Translate

લેબલ taw સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ taw સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શનિવાર, 10 જૂન, 2017

વોક લેતા લેતા વૃક્ષોની સરાહના

ગયા સોમવારે પાંચમી જૂને વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાયો.૧૯૭૪થી પાંચમી જૂનના દિવસને વર્લ્ડ એન્વાયરેમેન્ટ ડે તરીકે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે.દર વર્ષે કોઈક એક દેશ યજમાન બને અને તે વર્ષની થીમ નક્કી કરે.એ થીમની આસપાસ ગૂંથાયેલા મુદ્દાઓને લગતા કાર્યક્રમો આ દિવસે અને વર્ષભર ઉજવાય અને પર્યાવરણ સંવર્ધન અને જાળવણીનો સંદેશ લોકો સુધી પહોંચાડાય. ભારત પણ વર્ષ ૨૦૧૧માં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી માટે યજમાન બન્યું હતું અને એ વર્ષની થીમ હતી "ફોરેસ્ટ : નેચર એટ યોર સર્વિસ".આ વર્ષનો યજમાન દેશ છે કેનેડા અને તેણે નક્કી કરેલી આ વર્ષની થીમ છે "કનેક્ટીંગ વિથ નેચર" એટલે કે પ્રકૃતિ સાથે જોડાણ..ગામડાનાં લોકો તો ઘણી બધી રીતે કુદરત સાથે જોડાયેલા હોય છે પણ શહેરોમાં વસતા લોકોએ આ અંગે વિચારવાની જરૂર છે.
પ્રકૃતિ સાથે તમે કઈ રીતે જોડાઈ શકો?
ઘરની બહાર નીકળો.બાગમાં જાવ,જંગલમાં જાવ,દરિયા કિનારે જાવ,ટેકરી કે ડુંગર પર જાવ અને સ્વચ્છ હવા તમારા શ્વાસમાં ભરો. ઘાસ પર ખુલ્લા પગે ચાલો, દરિયા કિનારાની રેતી પર ખુલ્લા પગે ચાલો. ફૂલોને અને પાંદડાને સ્પર્શો, પતંગિયાને જુઓ, ફુલોના અને વિવિધ રંગી જીવડાઓના રંગો અને સૌંદર્યને માણો. પંખીઓના મધુર સ્વરનું ગીત અને જીવડાઓના ગણગણાટને ધ્યાનથી સાંભળો-માણો. ઘેર પ્રાણી પાળ્યું હોય કે માછલીનું એક્વેરિયમ બનાવ્યું હોય તો તેની સાથે સમય પસાર કરો. તાજા ફળોનો સ્વાદ માણો,સુગંધીદાર પુષ્પોની-તાજા વરસાદની ખુશ્બો માણો. આકાશમાં તરતા વાદળો અને મેઘધનુષને વિસ્ફારીત નયને જુઓ. રાતે ટમટમતા તારલાઓથી ભરેલા નભને પણ ધરાઈ ધરાઈને જુઓ. ઝાકળની નજાકત માણો, સવારનો સુકોમળ તડકો માણો, સંધ્યાની સુંદરતા માણો. કુદરતના લખલૂટ ખજાનાનું આકંઠ પાન કરો. પ્રકૃતિ આના કોઈ પૈસા નહિ વસૂલે અને તમને જે આનંદ અને ખુશીનો અનુભવ થશે તે કોઈ અન્ય પ્રકારના આનંદ કે સંતોષ કરતા નોખો અને વધુ મનનીય હશે એ ચોક્કસ!
અગાઉ ૦૮-માર્ચ-૨૦૧૫ના દિવસે ‘નિસર્ગના સાન્નિંધ્યમાં - ટ્રી અપ્રિશિયેશન વોક’ બ્લોગ લેખમાં જે પ્રવૃત્તિની વાત કરી હતી તે પ્રકારની જ એક વોક માટે હું ૨૮મી મે ૨૦૧૭ના રવિવારની વહેલી સવારે ગયો. મુંબઈવાસી બે વયસ્ક સન્નારીઓ ઉષા દેસાઈ અને રેની વ્યાસ આ પ્રકારની નેચર વોક્સ છેલ્લા થોડા વર્ષોથી મુંબઈ અને આસપાસના બગ-બગીચા અને જંગલોમાં યોજે છે અને આપણી આસપાસના વૃક્ષોની માહિતી રસપ્રદ રીતે આપે છે. ૮૩મી ટ્રી એપ્રિશિયેશન વોક આ બે સન્નારીઓ, નેશનલ સોસાયટી ઓફ ધ ફ્રેન્ડ્સ ઓફ ટ્રીઝના અધ્યક્ષ અશોક કોઠારી અને વસુંધરા ગ્રીન ક્લબના સ્થાપક મિત્ર જયેશભાઈ હરસોરા અને અન્ય ચાલીસેક પ્રકૃતિ-પ્રેમીઓ સાથે મલાડમાં ઇન-ઓર્બીટ મોલ પાછળ આવેલા હિલ-ટોપ ગાર્ડનમાં માણી. આ ટોળીમાં યુવાન-વરીષ્ઠ સરખી સંખ્યામાં હતા. અમે બધાં બે ટુકડીઓમાં વહેંચાઈ ગયા હતા જેમાં પહેલી ટુકડીના લીડર હતા રેની વ્યાસ અને બીજી ટુકડીના લીડર હતા ઉષા દેસાઈ. લગભગ સાડા સાતે અમે ચાલવું શરૂ કર્યું. બંને ટુકડીઓએ અલગ અલગ દિશામાં પ્રયાણ કર્યું.જે વીસ-પચીસ વૃક્ષોની માહિતી અમારે ચર્ચાવાની હતી તેની યાદી અમને આપવામાં આવી હતી. હું બીજી ટુકડીમાં હતો જેના લીડર હતા ઉષામા. ઉષા દેસાઈ ઉંચાઈમાં બટકા પણ એટલા હેતાળ અને મળતાવડા કે હું તેમને ઉષામા ના હૂલામણા નામે જ સંબોધુ.



અમારા માર્ગમાં પહેલું ઝાડ આવ્યું દેશી બદામનું. ઉષામાએ તેના પાન,ફળ,ફૂલ અને પરાગનયન વિષે રસપ્રદ માહિતી આપી. એક વાત જાણીને નવાઈ લાગી કે અલગ અલગ પ્રકારના ઘણાં ઝાડ-છોડ-વેલાના પુષ્પોના પરાગનયન અલગ અલગ પણ એકાદ ચોક્કસ જાતિના જંતુઓ દ્વારા થાય છે. બદામ પછી વારો આવ્યો બોગનવેલ અને બારમાસીના પુષ્પ-વનસ્પતિનો. બારમાસીના ફુલનું આખું ડિસેકશન કરી ઉષામાએ બતાવ્યું. પછી જોયા ચોક્કસ આકારમાં કાપીને ઉગાડાયેલા 'વીપીંગ ફીગ' નામના છોડ. આ છોડને ખાસ પ્રકારે કાપી હાથી,હરણ કે છત્રી જેવા ખાસ આકારમાં ઉગાડવામાં આવે છે. ત્યાર બાદ ગોળ કિનારી વાળા અને અણીદાર છેડાવાળી કિનારી વાળા એમ બે પ્રકારના ચંપાના ફુલના ઝાડ જોયા.બંને પ્રકારના ચંપાના ફૂલ દેખાય સરખા જ અને સુગંધ પણ એક જેવી સુંદર ધરાવે પણ ધ્યાનથી જુઓ તો માલૂમ પડે કે એક પ્રકારના ચંપામાં ફૂલોની પાંખડી છૂટ્ટી છૂટ્ટી જ્યારે બીજા પ્રકારના ફૂલમાં પાંખડીઓ એકમેકની ઉપર કિનારી તરફથી ગોઠવાયેલી હોય અને બંધ પ્યાલા જેવો આકાર બનાવે!  દુબઈમાં આવેલી વિશ્વની સૌથી ઉંચી ઇમારત બુર્જ ખલીફાની ડિઝાઈન જે પુષ્પની રચના પરથી પ્રેરાઈને કરવામાં આવી છે તે ‘ગાર્ડન લીલી’ના પુષ્પો જોયા. ઇન્ડિયન શોટ તરીકે ઓળખાતા કેનોના ફુલના છોડ જોયા.આ વનસ્પતિના બીજ નાનકડા ગોળાકાર પણ અતિ સખત હોય છે અને તેથી તેઓ પ્રાચીન સમયમાં યુદ્ધ સમયે બંદૂકમાં ગોળી તરીકે વપરાતા એટલે જ તેને ઇન્ડિયન શોટ નામ મળ્યું.
                                      
પછી તો આગળ વધતા જઈએ એમ એમ નવા ઝાડ આવતા જાય જેની માહિતી ઉષામા અમને સૌને એ ઝાડની નીચે ઉભા ઉભા આપતા જાય.ખુબ મજા પડી રહી હતી આ રીતે કુદરતના ખોળે ભમી તેની અવનવી માહિતી મેળવવાની. આંકડો જોયો, ગરમાળો જોયો, સોસેજ ટ્રી જોયા,ખજૂર-ખારેકના ઝાડ જોયા, સૂર્યમુખી, મધુમાલતી, હમિંગબર્ડ બુશ, સ્કારલેટ કોર્ડિઆ, સેજ જેવા વૃક્ષો જોયા તો સાથે જ માઉસ ટેઈલ તરીકે ઓળખાતી તેમજ અન્ય ઔષધિય ગુણધર્મો ધરાવતી વનસ્પતિ પણ જોઈ. સાયક્સ પામ અને અન્ય ઘાસ-વાસ જેવી વનસ્પતિ પણ જોઈ અને તે સૌ અંગેની અવનવી માહિતી પણ મેળવી. જેના નામ સાંભળ્યા હતા અને કદાચ ઝાડ પહેલા જોયા હતા પણ ખબર નહોતી કે એ તે પ્રકારના કે તે ફુલના ઝાડ છે એવા બોરસલ્લી - બકુલ પુષ્પના ઝાડ જોયા (જેના ગજરા ઘણી સ્ત્રીઓ પહેરતી હોય છે અને જેની સુગંધ તીવ્ર-મીઠી હોય છે),જેની આસપાસ કૃષ્ણ-ગોપીઓ રાસ રમતા એવા કદંબના ઝાડ જોયા,અલગ જ પ્રકારની ડાળીઓની સ્તરીય ગોઠવણી ધરાવતા મડાગાસ્કર બદામના ઝાડ જોયા. દરેક ઝાડ મૂળ ક્યાંનુ છે,ભારતમાં કઈ રીતે આવ્યું,તેની સાથે સંકળાયેલી કોઈ વાર્તા કે લોકકથા હોય એ પણ ઉષામા એમની રસપ્રદ શૈલીમાં સંભળાવે.
જેમ કે કદંબનું ઝાડ જોતી વખતે તેમણે મારી પાસે પ્રભાતિયું - જળ કમળ છાંડી જાને બાળા... ગવડાવ્યું અને પછી કાલિયદમનનો પ્રસંગ સંભળાવી એ ઘટનાનો ઉલ્લેખ કર્યો કે કાલિય નાગ જ્યારે ફૂંફાડા મારી વિષ ઉછાળતો ત્યારે આસપાસના બધાં ઝાડ એ વિષની અસરથી મરી જતા પણ કદંબ વૃક્ષને વરદાન હતું અને કાલિયના ઝેરની કોઈ જ અસર આ એક્માત્ર વૃક્ષ પર થતી નહોતી. કારણ સમુદ્ર મંથન વેળાએ ઉત્પન્ન થયેલા અમૃતનો કળશ લઈ ગરુડ ઉડતા ઉડતા કદંબના વૃક્ષ પર જઈ બેસેલું અને અમૃતના થોડા ટીપાં આ ઝાડ પર પડતા તેને અમરત્વ પ્રાપ્ત થયું હતું. આથી જ એ પવિત્ર વૃક્ષ ગણાય છે. તળાવમાં નહાતી ગોપીઓના વસ્ત્રો લઈ કૃષ્ણ આ ઝાડ પર જ ચડી તેમને પજવતા!
પાસે જ પારિજાત નામે ઓળખાતા કેસરી દાંડી અને સફેદ પાંખડી ધરાવતા સુંદર નાજુક પુષ્પો ધરાવતું અન્ય એક ઝાડ જોયું.એના વિશે પણ ઉષામાએ મજેદાર માહિતી વાર્તા સહિત સંભળાવી.પારિજાત પ્રાચીન સમયમાં એક સુંદર રાજકુમારી સ્વરૂપે પૃથ્વી પર રહેતી હતી. તેને સૂર્ય સાથે પ્રેમ થઈ ગયો.સૂર્યને પણ આ રાજકુમારી ગમી ગઈ અને તેઓ સાથે રહેવા લાગ્યા પણ સમય જતાં સૂર્ય કંટાળ્યા અને ફરી આકાશમાં જતા રહ્યા.રાજકુમારી તો ઉદાસ થઈ ગઈ અને વિરહમાં ઝૂરી ઝૂરી અંતે મૃત્યુ પામી.પછી તો એ ઝાડ થઈ અવતરી પણ સૂર્ય પ્રત્યેની નારાજગી યથાવત રહેતા તેના ફૂલો સૂર્ય આથમે ત્યારે ઉગે અને જેવો સૂર્ય ઉગે એટલે ખરી પડે. બીજી પણ આ વૃક્ષ સાથે સંકળાયેલી એક રસપ્રદ કૃષ્ણ-સત્યભામા-રુકમણીની લોકકથા ઉષામાએ સંભળાવી.જોકે એ હું અહિ લખતો નથી,તમને રસ હોય તો હવે પછીની ટ્રી અપ્રિશિયેશન વોકમાં એ કથા ઉષામાના મોઢે પ્રત્યક્ષ સાંભળવા પહોંચી જજો!
બે-અઢી કલાકમાં આ અને આવી તો કેટલીયે રસપ્રદ વાતો અમે સાંભળી અને આપણી આસપાસ જ ઉગતા ઝાડો પ્રત્યે અમને અહોભાવની લાગણી થઈ આવી. મલાડમાં પાછલા બારેક વર્ષ અગાઉ આ હિલ-ટોપ ગાર્ડનની રચના થયેલી અને આવા અનેક પ્રકારના ઝાડ-છોડ-ફુલોથી તે આજે સજ્જ છે.તેની મુલાકાત પણ લેવા જેવી ખરી.

ફરી પાછી પ્રકૃતિના જોડાણ સાથેની વાત યાદ અપાવતા છેલ્લે એટલું જ કહેવાનું કે જીવવાની સાચી રીત પ્રકૃતિ સાથે જોડાઈને જીવવામાં જ છે.આમ કરીશું તો જ આપનારી આવનારી પેઢીઓ સુખેથી પૃથ્વી પર રહી શકશે અને અહિ જીવન ટકી શકશે.

સોમવાર, 9 માર્ચ, 2015

નિસર્ગનાં સાન્નિધ્યમાં...ટ્રી અપ્રિસિયેશન વોક


મુંબઈનાં ઉત્તર ભાગમાં આવેલ  આરે વિસ્તાર એ ગણ્યાંગાંઠ્યાં બચવા પામેલા હરિત વિસ્તારોમાંનો એક છે જેને મુંબઈના ફેફસા સમો ગણી શકાય. અહિં ૨૫૦૦થી વધુ ઝાડ   કાપી પ્રસ્તાવિત મેટ્રોનું શેડ બનાવવાનો વિચાર કરાયો હતો જેનો પર્યાવરણ પ્રેમીઓએ જોરદાર વિરોધ નોંધાવ્યો છે અને પરિણામે સરકારે પણ આ વાત પર વધુ વિચાર કરવાનું નક્કી કરી તત્પૂરતો આ પ્લાન માંડી  વાળ્યો છે. આશા છે વેલેન્ટાઈન ડેનાં બીજા દિવસની રવિવારની સવારે આ અંગેની વિરોધ પ્રદર્શન માટે યોજાયેલી રેલી રંગ લાવે અને આરેનાં હજારો લીલછમ વૃક્ષો બચી જવા પામે.
એ જ સવારે હું સપરિવાર અન્ય એક પર્યાવરણ સમીપે પ્રકૃતિનો ખોળો ખૂંદવાના કાર્યક્રમનો હિસ્સો બન્યો જે અમારા માટે યાદગાર બની રહ્યો.

આ કાર્યક્રમ એટલે મુંબઈનાં કેટલાક પર્યાવરણવિદ વૃક્ષપ્રેમી મિત્રોએ બનાવેલા ગ્રુપ 'TAW' દ્વારા આયોજિત  નિસર્ગનાં સાન્નિધ્યમાં લટાર - નેચર ટ્રેઈલ - ટ્રી અપ્રિસિયેશન વોક. આ ગ્રુપ નિયમિત રીતે આ પ્રકારની વોક્સનું આયોજન રવિવારની સવારે મુંબઈનાં બચી ગયેલાં હરિત વિસ્તારોમાં કે બાગ-ઉદ્યાનોમાં યોજે છે. છેલ્લાં પાંચ વર્ષમાં તેમણે આવી પચાસ કરતાં વધુ વોક્સનું આયોજન કર્યું છે. હેતુ સામાન્ય લોકોમાં વૃક્ષો પ્રત્યે પ્રેમ અને જાગરૂકતા ફેલાવવાનો - આપણી આસપાસનાં મૂક હરિત મિત્રો - ઝાડો ને જાણવાં,મળવાનો અને તેમને અપ્રિશિયેટ કરવાનો જે આ ગ્રુપનું નામ પણ યથાર્થ રીતે સૂચવે છે. ડો.ઉષા દેસાઈ, રેની વ્યાસ,કેટી,શુભદા,ડો.શીલા, હુતોક્ષી વગેરે નિસર્ગપ્રેમી મહિલાઓએ ટ્રી અપ્રિસિયેશન વોક્સની શરૂઆત કરી હતી હવે વધુ અને વધુ લોકો આ વોક્સમાં જોડાતા રાજેન્દ્ર અને વિપ્લવ જેવા મિત્રો પણ ડો.ઉષાની ટીમમાં જોડાયા છે. બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી(BNHS)માં ચાલતા વનસ્પતિશાસ્ત્ર,જૈવિક વિવિધતા,જંતુઓનો અભ્યાસ,પક્ષીઓનો અભ્યાસ,સરિસૃપ તેમજ દ્વિચર પ્રાણીઓનો અભ્યાસ વગેરે જેવા નિસર્ગ-સંબંધિત કોર્સ કરતી વેળા આ બધાં નિસર્ગપ્રેમી મિત્રો એકબીજાને નિયમિત મળતાં અને તેઓ ઘણાં સમય સુધી આપણાં શહેરનાં હરિત વિસ્તારોની મુલાકાતે પણ સાથે જતાં.આ ટ્રેઈલ્સ દરમ્યાન તેમને મળેલાં આનંદ અને જ્ઞાનની વહેચણી તેમનાં ઘણાં મિત્રો અને સાવ અજાણ્યા લોકો પોતાની સાથે કરવાની માંગણી કરવા લાગ્યાં અને આથી તેમણે ટ્રી અપ્રિસિયેશન વોક્સની શરૂઆત કરી. પ્રથમ TAW વોક ૨૦૧૦ના એપ્રિલમાં સાગર ઉપવન (BPT ગાર્ડન) ખાતે યોજાઈ હતી ત્યારથી અત્યાર સુધી લગભગ ૫૦૦થી વધુ લોકો આ વોક્સમાં જોડાઈ ચૂક્યાં છે.

આ વોક્સમાં પર્યાવરણ વિશે જ્ઞાન મેળવવા ઇચ્છતાં કે વનસ્પતિશાસ્ત્ર માં રસ ધરાવતાં ૨૫-૫૦ લોકો ગ્રુપનાં એક-બે નિષ્ણાતો સાથે બે-ત્રણ કલાક હરિયાળા ઝાડ-પાન વચ્ચે ચાલે છે અને આપણી આસપાસ જ ઉગેલાં પણ આપણે અત્યાર સુધી જેની સામે ધ્યાનથી જોયું પણ નહિ હોય તેવાં વૃક્ષો વિષે રસપ્રદ માહિતી આપે  છે. આ વોક્સ દરમ્યાન ઝાડપાન વિશેની સામાન્ય રસ પડે તેવી વાતો જ ચર્ચવામાં આવે છે અને સૂક્ષ્મ ટેક્નિકલ બાબતોની ચર્ચા કરવામાં આવતી નથી જેથી વિષયવસ્તુ રસપ્રદ બની રહે.લોકોને વોક દરમ્યાન સંપર્કમાં આવનારા દરેક ઝાડની વિશિષ્ટ લાક્ષણિકતાઓથી માહિતગાર કરાવાય છે જેમકે ઘોસ્ટ ટ્રીના થડની વિચિત્ર છાલ,અમલતાસનાં સુંદર ફૂલો,હલ્દુના ભિન્ન આકાર ધરાવતા પર્ણો વગેરે.દરેક ઝાડના મૂળ ઉદગમસ્થાનની પણ માહિતી આપવામાં આવે છે જેથી કયા વૃક્ષો દેશી અને કયા વિદેશી તેનો આપણને ખ્યાલ આવે. તેમની વૈદકીય તેમજ ઔદ્યોગિક ઉપયોગિતાની પણ ચર્ચા તેમની સાથે કોઈ પૌરાણિક કે ધાર્મિક વાત જોડાયેલી હોય તો તેના સહિત કરવામાં આવે છે.

મને રાણીબાગની એ લટાર દરમ્યાન અનેક જવલ્લે જ જોવાં મળતાં તો કેટલાક રોજબરોજ નજરે ચડતાં વૃક્ષો વિષે ક્યારેય ન વાંચેલી - જાણેલી રસપ્રદ  માહિતી પ્રાપ્ત થઈ. અમારી સાથે વયસ્ક મૃદુભાષી  વનસ્પતિશાસ્ત્રી ગુજરાતી સન્નારી ડો.-પ્રો. ઉષા દેસાઈ અમારા આગેવાન હતાં. કોઇને પણ જોતાં જ ગમી જાય એવા પ્યારા, કદમાં બટકા અને તેમનાં સિગ્નેચર કોટ -પેન્ટ - હેટનાં પોષાકમાં સજ્જ  ઉષામાને હું અગાઉ આ કટારમાં જેના પર એક બ્લોગ પોસ્ટ લખી હતી તેવા નિસર્ગપ્રેમી મિત્રોનાં વ્હોટ્સ એપ ગ્રુપ 'નેચર વર્લ્ડ' થકી ઓળખું પણ રાણી બાગની વોક બાદ મારા તેમનાં પ્રત્યેનાં પ્રેમ અને માન ઓર વધી ગયાં. અતિ રસાળ શૈલીમાં તેઓ એક પછી એક ઝાડનો પરિચય કરાવતાં ગયાં અને એટલું જ નહિ તેમણે એ વૃક્ષો સાથે સંકળાયેલી ધાર્મિકથી લઇ ,ભૌગોલિક અને વૈજ્ઞાનિક માહિતી શક્ય એટલી સરસ રીતે રજૂ કરી.  અમે લગભગ પચ્ચીસ કરતાં વધુ વૃક્ષો બે કલાકની નેચર ટ્રેલ દરમ્યાન નિહાળ્યાં.તેમનાં ફૂલો,ફળો અને પાન તેમજ થડની  વિવિધતાં આટલા બારીકાઈથી આ અગાઉ ક્યારેય જોયા નહોતાં.
 

 

રાણીબાગમાં ઘૂમતાં ઘૂમતાં કૈલાસપતિ,રોઝ ઓફ વેનેઝુએલા, વડ જેવાં જ પાન ધરાવતાં  રબર, કૃષ્ણ વડ,અશોક,યુકેલિપ્ટસ,ફણસ,બાઓબાબ,ખજૂર,બકુલ,કોકો,તમન ,વર્ષાવૃક્ષ ,ઉર્વશી વગેરે  અનેક વૃક્ષોને જોવા-જાણવા ની  અને તેમનાં ફળ-ફૂલ વિષે પ્રત્યક્ષ માહિતી મેળવવાની ખૂબ મજા આવી.અમારી સાથે વનસ્પતિશાસ્ત્રનો અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓથી માંડી વયોવૃદ્ધ વનસ્પતિપ્રેમી,વનસ્પતિનિષ્ણાતો, ડોક્ટર્સ તેમજ ફોટોગ્રાફરોથી માંડી ગૃહિણીઓ પણ  આ વોકમાં સામેલ હતાં.  કૈલાસપતિનાં વિચિત્ર મોટાં ફૂલ અને બદબૂ ધરાવતાં કડક મોટાં ફળ,કોકોનાં થડ અને ડાળીમાંથી જ સીધા ઉગતાં ફૂલ-ફળ, રોઝ ઓફ વેનેઝુએલાનાં ઝૂમખામાં ઉગતાં સુંદર લાલ ફૂલ, બાઓબાબ નાં હાથીના પગ જેવા જાડાપાડા થડ તો કૃષ્ણ વડના પર્ણનાં છેડે વાટકી જેવો વિશિષ્ટ આકાર ધરાવતાં પાન ,અશોક અને ઉર્વશીનાં અનુપમ સૌંદર્ય  ધરાવતાં  પુષ્પો જોઇ ક્યાંક આશ્ચર્ય તો ક્યાંક બેહદ ખુશી તો ક્યાંક અનેરી ધન્યતાનો અનુભવ થયો. ઉષામાનાં મોંએ આ ઝાડોનાં અટપટાં વૈજ્ઞાનિક નામો અને દેશ-વિદેશની આ ઝાડો સાથે સંકળાયેલી કિંવદિતીઓ-કથાઓ સાંભળવાની અને આમાંના કેટલાક  ઝાડ મૂળ વિદેશનાં હોવા છતાં તેઓ ભારતમાં કૈ રીતે આવ્યાં તેનો રસપ્રદ ઇતિહાસ જાણવાની ખુબ મજા આવી. વોકને અંતે અમને સૌને બે જૂથમાં વહેંચી ઉષામાએ પ્રશ્નોત્તરી સ્પર્ધા યોજી અને અમે બંને જૂથોએ સઘળાં પ્રશ્નોનાં ખરા ઉત્તર આપી ઉષામાને ખુશ કરી દીધાં!
                                 
આ ઇવેન્ટનો ગ્રુપ ફોટો અને અમે જોયેલાં વૃક્ષોનાં-ફળ્-ફૂલોનાં-થડ-પાનનાં રંગબેરંગી ફોટા તમે ફેસબુકનાં ગ્રુપનાં પેજ પર જઇ જોઇ શકશો.આગામી ટ્રી અપ્રિસિયેશન વોકની માહિતી પણ તમને ત્યાંથી મળી શકશે. રવિવારની સવારે મોડે સુધી ગાદલામાં ભરાઈ રહેવા કરતાં એકાદ વાર નિસર્ગનાં સાન્નિધ્યમાં લીલોતરી વચ્ચે શુદ્ધ હવા શ્વાસમાં ભરી,લટાર મારતાં મારતાં વૃક્ષો વિશેની રસપ્રદ માહિતી મેળવવાની તક ઝડપવા જેવી ખરી!