ભગવાન મહાવીર સ્વામીની કૃપાથી આ જન્મે જૈન ધર્મ પ્રાપ્ત થયો છે અને મારા સધાર્મિક સ્વભાવને લીધે મારું ચિંતન ધાર્મિક બાબતો પ્રત્યે વિશેષ હોય છે. આને લીધે મને સ્વપ્નોમાં પણ દેરાસર, ઉપાશ્રય, મહાસતીજી કે મહારાજ સાહેબ વારંવાર દેખા દે છે. આ ચિત્ર - વિચિત્ર સ્વપ્નો વિશે આજે મારે સૌ સાથે મારી વાત વહેંચવી છે.
એક વાર સ્વપ્નમાં હું ઉપાશ્રય જઈ આયંબિલ કરતી હતી (જેમાં એક વાર બેસીને તેલ - મરચાં વગરનું બાફેલું ખાવાનું હોય). મહાસતીજી પાસે પચખાણ વિધિ કરી(જેમાં મહાસતીજી કે મહારાજ સાહેબ કોઈક નિયમ લેવડાવે). ખંડ મોટો હતો છતાં જગા દુર્લભ હતી. પૂજ્ય સ્વામીના દર્શન કર્યા. એક સ્વામી પાટ પર વિરાજ્યા હતા જે ખૂબ શાંત અને મૌન હતા. પણ તે જરા નાદુરસ્ત હતા. બીજા સ્વામીએ ઇશારાથી મને કંઈ બોલવાની મનાઈ ફરમાવી. આ સ્વપ્ન આટલું જ.
એક તબક્કે અમે નવા ઘરની શોધમાં હતાં ત્યારે આવેલ એક સ્વપ્નમાં મારા પતિ મને એક જગાએ ઘર જોવા લઈ ગયા. જગા એવે ઠેકાણે હતી કે મકાનની વચ્ચે માર્ગ હતો. માર્ગની પાછળ ઘૂઘવતો સમુદ્ર હતો.મેં જગા લેવાની અનિચ્છા દર્શાવી ત્યારે મારા પતિએ મારી ડાબી બાજુએ જોવા કહ્યું. જોયું તો ત્યાં મુંબઈનું મોટું મહાલક્ષ્મી મંદિર હતું. મેં એ જગા લઈ લેવાનો નિર્ણય લીધો. ત્યાંતો સ્વપ્ન પૂરું.
અન્ય એક સ્વપ્નમાં હું મારી એક સખી સાથે પાર્શ્વનાથના દેરાસરમાં ગઈ. આ દેરાસર ભૂગર્ભમાં હતું. ૧૦૮ ભગવાનની મૂર્તિઓ તેમાં હતી. દરેક ભગવાનના અમે ખમાસણા કર્યા અને અંતરથી પ્રભુના આશિષ માગ્યા. બહાર આવ્યા અને સ્વપ્ન પૂર્ણ.
બીજા એક સ્વપ્નમાં લીમડી સંપ્રદાયના પૂ. હંસાબાઈ મહાસતીજીના દર્શન કરવા જવાનું થયું. પૂ. મહાસતીજીના મધુર સ્વરમાં વ્યાખ્યાન સાંભળ્યું. જાણે જ્ઞાન પ્રાપ્તિ થઈ. હરખાતી હું ઘર ભણી રવાના થતી હતી અને સ્વપ્ન ત્યાં જ પૂરું.
સ્વપ્નો આવા જ હોય, ક્યારેક સ્પષ્ટ તો ક્યારેક બિલકુલ ન સમજાય એવા. એમની પણ એક ભાષા હોય છે જે આપણે સંપૂર્ણ રીતે સમજી શકતા નથી. પણ મારા મતે દરેક સ્વપ્ન નો ચોક્કસ કોઈક અર્થ નીકળતો હોય છે. મારા આ સ્વપ્નોનો પણ કોઈક અર્થ હશે...
- પ્રફુલ્લા ભૂપતરાય શાહ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો