી વેળાએ પારણું કરે.આવા ઘણાં મિત્રોએ કરેલાં પારણાંમાં જઈ તેમની શાતા પૂછયાનું મને યાદ છે.

ગણેશ ઉત્સવ પછી ગણત્રીના દિવસોમાં જ આવે નવલા નોરતાની રમઝટ ભર્યો નવરાત્રોત્સવ.વેરિયેશન જોયુ?!દિવસે ઉજવાતા તહેવાર ઘણાં બધાં છે તો રાતે ઉજવાતા તહેવાર પણ એક બે તો હોવા જોઇએ ને?નવ નવ રાત સુધી યુવા હૈયાઓને ઘેલુ લગાડનાર સ્ત્રી શક્તિનો મહિમા વધારનાર અંબેમાની ભક્તિનું આ પર્વ પણ લાંબો ચાલનારો તહેવાર છેંવ રાત્રિ સુધી ઘરમાં કે મંડપમાં માતાજીના કાણા વાળા સુશોભિત ગરબાની સ્થાપના કરી નવ રાત્રિઓ સુધી ગરબા ને દાંડિયાના તાલે ઝૂમવાનું! આથી જ આ તહેવાર આબાલવૃદ્ધ સૌનો મનપસંદ તહેવાર છે અને ફક્ત ગુજરાતીઓ જ નહિં પણ અન્ય જાતિના અન્ય ધર્મના લોકો પણ આ તહેવાર નાચીકૂદીને ધામધૂમ થી ઉજવે છે!નવરાત્રિઓ પૂર્ણ થયા બાદ દસમા દિવસે દશેરા ઉજવાય છે.આ દિવસને પણ આપણે ફાફડા જલેબી ખાઈ અને નવી ચીજવસ્તુઓની ખરીદી કરી અને રાવણ દહન કરી ઉજવીએ છીએ. નવરાત્રિમાં ગરબા રાસ રમી ધરાયા ન હોઈએ તેમ તરત પાછળ આવતી શરદ પૂનમની રાતે પણ દૂધ પૌં આ ખાઈ આપણે રાસની રમઝટ બોલાવી મન ભરીને (કે મન મૂકીને) નાચીએ છીએ! અને પછી તો થોડાં જ દિવસોમાં તહેવારોના રાજા દિવાળીની આગતા સ્વાગતામાં લાગી જઈએ છીએ!

રાષ્ટ્ર ભક્તિ અને દેશદાઝની યાદ અપાવતા સ્વાતંત્ર્ય દિન તેમજ પ્રજા સત્તાક દિન અને ગાંધી જયંતિ જેવા રાષ્ટ્રીય તહેવારો ઉજવતી વખતે પણ આપણે અનેરો જુસ્સો અનુભવીએ છીએ. મહારાષ્ટ્ર/ગુજરાત દિન, આંબેડકર જયંતિ, બાલદિન (નહેરૂ જયંતિ), શિક્ષક દિન, ગુરૂ પૂર્ણિમા, બુદ્ધ પૂર્ણિમા, શિવાજી જયંતિ, મહાવીર જયંતિ જેવા ખાસ દિવસોની પણ આપણે ઉત્સવની જેમજ ઉજવણી કરીએ છીએ.

સંકષ્ટિ ચતુર્થીઓ અને મોળાકાત,જયા પાર્વતી,ગોર્યો,વટસાવિત્રી,કડવા ચોથ,દિવાસો,કેવડા ત્રીજ,વૈભવ લક્ષમી,સંતોષી માના શુક્રવાર,સોળ સોમવાર,સાકરિયા સોમવાર, ભાખરિયા સોમવાર, ગાય તુલસી, એવરત-જીવરત, ધરો આઠમ, ગૌરી વ્રત, મંગળાગૌરી વ્રત, ફૂલકાજલી વ્રત,ચાંલ્લા વ્રત,ચોખા કાજળી વ્રત,સામા પાંચમ, કોયલ વ્રત, અલૂણા વ્રત, સૂર્યનારાયણ વ્રત, દશામા વ્રત, અન્નપૂર્ણા વ્રત, જીવન્તિકા વ્રત, સરસ્વતી સપ્તમી, રંભા વ્રત,ગૂડી પડવો,દુર્ગાષ્ટમી,જયા પંચમી, સિંદૂર ત્રીજ, વસંત પંચમી, સીતા વ્રત, હુતાશની,સંતાન જયંતિ જેવા વ્રત-તહેવારો પણ વર્ષ ભર સમયાંતરે આવ્યા જ કરે તો રામનવમી,જલારામ જયંતિ,હનુમાન જયંતિ, દત્ત જયંતિ, પરશુરામ જયંતિ,વિશ્વકર્મા જયંતિ, ગીતા જયંતિ, ઠંડી ને શિવ શિવ કરીને ભગાડતી મહા શિવરાત્રિ વગેરે જેવા ધાર્મિક દિવસો પણ આપણે તહેવાર જેટલા જ ઉત્સાહ અને ઉમંગથી ઉજવીએ છીએ.

હિન્દુ તહેવારો ઓછા હોય તેમ આપણે ભારતની ઉત્સવઘેલી પ્રજા વિદેશી તહેવારો કે 'ડે' ઝ ઉજવવાનું પણ ચૂકતા નથી! અંગ્રેજી ન્યુ યર ડે (૧લી જાન્યુઆરી), પ્રેમના દિવસ વેલેન્ટાઈન ડે, સ્ત્રી શક્તિનું ગૌરવ કરતો વુમન'સ ડે,માતા પિતાને સન્માનવા મધર્સ',ફધર્સ' અને પેરેન્ટ્સ ડે, મિત્રતાની મહિમા ગાવા ફ્રેન્ડશીપ ડે અને હેલોવીન જેવા તહેવારો પણ આપણે ઉત્સાહ પૂર્વક ઉજવીએ છીએ.

સાથે જ અન્ય ધર્મ અને જાતિઓના ગુડ ફ્રાઈડે,ઇદ,પતેતી,નવરોઝ,ગુરુનાનક જયંતિ, ચેટી ચાંદ, બૈસાખી, પોંગલ, ઓણમ વગેરે જેવા તહેવારો તો ખરા જ!

ખુશાલીના તહેવાર સાથે જ શ્રાદ્ધ પક્ષ,મોહરમ,મહાનુભાવોના નિર્વાણ દિન વગેરે જેવાં કેટલાંક દુ:ખ કે માતમના પ્રસંગો પણ ઉજવવાનું વલણ તો મારા ખ્યાલથી ભારતમાં જ જોવા મળતું હશે!

આ તહેવારો જ આપણાં જીવનને આનંદમય બનાવી રાખી કંટાળા અને દુ:ખો કે પરેશાનીઓથી થોડા સમય માટે આઝાદીનો અહેસાસ કરાવે છે.જો તહેવારો ન હોત તો આપણું જીવન કેટલું બોરીંગ અને મોનોટોનસ બની રહેત એ વિચાર આવતાં પણ હું ધ્રુજી ઉઠું છું!

આપણે સૌએ દરેક તહેવાર ઉત્સાહ,ઉમંગ અને જોશભેર અને ખરા મનથી ઉજવવો જોઇએ એ જ જીવન જીવવાની સાચી રીત છે!

સોમવાર, 24 ઑક્ટોબર, 2011

હેપ્પી દિવાળી…હેપ્પી ન્યુ યર!!!

                  કહે છે ને અંત ધમાકેદાર હોવો જોઇએ! આ પ્રથાને જ આપણું હિન્દુ કેલેન્ડર અનુસરતું હોય એમ લાગે છે! હિન્દુ વર્ષનો છેલ્લો તહેવાર દિવાળી ખરા અર્થમાં ધમાકેદાર રીતે આપણે સૌ ઉજવીએ છીએ. ફટાકડા ફોડી, ઘરોને સાફસુથરા કરી દઈ - રંગરોગાનથી ચકાચક બનાવી દઈ, ઝગમગતા દિવડાઓનો પ્રકાશ રેલાવી તેમજ કંડીલ જેવી કૃત્રિમ પણ સુંદર રોશની દ્વારા, આંગણે જાતજાતની કલાત્મક સુશોભિત રંગોળી બનાવી, પોતે નવા વાઘા પહેરી, પરિવાર માટે ઘણું બધું શોપિંગ કરી, એકબીજાને મીઠાઈ તથા શુભેચ્છાઓનું આદાનપ્રદાન કરી, પોતના કર્મચારી વર્ગને બોનસ કે ભેટસોગાદની લહાણી કરી વગેરે વગેરે...આટલું લાંબુ લિસ્ટ લખ્યું હોવા છતાં મને ખાતરી છે હજી આ યાદીમાં હું થોડી ઘણી આઈટમ ચૂકી ગયો હોઈશ! આવો ધમાકેદાર તહેવાર છે દિવાળી! વર્ષના ક્લાઈમેક્સ જેવો! તહેવારોના રાજા તરીકે દિવાળીને લેખાવીએ તો એ યથા યોગ્ય જ ગણાશે!


                ભારતની પ્રજા તો ઉત્સવપ્રિય છે જ! જેમ હિન્દુ કેલેન્ડરમાં વર્ષનો અંત તહેવારથી આવે તેમજ વર્ષની શરૂઆત પણ તહેવારથી જ થાય! નવા વર્ષની શરૂઆત આપણે સાલમુબારકની શુભેચ્છા એક બીજાને પાઠવીને હર્ષોલ્લાસ સાથે તહેવારની જેમજ ઉજવીને કરીએ છીએ! હવે કદાચ થોડું ઘણું પરિવર્તન આવ્યું હશે પણ મને યાદ છે હું જ્યારે શાળામાં જતો એવડો હતો ત્યાં સુધી (વીસ-પચ્ચીસ વર્ષ પહેલાં) નવા વર્ષનો સપરમો દિવસ ખૂબ વિશિષ્ટ રીતે ઉજવાતો. મને રંગોળી બનાવવાનો ખૂબ શોખ એટલે દિવાળીની રાતે રંગોળી પાડવા માટે ઘરના આંગણાની જમીન પર ગેરુના ગાંગડાને પાણીમાં બોળી લાલાશભર્યા માટીના રંગનું ચોરસ બનાવવાનું અને પછી એ સૂકાય ત્યાં સુધી ફટાકડા ફોડવાની મજા માણવાની! પછી આવીને ગેરુવાળા ચોરસ પર સફેદ ચિરોટીથી ટપકાં પાડવાના અને રંગોળીની ડિઝાઈનની ચોપડીમાંથી પસંદ કરેલી એકાદ મોટી રંગોળી બનાવવાની પછી એમાં રંગ પૂરવાનાં. આમાં જ રાતના એક-દોઢ વાગી જાય પછી તો બીજા દિવસે નવું વર્ષ હોય એટલે સવારે ચાર-પાંચ વાગે ઉઠી જવાનું નવા નક્કોર સિવડાવેલા કપડાની જોડી ઠઠાવવાની. વહેલી સવાર શુકન અને આસોપાલવના તોરણ વેચવા નિકળેલી બાઈ પાસેથી મમ્મી એ ખરીદે અને તોરણ ઘરનાં બારણે ટાંગે. તૈયાર થઈ ગયા બાદ મારે મંદિરે જઈ ભગવાનના દર્શન કરવાના. ઘરમાં બધા મોટાઓને પગે લાગી તેમના આશિર્વાદ અને 'ભેટ' (અગિયાર,એકવીસ કે એકાવન રૂપિયા) મેળવવાના. પછી ચાલીના મિત્રોની મોટી ફોજ બનાવી નિકળી પડવાનું પોતપોતાની તેમજ આજુબાજુની દરેક ચાલીના બધા ઘરોમાં સાલ મુબારક વિશ કરવા! દરેક જણે ઘરમાં ટેબલ પર સરસ પાત્ર કે થાળી કે વાડકામાં જાતજાતની મિઠાઈ,પીપરો,ફરસાણ વગેરે મૂક્યું હોય એ ઝાપટવાનું! પેટ ભરાઈ જાય તેમજ પગ થાકી જાય ત્યાં સુધી આ રીતે મિત્રો સાથે ટોળકીમાં ઘેર-ઘેર ફરીને નૂતન વર્ષાભિનંદન વ્યક્ત કરવાની ખૂબ મજા પડતી. આમાં અજાણ્યાઓના ઘરમાં જઈને પણ ક્યારેક તો સાલમુબારક વિશ થતું અને તેઓ પણ સહર્ષ મિઠાઈ વગેરે બાળકોની ટોળીને હોંશે હોંશે ખવડાવતાં! ઘણાં વર્ષો સુધી મેં આ રીતે જ દિવાળીની છેલ્લી રાત અને નવા વર્ષના પહેલા દિવસ ઉજવ્યા હતાં! મારા સ્મૃતિ પટ પર એ યાદો હજી તાજી છે!

               ફિલ્મની જેમ જ્યારે આ જૂની યાદો તાજી કરી રહ્યો છું ત્યારે ફિલ્મી ઢબે જ ચાલો થોડાં રિવર્સમાં જઈએ! ભાઈબીજથી પાછાં દિવાળીની શરૂઆત તરફ!

              ખરી રીતે તો પાંચ દિવસના દિવાળીના તહેવારની શરૂઆત ધનતેરસથી થતી હોવા છતાં આપણે ત્યાં તો અગિયારસથી જ દિવાળીની ઉજવણીની શરૂઆત થઈ જાય. આમ દિવાળી ખાસ્સો લાંબો તહેવાર ગણી શકાય! વાઘબારસ પણ દિવાળીના પ્રકાશપર્વ સાથે જ જોડાયેલો દિવસ. આ દિવસને વાઘ સાથે જોડવાના કારણની તો મને ખબર નથી (જેને ખબર હોય એ મારા તથા બીજા વાચકોની જાણ ખાતર આ બ્લોગના કમેન્ટ તરીકે એ પોસ્ટ કરી શકે છે અથવા મને મારા ઇમેલ એડ્રેસ પર લખી શકે છે.) પણ ઉત્તર ભારતના કેટલાક પ્રદેશોમાં આ દિવસ સ્ત્રીશક્તિને અર્પિત કરી ઉજવવામાં આવે છે અને આ દિવસે સ્ત્રી શક્તિની મહિમા ગાઈ તેમને નવા વસ્ત્રો અને ઘરેણાં ભેટ આપવામાં આવે છે.

               ધનતેરસે લક્ષ્મીપૂજાનું અનેરૂં મહત્વ છે. કાળી ચૌદશે કજિયાકંકાસના વડા ચાર રસ્તે મૂકી આવી ભગવાનને પ્રાર્થના કરવાની કે આવનારા નવા વર્ષમાં એમાંથી અમને મુક્તિ આપજો અને સુખશાંતિ ભર્યું જીવન આપજો. કાળી ચૌદસની રાત અઘોરી બાવાઓ, તાંત્રિકો માટે પણ સ્મશાનમાં જઈ સાધના કરવા માટે પ્રખ્યાત છે.દિવાળીના બધા દિવસોમાં ઘણાં લોકો તંત્ર-મંત્ર-જાપ કરી વિવિધ દેવીદેવતાઓને રીઝવવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. દિવાળીની રાતે ચોપડા પૂજન અને આખી રાત સૌથી વધુ ફટાકડા ફૂટતાં હોય છે.

              હિન્દુ વર્ષનો બીજો દિવસ પણ ભાઈબીજનો તહેવાર લઈને આવે. ભાઈ-બહેનના પ્રેમના પ્રતીક સમાન રક્ષાબંધન જેવો જ બીજો પારિવારિક તહેવાર એટલે ભાઈબીજ. આ દિવસે ભાઈ બહેનના ઘેર જમવા જાય અને બહેનને યથાશક્તિ ભેટસોગાદ આપે. રાક્ષસ નરકાસુરને માર્યા બાદ શ્રી ક્રુષ્ણ બહેન સુભદ્રાને ઘેર પધાર્યા ત્યારે સુભદ્રાએ તેમના કપાળ પર તિલક કરી તેમનું ભાવભીનું સ્વાગત કર્યું એ દિવસથી ભાઈબીજ ઉજવાતી હોવાનું મનાય છે.યમ દ્વિતિયા તરીકે પણ ઓળખાતો આ તહેવાર મ્રુત્યુના દેવ યમ અને તેમની બહેન દ્વિતિયાની આ દિવસે થયેલી ખાસ મુલાકાતની યાદમાં મનાવાતી હોવાની પણ એક લોકકથા પ્રખ્યાત છે. બહેન ભાઈબીજના દિવસે ભાઈના લાંબા આયુષ્ય અને સુખી જીવન તેમજ સારા આરોગ્ય માટે પ્રાર્થના કરે છે.

             ભારતની ઉત્સવપ્રિય પ્રજા માટે દિવાળી વર્ષનો અંતિમ તહેવાર હોવા છતાં નવું વર્ષ પણ આ બાબતે તેમને નિરાશ કરતું નથી! નવું વર્ષ પણ ભાઈબીજથી તો ફક્ત શરૂઆત કરી, આપણાં સૌ માટે ઢગલાબંધ તહેવારો લઈને આવે છે જે સમયાંતરે આપણાં જીવનને નીરસ બનતું અટકાવી તેમાં આનંદ અને ઉત્સાહના રંગો ભરતું રહે છે.આ અન્ય તહેવારો વિષે વાત કરીશું આવતા બ્લોગમાં...

…ત્યાં સુધી સૌને હેપ્પી દિવાળી અને હેપ્પી ન્યુ યર!!!

રવિવાર, 16 ઑક્ટોબર, 2011

માણસના શરીરમાં ભગવાન : પ્રતિભાવ

[ગયા અઠવાડિયાના ગેસ્ટબ્લોગ અગાઉના રવિવારે મેં માણસના શરીરમાં ઇશ્વર પ્રવેશે એ પ્રશ્ન છેડી આ વિષય પર મારા વિચારો લખ્યાં હતાં તેના અનુસંધાનમાં કેટલાક વાચકમિત્રોએ મૂળ બ્લોગ પર જે કમેન્ટ્સ લખી હતી તે આજે 'બ્લોગને ઝરૂખેથી...'માં વાંચીએ.]



આ વિષય એવો છે જેની ચર્ચાનો કદી અંત જ ન આવે!

હું માનું છું કે આ વિષયને અનેક દ્રષ્ટીથી જોઈ શકાય અને જો બધાં લોકોને આપણે એકસરખા ગણીએ તો એ અયોગ્ય લેખાશે.આ પ્રકારનું વર્તન કરનાર દરેક વ્યક્તિ ઢોંગી કે ખોટી નથી હોતી અને દરેક આવું વર્તન કરનારી દરેક વ્યક્તિ સાચી પણ નથી હોતી.

હું ક્યારેય એવી કોઈ વ્યક્તિને મળ્યો નથી જેની પાસે અલૌકિક કે જાદૂઈ શક્તિઓ હોય કે જેને માતાજી આવતા હોય.એવી કોઈ વ્યક્તિના સંપર્કમાં હું હજી સુધી આવ્યો નથી જેના શરીરમાં ભગવાન આવતા હોય અને જે દુ:ખિયારાઓને ચોખાના દાણા કે ભસ્મ આપી કે તેમને આશિર્વાદ આપી તેમના દુ:ખડા દૂર કરતી હોય.

પણ હું જ્યારે આવી વ્યક્તિઓ વિષે વિચારૂ છું ત્યારે મને લાગે છે જ્યાં સુધી આવી વ્યક્તિઓ લોકો પાસેથી પૈસા કે ભેટસોગાદો સ્વીકાર્યા વિના ફક્ત સમાજસેવા ખાતર આવી પ્રવૃત્તિઓ કરતી હોય ત્યાં સુધી એમાં કંઈ ખોટુ નથી. ઉલટું આવી વ્યક્તિઓ એવાં ઘણાં લોકો માટે આશાના છેલ્લા કિરણ સમાન બની રહેતી હોય છે જેઓ પોતાની અસાધ્ય બિમારી કે લાંબા ગાળાની કમનસીબી કે પનોતી દૂર કરવા માટે શક્ય એટલા દરેક નિષ્ફળ પ્રયાસ કરી ચૂક્યા હોય છે.

ભલે આવા, ભગવાન પોતાના શરીરમાં આવતા હોવાનો દાવો કરનાર વ્યક્તિએ આપેલ ચોખા કે લોકેટ કોઈ અસાધ્ય માંદગી કે પનોતી દૂર કરવાની તાકાત ધરાવતા ન હોય પણ તેમનામાં એવું કોઈક 'જાદૂઈ' તત્વ જરૂર હોય છે જે નિરાશ લોકોમાં આશા જીવંત રાખે છે, તેમને વધુ એક પ્રયાસ દ્વારા તેમના દુ:ખ કે આપત્તિમાંથી બહાર આવવા પ્રેરે છે, કોઈ અદ્રષ્ય શક્તિ પોતાની સાથે હોવાનો આભાસ કરાવે છે. આપણે પણ સાયકલ ચલાવતા શીખેલા ત્યારે પાછળ કોઈ અદ્રષ્ય હાથ સાયકલને પકડી આપણને સાચવતા હોવાનો અનુભવ આપણે નથી કર્યો જ્યારે હકીકતમાં ત્યાં કોઈ નહોતું?

પણ જો કોઈ વ્યક્તિ પોતાનામાં ભગવાન આવતા હોવાની વાત ફેલાવી લોકો પાસેથી પૈસા પડાવતી હોય તો તે ક્યારેય સાચી હોતી નથી.

બીજો પણ એક એવા લોકોનો વર્ગ છે જે ક્યારેય પોતાનામાં ભગવાન પ્રવેશતા હોવાનો દાવો નથી કરતાં પણ ઘણી વાર તેમના પર પ્રાર્થના વેળાએ એક ધૂન સવાર થઈ જાય છે અને તેઓ એક સમાધિ જેવી અવસ્થામાં ખોવાઈ જાય છે.મને લાગે છે આ અવસ્થા યોગમાં વપરાતા 'ધ્યાન' કે 'મેડિટેશન' શબ્દ જેવી છે. સામાન્ય રોજબરોજના જીવનમાં પણ આપણે કોઈ વસ્તુનો બારીકાઈથી અભ્યાસ કરીએ ત્યારે કે કોઈ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરતી વેળાએ આવી સ્થિતી અનુભવી શકાતી હોય છે. પેલા સમાધિ અવસ્થામાં પહોંચી ગયેલા લોકો પ્રાર્થનામાં તન્મય થઈ ગીત અને ઇશ્વરની તેમના મન સમક્ષ ખડી થયેલી છબીમાં એટલી હદે ખોવાઈ જાય છે કે તેઓ પોતાની જાતને ભૂલી જાય છે અને પોતાની શારીરિક પ્રક્રિયાઓ પરનો કાબૂ પણ ગુમાવી બેસે છે (જે ક્રિયા કે અવસ્થાને તમે તમારા બ્લોગમાં 'ધૂણે છે' એવો શબ્દપ્રયોગ દ્વારા વર્ણવી હતી.)

અહિં પણ જો આ પ્રકારનું વર્તન કોઈ પોતાના અંગત લાભ ખાતર ન કરતું હોય તો મારે મતે એમાં કંઈ નુકસાન કે ખોટુ નથી.

બીજા એક દ્રષ્ટીકોણથી જોઇએ તો ભગવાને માણસના અતિ 'શક્તિશાળી' અને 'બુદ્ધિશાળી' મગજ અને એવા અવયવોની રચના કરી છે જેને વિજ્ઞાન અને તંત્રજ્ઞાને આટલી પ્રગતિ સાધી હોવા છતાં, આજ સુધી કોઈ સંપૂર્ણપણે સમજી શક્યું નથી કે કૃત્રિમ રીતે તેની આબેહૂબ નકલ સર્જી શક્યું નથી. આવા અતિ સંકુલ છતાં સચોટ માનવ શરીરની રચના કરનાર એ જ ભગવાન કેટ્તલાક 'દિવ્ય' શક્તિ ધરાવતા મનુષ્ય કેમ ન સર્જી શકે?

આખરે આવા સાચા કે ખોટા મનુષ્ય વચ્ચેનો ભેદ પારખવા મનુષ્યે પોતાના એ જ શક્તિશાળી મગજનો ઉપયોગ કરવો જોઇએ!

ધન્યવાદ.

- જયેશ જોશી (મલાડ,મુંબઈ)



* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *



મને આ ચર્ચાનો હિસ્સો બનવું ખૂબ ગમશે.

તમે એમ કહેવામાં બિલકુલ સાચા છો કે ભગવાન કદી મનુષ્યના શરીરમાં પ્રવેશી શકે નહિં. કારણ એ તો ત્યાં જ વસે છે...દરેક મનુષ્યના અંતરાત્મામાં.

ઇશ્વર કેટલા શાંતિપ્રિય,પ્રેમાળ અને માયાળુ હોય છે! જ્યારે તમે મધર ટેરેસાને યાદ કરો ત્યારે તમને કેવી લાગણી થાય છે? તેમની આસપાસ એક પ્રકારની આભાનું વર્તુળ રચાતું. તેઓ ઘણી જાહેર જગાઓએ જોવા મળતા પણ તેમણે ક્યારેય પોતાના શરીરમાં ભગવાન પ્રવેશતા હોવાનો દાવો કર્યો નહોતો. છતાં તેમની આસપાસ એક દૈવી તેજવર્તુળ ચોક્કસ અનુભવવા મળતું. જેનામાં ઇશ્વરીય તત્વ હોય તેના ચહેરા પર એક ગજબની શાંતિ અને કાંતિ છવાયેલી હોય છે જે લોકોને તેના તરફ આપોઆપ આકર્ષે છે. ઇશ્વરને મળ્યાના આનંદની અનુભૂતિ તેમને આવી વ્યક્તિને મળીને થાય છે. આનાથી ઉલટું હોય તો બધા એવી વ્યક્તિથી દૂર ભાગે છે.

જ્યારે લોકો ગમે તેવું વિકરાળ કે હિંસક સ્વરૂપ ધારણ કરેલ વ્યક્તિમાં પણ ભગવાન હોવાનું માની તેની પાસે પોતાના દુ:ખડા દૂર કરવાની યાચના કરવા દોડી જાય છે,ત્યારે એ નક્કી છે કે આવા ભોળા(?) લોકો કોઈક આશરો શોધતા હોય છે,પોતાની પ્રાર્થના આવી વ્યક્તિના માધ્યમથી બીજા વિશ્વમાં વસતા ભગવાન સુધી આ રીતે પહોંચશે એવી આશા સાથે.તેઓ કદાચ અન્ય કોઈક પાસેથી પોતે સાચા માર્ગે છે કે નહિં એ વાતની પુષ્ટી મેળવવા ઇચ્છતા હોય છે.પણ આમાં તેઓ કેટલી હદે સફળ થાય છે એ તો ઇશ્વર જ જાણે!

તમે આવા 'ભગવાન' પોતાના શરીરમાં આવતા હોવાનો દાવો કરનારા લોકો પ્રત્યે જે લાગણી ધરાવો છો તેવી જ ઉગ્ર લાગણી હું પણ આવા લોકો પ્રત્યે ધરાવું છું.મેં તો આવા કેટલાક લોકોને તેમના 'વળગાડ' માંથી મુક્ત થતા પણ જોયા છે.

- વીણા ડિસૂઝા (મલાડ, મુંબઈ)



* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *



દરેકને પોતપોતાની આગવી માન્યતા હોય છે,શ્રદ્ધા હોય છે.મારું માનવું છે કે ઇશ્વરનું અસ્તિત્વ હોય છે તેઓ માટે જેઓ તેનામાં આસ્થા રાખે છે.બાકીનાઓ (નાસ્તિકો) માટે આખી આ ચર્ચા વ્યર્થ છે.મારા જેવી વ્યક્તિ માટે પણ આ આખી વાત નિરર્થક છે જે માને છે કે ઇશ્વર પણ માણસ સમાન જ છે.માણસ નહિં તો ઇશ્વર નહિં.પણ જ્યારે 'વળગાડ' ની વાત કરીએ ત્યારે હું માનું છું કે ચોક્કસ તેના મૂળમાં કોઈક વૈજ્ઞાનિક પાયો રહેલો છે.

- મીરા મેનન (કોલકાતા)



મંગળવાર, 4 ઑક્ટોબર, 2011

માણસના શરીરમાં ભગવાન

આ બ્લોગની શરૂઆત મારે એક પ્રશ્ન પૂછીને કરવી છે.શું તમે માનો છો કે માણસના શરીરમાં ભગવાન આવે?તમે ક્યારેક સાંભળ્યું હશે કે કોઈકને માતાજી આવ્યા કે કોઈકને પવન આવ્યો.શું આવું ખરેખર બની શકે? થોડાં સમય અગાઉ સ્ટીફન હોકિંગ નામના વૈજ્ઞાનિકે તો બ્રહ્માંડનું સર્જન પણ ઇશ્વર દ્વારા નહિં થયું હોવાનો દાવો કરી ઇશ્વરના અસ્તિત્વ અંગે જ પ્રશ્નાર્થ ઉભો કર્યો છે ત્યારે ઇશ્વર પામર માનવીના નશ્વર દેહમાં આવે એ વાતમાં તમે વિશ્વાસ ધરાવો છો? હું ઇશ્વરના અસ્તિત્વમાં ચોક્કસ વિશ્વાસ ધરાવું છું. હું પ્રાર્થનામાં પણ શ્રદ્ધા રાખું છું અને અનિયમિતપણે પણ તે કરતો રહું છું. હું મંદિરોમાં પણ જાઉં છું. મેં પણ ઘણી વાર સાંભળ્યું અને પ્રત્યક્ષ જોયું છે કે કેટલીક વ્યક્તિઓ ધૂણે છે, તેમના શરીરમાં માતાજી કે પવન આવે છે. આવી કેટલીક મેં અનુભવેલી વાતો આ બ્લોગ થકી મારે તમારી સાથે શેર કરવી છે. હું નાનો હતો ત્યારે એક બહેનના ઘરે ગયાનું યાદ આવે છે જેમના શરીરમાં કાળકામા આવતા. એમના ઘેર ભક્તોની ભીડ સદાયે લાગી રહેતી. આ બહેનના સંદર્ભમાં એક ખાસ વાત મેં સાંભળી હતી. કાળી ચૌદસની રાતે તેઓ સાવ જુદૂ જ રૂપ ધારણ કરતા. તે એક પગ આખો અને બીજો અડધો વાળી ખાસ રીતે બેસતા અને તેમની જીભ એ રાતે એટલી બધી બહાર નિકળી જતી કે જોનાર તેમનું આ રૌદ્ર ભયાનક સ્વરૂપ જોઈને ડરી જાય.સામાન્ય એવો કોઈ માણસ પોતાની જીભ આટલી બહાર ન કાઢી શકે. એ રાત્રે તેઓ માથાના વાળ છૂટ્ટા રાખતા અને કપાળે મોટ્ટો લાલ ચાંદલો કરતા. કાળકા માનું સાક્ષાત સ્વરૂપ જ જોઈ લ્યો! તેમનું આખુ શરીર એ વખતે ધ્રુજતું હોય અને તેઓ પોતાનું માથુ અતિ ઝડપથી ગોળ ગોળ ફેરવતા જાય. પોચા હ્રદયની કોઈ વ્યક્તિનું એક બહેનનું આવું વિકરાળ સ્વરૂપ જોવાનું કામ નહિં! આ રાતે તેમનું ઘર તો ભક્તોની ભીડથી ભરેલું જ હોય પણ તેમના પાડોશીઓના ઘેર પણ ભક્તો કતારમાં બેઠા હોય.
મારો એક મિત્ર અંબામા અને ગણપતિનો મોટો ભક્ત અને નવરાત્રિ તેમજ ગણેશોત્સવ દરમ્યાન તેના ઘેર તે વિધીવત દેવી અને બાપ્પાની સ્થાપના અને ઉપાસના કરે અને આ પર્વો ધામધૂમથી ઉત્સાહપૂર્વક ઉજવે.મેં ઘણી વાર તેના ઘેર આ ઉત્સવો દરમ્યાન આરતીમાં હાજરી આપી છે.તે દેવી અને બાપા બન્નેની આરતી ચોપડીમાંથી વાંચ્યા વગર મોઢે જ ગાય અને પછી સંસ્કૃતમાં શ્લોકો પણ ઉચ્ચારે.અને આરતીને અંતે એ ધૂણે. ધૂણે એટલે રીતસર માથુ જોર જોરથી ગોળ ગોળ ઘૂમાવી તેના શરીરમાં પવન આવ્યો હોય તેમ વર્તે. મારો આ મિત્ર મારી જ ઉંમરનો અને ભણેલોગણેલો યુવાન છે. તે ધૂણે ત્યારે અમારે બધાએ બાજુમાં ખસી જઈ તેને જગા કરી આપવી પડે એટલી પ્રચંડ તાકાત લગાડી તે ધૂણે અને ઘૂમે. મારા સગાઓમાં પણ એકના જણાવ્યા મુજબ તેમના શરીરમાં મેલડીમા તો બીજાના કહેવા મુજબ તેમના દેહમાં ભુવનેશ્વરીમા પ્રવેશે છે.પપ્પાના એક મિત્ર ઇચ્છે ત્યારે પોતાના શરીરમાં આશાપુરામાને બોલાવી શકે છે.આ બધી વ્યક્તિઓને તેમના શરીરમાં ભગવાન આવે ત્યારે તેમનાથી ઘણી મોટી વયના લોકો પણ તેમને સાષ્ટાંગ પ્રણામ કરી તેમના આશીર્વાદ યાચે. આ બધી વ્યક્તિઓ જેમના શરીરમાં માતાજી આવે છે તેમના હાથ સતત ધ્રૂજતા હોય ક્યારેક આંખો ગોળ ગોળ ફરતી હોય અને તેઓ ઘણી વાર તો હિંસક સ્વરૂપ પણ ધારણ કરી સામે વાળાને તમાચો લગાવી દે અથવા ઘણી વાર એવા જૂના પ્રસંગો કહી સંભળાવે જ્યાં તેઓ પોતે હાજર નહોતા. હું આ બાબતમાં માનતો નથી.હું નાનપણમાં આ બધી વાતોમાં વિશ્વાસ ધરાવતો હતો પણ હવે મારું મન આ બધી વાતો સાચી હોય એ માનવા તૈયાર થતું નથી.હું દસમાં ધોરણની બોર્ડ પરીક્ષા વખતે, જેમનાં દેહમાં માતાજી આવતા હતા, એવા એક બહેનના દર્શન-આશિર્વાદ માટે ગયો હતો અને તેમણે આપેલા ચોખા મેં બધી પરીક્ષાઓ લખતી વખતે મારી પાસે જ રાખ્યા હતા.મને એ બોર્ડ પરીક્ષામાં ૯૦.૮૫ ટકા જેટલા ઉચ્ચ ગુણાંક પણ પ્રાપ્ત થયા હતા પણ આજે હું માનું છું કે એ મારી મહેનત (અને સદનસીબ)ને લીધે જ પ્રાપ્ત થયા હશે. નહિંતર મારા એક કઝિને પણ એ જ બહેનના આશીર્વાદ લઈ તેમના ચોખા મારી જેમજ પોતાની પાસે રાખ્યા હતા છતા એ કેમ નાપાસ થયો? આજે હું દ્રઢપણે માનું છું કે માનવ જેવા તુચ્છ જીવના શરીરમાં પરમાત્મા પ્રવેશે એ વાતમાં બિલકુલ તથ્ય નથી. માણસ ઇચ્છે ત્યારે તેના શરીરમાં આવી જાય એટલો સસ્તો છે ઇશ્વર? માણસ જેટલો પાપી અને દુષ્ટ આ પૃથ્વી પર બીજો કોઈ જીવ નથી તો સર્વગુણસંપન્ન પરમાત્મા પામર માનવીના દેહમાં એ દ્રષ્ટીએ પણ પ્રવેશે નહિં. મારા મતે આ એક માનસિક અવસ્થા છે જ્યારે વ્યક્તિ એવું માનવા માંડે છે કે તેના શરીરમાં દૈવી શક્તિ પ્રવેશી છે અને તેની અસર એટલી પ્રભાવક હોય છે કે તે વ્યક્તિનું શરીર પણ તેને સાથ આપવા માંડે અને તેનામાં વધારાની શક્તિ આવી જાય. આ વિષય પર મેં ક્યાંક વાંચેલું કે કેટલીક વ્યક્તિઓ બીજાઓનું ધ્યાન ખેંચવા કે માન અને મહત્વ મેળવવા માટે પણ આવું વર્તન જાણી જોઈને કરતી હોઈ શકે.પોતાની કોઈ ક્ષતિ કે લઘુતા ગ્રંથિથી પીડાઈને પણ વ્યક્તિના મનનો એક ભાગ તેને આમ કરવા પ્રેરતો હોઈ શકે. મનુષ્યના મનની પ્રચંડ તાકાત વિષે તો તમે જાણતા જ હશો.માતાજી આવ્યા હોય એ વખતે આ સુષુપ્ત તાકાત કામ કરવા માંડે એમ બની શકે. જ્યારે આવી વ્યક્તિ પોતાના અંગત સ્વાર્થથી પ્રેરાઈને લોકોને છેતરવા માટે પરમેશ્વરની પોતાની કાયામાં પ્રવેશના ગપગોળા ફેંકી (અશોક જાડેજા યાદ છે ને જે પોતાના શરીરમાં માતાજી આવે છે એવું તૂત ચલાવી લોકોના લાખો રૂપિયા ચાંઉ કરી ગયેલો અને પછી પોલિસે તેની ધરપકડ કરેલી) ત્યારે એ ખોટુ અને અક્ષમ્ય અપરાધ જેવું ગણાય.લોકોએ શ્રદ્ધા રાખવી પણ અંધશ્રદ્ધા રાખી કોઈ મનુષ્યને જ ભગવાન માની બેસવાની ભૂલ કરવી જોઈએ નહિં. તમારું શું માનવું છે?

રવિવાર, 25 સપ્ટેમ્બર, 2011

સમાજ માટે લાલબત્તી

આ બ્લોગ લખતી વેળાએ હું સ્તબ્ધ છું, શોકમાં ગરકાવ છું.મારા પાડોશમાં થોડે જ દૂર રહેતાં સોળ વર્ષના એક ઉગતા યુવાને એક રીઢા ગુનેગારની જેમ આયોજન કરી પોતાની દાદીનું કાસળ કાઢી નાંખ્યાની ચોંકાવનારી કમનસીબ ઘટના બની છે.જે અખબારોમાં વાંચી હું અતિ અસ્વસ્થ બની ગયો છું. સિનિયર સિટીઝન્સની હત્યાની પાછલા એક જ મહિનામાં બનેલી આ છઠ્ઠી ઘટના છે.આ એક આઘાતજનક સત્ય છે.આપણે ક્યાં જઈ રહ્યા છીએ?સમાજ કઈ દિશામાં આગળ વધી રહ્યો છે.આ બધી ઘટનાઓમાં ગુનેગાર કે હત્યાનો ભોગ બનનાર સમાજના નીચલા વર્ગમાં ગણાતા હિસ્સાનો જ ભાગ નથી.ઉપર જે સોળ વર્ષના યુવાનની વાત કરી તે અતિ શ્રીમંત પરિવારનો વંઠેલ કે પછી ખોટા લાડ થકી છકી ગયેલ યુવાન છે.આપણે ખૂબ ચેતી જવાની જરૂર છે.આ યુવાનને મહિને બે થી ત્રણ હજાર રૂપિયા પોકેટમની અપાતા હતાં.આજકાલના દરેક જુવાનિયાને મા બાપ મોબાઈલ અપાવે છે.મોંઘીદાટ ભેટો આપે છે.મોહમ્મદ અઝરુદ્દિને પોતાના ઓગણીસ વર્ષના સૌથી યુવાન પુત્રને લાખ રૂપિયાથીયે વધુ કિંમતની સ્પોર્ટ્સ બાઈક બર્થડે ભેટ તરીકે આપી જેના પર બેસીને જ એ ઓગણીસ વર્ષના આશાસ્પદ યુવાને જીવ ખોયો.ફક્ત પોતાના એકલાના જ નહિં,પણ તે પોતાના કિશોર વયના પિત્રાઈ ભાઈના અપમૃત્યુનું પણ તે નિમિત્ત બન્યો. બાળકના ઘડતરમાં માતાપિતાના વર્તનનો પડઘો પડતો હોય છે. નાનપણથી તેનામાં સારા સંસ્કારનું સિંચન થાય એ માટે માતાપિતા એ પોતે સારું વર્તન કરવાની અને પોતાના સંતાનોને સૌથી મૂલ્યવાન સમય આપવાની જરૂર છે.તેને પૈસા આપી દઈ,મોંઘીદાટ ભેટો આપી કે આડા રવાડે ચડેલા મિત્રોના કે બહારના વર્ગો,ટ્યુશનના ભરોસે છોડી દેવાનું પરિણામ ગંભીર જ આવે.તમારા સંતાનની દરેક પ્રવૃત્તિમાં રસ લઈ તે ક્યાં જાય છે,કોની સાથે રહે છે,ફરે છે,ભણે છે આ બધું આજના યુગમાં એક જવાબદાર માતાપિતા માટે અતિ આવશ્યક નહિં પણ અનિવાર્ય બની ગયું છે.આજે મિડીયાનો પ્રભાવ વધ્યો છે,ઇન્ટરનેટના આ જમાનામાં તમારું બાળક ખોટા રવાડે ખૂબ જલ્દી ચડી જઈ શકે છે.ક્રાઈમ પેટ્રોલ, સી.આઈ.ડી. જેવી ટી.વી. સિર્રિયલો પણ ગુનાનું આબેહૂબ ચિત્રણ કરી લોકોને ખોટા માર્ર્ગે જતા રોકવાને બદલે ગુનો કરવાની પ્રેરણા આપનાર સમાન વધુ બની રહે છે. સોળ-સત્તર વર્ષના યુવાન સવા દોઢ લાખ રૂપિયાના બાઈક માટે થઈ ઘરે કોઈ ન હોય એ સમયે લૂંટ ચલાવવાનો પ્લાન ઘડી કાઢ્યો,આંગળીઓના નિશાન ન પડે એ માટે ગ્લોવ્સ અને ગળું દબાવી હત્યા કરવા નાયલોનની રસ્સી ખરીદ્યા. આટલું શેતાની દિમાગ આ પ્રકારના આયોજનની તાલીમ તો મેળવતું નથી તો તેને આટલી ચોકસાઈથી ગુનો કરવાની પ્રેરણા કઈ રીતે મળે?મિડીયાનાં ખોટા પ્રસાર અને પ્રચાર દ્વારા જ. અખબારો,ટી.વી. ચેનલો એ ગુનાની સિલસિલા બદ્ધ હકીકતો રજૂ કરવાને બદલે, ગુનાના દુષ્પરિણામો કે તે કર્યા બાદ ગુનેગારને થતા પારાવાર પસ્તાવા કે તેને મળતી આકરી સજાનું લંાબાણ અને વિસ્તારથી પ્રસારણ કે પ્રચાર કરવા જોઇએ.રામ ગોપાલ વર્મા જેવા તો નીરજ ગ્રોવર હત્યા કાંડ જેવા વિષય પર આખી ફિલ્મ બનાવતા પણ અચકાતા નથી.એમાંથી ગેરમાર્ગે દોરાયા વગર શું શિખવાની અપેક્ષા રાખી શકાય? જે બે યુવાનોએ મળી તેમાંના એકની સગી દાદીની હત્યા કરી તેને સરકારે બાળ સુધાર ગ્રુહમાં મોકલી દીધાં.આ યુવાનો ક્રિમીનલ્સને પણ આંબી જાય એમાંના હોવા છતાં તેમને હળવી સજા થશે કાં તો એ પણ નહિં થાય કારણ તેઓ બાળકો છે.શું આ યોગ્ય છે? જન્મ આપનાર જનેતાની નિઘૃણ હત્યા કરનાર પોતાના સંતાનને સૌ પ્રથમતો તેના પિતાએ સર્વ પ્રસાર માધ્યમોની હાજરીમાં કે જાહેર જનતા વચ્ચે પોતાની સંપત્તિ માંથી બેદખલ કરી તેને નાહી નાખવો જોઇએ અને સરકારે પણ કાનૂને બનાવેલા નિયમોનો અંધપણે અવિચારી પ્રયોગ કરવાને બદલે સમાજમાં દાખલો બેસે એ માટે આવા કેસમાં એ બંને યુવાનોને દેહાંત દંડની અથવાતો આજીવન કારાવાસની સજા ફરમાવવી જોઇએ. ત્રણ વર્ષની ગણપતિ જોવા ગયેલી બાળકી પર બળાત્કાર બાદ તેની પત્થરથી માથુ છૂંદી નાંખી કરેલી હત્યા,પોતાનાથી મોટી યુવાન બહેનનું અફેર ચાલતુ હોવાની ખબર પડતા યુવાની તેને ઢોર માર માર્યો અને યુવતિનું મૃત્યુ થયું, રૂપિયાની લાલચથી પ્રેરાઈ મિત્રનું અપહરણ કર્યું,દેવુ વધી જતા સંતાનોની તેમજ પત્નીની હત્યા કર્યા બાદ પતિની આત્મહત્યા આવા તો સમાચારોની વણઝાર ચાલુ જ રહેશે જો આપણે થોડા જવાબદાર નાગરિક નહિં બની જઈએ તો...

રવિવાર, 18 સપ્ટેમ્બર, 2011

'હાથીના ચાવવાના દાંત જુદા અને દેખાડવાના દાંત જુદા'

ગુજરાતીમાં એક કહેવત છે 'હાથીના ચાવવાના દાંત જુદા અને દેખાડવાના દાંત જુદા' જેનો અર્થ થાય છે કે કહેવું કંઈક અને કરવું કંઈક કે પછી વિચારવું કંઈક અને વર્તન અલગ કરવું.આ કહેવતને એ અર્થમાં પણ લાગુ પાડી શકાય કે આપણે પોતાના કે અંગત લોકો સાથે જે પ્રકારનું વર્તન કરીએ તેનાથી જુદું વર્તન અન્ય લોકો સાથે કરવું.


હું ‘આકાશવાણી (ઓલ ઇન્ડિયા રેડિયો)’ પર ગુજરાતીમાં સમાચાર વાંચવા જાઉં છું. પહેલા અંગ્રેજી કે હિન્દીમાં જે ખબરો મુખ્ય સમાચાર સંસ્થા પાસેથી મળી હોય તેનું ગુજરાતીમાં ભાષાંતર કરી એ કાગળ પર લખવાની. બે જણ આ ફરજ પર હાજર હોય અને તેમણે મળીને કુલ આઠ થી દસ પાના લખવાના અને પછી બેમાંથી એક જણ એ સમાચારો દસ મિનિટના બુલેટીનમાં વાંચે જેનું આફ્રિકામાં વસતા ગુજરાતીઓ માટે જીવંત પ્રસારણ થાય. હવે લખનાર બે અને વાંચનાર એક હોય એટલે સમાચાર વાંચનારે અન્ય વ્યક્તિએ ગમે તેવા અક્ષરે લખેલું વાંચવાનું મુશ્કેલ કાર્ય પણ કરવું પડે.અહિં આજના બ્લોગનો મુખ્ય મુદ્દો આવે છે. મારા અક્ષર અતિશય ખરાબ હતાં અને છે. જ્યારે મને ખબર હોય કે મારી સાથે હાજર બીજી વ્યક્તિ સમાચાર વાંચવાની છે ત્યારે હું સભાનતાપૂર્વક થોડા સારા અક્ષરે મારા ભાગના સમાચાર લખવા પ્રયાસ કરું! પણ જ્યારે ખબર હોય કે મારું લખેલું મારે જ વાંચવાનું છે ત્યારે લખવામાં હું એવી વેઠ ઉતારું કે અન્ય કોઈ ફમ્બલ થયા વગર કીડીમંકોડા જેવા અક્ષરોમાં લખેલું એ લખાણ વાંચી જ ન શકે! હમણાં છેલ્લે જ્યારે મારી ડ્યુટી હતી ત્યારે મને એમ કે મારે સમાચાર વાંચવાના છે એટલે મેં તો શરૂ કર્યું જેવા તેવા અક્ષરે લખવાનુ પણ છેલ્લી ઘડી એ મારી સાથેના સિનિયર બહેને જાહેર કર્યું તેઓ સમાચાર વાંચશે. થઈ રહ્યું! મેં તેમને આગોતરી ચેતવણી આપી દીધી કે બહેન લાઈવ સમાચાર વાંચતા પહેલાં એક વાર મારું લખાણ વાંચી જજો કારણ મેં ખૂબ ખરાબ અક્ષરો કાઢ્યા છે અને તેમણે એમ કર્યું પણ ખરા. પણ બુલેટીન લાઈવ વાંચતી વેળાએ તેમને મારા અક્ષર ઉકેલતા જે તકલીફ પડી છે એ ત્યાં મેં હાજર હોવાથી પ્રત્યક્ષ જોયું અને મને ખૂબ ક્ષોભ થયો. એ તો બહેન ખૂબ કાબેલ હોવાથી બુલેટીન જળવાઈ ગયું પણ મને વિચાર આવ્યો કે મારે શા માટે હાથીના દાંત વાળી કહેવતને સાર્થક કરતો હોઉં એમ વર્તવું જોઇએ? શું હું હંમેશા સારા અક્ષરે જ ન લખી શકું પછી ભલેને સમાચાર વાંચવાનું મારે ભાગે આવે કે ન આવે?

બીજી પણ આપણા સૌના વર્તનની કેટલીક લાક્ષણિકતાઓ વિષે મને અહિં વાત કરવાનું મન થાય છે.આપણે ઘણી વાર આપણાં માટે ખૂબ લાગણી ધરાવતી વ્યક્તિ સાથે ઉદ્ધતાઈથી વર્તતા હોઈએ છીએ જ્યારે આપણાં માટે જેને ખાસ લાગણી ન પણ હોય છતાં જે વ્યક્તિ પ્રત્યે આપણને કૂણી લાગણી હોય તેના વાંકગુના સામે પણ આંખ આડા કાન કરી આપણે તેમને વધુ પડતું માન આપતા હોઈએ છીએ. આપણા માટે લાગણી ધરાવતી વ્યક્તિઓને ‘ટેકન ફોર ગ્રાન્ટેડ’ લેવી કેટલી હદે યોગ્ય ગણાય?

મારા ઘરમાં મારા માટે ખાસ વધુ મોણ નાખેલી મને ભાવે એવી ભાખરી કે પતલી રોટલી બનાવવામાં આવે છે પણ મારી બહેન પોતાના માટે જાડી સામાન્ય લાગે એવી ભાખરી કે રોટલી બનાવે.

આપણે આપણા માટે કે આપણી નજીકની વ્યક્તિ માટે કોઈ નવી વસ્તુ ખરીદીએ ત્યારે તે સારામાં સારી હોય તેનું ધ્યાન રાખીએ છીએ પણ જ્યારે કોઈને દાનમાં આપવાની વાત આવે ત્યારે ફાટેલી, મેલી ઘેલી કે ગમે તેવી વસ્તુ આપવાનું જ પસંદ કરતા હોઈએ છીએ.જેની સાથે આપણો સીધો સંબંધ ન હોય તેવી પણ જરૂરિયાત મંદ વ્યક્તિને પણ આપણે સારામાં સારી વસ્તુ ન આપી શકીએ?

આપણું ઘર હોય તેમાં આપણે ખૂબ સારી રીતે સ્વચ્છતા જાળવતા હોઇએ છીએ પણ બહાર કચરો ગમે ત્યાં નાખી અવિચારીપણે ગંદકી ફેલાવતા હોઇએ છીએ.

આપણાં પોતાના ખિસ્સામાંથી રૂપિયા ખર્ચવાના હોય ત્યારે ખૂબ ચીવટ અને કરકસરથી ખર્ચ કરતા હોઈએ છીએ પણ મફતનું મળતું હોય કે ઓફિસના કે પારકા પૈસે કંઈક લેવાનું હોય ત્યારે સંયમ ભૂલી બેફામપણે તે વસ્તુને વેડફીએ છીએ.

હમણાં જ ગણેશોત્સવ ગયો. મારી બહેન લાલબાગચા રાજાના દર્શન માટે ગઈ હતી ત્યાં ચોવીસ કલાક લાઈનમાં ઉભા રહ્યા બાદ તેને ગણપતિ બાપાની મૂર્તિના દર્શન કરવા મળ્યા જ્યારે વી.આઈ.પી ક્વોટામાં કેટલીક ખાસ વ્યક્તિઓને લાઈનમાં બિલકુલ ઉભા રહ્યા વગર એકદમ પાસે થી ગણપતિ બાપાની એજ મૂર્તિના દર્શન સાવ સરળતાથી કરવા મળી ગયાં.

એવો દિવસ આવશે જ્યારે બધે આપણું વલણ એકસરખું હોય?

શનિવાર, 10 સપ્ટેમ્બર, 2011

ગેસ્ટ બ્લોગ : બાંકડો

- જગત નિરૂપમ અવાશિયા


GUEST BLOG URL: http://vicharjagat88.wordpress.com/2010/06/28/



રવિવાર ની એક સવાર ! ચૌદ વર્ષ બાદ મેં મુલાકાત લીધી એ ભૂમિ ની જ્યાં મેં મારા બાળપણ નાં કીમતી વર્ષો વિતાવ્યા હતા ! ખેડા જિલ્લાનું ધુવારણ એટલે મારા માટે તો મારી સુમધુર બચપણ ની યાદો નું એક પાવરહાઉસ ! અહીં આવેલા ગેસ્ટહાઉસ પાસેના બગીચા નો એ જ બાંકડો કે જે વર્ષો સુધી અમારી ઘણી બધી યાદો નો જાણે જીવંત સાક્ષી બની ગયો હતો ! દરેક જીવંત કે નિર્જીવ પદાર્થ નાં જીવન માં એક સમય આવે કે જયારે તેની રોનક અને જાહોજલાલી ચરમસીમા પર હોય ! આવા જ “Golden Period” ને એક જમાના માં નિહાળનાર એ બાંકડો, એ દિવસે જાણે થોડા માં ઘણું બધું કહી ગયો !




આ બ્લોગ સાથે પ્રથમ વાર આ રચનાને આપની સમક્ષ રજૂ કરું છું !

ચાલતા ચાલતા આજ સવારે મળ્યો હું એક બાંકડા ને,

પાસ જઈને હળવેથી મેં કર્યો એક સવાલ –

“કેમ ભાઈ ! પડી તુજને મારી ઓળખાણ ?”

આંખ ઉઘાડી,મુખ સંવારી ,વર્ષોથી એ મૂક બનેલો !



મને એમ કે હમણાં મુજને કરશે એક સવાલ —

“ઓળખાણ આપશો શ્રીમાન ?? “

ત્યાં તો અહીં બન્યું જ તદ્દન વિપરીત !

વૃદ્ધ છતાં પણ મક્કમ સાદે આવ્યો એક જવાબ :



બેટા ! તને તારી ખુદ ની પણ ઓળખ ન હતી,

તે દિન થી તુજ ને હું ઓળખું,

આજ મોટો થઇ તુ પૂછે મુજ ને કે

પડી મારી ઓળખાણ ?



ચાલતા પણ તુ અહીં જ શીખ્યો ‘ તો ને ,

બે પૈડા પર અહીં જ ફરતો ‘તો !

રમતો હોય કે હોય ઉજાણી

રાતદિન તુ અહીં જ ખીલ્યો ‘ તો !



મિત્રો સાથેની મહેફીલો નાં, પડઘા હજી પણ ગૂંજે !

આ જ ખુશીને કાળે, મારી એક થપાટ !

મિત્રો છીનવ્યા,સ્વજનો છીનવ્યા,છીનવી મારી રોનક !

આજે તો હું સાવ અટૂલો,મહી કિનારે,મુખ નમાવી,વજ્રાસન માં બેઠો !



“ફરી મળીશું “ એમ કહીને મેં વિદાય લીધી ત્યાંથી !!



એની યાદો ?? એની લાગણી ?? એની વેદના ??

શું હતું એ કઈ જ ન સમજાયું !

જે પણ કઈ હતું, એ સંવેદના નો….

ચિર સ્મરણીય અનુવાદ ભીનો લાગ્યો !



- જગત નિરૂપમ અવાશિયા

મંગળવાર, 6 સપ્ટેમ્બર, 2011

કાઝિરંગામાં હાથી પર વનયાત્રા

ગણેશ ચતુર્થી એટલે ગણપતિદાદાનો તહેવાર અને ગણપતિ દાદાનું મુખ એટલે ગજરાજનું મુખ.મને ગજરાજ પર બેસીને મેં વનપ્રવાસની મજા માણી એ પ્રસંગ વિષે વાત કરવાનું મન થાય છે.તો ચાલે આજે બ્લોગમાં મેં હાથી પર બેસીને માણેલી આ વનયાત્રાની વાત કરું.

ફેબ્રુઆરી મહિનામાં હું મારી પત્ની અને આઠ જ મહિનાની મારી દિકરી સાથે આસામ અને મેઘાલય રાજ્યોમાં ફરી આવ્યો. ખૂબ સારો રહ્યો મારો આ સમગ્ર અનુભવ પણ આસામની આ યાત્રા દરમ્યાન કાઝિરંગા નેશનલ પાર્કમાં એલિફન્ટ સફારી એટલે કે હાથી પર સવારી કરી જંગલમાં લટાર મારવાનો અનુભવ રોમાંચક ,અદભૂત અને અવિસ્મરણીય બની રહ્યો. આ એલિફન્ટ સફારી માટે વહેલી સવારે ઉઠવું પડે કારણ હાથી મહારાજની પહેલી સવારી ઉપડે સવારે પાંચ વાગે! હું જે હોટલમાં રોકાયો હતો તે હાથી-સફારી શરૂ થવાની જગાથી બાર કિલોમીટર દૂર હતી.આથી સવારે સાડા ત્રણે(કદાચ જીવનમાં પહેલી વાર!) ઉઠી અમે નાહીધોઈ તૈયાર થઈ ગયા અને નિકળી પડ્યા ગજરાજ સવારી માટે. સવા પાંચે આ અદભૂત યાત્રાની શરૂઆત થઈ. સફારી શરૂ થવાની જગા પાસે ગાડીમાંથી ઉતરી થોડું ચાલીને આગળ જવાનું હતું. હજી ઘોર અંધારૂં હતું.છતાં આછા ચંદ્ર પ્રકાશમાં આજુબાજુમાં ચાલી રહેલા લોકોને જોઈ ખ્યાલ આવ્યો કે પ્રક્રુતિને પ્રેમ કરનારા ઘણાં બીજા પણ છે. પણ હા એક વાત ખરી કે આઠ જ મહિનાની દિકરીને લઈ આવું સાહસ કરનાર હું એકલો જ હતો! થોડું આગળ ગયા ત્યાં લાકડાના માંચડા જેવું પ્લેટ્ફોર્મ નજરે ચડ્યું.અહિંથી અમારે ગજરાજ પર સવાર થવાનું હતું. એક હાથી પર ચાર,છ કે આઠ લોકોને બેસાડવા હાથીની પીઠ પર લાકડાની બેઠક બનાવેલી હોય.મારી સાથે પત્ની સહિત નાની બાળકી હોવાથી ચાર સીટ વાળા હાથી પર અમને બેસવા મળ્યુ.અમે બેઠા હતા તેની બીજી તરફ અમારી પીઠ તરફ તેમની પીઠ રહે એમ એક આધેડ વયનું દંપતિ બેઠું હતું.હાથીની ગરદન પર હાથી પર અંકુશ રાખનાર મહાવત ગોઠવાયો હતો.ભર અંધારામાં જ અમારી હાથીયાત્રા શરૂ થઈ.અમારા માંચડાની સામે રસ્તાની બીજી બાજુએ પણ માંચડો હતો ત્યાં બીજા બે હાથી તૈયાર હતા અન્ય પ્રવાસીઓને પીઠ પર બેસાડી જંગલયાત્રા કરાવવા.અમારા હાથી એ ચાલવું શરૂ કર્યું અને મને લાગ્યું અમે સૌથી પહેલા છીએ એ દિવસે યાત્રા પ્રારંભ કરનારા.પણ થોડા આગળ વધ્યા હોઈશું ત્યાં અંધારામાં બીજાં ચાર-પાંચ મહાકાય આકારો અલગ અલગ દિશાઓમાં ધીમે ધીમે આગળ વધી રહેલાં અનુભવ્યાં. થોડાં નજીક જતાં માલૂમ પડ્યું કે મદમસ્ત ચાલે આગળ વધી રહેલાં એ અમારી પહેલાં વનસવારી પ્રારંભ કરી ચૂકેલાં ગજરાજો હતાં! ઉંચું ઘાસ રસ્તામાં આવતું હતું.પોતાની મસ્તીમાં ટહેલી રહ્યાં હોય અને અમારો ભાર જાણે તેને વર્તાતો જ ન હોય એમ અમારા હાથી મહારાજ આગળ વધી રહ્યાં હતાં.અમે તેની ઉપર બેઠાં બેઠાં ડોલી રહ્યાં હતાં. હાથીજી વચ્ચે વચ્ચે રસ્તામાં આવતાં ઘાસને મૂળ સહિત પળવારમાં પોતાની લાંબી સૂંઢ વડે ખેંચી કાઢી પોતાના મોઢામાં પધરાવી દેતાં હતાં. હજી અંધારા મઢી વહેલી સવારમાં ક્યારેય ન અનુભવેલી અનુપમ અને અદભૂત તાજગી વર્તાતી હતી. આટલી શુદ્ધ હવા અમે ક્યારેય શ્વાસમાં ભરી નહિં હોય! અમે એટલે મેં, મારી બાજુમાં બેઠેલી મારી પત્ની અમી અને આઠ મહિનાની મારી નાનકડી દિકરી નમ્યાએ જે મારા ખોળામાં સૂતી હતી. થોડે દૂર સફેદ ગાદલા જેવું કંઈક પથરાયેલું જણાયું. મને એમ કે એ નદી કે તળાવ હશે પણ મહાવતને પ્રુચ્છા કરતા જાણવા મળ્યું કે એ જમીન પર પથરાયેલું ધૂમ્મસ હતું. હું હાથી પર બેઠા બેઠા મ્હાલી રહ્યો હતો અને આસપાસ થોડે થોડે અંતરે ચાલી રહેલા હાથીઓ તરફ જોતા જોતાં પ્રક્રુતિના આ નોખાં સ્વરૂપનાં સૌંદર્યનું ધરાઈ ધરાઈને આકંઠ પાન કરી રહ્યો હતો ત્યાં અમારા મહાવતે એક ચોક્કસ દિશા તરફ નિર્દેશ કરતાં હળવા સાદે એક રાખોડી સફેદ રંગની અસ્પષ્ટ આક્રુતિ તરફ અમારું ધ્યાન દોર્યું. તે એક ગેંડો હતો. વર્ષો પહેલાં બાળપણમાં મુંબઈના પ્રાણીબાગ ના પિંજરામાં મેં ગેંડો જોયાનું મને આછું આછું સ્મરણ છે.પચીસેક વર્ષ બાદ હું એક સાચા જીવંત ગેંડાને મારી આંખ સામે મુક્ત વિહરતો જોઈ રહ્યો હતો.એક અજબની ધન્યતાની લાગણી અનુભવી જ્યારે એ ગેંડાની બાજુમાં તેનું નાનકડું બચ્ચુ પણ લપાઈને ચાલતા જોવા મળ્યું.ધીરે ધીરે મહાવતે અમારા હાથીની ચાલવાની દિશા બદલી અને અમે એ ગેંડા મા-બેટાની સાવ નજીક જઈ પહોંચ્યા. હાથીને ઉભો રાખ્યો અને અમે ધરાઈને ગેંડાની એ મા-બેટાની જોડીને નિરખી. ત્યાં કોણ જાણે શું થયું ને મારી નમ્યાએ ભેંકડો તાણ્યો! ગેંડો અને તેની નાનકડી નમ્યા જાણે ડિસ્ટર્બ થઈ ગયાં અને તેઓ આગળ ઘાસમાં ગાયબ થઈ ગયાં! મેં મારી નમ્યા ને સહેજ પસવારી અને તે ફરી સૂઈ ગઈ.

અમે આગળ વધ્યા ત્યાં દૂર કાળી મોટી ભેંસો ચારપાંચના ટોળામાં જોવા મળી. તેમની અને આપણે ત્યાં જોવા મળતી સામાન્ય ભેંસો વચ્ચે ફરક બે હતાં એક તેઓની ચાલવા-દોડવાની ઝડપ અને બીજું વિશિષ્ટ આકારના તેમના અર્ધવર્તુળાકારના શિંગડા જેની મદદથી તેમને સહેલાઈથી ઓળખી શકાય. અંગ્રેજીમાં ‘બાઇસન’ તરીકે ઓળખાતા આ પ્રાણીઓ અતિ ખતરનાક હોય છે.જરૂર પડ્યે બચ્ચાને બચાવવાનું હોય એવા કોઈક પ્રસંગે તે સિંહ કે વાઘ સામે પણ પોતાના અણિયાળા શિંગડા વડે હૂમલો કરી તેને ભગાડી મૂકે છે.તેમને દૂરથી જોઈ મહાવતે હાથીની દિશા ફેરવી.ત્યાં બીજી તરફ સાબર નજરે ચડ્યા.ગભરુ એવા હરણ-સાબર મને સાવ નિર્દોષ અને ભોળા પ્રાણીઓ લાગે છે.થોડે આગળ વધ્યા ત્યાં દૂરથી વહેતી મોટી શાંત નદીના દર્શન થયાં.

હજી અજવાળું જોઇએ એવું પથરાયું નહોતું. નદીમાં ન્હાઈ રહેલા ગેંડા અને દૂર કેટલાક પક્ષીઓ દ્રષ્ટીગોચર થયાં. નદી થોડી વાર સુધી નિહાળ્યા બાદ હાથીને મહાવતે ડાબી તરફ વાળ્યો.થોડે આગળ ગયા ત્યાં એક સરસ વાત બની.અમારી એક બાજુએ ત્રણ-ચાર ગેંડા અને બીજી બાજુએ એક-બે સાબર ચરી-ફરી રહેલાં જોવા મળ્યાં.આટલા પાસપાસે ત્રણ જંગલમાં વસવાટ કરતા પ્રાણીઓને મુક્ત રીતે તેમની દિનચર્યા કરતાં નિહાળ્યા - ગેંડા,સાબર અને હાથી. અહિં હાથીને તમે સંપૂર્ણ રીતે મુક્ત તો ન ગણી શકો. મનુષ્ય નામના લુચ્ચા,બુધ્ધિશાળી પ્રાણીએ તેને ગુલામ બનાવી રાખ્યો હતો અને તેના પર બેસીને જ આજે અમે આ વનપ્રવાસની મજા માણી રહ્યા હતાં.પણ એક વાતનું આશ્વાસન એ હતું કે અહિં તે તેના કુદરતી પરિસરમાં વિહરી તો શકતો હતો,પાંજરા કે સર્કસમાં કેદ તો નહોતો! આ ત્રણે વન્ય પશુઓનું આટલા નજીકથી સાનિધ્ય માણવાની અને તેમને મુક્ત રીતે હરતા ફરતા જોવાનો અનુભવ અતિ આનંદદાયક અને મનને સંતોષ અને શાંતિ આપનારો બની રહ્યો.

ધીમે ધીમે અજવાળુ પથરાઈ રહ્યું હતું.હવે અમે આજુબાજુ ચાલી રહેલા હાથીઓ,તેમના પર છ કે આઠના સમૂહમાં બેઠેલી વ્યક્તિઓને તેમજ આસપાસના પરિસરને ,તેની નૈસર્ગિક સુંદરતાને સ્પષ્ટ જોઈ શક્તા હતાં.અમારા હાથીનું નામ ‘લકી પૂર્ણિમા’ હતું.( આમ એ ખરું જોતાં હાથણી હતી!) એક ઢાળ જેવું આવ્યું અને ‘લકી પૂર્ણિમા’ ધીમે રહીને તેના પર ચઢી ગઈ. અમને હાલક્ડોલક સ્થિતીમાં આ જમીનથી થોડા ઉંચા ભાગે હાથી પર બેઠા બેઠા ચઢવાની મજા પડી. આ ઢોળાવ ખરી રીતે આજુબાજુની જમીનથી થોડી ઉંચાઈ પર બનેલ સાંકડો રસ્તો હતો. અહિં આ સાંકડા પણ ઉંચા રસ્તા પર ત્રણ-ચાર હાથી કતારબંધ ચાલી રહ્યા હતાં. ત્યાં બન્યું એવું કે રસ્તાની બીજી બાજુએ બે મોટા રાખોડી ગેંડા વાતચીત કરતા કરતા કે રમત કરતા કરતા ઝગડ્યા.પહેલાં તો અમને સૌને આ દ્રશ્ય જોવાની મજા પડી પણ ત્યાં તો એ ગેંડાઓના ઝગડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને તેમાંના એકે વિચિત્ર મોટી રાડ પાડી.તેઓ અમારા હાથીની સાવ નજીક હતાં.અમારો હાથી ગેંડાનો અવાજ સાંભળી ભડક્યો અને તેણે સામે ગેંડા કરતાયે મોટા અવાજે ત્રાડ પાડી.આથી ગભરાઈને પેલા બે ગેંડામાંનો એક દોડ્યો એક દિશામાં અને બીજો દોડવા ગયો બીજી દિશામાં. પણ બાજુમાં જ અમારો હાથી હોઈ તેના પગમાં કંઈક ભરાઈ જતા પડતા પડતા રહી ગયો! મને એક બાજુ આ જોઈ હસવું આવ્યું તો બીજી તરફ ગેંડાઓની આ નાસભાગે અમારા હાથીઓને પણ ઉશ્કેર્યા અને તેઓ સાંકડા ઉંચા રસ્તા પર આઘાપાછા થવાં માંડ્યા અને અમે બધાં એવા તો ડરી ગયા કે ન પૂછો વાત! પણ થોડી જ ક્ષણોમાંતો ગેંડાઓ પણ ગાયબ થઈ ગયાં અને અમારા હાથીઓ પણ શાંત થઈ ગયાં. જો આ ખતરનાક ખેલ વધુ સમય ચાલ્યો હોત તો મને ખાતરી છે કે કેટલાક લોકો તો ચોક્કસ ગભરાઈને હાર્ટ અટેકથી મરી ગયાં હોત! ખેર મારા માટે તો આ એક રોમાંચકારી ઘટના બની રહી જે મને સદાય યાદ રહેશે!

એ પછી તો 'લકી પૂર્ણિમા'એ અમને વધુ થોડો સમય જંગલમાં ફેરવ્યા અને અજવાળું થઈ જવાથી સુંદર વ્રુક્ષો, થોડાંઘણાં પંખીઓ અને બીજાં થોડાં સાબર, ગેંડાઓ અને ઘાસ તથા કરોળિયાના જાળા,પ્રાણીઓનાં પગલાં તેમની વિશ્ટાના ઢગલા વગેરે અનેક વસ્તુઓ સ્પષ્ટ પણે જોવા મળી! અને અડધા પોણા કલાકમાં તો અમારી આ વનયાત્રા પૂર્ણ પણ થઈ ગઈ. પછી તો અમે બધાંએ હાથી પરથી નીચે ઉતરી તેની આજુબાજુ ઉભા રહી ફોટા પડાવ્યાં.

અને થોડાં સમયમાં તો બધાં ત્યાંથી વિખરાઈ ગયાં પણ આ યાત્રા - આ ઘટના સદાય મારા સ્મૃતિપટ પર જડાયેલી રહેશે.

શનિવાર, 3 સપ્ટેમ્બર, 2011

ગોવિંદા યેઉન ગેલા રે…

થોડાં જ દિવસો પહેલા જન્માષ્ટમીનું પવિત્ર પર્વ ગયું અને સાથે જ દસ સ્તરવાળું પિરામીડ બનાવવાનો રેકોર્ડ બ્રેક ન થઈ શકવા છતાં મટકી અને ગોવિંદાઓ ચર્ચામાં રહ્યાં.


સૌથી મોટું આશ્ચર્ય અને કન્ફ્યુઝન એ વાતનું છે કે મટકી કૃષ્ણ જન્મની ખુશી વ્યક્ત કરવા ફોડવામાં આવતી હોય તો એવું આ વર્ષે પણ શા માટે બન્યું કે મટકી ગોકુળ આઠમના દિવસે ફોડી લીધા બાદ, રાત્રે કૃષ્ણ જન્મ કરાવવામાં આવ્યો? મને લાગે છે કે મટકી જન્મ બાદ બીજે દિવસે એટલે કે નોમ ના દિવસે ફોડાવી જોઇએ. ખેર આપણે માણસો તો આપણી અનુકૂળતા ખાતર શું નુ શું બદલી નાંખતા હોઇએ છીએ તો આ તો ફક્ત તહેવાર ઉજવણીમાં એક દિવસ વહેલો મટકી ફોડી લેવાની જ વાત છે!

આપણને ખબર હોય કે ન હોય પણ આપણા દરેક ભારતીય તહેવારની ઉજવણી પાછળ કોઈક કારણ, કોઈક અર્થ છૂપાયેલા છે. આપણે એની ઝાઝી પરવા કર્યા વગર, ફક્ત મોજમજા અને આનંદ ખાતર, બધાં તહેવારોની ભવ્ય રીતે, ક્યારેક દેખાડો કરીને તો ક્યારેક મસમોટી રકમ ખર્ચીને પણ ઉજવણી કરીએ છીએ. ભારતીય તહેવારો ઓછા હોય એમ કેટલાક વિદેશી તહેવારો અને દિવસોની પણ આપણે જોરશોરથી ઉજવણી કરીએ છીએ.પર્વ ઉજવી આનંદ મેળવવો એ કંઈ ખોટી વાત નથી પણ તહેવાર પાછળનો ખરો આશય ભૂલી જઈ જુદા જ કારણો સર તહેવારનું વિકૃતિકરણ એ ખરેખર દુ:ખદ અને ચિંતા જનક બાબત છે. જન્માષ્ટમીએ મટકી ફોડવાના પવિત્ર તહેવારને રાજકીય પક્ષોએ, તેની સાથે લાખો-કરોડો રૂપિયાના ઇનામો જોડીને આજે આવો જ વિકૃત તહેવાર બનાવી દીધો છે.

કૃષ્ણ જન્મની ખુશી મટકી ફોડવા પાછળનું એક કારણ છે પણ શું મટકી ફોડનારા બધા ગોવિંદાઓને મટકીને દહીહાંડી શા માટે કહે છે અને એ ફોડવા પાછળના લોજિકની ખબર હોય છે?

આ પાછળ એક રસપ્રદ કથા છે.કૃષ્ણનું બાળપણ જ્યાં વિત્યુ હતું એ ગોકુળ ગામમાં પુષ્કળ ગાયો હતી જે ખૂબ સારુ અને વધુ દૂધ આપતી અને એમાંથી સારુ એવુ માખણ તૈયાર થતું પણ આ ગામની ગરીબ પ્રજાને એ માખણ ખાવાનો લાભ મળતો નહિં.કારણ પાડોશી ગામ મથુરામાં ત્યારે કૃષ્ણના મામા અસુર કંસનું રાજ હતું અને ગોકુળનું બધું માખણ કંસના ડર અને ત્રાસને કારણે મથુરા મોકલી દેવુ પડતું. અને આમ તેમનું પોતાનું માખણ ગોકુળવાસી બાળકો અને મોટેરાઓ ખાઈ શકતા નહિં.

જ્યારે કૃષ્ણને આ વાતની જાણ થઈ ત્યારે તેમણે એક યુક્તિ વિચારી.મથુરા મોકલાવવા માટેનું માખણ ગોવાળો તેમના ઘરોમાં ઉંચે મટકીમાં ભરીને રાખતાં. કૃષ્ણે પોતાના બાળગોપાળ મિત્રોને ભેગા કરી,ગોપીઓ અને ગોવાળો ઘેર ન હોય ત્યારે છાનામાના તેમના ઘરોમાં ઘૂસી જઈ,પિરામીડ જેવું સ્ટ્રક્ચર તૈયાર કરી મટકી ફોડી તેમાંનું માખણ એ બાળગોપાળ મિત્રો સાથે વહેંચી ખાવાનું શરૂ કર્યું. આથી કેટલાક ગરીબ બાળકો જે ક્યારેય માખણ ખાવા પામી શક્તા નહોતાં,તેમને પણ માખણ ખાવા મળ્યું.અને આ ઉદાત્ત ભાવના સાથે કૃષ્ણે મટકી ફોડવાની શરૂઆત કરી હતી!

પણ આજે આપણે મટકી ફોડવાના મહાઉત્સવ ઉજવીએ છીએ કરોડો રૂપિયાના ઇનામો જાહેર કરી.આમાં ભગવાનને યાદ કરવાની કે કોઈનું ભલુ કરવાની ભાવના ક્યાંય નજરે ચડતી નથી. ગોવિંદાઓ માટે લાખો કરોડો રૂપિયાના જાહેર કરાયેલાં ઇનામની રકમ તમને મળે છે કે નહિં એ તો ક્રુષ્ણ જાણે! પણ રાજકીય પક્ષો આવા ભવ્ય કાર્યક્રમો યોજી પોતાની હલકી પબ્લિસીટીની રોટલી જરૂર શેકી લે છે. નરનારી સમાનતાના આ યુગમાં સ્ત્રીઓ પાછળ કેવી રીતે રહી શકે?કેટલીયે જગાઓએ મહિલા-ગોવિંદાના જૂથ પણ મટકી ફોડી પુરૂષો કરતાં ઓછાં પણ મસમોટી રકમના ઇનામો જીતી લે છે. મટકી સાથે મોટા અવાજે ડી.જે. મ્યુઝિક વગાડાય છે, ક્યાંક કલાકારોને મહેમાન તરીકે બોલાવાય છે તો ક્યાંક લાવણી-તમાશા જેવા કાર્યક્રમો પણ યોજાય છે. ‘અમારી મટકી સૌથી ઉંચી’ એવી જાહેરાતો સાથે અધધધ રૂપિયાનો ધુમાડો કરી આખા શહેરને જાણે યુદ્ધમેદાનમાં ફેરવી નાંખવામાં આવે છે.ઉંચા ઉંચા પિરામીડ બનાવવા પ્રોત્સાહિત કરવામાં આવતા હોવા છતાં જ્યારે એ પિરામીડ તૂટી પડે અને કોઈ ગોવિંદાના હાથ-પગ ભાગે કે તે ગંભીર રીતે ઇજા પામે ત્યારે કોઈ રાજકારણી તેની ખબર કાઢવા હોસ્પિટલ જતો નથી કે તેના અપંગ થઈ ગયા બાદ કે કમનસીબે તેનું મૃત્યુ થઈ જાય તોતેના કુટુંબના ભરણપોષણની જવાબદારી ઉઠાવતો નથી.

આ સાથે બીજા પણ અનેક પ્રોબ્લેમ્સ મટકી ફોડવાના દિવસે ઉભા થાય છે. આખા શહેરમાં ટ્રાફિક જામ, ગોવિંદાના બે જૂથો વચ્ચે અથડામણ કે કેટલાક અસામાજિક તત્વો ગોવિંદા બની દારૂ પી બેફામ ડ્રાઇવિંગ કરી રસ્તા પર શોરબકોર સાથે બાઈક પર કે ગાડી-ખટારાઓમાં નિકળી પડે છે.આ બધા દૂષણોને કારણે પવિત્ર પર્વનું સ્વરૂપ વિકૃત થઈ જાય છે.

હું પોતે અતિ ઉત્સાહી અને તહેવાર પ્રિય હોવા છતાં આજના આપણાં આ સો-કોલ્ડ મોર્ડન યુગમાં તહેવારોના બદલાઈ ગયેલાં સ્વરૂપથી વ્યથિત છું.આશા રાખીએ કે ફરી લોકો તહેવારોને તેમનાં મૂળ સ્વરૂપે ઉજવી સાત્વિક આનંદ માણતાં શીખે!

શનિવાર, 20 ઑગસ્ટ, 2011

ગેસ્ટ બ્લોગ : જુહુની ગલીઓના લીલા – પીળા ગાલીચા

- કિશોર દવે

સવારનો સમય છે....... સાતમા માળ પરની અગાસી માં બેઠો છું. હવાની મંદ મંદ લહેરખીઓ આવે છે. એક બાજુ “પવન હંસ” હેલીકોપ્ટરનું એરોડ્રામ છે, બીજી બાજુ મીઠીબાઈ કોલેજ ની મોટી ઈમારત. એક બાજુ દૂર દૂર જુહુ નો સમુદ્ર કિનારો અને સામે જા‌‍‌ણે પાતાળ માંથી પ્રાદુર ભાવ પામતી NMIMS ની નવી ઈમારત – અને અરે ! અગાસી પરથી નીચે જોતાં આ શું છે? લીલો પીળો ગાલીચો ? નીચે આવેલ વૃક્ષોના લીલા પાંદડા અને અસંખ્ય પીળાં ફૂલો નો જાણે સુંદર ગાલીચો, આખી ગલીમાં પાથરી દીધો છે, જાણે કે કોઈ મહાન વ્યક્તિ પધારવાની હોય, અને તેના સ્વાગત માટે લાલ જાજમ ને બદલે લીલી પીળી ડીઝાઈન નો ગાલીચો ના પાથર્યો હોય?

હવા જરા વધૂ પ્રમાણમાં આવે છે અને નીચે જોતાં એ લીલા પાંદડા અને પીળા ફૂલોનો સમૂહ કોઈ સંગીત સમ્રાટ ભીમસેન જોશી કે સંગીત સામ્રાજ્ઞી કિશોરી અમોનકર ની સંગીત મેહફીલ માં તેમનું સુરીલું સંગીત સાંભળી ને બે હાથ ઉંચા કરીને કે બાજુ માં બેઠેલ વ્યક્તિ ના ગળા માં હાથ નાખીને જાણે ગીતોના તાલ માં ઝૂમી ઉઠતા હોય.!

આવું કુદરત સર્જિત દ્રશ્ય કેટલું આનંદકારક હોચ છે? પરંતુ જો નીચે રસ્તા પર ઉભા હો તો આવું બધું જોવાની તક મળે નહિ. હા! મળે માત્ર બપોરના સૂર્ય ને ઢાંકતો શીતલ છાંયડો, ત્યારે એક વિચાર એવો આવે કે વતન માં જેમ વડલા ની ઘેઘૂર છાંયમાં ખાટલો નાખી ને પડ્યા હોઇએ તેમ અહિં પણ છાંયડામાં ખાટલો ઢાળી આડા પડવું જોઇએ, બપોરની ઉંઘ ખેંચી લેવી જોઇએ! પરંતુ અહીં તો એક બાજુ મોટરો કે ટૂ વ્હિલર પાર્ક કરી રાખ્યા છે. તેમને ખસેડી યે તો કદાચ એમ થઈ શકે! પરંતુ અહીં તો માત્ર આની કલ્પના જ કરવાની અને આનંદ માંણવાનો.. આવી રીતે ક્યાં ખાટલો લેવા જવું કે ક્યાં પાર્ક કરેલા વાહનો ને ખસેડવા?

જેમ અગાસીમાંથી લીલો પીળો ગાલીચો સુંદર લાગે પરંતુ તેના પર થોડું ચાલી શકવાના છો? અને કદાચ ચાલવાનો પ્રયાસ કરો તો પાંડવો ના પેલા માયાવી મહેલ માં જેમ દુર્યોધન ને પાણી ની જગ્યાએ જમીન તથા જમીન ની જગ્યાએ પાણી દેખાયું અને તેમ કરતા તે પડી ગયો તેમ તમે પણ એ ગાલીચા ઉપર પદાર્પણ કરવા જાશો તો ઉપર થી નીચેજ પડશો !

કહેવાનું તાત્પર્ય એટલું જ કે ઈશ્વરે જે સૌંદર્ય નિર્માણ કર્યું છે તેનો ઉપયોગ પ્રત્યક્ષ રીતે કદાચ ના થઇ તો માત્ર દર્શન થીજ તેનો આનંદ તમે માણી શકો છો. એક સુંદર દ્રશ્ય – દાખલા તરીકે જુહુ ના સાગર માં ક્ષિતિજ ની કિનારી એ ડૂબી જતો સૂર્ય પણ જોતાં તમોને આનંદ ની અનુભૂતિ થશે જ. એટલે ઈશ્વરે આપણ ને આનંદમાં રાખવા એવી અનેક વસ્તુઓનું સર્જન કર્યું છે કે તમે તેમાંથી આનંદ મેળવવા નીકળી પડો, શહેરમાં – ગામડામાં કે જંગલોમાં તો તમારા થેલા કે કોથળા ભરાય એટલું સૌંદર્ય પ્રભુ એ આ સૃષ્ટીમાં વેર્યું છે. તેનો તમે ઉપભોગ કરી શકો છો. તમારા જીવન ની નિરાશા ની પળો માં કે કોઈ દુઃખદ ઘટના વખતે તમે માણેલાં એ સૌંદર્યને વાગોળી પ્રભુની અગાધ શક્તિ ના દર્શન કરી શકશો, બધું ભૂલીને પ્રભુમય થઇ જશો અને આ પ્રભુ ની શક્તિનું દર્શન એજ તમારી ખરી પૂજા છે અને આ પૂજા ને આ શક્તિ ને અપનાવી લેતા દર્શન કરી તમારા જીવન માં સમાધાન લાવી શકો તો પછી તમારે બીજે ભટકવાની શું જરૂર છે? માળા કરવાથી કે પ્રભુ સ્મરણ કરતાં કરતાં પ્રભુ ની આવી અગાધ શક્તિનું દર્શન કરતા રહેશો તો તમારું જીવન સફળ થઇ શકે. એ માટે અગાસી માંથી દેખાતા વ્રુક્ષોના ફૂલો તથા પાંદડાઓનો સર્જિત લીલા પીળા ગાલીચા તો માત્ર એક ઉદાહરણ છે જો કે એવું સૌંદર્ય માણવાની પ્રત્યેક મનુષ્ય માં તમન્ના હોવી જોઇએ. કવિ કલાપીએ પણ કહયું છે કે –

“સૌંદર્ય વેડફી દેતા ના, ના સુંદરતા મળે,

સૌંદર્ય પામતા પહેલાં, સૌંદર્ય બનવું પડે”

ઈશ્વર ના પ્રત્યેક સર્જન માં તમે એક પ્રકાર ની પરિપૂર્ણતા નિહાળશો, તો એ કુદરતના કરિશ્મા ને જોતાંજ તમે બધાં દુન્યવી દુઃખ ભૂલી જશો અને એક વિરાટ શક્તિના સર્જન નો આનંદ માણતા થશો. એટલે જીવન માં ક્યારેય પણ – નિર્ભેળ આનંદ – અવિરત આનંદ મેળવવો હોચ ત્યારે આવા ઈશ્વરના અનોખા સર્જનોનો સહારો લેશો તો તમારે સુખની શોધ માં બીજે ક્યાંય ભટકવું નહિ પડે એ નિઃશંક છે.


- કિશોર દવે

શનિવાર, 13 ઑગસ્ટ, 2011

આઝાદી

ગયા અઠવાડિયે સ્ત્રીઓને પુરૂષોની સંકુચિત માનસિક્તામાંથી આઝાદી મળે એવી ઝંખના વ્યક્ત કર્યા બાદ આજે મારે બીજા એક પ્રકારની આઝાદીની વાત માંડવી છે.


હમણાં થોડા સમય અગાઉ અમોલ ગુપ્તે દિગ્દર્શીત-અભિનીત એક બાળકોની હળવી પણ ભારે એવી ફિલ્મ 'સ્ટેનલી કા ડબ્બા' જોઈ. અતિ હ્રદય સ્પર્શી એવી આ ફિલ્મને બાળકોની કહી, બાળકો માટેની નહિં કારણ મોટા ભાગના કલાકારો બાળકો હોવા છતાં એમાં મોટાઓ માટે બે-ત્રણ સંદેશ હતાં, કોઈ જાતના ઉપચાર કે વધારે પડતી નાટ્યાત્મક્તા વગર, અપ્રત્યક્ષ રીતે. આ ફિલ્મ માટે હળવી અને ભારે બંને વિરોધાભાસી વિશેષણોનો પ્રયોગ પણ મેં જાણી જોઈને કર્યો છે એ દર્શાવવા કે બાળકોના સુંદર, સાહજિક અભિનયને કારણે કંઈક હલ્કુ-ફુલ્કુ જોઈ રહ્યાનો અહેસાસ થવાની સાથે જ સમાજને જે સંદેશ અમોલજી એ પહોંચાડ્યો છે તે ભારે છે. ફિલ્મ જોયા બાદ કોઈ પણ સંવેદનશીલ વ્યક્તિની આંખ ભીની થયા વગર ન રહે.સંદેશ છે બાળકોને આઝાદી આપવાનો.

બીજાઓના ડબ્બામાંથી જ ચોરી કે માગીને ખાવાની કુટેવ ધરાવતો એક 'ખડ્ડૂસ' શિક્ષક સ્ટેનલી નામના એક અતિ હોંશિયાર,સર્જનાત્મક ત્રીજા ધોરણમાં ભણતા વિદ્યાર્થીને, ડબ્બો ન લાવવાને કારણે શાળામાંથી કાઢી મૂકે છે, તે જ્યારે ડબ્બો લાવી શકે ત્યારે જ ફરી પાછા શાળાએ આવવાની ધમકી સાથે. અહિં શિક્ષકો માટે સંદેશ છે કે તેમણે કુમળી વયના બાળકો સાથે જવાબદારી ભર્યા વર્તન દ્વારા તેમનામાં સારા અને સાચા સંસ્કારો આપી તેમનું ચારિત્ય ઘડતર કરવાનું છે.વિદ્યાર્થીઓને દોસ્ત જેવા બનાવી તેમને યોગ્ય માર્ગદર્શન આપવાનું છે તેમનામાં રસ લઈને,તેમના વિષે પૂરતી માહિતી મેળવીને.પેલા લોલુપ શિક્ષકે સ્ટેનલીને સજા તો ફટકારી ડબ્બો ન લાવવા બદલ, પણ એ હકીકત જાણ્યા વગર કે સ્ટેનલી માબાપ વગરનો હોટલમાં મજૂરી કરીને પેટિયું રળનારો અને ત્યાં આશ્રય પામનારો કમનસીબ બાળમજૂર છે.આ હકીકત સ્ટેનલીએ કોઈ શિક્ષક કે વિદ્યાર્થી સાથે પૂરી ફિલ્મ દરમ્યાન ક્યારેય શેર નથી કરી.એ દુ:ખ આ બાળક તેને સાચો પ્રેમ અને પ્રોત્સાહન આપનારી શિક્ષિકાથી પણ છૂપાવી એકલો જ સહન કરે છે. શિક્ષકો એ દરેક વિદ્યાર્થીની મનોદશા સમજી તેના વ્યક્તિગત જીવનમાં પણ રસ લઈ તેની મુશ્કેલીઓ,તેની નબળાઈઓ દૂર કરવા પ્રયાસ કરવા જોઇએ અને તેની શક્તિઓ,લાયકાત પિછાણી તેને વધુ ઉજાગર કરવાના પ્રયત્નો કરવા જોઇએ.

આ બ્લોગનો મુખ્ય મુદ્દો હવે ચર્ચીએ. સ્ટેનલી કા ડબ્બામાં સ્ટેનલી દ્વારા ફિલ્મસર્જકે હજારો-લાખા બાળમજૂરોનું પ્રતિનિધિત્વ કર્યું છે.ફૂલ જેવા કોમળ બાળકોને પેટ ભરવા કે રહેવા માટે જગા મળી રહે એ માટે મજૂરી કરવી પડે એ દુ:ખદાયક,શરમજનક અને ધિક્કારપાત્ર ઘટના છે.જે બાળકો પાસે વેઠ કરાવવાનું આ ઘૃણાસ્પદ કામ કરાવડાવે છે એ ગુનાને પાત્ર ઠરવું જોઇએ અને તેને કડક માં કડક સજા થવી જોઇએ.આપણાં મુંબઈ શહેરમાં અનેક જગાએ 'કામા સાંઠી મુલે પાહિજે' ના પાટિયા લગાડેલા જોવા મળે છે એટલું જ નહિં કેટલાંય કારખાનાઓ અને ફેક્ટરીઓમાં અનેક બાળકો કામ કરે છે અને તેમનું શોષણ થાય છે.આ બાળકોને ક્યારે આઝાદી મળશે? આ બાળકોને તેમનું બાળપણ પાછું મળશે? આ બ્લોગ વાંચનાર દરેક રીડરને મારી વિનંતી છે કે આવા કોઈ બાળકને તમે કામધંધા પર રાખ્યો હોય કે તમે આવા કોઈ તમે આવા કોઈ બાળકને મજૂરી કરતા જુઓ તો તેને મુક્ત કરવાનો કે કરાવવાનો પ્રયાસ કરજો.તેના માટે કંઈક ઘટતું કરજો.ઇશ્વરની પુજા મૂર્તિ કે તસવીરને ભજવામાં નથી,મનુષ્ય માત્રના કલ્યાણમાં છે. જનસેવા એ જ પ્રભુ સેવા છે.



ભારત દેશની આઝાદીનો ૬૫મો સ્વાતંત્ર્ય દિન આપણે આ વર્ષે ભલે ઉજવીએ પણ જ્યાં સુધી રાષ્ટ્રનો દરેક માનવી પછી ભલે એ સ્ત્રી હોય, પુરૂષ હોય કે બાળક, ખરાં અર્થમાં આઝાદ નહિં હોય, એક સારું માનવી માટે યોગ્ય એવું ગૌરવભર્યું જીવન જીવવા માટે આઝાદ નહિં હોય ત્યાં સુધી દેશના આઝાદીદિનનો કોઈ અર્થ નથી. આપણે સૌ આ આઝાદીદિનના પર્વે ખરી આઝાદી માટે કંઈક કરવાનો સંકલ્પ કરીએ...





(સંપૂર્ણ)

રવિવાર, 7 ઑગસ્ટ, 2011

આઝાદી

છેલ્લા ૬૪ વર્ષથી ૧૫મી ઓગષ્ટે ભારતનો આઝાદી દિન ઉજવાય છે પણ આજે મારે આ બ્લોગ થકી એક જુદા પ્રકારની આઝાદીની વાત કરવી છે...




૩૧મી જુલાઈએ દિલ્હીની સડક પર એક નવા પ્રકારનું સરઘસ જોવા મળ્યું જેમાં હજારેક યુવતિઓ અને કેટલાક યુવાનો 'Believe it or Not!! My Short Skirt has nothing To Do with You…' ,'A Gentleman is Never Provoked! A Sexual Offender Does Not Need Any “Provocation” ','बुरी नज़रवाले तेरा मुह काला..’, ‘छेड़छाड़ पर रोक लगाओ …' જેવા સ્લોગન્સ લખેલા પ્લાકાર્ડ્સ લઈને સ્ત્રીઓને લગતા એક સંવેદનશીલ મુદ્દા અંગે વિરોધ નોંધાવવા રસ્તા પર ઉતરી આવ્યાં! પ્રશંસનીય બાબત એ હતી કે સ્ત્રીઓને લગતો વિષય અને વિરોધ પણ કેટલાંક પુરૂષોની સડેલી માનસિકતા સામે જ પ્રદર્શિત કરવાનો હોવા છતાં આ રેલીમાં સારી સંખ્યામાં યુવાનો પણ જોવા મળ્યા. આ હતો ‘બેશરમી મોર્ચો’ જેને વિદેશમાં ‘સ્લટ વોક’ તરીકે ઓળખવામાં આવે છે. પ્રથમ સ્લટ વોકની શરૂઆત કેનેડાના ટોરન્ટોમાં ૨૦૧૧ની ત્રીજી એપ્રિલે થઈ.જેનું મૂળ કારણ ત્યાંના એક પોલિસ ઓફિસરનું બેજવાબદારી ભર્યું અવિચારી વિધાન હતું. તેણે કહ્યું હતું કે સુરક્ષિત રહેવા માટે સ્ત્રીઓએ સ્લટ જેવાં કપડાં પહેરવાં ન જોઇએ.અંગ્રેજીમાં સ્લેંગ ‘સ્લટ’નો અર્થ વેશ્યા કે ચરિત્રહીન સ્ત્રી જેવો થાય છે.કેટલી નફ્ફટાઈથી આ પોલિસ ઓફિસરે પુરૂષોની બદદાનત કે કુકર્મ કરવાની વૃત્તિ પાછળ સ્ત્રીઓની કપડા પહેરવાની આદતને જવાબદાર ઠેરવી પોતાનાં દોષનો ટોપલો સ્ત્રીઓ પર ઢોળી દીધો! પરિણામ એ આવ્યું કે આવા બેહૂદા વિધાનનો વિરોધ નોંધાવવા માત્ર ટોરન્ટોમાં જ નહિં પણ જગતભરના અનેક દેશોમાં એ દિવસ બાદ આવા સ્લટ વોક કે બેશરમી મોર્ચા યોજાયા અને ભારતમાં પ્રથમ વાર તે દિલ્હીમાં નહિં પણ જુલાઈ મહિનામાં મધ્યપ્રદેશના ભોપાલમાં યોજાયો!

વિદેશોમાં તો સ્ત્રીઓએ વિરોધ પણ કઈ રીતે નોંધાવ્યો? ટૂંકા ટૂંકા વસ્ત્રો પરિધાન ધારણ કરી રસ્તા પર ઉતરી આવીને જ! આવકારદાયક બાબત એ છે કે આ મોર્ચામાં કેટલાક સમજુ પુરૂષો પણ ભાગ લઈ રહ્યાં છે.

મોટા ભાગના પુરૂષો સ્ત્રીઓને હજી પણ પોતાનાથી ઉતરતી અને ભોગવવાના સાધન તરીકે જ જુએ છે.આજે પણ સ્ટેશન પર ગાડી પસાર થાય ત્યારે લેડીઝ ડબ્બા પાસેથી પસાર થતી વખતે કેટલાક હવસખોર પુરુષો હલ્કી કોમેન્ટ્સ કરતા કે ક્યારેક હાથ અડાડી લેવા જેવી હલ્કી હરક્તો કરતા જોવા મળે છે.આવે વખતે સ્ત્રીઓ ચૂપ બેસી રહેવું જોઇએ નહિં.'નો વન કિલ્ડ જેસિકા' ની અતિ બોલ્ડ રાની મુખર્જીની જેમ ગંદી ગાળ ન આપીને, પણ સામો હાંકોટો કરી કે હાથ ખેંચી એવા મવાલી પુરુષને ગાડીમાંથી નીચે કે બહાર પાડવાનો પ્રયત્ન તો કરી જ શકાય!

બળાત્કાર એ પુરુષના મનની વિકૃતિનું જ પરિણામ છે એની પાછળ ટૂંકા વસ્ત્રોને કોઈ રીતે જવાબદાર ઠેરવી શકાય નહિં.તમને ડાયાબિટીઝ હોય અને સામે મીઠાઈ પડી હોય અને એ તમે ખાવ તો વાંક મીઠાઈનો નહિં તમારો, તમારી અસંયમની વૃત્તિ નો જ ગણાય!

અહિં હું સ્ત્રીઓ ટૂંકા કપડા પહેરવા જોઇએ એવો પ્રચાર નથી કરી રહ્યો. કેવા અને કયા કપડા પહેરવા એ દરેકની પસંદગીની,વ્યક્તિગત સ્વતંત્રતાની બાબત છે પણ પુરુષો પોતાની કાબૂમાં ન રાખી શકાતી વાસના પાછળ સ્ત્રીઓના વસ્ત્રોને કારણ ગણાવે એ તો બિલકુલ સ્વીકર્ય ન ગણાય.જો એમ હોત તો ભારત જેવા દેશમાં બળાત્કારનો દર આટલો ઉંચો જોવા ન મળત જ્યાં મોટા ભાગની સ્ત્રીઓ ગામડાંઓમાં વસે છે અને શહેરોમાં પણ મોટા ભાગની સ્ત્રીઓ મર્યાદાપૂર્ણ વસ્ત્રોમાં સજ્જ જોવા મળે છે.વિશ્વમાં દર ચાર મિનિટે એક બળાત્કાર થાય છે.આ એક ચોંકાવનારી હકીકત છે. શું વિશ્વની આ બધી સ્ત્રીઓ ટૂંકા વસ્ત્રો પહેરે છે? અરે કેટલાક કિસ્સઓમાં તો બળાત્કારનો ભોગ બનનાર મહિલા આધેડ વયની ડોશી કે ક્યારેક તો કેટલાક મહિનાની વય ધરાવતી બાળકી પણ હોય છે.આવા પાશવી અધમ કૃત્ય બદલ મોટા ભાગના કિસ્સાઓમાં પૂરતા પુરાવાઓના અભાવે દોષી છૂટી પણ જાય છે અને કેટલીયે વાર નિર્દોષ મહિલા આત્મહત્યા કે પછી હત્યાનો ભોગ બનતી હોય છે.

મને નવાઈ લાગે છે કે મુંબઈમાં હજી કેમ આવો મોર્ચો યોજાયો નથી! એ જ્યારે પણ યોજાય ત્યારે મારું એક સૂચન છે કે સ્લટ વોક મોર્ચા અંતર્ગત ખાસ ટ્રેનિંગ સેશન્સ પણ રાખવા જોઇએ જેમાં મહિલાઓને શિખવવામાં આવે કે વાસનાઅંધ બનેલા પુરૂષપશુનો બળાત્કાર જેવી પરિસ્થિતીમાં હિંમત કેળવી,તેના ગુપ્તાંગ પર જોરપૂર્વક લાત ફટકારી કે ચીસાચીસ કરી મૂકીને કે આવી બીજી કઈ કઈ યુક્તિઓ દ્વારા સામનો કરી શકાય.

જરૂર છે પુરુષોએ માનસિક્તા બદલવાની. સ્ત્રીઓને પુરુષોની આ બંધિયાર ,સંકુચિત માનસિક્તામાંથી આઝાદી મળશે ત્યારે જ તેઓ સાચા અર્થમાં મુક્ત થઈ ગણાશે.

બીજી પણ એક આઝાદીની વાત કરવી છે એ આવતા સપ્તાહે...


(ક્રમશ:)

રવિવાર, 31 જુલાઈ, 2011

મુસાફરી દરમ્યાન...

થોડા દિવસો અગાઉ હું મારા ઓફિસના કામે એક કલીગ સાથે લોનાવાલા જઈ રહ્યો હતો.અમે ટાટા ઇનોવા ગાડી ભાડે કરી હતી જે માત્ર અમારા ત્રણ જણ (અમે બે અને ડ્રાઈવર) માટે ખૂબ મોટી હતી.વર્ષા ઋતુ હોવાથી વાતાવરણમાં ખૂબ ઉકળાટ ન હોવા છતાં ગાડીમાં એ.સી. પણ હતું જે અમે બંધ જ રખાવ્યું હતું.અમે વહેલી સવારે અમારી મુસાફરી શરૂ કરી હતી.અમે પુણે તરફ જતો વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે લીધો હતો.હું આ યાત્રા માણી રહ્યો હતો.


સમય પસાર કરવા મારા કલીગે મારી સાથે વાતચીત કરવાનું શરૂ કર્યું.સામાન્ય વાતચીત કરતાં કરતાં અમે તે રહે છે એ બિલ્ડીંગમાં થોડાં દિવસો પહેલાં બનેલી એક ઘટના વિશે ચર્ચા કરવા માંડ્યા.એ ખાસ્સા ઉંચા, બંધ લિફ્ટ ધરાવતા બિલ્ડીંગમાં રહે છે.અને તે ચોક્કસ દિવસે લિફ્ટમાં કંઈક ખરાબી ઉભી થતાં એક નાનકડી છોકરી તેમાં ફસાઈ ગઈ.લગભગ પંદર-વીસ મિનિટમાં લિફ્ટની મરામત કરાવી તેમાં રહેલી ખામી દૂર કરાઈ અને પેલી ફસાયેલી છોકરીને સહીસલામત ઉગારી લેવાઈ.તે ગભરાઈ ગઈ હતી અને તેણે બહાર આવતા જ ઊલ્ટી કરી.તે છોકરીના પિતાએ તમાશો ખડો કર્યો.તેણે પોતાના કેટલાક આડોશીપાડોશીઓને ભેગા કર્યાં અને બીજા કેટલાક નવરા લોકો એ ભેગા મળી તે સમયે ફરજ પર હાજર સિક્યુરીટી વાળાને પકડી ધબેડી નાંખ્યો.હવે આ દુર્ઘટનામાં એ બિચારા ગરીબ સિક્યુરીટીવાળાનો કોઈ દોષ નહોતો.પણ તે બલિ નો બકરો અને ગુસ્સે ભરાયેલા ગાંડા ટોળાંના રોષનો ભોગ બની ગયો! મને એ બિચારા પામર જીવની દયા આવી. તમે આવા અવિચારી બેકાબૂ બનેલા ટોળાંના બેફામ વર્તન વિષે શું માનો છો?

હાઈવે પરથી ગાડી જઈ રહી હોય એટલે થોડા થોડા સમયના અંતરે ધાબા-ફૂડ જોઈન્ટ્સ વગેરે પર રોકાવું તો પડે જ! અમે પણ દોઢ-બે કલાકની મુસાફરી બાદ રસ્તાની બાજુએ આવેલી એક હોટલમાં ચાનાસ્તો કરવા ઉતર્યાં.હું સવારે ઘરેથી જ ચાનાસ્તો પતાવીને નીકળ્યો હતો એટલે મને કંઈ ખાવાની ઇચ્છા નહોતી.છતાં મેં હોટલમાં એક બાજુએ ઉંચે દિવાલ પર લખેલા ખાવાની ચીજ વસ્તુઓના નામ અને ભાવ વાંચ્યા.મુંબઈની કોઈ સારી ડિસન્ટ રેસ્ટોરન્ટમાં પચ્ચીસેક રૂપિયા સુધીમાં મળી શકે એ ઇડલીસંભાર ત્યાં પાંત્રીસ રૂપિયે વેચાતા હતાં.મુંબઈની સ્પેશિયાલિટી ગણાતા વડાપાવ જે મુંબઈમાં સાત-આઠ રૂપિયામાં મળી રહે તેનો ભાવ આ હોટલમાં પંદર રૂપિયા હતો.મારા કલીગે એક પ્લેટ ઇડલીસંભાર ઓર્ડર કર્યા હતાં અને મેં એ ચાખ્યા પણ એમાં મને કોઈ એવી ખાસ બાબત જણાઈ નહિં જેનું પ્રિમીયમ આ હોટલવાળા વસૂલી રહ્યા હતાં.બીજી બધી ખાવાની વસ્તુઓના ભાવ પણ અતિ ઉંચા હતાં.મારા કલીગે તેમજ ડ્રાઈવરે ખાધા પછી જણાવ્યું કે ખાવાની ચીજવસ્તુની ગુણવત્તા કે સ્વાદ પણ અહિં વિશેષ નહોતા.તો પછી અહિં આ હોટલમાલિકે દરેક વસ્તુના ભાવ આટલા ઉંચા શા માટે રાખ્યા હશે?ફક્ત આ હોટલ હાઈવે પર હોવાને લીધે અને આજુબાજુ દૂર સુધી બીજી કોઈ હોટલ ન હોવાથી શું સામાન્ય ગુણવત્તા ધરાવતા ખાદ્યપદાર્થોના ભાવ આટલા ઉંચા રાખવા વ્યાજબી ગણાય?આ પ્રકારે કોઈક પરિસ્થિતીનો ગેરલાભ લેવો સારી વાત છે?શું આ નૈતિકતાની દ્રષ્ટીએ યોગ્ય ગણાય?કોઈ વેપાર કે ધંધો કરતું હોય તેમાં પણ શું એક માત્ર ધ્યેય પૈસા કે નફો રળવાનું જ હોવું જોઈએ?આપણે જે હાઈવે પરની હોટલની વાત કરતા હતા,ત્યાં એ હોટલનો માલિક થોડો નફો રળી શકે એટલા વ્યાજબી ભાવ રાખી શક્યો હોત.

આવા બીજા પણ ઘણાં ઉદાહરણો વિચાર કરતા મળી રહેશે.ક્યારેક કોઈ ચોક્કસ ઠેકાણે કંઈક મુશ્કેલી કે તંગદિલી સર્જાય ત્યારે ત્યાં જવાના રીક્ષા કે ટેક્સી વાળા સામાન્ય કરતાં ઘણું વધારે ભાડુ વસૂલ કરતા હોય છે.જો કોઈક જગાએ કે ખાસ સંજોગોમાં જીવનની મૂળભૂત જરૂરિયાત ગણાતા પાણીની કે ખોરાક્ની તંગી કે અછત ઉભા થાય તો લોકો આ વસ્તુઓ પણ ઉંચા ભાવે વેચતા અચકાતા નથી.અરે તાજેતરમાં જ મુંબઈમાં ઝવેરી બજાર પાસે બોમ્બ-બ્લાસ્ટ થયો ત્યારે સી.સી.ટી.વી ફૂટેજમાં પોલિસને જોવા મળ્યું કે કેટલાક લોકો આ દુર્ઘટનાનો ભોગ બનેલા લોકોની લાશ પાસે ઝૂકી ઝૂકી એ મડદાને ફંફોસતા હતાં.પોલિસને પહેલા લાગ્યું આ લોકો મદદ કરવાનો પ્રયત્ન કરતા હશે પણ ધ્યાનથી વારંવાર એ ક્લીપીંગ્સ જોતા તેમને સમજાયું કે ખરી રીતે એ લાલચુ વ્યક્તિઓ લાશના ખિસ્સામાં હીરા છે કે નહિં તે ચકાસતી હતી.

હું આ બધા વિચારો કરતો હતો ત્યાં તો લોનાવાલા આવી ગયું!અને મારી વિચારમાળા ત્યાં તૂટી ગઈ.પણ એ વિચારો આ બ્લોગ થકી તમારી સાથે શેર કર્યાં.તમને પણ આવા વિચાર આવે છે?તો એ બ્લોગને ઝરૂખેથી બીજાઓ સાથે શેર કરવા તમને પણ આમંત્રણ છે...

રવિવાર, 24 જુલાઈ, 2011

ફિલ્મોમાં અપશબ્દો અને ગાળો

તાજેતરમાં પ્રદર્શિત થયેલી કેટલીક ફિલ્મો જોઈ : શૈતાન, દિલ્હી બેલી, મર્ડર-૨. આ બધી ફિલ્મોમાં એક કોમન ટ્રેન્ડ જોવા મળ્યો. અપશબ્દો અને ગાળોના મારાનો. આ દરેક ફિલ્મમાં એવા પણ કેટલાક પાસાઓ ઉજાગર કરવામાં આવ્યા છે જે ભલે ખુલ્લેઆમ ચર્ચાતા ન હોય પણ સમાજમાં પ્રવર્તમાન જરૂર છે. કહે છે ને ફિલ્મો સમાજનું પ્રતિબિંબ છે.પણ એડલ્ટ સર્ટીફીકેટ છતાં બોલ્ડ ગણાતી આ ફિલ્મોમાં ભાષા અને બિભત્સતાનો આટલી હદે બેફામ પ્રયોગ મને તો અરૂચિકર લાગ્યો.સમાજમાં જે કંઈ બની રહ્યું હોય તે પ્રદર્શિત કરવાનો અને જેઓ ખરાબ આદતોના બંધાણી નથી તેમને પણ એમ કરવા પ્રેરણા આપે એવો આ દોર યથાર્થ લેખાવવાની વાત મારા ગળે નથી ઉતરતી.


ગાળો બોલવી જો સાવ સામાન્ય અને સારી બાબત હોય તો તમે એ કેમ તમારા માતાપિતા સામે ઘરમાં નથી બોલતા? (કેટલાક ‘સો કોલ્ડ’ આધુનિક પરિવારોમાં તો આ વલણ પણ હવે પ્રચલિત થતું જાય છે!) તમારી સામે તમારી બહેન,માતા કે પિતાને કોઈ ગાળ આપશે કે ગાળાગાળી ભરી ભાષામાં વાતચીત કરશે તો શું એ તમને ગમશે? જે આપણે અંગત જીવનમાં કરતા હોઇએ એ બધુ સિનેમાના પડદા પર બતાવવાની કોઈ જરૂર નથી એવો મારો અંગત અભિપ્રાય છે.

દિલ્હીબેલીમાં જાણી જોઈને અતિ ચર્ચાસ્પદ ગીતો 'ડી કે બોસ' અને 'પેન ચર' પણ યુવાપેઢીને ઉશ્કેરવા અને હલ્કી પબ્લિસીટી મેળવવા માટે જ ઉમેરાયા છે.આમિર ખાન જેવા પાકટ ,અનુભવી અને કાબેલ વ્યક્તિ પાસેથી આવી અપેક્ષા નહોતી.આ ગીત શું તમારું બાળક મોટેથી ખુશ થતુ થતુ ગાય ત્યારે તમને સારી લાગણી થશે? થોડા સમય અગાઉ જ ફિલ્મી ગીતોને લઈને બનેલા એક પ્રસંગે પણ મને વિચાર કરતો કરી મૂક્યો હતોં. નાનકડા તાજુ બોલતા જ શીખેલા બાળક પાસે તે જે કંઈ નવું બોલતા કે ગાતા શીખે તે મહેમાનો કે મિત્રો-સંબંધીઓ સમક્ષ દરેક માબાપ ગર્વ પૂર્વક વારંવાર બોલાવડાવી કે ગવડાવી મનોરંજન મેળવતા અને કરાવતા હોય છે.આ પ્રણાલી મુજબ મારા એક કઝિનની પત્ની એ તેની દોઢ વર્ષની બાળકી પાસે ખુશ થતા થતા ગીત ગવડાવ્યું 'શીલા… શીલા કી જવાની....' એ ગીતના એક પણ શબ્દનો અર્થ ન જાણતી, ફક્ત પોપટની જેમ એ ગીત લહેકાથી ગાતી છોકરીને સાંભળી મને સમજ ન પડી કે હું ખુશ થાઉં કે નારાજગી વ્યક્ત કરું.બાળકોને સિતારાઓની જેમ ચમકાવતા અનેક ટી.વી. શોમાં પણ આવા બેહૂદા ગીતો પર સાવ નાની ઉંમરના બાળકો ક્યારેક અશ્લીલ અદાઓ કે હરકતો કરી નાચતાગાતા દર્શાવાય છે. એ બાળકોને તો બિચારાઓને ખબર પણ નથી હોતી કે તેઓ શું કરી રહ્યાં હોય છે.આ ટ્રેન્ડથી માબાપોએ ચેતવા જેવું ખરું.

ફિલ્મોની આપણા સમાજના મોટા ભાગના લોકો પર,ખાસ કરીને કુમળી વયના બાળકો તેમજ આવતી કાલના ભવિષ્ય સમાન યુવાધન પર ઉંડી અસર થતી હોય છે. ત્યારે અપશબ્દો,ગાળો ભરેલા ડાય્લોગ્સ કે ગીતોનો આ ટ્રેન્ડ કેટલો આવકાર્ય ગણાય? ફિલ્મજગત સાથે સંકળાયેલી વ્યક્તિઓ આ મુદ્દો સમજશે ખરી?

રવિવાર, 17 જુલાઈ, 2011

ગેસ્ટ બ્લોગ : વડ

- મૈત્રેયી મહેતા


પોતાના પતિનાં પ્રાણ મ્રુત્યુના દેવ, યમરાજા પાસેથી છોડાવીને "અખંડ સૌભગ્યવતી ભવ" એવું વરદાન પ્રાપ્ત કરનાર, વડનું પૂજન કરનાર પરમ સતી સાવિત્રીથી ભાગ્યે જ કોઈ ભારતવાસી અજાણ હશે.

વડનું પુજન અને પતિના પ્રાણ યમરાજા પાસેથી પાછા મેળવવાની દંતકથા તો પ્રચલિત છે,પણ કદાચ તેની પાછળ વડના વૃક્ષના મૂળ, પાંદડાં કે ઘટાટોપ ઘેઘૂર વૃક્ષ નીચે રહેવાથી મ્રુત:પ્રાય:વ્યક્તિ પણ પ્રદૂશણમુક્ત, શુદ્ધ વાતાવરણ દ્વારા ફરીથી જીવન પ્રાપ્ત કરી શકે તેવો અર્થ તો અભિપ્રેત નહીં હોય? જે હોય તે, પણ વડસાવિત્રીનું નામ પડતાં જ ઘેઘૂર વડલો અને સત્યવાનના પ્રાણ પાછા મેળવનાર સતી સાવિત્રીની યાદ જરૂર તાજી થાય છે.

વડનું વૃક્ષ, અંજીર પ્રકારનું વૃક્ષ છે, અને ગમે ત્યાં ઉગી નીકળે છે.
ભીંત ફાડીને ઉગી નીકળતા વડ કે પીપળા જેવા વૃક્ષો, પ્રુથ્વીના અલંકાર સમાન છે.ફળો ખાતાં પક્ષીઓ વડના બી ફેલાવે છે, બી ઉગી નીકળે છે,અને તેનાં મૂળ એટલે કે વડવાઈઓ જમીન તરફ લહેરાય છે ! ઘણી વાર તો વડવાઈઓ જમીન તરફ વધીને ફરીથી વૃક્ષ બની જાય છે,અરે,મૂળ વટવૃક્ષ છે કે પછી વડવાઈમાંથી ફરીથી વિસ્તરેલું વૃક્ષ છે તે કળી શકાતું નથી! આમ ઘેઘૂર વડલાઓ કોઈ તપનિષ્ઠ ત્રુ:ષિઓ જેવા દીસે છે. વડનું વૃક્ષ વિસ્તરીને ૨૦૦ મીટરનો વ્યાસ ધરાવતું ઘેઘૂર વૃક્ષ બની શકે છે. કોલકાત્તામાં આવો ઘેઘૂર વડલો જોઈ શકાય છે.ગુજરાતમાં કબીરવડ તો ખૂબ જ પ્રચલિત છે.

જાણીતા આયુર્વેદિક ચિકિત્સક શ્રિ માનસ વ્યાસ વડને કુદરતના અમૂલ્ય ઔષધ તરીકે ગણાવે છે.અમે વડ વૃક્ષના આયુર્વેદિક ગુણધર્મો વિષે માનસભાઈ પાસેથી થોડું ઘણું જાણવાનો પ્રયાસ કર્યો. માનસભાઈએ કહ્યું કે વડ પંચવલ્કલમાંનું એક વૃક્ષ ગણાય છે.તે શરીરના ના સૂકાતા ઘા ભરવામાં વપરાય છે. વડના વૃક્ષની છાલનો ઉકાળો નાસૂર બની ગયેલા ઉંડા ઘાને ધોવામાં ઉપયોગી છે.વડની છાલને ઉકાળીને તેનાથી ઘા ધોવાથી તે ઝડપથી રૂઝાય છે. તેમણે માહિતિ આપી કે આધુનિક સંશોધન પ્રમાણે દાઝવાથી થયેલા ઘા કે ચાંદા રૂઝવવામાં પંચવલ્કલ વૃક્ષ સરસ કામ કરે છે. તે એન્ટિસેપ્ટિક ગુણ ધરાવે છે .માનસભાઈએ કહ્યું કે ઈછિત પુરુષ સંતાન પ્રાપ્ત કરવામાં પુન્સંવન વિધિ મદદરૂપ થાય છે. તેમાં વડના પાંદડામાંથી કાઢેલા દૂધ કે ખીરનાં ટીપાં નાકમાં નાંખવામાં આવે છે.

માનસભાઈએ કહ્યું કે વડ કે વિવિધ વ્રૂક્ષોના ઔષધિય ગુણો એટલા ઉત્તમ છે કે પૂજન દ્વારા તેનું મહત્વ પરંપરામાં જળવાઈ રહે તે હેતુથી વ્રત વરતુલાઓમાં તેને વણી લેવામાં આવતાં હશે.
હવાઈમાં લહાઈનાના કોર્ટહાઉસમા સ્ક્વેરમાં ૧૮૭૩ માં રોપવામાં આવેલું વડનું ઝાડ લગભગ એક એકર જમીનના ૨/૩ ભાગમાં વિસ્તરી ચૂક્યું છે ! વટવૃક્ષ, ભારતનું રાષ્ટ્રિય વૃક્ષ છે.

વડોદરાનું નામ- વડનું શહેર- તરીકે જાણીતું છે, શહેરમાં આવેલા ઘેઘૂર વડલાઓને કારણે સ્તો ! વડોદરા બનયન શહેર, બનયન સિટી તરીકે જાણીતું હતું, પહેલાના જમાનામાં વિશાળ વડવૃક્ષ નીચે વણિક વેપારીઓ કરિયાણાનો વેપલો કરતા.ગુજરાતીમાં બનયન એટલે વાણિયા.... પોર્તુગીઝ લોકોએ હિન્દુ વેપારીઓનો ઉલ્લેખ કરવા બનયન ટ્રી શબ્દ પકડી લીધો. અને ૧૫૯૯ માં અંગ્રેજી ભાષામાં પણ આ શબ્દ પહોંચી ગયો. ૧૬૩૪માં અંગ્રેજી લેખકોએ વડવૃક્ષ નીચે થતા વેપારની વાત માંડતાં બનયન ટ્રી શબ્દ વાપર્યો.ગામડામાં ઘટાદાર વડના વૃક્ષ નીચેના છાંયામાં વેપારીઓ અને ગ્રાહકો મળતા. એમ કરતાં કરતાં બનયન શબ્દ, વડ્વ્રુક્ષનો પર્યાય બની ગયો !!

વડોદરામાં મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ પોતાના લક્ષ્મીવિલાસ પેલેસમાં શ્રિલંકાથી લાવવામાં આવેલ વડવૃક્ષના રોપા વાવ્યા હતા. આજે પણ તે વૃક્ષ હયાત છે.

ફિલિપિન્સમાં વડ, બેલાઈટ નામે જાણીતું છે.તેમાં જાતજાતના પ્રેતાત્માઓનો વાસ હોવાની માન્યતા છે. તેમાં હયવદન જેવા ટીકબલાન્ગનો ઉલ્લેખ છે.

કંબોડિયાના સુપ્રસિદ્ધ અંગકોરવાટ ટેમ્પલમાં વિશાળ ઘેઘૂર વડલો આવેલો છે.

હવાઈમાં હિલોમાં ૨૦ મી સદીમાં કેટલીક સુપ્રસિદ્ધ વ્યક્તિઓએ વડના રોપાઓ વાવ્યા હતા.

અમેરિકામાં થોમસ અલ્વા એડિસને, ફ્લોરિડામાં ફોર્ટ માયર્સમાં પહેલુ વડનું વૃક્ષ વાવ્યું હતું. હાર્વે ફાયરસ્ટોને ૧૯૨૫ માં ભારતની મુલાકાત લીધી હતી.તેમણે થોમસ અલ્વા એડિસનને વડના રોપા ભેટમાં આપ્યા હતા. શરૂઆતમાં તે ૪ ફૂટ ઊચુ હતું, હવે તે ૪૦૦ ફૂટના વિસ્તારમા ફેલાઈ ચુક્યું છે.

ઈન્ડોનેશિયામાં , દેશની એકતાના પ્રતીક રૂપે "કોટ ઓફ આર્મ્સ " ના ભાગ રૂપે વટવ્રૂક્ષ રાખવામાં આવ્યું છે.

બૌદ્ધ ધર્મમાં પણ પાલી ગ્રંથોમાં વડ= નિગ્રોધનો ઘણી વાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

વટ વૃક્ષ બોન્સાઈ માટે ખૂબ વપરાય છે.તાઈવાનમાં તાઈનાનમાં ૨૪૦ વર્ષ જૂનું જીવંત બોન્સાઈ વૃક્ષ છે.

હિન્ડુ ધર્મમાં વડના વૃક્ષને અતિ પવિત્ર માનવામાં આવે છે.સંસ્ક્રુતમાં તેને અશ્વત્થ કહેવાય છે.ભગવાન શિવજી દક્ષિણામૂર્તિ તરીકે વડ વૃક્ષ નીચે સમાધીમાં બિરાજમાન છે, અને રૂષિઓ તેમના ચરણોમાં બેઠેલા દર્શાવાયા છે. હિન્ડુ ધર્મમાં વડને કલ્પવૃક્ષ કહેવામાં આવે છે.

હોંગકોંગમાં લામ ત્સ્યૂએનમા તિન હાઉ ટેમ્પલ નજીક આવેલું લામ ત્સ્યૂએન કલ્પવ્રૂક્ષ ખૂબ જ પ્રચલિત છે.

વડ, એક પવિત્ર વૃક્ષ. .વડની પૂજા કરી પોતાના સતિત્વના પુણ્યના બળ વડે પતિના પ્રાણ પાછા મેળવનારી મહા સતી સાવિત્રીને અનુસરીને આજે પણ ઘણી બધી બેનો વડસાવિત્રીનું વ્રત કરે છે. ખાસ કરીને ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન તેમ જ દક્ષિણ ભારતના રાજ્યોમાં આ વ્રત કરવાનો રિવાજ છે. ઓ.કે. સારી વાત છે.વડ્સાવિત્રી વ્રત ને દિવસે વડની પૂજા કરવાની હોય છે. પણ આજના આધુનિક જમાનામાં ટાઈમ કોની પાસે છે ? તે બેનો બજારમાંથી રેડિમેઇડ વડની કાપેલી ડાળીઓ ઘરે લઈ આવે છે, અને તેનું પૂજન કરીને સાવિત્રીને અનુસર્યાનું આશ્વાસન મેળવે છે. બસ ! થઈ ગયું વ્રત ! સમજ્યા કર્યા વગર આડેધડ વડ કપાય છે, તે પણ વડ્સાવિત્રી વ્રત નિમિત્તે ! પણ સાવિત્રીએ વડની ડાળીઓ કાપીને તેનું પૂજન કર્યાનું તો મને યાદ નથી. આ વ્રત કરનાર બેનો, વડની ડાળીઓ કાપીને કયું પુણ્ય મેળવતી હશે તે મને ખબર નથી પડતી.તેના કરતાં વડના વૃક્ષને પાણી પાય તો પણ ચાલે ! અરે આજના જમાનામાં વડનું ઝાડ શોધવાનો ટાઈમ ના મળે તો છેવટે કોઈ પણ વૃક્ષને પાણી પાય, અથવા કોઈ પણ વૃક્ષ વાવે, તેના સિંચનની જવાબદારે લે તો કંઈ બરાબર છે... આ તો પુણ્ય કરવાને બડલે કદાચ પાપ તો નહીં લાગતું હોય તે તો ભગવાન જ જાણે ! વડનું પૂજન કરવાને બદલે તેનું નિકંદન જ કાઢી નાંખશે કે શું તેવો વિચાર આવે છે.હવે આ પ્રશ્ન વિષે સજાગતા આવી છે, છાપાઓમાં આર્ટિકલો છપાય છે, પણ તેનું પરિણામ શું ?ખરેખર તો સાવિત્રી બનવા નીકળેલી બેનોએ સમજવાની જરૂર છે.

તો, આવતી વડસાવિત્રીએ વડના વૃક્ષો બચાવવાનું વ્રત લેજો, કોઈ પણ વૃક્ષને સિંચજો,અને પર્યાવરણનું રક્ષણ કરવા બદલ મળેલું પુણ્ય તમારે ચોપડે જરૂર લખાશે તેની હું ખાત્રી આપું છું...

અશ્વત્થ સ્વરૂપાય, વિષ્ણુરૂપાય તે નમ:
ત્વમ ભજામિ દેવેશ, મમ દુ:ખ નિવારય:


- મૈત્રેયી મહેતા.
mainakimehta@yahoo.co.in

શનિવાર, 16 જુલાઈ, 2011

ભારતના ન્યાયતંત્રમાં ક્યારે સુધારો આવશે?

ત્રણ વર્ષ પહેલાં એક ઘટના ઘટે છે. માબાપથી દૂર સ્વપ્નનગરી મુંબઈમાં રહેતો, ટી.વી. મિડીયા ક્ષેત્રે સારી કારકિર્દી ધરાવતો પચ્ચીસ વર્ષનો એક આશાસ્પદ યુવાન કન્નડ ફિલ્મોમાં નાનીમોટી ભૂમિકા ભજવી ચૂકેલી, મુંબઈમાં પોતાનું ભવિષ્ય અજ્માવવા આવેલી એક આશાસ્પદ અભિનેત્રી યુવતિને મળે છે.યુવક તેને કામ અપાવવાનું વચન આપે છે પણ ઘણાં સમય સુધી તે યુવતિને કામ મેળવી આપવામાં સફળ થતો નથી.યુવતિ પોતાનું ઘર બદલે છે ત્યારે યુવક તેને મદદ કરવાના બહાને યુવતિના નવા ઘેર જાય છે અને ત્યાં તેઓ રાત સાથે વિતાવે છે.ત્યારે જ યુવતિનો મંગેતર એવો નૌકાદળમાં સેવા આપતો યુવક કોચીથી યુવતિને ફોન કરે છે અને યુવતિને ત્યાં કોઈ અજાણ્યા યુવકનો અવાજ સાંભળી તેના મનમાં શંકાનો કીડો સળવળી ઉઠે છે.સીધો વહેલી સવારે તે યુવતિના નવા ફ્લેટ પર આવી પહોંચે છે અને પોતાની મંગેતર યુવતિને અન્ય પુરૂષ સાથે કઢંગી હાલતમાં જોતા તેનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી જાય છે. બન્ને યુવકો વચ્ચે શાબ્દિક બોલાચાલીથી શરૂ થયેલ ઝપાઝપી ઉગ્ર મારામારી નું સ્વરૂપ ધારણ કરે છે અને મંગેતર યુવક રસોડામાંથી છરી ઉપાડી લાવી તેના દ્વારા હૂમલો કરી પહેલા યુવાનની હત્યા કરી બેસે છે.ત્યાર બાદ પણ તેનો ગુસ્સો શમતો નથી આથી તે પહેલા યુવકની લાશ સામે પોતાની મંગેતર યુવતિ પર બળાત્કાર કરે છે (કે તેઓ બંને સંમતિથી શરીરસુખ ભોગવે છે) ઘટના આટલેથી જ અટકતી નથી.આટલું ઓછું હોય એમ યુવતિ મંગેતર સાથે મોલમાં જઈ શરીર કાપી શકાય એવો મોટો છરો અને રસ્સી,ગુણી વગેરે ખરીદી લાવે છે અને પાછા ઘેર આવી પહેલા યુવકની લાશના ટુકડે ટુકડા કરી નાંખે છે.(અહિં કેટલા ટુકડા એ નબળા હ્રદયના વાચકો પર માનસિક અસર ન પહોંચે એ ડરથી લખ્યું નથી.)અને આ ટુકડા ગુણીમાં ભરી મુંબઈથી દૂર મનોર પાસેના જંગલમાં જઈ બાળી નાંખે છે અને પાછા ફરી લોહીના ડાઘા ભૂંસી નાખવા ઘર ફરી રંગાવે છે.મંગેતર યુવક પાછો પોતાના નિવાસે કોચી ચાલ્યો જાય છે.યુવતિની હિંમત અને નફ્ફટાઈ તથા બેશરમી જુઓ.તે મૃત યુવકના પિતા સાથે પોલિસ ચોકી જઈ યુવક ગુમ થયાની ફરિયાદ નોંધાવે છે અને પછી ‘પાપ તો છાપરે ચડીને પોકારે’ ના ન્યાયે આખો હત્યાકાંડ જગત સામે આવી જાય છે.આ સનસનાટી ભર્યા હત્યાકાંડની ચર્ચા ફક્ત મુંબઈમાં જ નહિં આખા દેશમાં ચગી હતી અને આપણી ન્યાય વ્યવસ્થાએ આ કેસ અંગે આપેલ ચુકાદાએ ફરી આ કેસને ચર્ચાના ચગડોળે ચઢાવ્યો છે અને મૃત નીરજ ગ્રોવરની હત્યામાં સરખીજ સંડોવણી હોવા છતાં યુવતિ - મારિયા સુસઈરાજ ને ફક્ત ત્રણ વર્ષના જેલવાસ અને તેના મંગેતર યુવક એમિલ જેરોમને માત્ર દસ વર્ષની સજા ફરમાવવામાં આવી છે ત્યારે ખરેખર પ્રશ્ન ઉઠે છે કે આપણી ન્યાય વ્યવસ્થા પર કેટલો વિશ્વાસ મૂકી શકાય? અરેરાટી ભરી હત્યા ભલેને ગમે એટલી ઘ્રુણાસ્પદ કેમ નહોતી અને એ કર્યા બાદ ભલે ને વિક્રુત એમિલે મારિયા સાથે બે વાર લાશની સામે સંભોગ માણ્યો તેમજ ત્યાર બાદ ઠંડે કલેજે મારિયા સાથે મળીને લાશના અનેક ટુકડા કરી એ દૂર જંગલમાં જઈ બાળી પણ નાંખ્યા આમ છતાં અદાલતને લાગે છે કે પુર્વ આયોજિત ન હોઈ આવેશમાં આવી જઈ કરાયેલ આ નિઘ્રુણ કતલ સદોષ મનુષ્ય વધ ન ગણી શકાય અને તેને માટે માત્ર દસ વર્ષની સજા ભોગવ્યા બાદ એમિલને છોડી મૂકવામાં આવે.હવે આ વિક્રુત મગજની એમિલ જેવી આવેશમાં આવી જનારી વ્યક્તિ દસ વર્ષ પછી પણ સમાજ માટે ખતરારૂપ સાબિત નહિં થાય એની શી ખાતરી?મારિઆને માત્ર ત્રણ વર્ષની સજા જે તે ભોગવી પણ ચૂકી હોવાથી તેને છોડી પણ મૂકવામાં આવી.અદાલતને લાગે છે કે આખા આ હત્યાકાંડ પાછળના મૂળ કારણ સમી હોવા છતાં તે હત્યામાં સામેલ નથી.તેણે ફક્ત પુરાવાનો નાશ કરવામાં સાથ આપ્યો હતો.જ્યારે તેણે નીરજને પોતાના ઘરમાં રાત ગુજારવા દીધી અને તેની સાથે શરીરસુખ પણ માણ્યું અને મંગેતર આવી ગયા બાદ બંને યુવકો વચ્ચે ઝપાઝપી ઉગ્ર બની અને નીરજની હત્યા સુધી દોરી ગઈ ત્યારે પોતે પણ ઘટના સ્થળે હાજર હોવા છતાં વચ્ચે પડી નીરજને બચાવવાનો પ્રયત્ન ન કર્યો.મંગેતરના અમાનવીય કૃત્યના મૂગા સાક્ષી બનવા ઉપરાંત ત્યાર બાદ લાશના ટુકડા કરવામાં અને ત્યાર બાદ તેને બાળી નાંખવામાં પણ તેનો સાથ આપ્યો અને આ સમગ્ર હત્યાકાંડ પાછળ સાવ દેખીતી રીતે જવાબદાર હોવા છતાં તેને માત્ર ત્રણ વર્ષની સજા અને આ ઉપરાંત નીરજના માતાપિતાના જખમો પર મીઠુ ભભરાવતી એમિલને એક લાખ રૂપિયા તેમજ મારિયાને પચાસ હજાર રૂપિયા ચૂકવવાની સજા ફરમાવી.કોઈની હત્યા કરો અને તેનું વળતર રૂપિયામાં ચૂકવી ત્રણ કે દસ વર્ષની જેલની સજા ભોગવી છૂટી જાઓ.આ છે ભારત ના ન્યાયતંત્રે હત્યાના ત્રણ વર્ષ બાદ સુણાવેલો ચુકાદો.

ભારતના મિડીયાને પણ જુઓ.મારિયા હજી જે દિવસે જેલમાંથી છૂટી એ જ દિવસે તેને પોતાના ટી.વી. શો માં ભાગ લેવા પાંચ કરોડ રૂપિયાની ઓફર આપી!દરેક ચેનલ પર એ દિવસે સાંજે તેના પ્રેસ કોન્ફરન્સનું જીવંત પ્રસારણ બતાવ્યું. રામ ગોપાલ વર્મા જેવા વાહિયાત દિગ્દર્શકે મારિયાને પોતાની ફિલ્મમાં હિરોઈન તરીકે ચમકાવવાની ઇચ્છા પણ દર્શાવી.તેમણે તો આ વિષય પર એક ફિલ્મ બનાવી પણ દીધી છે અને તેને એ ટૂંક સમયમાં પ્રદર્શિત પણ કરવાના છે.લાશ પર પણ રોટલો શેકીલે એટલું લોભી અને બેશરમ જગત છે આ.

ફરી ભારતના ન્યાયતંત્રની વાત કરી એ. અહિં કેસ નોંધાયા બાદ ચુકાદો સુનાવવામાં વર્ષોના વર્ષો કઈ રીતે નિકળી જતા હશે એ મારી સમજની બહાર છે.અને આ બધું ચલાવી પણ શા માટે લેવાય છે એ પણ મારા માટે કૌતુકનો વિષય છે.દીવા જેવી ચોખ્ખી વાતને પણ પુરાવા દ્વારા સાબિત કરો તો જ એ સાચું ગણાય એ પણ એક કમનસીબ બાબત છે જેના કારણે ગુનેગારો સજા પામ્યા વગર કે ઓછી સજા પામી મુક્ત થઈ જતા હોય છે અને સમાજમાં આ જ કારણ સર ગુનાખોરીનું પ્રમાણ જળવાઈ રહે છે.

કેટલાયે બળાત્કારના કિસ્સાઓમાં પણ ગુનેગારોને સાવ મામૂલી સજા આપી છોડી દેવાય છે અથવા બળાત્કારનો ભોગ બનેલી બિચારી યુવતિને નફ્ફટાઈ ભર્યા સવાલ પૂછી તેની સ્થિતી દયનીય અને કફોડી બનાવી દેવાય છે.આજકાલ રોજ અખબારમાં એક-બે બળાત્કાર કે ગેંગરેપ ના કિસ્સા વાંચવા મળે છે એ દુર્ભાગ્યની બાબત છે.બળાત્કારીને ત્વરીત અને એટલી કડક સજા ફરમાવવી જોઈ એ કે લોકો આવું હીન કાર્ય આચરતા પહેલા સો વાર વિચાર કરવા મજબૂર થઈ જાય.શાઈની આહુજા,અભિષેક કાસલીવાલ વગેરે જેવા બળાત્કારના આરોપીઓ આજે સમાજમાં છૂટા ફરે જ છે જે દુ:ખદ બાબત છે.

સરકારે ન્યાયતંત્રમાં ધરખમ ફેરફારો કરવાની જરૂર છે અને સમગ્ર ન્યાયપ્રક્રિયા અતિ ઝડપી,સરળ અને ન્યાયી બનાવવાની જરૂર છે.આશા છે મારી આ ઇચ્છા જલ્દી ફળીભૂત થાય.

રવિવાર, 3 જુલાઈ, 2011

ડોશીમા

              થોડા સમય અગાઉ એક ટૂંકી વાર્તા વાંચવામાં આવી જેમાં એક મુસ્લિમ આયાના તેના પાલકપુત્ર પ્રત્યેના સ્નેહની વાત હતી જેઓ કાળક્રમે છૂટા પડી જાય છે અને વર્ષો બાદ તેઓ જ્યારે પાછા મળે છે ત્યારે મેલાઘેલા કપડા પહેરેલ વૃદ્ધ આપાજાન હવે યુવાન બની ચૂકેલા પાલકપુત્રને તેના દેખાવ-દિદાર સાવ બદલાઈ ગયા હોવા છતાં ક્ષણવારમાં ઓળખી કાઢે છે અને ત્યારે સર્જાયેલા લાગણીભીનાં દ્રષ્યોની વાત મારા સંવેદનાતંત્રને ઝણઝણાવી ગઈ.આ વાર્તાએ વર્ષો પહેલા મારા બાળપણનાં વર્ષોમાં મારા પરિચયમાં આવેલા એક ડોશીમાની યાદ, વીસેક વર્ષ કરતાં પણ વધુ સમય બાદ તાજી કરાવી દીધી.


                હું ત્યારે છ-સાત વર્ષનો હોઈશ.મારી શાળા મારા ઘરથી સાવ નજીક. શાળાનો ઘંટ વાગે તે મારા ઘેર સંભળાય એટલા અંતરે! અને આ શાળા પણ કેવી? તેમાં બિલ્ડીંગ નહિં પણ કતારબદ્ધ કેટલીક ઓરડીઓ આ શાળાના ક્લાસરૂમ્સ. વચ્ચે રસ્તો અને સામસામે આ શાળાના વર્ગો પથરાયેલાં. તેમાંયે એક બાજુ આખી હરોળ એટલે કે સાતઆઠ વર્ગો આ શાળાનાં જ્યારે સામેની બાજુ માત્ર અડધી હરોળ અર્થાત બે-ત્રણ ઓરડીઓ શાળાની,બાકી ની બાજુમાં અડીને જ આવેલી ઓરડીઓમાં લોકોના ઘર. આ શાળામાં નાનીશ્રેણી,મોટી શ્રેણી અને ધોરણ પહેલા તથા બીજા સુધીનાં જ વર્ગો હતાં. આગળના મોટા ધોરણ માટે શાળાનું મોટું બિલ્ડીંગ થોડે દૂર આવેલું,તેમાં જવાનું. મારા શાળા જીવનની શરૂઆત મારા ઘર નજીક આવેલી આ નાનકડી શાળાથી થઈ. અમારો વિદ્યાર્થીઓનો એક નિયમ. જેવી રિસેસ પડે એટલે અમે બધા વર્ગોમાંથી બહાર દોડીને સામે આવેલા ઘરોમાં પાણી પીવા માટે લાઈન લગાવીએ. સામેવાળા ઘરોમાં રહેતા લોકો પણ શાળાના બાળકો માટે એક અલાયદું માટલું ખાસ ભરીને રાખે. અમને એ પાણી પીને અને તે લોકોને નાનકડા વહાલા લાગે એવા ગણવેશબદ્ધ બાળકોને પાણી પીવડાવીને એક સંતોષનો અનુભવ થતો.
                  આ બધા ઘરોમાંથી એક ઝૂંપડા જેવી ઓરડીમાં એક ડોશીમા રહે. આજે આટલા વર્ષો બાદ એમને યાદ કરી રહ્યો છું ત્યારે પણ મારી આંખ સામે તેમનું આબેહૂબ શબ્દચિત્ર ખડુ થાય છે. નાનકડું કદ,ઉંચાઈમાં બટકા,વાને ઘઉંવર્ણા, સફેદ મેલોઘેલો ગુજરાતી ઢબે પહેરેલો સાડલો,જાડા કાચના કાળી ફ્રેમવાળા ચશ્મા અને નાનકડી અંબોડી વાળી હોય છતા વિખરાયેલા સફેદ વાળ અને બોખું મોઢું. તેઓ સિત્તેર-એંશી વચ્ચેની વયના હશે. તેઓ ખૂબ ઓછું બોલતા. ઘરમાં તેમના સિવાય બીજું કોઈ નહિં. કદાચ તેઓ એકલું દુ:ખી જીવન જીવતા એવું મને આજે તેમને યાદ કરતા લાગે છે.


                આ માજીનું નામ મેં ક્યારેય પૂછ્યું નહોતું કારણ એવી કોઈ સૂઝ મને ત્યારે પડતી નહોતી.પણ એક બે વાર તેમના ઘેર મિત્રો સાથે પાણી પીવા ગયો હોઈશ અને પછી તો કોણ જાણે કેમ મને એમના ત્યાં જઈ પાણી પીવાની જ આદત પડી ગઈ. તેમનું ઘર સાવ નાનું અને સાદું હતું અને લાલ માટીના માટલા સિવાય બીજું કંઈ ખાસ રાચરચીલું પણ તેમના ઘરમાં નહોતું. કદાચ એ ડોશીમા કે તેમના ઘર કે માટલાના ખૂબ સ્વચ્છ ન હોવાને કારણે વધુ બાળકો તેમને ત્યાં પાણી પીવા નહોતા આવતા પણ મને તેમના પ્રત્યે એક ગજબની સહાનુભૂતિ કે લાગણી બંધાઈ ગયેલા અને આથી હું તેમને ત્યાં જ પાણી પીવા જતો.અમારો સંબંધ પણ રિસેસમાં પાણી પીવા જાઉં એટલા સમય પૂરતો જ. એ સિવાય ક્યારેય તેમના ઘેર જવાનું થયું નહોતું. પણ આજેય જ્યારે એ ડોશીમાને યાદ કરું છું ત્યારે એક મમતા ભરી સ્નેહાળ લાગણીનો અનુભવ થાય છે.

                પછી તો સમયના વહેણમાં અનેક પરિવર્તન આવ્યા.એ શાળા જ ત્યાં ન રહી જેમાં હું બાળપણમાં ચાર વર્ષ, બીજા ધોરણ સુધી ભણ્યો.આજે ત્યાં એક ચાલ બની ગઈ છે અને લોકો તેમાં રહે છે.સામેની ચાલ પણ ખાસ્સી બદલાઈ ગઈ અને એ ડોશીમા કે તેમના ઘર પણ નથી રહ્યાં.એ ડોશીમા કદાચ જીવતા નહિં જ હોય પણ મારી સ્મૃતિમાં તેઓ હજી અસ્તિત્વ ધરાવે છે અને કદાચ જો એ હયાત હોત અને ત્યાં જ એમના જૂના ઘરમાં રહેતા હોત તો ચોક્કસ હું તેમને ત્યાં પાણી પીવા જાત અને તેમની સાથે પેટ ભરીને વાતો પણ કરત...