વર્ષો પહેલાં શ્રી
અમૃતલાલ વેગડની નર્મદા પરિક્રમા વિષેની કોલમ
‘જન્મભૂમિ પ્રવાસી’ ની પૂર્તિ માં બહુ રસપૂર્વક વાંચતાં. તેમની ચિત્રાત્મક શૈલી અને
માં નર્મદા પ્રત્યે ની ભક્તિએ આ પરિક્રમા માટે
એક અજબ આકર્ષણ જગાવ્યું હતું. તેઓએ જીવન માં ઘણી વાર નર્મદા પરિક્રમા કરેલ. અને ૭૦
વર્ષ વટાવી ચૂક્યા પછી પણ પરિક્રમા કરવાનું ચૂક્યા ન હતા. આપણને વાંચી વાંચીને મન બહુ
થાય પણ આ વર્ણનો પરથી જ ખ્યાલ હતો કે તે બહુ કઠિન કામ છે.સતત ચાલવું દિવસો સુધી અને
તે પણ ઢાળ-કેડી અને કાંકરા કે ઝાંખરાં વચ્ચે- એ બધુ લગભગ અશક્ય જ હતું. ક્યાંક અંતરિયાળ
સ્થળે તમે લૂંટાઈ જાવ તેમ પણ બને.
મનમાં અદમ્ય ઈચ્છાનું
બીજ હોય તો કયાંક દાયકાઓ પછી પણ ફળદાયી નીવડે જ તેની સાબિતી મળી. નર્મદા મૈયાની નાની
પરિક્રમા –ઉત્તરવાહિની વિષે જાણકારી મળતાં
જ જૂની ઈચ્છા આળસ મરડીને બેઠી થઈ. અલબત આ વિષે બહુ વધારે માહિતી ન હતી. ક્યાં
થી ચાલુ કરવી, કયા રસ્તે જવું, કયો સમય અનુકૂળ ગણાય વ બાબતની કઈ ખબર નહીં પણ આ બધી
ચિંતા અમારા મિત્ર શ્રી જીતેન્દ્રભાઈ મિસ્ત્રી ને સોંપી ને ‘આપણે જઈએ.’. એટલું જણાવતાં
જ તેઓએ તેમનાં અનુભવનાં આધારે સરસ આયોજન કરી
આપ્યું અને અન્ય મિત્રો સાથે સહુ ‘નર્મદે હર’ નાં નારા સાથે ૨૩ એપ્રિલ ની રાતે નીકળી
પડ્યાં.
પરિક્રમામાં ૧૬ કિલોમીટર
જેટલું ચાલવું પડે. છેલ્લાં કેટલાંક સમયથી ચાલવાનું તો લગભગ ઓછું થઈ ગયું છે. મનમાં
ડર હતો જ છતાં હિંમત કરી જ નાંખી.
રાત નાં દસની આસપાસ
વડોદરાથી નીકળ્યા અને સાડા બાર સુધીમાં રાજપીપળા પાસે આવેલ રામપુર ગામ પહોંચી ગયા.
અડધી રાતે ‘નર્મદે હર’ નાં નારા થી મંદિર ગાજી ઉઠ્યું. અને શરૂ થઈ આ ઉત્તરવાહિની પંચકોશી
નર્મદા પરિક્રમા.
પ્રારંભમાં તો નાના
ગામ વચ્ચેની નાની પણ પાકી સડક હતી, થોડા અંતરે વીજળી પણ હતી. અને એકલ-દોકલ ઉભેલ મકાનની
બહાર પણ લાઇટ લટકતું હોય. જેથી મનોબળ વધ્યું.. અડધો એક કલાક માં તો પગ અકડાવાની શરૂઆત થઈ ગઈ. પણ ચાલ્યા કર્યું,બસ
ચાલ્યા કર્યું. એક તરફ નાના મોટા ખેતર અને બીજી બાજુ ઊંચા વૃક્ષો વચ્ચેથી માર્ગ પસાર
થતો રહ્યો. ગામ પૂરા થતાં જ સડક ગાયબ થઈ ગઈ અને અંધારી કેડી શરૂ થઈ. ઉપર ચાંદ અને નીચે
અમારી ટોર્ચનાં નાના ચાંદરણાં વચ્ચે રસ્તો શોધી ને ચાલતા રહ્યા. બાકી આજુબાજુ નીરવ
અંધકાર.અંધકાર અને ભેંકાર. કોઈ થોડું પાછળ પડી જાય તો બૂમ પડો ‘નર્મદે હર’ અને એ જ
ઉત્તર મળે એટલે સબ સલામત. અને ફરી ધડધડ ચાલવા માંડવાનું. એક દોઢ કલાક સતત ચાલ્યા પછી
મંદિરે દર્શન કરી થોડી વાર રોકાયા. અહી અડધી રાતે પણ ચા-પાપડી ની વ્યવસ્થા હતી. ત્યાર
પછીનો રસ્તો ભુલભુલામણી જેવો. રસ્તો દેખાય જ નહીં. પંચકોશી નર્મદા પરિક્રમા માર્ગ નાં
એરા ની નિશાની અને તેની ધજા ને ધ્યાન માં રાખી ને ચાલ્યા ત્યાં તો મોટું ઉતરાણ આવ્યું.
એક બહેન ધડધડ ઉતાર્યા.
‘કાયમ આવીએ. અઠવાડિયે
એક વાર. આ અઠવાડીયા માં બીજી છે.. છોકરાવ ને રજા છે ને એટલે!’ ચૈત્ર માં પાંચ વાર પરિક્રમા કરવાની..’ આ સંવાદે મને આ પરિક્રમા પ્રત્યેની શ્રધ્ધા વધારી
દીધી.
આમ પણ એમ કહેવાય છે
કે નર્મદા મૈયાની આખી પરિક્રમા ન થઈ શકે તો પણ ઉત્તરવાહિની પરિક્રમા કરવા થી તેનાં જેટલું જ પુણ્ય મળે છે. કારણ કે સામાન્ય રીતે કોઈ
પણ નદી નો પ્રવાહ દક્ષિણ તરફ વહેતો હોય છે.
માત્ર આ સ્થળ પર નર્મદા ઉત્તર તરફ વહેતી હોવાથી તેનું મહત્વ વધી જાય છે. વારાણસીમાં
અમુક ભાગ માં ગંગા ઉત્તર તરફ વહે છે,તેથી તે પવિત્ર સ્થળનો મહિમા વધી જાય છે.આ વિષે
કેટલીક કથાઓ પણ પ્રચલિત છે. આજે પણ કેટલાય લોકો એવા છે પોતાની માનતા પૂરી થઈ હોવાથી
આ પરિક્રમા કરતાં હોય છે. ત્રેતા યુગ પછી આ પરિક્રમાનું મહાત્મય વધ્યું છે. સમગ્ર પરિક્રમા
દરમ્યાન માં નર્મદા તમારા જમણા હાથ તરફ વહેતાં હોય.
આઠેક કિલોમીટર ચાલ્યા
પછી વચ્ચે હોડી માં સામા કિનારે જવું પડે. રાતે ત્રણ વાગે હોડી શરૂ થતી હોય. ત્યાં
જવાનો રસ્તો એ નદીનાં પથ્થરથી ભરેલ નાની કેડી હતી. તે પૂરી થતાં જ ગ્લુકોસ નું પાણી
હાજર. અડધી રાતે ઊઠીને અજાણ્યા યાત્રિકોની નિસ્વાર્થ ભાવે ખેવના રાખનાર આ ગ્રામીણને
જોઈ લાગ્યું કે આ જ સાચો નર્મદા ભક્ત છે.
નદી પાર કરી સામા કિનારે
ચાલ્યાં. ક્યાંક મોટા પગથિયાં ચડીને તો ક્યાંક ઉતરીને ચાલવાનું હતું. નીચે રેતાળ પટ
પણ હોય કે પથરાળ કેડી શોધવી પડે. સામે કાંઠે તિલકવાડા ગામ આવે.ત્યાં થી પણ યાત્રા શરૂ
થઈ શકે. મહારાષ્ટ્ર થી આવતાં ઘણા યાત્રીઓ અહી થી યાત્રા શરૂ કરે. શ્વેત વસ્ત્રધારી
યાત્રિકો જોવા મળે.
પગને જ નહીં શરીરને
પણ થાક ઘણો જણાતો હતો. પણ કોઈનાં ય ચહેરા મ્લાન ન હતાં.
ચારેક વાગી ચૂક્યા
હતાં. અને અમારા યોગાચાર્ય જીતેન્દ્રભાઈએ બધાને રોક્યા. ચંદ્ર નાં અજવાળા માં પોતાની છાયાને જોઈ ને આપણી
‘ઓરા’ કઈ રીતે જોઈ શકાય તે બતાવ્યુ. કેટલાંક ને ઘણું દેખાયું, કેટલાંક ને કઈ નહીં..
હવે પછીના પ્રયાણમાં
સતત નર્મદા અમારી સાથે જ હતી. ક્યાંક કાકા કાલેલકર ની સૌંદર્ય દ્રષ્ટિ યાદ આવતી હતી,
ક્યાંક અમૃતલાલ વેગડ નાં વર્ણનો.. કે ‘તત્વમસી’ ની ચોટદાર વાત.. .. અને નર્મદાનંદજી
નાં દળદાર ‘ નર્મદા યાત્રા’ પુસ્તક નાં પૃષ્ઠ વાંચીને નીતરતી આધ્યાત્મિકતા વચ્ચે મન
ઝોલાં ખાતું હતું. અને મન માં સતત રેવા ફિલ્મ નું ‘માં રેવા રેવા, તારું પાણી નિર્મળ
..ખલ ખલ વહેતું તારું પાણી નિર્મળ... ‘ગુંજતું હતું. પરંતુ મારા જમણા હાથે વહેતી નર્મદા
સ્થિર હતી, છીછરી હતી, સંકોચાઇને સરોવર થઈ ગઈ હતી જાણે! આ જ તો એકવીસમી સદીની ફળશ્રુતિ
હશે?
સતત ચાલવાથી બુટ ની
નીચે આંગળી ચગડાઇ રહી હતી. કેટલાંકે તો ચંપલ હાથમાં લઈ ચાલવા માંડ્યુ હતું.
‘બસ હવે હોડી આવે ત્યાં
સુધી જ પછી સામા કાંઠે તો તરત જ રણછોડ મંદિર આવી જશે..
પણ દૂર દૂર સુધી હોડીનું
નામોનિશાન નહીં.. ક્યાંક ધજા દેખાય કે હોડી છે તેમ લાગે. પણ નજીક જતાં વિરામ માટે નાનો
માંડવો હોય..માર્ગમાં હજી તો માંડ અજવાળું નહીં થયું હોય ત્યા બે-ત્રણ ની ટુકડી માં
અહી કેટલાય સ્થાનિક બાળકો બેઠા હતાં. તેમને શ્રધ્ધાળુઓ પૈસા કે બિસ્કિટ આપી રહ્યા હતાં.
‘હે ભગવાન! હોડી આવ..
નહિતર તું આવ.’
ઉજાગરો, થાક, જેનાથી
જરા પણ ટેવાયા નથી તેવી દિનચર્યા, સમતલ ન હોય તેવા માર્ગની દડમજલ-આ બધુ હવે જવાબ આપતું
હતું.
દૂર થી હોડી દેખાણી..
‘હા ..શ’ કહી ચડી બેઠા એ જ માર્ગે સામે કાંઠે પાંડવ ગુફાનાં દર્શન થયા.ત્યારે સવારનાં
સાડા છ થઈ ચૂક્યા હતા.
હોડીમાં નદી પાર પહોંચીને
ઘાટ પરથી થોડું ઉપર જવાનું હતું.. જ્યાં પગથિયાં અને ચડાણ હતું. આ પગથિયાં ચડતાં જ
મારો ગિરનાર યાદ આવ્યો... માં નર્મદાને હાથ જોડ્યા: હે માં, ઉત્તરવાહિની યાત્રા ફરી
કરી શકીએ તેવા આશિર્વાદ આપો.’ નમામિ દેવી નર્મદે!
'જન્મભૂમિ પ્રવાસી'માં 'બ્લોગને ઝરૂખેથી' કટારમાં શીતલબહેન દેસાઈએ તેમણે નર્મદા મીની પરિક્રમા ગેસ્ટ બ્લૉગ લેખમાં લખેલ વર્ણન વાંચ્યું. ખૂબ ગમ્યું.
જવાબ આપોકાઢી નાખોમેં આદરણીય સ્વ. અમૃતલાલ વેગડ લિખિત 'પરિક્રમા નર્મદા મૈયાની' પુસ્તક થોડા દિવસ પહેલાં પૂરૂં કર્યું હતું. ત્યાર બાદ એમનું બીજું પુસ્તક 'સૌંદર્યની નદી નર્મદા' વાંચી રહ્યો છું.
ખૂબ કઠિન પ્રવાસ છે. પુસ્તકોમાં ફક્ત પ્રવાસનું વર્ણન નથી. અમૃતલાલભાઈએ પ્રવાસનું વર્ણન તો આલ્હાદક ભાષામાં કર્યું જ છે, પણ એ સાથે માનવીય સંબંધોને પણ સરસ રીતે વણી લીધા છે.
નર્મદા પરિક્રમા વિશે વાંચવું ગમે, પરંતુ એ એટલી સરળ નથી. અમૃતલાલભાઈએ તો ૬૯ વર્ષની પાકટ ઉંમર પછી નવો પ્રવાસ આદર્યો, એ ખરેખર હકારાત્મક પાગલપન છે, જેમાંથી હું અત્યારે પસાર થઈ રહ્યો છું.
'પ્રવાસી'માં શીતલબેનનો નર્મદા પરિક્રમા પરનો ગેસ્ટ બ્લૉગ લેખ ખૂબ ગમ્યો. તેમને અભિનંદન!
જવાબ આપોકાઢી નાખો