Translate

શનિવાર, 22 માર્ચ, 2014

ચકી બેન...ચકી બેન...


૨૦મી માર્ચે મારા મનપસંદ, ગમતીલા નાનકડા સુંદર પક્ષીનો દિવસ હતો! હું વાત કરું છું નિર્દોષ સુંદર પંખી ચકલીની. વીસમી માર્ચે 'વર્લ્ડ સ્પેરો ડે' ઉજવાયો અને પક્ષીને કારણે દિવસે સવારના પહોરમાં મારો અવાજ મારી મનપસંદ રેડિયો ચેનલ ૯૩. રેડ એફ.એમ. પર પણ ગૂંજ્યો!
સવારના પહોરમાં મિત્રની ગાડીમાં ઓફિસ જતા જતા રેડિયો સાંભળી રહ્યો હતો.એ દિવસે મારી ફેવરીટ મલિષ્કાને બદલે પ્રિતમ પ્યારે નામનો આર.જે. સવારનો કાર્યક્રમ સંભાળી રહ્યો હતો અને તેણે ચર્ચા માંડી ચકલી અને 'વર્લ્ડ સ્પેરો ડે'ની.પછી તો હું રહી શકું? સીધો મેં ફોન જોડ્યો રેડિયો ચેનલની ઓફિસે અને મારી વાત થઈ પ્રિતમ પ્યારે સાથે ચકલીઓ વિશે અને તેમના માટે આપણે શું કરી શકીએ એ વિશે. મેં જન્મભૂમિ પ્રવાસીની મારી આ કટાર 'બ્લોગને ઝરૂખેથી...' નો પણ તે વાતચીતમાં ઉલ્લેખ કર્યો અને જણાવ્યું કે બે વર્ષ અગાઉ જ્યારે મેં આ વિષય પર બ્લોગ લખેલો ત્યારે તેનો કેવો ઉમળકાભર્યો પ્રતિભાવ મને તમારા સૌ વાચકો પાસેથી મળ્યો હતો!
આજકાલ ચકલીબેન ઘણી ચર્ચામાં છે તેમની ઘટતી જતી સંખ્યાને લીધે. પણ મેં જણાવ્યું કે હું મલાડના જે વિસ્તારમાં રહું છું ત્યાંતો મને આવો કોઈ ચકલીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો નથી.અલબત્ત આજકાલ રોજ એક ચકલીનું જોડું મારા ઘરની બાલક્નીમાં છોડનાં કૂંડામાંથી ઘાસ વગેરેની ઉચાપત કરતું જોવા મળે છે! મારા ઘર નજીક એક પાડોશીના આંગણામાં એક ઝાડ છે જેની ડાળીઓમાં અનેક ચકલીઓનું ઝૂંડ વસે છે અને સતત ચીં..ચીં..ચીં..ચીં.. કર્યા કરતું જોવા-સાંભળવા મળે છે!અમે રોજ ઝાડ પાસે ચોખાનાં દાણા નાંખીએ છીએ જે ચકલીઓ ચણે છે અને મોજથી અમારી ચાલીની આસપાસ રહે છે! હું રોજ સવારે મારા ઘરની બાલ્કનીમાંથી સામેનાં ઘરનાં છાપરે ચોખાનાં દાણા નાખું છું જે ચકલી સહિત કાબરો અને કાગડા પણ ખાવા આવે છે. જોઈ મનને અનેરો આનંદ મળે છે.
પ્રકૃતિ અને પ્રાણીઓ-પંખીઓનાં સંવર્ધન અને જાળવણી માટે કાર્ય કરતી સંસ્થા બી.એન.એચ.એસ દ્વારા ગયા વર્ષે ચકલીઓની વસ્તી ગણતરીની ઝૂંબેશ હાથ ધરાઈ હતી જેમાં મેં ભાગ લીધેલો અને મારા મુંબઈ-મલાડના ઘરની આસપાસનાં વિસ્તારની તેમજ ગુજરાતમાં મારા સાસરાના ઘરની આસપાસનાં વિસ્તારની ચકલીઓ તથા તેમની સંખ્યા અને વર્તણૂંક વિષયક માહિતી પૂરી પાડી હતી. ઝૂંબેશ અને સર્વેક્ષણનાં પરિણામમાં પણ જાણીને આનંદ થયો હતો કે જેટલી ઉહાપોહ મચી હતી એટલો નોંધપાત્ર ઘટાડો ચકલીઓની સંખ્યામાં જોવા મળ્યો નહોતો.
પણ વર્ષે ફરી વિષય 'વર્લ્ડ સ્પેરો ડે'ની આસપાસ ચર્ચાતો જોવા મળ્યો અને થોડી ચિંતા થઈ કે શું ખરેખર ચકલીઓની સંખ્યા ઘટી રહી છે?
 કદાચ હકીકત હોય તો તેની પાછળ બે મુખ્ય કારણો જવાબદાર છે.એક વધી રહેલું શહેરીકરણ કે શહેરનું કોંક્રીટીકરણ અને બીજું મોબાઈલ ટાવર્સની સંખ્યામાં અને પરીણામે મોબાઈલ રેડિયેશનનાં પ્રમાણમાં વધારો. આજકાલ જે ઇમારતો બને છે તે મોટાભાગે કાચની અથવા અદ્યતન પ્રણાલીની હોય છે જેમાં ખાંચા કે તિરાડો કે કાણાં હોતાં નથી જે ચકલીઓને રહેવા અને ઉછરવા માટે ખૂબ અનુકૂળ આવે છે.મોબાઈલ ટાવર્સમાંથી બહાર ફેંકાતા કિરણો કે રેડિયેશન ચકલીઓ માટે જાનલેવા સાબિત થાય છે. બે મુખ્ય પરિબળોના કારણે કદાચ ચકલીઓની વસ્તીમાં ઘટાડો નોંધાયો હોઈ શકે અથવા ભવિષ્યમાં નોંધાઈ શકે.
હવે આપણે સંદર્ભે શું કરી શકીએ? રહી તેની વિગતો:
તમારા ઘરનાં છાપરે કે અગાશીમાં કે આંગણે સુરક્ષિત જગાએ પાણીનું કુંડું કે પાણી ભરેલો વાડકો રોજ મૂકો અને તેમાં સ્વચ્છ પાણી પક્ષીઓને મળી રહે તેવો નિયમ કરો.ઉનાળાની બળબળતી ગરમીમાં મૂક પક્ષીઓનાં આશિર્વાદથી મોટું પુણ્ય અન્ય કયું હોઈ શકે?
તમારા ઘરનાં છાપરે કે અગાશીમાં કે આંગણે સુરક્ષિત જગાએ ચોખાનાં કે જુવાર,બાજરી કે અન્ય ધાન્યનાં થોડાં દાણાં રોજ સવારે ઉઠતાંવેત નાંખવાનો નિયમ કરો.થોડાં દિવસમાં તમે જોશો કે ખાવા પક્ષીઓ ચોક્કસ લાઈન લગાડશે!
બી.એન.એચ.એસ. ની વેબસાઈટ પર કે અન્ય આવી પ્રકૃતિનાં સંવર્ધન માટે કાર્યરત સંસ્થાઓની વેબસાઈટ પર કે બજારમાં બર્ડ ફીડર્સ અને આર્ટીફિશિયલ નેસ્ટ્સ એટલેકે પંખીઓ માટેનાં કૃત્રિમ ઘર અને તેમને ખાવાનું આપી શકાય તેવા સાધનો વેચાતા મળે છે.પોતાને માટે શોપિંગ કરતી વેળાએ એકાદ વાર આવી કોઈ વસ્તુ પણ ખરીદી હોય તો લેખે લાગે અને પંખીઓનું ભલું થાય!
ખરીદીનો કંટાળો આવતો હોય તો ઘેર બેઠાં પણ પક્ષીઓ માટેનું ઘર આપણે હાથે બનાવી શકીએ.તૈયાર ખોખું (બધી બાજુએથી બંધ હોય તેવું) લો. તૈયાર ખોખું હોય તો જાડા પૂઠ્ઠા વડે અથવા લાકડાની પતલી પટ્ટીઓ વડે આવું ચોરસાકાર ખોખું સહેલાઈથી તૈયાર કરી શકાય. બનાવો ત્યારે તમારાં બાળકો કેટલાં ખુશ થઈ જાય છે જોજો! નફામાં! ખોખાની એક બાજુએ મધ્યમાં ચકલી પ્રવેશી શકે એવડું કાણું પાડો અને તેને છાપરે કે અગાશીમાં ઉંચાઈ વાળી જગાએ ગોઠવી દો અને તેમાં ચોખાનાં દાણાં નાખો અને બાજુમાં પાણી ભરેલી વાડકી પણ મૂકી રાખો.
કદાચ દિવસો અને મહિનાઓ સુધી કોઈ પક્ષી તેની પાસે ફરકે તો પણ નિરાશ થયાં વગર ચોખાનાં દાણાં અને પાણી મૂકવાની ક્રિયા રોજ ચાલુ રાખો.એક દિવસ ચોક્કસ તેમાં પંખી પોતાના પરિવાર સહિત કિલ્લોલ કરશે વાત નક્કી!
૫ વપરાયેલી ખાલી મોટી બોટલમાંથી કે પ્લાસ્ટીકની બરણીમાંથી પણ બર્ડ ફીડર બનાવી શકાય.
 


તમે પશુપક્ષીઓનું જતન કરવાની ચેષ્ટા કરશો તો તમારા સંતાનોમાં પણ એમ કરવાનાં સંસ્કાર આપમેળે તમને એમ કરતાં જોઈને આવશે અને આમ તમે એક સારી જવાબદાર નાગરીકોની પેઢીનું નિર્માણ કરવામાં સહભાગી બનશો!
“ચકી બેન ...ચકી બેન... “ ફક્ત વાર્તાઓમાં કે બાળગીતોમાં જ સાંભળવા મળે કે ચિત્રોમાં જોવા મળે એમ ઇચ્છતા હોવ તો પ્યારા એવા ચકી બેન માટે આટલું તો કરી શકાય!


હોળીની ઉજવણી પાછળનાં અનેકવિધ કારણો


શિયાળો જાય પછી આવતો પહેલો ભારતીય તહેવાર એટલે હોળી. હોળીનું બીજું નામ રંગોત્સવ છે. રંગોનું આપણાં જીવનમાં અનેરૂં મહત્વ છે. રંગો સિવાયના વિશ્વની કલ્પના થઈ શકે ખરી? રંગોને કારણે જ પ્રકૃતિ આટલી સુંદર છે.

હોળીના ધાર્મિક માહાત્મ્યથી તો ભાગ્યે કોઈ ભારતીય અજાણ હશે. પણ હોળી ઉજવવા પાછળ સામાજીક,સાંસ્કૃતિક અને તંદુરસ્તીને લગતા બીજા અનેક કારણો છે જેમાંના કેટલાકની આપણને જાણ પણ નહિ હોય. આ બધાં કારણોની છણાવટ બાદ સમજાશે કે શા માટે આપણે સૌએ હોળીની ઉજવણી પારંપારિક રીતે  ઉમંગ અને ઉત્સાહભેર કરવી જોઇએ.

સૌ પ્રથમ હોળીની ઉજવણી પાછળનાં ધાર્મિક પાસાને સમજીએ. હિરણ્યકશ્યપે તેના વિષ્ણુભક્ત પુત્ર પ્રહલાદને પોતાની બહેન હોળીકાના ખોળામાં બેસાડી તેમને અગ્નિમાં બેસવા ફરમાન કર્યું. હોળીકાને અગ્નિ બાળી શકે એવું વરદાન હતું. તેમ છતાં,પ્રહલાદની અજોડ ભક્તિના પ્રતાપે તેનાં સતત વિષ્ણુ નામનાં જાપ-સ્મરણે ચમત્કાર સર્જ્યો અને પ્રહલાદને ઉની આંચ પણ આવી અને હોળીકા બળીને રાખ થઈ ગઈ. આજે પણ ઘટનાને યાદ કરી દેશભરમાં લોકો લાકડાનો ઢગલો કરી તેને બાળી પ્રહલાદની અનન્ય પ્રભુભક્તિને  સ્મરતાં ઇશ્વર પાસે પોતાને પ્રહલાદ જેવી ભક્તિ આપવાની યાચના કરે છે.

ભારતના કેટલાક ભાગોમાં ખાસ કરીને બંગાળ અને ઓરિસ્સામાં હોળી પૂર્ણિમાને શ્રી ચૈતન્ય મહાપ્રભુના જન્મ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

હોળી કૃષ્ણરાધાના પવિત્ર પ્રેમનું પ્રતીક પણ મનાય છે. કૃષ્ણ રાધાને તેમજ સૌ ગોપીઓને ગુલાલ અને અન્ય રંગોથી રંગી તેમને પ્રેમની અનુભૂતિ કરાવતાં. આજે પણ વિવિધ રંગોની  ઝાકમઝોળથી આનંદભેર હોળી-ધૂળેટી ભારતના અનેક ભાગોમાં ઉજવાય છે.

પૂતનાએ બાળ કૃષ્ણને મારવાની નાકામિયાબ કોશિષ કરી હતી અને તેમાં તેનો પોતાનો વધ થયો હતો ઘટનામાં આસુરી તત્વ પર સત નો વિજય થયાની ખુશાલીમાં પણ હોળી ઉજવાતી હોવાનું મનાય છે.

દક્ષિણ ભારતમાં એમ મનાય છે કે કામદેવના પ્રુથ્વીને બચાવવા પોતાનો જીવ જોખમમાં મૂકી શિવની સમાધિ ભંગ કરી તેમનો રોષ વહોરવાના મહાન અને ઉમદા બલિદાનની સ્મૃતિમાં હોળી ઉજવાય છે.

અન્ય એક લોકવાયકા મુજબ રઘુની રાજધાનીમાં રાક્ષસી ધુંધી બાળકોને ખૂબ પરેશાન કરતી પણ આખરે હોળીના દિવસે બાળકોએ તેને શેતાની ભર્યા તોફાનોથી પજવી તેનો પીછો કરી મારી ભગાડી મૂકી અને દિવસની યાદમાં પરંપરા મુજબ આજે પણ ત્યાં બાળકો હોલિકાદહન સમયે તોફાન મસ્તી કરી એકબીજાને ગાળો ભાંડે છે!

સાંસ્કૃતિક દ્રષ્ટીએ જોઇએ તો હોળી એટલે સતનો અસત પર વિજય. હોળી ઉજવવા પાછળ કારણભૂત મનાતી ધાર્મિક લોકવાયકાઓ લોકોને સારૂં આચરણ કરી હંમેશા સત્યનો સાથ આપી જીવવાનો સંદેશ આપે છે. આજે જ્યારે લોકો નાના નાના ફાયદાઓ કે સ્વાર્થથી પ્રેરાઈ અન્ય પ્રમાણિક લોકો પર અત્યાચાર ગુજારી જીવે છે ત્યારે હોળીનો સત-આચરણનો સંદેશ ખૂબ અગત્યનો બની રહે છે.હોળી લોકોને અન્યાય અને અત્યાચાર સામે જંગ છેડવાનો સંદેશ પણ આપે છે.

હોળી વર્ષના એવા સમયે ઉજવાય છે જ્યારે ખેતરો પાકથી લહેરાતા હોય અને લોકો સારી કાપણીની આશા સેવી રહ્યાં હોય.હોળી લોકોને ઉમંગ-ઉલ્લાસભેર ઉજવણીનો એક માર્ગ પૂરો પાડે છે.

પ્રાચીન વેદો અને નારદ પુરાણ અને ભવિષ્ય પુરાણ જેવા પુરાણોમાં તો હોળીનું વિસ્તારપૂરકનું વર્ણન જોવા મળે છે પરંતુ જૈમિની મીમાંસામાં પણ તેનો ખાસ ઉલ્લેખ જોવા મળ્યો છે... પૂર્વે ૩૦૦ના સમયના રામગઢ ખાતે મળી આવેલા એક પાષાણ શિલ્પ પર હોલિકોત્સવનો ઉલ્લેખ જોવા મળ્યો છે.સાતમી સદીમાં લખાયેલા રત્નાવલીમાં પણ હોલિકોત્સવનું વર્ણન વાંચવા મળે છે.

પ્રખ્યાત મુસ્લીમ પ્રવાસી ઉલબરુની પણ પોતાની ઐતાહાસિક સ્મૃતિઓમાં હોલિકોત્સવનો ઉલ્લેખ કર્યો છે.તત્કાલીન અન્ય મુસ્લીમ લેખકો પણ હોળી હિંદુઓ નહિ બલ્કે મુસ્લીમો દ્વારા પણ ઉજવાતી હોવાનું લખ્યું છે. આમ, હોળીનું સામાજીક મહત્વ જોઇએ તો તે સમાજના જુદા જુદા વર્ગનાં લોકોને ભેગા લાવે છે અને દેશનો બિનસાંપ્રદાયિક તંતુ મજબૂત કરવામાં મદદ કરે છે. હિંદુ હોય એવા લોકો પણ રંગો અને ખુશીભર્યો તહેવાર ધામધૂમથી ઉજવે છે. હોળીના દિવસે શત્રુઓ પણ એકબીજા સામેની ફરિયાદો અને નફરત ભૂલી જઈ મિત્રો બની એકબીજાને રંગે છે. દિવસે અમીર-તવંગર  પણ પૈસા અને માનમોભાની મર્યાદા ભૂલી જઈ ભાઈચારા અને સૌહાર્દ પૂર્વક રંગપર્વની ઉજવણી કરે છે.

હોળીના દિવસે લોકો એકબીજાને મળે છે અને ભેટસોગાદની આપલે કરે છે અને આમ તેમની વચ્ચેનાં સંબંધો ઉષ્માપૂર્ણ અને સુદ્રઢ બને છે.

હોળી માત્ર આનંદ આપવા સિવાય પણ અન્ય અનેક રીતે આપણાં જીવન અને શરીર માટે મહત્વનું પ્રદાન કરનારી બની રહે છે.વૈજ્ઞાનિક રીતે વર્ષના ચોક્કસ અને અનેક રીતે ફાયદાકારક સમયે હોળી ઉજવવાની પરંપરા સર્જનાર આપણા વડીલ પૂર્વજોનો આપણે આભાર માનવો ઘટે. હોળી વર્ષના એવા સમયે ઉજવાય છે જ્યારે મોટા ભાગના લોકો એદી અને આળસુપણાની લાગણી અનુભવે છે. ઠંડીથી ગરમી તરફ પ્રયાણ કરી રહેલા હવામાનને કારણે આમ બનવું સહજ છે. શરીરની આળસને ખંખેરી નાંખવા લોકો મોટેથી ગાઈને,બોલીને કે ઘોંઘાટભર્યાં સંગીત સાથે શારીરીક હલનચલન કરી હોળીની ઉજવણી કરે છે જે શરીરને નવી ઉર્જાથી ભરી દે છે.

કેટલીક જગાઓએ  કેસૂડાના રંગીન પાણી કે અન્ય કુદરતી રંગો થી હોળી રમવામાં આવે છે. પ્રવાહી કે રંગો શરીર પર ચામડીના છિદ્રો વાટે પ્રવેશે છે અને તે શરીરેના અણુઓમાં તાકાત ભરી દે છે જેનાથી શરીરને સારી તંદુરસ્તી અને સુંદરતા પ્રાપ્ત થાય છે.

હોળીના દિવસે સાંજે જમીનમાં ખાડો ખોદી તેમાં લાકડા ગોઠવી તેમને હોળીકા રૂપે સળગાવવામાં આવે છે અને અગ્નિની પ્રદક્ષિણા કરવામાં આવે છે. ઉપલક દ્રષ્ટીએ જોઇએ તો એક અન્ય રૂઢીઓ સમાન સામાન્ય પરંપરા જેવું જણાય. પણ તેનું આરોગ્યની દ્રષ્ટીએ આગવું મહત્વ છે. હોળી સળગાવી જ્યારે લોકો તેની પ્રદક્ષિણા કરે છે ત્યારે તેમના શરીરને ગરમાવો મળે છે અને શિયાળાની ઠંડીમાં તેમના શરીરમાં જમા થયેલો કફ છૂટો થાય છે અને આરોગ્યની દ્રષ્ટીએ ઘણું સારૂં છે. હવામાનમાં ફેરફારને કારણે આબોહવામાં તેમજ માનવ શરીરમાં ખાસ પ્રકારના બેક્ટેરીયા પેદા થાય છે.સળગતી હોળીની પ્રદક્ષિણા કરતી વખતે ઉષ્ણતામાનમાં વધારાને કારણે આબોહવામાંના તેમજ આપણાં શરીરમાંના બેક્ટેરીયા પણ નાશ પામે છે.આમ શરીર એક રીતે શુદ્ધ થાય છે.

દક્ષિણ ભારતમાં લોકો હોલિકા દહન બાદ રાખ કે વિભુતિ પોતાના કપાળે ચોપડે છે તેમજ ચંદનને આંબાના નવપલ્લવિત પર્ણો અને માંજર સાથે મિશ્ર કરી તેનું સેવન કરે છે આનાથી પણ આરોગ્ય સુધરે છે.

હોળીમાં વપરાતા રંગો શરીરમાં ખૂટતા કેટલાક તત્વોની પૂર્તિ કરતાં હોવાનું જણાયું છે અને આમ કેટલાક ડોક્ટર્સ હોળી રમવી સ્વાસ્થ્ય માટે સારી હોવાનું માને છે.

ઘણાં લોકો હોળી સમયે ઘરને પણ સ્વચ્છ  કરે છે જે તેમને સકારાત્મક ઉર્જાથી સભર બનાવે છે.

સમય જતાં કેટલાક લોકો કુદરતી રંગોને બદલે નુકસાન કર્તા રાસાયણિક રંગો અને પાણી ભરેલાં ફુગ્ગા જેવી ચીજોનો ઉપયોગ પણ હોળી રમવા કરવા લાગ્યાં છે પણ સાથે લોકોમાં પર્યાવરણ પ્રત્યે સભાનતા કેળવાતાં અને અનેક એન.જી.. સંસ્થાઓ દ્વારા અંગે જાગરૂકતા કેળવવાના પ્રયત્નોના પરિણામે લોકોએ ઇકો ફ્રેન્ડલી હોળી મનાવવાની પણ શરૂઆત કરી છે જે આવકારદાયક છે.