Translate

લેબલ 'conservation of nature' સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ 'conservation of nature' સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શનિવાર, 10 જૂન, 2017

વોક લેતા લેતા વૃક્ષોની સરાહના

ગયા સોમવારે પાંચમી જૂને વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાયો.૧૯૭૪થી પાંચમી જૂનના દિવસને વર્લ્ડ એન્વાયરેમેન્ટ ડે તરીકે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે.દર વર્ષે કોઈક એક દેશ યજમાન બને અને તે વર્ષની થીમ નક્કી કરે. થીમની આસપાસ ગૂંથાયેલા મુદ્દાઓને લગતા કાર્યક્રમો દિવસે અને વર્ષભર ઉજવાય અને પર્યાવરણ સંવર્ધન અને જાળવણીનો સંદેશ લોકો સુધી પહોંચાડાય. ભારત પણ વર્ષ ૨૦૧૧માં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી માટે યજમાન બન્યું હતું અને વર્ષની થીમ હતી "ફોરેસ્ટ : નેચર એટ યોર સર્વિસ". વર્ષનો યજમાન દેશ છે કેનેડા અને તેણે નક્કી કરેલી વર્ષની થીમ છે "કનેક્ટીંગ વિથ નેચર" એટલે કે પ્રકૃતિ સાથે જોડાણ..ગામડાનાં લોકો તો ઘણી બધી રીતે કુદરત સાથે જોડાયેલા હોય છે પણ શહેરોમાં વસતા લોકોએ અંગે વિચારવાની જરૂર છે.
પ્રકૃતિ સાથે તમે કઈ રીતે જોડાઈ શકો?
ઘરની બહાર નીકળો.બાગમાં જાવ,જંગલમાં જાવ,દરિયા કિનારે જાવ,ટેકરી કે ડુંગર પર જાવ અને સ્વચ્છ હવા તમારા શ્વાસમાં ભરો. ઘાસ પર ખુલ્લા પગે ચાલો, દરિયા કિનારાની રેતી પર ખુલ્લા પગે ચાલો. ફૂલોને અને પાંદડાને સ્પર્શો, પતંગિયાને જુઓ, ફુલોના અને વિવિધ રંગી જીવડાઓના રંગો અને સૌંદર્યને માણો. પંખીઓના મધુર સ્વરનું ગીત અને જીવડાઓના ગણગણાટને ધ્યાનથી સાંભળો-માણો. ઘેર પ્રાણી પાળ્યું હોય કે માછલીનું એક્વેરિયમ બનાવ્યું હોય તો તેની સાથે સમય પસાર કરો. તાજા ફળોનો સ્વાદ માણો,સુગંધીદાર પુષ્પોની-તાજા વરસાદની ખુશ્બો માણો. આકાશમાં તરતા વાદળો અને મેઘધનુષને વિસ્ફારીત નયને જુઓ. રાતે ટમટમતા તારલાઓથી ભરેલા નભને પણ ધરાઈ ધરાઈને જુઓ. ઝાકળની નજાકત માણો, સવારનો સુકોમળ તડકો માણો, સંધ્યાની સુંદરતા માણો. કુદરતના લખલૂટ ખજાનાનું આકંઠ પાન કરો. પ્રકૃતિ આના કોઈ પૈસા નહિ વસૂલે અને તમને જે આનંદ અને ખુશીનો અનુભવ થશે તે કોઈ અન્ય પ્રકારના આનંદ કે સંતોષ કરતા નોખો અને વધુ મનનીય હશે ચોક્કસ!
અગાઉ ૦૮-માર્ચ-૨૦૧૫ના દિવસેનિસર્ગના સાન્નિંધ્યમાં - ટ્રી અપ્રિશિયેશન વોક’ બ્લોગ લેખમાં જે પ્રવૃત્તિની વાત કરી હતી તે પ્રકારની એક વોક માટે હું ૨૮મી મે ૨૦૧૭ના રવિવારની વહેલી સવારે ગયો. મુંબઈવાસી બે વયસ્ક સન્નારીઓ ઉષા દેસાઈ અને રેની વ્યાસ પ્રકારની નેચર વોક્સ છેલ્લા થોડા વર્ષોથી મુંબઈ અને આસપાસના બગ-બગીચા અને જંગલોમાં યોજે છે અને આપણી આસપાસના વૃક્ષોની માહિતી રસપ્રદ રીતે આપે છે. ૮૩મી ટ્રી એપ્રિશિયેશન વોક બે સન્નારીઓ, નેશનલ સોસાયટી ઓફ ફ્રેન્ડ્સ ઓફ ટ્રીઝના અધ્યક્ષ અશોક કોઠારી અને વસુંધરા ગ્રીન ક્લબના સ્થાપક મિત્ર જયેશભાઈ હરસોરા અને અન્ય ચાલીસેક પ્રકૃતિ-પ્રેમીઓ સાથે મલાડમાં ઇન-ઓર્બીટ મોલ પાછળ આવેલા હિલ-ટોપ ગાર્ડનમાં માણી. ટોળીમાં યુવાન-વરીષ્ઠ સરખી સંખ્યામાં હતા. અમે બધાં બે ટુકડીઓમાં વહેંચાઈ ગયા હતા જેમાં પહેલી ટુકડીના લીડર હતા રેની વ્યાસ અને બીજી ટુકડીના લીડર હતા ઉષા દેસાઈ. લગભગ સાડા સાતે અમે ચાલવું શરૂ કર્યું. બંને ટુકડીઓએ અલગ અલગ દિશામાં પ્રયાણ કર્યું.જે વીસ-પચીસ વૃક્ષોની માહિતી અમારે ચર્ચાવાની હતી તેની યાદી અમને આપવામાં આવી હતી. હું બીજી ટુકડીમાં હતો જેના લીડર હતા ઉષામા. ઉષા દેસાઈ ઉંચાઈમાં બટકા પણ એટલા હેતાળ અને મળતાવડા કે હું તેમને ઉષામા ના હૂલામણા નામે સંબોધુ.



અમારા માર્ગમાં પહેલું ઝાડ આવ્યું દેશી બદામનું. ઉષામાએ તેના પાન,ફળ,ફૂલ અને પરાગનયન વિષે રસપ્રદ માહિતી આપી. એક વાત જાણીને નવાઈ લાગી કે અલગ અલગ પ્રકારના ઘણાં ઝાડ-છોડ-વેલાના પુષ્પોના પરાગનયન અલગ અલગ પણ એકાદ ચોક્કસ જાતિના જંતુઓ દ્વારા થાય છે. બદામ પછી વારો આવ્યો બોગનવેલ અને બારમાસીના પુષ્પ-વનસ્પતિનો. બારમાસીના ફુલનું આખું ડિસેકશન કરી ઉષામાએ બતાવ્યું. પછી જોયા ચોક્કસ આકારમાં કાપીને ઉગાડાયેલા 'વીપીંગ ફીગ' નામના છોડ. છોડને ખાસ પ્રકારે કાપી હાથી,હરણ કે છત્રી જેવા ખાસ આકારમાં ઉગાડવામાં આવે છે. ત્યાર બાદ ગોળ કિનારી વાળા અને અણીદાર છેડાવાળી કિનારી વાળા એમ બે પ્રકારના ચંપાના ફુલના ઝાડ જોયા.બંને પ્રકારના ચંપાના ફૂલ દેખાય સરખા અને સુગંધ પણ એક જેવી સુંદર ધરાવે પણ ધ્યાનથી જુઓ તો માલૂમ પડે કે એક પ્રકારના ચંપામાં ફૂલોની પાંખડી છૂટ્ટી છૂટ્ટી જ્યારે બીજા પ્રકારના ફૂલમાં પાંખડીઓ એકમેકની ઉપર કિનારી તરફથી ગોઠવાયેલી હોય અને બંધ પ્યાલા જેવો આકાર બનાવેદુબઈમાં આવેલી વિશ્વની સૌથી ઉંચી ઇમારત બુર્જ ખલીફાની ડિઝાઈન જે પુષ્પની રચના પરથી પ્રેરાઈને કરવામાં આવી છે તેગાર્ડન લીલી’ના પુષ્પો જોયા. ઇન્ડિયન શોટ તરીકે ઓળખાતા કેનોના ફુલના છોડ જોયા. વનસ્પતિના બીજ નાનકડા ગોળાકાર પણ અતિ સખત હોય છે અને તેથી તેઓ પ્રાચીન સમયમાં યુદ્ધ સમયે બંદૂકમાં ગોળી તરીકે વપરાતા એટલે તેને ઇન્ડિયન શોટ નામ મળ્યું.
                                      
પછી તો આગળ વધતા જઈએ એમ એમ નવા ઝાડ આવતા જાય જેની માહિતી ઉષામા અમને સૌને ઝાડની નીચે ઉભા ઉભા આપતા જાય.ખુબ મજા પડી રહી હતી રીતે કુદરતના ખોળે ભમી તેની અવનવી માહિતી મેળવવાની. આંકડો જોયો, ગરમાળો જોયો, સોસેજ ટ્રી જોયા,ખજૂર-ખારેકના ઝાડ જોયા, સૂર્યમુખી, મધુમાલતી, હમિંગબર્ડ બુશ, સ્કારલેટ કોર્ડિઆ, સેજ જેવા વૃક્ષો જોયા તો સાથે માઉસ ટેઈલ તરીકે ઓળખાતી તેમજ અન્ય ઔષધિય ગુણધર્મો ધરાવતી વનસ્પતિ પણ જોઈ. સાયક્સ પામ અને અન્ય ઘાસ-વાસ જેવી વનસ્પતિ પણ જોઈ અને તે સૌ અંગેની અવનવી માહિતી પણ મેળવી. જેના નામ સાંભળ્યા હતા અને કદાચ ઝાડ પહેલા જોયા હતા પણ ખબર નહોતી કે તે પ્રકારના કે તે ફુલના ઝાડ છે એવા બોરસલ્લી - બકુલ પુષ્પના ઝાડ જોયા (જેના ગજરા ઘણી સ્ત્રીઓ પહેરતી હોય છે અને જેની સુગંધ તીવ્ર-મીઠી હોય છે),જેની આસપાસ કૃષ્ણ-ગોપીઓ રાસ રમતા એવા કદંબના ઝાડ જોયા,અલગ પ્રકારની ડાળીઓની સ્તરીય ગોઠવણી ધરાવતા મડાગાસ્કર બદામના ઝાડ જોયા. દરેક ઝાડ મૂળ ક્યાંનુ છે,ભારતમાં કઈ રીતે આવ્યું,તેની સાથે સંકળાયેલી કોઈ વાર્તા કે લોકકથા હોય પણ ઉષામા એમની રસપ્રદ શૈલીમાં સંભળાવે.
જેમ કે કદંબનું ઝાડ જોતી વખતે તેમણે મારી પાસે પ્રભાતિયું - જળ કમળ છાંડી જાને બાળા... ગવડાવ્યું અને પછી કાલિયદમનનો પ્રસંગ સંભળાવી ઘટનાનો ઉલ્લેખ કર્યો કે કાલિય નાગ જ્યારે ફૂંફાડા મારી વિષ ઉછાળતો ત્યારે આસપાસના બધાં ઝાડ વિષની અસરથી મરી જતા પણ કદંબ વૃક્ષને વરદાન હતું અને કાલિયના ઝેરની કોઈ અસર એક્માત્ર વૃક્ષ પર થતી નહોતી. કારણ સમુદ્ર મંથન વેળાએ ઉત્પન્ન થયેલા મૃતનો કળશ લઈ ગરુડ ઉડતા ઉડતા કદંબના વૃક્ષ પર જઈ બેસેલું અને મૃતના થોડા ટીપાં ઝાડ પર પડતા તેને અમરત્વ પ્રાપ્ત થયું હતું. આથી પવિત્ર વૃક્ષ ગણાય છે. તળાવમાં નહાતી ગોપીઓના વસ્ત્રો લઈ કૃષ્ણ ઝાડ પર ચડી તેમને પજવતા!
પાસે પારિજાત નામે ઓળખાતા કેસરી દાંડી અને સફેદ પાંખડી ધરાવતા સુંદર નાજુક પુષ્પો ધરાવતું અન્ય એક ઝાડ જોયું.એના વિશે પણ ઉષામાએ મજેદાર માહિતી વાર્તા સહિત સંભળાવી.પારિજાત પ્રાચીન સમયમાં એક સુંદર રાજકુમારી સ્વરૂપે પૃથ્વી પર રહેતી હતી. તેને સૂર્ય સાથે પ્રેમ થઈ ગયો.સૂર્યને પણ આ રાજકુમારી ગમી ગઈ અને તેઓ સાથે રહેવા લાગ્યા પણ સમય જતાં સૂર્ય કંટાળ્યા અને ફરી આકાશમાં જતા રહ્યા.રાજકુમારી તો ઉદાસ થઈ ગઈ અને વિરહમાં ઝૂરી ઝૂરી અંતે મૃત્યુ પામી.પછી તો એ ઝાડ થઈ અવતરી પણ સૂર્ય પ્રત્યેની નારાજગી યથાવત રહેતા તેના ફૂલો સૂર્ય આથમે ત્યારે ઉગે અને જેવો સૂર્ય ઉગે એટલે ખરી પડે. બીજી પણ વૃક્ષ સાથે સંકળાયેલી એક રસપ્રદ કૃષ્ણ-સત્યભામા-રુકમણીની લોકકથા ઉષામાએ સંભળાવી.જોકે હું અહિ લખતો નથી,તમને રસ હોય તો હવે પછીની ટ્રી અપ્રિશિયેશન વોકમાં કથા ઉષામાના મોઢે પ્રત્યક્ષ સાંભળવા પહોંચી જજો!
બે-અઢી કલાકમાં આ અને આવી તો કેટલીયે રસપ્રદ વાતો અમે સાંભળી અને આપણી આસપાસ જ ઉગતા ઝાડો પ્રત્યે અમને અહોભાવની લાગણી થઈ આવી. મલાડમાં પાછલા બારેક વર્ષ અગાઉ આ હિલ-ટોપ ગાર્ડનની રચના થયેલી અને આવા અનેક પ્રકારના ઝાડ-છોડ-ફુલોથી તે આજે સજ્જ છે.તેની મુલાકાત પણ લેવા જેવી ખરી.

ફરી પાછી પ્રકૃતિના જોડાણ સાથેની વાત યાદ અપાવતા છેલ્લે એટલું કહેવાનું કે જીવવાની સાચી રીત પ્રકૃતિ સાથે જોડાઈને જીવવામાં છે.આમ કરીશું તો આપનારી આવનારી પેઢીઓ સુખેથી પૃથ્વી પર રહી શકશે અને અહિ જીવન ટકી શકશે.

ગેસ્ટ બ્લોગ : વિશ્વ પર્યાવરણ દિવસ - આપણે શું કરી શકીએ?

                                                                સંકલન : હેમંત સુથાર
                                                                                       પ્રેષક : સુરેશ એમ.કાપડિયા

૫મી જૂન દર વર્ષેવિશ્વ પર્યાવરણ દિવસ” તરીકે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. વિશ્વ પર્યાવરણ દિન ઉજવણીમાં પ્રત્યેક વ્યક્તિ પોતાની કક્ષાએ ઇચ્છા મુજબ સ્વૈચ્છિક કોઈ પણ કાર્ય અમલમાં મૂકી ઉજવણી કરી શકે છે. આજે ગેસ્ટબ્લોગ દ્વારા એવી કેટલીક ટીપ્સ રજૂ કરી છે જેના અમલ દ્વારા આપણે આપણાં રોજબરોજના જીવનમાં થોડો ફેરફાર કરી પર્યાવરણના સંવર્ધન અને જાળવણીમાં નાનકડો પણ મહત્વનો ફાળો નોંધાવી શકીએ એમ છીએ.

વિજળી બચાવવા માટે :
·        
      રૂમમાં કોઈ હોય ત્યારે પંખા-લાઈટ-રેડિઓ-ટીવી બંધ રાખો. બને એટલો સૂર્યપ્રકાશનો ઉપયોગ કરો.
·         ટીવીને રીમોટથી નહિ પણ સ્વીચથી ચાલુ-બંધ કરો.
·         લીફ્ટનો ઉપયોગ બને એટલો ઓછો કરો. નીચે ઉતરવા માટે લીફ્ટનો ઉપયોગ કરો. બાળકો લીફ્ટનો ઉપયોગ રમવા માટે કરતા હોય તો તેમને એમ કરતા અટકાવો.
·         ટેલિફોન પર ગપ્પા મારવાનું ટાળો.
·         ગરમ વસ્તુ ઠંડી પડે પછી તેને ફ્રીજમાં મૂકો. ફ્રીજ સામાન્ય કબાટ નથી,તેનું બારણું બને એટલો ઓછો સમય ખુલ્લુ રાખો. ફ્રીજમાંથી કાઢેલા પાણીના બાટલામાં પાણી વધ્યું હોય તો બાટલો ફરી પાછો તરત ફ્રીજમાં મૂકી દો. વધારે સારો રસ્તો માટલાનું પાણી પીવાની ટેવ પાડો. શિયાળામાં રાતે સૂતી વખતે ફ્રીજની સ્વીચ બંધ કરી દો અને સવારે ચાલુ કરો.
·         એક-એક નહિ પણ થોડા કપડા ભેગા થાય પછી ઇસ્ત્રી કરો.
·         રૂમ હીટર વાપરવાને બદલે ગરમ કપડા પહેરો, રજાઈ ઓઢો.
·         જરૂર હોય ત્યારે કોમ્પ્યુટરનું મોનિટર બંધ રાખો (જ્યારે તમે બ્રેક લો, રીસેસ પર હોવ કે કોમ્પ્યુટર ને ડી ફ્રેગમેન્ટ કરતા હોવ)
·         ઉનાળામાં રાતે .સી. વાપરવાને બદલે આકાશ નીચે સૂઈ જાવ.
·         વોશિંગ મશીન કે ડીશ વોશરનો ઉપયોગ કરો.
·         રાતે ક્રિકેટ રમવાનું બંધ કરો.
·         લગ્નવિધિ દિવસે રાખો જેથી રાતે રોશની કરવાની જરૂર ઓછી પડે.
·         દિવાળીમાં વિજળી ની રોશની કરો.

બળતણ (ગેસ) બચાવવા માટે :
·         
     ફ્રીજ માંથી કાઢેલા ઠંડા દૂધને ગરમ કરતા પહેલા ૧૫ મિનિટ ફ્રીજની બહાર રહેવા દીધા પછી ગરમ કરો.
·         માટલાનું પાણી ઠંડુ હોય છે માટે ચા કે રસોઈ બનાવવા માટે ધાતુના વાસણમાં પાણી ભરી રાખો.
·         પ્રેશર કૂકરમાં બને એટલું ઓછું પાણી નાંખો. પ્રેશર કુકરની સીટી વાગે એટલે ઉપરની દટ્ટી દબાવી દઈ ગેસ એકદમ ધીમો કરી નાખો અને ૧૫ મિનિટ પછી ઓલવી નાખો. તરત સીટી વગાડવી જરૂરી નથી.(પ્રેશર કુકર સીટી ગણતુ નથી)
·         જેમાં ખટાશ હોય તેવી રસોઈ માટે એલ્યુમિનિયમ ના વાસણ વાપરો. જેમકે દૂધ ઉકાળવા માટે,બટાટા ,શક્કરીયા બાફવા માટે , ચહા બનાવવા વગેરે.
·         બટાટા કે ઇંડા બાફતી વખતે પાણી ઉકળવા માંડે એટલે ગેસ તદ્દન ધીમો કરી નાંખો (ગેસ ફાસ્ટ રાખવાથી વરાળ વધુ બને છે એટલું પરંતુ તેની કાંઈ વસ્તુ જલદી બફાતી નથી.)

પાણી બચાવવા માટે :
·        
           બ્રશ કે દાઢી કરતી વખતે વોશબેસિન પાસે પાણી ભરેલી ડોલ અને ટંબલર રાખો. નળનો ઉપયોગ બને એટલો ટાળો.
·         પાણીયારા નજીક ડોલ મુકી વધારાનું પાણી તેમાં નાંખો. પાણીથી પોતું કરો અને પોતું કર્યા બાદ વધેલું પાણી ગટરમાં નાંખતા કૂંડા કે બગીચામાં નાંખો.
·         ખોટી શરમ છોડી મહેમાનને પાણી નાના પ્યાલામાં આપો - જરૂર હોય તો બીજી વાર આપી શકાય છે.
·         શાવર નહિ પણ ડોલના પાણીથી સ્નાન કરો. શિયાળામાં આંતરે દિવસે અને સાંજે સ્નાન કરવાનું રાખો. ઉર્જા અને પાણી બંને બચશે. ઉનાળામાં બે વાર સ્નાન કરવાને બદલે સવારે સ્પંજ અને સાંજે સ્નાન કરવાનું રાખો.
·         શક્ય હોય તો કપડાં તારવેલું સાબુવાળું પાણી ભરી રાખો અને તેનો ઉપયોગ જાજરૂમાં ફ્લશ કરવા માટે કરો.
·         ચોમાસાની રુતુમાં બને ત્યાં સુધી વરસાદનું પાણી વાપરો.
·         હોટલમાં ખાવા ગયા હોવ ત્યારે એક ડીશ પતે એટલે વેઈટર પ્લેટ્સ બદલવા આવે છે. પ્લેટ્સ ધોવામાં ઘણાં પાણીનો વ્યય થાય છે. પાણી બચાવવા એક પ્લેટમાં ખાવાનો આગ્રહ રાખો.

કાગળ બચાવવા માટે :
·     
           નવા વર્ષની કે અન્ય કોઈ શુભેચ્છા પાઠવવા કાર્ડ મોકલવાને બદલે એસ.એમ.એસ. કે વોટ્સ એપ નો ઉપયોગ કરો. કાર્ડ,કવર અને પોસ્ટની ટિકીટ માટે વપરાતો કાગળ બચશે. વળી કાર્ડ લેવા જવાનો સમય બચશે અને પોસ્ટ ખાતા પર ભાર ઘટશે.
·         પોસ્ટકાર્ડથી કામ પતતું હોય તો આંતર્દેશીય પત્રનો અને આંતર્દેશીય પત્રથી કામ પતતું હોય તો કવરનો ઉપયોગ કરવાનું ટાળો.
·         પેપર નેપકીનનો ઉપયોગ બંધ કરો.પેપર ડીશને બદલે મેલેમાઈનની ડીશ અથવા પતરાળા વાપરો.
·         કાગળની બંને બાજુ વાપરો, દાખલા ગણવા સ્લેટનો ઉપયોગ કરો.
·         ગયા વર્ષના પાઠ્યપુસ્તકો ધોરણમાં આવેલા બીજાને આપો.
·         એક તરફ વપરાયેલો કાગળ બીજી બાજુ પ્રિન્ટ કરવા માટે વાપરી શકાય. પ્રિન્ટ કરતે વખતે નવો કાગળ હોય તો તેની બંને બાજુ પ્રિન્ટ થાય એવો આગ્રહ રાખો.

પેટ્રોલ બચાવવા માટે :
·    
            સાઈકલ વાપરો.
·         બિનજરૂરી હોર્ન વગાડશો નહિ. (હોર્ન વગાડવાથી પણ પેટ્રોલ વપરાય છે.)
·         દૂરથી લાલ સિગ્નલ દેખાય તો એક્સલરેટર ઉપરથી પગ ઉપાડી લો. વાહનને કુદરતી રીતે ધીમું પડવા દો અને છેલ્લે ધીમેથી બ્રેક દબાવો.
·         સિગ્નલ પર લાંબો સમય ઉભા રહેવાનું હોય ત્યારે વાહન બંધ કરી દો.
·         વાહન ફાસ્ટ ચલાવી ને પછી ચીચુડા વાગે તેવી રીતે જોરથી બ્રેક મારવાથી ) પેટ્રોલ વેડફાય છે. ) ટાયર ઘસાય છે.) બ્રેકના લાઈનર ઘસાય છે.)રસ્તો ખરાબ થાય છે.
·         જ્યારે પણ પેટ્રોલ ભરાવો ત્યારે ટાયર માં હવા ભરાવો.
·         દર મહીને મોટરનું એર-ફીલ્ટર સાફ કરો.
·         જો બસ મળતી હોય તો કારને બદલે બસનો ઉપયોગ કરો.
·         શક્ય હોય ત્યાં સુધી શાળા ,બજાર,ઓફિસ,ફેક્ટરી વગેરે જગાએ જવા માટે કાર પુલ કરો.

અન્ય :
·         
            બને ત્યાં સુધી સ્ટેમ્પ ને બદલે ટાંકણી વાપરો.
·         કવર બંધ કરવા સ્ટેપલ નહિ પણ ભાત કે ફેવિકોલ વાપરો.
·         વર્ષગાંઠ ની ઉજવણી માં લેવાતી ગિફ્ટ અને અપાતી રીટર્ન ગિફ્ટનો વ્યવહાર બંધ કરો. આવા વ્યવહારથી ઘરમાં કચરો એકઠો થાય છે.જરા તપાસ કરો કે તમારા ઘરમાં વણવપરાતાં કંપાસ બોક્સ, વોટર બેગ,ક્રેયોન્સ વગેરે કેટલા છે. વળી ગિફ્ટ રેપ કરવા માટે વપરાતા કાગળ બનાવવા માટે વપરાયેલી ઉર્જા અને પેદા થયેલા પ્રદૂષણથી શું ફાયદો થયો?
·         લગ્નપ્રસંગે ભેટ કે ગિફ્ટ કુપન આપવાને બદલે ચાંદલો આપો. એક લગ્નમાં કન્યાને ભેટમાં ચાર ઇસ્ત્રીઓ આવી હતી.
·         હોળી પ્રગટાવવાને બદલે તેના પ્રતીક રૂપે મીણબત્તી પ્રગટાવો પણ જો તેમ કરવું હોય તો હોળીનું કદ બને એટલું નાનું રાખો. બે-ત્રણ પોળો કે સોસાયટીનું જૂથ બનાવી વારાફરતી દર વર્ષે એક હોળી પ્રગટાવો.
·         રાવણદહન કે વિરોધ દર્શાવવા પૂતળાઓના દહન બંધ કરો.
·         ફટાકડા ફોડવાથી વાતાવરણ માં સલ્ફર ડાયોક્સાઈડ અને કાર્બન ડાયોક્સાઈડ નું પ્રમાણ ઘણું વધી જાય છે તેથી તેમાં સંયમ રાખો.
·         વિમાનની મુસાફરી નછૂટકે કરો.

 સંકલન : હેમંત સુથાર

પ્રેષક : સુરેશ એમ.કાપડિયા