આજે ભારતના આઝાદી દિવસે વાત કરવી છે આઝાદીની, પણ જરા જુદી આઝાદીની.
આપણાં સમાજમાં આજે પણ દીકરી અને દીકરા વચ્ચે ભેદભાવ થતો આવ્યો છે. એક સાચો તાજો કિસ્સો જણાવું. આઈ. સી. એસ. સી. અભ્યાસક્રમ ભણાવતી શાળાની ફી એસ. એસ. સી. અભ્યાસક્રમ ધરાવતી શાળાની ફી કરતા વધુ હોય છે. ગત વર્ષે એક પરિચિત મિત્રે પાંચમા ધોરણમાંથી પોતાની દીકરીનું એડમિશન રદ્ કર્યું અને તેને ઓછી ફી ધરાવતી એસ. એસ. સી. માધ્યમની શાળામાં મૂકી. કારણ? તેમનો દીકરો હવે પ્રાથમિક શાળામાં જવા જેવડો થયો હતો અને તેમની પરિસ્થિતિ એક જ સંતાનની વધારે ફી ભરી શકે તેવી હતી. દીકરી ભણવામાં ઘણી હોંશિયાર હતી અને દીકરાનું કૌશલ્ય તો હજી પરખાવાનું બાકી હતું, પણ દીકરાને ભણાવવો 'વધુ જરૂરી' હોવાથી દીકરીને અધવચ્ચેથી ડીમોટ કરી દેવાઈ. શું દીકરી સાથે આ યોગ્ય થયું?
દીકરીને તો લગ્ન કરી સાસરે મોકલી દેવાની છે એટલે એને વધુ ભણાવવાની કે તેની પાછળ વધુ ખર્ચ કરવાની જરૂર નથી આવી જૂની ખરાબ માનસિકતા આજે પણ ઘણાં લોકો ધરાવે છે. દીકરી અને દીકરો બંને વચ્ચે સુખ સુવિધા વહેંચવાની વાત આવે ત્યારે આજે પણ ઘણાં લોકો દીકરીને અન્યાય થાય એ હદે દિકરાને પ્રાથમિકતા આપતા હોય છે.
દિકરાને બધી છૂટ. એ જુવાન થાય ત્યારે ફાવે ત્યાં જાય, ફાવે એટલા વાગે ઘેર આવે, મનપસંદ મિત્રો જોડે ફરે, ફાવે એટલો ખર્ચ કરે. પણ દીકરી જુવાન થાય એટલે એના પર અનેક પાબંદીઓ લગાડી દેવામાં આવે. તેણે મોડે સુધી ઘરની બહાર ન ફરાય, છોકરાઓ સાથે વધુ સંપર્ક ન રખાય, મરજાદી વસ્ત્રો જ પહેરાય. ભણવામાં, આગળ કારકિર્દી અંગે વગેરે લગભગ બધાં જ નિર્ણયોમાં તેને સ્વતંત્રતા નહીં. બળાત્કાર જેવી દુ:ઘટના બને ત્યારે પણ દોષ દીકરીને દેનારા મા-બાપ સમાજમાં ઓછા નથી.
જે દીકરીઓ આજે શિક્ષણ ક્ષેત્રે, કારકિર્દી ક્ષેત્રે, વિશ્વ સ્તરે પોતાનું, પરિવારનું અને દેશનું નામ ઉજ્જવળ બનાવી રહી છે તેમના ઉદાહરણને ધ્યાનમાં લઈને આપણે આપણી દીકરીઓને આઝાદી આપવાનો શુભ સંકલ્પ આજના આઝાદી દિને લઈશું? આઝાદી તેમને પસંદ હોય તે ક્ષેત્રે આગળ વધવા દેવાની, તેમની મરજી મુજબ લગ્ન કરવાની કે ના કરવાની, લગ્ન કરવાની મરજી હોય તો તેમની પસંદગીના પાત્ર સાથે એ કરવા દેવાની. દીકરીમાં વધુ આવડત હોય તો દિકરાને પ્રાધાન્ય આપ્યા વગર તેની પાછળ પણ અભ્યાસ કે કૌશલ્ય હાંસલ કરવા ખર્ચ કરવાની, તેને પાબંધીઓના પિંજરામાં પૂરી ના દેવાની સદબુદ્ધિ ઈશ્વર સૌ મા - બાપને આપે એવી આજના આઝાદી દિવસે પ્રાર્થના...



ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો