Translate

રવિવાર, 24 જાન્યુઆરી, 2010

ગેસ્ટ બ્લોગ : સૌથી મોટો એવોર્ડ

બાળરંગભૂમિ એટલે ફક્ત નાટક જ કરવા કે કરાવવા એટલું જ નહિં પરંતુ બાળકના સર્વાંગી વિકાસમાટેનું એ એક મહત્વનું અંગ છે એની પ્રતિતિ એ પ્રવૃત્તિને માટે સતત કાર્યશીલ રહેતા મને થતી રહી.૧૯૫૬ની સાલમાં લાંબી રજા દરમ્યાન હું તથા મારી સખી રીટા ચોપાટીની રેતીમાં બેઠા હતા.બાળરંગભૂમિ દ્વારા બાળકોના ઉત્કર્ષ માટે નાટક ઉપરાંત કંઈક નવી દિશા માટે વિચારતી હતી ત્યાં ટીનના ડબ્બાના તાલ સાથે ફિલ્મી નાચ-ગીતની નકલ કરતાં થોડા નાનામોટા છોકરાછોકરીઓ ગાતા સંભળાયા - અમારી મજાક કરવાના મૂડમાં જ. "ઇતની બડી દુનિયામે, ન કોઈ કહેતા,આઓ બચ્ચો હમ સે મિલો;અચ્છે કપડે પહેનકર સાબ બનો" - આ બધા હતા ફુગ્ગા વેચતા,ગજરા વેચતા,ઉજળા વર્ગ માટે ઇર્ષા ધરાવી અપશબ્દો બોલનાર. બસ! મને દિશા મળી.આવા બાળકો માટે કંઈ કરી શકાય? બાળમજૂર,સ્ટ્રીટ-ચિલ્ડ્રનની વાતો હજી મારે કાને આવી ન હતી પણ એમને માટે કંઈક કરી એમને સભ્ય બનાવવા!વિચારવુ સહેલુ હતું પણ કામ કરવું અઘરું હતું.એમના માબાપને ડર હતો, અમે એમના છોકરાઓને ભરમાવીશુ તો?એટલે અમે પહોંચ્યા બાળકો પાસે.ભેળ ખવડાવી,સાથે રમ્યા,વિશ્વાસ મેળવ્યો.ગંદાગોબરા,માથામાં જૂ,મોં માં ગાળ - એવા બાળકો અમારી પાસે બેસવા લાગ્યા.રોજ સવારે ઘરમાંથી થર્મોસમાં ચા ભરી,થોડો નાસ્તો લઈ અમે એમની મંડળી બનાવી.ઊઘરાવેલા કપડાંથી એમના અર્ધખુલ્લા શરીર ઢાંકવા મથતા અમે મિત્રતાના મંડાણ કર્યા.માબાપને પણ અમારામાં વિશ્વાસ બેઠો.થોડીક સ્થિરતા આવતા,સ્વચ્છતાથી શરૂઆત કરી અમે અક્ષરગ્નાન સુધી પહોંચ્યા.ચોમાસામાં અમારી ટોળી વિખરાતી.પાછા ભેગા થઈએ ત્યારે જૂના થોડા જ હોય.કોઈ સ્થળાંતર કરી ગયા હોય.બે સભ્યો પણ હોય તો વળી બાર પણ થાય.આ છોકરાઓ પાસેથી સાચો પ્રેમ મળતો.વિલ્સન કોલેજના એક સહ્રદયી ફાધર અમારુ કામ જોતા.એમણે કોલેજના ગ્રાઉંડ ફ્લોર પર આવેલા એક સ્ટોરરૂમનો થોડો ભાગ અમારી પ્રવૃત્તિ માટે આપ્યો.ફાધરની પ્રેરણાથી અમને ગાંધીજીના આદર્શને પગલે ચાલવાનું દિશાસૂચન મળ્યુ.બુનિયાદી તાલીમના પાઠ શરૂ કર્યા.ઉષાબેન મહેતાએ સહકાર આપી વણાટકામ,રેંટિયાની તાલીમનું શિક્ષણ આપવામાં મદદ કરી.અમારો ઉત્સાહ વધ્યો.બાળકોને રાત્રિશાળામાં અમારા ખર્ચે મોકલતા.પછીથી હસ્તકામ,વણાટકામ,મિકેનિકલ કામ શિખવતા.બાળરંગભૂમિની પ્રવૃત્તિ શરૂ કરાવી. એકોક્તિ - નાટિકા,એમના હસ્ત ઉદ્યોગની ચીજવસ્તુઓનું વેચાણ ચાચા નહેરૂ દિને કરાવવા શરૂ કર્યા. ૧૯૫૬થી શરૂ થયેલી આ યાત્રા ૧૯૮૦ સુધી ક્યારેક પુરજોશમાં તો ક્યારેક મંદ ગતિએ તો ક્યારેક સાવ બંધ એમ ચાલતી રહી.રીટા પરણીને પરદેશ ગઈ.એકલે હાથે મારી પોતાની શિક્ષિકા તથા નાટ્ય પ્રવૃત્તિ ને કારણે 'રસ્તે રઝળતાં રતન'નો સાથ જાળવવો અઘરો થતો હતો,છતાં આ બાળકોની પ્રેરણાએ મને નવો જ માર્ગ ચીંધ્યો એ કેમ ભૂલુ? વિચાર્યું કે હવે આ અભિયાન બંધ કરુ - ત્યાં બેપાંચ તેજસ્વી કિશોર-કિશોરી એક નવા વર્ષની સવારે મારી પાસે આવી કહેવા લાગ્યા,"દીદી!તમે અમને ઘણું શીખવ્યું.જીવન જીવવાનો રસ્તો બતાવ્યો.આજે ઇશુખ્રિસ્તના નવા વરસે અમે બધા પ્રતિજ્ઞા લઈએ છીએ કે અમે જીવવા માટે એ જ રસ્તો અપનાવીશું." પ્રતિજ્ઞા લેવાઈ.અમે છૂટા પડ્યા.સંપર્ક તૂટી ગયો.પણ ૧૯૭૬માં બરેલીમાં હિન્દી નાટક કરાવવા ગઈ,ત્યાંથી અચાનક વિચાર આવતા દિલ્હીથી હરિદ્વાર થઈ બદરીનાથ જવા હું મારા ભાઈ સાથે ઉપડી. રસ્તામાં બસ બગડી.સાંજ પડવા આવી હતી.લોકલ ઉતારુઓએ બસમાંથી ઉતરી ચાલવા માંડ્યુ.અમારા જેવા બેપાંચ ઉતારુઓ ક્યાં જાય?પાસે ગરમ કપડાં નહિં. દેવપ્રયાગમાં ખાવાનું ક્યાંથી મળે?બસમાં પડી રહ્યાં.ત્યાં હિમાલય પરિવહન નિગમનો કોઈ અધિકારી બસ ડ્રાઈવર સાથે બસમાં કોણ કોણ છે એ ચકાસવા ટોર્ચને અજવાળે ચડ્યો."દીદી ! આપ?" વર્ષોનો પડદો હટી ગયો.ચોપાટીની રેતીમાં રાત્રિશાળામાં મોકલી, ગરાજમાં મિકેનિકલ કામ શીખેલો એ હતો ઇકબાલ વરસો પહેલા મેં થોડાક કોળિયા ભરાવ્યા હશે,માંગી આણેલા કપડાંથી એનુ શરીર ઢાંક્યુ હશે.એણે અમને ગરમ રસોઈ જમાડી,ગરમ ધાબળા આપી,અણધારી મદદ કરી.એ અહિં પરિવહન વિભાગનો મોટો અધિકારી બની ચૂક્યો હતો;એટલું જ નહિં ત્યાં એની પત્ની સાથે મળી પ્રૌઢ શિક્ષણ સાથે બાળકોને નાટક,અક્ષરજ્ઞાન આપતો.એની આજે ઉજવણી હતી.સભામાં એણે જાહેર કર્યુ કે "વર્ષો પહેલા નવા વરસે અમે પ્રતિજ્ઞા લીધી હતી કે અમે રસ્તે રખડતા હતા ત્યાંથી દીદીની દોરવણીથી જીવનમાં સ્થિર થયા,તે જ રીતે બીજાઓને સ્થિર કરવા પ્રયત્નશીલ રહીશું.આ અમારી નવા વરસની ગુરૂદક્ષિણા છે." આનાથી મોટો એવોર્ડ જીવનમાં બીજો હોઈ શકે ભલા?

- વનલતા મહેતા 'દીદી' (મુંબઈ)

રવિવાર, 17 જાન્યુઆરી, 2010

અંધેરી લોકલનો એક અનુભવ

હું મલાડ સ્ટેશનેથી સવારના ૦૮:૫૯ની અંધેરી લોકલના ફર્સ્ટ ક્લસ્સ કોચમાં જેમતેમ કરી ચઢી ગયો.આજે લોકલ ૧૦-૧૫ મિનિટ મોડી હતી.હંમેશની જેમ એમાં ખૂબ ભીડ હતી.બહાર વરસાદ પડવો શરૂ થયો અને લોકલમાં પ્રવાસીઓ વધુ સંકડાશનો અનુભવ કરી રહ્યાં કારણ દરવાજા પર ઉભેલાઓએ પણ પલળે નહિં એ માટે અંદર તરફ ધક્કા મારવા શરૂ કર્યા.અંધેરી લોકલમાં મલાડ અને અંધેરી વચ્ચે ગોરેગામ અને જોગેશ્વરી એમ માત્ર બે જ સ્ટેશન બચ્યા હોઈ ગોરેગાવ ઉતરનારા પ્રવાસીઓની સંખ્યા સારી એવી રહેતી હોય છે અને એ લોકો જેમણે ગોરેગામ ઉતરવું હોય તે બીજાઓનો જરા સરખો પણ વિચાર કર્યા વગર ધક્કામુક્કી કરી ગોરેગામ સ્ટેશન પર ઉતરતા હોય છે. નદીના ધસમસતા પૂરની જેમ જ! તમારે ગોરેગામ ન ઉતરવું હોય છતાં તમે ભૂલથી વચ્ચે ઉભા હોવ કે એ પૂરની અડફેટમાં આવી જાવ તો તમારે પણ ફરજિયાત ગોરેગામ ઉતરી જ જવું પડે અને જો તમે આનાકાની કરો કે હઠીલા થઈ વચ્ચે ઉભા રહો તો ચોક્કસ તમારો સ્ટેશન પર ખેંચાઈને પડી જવાનો જ વારો આવે.આ વાતથી હું સારી રીતે વાકેફ હોઇ મે લોકલમાં પ્રવેશી તરત બને એટલું અંદર જઈ પીઠને ટેકો મળે એવી જગા પકડી લીધી.ગોરેગામ સ્ટેશન આવ્યું અને ઘણાં બધાં લોકો એક્બીજાને ધક્કો મારતા,ગાળો ભાંડતા ઉતરી ગયાં.લોકલે ગોરેગામ સ્ટેશન છોડ્યું અને ગતિ પકડી ત્યાં મેં નોંધ્યું કે એક યુવાન બીજા એક યુવકને બોચીએથી પકડી તેને ગાળો ભાંડતા ભાંડતા કોચમાં અંદર તરફ ખેંચી ગયો જ્યાં બીજા પ્રવાસીઓ બેઠા હતાં.આ બન્ને જણ મારી બરાબર બાજુમાં થઈ થોડા આગળ એવી જગાએ ઉભા જ્યાંથી હું તેમને બરાબર જોઇ શકતો હતો.હજી મને કંઈ વિચારવાનો સમય મળે એ પહેલા તો બીજા પાંચ-છ બેઠેલા પ્રવાસીઓએ પણ ઉભા થઈ બાબત શું હતી એ જાણ્યા વગર જ પેલા ગરીબ બોચીએથી પકડાયેલા યુવાનને માથા પર જોર જોર થી મારવા માંડ્યુ.મને ખૂબ ગુસ્સો આવ્યો.
હું સમસમી ગયો.આ જે દ્રશ્ય વર્ણવ્યું એ મુંબઈની ટ્રેનોમાં જોવા મળતુ એક ખૂબ સામાન્ય દ્રશ્ય છે.કોઈક પકડાય એટલે સાચે એ ગુનેગાર છે કે નહિં એ જાણવાની પણ તસ્દી લીધા સિવાય લોકો પોતાના 'હાથ સાફ' કરવા માંડશે.મને નથી સમજાતુ કે તેમને આવા કૃત્ય દ્વારા કયા પ્રકારનો પાશવી આનંદ મળતો હશે.કે પછી આ દ્વારા તેઓ પોતાનું ફ્રસ્ટ્રેશન, હતાશા, નિરાશા, દુ:ખ કે હારની લાગણીઓ પ્રદર્શિત કરી રાહત અનુભવતા હશે?ગાડીની ગિર્દી, મોંઘવારી, પોતાને મળેલી કોઈક નિષ્ફળતા કે પછી ઘરમાં થયેલા ઝગડાને પરિણામે તેઓ આવું વર્તન કરતા હશે?આ સદંતર ખોટુ છે.એક તો લોકોને બે જણ વચ્ચેની માથાકૂટમાં પડવાનો કોઈ હક્ક નથી અને બીજુ તેમને કોઈને ય પાઠ ભણાવવાનો પણ કોઇ હક્ક નથી.લોકલ ટ્રેનમાં કે સ્ટેશન પર કંઈક થાય તો વચ્ચે પડવાનો હક્ક અને જવાબદારી રેલવે પોલિસના છે.તો પછી કોઇ ઝઘડામાં વચ્ચે પડી વાંકગુના વાળા કે ક્યારેક તો કોઇ જ વાંક વગરના કોઈ ગરીબને ઢોર માર લોકોએ શા માટે મારવો જોઇએ?એમાં ક્યારેક કોઈ માણસ પોતાનો જીવ પણ ગુમાવી બેસી શકે છે.
મૂળ વાત પર આવીએ.મેં અંધેરી લોકલમાં પેલા ગરીબડા યુવાનનો પક્ષ લીધો જેને પાંચ-છ જણ મળીને ઢીબી રહ્યાં હતાં.મને શું બાબત હતી એની જાણ નહોતી પણ એ તો મારવાવાળા પેલા અસામાજિક તત્વો જેવા યુવાનોને પણ ક્યાં કોઈ વાતની ખબર હતી?મે પેલા ગરીબડા યુવાનને બચાવતા પ્રશ્ન કર્યો કે બધા શા માટે તેને મારી રહ્યાં હતાં?એવું લાગ્યું કે કદાચ એની પાસે ફર્સ્ટ ક્લાસનો પાસ નહોતો અને તે ગોરેગામ ઉતરતા પ્રવાસીઓની અડફેટે ચઢી ગયો હતો અને ટ્રેન ચાલુ થતા જ એક તોફાની યુવક તેને બોચી પકડી અંદર ખેંચી લાવ્યો હતો.આ કોઈ બાબત હતી એક માણસને પકડીને મારવા માંડવા માટેની?બીજા સામાન્ય નાગરિકોને શો હક્ક છે કાનૂન પોતાના હાથમાં લઈ કોઈને સજા આપવાનો?એ યુવાન અજાણતાથી ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં ચઢી ગયો હોય અથવા કદાચ એની કોઈ મજબૂરી પણ રહી હોઈ શકે જેથી એણે આ ડબ્બામાં ચઢી જવુ પડ્યુ હોય.આપણે માણસ બનવું જોઇએ.મેં બધા વચ્ચે થોડા સમય પહેલા જ બની ગયેલો એક કિસ્સો કહી સંભળાવ્યો જેમાં ગુસ્સામાં બેકાબૂ બનેલા બે યુવાનો એ ત્રીજા એક યુવાનને સેન્ટ્રલ રેલ્વેની એક ટ્રેનમાં એટલી બૂરી રીતે ફટકાર્યો કે તે ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યો.લોકો ટોળુ બન્યા બાદ હિંસક,ક્રૂર અને ઘાતકી બની જતા હોય છે.તેઓ સાચાખોટાનું ભાન ભૂલી જતા હોય છે.આપણે સૌએ પુખ્ત અને જવાબદાર નાગરિક બનવું જોઇએ અને પ્રાણી જેવા બની કોઈને મારી પાશવી આનંદ ન લેવો જોઇએ.જો કદાચ કોઈ મોબાઈલ કે પર્સ ચોરી કરતા પકડાઈ પણ જાય તો તેને ઉતાવળે રઘવાયા થઈ મારવા ન માંડતા પકડીને પોલિસને સોંપી દેવો જોઇએ જેથી એ તેને યોગ્ય સજા અપાવી શકે.પેલા અંધેરી લોકલવાળા મારી રહેલા યુવાનો આ બધુ સાંભળી મારા પર ગુસ્સે થઈ પૂછવા લાગ્યા કે હું શા માટે પેલા ગરીબડા યુવકનો પક્ષ લઈ રહ્યો હતો.મેં તેમને જવાબ આપ્યો કે ન હું એ ગરીબડા યુવકનો સગો હતો કે ન તો તેઓ બધા મારા દુશ્મન હતાં.મારે ફક્ત એક જ વાત સ્પષ્ટપણે સમજાવવી હતી કે આપણે ભેગા મળી ટોળું બનાવી કોઈક એકલી વ્યક્તિને શા માટે મારવા માંડવું જોઇએ જ્યારે શક્ય છે એ વ્યક્તિ સંપૂર્ણપણે નિર્દોષ પણ હોય?
પછી તો આ ચર્ચામાં બીજા પણ કેટલાક પ્રવાસીઓ જોડાયા જેમણે મારો પક્ષ લીધો.પેલો ગરીબડો યુવાન વધુ માર ખાવામાંથી બચી ગયો.તોફાની ટોળામાંના એકે મને 'ગાંધીજી' બનવાનો પ્રયત્ન કરું છું એવી ટીપ્પણી સાથે 'સમાજસેવા'ના સેમિનાર આપવાની સલાહ આપી.મેં જવાબ આપ્યો કે જો ટ્રેનમાં જગા મળે તો મને રોજ 'માણસ કઈ રીતે બનવું અને ટ્રેનમાં કઈ રીતે વર્તવું' આ વિષય પર એક પાવરપોઈંટ પ્રેઝેન્ટેશન આપવામાં કોઈજ વાંધો નથી! રખે ને એકાદ જણ પણ એ જોઈ-સાંભળી સુધરી જાય તો મારું મિશન સફળ થઈ જાય!આ પછી ઝગડો પૂરો થઈ ગયો.
આપણે ક્યારેક દૈનિક જીવનની ઘરેડમાં સાથી મનુષ્ય પ્રત્યે ધ્યાન આપવાનું ચૂકી જઈએ છીએ અને ઘણી વાર તો અમાનવીય વર્તન પણ આચરી બેસીએ છીએ.જરૂર છે થોડા આત્મસંશોધનની અને અયોગ્ય અભિગમને બદલવાની.

સોમવાર, 11 જાન્યુઆરી, 2010

મનોજ્ઞા દેસાઈ : એક વિરલ વ્યક્તિત્વ

મારાં પ્રથમ ત્રણ પુસ્તકો (૨૦૦૮માં) પ્રકાશિત થયા ત્યારબાદ એક મહોદયાનો મને ફોન આવ્યો.જન્મભૂમિની મહેક પૂર્તિમાં આવતી મારી નિયમિત કટાર 'ઇન્ટરનેટ કોર્નર' પર આધારિત એ પુસ્તકો તેમને ખૂબ ગમ્યાં એટલે અભિનંદન આપવા તેમણે મને ફોન કર્યો હતો. કેટલીક વ્યક્તિઓને તમે ક્યારેય મળ્યા ન હોવ કે તેમને તમે ક્યારેય જોઈ ન હોય છતાં તેમની સાથે તમે તરત એક પ્રકારનું જોડાણ અનુભવો છો. અમે પ્રથમ વાર જ ફોન પર મળી રહ્યાં હોવા છતાં ૧૦-૧૫ મિનિટ થયેલી વાતચીત બાદ મેં તેમની સાથે ખાસ્સી આત્મિયતા અનુભવી. તેમણે જણાવ્યું કે મારી 'ઇન્ટરનેટ કોર્નર' જેવી જ એક કોલમ તેઓ અન્ય એક વર્તમાનપત્રમાં લખતાં હતાં અને તેઓ એક સારા સ્પીચ થેરાપિસ્ટ પણ હતાં અને ખાર ખાતે આવેલા રામક્રુષ્ણ મિશનમાં સેવા આપતા હતા. મને તેમની સાથે વાત કરવાની ખૂબ મજા આવી. પ્રથમ મુલાકાતમાં જ હું તેમનાથી ઘણો પ્રભાવિત થઈ ગયો.
આ પ્રસંગ પછી થોડાં સમય બાદ જ મિડ-ડે માં મારા પુસ્તકોનો રીવ્યુ પણ છપાયો જે મને પાછળથી જાણ થઈ કે આ મહોદયાએ જ લખ્યો હતો. પાંચેક મહિના બાદ મારું ચોથું પુસ્તક 'આભૂષણ' પ્રકાશિત થયું અને મેં નક્કી કર્યું કે આ વખતે હું પોતે તેમને જઈને મળીશ અને રુબરુ વાતચીત કરી મારું પુસ્તક તેમને હાથોહાથ આપીશ.ગયે વખતે જ્યારે અમારી ફોન પર વાત થયેલી ત્યારે મેં તેમને ખાતરી આપી હતી કે આપણે જલ્દી જ રુબરુ મળીશું અને ચા-કોફી સાથે વાતોનાં વડાંનો કરીશું! તેથી એક દિવસ સાંજે ઓફિસેથી છૂટી હું સીધો તેમનાં ઘેર જઈ પહોંચ્યો.તેમણે સસ્મિત ઉમળકાભેર મને આવકાર્યો.. તેઓ ત્યારે પોતાની એક નાનકડી દર્દી સાથે વાતચીત કરી રહ્યા હતા - એક કિશોરી જેને બોલવામાં સહેજ તકલીફ હતી અને જે પોતાના માતા પિતા સાથે આવી હતી. તેમણે મને નમ્રતાપૂર્વક થોડી રાહ જોવા કહ્યું . મેં ઉપર ઉપરથી તેમની વાતચીત સાંભળી. તે વાતચીતની કલાનુ ખૂબ સારું કૌશલ્ય ધરાવતા હતા અને ખૂબ સારા મૈત્રી પૂર્ણ સ્વભાવવાળા ડોક્ટર હતા એ તેમની વાતચીત પરથી હું કલ્પી શક્યો. તે દર્દીના ગયા બાદ તેમણે મારી મુલાકાત તેમના કુટુંબના બધા સભ્યો સાથે કરાવી. તો બધા ખૂબ સારાં માણસો હતાં તેમનાં મોટાં ભાઈ એ મારાં અને મારી કટારના ખૂબ વખાણ કર્યા અને ખૂબ જૂના એવા ઇન્ટરનેટ કોર્નર માં છપાયેલા બે ત્રણ લેખ વિશે તેમનો અભિપ્રાય આપ્યો તેમણે કહ્યું એ બે ત્રણ લેખ ખરેખર હદય સ્પર્શી હતા અને એ તેમને હજી સુધી યાદ હતાં ! જ્યારે કોઈ તમારાં કોઈક કાર્યનાં વખાણ કરે અને તેમને એ વિશેનો સાચો અભિપ્રાય આપે ત્યારે તમને તે ખૂબ ગમે છે.
આ દરમ્યાન તેઓ મારા માટે ચા તૈયાર કરી લાવ્યાં તેમનાં ભાઈનો પૌત્ર એક અતિ સુંદર નાનો મિઠ્ડો છોકરો હતો જેને તેના ફોઈબા એટલે કે જે મહોદયાની હું વાત કરી રહ્યો છું તેમની ખૂબ માયા હતી અને તે સતત તેમની સાથે રમત કરી રહ્યો હતો હું જોઈ શક્યો કે તેઓ પોતાના બધા કુંટુંબીજનો સાથે ખૂબ લાગણીશીલ સંબધો ધરાવતાં હતાં અને તેમના બધા કુંટુંબીજનો પણ તેમને ખૂબ પ્રેમ કરતાં હતા. તેમણે તેમના ભાઈના પત્નીની પણ મારી સાથે ઓળખાણ કરાવી, જેમણે મારા પપ્પા સાથે વર્ષો પહેલાં એક 'ભવાઈ' નો કાર્યક્ર્મ કર્યો હતો આ બધી ઓળખાણ અને ચા પાણી બાદ મારી તેમની વિવિધ વિષયો પરની ચર્ચા શરૂ થઇ. એક પછી એક એટલી બધી સારી સારી વાતો અમે કરી કે દોઢ-બે કલાક ક્યાં પસાર થઇ ગયા તેનો ખ્યાલ જ ન રહ્યો!
અમે ગુજરાતી ભાષાની વર્તમાન સ્થિતી અને તેના ભવિષ્ય પર ચર્ચા કરી . અમે રેડીયો વિશે વાત કરી. હુ ઓલ ઈન્ડિયા રેડીયો પર ગુજરાતી સમાચાર વાચું છું અને તેઓ ગુજરાતી FM ચેનલ પર સોમ થી શુક્ર ઘણાં કાર્યક્ર્મોનુ સંચાલન R.J. તરીકે કરતાં. અમે ઘણાં સામાન્ય શોખ ધરાવતા હોવાનુ માલૂમ પડ્યું.અને અમારી એ મુલાકાત દરમ્યાન મને તેમના પ્રભાવશાળી વ્યક્તિત્વના ઘણા નવા પાસાઓની જાણ થઈ . તેઓ કવિતાઓ લખતાં, મિડ-ડેમાં પુસ્તકોના રિવ્યુ લખવાની સાથે જ તેઓ બીજી પણ નાની મોટી ઘણી કટાર નું સંચાલન/સંકલન કરતાં જેમાની ઘણી ખરી કટારો મારી મન પસંદ હતી, પણ મને જાણ ન હોતી કે તેઓ તે સંભાળતા હતાં ગુંજરાતનાં એક વર્તમાન પત્ર માટે તેઓ રોજ શબ્દચોરસ પણ તૈયાર કરતાં હતાં આ બધી કામકાજની વાતો બાદ મેં તેમની સાથે મારાં કુટુંબ વિશે પણ ચર્ચા કરી. મારી પત્નિ વિશે , મારી બહેનો વિશે. મેં તેમને જણાવ્યું કે મારી મોટી બહેન શિક્ષણ ક્ષેત્રમાં સારી નોકરી શોધી રહી હતી પણ ગુજરાતી માધ્યમની શાળાઓમાં ઘટતી જતી વિધાર્થીઓની સંખ્યાને પરિણામે ઘટી રહેલી ગુજરાતી માધ્યમની શાળાઓને કારણે આઠેક વર્ષથીએ વધુ બહોળા અનુભવ છતાં હજી સુધી તે કોઈ સારી કાયમી જ્ગાએ નોકરી મેળવી શકી નથી. હું જેને મળવા આવ્યો હતો એ મહોદયા એ તરત વિચાર કરી મને પૂછ્યું કે મારી બહેનને તેમનાં સહાયિકા તરીકે જોડાવું ગમશે? હું આ મહોદયા ને અહી પહેલી વાર મળી રહ્યો હતો અને આ પ્રથમ મુલાકાતમાં જ મે મારા કુટુબની અંગત બાબતો પણ તેમની સામે વર્ણવી અને તેમણે મારી બહેન માટે એક નોકરીની તક પણ ઊભી કરી દીધી!
અમે સારા પુસ્તકો વિશે ,વાંચનના મહત્વ વિશે, બીજી કેટલીક સારી વ્યક્તિઓ વિશે અને બીજી અનેક રસપ્રદ વાતો ચર્ચી. અમારી વચ્ચે તરત એક સામાન્ય તંતુ બંધાઈ ગયો હતો. જે વ્યક્તિઓના વિચારોની 'વેવલેન્થ' તમારી સાથે મેળ ખાતી હોય અને જેના શોખો, જીવવાની રીત વગેરે તમારી સાથે મળતા હોય ત્યારે તેવી વ્યક્તિઓનો સંગાથ તમે ખૂબ માણો છો! હું 'મનોજ્ઞા બેન દેસાઈ'ને મળીને ખૂબ ખુશી અનુભવી રહ્યો હતો.!
અમારી પ્રથમ મુલાકાત બાદ, મે ત્રણ-ચાર વાર તેમની સાથે ફોન પર વાતચીત કરી અને થોડાંજ સમયમાં હું મારી બન્ને બહેનોને તેમની દાદર માં આવેલી ઓફિસે મળવા લઈ ગયો તેમણે મારી બહેન તેજલ માટે તેમની સહાયિક તરીકે નોકરીનો પ્રસ્તાવ મૂક્યો હતો એ સંદર્ભે હું મારી બહેનોને તેમને રુબરૂ મળવા લઈ ગયો હતો તેમણે મારી બંને બહેનોને પ્રેમ પ્રૂર્વક સત્કારી અને તેઓ બન્ને પણ તરત મનોજ્ઞા બેન સાથે હળી મળી ગઈ. આ વખતે પણ મેં તેમની સાથે ઘણો વિચાર વિમર્શ કર્યો અને ૧લી જાન્યુઆરી ૨૦૦૯થી મારી બેન તેમને ત્યાં નોકરીએ જોડાશે એ પણ લગભગ નક્કી જ થઈ ગયું (અમે ડિસેમ્બર૦૦૮ ના છેલ્લા અઠવાડીયા માં તેમને મળવા ગયાં હતાં) તેમણે ધણાં પ્રેમ અને ઉદારતાથી મારી બહેનને એ બધું જ જ્ણાવ્યું જેની તેઓ તેની પાસે સહાયિકા તરીકે અપેક્ષા રાખી રહ્યાં હતાં. મારી બહેન પણ તેમનાંથી એટલી પ્રભાવિત અને ખુશ થઈ ગઈ હતી કે તે પોતાની જાતને આવા સારા 'બોસ' ના હાથ નીચે કામ કરવા મળશે એ વિચારી પોતાની જાતને નસીબદાર સમજવા લાગી હતી! આવી મિલનસાર , પ્રેમાળ, ગુણી વ્યક્તિને મળીને કોણ ખુશ ન થાય? મનોજ્ઞા બેન પણ ખુશ હતા કારણ ઘણાં સમયથી તેઓ એક સહાયક વ્યક્તિની જરૂર મહેસૂસ કરી રહ્યાં હતાં અને સહાયક તેમને ત્યાં જોડાય ત્યાર બાદ તેઓ પોતાના અનેક અધુરાં કાર્યોને ન્યાય આપવા ઇચ્છતા હતા. તેમને કેટલાં બધાં કાર્યો કરવાની ઇચ્છા હતી! પણ પાછલા કેટલાક સમયથી વ્યસ્તતાને કારણે અને થોડાઘણાં આરોગ્યને લગતા અવરોધોને લીધે તેઓ હાથમાં લીધેલાં કાર્યો પૂર્ણ કરી શક્તા નહોતા. આથી અમને મળ્યા બાદ તેમને એક પ્રકારની રાહતનો અનુભવ થયો હોય તેમ લાગતું હતું. હું તો મનોજ્ઞાબેન અને તેજલ બન્ને કરતાં પણ વધુ ખુશ હતો! મેં વિચારેલું ૨૦૦૯નું વર્ષ અમારાં ત્રણે માટે ખૂબ સારું સાબિત થશે.
પણ જીવનમાં ઘટનાઓનું ગણિત કોઈ સમજી શક્યું નથી. તમે કઈંક વિચારો અને બનતું હોય છે કઈંક. મારી બહેન તેજલ મનોજ્ઞાબેનને ત્યાં ૧૫-જાન્યુઆરી-૨૦૦૯ થી જોડાશે એ મુજબ નક્કી થયા બાદ તેને, અમે રહીએ છીએ એ જ જગાથી નજીક એક ગુજરાતી માધ્યમ શાળામાંથી રજા પર ઉતરેલ શિક્ષકની જગાએ જોડાવા માટે સંદેશ આવ્યો. ભણાવવું એ તેજલનો પ્રથમ પસંદગીનો વિકલ્પ - જેને તે હ્રદયથી ચાહતી હતી. મનોજ્ઞાબેને પણ વાતચીત દરમ્યાન જણાવેલું કે તેજલ તેમની સાથે જોડાયા બાદ પણ જો બીજી સારી શિક્ષણક્ષેત્રની તક મેળવે તો તેઓ તેને તરત રજા આપી દેશે જેથી તેજલ પોતાનાં પ્રથમ પ્રેમ સમા શિક્ષણ કાર્યને ન્યાય આપી શકે. પણ તેજલ મૂંઝવણમાં પડી ગઈ. તેણે તરત મનોજ્ઞા બેનને ફોન જોડ્યો. તેણે મને પણ આ વિશે વાત કરવા સુધી રાહ ન જોઈ. મનોજ્ઞાબેનતો તેજલને મળેલી આ તક વિશે સાંભળી ખૂબ ખુશ થયાં અને તેમણે તેજલને વધુ વિચાર કર્યા વગર તરત એ શાળામાં 'હા' કહી દેવા સલાહ આપી. આજના યુગમાં હું એવા કેટલાયે માણસોના સંપર્ક માં આવ્યો છું જેઓ સ્વાર્થી કે કદાચ વેપારી મગજનાં કહી શકાય એવા સ્વભાવના હોય છે જે હમેશા પોતાના વિશે કે પોતાની જરૂરિયાતો વિશે કે પોતાના સ્વાર્થ વિશે જ પહેલા વિચારશે બીજાઓનું હિત તેમના માટે ખાસ મહત્વનું નથી હોતું પણ મનોજ્ઞા બેન જુદી જ માટીના! તેમણે પોતાની ઈરછાઓ પોતાના ઘણાં વખતથી પાછાં ઠેલાઈ રહેલા કાર્યો ને આગળ ધપાવવાનાં અરમાનો વિશે ન વિચારતા તેજલના રસ અને શિક્ષણ માટેના પ્રેમ વિશે પહેલાં વિચાર કર્યો અને તે નવા પ્રયાણમાં સફળ થાય એવા આશિર્વાદ પણ તેમણે પાઠવ્યાં! જ્યારે મને આ સમગ્ર ઘટનાની જાણ થઈ ત્યારે મેં મારી બેન પર ખૂબ ગુસ્સો કર્યો! મારી ઈરછા હતી કે તેજલ મનોજ્ઞાબેન સાથે જ જોડાય અને તેને મળેલી નવી તક ને ઠુકરાવી દે કારણ અમે મનોજ્ઞાબેનને બોલ આપ્યો હતો કે તેજલ તેમને ત્યાંજ જોડાશે. હું ઈરછતો હતો તેજલ મનોજ્ઞાબેન સાથે જોડાય કારણ કે હું એ તો જાણતો જ હતો કે તેજલ નોકરી શોધી રહી હતી પણ મને એ ય ખબર હતી કે તેમની સાથે જોડાયા બાદ તેજલને શા ફાયદા થશે. આવી મહાન વ્યક્તિ સાથે કામકરીને તો આપણામાં પણ સદ્દગુણોનો આવિર્ભાવ થાય. તેજલ તેમને ત્યાં જોડાઈ પોતાના વ્યકિતત્વને ખૂબ પ્રભાવશાળી બનાવી શકત. ફક્ત પૈસા કરતાં ઘણુ વધું એ ત્યાં શીખી ને મેળવી શકત મનોજ્ઞાબેન પણ એક સહાયક મળતાં તેમના અધુરાં કાર્યો પૂરા કરી શકત તથા ગુજરાતી ભાષા અને ગુજરાતીઓના વિકાસ માટે ઘણાં બીજા નવાં કાર્યો શરૂ કરી શકત જે સમાજ માટે પણ ખુબ ઉપયોગી નિવડત પણ નિયતિના લેખ અકળ હોય છે.
મેં મનોજ્ઞાબેનને ફોન કરી પૂછ્યું શું મારી બહેન તેજલને બદલે મારી પત્ની અમી તેમને ત્યાં જોડાઈ શકે ? મેં જ્યારે તેમને આ ફોન કર્યો ત્યારે તેમની તબિયત જરા અસ્વસ્થ હતી છેલ્લાં કેટલાંક દિવસથી તેમનું આરોગ્ય કથળી ગયું હતું તેમણે મારી સાથે વધુ સમય વાતચીત ન કરી પણ મેં તેમને ખાતરી આપી કે જ્યારે પણ તેમને મારી મદદ ની જરૂર પડશે ત્યારે હું ચોક્કસ હાજર હોઈશ મેં તેમને એમ પણ કહ્યું કે હમણાં તરત નહિ તો થોડા સમય બાદ જયારે પણ તેઓ સંપૂર્ણ સ્વસ્થ થઈ જાય ત્યાર બાદ મારી પત્ની અમી તેમની સહાયિકા તરીકે જોડાવા તત્પર રહેશે અને ચોક્કસ તેમના અધૂરાં કાર્યો પૂરા થશે તથા મનમાં જે નવા વિચારો અમલમાં મૂકવાની ઈરછા છે તો એ પણ શક્ય બની શકશે મેં આ પ્રમાણે વાત કરી અને તેમને ખાતરી અને દિલાસો આપ્યા. તેથી તેમને ખૂબ સારું લાગ્યું હું તેમનો પ્રતિભાવ ફોન પર સામે છેડેથી તેમને જોઈ ન શકાવા છતાં અનુંભવી શકતો હતો .૨૦૦૯ના જાન્યુઆરીની ૧૦મી એ કે ૧૧મી એ અમારી આ પ્રમાણે વાતચીત થઈ.

૧૩મી જાન્યુઆરી ૨૦૦૯એ હું મહેસાણા ગયો હતો મારી પત્નીને તેના પિયરેથી પાછી મારા ઘેર લઈ આવવા.ઉત્તરાણનો તહેવાર પણ પહેલી વાર ગુજરાતમાં ઉજવવાનો વિચાર હતો. મે ગુજરાતમાં ઉત્તરાણ ઘણી સારી રીતે ઉજવાતી હોવાની વાત સાંભળી હતી અને મારા લગ્ન બાદ આ મારી પહેલી ઉત્તરાણ હતી એથી મેં પત્ની સાથે મહેસાણામાં તે મનાવવાનું નક્કી કર્યું. ૧૪મી જાન્યુઆરી ૨૦૦૯ની ઉત્તરાણની સવારે હું મારી પત્ની,સાળા અને સસરા સાથે તેમના ધાબે જઈ પહોંચ્યો, પતંગો અને માંજા સાથે! ત્યાં મને મુંબઈથી મારા મોબાઈલ પર ફોન આવ્યો વર્ણિનનો. વર્ણિન મનોજ્ઞાબેનનો ભત્રીજો હતો. મેં ક્યારેય તેની સાથે આ પહેલા વાત કરી નહોતી. તેથી તેણે જેવો પોતાનો પરિચય આપ્યો કે મેં ઉત્સાહ્પૂર્વક તેના ખબર અંતર પૂછ્યાં અને મનોજ્ઞાબેન કેમ છે એ વિશે પ્રુચ્છા કરી. તેણે કહ્યું,'મનોજ્ઞાબેન આપણી વચ્ચે નથી. તેઓ ગઈ કાલે અચાનક આપણને બધાને મૂકીને ચાલ્યા ગયા છે.' મને જબરદસ્ત આંચકો લાગ્યો. મને જરા સરખો પણ અંદાજ નહોતો કે આવું કઈંક બની ગયું હશે અને તેથી વર્ણિને ફોન કર્યો હશે મને આ દુ:ખદ સમાચાર આપવા. હું થોડી ક્ષણો સુધી તો કંઈ બોલી જ ન શક્યો. વર્ણિન પણ ત્યાં સામે છેડે રડી રહ્યો હતો. મેં તેને સાંત્વન આપ્યું અને જણાવ્યું કે મુંબઈ પહોંચતા જ હું તેની અને બીજા કુટુંબીજનોની મુલાકાત લઈશ. ફોન મૂક્યા બાદ તરત હું નજીકના એક મહાદેવ મંદિરે પહોંચી ગયો અને ત્યાં રડવું રોકી ન શક્યો. મારી પત્ની પણ બાજુમાં બેઠી હતી અને આ જોઈ રહી હતી. મેં મનોજ્ઞાબેનનાં આત્માની શાંતિ અને સદ્દગતિ માટે હ્રદયપૂર્વક પ્રાર્થના કરી.મને ખૂબ દુ:ખ થયું હતું. મારું હ્રદય આક્રંદ પોકારી રહ્યું હતું. ભગવાને આવું શા માટે કર્યું? મનોજ્ઞાબેનની ઉંમર કંઈ મ્રુત્યુ પામવા જેટલી નહોતી. તદુપરાંત તે કેટલી હોશીલી અને કોડીલી વ્યક્તિ હતા. તેમની કેટલી ઇચ્છાઓ હતી, કેટલી યોજનાઓ હતી, કેટલા વિચક્ષણ નવીન વિચારો હતા. એ બધું તેમની સાથે સમેટાઈ ગયું. આ મહાન સ્ત્રીના અણધાર્યા અને વહેલા મ્રુત્યુથી સાહિત્ય જગતે કંઈ કેટલું ગુમાવ્યું હતું. મારાથી અજાણ એવી તેમની કેટલી લાક્ષણિકતાઓ મને તેમના મ્રુત્યુ બાદ જાણવા મળી. તેઓ એક ખૂબ સારા કવિયત્રી હતાં. (મેં તેમની કેટલીક શ્રેષ્ઠ કવિતાઓ તાજેતરમાં વાંચી) વર્ણિને મને જણાવ્યું તેઓ અવકાશશાસ્ત્રનાં પણ પ્રખર અભ્યાસુ અને જાણકાર હતાં.તેઓ પણ અવકાશી તારા-ગ્રહો અને ઘટનાઓ નિહાળવા ખેતર જેવા ખુલ્લા ક્ષેત્રમાં આકાશદર્શન માટે જતાં હતાં. તેઓ એક લેખિકા,એક રેડિયોજોકી, એક સાહિત્યકાર, એક સારા વક્તા, એક વિવેચક, એક સ્પીચ થેરાપીસ્ટ, એક કાઉન્સેલર, એક માર્ગદર્શક, એક તત્વગ્ન્યાની, એક કવિયત્રી અને આમ અનેક ભૂમિકાઓ નિભાવતી બહુમુખી પ્રતિભા હતાં. તેઓ એક ઉષ્માસભર અને પ્રેમાળ તથા મિલનસાર વ્યક્તિ હતાં.તાજેતરમાં તેમની સ્મ્રુતિમાં યોજાયેલ કેટલાંક સુંદર કાર્યક્રમો અતિવ્યસ્ત હોવાને લીધે માણી ન શકવાનો પણ મને બેહદ અફસોસ છે. પણ હું મનોજ્ઞાબેનને હ્રદયનાં ઉંડાણ થી માનપૂર્વક સત્કારું છું અને તેમનો આત્મા જ્યાં પણ હોય ત્યાં તે ચિર શાંતિનો અનુભવ કરે એ જ મારી ઈશ્વરને ખરા હ્રદયથી અભ્યર્થના...

ખુશી ફેલાવો અને ઉત્સાહપૂર્વક જીવો...

આજે બ્લોગમાં મારે એવી એક વ્યક્તિ વિષે વાત કરવી છે જેના વિશિષ્ટ સ્વભાવે મને ઘણો પ્રભાવિત કર્યો છે અને જેની આ ખાસ લાક્ષણિકતાને લીધે તેમનું વ્યક્તિત્વ રસપ્રદ બની રહે છે. આપણે સૌ રોજબરોજની જિંદગીમાં ઓફિસમાં,ઘરે કે ટ્રેનમાં,બસમાં કે પછી ગમે ત્યાં દૈનિક ઘટમાળ દરમ્યાન અનેક લોકોનાં સંપર્કમાં આવીએ છીએ, પણ કેટલીક ખાસ વ્યક્તિઓને તેમની ખાસ વિશેષતાઓને લીધે ક્યારેય ભૂલી શકતા નથી.તેમને ફક્ત ધ્યાનપૂર્વક જોઇનેય આપણે ઘણું શીખી શકીએ છીએ.
આવી જ એક વ્યક્તિ છે અનિલ જવાહરાની. તેઓ મારી ઓફિસમાં જ ઓનલાઈન પરિક્ષા આયોજતા વિભાગમાં કામ કરે છે.તેઓ એટલા હસમુખા, મશ્કરા અને જીવંતતાનાં પ્રતિકસમા વ્યક્તિ છે કે કોઈ ક્યારેય તેમને મળીને બોર ન થઈ શકે!તે લગભગ પચાસેક વર્ષનાં હશે.પણ જુવાન કે વ્રુદ્ધ દરેક તેમની કંપની સરખી જ માણે એવું મિલનસાર છે એમનું વ્યક્તિત્વ.તેમની આસપાસ જાણે ખુશી અને હકારાત્મકતાનું એક વર્તુળ સદાયે રચાયેલું રહે છે! દુ:ખ,ઉદાસી અને નિરાશા તો આ માણસથી જોજનો દૂર હોય એવું લાગે!
તેમની નોકરીનાં ભાગરૂપે તેમણે અમારી N.S.E. ની N.C.F.M. ઓનલાઈન પરિક્ષામાં પરિક્ષક બનવાનો વારો આવે. હવે પરિક્ષા મોટાં ભાગનાં લોકો માટે ભયનું કારણ હોય છે.પણ જો N.C.F.M. ની પરિક્ષામાં સદનસીબે અનિલ તમારા પરિક્ષક તરીકે આવ્યાં તો તમે પરિક્ષાનો ભય શું છે એ ભૂલી જશો. અનિલ તેમની લાક્ષણિક રીતમાં પરિક્ષાર્થીઓનું ઉમળકા અને ઉષ્માભેર સ્વાગત કરશે અને પછી રમૂજી એવી પોતાની આગવી અદામાં તેમને ઓનલાઈન પરિક્ષા માટેનાં જરૂરી સૂચનો આપશે.પરિક્ષાર્થીઓનું બધું ટેન્શન અનિલને મળતાં જ છૂમંતર થઈ જાય! દરેક જરૂરી સૂચના પછી અનિલ એકાદ કોમેડી પંચ લાઈન બોલી બધાને હાસ્યમાં તરબોળ બનાવી દેશે અને પરિક્ષાખંડ જેવી ગંભીર જગા પણ હાસ્યમાં હિલોળા લેવા લાગશે! પરિક્ષા ચાલુ હોય ત્યારે પણ તે પોતાનાં ચાતુર્યભર્યા ટૂચકા દ્વારા વાતાવરણ સતત હળવું રાખશે.
ઘણી વાર પરિક્ષકની ફરજ પર ના હોય ત્યારે પણ તેમના જોબ-રૂટીનનાં ભાગ રૂપે અનિલે દેશભરમાંથી આવતા ઉમેદવારોનાં ફોન અટેન્ડ કરવાના હોય છે. કોઈ પણ દિવસ હોય અનિલ ફોન કરનારને 'હેપ્પી બર્થડે' અથવા 'હેપ્પી ન્યુ યર' કહી તેનો દિવસ સુધારી નાંખશે! પહેલા તો ફોન કરનાર, એક અજાણી વ્યક્તિ પાસેથી શુભકામના મેળવી આશ્ચર્ય અનુભવશે અને એ પણ વળી જ્યારે નથી તેનો જન્મદિવસ કે નથી નવાં વર્ષ નો દિવસ ત્યારે! પણ થોડી ક્ષણો બાદ તે ફોન કરનાર જ અનિલ સાથે વધુ વાત કરવા ઇચ્છશે! અને કેમ નહિં? કોને એક સતત રમૂજ કરતા જીવંત વ્યક્તિ સાથે વાત કરવી ન ગમે?
કેટલીક વાર મારે પણ કામથી અનિલની જગાએ જવાનું થાય એ દરેક વખતે તે મને કોઈ નવા જ નામથી સંબોધશે - ક્યારેક 'બડે ભૈયા' તો ક્યારેક 'ડોક્ટરસાહેબ' તો ક્યારેક 'હીરો' અથવા 'પ્યારે મોહન'!!! ક્યારેક તે રમૂજી હરકત કે ચેનચાળા પણ કરે! એ જોઇને તમને હસવું આવ્યા વિના ન રહે! હવે જ્યારે આખો દિવસ ઓફિસમાં સ્ટ્રેસભર્યું કામ કરવાનું હોય ત્યારે કોણ અનિલ જેવા મળવા જેવા માણસની સોબત પસંદ ન કરે? આપણે સૌ બોરિંગ, સદાયે ફરિયાદ જ કરતાં કે દુખી લોકોને ટાળતા નથી હોતા? દુનિયામાં કેટલી નકારાત્મક્તા પ્રવર્તમાન છે જ અને દરેકના જીવનમાં સમસ્યાઓની કોઇ કમી નથી તો પછી શા માટે તે નકારાત્મક બાબતો વિષે વાત પણ કરવી અને તેમાં રચ્યાપચ્યા રહેવું? ઊલટું દુનિયામાં અનિલ જેવા માણસોની સંખ્યા વધવી જોઇએ જેથી વધુ ખુશી અને સારી અને હકારાત્મક લાગણીઓ વધુ પ્રસરે...
અનિલના જીવનમાં પણ રોજબરોજની સમસ્યાઓ અને પળોજણ હશે જ.એ પણ આખરે એક માણસ છે.પણ તેને તમે ક્યારેય ખરાબ મૂડમાં જોઈ શકશો નહિં.તે હંમેશા ખુશમિજાજ અને રમૂજ કરતાં જ જોવા મળશે.હંમેશા ચહેરા પર સરસ મજાના સ્મિત સાથે!તમારે થોડો સમય હળવાફૂલ થઈ જવું છે?ચિંતામુક્ત બની જવું છે? તો અનિલને એક વાર મળો..!

અનિલજી, ઇશ્વરને અંત:કરણ પૂર્વક પ્રાર્થના કે તમને હંમેશા સાજાસારા અને આમ જ હસતા-હસાવતા રાખે...