Translate

લેબલ "Mumbai Local Train" સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ "Mumbai Local Train" સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

રવિવાર, 18 મે, 2014

મુંબઈ લોકલમાં બંધ પંખો !


કાળઝાળ ગરમી અને મુંબઈ લોકલની ભયંકર ગિર્દીથી ત્રસ્ત મુંબઈગરા પરિસ્થીતીનો સામનો કર્યા વગર બીજું કરી પણ શું શકે? રસ્તાઓ પર પણ ટ્રાફિકની સમસ્યા. મેટ્રો તો શરૂ થાય ત્યારે ખરી અને મોનોરેલ પણ એક ચોક્કસ વિસ્તારમાં હોવાથી સમસ્યા કોણ જાણે ક્યારે ઉકેલાવાની! પણ હું રહ્યો અતિ આશાવાદી આથી હજી આસ્થા છે કે ક્યારેક તો એવો સુવર્ણ દીવસ આવશે ખરો જ્યારે નવી નક્કોર સ્વચ્છ ટ્રેનમાં ગાદીવાળી  સીટ પર બેસી મુંબઈગરા ઑફિસ જતા હશે!!

હવે ગરમી અને ગિર્દી ભરી આવી અસહ્ય પરિસ્થિતીમાં ટ્રેનમાં માથે ફરતા પંખા રણમાં મીઠા જળની વિરડી સમા બની રહે છે. તમારા શર્ટ કે પેન્ટના ખિસ્સા સુધી પણ તમારો હાથ ના પહોંચી  શકે એટલી  ગિર્દી વચ્ચે માથે ફરી રહેલા પંખા લોકોના મગજ અને વાતાવરણ ઠંડા રાખવાનો ભગીરથ પ્રયત્ન કરે છે.  હવે કેટલાક વિકૃત લોકોથી  જનતાનુ નાનકડુ સુખ પણ સહેવાતુ હોય એમ તેઓ પંખાના ત્રણ પાંખિયામાંથી એક-બે તોડી નાંખે છે કે પંખાની જાળીના તાર તોડી નાંખી પંખાને નકામો બનાવી મૂકે છે. ટ્રેનમાં કે સિનેમા હોલમાં  ગાદી વાળી સરસ સીટ પણ આવા મનોરોગી લોકો ફાડી નાંખતા હોય છે કે દરેક જાહેર જગાઓ સુવિધા મળતી હોય તેને નુકસાન કઈ રીતે પહોચાડવુ એવી તક આવા લોકો શોધતા રહેતા હોય છે

ફરી પાછા ટ્રેન વાળી મૂળ વાત પર પાછા ફરીએ તો સત્તાવાળાઓને પ્રશ્ન કે તેઓ પંખા એવી હલકી ગુણવત્તાવાળા બનાવતા કે પસંદ શા માટે કરતા હશે જે સહેલાઈથી તૂટી જઈ શકે? ઘણી વાર તો કોઈ નુકસાન ના પહોંચાડયુ હોય તો પણ જૂના થઈ જતા કે તેમાં એટલો મેલ ભરાઈ ગયો હોય કે સ્વિચ ચાલુ કરવા છતા પંખા ચાલુ ના થાય. કોઈ  ભલો માણસ પોતાના ખિસ્સામાંથી પેન કે કાંસ્કો કાઢી પંખાના પાંખિયાને ધક્કો મારે ત્યારે માંડ માંડ પંખો ચાલુ થાય. પણ આટલી મહેનત કરવા માટે ભલા માણસને ખરેખર ધન્યવાદ આપવા જોઈએ કારણ આમ કરી તે પોતાનુ દુ: તો હળવુ કરે છે પણ આસપાસના અનેક અન્ય આળસુ લોકોને પડતો ત્રાસ ઓછો કરે છે અને વાતાવરણ પણ થોડુ ઠંડુ બનાવે છે. બાકી મુંબઈના મોટા ભાગના લોકો તો એટલા લાપરવાહ છે કે માથું ઉઁચુ કરી જોવા સુદ્ધાની તસ્દી નહિ લે કે પઁખો ચાલુ છે કે બંધ! અને આ નાનકડી બાબત એક મોટી મનોવ્રુત્તિની પણ સૂચક છે જે પરિસ્થિતિ છે તેમા જ રહેવાની , પરિવર્તન માટે કોઈ પ્રયત્ન નહિ કરવા ની .કોઈ દુર્ઘટના પણ બની જાય તો તમાશો જોયા કરવાની. પણ જો આપણે એક નાનકડો સકારાત્મક  પ્રયાસ કરીએ તો તેનાથી ઘણી વર બહુ મોટો ફેર પડી શકતો હોય છે. જરૂર છે થોડા ઉત્સાહ ની , થોડી પહેલવ્રુત્તિની, થોડા આત્મવિશ્વાસની.

તો હવે જ્યારે ગિર્દી ભરેલી ટ્રેનમાં  કાળઝાળ ગરમી હોય એવામાં સ્વિચ ચાલુ હોવા છતા પંખો બંધ દેખાય ત્યારે પેન કે કાંસ્કાથી તેને ચાલુ કરવાનો પ્રયાસ કરશો ને?!

શનિવાર, 27 જુલાઈ, 2013

એક વરસાદી દિવસ


આજે અતિ ભારે વરસાદ હતો. બેત્રણ દિવસથી સતત વરસાદે આખા શહેરને ધમરોળ્યું હતું અને ગઈ આખી રાતે તો તે જરાયે અટક્યા વગર સતત વરસતો રહ્યો હતો. ઉંચી ભરતીની આગાહી હોઈ, હાઈ એલર્ટના મેસેજીસ પણ ઇન્ટરનેટ પર, એસ.એમ.એસ દ્વારા,વ્હોટ્સએપ પર ફરતા થયા હતાં અને એટલે કદાચ આજે મલાડ જેવા ભીડથી ધમધમતાં સ્ટેશન પર પણ સવારે નવના સુમારે માનવ હાજરી પાંખી વર્તાતી હતી. ટ્રેન આવી તેમાં પણ,ફોર ચેન્જ,સાવ ઓછી ગિર્દી હતી. વિચાર આવી ગયો રોજ ટ્રેન આટલી ખાલી રહેતી હોય તો કેટલું સારું! ખેર તો એક ક્યારેય  હકીકત ન બને શકે એવી કલ્પના છે! ગાડીમાં ચડી ગયા બાદ મને બેસવાની જગા પણ મળી ગઈ! ખરું જોતા બારી ખુલ્લી રહી જવાને કારણે વરસાદની વાંછટે બારી નજીકની સીટ ભીની કરી મૂકી હતી તેથી ત્યાં બેસવા કોઈ રાજી નહોતું અને સીટ મને મળી ગઈ!વરસાદની સિઝનમાં સીટ ભીની હોય તો શું કોરી ધાકોર હોવાની? પણ પોતે અડધા પડધા ભીના હોવા છતાં સીટ પર બેસવા કોઈ તૈયાર નહોતું! હું બેસી ગયો! વાતાવરણમાં બધે ભીનાશ વર્તાતી હતી! આખો માહોલ કંઈક જુદો હતો! ગાડીમાંથી બહાર દેખાતાં ભીના ભીના લીલાછમ સુંદર દ્રષ્યોએ મનને પ્રસન્નતાથી ભરી મૂક્યું.

વાંદ્રા ઉતર્યા બાદ રેલવે પુલ પર પણ આવી સ્થિતી! સદાય કિડીયારાની જેમ માણસોથી ઉભરાતા પુલ પર ગણ્યાંગાંઠ્યા માણસો ચાલી રહ્યાં હતાં.મુંબઈની પ્રજામાં સવારે સ્ટેશન પર રઘવાટ જોવા મળે એવું બની શકે ભલા? આટલું ખાલી હોવા છતાં કેટલાક લોકો આમતેમ દોડાદોડી કરતાં નજરે ચડતા હતાં! પણ મને આજે, પુલ પર ચાલતી વખતે પણ ટ્રેનમાં બેઠો હતો ત્યારે થઈ હતી તેવી જુદાજ પ્રકારની લાગણીનો અનુભવ થઈ રહ્યો હતો.! હું એક્ચ્યુલી આજનો સમય માણી રહ્યો હતો! પડી રહેલા વરસાદની જેમ મારા મનમાં પણ જાણે વિચારોની વર્ષા થઈ રહી હતી - મેઘધનુષી વિચારોની!

લોકો શા માટે આટલા સરસ વાતાવરણમાં ઘરની બહાર નહિ નિકળતા હોય! તેઓ આસપાસ રચાતા સુંદર દ્રષ્યો જોવા પામતા નથી,આકાશમાંથી આટલે ઉંચેથી છેક અહિં ધરતી પર પડવા આવતી વર્ષાની બુંદો જોવી એક લ્હાવો જ છે! ખાબોચિયામાં ભરાયેલા પાણીમાં છબછબિયા કરતાં કે તેમાં કાગળની હોડીઓ તરાવતાં બાળકો જોઈને આપણને આપણું પોતાનું બાળપણ યાદ આવ્યા વિના રહે નહિ! રસ્તામાં ઠેર ઠેર પાણી ભરાયેલા હતાં પણ આ પાણીમાં કપડાં પલળી જવાની ચિંતા કર્યા વગર વરસાદને એન્જોય કરતા કરતા ચાલવાની મજા ક્યારેક માણી જો જો!

રીક્ષામાં બેઠો અને તેમાં પણ વરસાદની વાંછટ મને ભીંજવી રહી! બાજુમાં પૂર ઝડપે ચાલી રહેલા વાહનના પૈડા દ્વારા રસ્તા પરનું ગંદુ પાણી ઉડી મારા પર આવી રહ્યું હોવા છતાં આજે એ મારા મૂડને બગાડી શકે એમ નહોતું! રીક્ષામાં બેઠા બેઠા બેત્રણ વરસાદી ટ્વીટ્સ ટ્વીટર ઉપર કરી નાંખ્યા! ભીના ભીના મોસમમાં મોબાઈલ પર વરસાદી ગીતોની મજા માણતા માણતા પ્રવાસ કરવાની મજા પણ માણી!

ઓફિસ પહોંચ્યો તો ત્યાં પણ આજે ઘણાં કલીગ્સ હાજર નહોતાં. તે દિવસે ઓફિસમાં કામ કરવાનો અનુભવ કંઈક અલગ રહ્યો! ખાલી ખાલી ઓફિસમાં કામ કરવાની મજા તો આવે ભારે વરસાદી દિવસે માણી શકાય કાં પછી કોઈ બંધ વગેરે જાહેર થયો હોય ત્યારે! વરસાદતો દિવસ ભર પડતો રહ્યો.

સાંજે કેટલાક કલીગ્સ બિનજરૂરી પેનિક ફેલાવી રહ્યા હતાં. ટ્રેનો બંધ થઈ ગઈ છે, કેવી રીતે ઘેર પહોંચાશે?વગેરે વગેરે. મને સાંભળી વિચાર આવ્યો શું આવે વખતે ભાગાભાગી કરી રસ્તા પર ટ્રાફીકમાં વધારો કરવો યોગ્ય છે? તમે જલ્દી નિકળી જવા અથવા આવી પરિસ્થિતી ઉભી થાય ત્યારે ખૂબ મોડા નિકળો. વહેલા પરિસ્થિતી વણસી હોતી નથી અને મોડા પરિસ્થિતી થાળે પડી ચૂકી હોય છે! પણ જો તમે અધવચ્ચે, મોટા ભાગના લોકો આવે સમયે ઘેર પહોંચવા રઘવાટમાં દોટ મૂકે છે એમ, કસમયે ઓફિસમાંથી નિકળશો તો ચોક્કસ રસ્તામાં ભારે વરસાદ અથવા ટ્રાફીક અથવા ગાડીની ચિક્કાર ગિર્દીમાં ફસાઈ જશો! મારે રેડિયો પર ન્યુઝ વાંચવા જવાનું હોવાથી ઓફિસેથી સમયસર જ નિકળી જવું પડ્યું. હું વાંદ્રા સ્ટેશન પહોંચ્યો અને જોયું કે સ્ટેશન પર પણ લોકો ભારે ચિંતા અને રઘવાટમાં હતા. હાર્બર લાઈનમાં તો ટ્રેન સ્થગિત કરી દેવાઈ હતી.મને વિચાર આવ્યો આવે સમયે જો તમારે હાર્બર લાઈનમાં જ પ્રવાસ કરી ઘેર પહોંચવાનું હોય તો શું થઈ શકે? ઘણું ઘણું થઈ શકે! ચિંતા મૂકી નજીકમાં આવેલા મોલમાં શોપિંગ કરવા જતા રહો! (વાંદ્રામાં શોપર્સ સ્ટોપ કે લિંકિંગ રોડ પર આવેલી દુકાનો સ્ટેશનથી ચાલતા જઈ શકાય એટલા અંતરે જ આવેલી છે!) કે નજીક આવેલ કોઈ મંદિર કે ફરવાના સ્થળે પહોંચી જાવ (વાંદ્રામાં જરીમરી મંદિર,વાંદ્રા તળાવ,બેન્ડસ્ટેન્ડ કે મધર મેરી ચર્ચ જઈ શકાય!). ઘેર ફોન કરી પરિવાર જનો ને જણાવી દેવું કે મારી કોઈ ચિંતા કરતા નહિં - હું સુરક્ષિત છું અને રોજ રૂટીનમાં ન મળતો હોય એવો આ પ્રકારનો અણધાર્યો મોકો ઝડપી લો અને કંપની ન હોય તો ક્યારેક આવી પરિસ્થિતી ઉભી થાય ત્યારે એકલા પણ ફરવા જઈ શકાય! બે ત્રણ કલાક આમતેમ પસાર કરી ફરી સ્ટેશને આવી જાવ! ગાડીઓ ચાલુ થઈ ગઈ હશે!  તમે બે-ત્રણ કલાક ફરી આવો કે શોપિંગ કરી આવો ત્યાર બાદ પણ ટ્રેન ચાલુ ન થઈ હોય તો? તો પણ ફિકર નોટ! જુઓ કોઈ સંબંધી કે મિત્રનું ઘર નજીકમાં છે?ત્યાં પહોંચી જાવ! કોઈ સંકટ સમયે મદદે આવવાની ના ન જ પાડે! ત્યાં રાત રોકાઈ જાવ! ઘણી ખરી ઓફિસમાં રાત રોકાઈ શકાય એવી વ્યવસ્થા પણ હોય છે.એ પણ એક ઓપ્શન અમલમાં મૂકી શકાય. પણ પેનિકમાં આવવું નહિ ને બીજાને પેનિકમાં મૂકવા નહિ! આ ફિલોસોફી અપનાવીએ તો બધાં સુખી!! મારા તો નસીબમાં આવું નહિ હોય એટલે વેસ્ટર્ન લાઈનની ગાડીઓ મોડી મોડી પણ ચાલુ જ હતી (!) અને મેં રેડિયોની ડ્યુટી પણ પતાવી અને રાતે સમયસર ઘરે પણ પહોંચી ગયો! :(

જોકે વરસાદી એવો આ દિવસ મેં મનભરીને માણ્યો!

રવિવાર, 17 જાન્યુઆરી, 2010

અંધેરી લોકલનો એક અનુભવ

હું મલાડ સ્ટેશનેથી સવારના ૦૮:૫૯ની અંધેરી લોકલના ફર્સ્ટ ક્લસ્સ કોચમાં જેમતેમ કરી ચઢી ગયો.આજે લોકલ ૧૦-૧૫ મિનિટ મોડી હતી.હંમેશની જેમ એમાં ખૂબ ભીડ હતી.બહાર વરસાદ પડવો શરૂ થયો અને લોકલમાં પ્રવાસીઓ વધુ સંકડાશનો અનુભવ કરી રહ્યાં કારણ દરવાજા પર ઉભેલાઓએ પણ પલળે નહિં એ માટે અંદર તરફ ધક્કા મારવા શરૂ કર્યા.અંધેરી લોકલમાં મલાડ અને અંધેરી વચ્ચે ગોરેગામ અને જોગેશ્વરી એમ માત્ર બે જ સ્ટેશન બચ્યા હોઈ ગોરેગાવ ઉતરનારા પ્રવાસીઓની સંખ્યા સારી એવી રહેતી હોય છે અને એ લોકો જેમણે ગોરેગામ ઉતરવું હોય તે બીજાઓનો જરા સરખો પણ વિચાર કર્યા વગર ધક્કામુક્કી કરી ગોરેગામ સ્ટેશન પર ઉતરતા હોય છે. નદીના ધસમસતા પૂરની જેમ જ! તમારે ગોરેગામ ન ઉતરવું હોય છતાં તમે ભૂલથી વચ્ચે ઉભા હોવ કે એ પૂરની અડફેટમાં આવી જાવ તો તમારે પણ ફરજિયાત ગોરેગામ ઉતરી જ જવું પડે અને જો તમે આનાકાની કરો કે હઠીલા થઈ વચ્ચે ઉભા રહો તો ચોક્કસ તમારો સ્ટેશન પર ખેંચાઈને પડી જવાનો જ વારો આવે.આ વાતથી હું સારી રીતે વાકેફ હોઇ મે લોકલમાં પ્રવેશી તરત બને એટલું અંદર જઈ પીઠને ટેકો મળે એવી જગા પકડી લીધી.ગોરેગામ સ્ટેશન આવ્યું અને ઘણાં બધાં લોકો એક્બીજાને ધક્કો મારતા,ગાળો ભાંડતા ઉતરી ગયાં.લોકલે ગોરેગામ સ્ટેશન છોડ્યું અને ગતિ પકડી ત્યાં મેં નોંધ્યું કે એક યુવાન બીજા એક યુવકને બોચીએથી પકડી તેને ગાળો ભાંડતા ભાંડતા કોચમાં અંદર તરફ ખેંચી ગયો જ્યાં બીજા પ્રવાસીઓ બેઠા હતાં.આ બન્ને જણ મારી બરાબર બાજુમાં થઈ થોડા આગળ એવી જગાએ ઉભા જ્યાંથી હું તેમને બરાબર જોઇ શકતો હતો.હજી મને કંઈ વિચારવાનો સમય મળે એ પહેલા તો બીજા પાંચ-છ બેઠેલા પ્રવાસીઓએ પણ ઉભા થઈ બાબત શું હતી એ જાણ્યા વગર જ પેલા ગરીબ બોચીએથી પકડાયેલા યુવાનને માથા પર જોર જોર થી મારવા માંડ્યુ.મને ખૂબ ગુસ્સો આવ્યો.
હું સમસમી ગયો.આ જે દ્રશ્ય વર્ણવ્યું એ મુંબઈની ટ્રેનોમાં જોવા મળતુ એક ખૂબ સામાન્ય દ્રશ્ય છે.કોઈક પકડાય એટલે સાચે એ ગુનેગાર છે કે નહિં એ જાણવાની પણ તસ્દી લીધા સિવાય લોકો પોતાના 'હાથ સાફ' કરવા માંડશે.મને નથી સમજાતુ કે તેમને આવા કૃત્ય દ્વારા કયા પ્રકારનો પાશવી આનંદ મળતો હશે.કે પછી આ દ્વારા તેઓ પોતાનું ફ્રસ્ટ્રેશન, હતાશા, નિરાશા, દુ:ખ કે હારની લાગણીઓ પ્રદર્શિત કરી રાહત અનુભવતા હશે?ગાડીની ગિર્દી, મોંઘવારી, પોતાને મળેલી કોઈક નિષ્ફળતા કે પછી ઘરમાં થયેલા ઝગડાને પરિણામે તેઓ આવું વર્તન કરતા હશે?આ સદંતર ખોટુ છે.એક તો લોકોને બે જણ વચ્ચેની માથાકૂટમાં પડવાનો કોઈ હક્ક નથી અને બીજુ તેમને કોઈને ય પાઠ ભણાવવાનો પણ કોઇ હક્ક નથી.લોકલ ટ્રેનમાં કે સ્ટેશન પર કંઈક થાય તો વચ્ચે પડવાનો હક્ક અને જવાબદારી રેલવે પોલિસના છે.તો પછી કોઇ ઝઘડામાં વચ્ચે પડી વાંકગુના વાળા કે ક્યારેક તો કોઇ જ વાંક વગરના કોઈ ગરીબને ઢોર માર લોકોએ શા માટે મારવો જોઇએ?એમાં ક્યારેક કોઈ માણસ પોતાનો જીવ પણ ગુમાવી બેસી શકે છે.
મૂળ વાત પર આવીએ.મેં અંધેરી લોકલમાં પેલા ગરીબડા યુવાનનો પક્ષ લીધો જેને પાંચ-છ જણ મળીને ઢીબી રહ્યાં હતાં.મને શું બાબત હતી એની જાણ નહોતી પણ એ તો મારવાવાળા પેલા અસામાજિક તત્વો જેવા યુવાનોને પણ ક્યાં કોઈ વાતની ખબર હતી?મે પેલા ગરીબડા યુવાનને બચાવતા પ્રશ્ન કર્યો કે બધા શા માટે તેને મારી રહ્યાં હતાં?એવું લાગ્યું કે કદાચ એની પાસે ફર્સ્ટ ક્લાસનો પાસ નહોતો અને તે ગોરેગામ ઉતરતા પ્રવાસીઓની અડફેટે ચઢી ગયો હતો અને ટ્રેન ચાલુ થતા જ એક તોફાની યુવક તેને બોચી પકડી અંદર ખેંચી લાવ્યો હતો.આ કોઈ બાબત હતી એક માણસને પકડીને મારવા માંડવા માટેની?બીજા સામાન્ય નાગરિકોને શો હક્ક છે કાનૂન પોતાના હાથમાં લઈ કોઈને સજા આપવાનો?એ યુવાન અજાણતાથી ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં ચઢી ગયો હોય અથવા કદાચ એની કોઈ મજબૂરી પણ રહી હોઈ શકે જેથી એણે આ ડબ્બામાં ચઢી જવુ પડ્યુ હોય.આપણે માણસ બનવું જોઇએ.મેં બધા વચ્ચે થોડા સમય પહેલા જ બની ગયેલો એક કિસ્સો કહી સંભળાવ્યો જેમાં ગુસ્સામાં બેકાબૂ બનેલા બે યુવાનો એ ત્રીજા એક યુવાનને સેન્ટ્રલ રેલ્વેની એક ટ્રેનમાં એટલી બૂરી રીતે ફટકાર્યો કે તે ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યો.લોકો ટોળુ બન્યા બાદ હિંસક,ક્રૂર અને ઘાતકી બની જતા હોય છે.તેઓ સાચાખોટાનું ભાન ભૂલી જતા હોય છે.આપણે સૌએ પુખ્ત અને જવાબદાર નાગરિક બનવું જોઇએ અને પ્રાણી જેવા બની કોઈને મારી પાશવી આનંદ ન લેવો જોઇએ.જો કદાચ કોઈ મોબાઈલ કે પર્સ ચોરી કરતા પકડાઈ પણ જાય તો તેને ઉતાવળે રઘવાયા થઈ મારવા ન માંડતા પકડીને પોલિસને સોંપી દેવો જોઇએ જેથી એ તેને યોગ્ય સજા અપાવી શકે.પેલા અંધેરી લોકલવાળા મારી રહેલા યુવાનો આ બધુ સાંભળી મારા પર ગુસ્સે થઈ પૂછવા લાગ્યા કે હું શા માટે પેલા ગરીબડા યુવકનો પક્ષ લઈ રહ્યો હતો.મેં તેમને જવાબ આપ્યો કે ન હું એ ગરીબડા યુવકનો સગો હતો કે ન તો તેઓ બધા મારા દુશ્મન હતાં.મારે ફક્ત એક જ વાત સ્પષ્ટપણે સમજાવવી હતી કે આપણે ભેગા મળી ટોળું બનાવી કોઈક એકલી વ્યક્તિને શા માટે મારવા માંડવું જોઇએ જ્યારે શક્ય છે એ વ્યક્તિ સંપૂર્ણપણે નિર્દોષ પણ હોય?
પછી તો આ ચર્ચામાં બીજા પણ કેટલાક પ્રવાસીઓ જોડાયા જેમણે મારો પક્ષ લીધો.પેલો ગરીબડો યુવાન વધુ માર ખાવામાંથી બચી ગયો.તોફાની ટોળામાંના એકે મને 'ગાંધીજી' બનવાનો પ્રયત્ન કરું છું એવી ટીપ્પણી સાથે 'સમાજસેવા'ના સેમિનાર આપવાની સલાહ આપી.મેં જવાબ આપ્યો કે જો ટ્રેનમાં જગા મળે તો મને રોજ 'માણસ કઈ રીતે બનવું અને ટ્રેનમાં કઈ રીતે વર્તવું' આ વિષય પર એક પાવરપોઈંટ પ્રેઝેન્ટેશન આપવામાં કોઈજ વાંધો નથી! રખે ને એકાદ જણ પણ એ જોઈ-સાંભળી સુધરી જાય તો મારું મિશન સફળ થઈ જાય!આ પછી ઝગડો પૂરો થઈ ગયો.
આપણે ક્યારેક દૈનિક જીવનની ઘરેડમાં સાથી મનુષ્ય પ્રત્યે ધ્યાન આપવાનું ચૂકી જઈએ છીએ અને ઘણી વાર તો અમાનવીય વર્તન પણ આચરી બેસીએ છીએ.જરૂર છે થોડા આત્મસંશોધનની અને અયોગ્ય અભિગમને બદલવાની.