મારી દીકરીએ સાતમું ધોરણ પાસ કર્યું અને એક જાતનું અદ્રશ્ય દબાણ આવવા લાગ્યું. ‘દસમા ધોરણને ત્રણ વર્ષ બાકી છે, આઠમા ધોરણથી જ ટ્યુશન ટીચર બુક કરાવી દેજો’ એવી શિખામણ મળવા લાગી. મારું ભણતર અને અનુભવ આ વાત માનવા તૈયાર નહોતાં અને મારી દીકરીને એક જ વાત કહેતો રહ્યો કે ‘બેટા, જીવનમાં બધું પાછું આવશે, બાળપણ પાછું નહિ આવે. તું રમી લે, નવું નવું શીખી લે, મોટા લેખકોના પુસ્તકો અને મહાપુરષના જીવનચરીત્ર વાંચી લે પરંતુ શાળામાં ભણાવતા હોય તેટલું ભણી પણ લેજે. જીવનમાં પુસ્તકિયા જ્ઞાન સીવાય
પણ ઘણુંબધું જ્ઞાન લેવાનું છે.‘
હું હજી સુધી સમજી નથી શક્યો કે બાળક શાળામાં છ થી સાત કલાક ભણીને પછી કોચિંગ ક્લાસમાં બીજા ચાર કલાક કેમ ગાળી શકે? શિક્ષકોનો 10 કલાક સતત જ્ઞાનનો મારો, બાળક કેવી રીતે મગજમાં ઉતારી શકતું હશે? હવે પાછું બાળક કોચિંગ ક્લાસમાં ગેરહાજર રહે તો તેના વાલીને એસ.એમ.એસ. દ્વારા જાણ કરવામાં આવે છે . આ પદ્ધતિ વાલીનો બાળક પ્રત્યેનો અવિશ્વાસ છતો કરે છે. વાલીઓ લાખ રૂપિયા ખર્ચ્યા હોય એટલે બાળકનું મન કે હોય ન હોય કોચિંગ કલાસમાં પરાણે મોકલી દે
અને પછી તે એક પણ ખાડો પાડ્યા વગર ક્લાસમાં જાય છે કે નહિ તેની જાસૂસી કરે! બાળકો પર અત્યાચાર કરીને આપણે શું મેળવવા માંગીએ છીએ?
હવે વેકેશન કલાસીસનો વાયરો ચાલુ થયો છે. આજનાં
બાળકને આઠમા ધોરણથી બારમા ધોરણ સુધી વેકેશન મળતું જ નથી. આપણી શિક્ષણ પદ્ધતિ એવી રીતે બનાવવામાં આવી છે કે દસ મહિના બાળક ભણે, પાસ થાય એના ફળ સ્વરૂપે એને બે મહિના વેકેશન આપવામાં આવે જે દરમિયાન તે પોતાની મનગમતી પ્રવૃત્તિ કરી શકે (શિક્ષકોની દરમિયાનગીરી વિના). પણ આપણે વાલીઓ (જેણે પોતાનું વેકેશન ભરપૂર માણ્યું છે) પોતાના બાળકોને આ ‘રેટ રેસ’ માં ધકેલી દઈએ છીએ.
મને જાણવા મળ્યું છે કે કોચિંગ કલાસીસ અને અમુક શાળાઓમાં પણ આઠમા ધોરણમાં નવમાનું અને નવમા ધોરણમાં દસમા ધોરણનું ભણાવવામાં આવે છે. સવાલ એ થાય છે કે શું બાળક આઠમા અને નવમા ધોરણનું બરાબર ભણ્યો? આ બધાં
તણાવનું મુખ્ય કારણ એ છે કે બાળક દસમા ધોરણમાં સારા માર્કે પાસ થાય, શાળાનું પરીણામ ૧૦૦ ટકા
આવે અને શાળાનું નામ થાય, પરંતુ સામાન્ય બાળક પર થતી
આની ખરાબ અસરનું શું?
મારો વિરોધ કોચિંગ કલાસીસ કે ટ્યૂશન શિક્ષક સામે નથી પરંતુ વાલીઓએ બાળકો પર કરેલ શિક્ષણના અતિરેક પર છે.
મારી દીકરીની નવમાં ધોરણની વાર્ષિક પરીક્ષા પછી પાછું દબાણ શરુ થયુ, વેકેશન કલાસીસ ભરાવી દો, શાળા શરુ થાય એની પહેલા બધો
સિલેબસ પતી જશે પછી આખું વર્ષ માત્ર રિવીઝન કરવાનું. જ્ઞાન મેળવવાની આ રીત મને હજમ ના થઇ. આ રીત કદાચ સારી ડિગ્રી કે સારા માર્ક્સ મેળવી આપશે પણ સાચું જ્ઞાન
આ રીતે નહિં મેળવી શકાય.
મારી દીકરીને સલાહ આપી ‘પહેલા વેકેશન ભરપૂર માણી લે અને પછી દસમાની પરીક્ષા માટે તૈયાર થા.’ પરંતુ બીજી સમસ્યા, દીકરીને વેકેશન માણવા મિત્રો જોઈએ જે બધા કોચિંગ ક્લાસમાં ગયા હોય. હવે વેકેશન કઈ રીતે માણવું? દીકરીને બે મહિના બીજી પ્રવૃત્તિમાં વ્યસ્ત રાખી વેકેશનમાં માર્યાદિત ભણવાની સલાહ આપી.
હવે દીકરીનો સવાલ આવ્યો કે મારા સહાધ્યાયીયો આટલી બધી મહેનત કરે છે તો મારે એમનાથી આગળ કેમ આવવું? મેં કહ્યું,’સૌથી આગળ આવવું, એ જીવનનું લક્ષ્ય ના હોવું જોઈએ, પોતાને જ પોતાનાથી બહેતર બનાવવું એ જીવન નું લક્ષ્ય હોવું જોઈએ. સ્પર્ધા
અન્યો સાથે નહિ બલ્કે પોતાની જાત સાથે કરવી જોઇએ. ’
જૂન ૨૦૧૮થી શરુ કરેલી દીકરીની તૈયારીમાં નિયમિત શાળા, નિયમિત ભણવું , દરરોજ રમવું , પૌષ્ટિક આહાર અને સૌથી વધુ જરૂરી પૂરતી ઊંઘ લેવી
- આ બધી બાબતોનો અમે માતાપિતાએ ખ્યાલ રાખ્યો.
કોચિંગ કલાસ નો સમય બચાવી ગત વર્ષનાં પ્રશ્નપત્રો (ટેસ્ટ સિરીઝ) લખ્યા જે તેની શાળાના અને કોચિંગ ક્લાસના શિક્ષકોએ તપાસ્યા અને તેને
યોગ્ય દિશાસૂચન કર્યું. દસમા ધોરણનો હાઉ ના રાખી બધા તહેવાર
માણ્યા , દિવાળી વેકેશનમાં બેંગ્લોર ફરવા ગયા, પરીક્ષાના ૧૨ દિવસ પહેલા ગુજરાતી ફિલ્મ ‘ચાલ જીવી લઇએ’ જોઈ આવ્યા. ડિસેમ્બર ૨૦૧૮થી ફોન કોલ્સ અને વ્હોટ્સ એપ પર થોડી પાબંધી રાખી.
કોઈ અઘરા વિષયની અણસમજ વખતે સમજાવતો કે ‘બેટા, જીવનના સવાલો પરીક્ષાના સવાલો જેટલા અઘરા નથી હોતા. માત્ર થોડી સામાન્ય બુદ્ધિથી તેમને ઉકેલી શકાય છે, પરંતુ એ સ્તર પર પહોંચવા ભણતર જરૂરી છે. માટે કોઈ અઘરા વિષયનું વધું
પડતું ટેન્શન લેવું નહિ.’
આવા સલાહસૂચનો થોડાં અપનાવીને અને થોડાં
અવગણીને દીકરીએ પરીક્ષા આપી.
પૂર્વાયોજીત મહેનત અને ઈશ્વરની કૃપાથી મારી દીકરી જુહી કજારિયા(જમનાબાઈ નરસી સ્કૂલ) સમગ્ર ભારતમાં ૧0માં ધોરણમાં (આઈ.સી.એસ.સી. બોર્ડ,૨૦૧૯) પ્રથમ આવી.
આ બ્લોગલેખ મેં મારી દીકરીની
સફળતા-સિદ્ધીની ગાથા વર્ણવવા નથી લખ્યો પરંતુ એ જણાવવા લખ્યો છે
કે આપણે આપણાં બાળકને બીબાંઢાળ શિક્ષણ ન આપતાં, એવી કેળવણી આપીએ જેથી તે પોતાના વિચારો અને ભણતરથી પોતાનાં જીવન અને કારકિર્દી ઘડી શકે અને એક વિશ્વમાનવ બની શકે.
- - રૂપેશ કજારિયા