Translate

રવિવાર, 28 ઑક્ટોબર, 2012

ચૂડેલમા, ગોગ મહારાજનાં મંદિર અને માતાજીની પલ્લી

ગુજરાત જ્યારે જ્યારે જવાનું થાય ત્યારે જુદાજુદા પ્રકારનાં કેટલાક સામાન્ય તો કેટલાક વિશિષ્ટ મંદિરોની મુલાકાત લેવાનું બને.આ મંદિરોમાં શ્રદ્ધા-અંધશ્રદ્ધા-ભક્તિ વગેરેનું મિશ્ર દર્શન થાય.એ બધી વાતો આજે આ બ્લોગ થકી ચર્ચવી છે.


'કૂણઘેરની હાઈકોર્ટ' તરીકે પ્રખ્યાત ગુજરાતના આ મંદિરની મેં થોડા સમય અગાઉ મુલાકાત લીધી. આ મંદિર આમ તો બીજા મંદિરો જેવું જ હતું પણ તેની ખાસ વિશિષ્ટતા હતી, આ મંદિરરૂપી હાઈકોર્ટના ન્યાયધીશ એટલે મંદિરમાં જેની પૂજા થાય છે એ ચૂડેલમા! ચૂડેલમા દેવયોનિના કોઈ દેવી નહિં પણ પ્રેતયોનિની એક ચૂડેલ. હવે આ વાંચ્યા બાદ તમને લાગશે આ મંદિરમાં ભક્તો તરીકે ભૂતપ્રેતની પૂજા-સાધના કરતા અઘોરી-તાંત્રિકો જ આવતા હશે. પણ ના! ચૂડેલમાના દર્શનાર્થી ભક્તો મારા તમારા જેવા જ સામાન્ય જન. એક ચૂડેલની દેવી તરીકે પૂજા કરવી અને તેનું મંદિર બનાવવું એ કદાચ ભારતમાં જ જોવા મળતું હશે!મંદિરમાં ચૂડેલમાની કોઈ મૂર્તિ કે તસવીર જોવા ન મળે.ચૂડેલમા આ મંદિરમાં (અને પછીથી જાણવા મળ્યા મુજબ તેમના બીજે પણ બનેલા મંદિરોમાં) દિવાની અખંડ જ્યોત સ્વરૂપે પૂજાય છે.ભૂત-પ્રેત-પલિત-ચૂડેલ વગેરેને તો અંધારૂ જ પ્રિય હોય પણ ચૂડેલમા પોતે એક જ્યોત સ્વરૂપે અહિં પૂજાય છે.મંદિરમાં મળતા પુસ્તક મુજબ બારેક વર્ષની કુંવારી કન્યાનું એક ઝાડ પરથી રમતાં રમતાં કૂવામાં પડી જતાં અકુદરતી મોત થયું અને તે ચૂડેલ બની.એક નવદંપતિને તેનો સાક્ષાત્કાર થયો અને તેમણે કૂણઘેર ગામમાં એ જ જગાએ નાની દેરી બનાવી ચૂડેલમાંની જ્યોત તરીકે સ્થાપના કરી. એ દેરીમાંથી જ આજે મોટા મંદિરનું નિર્માણ થયું છે અને સદાયે પ્રજ્વલિત રહેતી દિવાની એ પવિત્ર જ્યોત સાચા હ્રદયથી આવેલા દરેકેના મનની ઇચ્છા પૂરી કરે છે. લોકો દૂર દૂરથી કૂણઘેરની હાઈકોર્ટ ગણાતા ચૂડેલમાના આ મંદિરમાં આવે છે અને પોતાના દુ:ખો દૂર કરવા અને અન્યાય થયો હોય તેની ફરિયાદ કરી સાચો ન્યાય માગે છે. મારી બહેને પણ મુંબઈ બેઠાં બેઠાં આ માતાજીનું વ્રત કર્યું છે. મંદિર આખું ચૂડેલમાને લોકોએ ચડાવેલી લાલલીલી ચૂંદડીઓથી શોભે છે.જ્યોતની દેરી ઉપર વર્ષો જૂનું વરખડીનું ઝાડ પણ મોજૂદ છે અને મંદિરની સામે તો દાનવીર શ્રીમંત ભક્તોએ આપેલ દાનસખાવતમાંથી બનાવેલ ધર્મશાળા,બાગબગીચા અને રસોડું પણ છે જેમાં સેંકડો ભક્તોની રોજ રસોઈ તૈયાર થાય છે.ચૂડેલમાની જય હો!

બીજું એક આવું અજબ ગજબ મંદિર કડીથી થોડે દૂર આવેલા કાછવા ગામમાં ગોગમહારાજનું! ગોગમહારાજ એટલે તમને કદાચ જાણ ન હોય તો કહી દઉં કે નાગ દાદા! અહિં આ મંદિરમાં નાગની સોનાની મૂર્તિ સ્થાપિત છે.દૂર દૂરથી અહિં પણ લોકો દર્શન કરવા આવે છે અને સાચી શ્રદ્ધા પૂર્વક તેમની પ્રાર્થના અને દર્શન કરતા તે ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે! અહિં દર્શન કરવા આવો એટલે, મંદિરમાં રહી પૂજા આરાધના કરી ગોગમહારાજની સેવા કરતો પરિવાર, આગ્રહ કરી તમને ચા તો પિવડાવીને જ પાછા મોકલે!

અમારા મૂળ વતન ઊંઢાઈમાં આમ તો અમારૂં પોતાનું કોઈ ઘર નથી,છતાં પપ્પા વર્ષમાં એકાદ-બે વાર અચૂક ત્યાં જવાનો કાર્યક્રમ ઘડે અને અમે ઝૂંડવાળા માતાજીને નામે ઓળખાતા અંબામાના મંદિરે,અમારા ઇષ્ટદેવ લાખેશ્વર મહાદેવના તેમજ નાનીનાની દેરીઓમાં બેઠેલા શીતળામા,મહાકાળીમા,માવડિયામા,ધૂંધળીમલ દાદા અને બીજા એક મોટા રામમંદિરના દર્શન કરવાનો વણલખ્યો નિયમ પાળીએ.ક્યારેક અહિંથી ત્રણેક કિલોમીટર દૂર આવેલા શોભાસણ ગામે રેપડીમા ના દર્શને પણ જવાનું. ત્યાર બાદ ગુંજા ગામે આવેલ અમારી કુળદેવી ભુવનેશ્વરીમાતાના દર્શને અમારો આખો પરિવાર જાય.આ ગામ નાનકડું અને અહિં મોટેભાગે ચૌધરી-પટેલો તેમજ મુસ્લિમોની વસ્તી.પહેલા તો ભુવનેશ્વરીમાનું નાનકડું દેરૂં જ હતું.પણ આ માતાજીની મૂર્તિ પર, કોઈ મુસ્લિમ રાજાએ ગામ પર હૂમલો કરેલો ત્યારે તલવાર મારેલી અને ત્યારે મૂર્તિમાંથી લોહીની ધારા વહેલી.આ ઘટના બાદ મંદિરને ખ્યાતિ મળી અને સજીવન પ્રાણપ્રતિષ્ઠા કરાયેલી એ મૂર્તિ પર મોટું મંદિર બંધાયું.આમ તો આ મંદિરમાં ખાસ ભીડ જોવા ન મળે અને અમે જ્યારે જ્યારે દર્શને ગયેલા ત્યારે અમારા પરિવારના સભ્યો સિવાય ખાસ બીજા કોઈ દરશનાર્થી અહિ જોવા ન મળતા પણ આ દુર્ગાષ્ટમીએ જ્યારે અમે ભુવઈમાના આ મંદિરે દર્શન કરવા ગયાં ત્યારે હું અચંબિત થઈ ગયો.આજુબાજુના દસેક ગામોની વસ્તી પણ જાણે અહિ ઉમટી હોય એટલી ભીડ હતી આ મંદિરમાં.જુવાનિયાઓનો પણ જાણે મેળો હતો.મંદિરનો મુખ્ય દરવાજો બંધ હતો અને દ્વારની આજુબાજુ હાથ પકડી મોટી માનવ સાંકળ જાણે કોઈકની રાહ જોઈ રહી હતી.અમે બાજુના નાના દરવાજેથી મંદિરમાં પ્રવેશ્યા.અંદર પણ સારી એવી ભીડ હતી.માતાજીના દર્શન કર્યા ત્યાં પાછળથી કોઈ પચ્ચીસેક વર્ષના યુવાને મોટેથી બૂમ પાડી.મને ખ્યાલ આવી ગયો કે મોટા ભાગના લોકો જેમ માનતા હતા એમ એ યુવાનના શરીરમાં માતાજી આવ્યા હતાં.તે ધૂણતો હતો.હું અમી અને નમ્યાને થોડા દૂર લઈ ગયો ત્યાંતો મંદિરના મુખ્ય દ્વાર ખુલ્યા અને મોટું ટોળું દેવીનો જયજયકાર કરતું મંદિરમાં પ્રવેશ્યું.પેલી માનવ સાંકળ મંદિરની અંદર પણ બનેલી હતી અને તેની વચ્ચે થઈને જ આ ટોળું મંદિરમાં પ્રવેશ્યું.ટોળામાં બીજા બેચાર જણ પણ ધૂણતા હતાં.એક જણતો ધૂણતા ધૂણતા રડી પણ રહ્યો હતો.હવે મારૂં ધ્યાન ટોળાની વચ્ચે એક વ્યક્તિ પર ગયું જે માથે બાજોઠ ધારણ કરી મંદિરમાં પ્રવેશી.

'માતાજીની પલ્લી આવી..માતાજીની પલ્લી આવી' એવા ઉદગારોથી મંદિર ગાજી ઉઠ્યું. પલ્લી એટલે બાજોઠ પર ચોક્કસ અનાજની ઢગલી કરેલી હોય અને તેને પેટાવી હોય.આ અગ્નિની પવિત્ર જ્યોતમાંથી અનેક ભક્તો પોતપોતાના બે હાથોમાં લીધેલી મશાલ પેટાવે અને પછી એ બધા ભક્તો કતારબદ્ધ આખા ગામમાં ફરે.આ શ્રદ્ધાપૂર્ણ,ભક્તિપૂર્ણ દ્રષ્ય જોઈ મનમાં એક ગજબની લાગણી થાય.અગાઉ પણ બ્લોગમાં લખી ગયાં મુજબ મનુષ્યના શરીરમાં માતાજી કે કોઈ દેવ પ્રવેશે અ વાતમાં હું માનતો નથી.છતાં પલ્લીના દર્શન કરી અને કતારબદ્ધ મશાલો પેટાવેલ ભક્તોની એ કવાયત જોઈ અચરજ મિશ્રિત ભક્તિભાવનો અનુભવ થયો.આ ભક્તોમાં મોટેભાગે એવા લોકો હતાં જેમને ત્યાં સંતાન ન થયું હોય અથવા જેઓ સંતાન તરીકે પુત્ર ઝંખતા હોય.મનુષ્યમાત્રનું પુત્રમોહનું આ વળગણ ક્યારે છૂટશે?ક્યારે સર્વે મનુષ્યો દિકરો કે દિકરી વચ્ચે બિલકુલ ભેદ નહિ કરવાનું શિખશે?માતાજી સર્વે ને સદબુદ્ધિ આપો!

ભારતમાં લાખો જુદા જુદા પ્રકારના મંદિરો છે જેમાં દેવી દેવતાઓ જ નહિ પણ ઉપર ચર્ચ્યા મુજબ ચૂડેલ,નાગ અને અન્ય યોનિના સજીવો પણ પૂજાય છે.જ્યાં સુધી અંધશ્રદ્ધા આધિપત્ય ન જમાવે, સાચી શ્રદ્ધાથી કોઈ પણ જીવની પૂજા થાય ત્યાં સુધી બધું યોગ્ય. બસ, એ ભક્તિ પાછળ સારો અને સાચો આશય હોવો ઘટે.

રવિવાર, 21 ઑક્ટોબર, 2012

રાસ

નવલા નોરતાની રાતો ચાલી રહી છે એટલે આજના બ્લોગમાં રાસ વિષે વાત કરીશ.શ્રી ખડાયતા વિશ્વ સખી મિલન સંસ્થા દ્વારા રાસ વિષય પર આધારિત નિબંધ સ્પર્ધામાં મારા આ લેખને પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.આમ તો એમાં રાધાક્રુષ્ણના રાસની વાત વધુ છે પણ નવરાત્રિ દરમ્યાન પણ આપણે ગરબે ઘૂમવાની સાથે સાથે રાસની રમઝટ પણ માણતા જ હોઇએ છીએ એટલે આજે આ બ્લોગ થકી રાસ વિષે વાત કરવાનુ અનુચિત નથી જણાતું.

- વિકાસ ઘનશ્યામ નાયક



‘રાસ’ શબ્દ ‘રસ’ શબ્દમાં એક કાનો ઉમેરીને બન્યો છે. અહિં બે બાબતો રસપ્રદ છે. એક તો રસ, જેનો અર્થ થાય છે મજેદાર! હવે જેના નામ માત્રમાં રસ કરતાંયે કંઈક વિશેષ હોય એ મજેદાર, આનંદદાયક અને ખાસ હોવું જ રહ્યું. બીજી નોંધનીય બાબત એ છે કે ‘રસ’માં કાનો ઉમેરીએ એટલે ‘રાસ’ બને. આ કાનો એટલે આપણો વ્હાલુડો ભગવાન કનૈયો! આપણે એને વ્હાલપૂર્વક કાનુડો કે કાનો નથી કહેતાં?! અહિં કાનાને એટલે કે કૃષ્ણને યાદ કરવાનું બીજું કારણ એ પણ છે કે રાસ અને કૃષ્ણ બંને એકબીજાના પર્યાય સમા લાગે! રાસની વાત થાય એટલે કહાનો યાદ આવે આવે ને આવે જ! અને રાસનું નામ લઈએ એટલે રાસના 'રા' પરથી જેનું નામ શરૂ થાય છે એ ‘રાધા’ પણ યાદ આવ્યા વિના રહે નહિં! રાસનાં 'સ' ને કાઢી તેમાં ધમાલના 'ધ' ને 'કાનો' ઉમેરો એટલે શબ્દ બને 'રાધા' અર્થાત રાસ એટલે કૃષ્ણ,રાધા અને ધમાલ! રમઝટ!


રાસ શબ્દ સાથે આટલી રસપ્રદ અક્ષર-શબ્દ રમત રમ્યાં પછી હવે રાસ વિષેના અન્ય કેટલાક પાસા ચર્ચવાનું મન થાય છે. રાસ કદી કોઈ એકલું ન રમી શકે. ઓછામાં ઓછા બે જણ તો રાસ રમવા માટે હોવાં જ જોઇએ. જેટલા વધુ ખેલૈયાઓ એટલી રાસની મજા વધુ આવે.આબાલવૃદ્ધ સૌને જોશમાં લાવી દે એવી એક સુંદર પ્રવૃત્તિ છે રાસ! રાસ રમાતો હોય ત્યાં ઉર્જાનો જાણે ધોધ વહે છે. આળસ,થાક વગેરે રાસ શરૂ થતાં જ જોજનો દૂર ભાગી જાય છે! રાસ યૌવનનું પ્રતિક છે.

રાસ રમવા માટે દાંડિયાનો ઉપયોગ થાય છે. અમારે ત્યાં નવરાત્રિ દરમ્યાન મંડપ બંધાય અને તેમાં વચ્ચે માતાજીનો ગરબો મૂકી તેની ફરતે સ્ત્રીપુરુષો,યુવાનયુવતિઓ, આબાલવૃદ્ધ સૌ ભેગા મળી ગરબા રમે. રાસ કરતા ગરબા જુદા એ રીતે પડે કે ગરબા હાથથી તાળી પાડીને જ રમાય જ્યારે રાસ દાંડિયાની મદદથી તમારા જોડીદાર સાથે રમી શકાય. અમારે ત્યાં નવરાત્રિ દરમ્યાન પહેલાં માતાજીના ગરબા રમાય અને ત્યાર બાદ અડધી રાત પછી રાસની રમઝટ બોલાય! બાળકોથી માંડી યુવાન,સૌ કોઈ આ દાંડિયારાસની આતુરતાપૂર્વક રાહ જુએ! ખાસ્સા બે-ત્રણ કલાક દાંડિયાના એક સરખા લયબદ્ધ તાલ સાથે આબાલવૃદ્ધ સૌ કોઈ રાસ રમતાં રમતાં આનંદના હિલોળે ચડે! સમય ક્યાં જતો રહે એની ખબર જ ન પડે! કોઈક ને રાસ રમતા આવડે ને કોઈક ને ન પણ આવડે. સામે વાળી વ્યક્તિ ક્યારેક તમારા નાક પર પણ દાંડિયું મારી બેસે! પણ કોઈ ફરિયાદ ન કરે.અને ફરિયાદ કરવાનો સમય પણ ક્યાં હોય! એકધારી ગતિથી બે વર્તુળો એકબીજાની વિરુદ્ધ દિશામાં ફરતાં હોય! તમે તમારા બંને દાંડિયા, સામે રમી રહ્યું હોય તેના દાંડિયા સાથે વારાફરતી ટકરાવો પછી એક વાર તમારા પોતાના દાંડિયા એકબીજા સાથે અડાડો અને ફરી ફક્ત એક દાંડિયું સામે વાળાના દાંડિયા સાથે ટકરવી આગળ વધવાનું. સામે નવો જોડિદાર. ફરી આજ ક્રમનું પુનરાવર્તન અને આમ બે વર્તુળો ઘૂમતા રહે! કોઈક દાંડિયાને પોતાના હાથમાં આંગળી પર કુશળતાથી ગોળગોળ ફેરવીને રાસ રમે તો કોઈક વળી બે ની જગાએ એક જ દાંડિયાથી રાસ રમે! પણ બધાંને રાસ રમવાની મજા એકસરખી જ આવે - અજોડ અને અમાપ! રાસ રમતાં રમતાં પરમાનંદની અનુભૂતિ થાય એમ કહેવામાં પણ અતિશયોક્તિ નહિં જ ગણાય.

નવરાત્રિના ગરબા-રાસ, બુરાઈ પર સારપના જીતની ખુશીમાં શક્તિની આરાધના કરતાં રમવામાં આવે છે અને અસત પર સતના વિજયની ઉજવણી કરવા રમાય છે તો કૃષ્ણ રાધાનો રાસ પ્રેમનાં પ્રતિક સમો ગણાય છે.કહેવાય છે કૃષ્ણ ગોપીઓ સાથે રાસ રમતાં ત્યારે પ્રત્યેક ગોપીને એવો ભાસ થતો કે કૃષ્ણ તેનો જોડીદાર છે! વીસ ગોપીઓ રાસ રમતી હોય તો તેમની સાથે વીસ કૃષ્ણ પણ મન મૂકીને નાચતા હોય! મહા-રાસના તો દાંડિયા પણ માણસ જેટલી ઉંચાઈનાં! કહેવાય છે કે વૃંદાવનમાં આજે પણ સાચા શ્રદ્ધાળુને કૃષ્ણ-ગોપીઓનો રાસ જોવા મળે છે પણ એ રાસ જે જોઇલે એ સદાને માટે પોતાની દ્રષ્ટી ગુમાવી બેસે છે. એ તો ખબર નથી આ વાતમાં કેટલું તથ્ય છે,પણ એક વાત નક્કી. આ કૃષ્ણ-ગોપીનો રાસ જોવા મળી જાય તો જીવન ધન્ય થઈ જાય.

રાસ અને રાતનો પણ ઘેરો સંબંધ છે.રાસ રાતે જ રમવાની મજા આવે.તેમાંયે પૂર્ણિમાની રાતનું તો પૂછવું જ શું?નવરાત્રિની નવ રાતો દરમ્યાન ગરબા-રાસ રમીને ધરાયા ન હોઇએ એટલે થોડાં જ દિવસ બાદ આવે શરદપૂર્ણિમાની રાત! આ રાતે દૂધપૌઆ ખાવાનું અને નૌકાવિહાર કરવાનું જેટલું મહત્વ અને મજા છે એટલું મહત્વ આ રાતે રાસ રમવાનું પણ છે.અને આ રાતે રાસ રમવાની મજાનું તો પૂછવું જ શું? કોઈ કવિએ લખ્યું છે :

પાંગરી પૂનમની રાત,

ચઢ્યો રમણે વિરાટ,

ચમકંતો ચંદ્ર સ્મિત કરે મંદ મંદ

ઘમઘમકે પનઘટ કેરો ઘાટ…



આ પંક્તિઓ શરદ પૂનમની રાત અને રાસ માટે જ લખાયાં હશે! પ્રિયતમ સાથે શરદપૂનમની રાતે રાસ રમવાનો લ્હાવો મળે એ સદનસીબ જ કહેવાય અને આ રાસની રમઝટનો લાભ જેને મળે એ પછી ફરી ક્યારે રાસ રમવા મળે એની વાટ જોતો બસ ઝૂરતો રહેશે..બસ ઝૂરતો રહેશે..!

છેલ્લે, રાસને જીવન સાથે સરખાવવાનું મન થાય છે.રાસની જેમ જીવન પણ અવિરત પણે ચાલ્યા જ નથી કરતું? રાસ જેમ થોડો સમય રમવાનો હોય છે તેમજ જીવન પણ આપણે ચોક્કસ સમય સુધી જીવી પરમાત્મામાં વિલીન થવાનું હોય છે. પણ રાસ જેમ ભરપૂર ઉર્જા અને આનંદથી સભર હોય છે એમ જીવન પણ પૂરેપૂરા જોમ અને હર્ષોલ્લાસ પૂર્વક જીવાવું જોઇએ.રાસમાં જેમ આપણે થોડી ક્ષણો એક જોડીદાર સાથે રમી આગલ ધપીએ છીએ અને ફરી નવા પાત્ર સામે આવી રાસ ચાલુ રાખીએ છીએ તેમજ જીવનમાં પણ આગળ વધતા રહી નવા નવા સગાં-સ્નેહી-મિત્રો-સંબંધો વિકસાવતા રહેવાના છે અને કોઈ જતું રહે તો આપણે અટકી જવાનું નથી પણ આગળ વધતાં રહેવાનું છે.રાસ ગોળાકારે રમાય છે કારણ પૃથ્વી ગોળ છે અને આપણું જીવન-મરણ-જીવનનું ચક્કર પણ સતત ગોળ ફરતું જ રહે છે.

રાસ જેટલો આનંદદાયી બની રહે છે એટલું જ આપણું જીવન પણ આનંદદાયી બની રહેવું જોઇએ,ઉલ્લાસમય બની રહેવું જોઇએ.રાસ જેમ પ્રેમ,ભક્તિ અને સમર્પણથી પરિપૂર્ણ બની રહેતો હોય છે તેટલું જ જીવન પણ પ્રેમભર્યું,ભક્તિ સભર, ત્યાગપૂર્ણ અને રસથી તરબતર બની રહેવું જોઇએ!

તો ચાલો જીવન રાસને માણીએ ભક્તિ અને પ્રેમના રંગે રંગાઈને!

રવિવાર, 14 ઑક્ટોબર, 2012

તમારો પોતાનો બ્લોગ કઈ રીતે બનાવશો?

પ્રતિભાવ:


ચિ. વિકાસભાઇ,

તમારા બ્લોગને ઝરુખે અવશ્ય ડોકિયુ કરું છું. તમને ચિરંજીવ સંબોધનથી કદાચ નવાઇ લાગશે, તમારા ફોટા ઉપરથી તમે ૩૦-૩૫ વયના લાગો છો એટલે તમને ચિ. નુ સંબોધન કર્યુ છે. મારી ઉમર ૭૫ વર્શની છે એટલે આમ સંબોધવાની છૂટ લીધી છે. તમારા હેતુલક્ષી હોય છે. જે લોકોને પ્રેરણા રુપ તેમજ જ્ઞાનવર્ધક બને છે.

હું અવારનવાર મુંબઇ સમાચાર તેમજ જન્મભૂમિમાં મારા, હાલની આમ આદમીની વ્યથાઓ બાબતે મત પ્રદર્શીત કરતો હોવછું. મારા વાચકો તેમજ ચાહકોનુ કહેવુ છે કે મારે પણ બ્લોગ બનાવી મારા વિચારોને વહેતા કરવા જોઇએ. મારા લખાણોથી પ્રભાવીત એક વાચકે મને કોંપ્યુટર ને પ્રિંટર ભેટ કર્યા છે. મારા મકાનના એક વ્યવસાયે સી.એ. છે તે તેમજ તેમની સુપુત્રીએ મને કોંપ્યુટર ચલાવાનુ જ્ઞાન આપ્યુ તેમજ જ્યારે જરૂર પડ્યે સહાય તે બાબતેની આજ લગી પણ આપે છે. તો આપશ્રીને પણ એક વિનંતી કરવાને પ્રેરાયો છું કે જો તમે બ્લોગને કેવીરીતે ઓપરેટ કરવો તે શિખવાડશો તો આભારી થઇશ.

લી. રમેશ મોતીલાલ બંગાળી શુભ આશિષ.

**************************

રમેશ કાકાનો પ્રથમતો પ્રતિભાવ લખી મોકલવા બદલ આભાર! તેમણે મારી ઉંમર સાચી કલ્પી છે! ૧૯મી ઓક્ટોબરે હું ચોત્રીસ વર્ષ પૂરા કરીશ!હવે તેમની બ્લોગ બનાવવાની ઇચ્છાને માન આપી આજે હું સર્વે વાચકમિત્રોના લાભાર્થે તમે પોતાનો બ્લોગ કઈ રીતે બનાવી શકો તેની માહિતી પૂરી પાડીશ.

- વિકાસ ઘનશ્યામ નાયક

બ્લોગ શું છે?

બ્લોગ એટલે તમારી એવી 'ડાયરી' જે તમે ગમે ત્યારે,ગમે ત્યાંથી લખી શકો છો 'ઓનલાઈન' એટલે કે 'ઇન્ટરનેટ' પર.

આ તમારું એવું પોતીકું વિશ્વ છે, તમારી એવી પોતાની જગા છે જ્યાં તમે તમારા મનગમતા ગમે તે વિષય પર તમારા સ્વતંત્ર વિચારો વ્યક્ત કરી શકો છો.આ વિચારો જગતનાં ખૂણે ખૂણે પહોંચી જાય છે ઇન્ટરનેટ દ્વારા. અને તમારા બ્લોગના વાચકો તમારા બ્લોગ વિશે કે તમે રજૂ કરેલા મુદ્દા વિષે તેમના વિચારો પણ વ્યક્ત કરી શકે છે 'કમેન્ટસ' દ્વારા. આ 'કમેન્ટસ' તમે અન્ય વાચકો વાંચી શકે કે નહિં તે નક્કી કરવાની પણ સ્વતંત્રતા ધરાવો છો.

તમે અહિં ભારતમાં તમારે ઘેર બેઠા બેઠા વિશ્વમાં બનેલી કોઇક ઘટના વિશે તમારા વિચારોનો પડઘો પાડી શકો અને તેના વિશે અમેરિકા કે ઓસ્ટ્રેલિયાના ખૂણે બેઠેલું કોઇક તરત તે વિશે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરી શકે છે, તરત જ ! છે ને મજા પડે તવું બ્લોગનું વિશ્વ?

http://vikasgnayak.blogspot.com - આ વેબ-એડ્રેસ પર હું છેલ્લા થોડા વર્ષથી અંગ્રેજીમાં બ્લોગ લખું છું જેનું ગુજરાતી ભાષાંતર સ્વરૂપ એટલે જન્મભૂમિની આ 'બ્લોગને ઝરૂખેથી...' કટાર.અહિં છપાયેલ બ્લોગ http://blognezarookhethee.blogspot.com આ વેબ-એડ્રેસ પર પણ ગુજરાતીમાં પ્રકાશિત થશે. તમે પણ તમારાં વિચારો-પ્રતિભાવો વગેરે લખી મોકલી શકો છો.યોગ્ય લાગશે તો મહિનામાં એક વાર ગેસ્ટ-બ્લોગ સ્વરૂપે તે અહિં છપાશે.

તમારો પોતાનો બ્લોગ શરૂ કરવા www.blogger.com વેબસાઈટ પર જઈ નવું અકાઉન્ટ ખોલો એટલે કે રજિસ્ટ્રેશન કરી તમારું નવું આઈ.ડી. બનાવો.જો તમારૂં www.gmail.com www.orkut.com પર અકાઉન્ટ/આઈ.ડી. હોય તો તમારે બ્લોગર વેબસાઈટ પર ફરી રજિસ્ટ્રેશન કરવાની જરૂર નથી.તમારા અકાઉન્ટમાં લોગ ઇન કરી 'More' મેનુ માંથી 'Blogger' ઓપ્શન પસંદ કરી તેના પર ક્લિક કરશો એટલે આપોઆપ તમને નવા વેબપેજ પર લઈ આવશે જ્યાં તમે નવો બ્લોગ શરૂ કરી શકશો.

જેવી જ બીજી પણ ઘણી વેબ્સાઈટ્સ ઉપલબ્ધ છે જેના પર તમે તમારો પોતાનો બ્લોગ બનાવી શકો છો.જેમકે 'www.wordpress.com'

તમારો પોતાનો બ્લોગ શરૂ કરવા www.blogger.com વેબસાઈટ પર જઈ નવું અકાઉન્ટ ખોલો એટલે કે રજિસ્ટ્રેશન કરી તમારું નવું આઈ.ડી. બનાવો.જો તમારૂં www.gmail.com www.orkut.com પર અકાઉન્ટ/આઈ.ડી. હોય તો તમારે બ્લોગર વેબસાઈટ પર ફરી રજિસ્ટ્રેશન કરવાની જરૂર નથી.તમારા અકાઉન્ટમાં લોગ ઇન કરી 'More' મેનુ માંથી 'Blogger' ઓપ્શન પસંદ કરી તેના પર ક્લિક કરશો એટલે આપોઆપ તમને નવા વેબપેજ પર લઈ આવશે જ્યાં તમે નવો બ્લોગ શરૂ કરી શકશો.

એક વાર તમારો બ્લોગ બની જાય એટલે તેમાં 'New Post' ઓપ્શન પસંદ કરી તમે નવો લેખ લખી પોસ્ટ કરી શકો છો.પ્રાયવેસી સેટીંગ પબ્લિક રાખ્યું હોય તો તમે જેવો તમારો બ્લોગ પબ્લિશ કરો એવું આખું જગત એ વાંચી શકે એમ ઇન્ટરનેટ પર મૂકાઈ જાય છે.બ્લોગમાં તમે તસવીરો પણ અપલોડ કરી શકો છો.બ્લોગ સાથે જે વિષય પર તમે લખ્યું હોય તેને લગતાં કેટલાક મહત્વના શબ્દો 'લેબલ' તરીકે જોડો એટલે તમારા બ્લોગની પહોંચ અનેક ગણી વધી જાય છે કારણ આમ કરવાથી તે ઘણાં બધાં સર્ચ એન્જીન્સના રીઝલ્ટ પેજમાં દેખાવા માંડે છે.દા.ત.મારો ફ્લેશ મોબ ડાન્સ વાળો બ્લોગ હતો તેમાં મેં લેબલ્સ લખ્યા હતાં : 'blog ne zarookhe thee', 'flash mob', 'gujarati blog', 'janmabhoomi pravasi', 'mob dance', 'vikas ghanshyam nayak', 'vikas nayak'

બ્લોગની ડીઝાઈન પણ તમે પોતે પસંદ કરી શકો છો જે દ્વારા તમારો બ્લોગ પબ્લિશ થયા બાદ કેવો દેખાશે એ તમે નક્કી કરી શકો છો.બ્લોગ પેજ ઉપર તમે એડવર્ટાઈઝમેન્ટ્સથી માંડી,ડિક્ષનરી,રમત,સામાન્ય ગ્ન્યાનને લગતી માહિતી,તમારો અંગત સંક્ષિપ્ત પરિચય,ફોટો,અનુક્રમણિકા, અભિપ્રાય માટે બોક્સ/,વાચકો તમારા નવા બ્લોગ પબ્લિશ થયાની જાણ તેમના ઇન્બોક્સમાં ઇમેલ દ્વારા થાય તેવી સુવિધા માટેનું ઓપ્શન (જેને સબ્સ્ક્રાઈબ કર્યું કહેવાય) વગેરે અનેક ચીજ-વસ્તુઓ મૂકી શકો છો અને તમારો બ્લોગ વધુ લોકપ્રિય બનાવી શકો છો.વધુમાં વધુ હીટ્સ મેળવવાની મુખ્ય ચાવી છે નિયમિત લખતા અને પબ્લિશ કરતાં રહેવું.

ઘણાં લોકો પોતાના ખાસ હેતુલક્ષી બ્લોગ પણ બનાવે છે.જેમકે એક ગ્રુહિણી પોતાનો વાનગીનો બ્લોગ શરૂ કરી તેના પર રોજ કે દર અઠવાડિયે નવી નવી વાનગીની રીત લખી પબ્લિશ કરે છે.કોઈ કવિ પોતાનો બ્લોગ બનાવી પોતાની કવિતાઓ નિયમિત પોસ્ટ કરે છે.તો કોઈ ફોટોગ્રાફર પોતાની તસવીરો બ્લોગ પર રોજેરોજ પબ્લિશ કરે છે.

આજનો બ્લોગ વાંચીને તમને પણ તમારો બ્લોગ બનાવવાનું મન થઈ જાય અને તમે તમારો પોતાનો બ્લોગ બનાવો તો મને જાણ કરવાનું ભૂલતા નહિ!