એક હોંશિયાર, સજાગ અને સ્વતંત્ર યુવતી સાંજના સમયે ઓફિસેથી કામ પતાવી ચાલીને પોતાના ઘેર જઈ રહી છે. હાલમાં શિયાળો ચાલુ હોવાથી અંધારું જલ્દી થઈ જાય છે. માર્ગમાં એક સૂનકાર ધરાવતી જગાએ તેની નજર એક માસૂમ બાળક પર પડે છે જે રડી રહ્યું છે. સ્વભાવે પરગજુ અને પરોપકારી હોવાને લીધે યુવતીને એ બાળકની મદદ કરવાનું મન થાય છે. એક પળનો યે વિચાર કર્યા વગર એ પેલા બાળક પાસે પહોંચી જાય છે અને તેના વાંસે હાથ ફેરવે છે. હીબકાં ભરતાં એ બાળક તેને કહે છે કે પોતે ભૂલું પડી ગયું છે અને તેને પોતાનાં માતાપિતા પાસે જવું છે. તેના હાથમાં ડૂચો વળેલી ચબરખી છે જેના પર એક સરનામું લખેલું છે. તે યુવતીને કહે છે કે એ તેના ઘરનું સરનામું છે અને જલ્દીમાં જલ્દી એ તેને ત્યાં લઈ જાય. યુવતીનું હ્રદય તેના મગજ પર હાવી થઈ ગયું છે તેથી તે બીજો કોઈ જ વિચાર કર્યા વગર પેલા સરનામે બાળકને લઈ જવા આગળ વધે છે. તેને ખબર નથી કે એ સરનામું કોઈ ઘરનું નહીં પણ એક જાળ છે અને પેલું નિર્દોષ દેખાતું બાળક એ જાળમાં બિછાવેલું પ્યાદું. પેલા નિર્જન એવા વિસ્તારમાં પહેલેથી જ એ જાળ બિછાવનારા ગુંડાઓ હાજર હોય છે અને તે યુવતીને ઉઠાવી લે છે. લોભ કે બેદરકારીને કારણે નહીં પરંતુ દયાભાવને કારણે એ યુવતી આમ પોતે અપહરણનો ભોગ બની જાય છે. એક વકીલ દ્વારા વોટ્સ એપ પર શેર કરાયેલ આ એક સાચો કિસ્સો છે.
અહીં એ જાળ બિછાવનારા શેતાનોને ખબર છે કે એક દયાળુ સ્ત્રીનું હ્રદય કઈ રીતે કામ કરે છે અને આ માનસિકતાનો તે દુરુપયોગ કરી તે પેલી દયાળુ યુવતી જેવી સ્ત્રીઓને પોતાની જાળમાં ફસાવે છે.
અહીં બાળકની જગાએ કોઈ લાચાર પુરુષ પણ હોઈ શકે છે જે પોતાની ગર્ભવતી પત્ની માટે મદદ માંગતો હોય, વૃદ્ધ દંપતિ હોઈ શકે છે જે કોઈક ઠેકાણે પહોંચવા તમારી પાસે મદદ માંગતું હોય કે કોઈ મેડિકલ ઈમરજન્સીનો ઢોંગ કરી તમને કોઈ હોસ્પિટલ પહોંચાડવાની માંગણી પણ કરી શકે છે. આ બધી પરિસ્થિતિઓ વાસ્તવિક જણાતી હોઈ શકે છે જે તમારી લાગણીઓ સાથે છેતરપિંડી કરનારી સાબિત થાય છે જો તમે ઝાઝો વિચાર કર્યા વગર તેમની જાળમાં સપડાઈ જાવ તો. યાદ રાખો કે મદદ માટેનો દરેક સાદ ખરો જ હોય એવું જરૂરી નથી. માટે સજાગ રહો, સાબદા રહો. મદદ કરતાં પહેલાં બે વાર વિચાર કરી લો.
ઉપરોક્ત દર્શાવેલ કિસ્સાની જેમ જો રસ્તામાં કોઈ રડતું બાળક દેખાય તો તેને બીજા કોઈ જ સરનામે લઈ ગયા વગર સીધું નજીકના પોલીસ સ્ટેશને લઈ જવું જોઈએ. તમને પોલીસ સ્ટેશન ના ખબર હોય તો એ જગા એ થી પોલીસ હેલ્પલાઈન ૧૦૦ કે ઈમરજન્સી નંબર ૧૧૨ કે બાળકોની મદદ માટેની હેલ્પલાઈન ૧૦૯૮ પર ફોન જોડી એ જગા એ આવી જવા જણાવી શકાય. તમને એ જગાનાં ચોક્કસ લોકેશનની જાણ ના હોય તો સામે વાળાને ગૂગલ મેપ પરથી લોકેશન મોકલી આપો જે અતિ સરળ છે. આ બધું શક્ય ના હોય તો બીજા કોઈની મદદે આવવાની રાહ જુઓ પણ એ બાળકને આડાઅવળા કે અજાણ્યા એવાં કોઈ જ સરનામે કે લોકેશન પર બિલકુલ ના લઈ જવું જોઈએ.
બીજો એક કિસ્સો થોડાં સમય અગાઉ મારી સાથે બન્યો. હું મહેસાણા સ્ટેશન પર મુંબઈ પાછાં ફરવાની રેલ્વે ટ્રેનની રાહ જોતાં બેઠો હતો. સવારનો સમય હતો અને સ્ટેશન પર જરાય ભીડ નહોતી. અચાનક એક વયસ્ક પરભાષી માણસ મારી પાસે આવી કહેવા લાગ્યો, "સાહબ, કલ રાતસે મૈ ભૂખા હું. મેરી ટ્રેન કેન્સલ હો ગઈ જો આધી રાત કો યહાં સે નિકલને વાલી થી. પ્લેટફોર્મ પે સોયા થા તબ મેરા મોબાઈલ ઔર પર્સ દોનો ચોરી હો ગયે. મહેરબાની કર કે મેરી મદદ કર દો. અભી કુછ ખાના ખાને કે લીયે ઔર વાપસ ઘર પહુંચને કે લિયે ટિકિટ નીકાલને કે લીયે થોડે પૈસો કી મદદ કર દો. ઘર લૌટતે હી મૈ આપ કે દીયે સારે પૈસે મોબાઈલ સે જી-પેય કર કે વાપસ ભેજ દૂંગા."
હું હજી તેની સાથે આગળ કંઈ વાત કરું એ પહેલાં એક કોલેજીયન યુવાન મારી પાસે આવ્યો અને તેણે મને ચેતવ્યો અને કહ્યું,"ઈસ આદમી પે બિલકુલ ભરોસા મત કરના. ચાર દિન પહેલે મેરે પાસ આ કે ભી કહાનીયાં સૂના રહા થા ઔર મદદ કી ભીખ માંગ રહા થા. મૈં રોજ યહા સે કોલેજ જાને કે લિયે ટ્રેન પકડતા હૂં ઔર ઈસે લોગો સે ઈસ તરહ મદદકી ભીખ માંગતે હૂએ દેખતા હૂં. કંઈ લોગ ઈસ કે ઝાંસે મેં આકે કુછ પૈસા દે ભી દેતે હૈ ઔર યે ઉનકો લૂંટને મેં સફલ રહતા હૈ." હજી એ કોલેજીયન પોતાની વાત પૂરી પણ કરે એ પહેલાં પેલો ધૂતારો રફુચક્કર થઈ ગયો. જો એ કોલેજીયન કદાચ સમયસર ના આવ્યો હોત તો? પેલા ધૂતારાની ખોટી બનાવેલી વાર્તા સાંભળતા મને મનમાં બીજા અંતર મને ચેતાવવાની કોશિશ કરી હતી કે એ 'જેન્યુઈન' લાગી રહ્યો નથી, પણ ત્યાં મારું પહેલું અંતર મન બીજા પર હાવી થતાં કહી રહ્યું હતું કે "ના, ના.. આ માણસ ખોટો તો નથી જ લાગી રહ્યો. ખરેખર એને મદદની જરૂર છે." પણ પેલાની વાત સાંભળતા સાંભળતા મારા આ બે અંતર મનો આગળ કોઈ સંવાદ સાધી કંઈક નિર્ણય લે એ પહેલાં જ પેલો કોલેજીયન આવી ચડ્યો અને તેણે મને હકીકતથી વાકેફ કરી દીધો.
આજના આ બ્લોગ લેખનો આશય તમને બીજાની મદદ ના કરવા સૂચિત કરવાનો કે કોઈને વાસ્તવિક રીતે મદદની જરૂર હોય ત્યારે આંખ આડા કાન કરતાં શીખવવાનો નથી. પણ આજનાં સમયમાં વ્યવહારુ અને સજાગ બનવામાં શાણપણ છે. તમારી ઈનસ્ટિન્ક્ટ તમને હંમેશા ચેતવે છે, એ અંતરનો સાચો અવાજ ઓળખતા શીખો.
- વિકાસ ઘનશ્યામ નાયક



ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો