Translate

રવિવાર, 18 સપ્ટેમ્બર, 2011

'હાથીના ચાવવાના દાંત જુદા અને દેખાડવાના દાંત જુદા'

ગુજરાતીમાં એક કહેવત છે 'હાથીના ચાવવાના દાંત જુદા અને દેખાડવાના દાંત જુદા' જેનો અર્થ થાય છે કે કહેવું કંઈક અને કરવું કંઈક કે પછી વિચારવું કંઈક અને વર્તન અલગ કરવું.આ કહેવતને એ અર્થમાં પણ લાગુ પાડી શકાય કે આપણે પોતાના કે અંગત લોકો સાથે જે પ્રકારનું વર્તન કરીએ તેનાથી જુદું વર્તન અન્ય લોકો સાથે કરવું.


હું ‘આકાશવાણી (ઓલ ઇન્ડિયા રેડિયો)’ પર ગુજરાતીમાં સમાચાર વાંચવા જાઉં છું. પહેલા અંગ્રેજી કે હિન્દીમાં જે ખબરો મુખ્ય સમાચાર સંસ્થા પાસેથી મળી હોય તેનું ગુજરાતીમાં ભાષાંતર કરી એ કાગળ પર લખવાની. બે જણ આ ફરજ પર હાજર હોય અને તેમણે મળીને કુલ આઠ થી દસ પાના લખવાના અને પછી બેમાંથી એક જણ એ સમાચારો દસ મિનિટના બુલેટીનમાં વાંચે જેનું આફ્રિકામાં વસતા ગુજરાતીઓ માટે જીવંત પ્રસારણ થાય. હવે લખનાર બે અને વાંચનાર એક હોય એટલે સમાચાર વાંચનારે અન્ય વ્યક્તિએ ગમે તેવા અક્ષરે લખેલું વાંચવાનું મુશ્કેલ કાર્ય પણ કરવું પડે.અહિં આજના બ્લોગનો મુખ્ય મુદ્દો આવે છે. મારા અક્ષર અતિશય ખરાબ હતાં અને છે. જ્યારે મને ખબર હોય કે મારી સાથે હાજર બીજી વ્યક્તિ સમાચાર વાંચવાની છે ત્યારે હું સભાનતાપૂર્વક થોડા સારા અક્ષરે મારા ભાગના સમાચાર લખવા પ્રયાસ કરું! પણ જ્યારે ખબર હોય કે મારું લખેલું મારે જ વાંચવાનું છે ત્યારે લખવામાં હું એવી વેઠ ઉતારું કે અન્ય કોઈ ફમ્બલ થયા વગર કીડીમંકોડા જેવા અક્ષરોમાં લખેલું એ લખાણ વાંચી જ ન શકે! હમણાં છેલ્લે જ્યારે મારી ડ્યુટી હતી ત્યારે મને એમ કે મારે સમાચાર વાંચવાના છે એટલે મેં તો શરૂ કર્યું જેવા તેવા અક્ષરે લખવાનુ પણ છેલ્લી ઘડી એ મારી સાથેના સિનિયર બહેને જાહેર કર્યું તેઓ સમાચાર વાંચશે. થઈ રહ્યું! મેં તેમને આગોતરી ચેતવણી આપી દીધી કે બહેન લાઈવ સમાચાર વાંચતા પહેલાં એક વાર મારું લખાણ વાંચી જજો કારણ મેં ખૂબ ખરાબ અક્ષરો કાઢ્યા છે અને તેમણે એમ કર્યું પણ ખરા. પણ બુલેટીન લાઈવ વાંચતી વેળાએ તેમને મારા અક્ષર ઉકેલતા જે તકલીફ પડી છે એ ત્યાં મેં હાજર હોવાથી પ્રત્યક્ષ જોયું અને મને ખૂબ ક્ષોભ થયો. એ તો બહેન ખૂબ કાબેલ હોવાથી બુલેટીન જળવાઈ ગયું પણ મને વિચાર આવ્યો કે મારે શા માટે હાથીના દાંત વાળી કહેવતને સાર્થક કરતો હોઉં એમ વર્તવું જોઇએ? શું હું હંમેશા સારા અક્ષરે જ ન લખી શકું પછી ભલેને સમાચાર વાંચવાનું મારે ભાગે આવે કે ન આવે?

બીજી પણ આપણા સૌના વર્તનની કેટલીક લાક્ષણિકતાઓ વિષે મને અહિં વાત કરવાનું મન થાય છે.આપણે ઘણી વાર આપણાં માટે ખૂબ લાગણી ધરાવતી વ્યક્તિ સાથે ઉદ્ધતાઈથી વર્તતા હોઈએ છીએ જ્યારે આપણાં માટે જેને ખાસ લાગણી ન પણ હોય છતાં જે વ્યક્તિ પ્રત્યે આપણને કૂણી લાગણી હોય તેના વાંકગુના સામે પણ આંખ આડા કાન કરી આપણે તેમને વધુ પડતું માન આપતા હોઈએ છીએ. આપણા માટે લાગણી ધરાવતી વ્યક્તિઓને ‘ટેકન ફોર ગ્રાન્ટેડ’ લેવી કેટલી હદે યોગ્ય ગણાય?

મારા ઘરમાં મારા માટે ખાસ વધુ મોણ નાખેલી મને ભાવે એવી ભાખરી કે પતલી રોટલી બનાવવામાં આવે છે પણ મારી બહેન પોતાના માટે જાડી સામાન્ય લાગે એવી ભાખરી કે રોટલી બનાવે.

આપણે આપણા માટે કે આપણી નજીકની વ્યક્તિ માટે કોઈ નવી વસ્તુ ખરીદીએ ત્યારે તે સારામાં સારી હોય તેનું ધ્યાન રાખીએ છીએ પણ જ્યારે કોઈને દાનમાં આપવાની વાત આવે ત્યારે ફાટેલી, મેલી ઘેલી કે ગમે તેવી વસ્તુ આપવાનું જ પસંદ કરતા હોઈએ છીએ.જેની સાથે આપણો સીધો સંબંધ ન હોય તેવી પણ જરૂરિયાત મંદ વ્યક્તિને પણ આપણે સારામાં સારી વસ્તુ ન આપી શકીએ?

આપણું ઘર હોય તેમાં આપણે ખૂબ સારી રીતે સ્વચ્છતા જાળવતા હોઇએ છીએ પણ બહાર કચરો ગમે ત્યાં નાખી અવિચારીપણે ગંદકી ફેલાવતા હોઇએ છીએ.

આપણાં પોતાના ખિસ્સામાંથી રૂપિયા ખર્ચવાના હોય ત્યારે ખૂબ ચીવટ અને કરકસરથી ખર્ચ કરતા હોઈએ છીએ પણ મફતનું મળતું હોય કે ઓફિસના કે પારકા પૈસે કંઈક લેવાનું હોય ત્યારે સંયમ ભૂલી બેફામપણે તે વસ્તુને વેડફીએ છીએ.

હમણાં જ ગણેશોત્સવ ગયો. મારી બહેન લાલબાગચા રાજાના દર્શન માટે ગઈ હતી ત્યાં ચોવીસ કલાક લાઈનમાં ઉભા રહ્યા બાદ તેને ગણપતિ બાપાની મૂર્તિના દર્શન કરવા મળ્યા જ્યારે વી.આઈ.પી ક્વોટામાં કેટલીક ખાસ વ્યક્તિઓને લાઈનમાં બિલકુલ ઉભા રહ્યા વગર એકદમ પાસે થી ગણપતિ બાપાની એજ મૂર્તિના દર્શન સાવ સરળતાથી કરવા મળી ગયાં.

એવો દિવસ આવશે જ્યારે બધે આપણું વલણ એકસરખું હોય?

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો