Translate

રવિવાર, 26 એપ્રિલ, 2020

જીવતાં જગતિયું


     જગતિયું એટલે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે પછી તેની પાછળ તેના પરિવારજનો જે દાન કરે કે સમાજને કે બ્રાહ્મણોને જમાડે ઉત્તર ક્રિયા.
    આમ તો જગતિયું મરણ બાદ સદગતની સ્મૃતિમાં કરાતું હોય છે પણ છેલ્લાં થોડા સમયમાં એવી કેટલીક ખબરો વાંચવા કે જાણવામાં આવી છે કે કોઈ વયોવૃદ્ધ વ્યક્તિના પરિવારજનોએ તે જીવીત હોય ત્યારે તેની સમક્ષ ગામ કે સમાજને જમાડ્યો હોય અને તે જીવીત વ્યક્તિનું ફુલેકું કાઢ્યું હોય. વળી પાછો એક નવો શબ્દ! ફુલેકું! ફુલેકું એટલે વરઘોડા જેવું સરઘસ. વાજતે ગાજતે વ્યક્તિને ઘોડા પર કે રથમાં બેસાડી યાત્રા કાઢવી. જો કે આમાં દેખાડો વધુ હોય.
      આજે વાત કરવી છે એવી એક વરિષ્ઠ વ્યક્તિની જેણે પોતે પોતાનું જગતિયું કર્યું છે. જો કે તેની ભાવના દેખાડાની નહીં પરંતુ સમાજ સેવાની છે. બ્લોગમાં તેમની વાત પણ તેમના વખાણ કરવાના હેતુથી નથી કરી રહ્યો પરંતુ સમાજમાં એક દાખલો બેસે અને કોઈ તેમના સદકાર્ય માંથી પ્રેરણા મેળવે બ્લોગ લેખનો આશય છે. વ્યક્તિનું નામ છે બિપીન ધારસીભાઈ મહેતા. મૂળ સાવરકુંડલાના બિપીનભાઈ મુંબઈમાં ઘાટકોપર ખાતે રહે છે અને તેમની વય છે ૭૮ વર્ષ. બિપીન ભાઈ અને તેમના પત્ની વસુમતી બહેને સાથે મળી ઘણાં સદકાર્યો કર્યા છે પણ તેમના શબ્દોમાં લખું તો તેમણે જાગૃત અવસ્થામાં ઈશ્વરના આશીર્વાદથી જે અનુભવ્યું છે, માણ્યું છે અને જે તેમને સમજાયું છે તેનો નિચોડ સમાજ સાથે વહેંચવાના એક નમ્ર પ્રયાસ રૂપે તેમણે જીવતાં જગતિયું કર્યું છે અને તેની જાણ સમાજને કરવા ' નયનરમ્ય ધરતીને અલવિદા કહેતા પહેલાં...' નામનું આઠ પાનાનું પરિપત્ર છપાવ્યું અને વહેંચ્યું છે જેથી અન્યોને પણ, તેમણે કરેલા સદકાર્ય કરી સમાજની સેવા કરવાની પ્રેરણા મળે. અહીં પરિપત્રમાં તેમણે વિસ્તારથી જણાવ્યું છે કે જગતિયા રૂપે કઈ રીતે, કોને કોને અને કયા હેતુથી તેમણે જીવતેજીવ એક લાખ એક હજાર રૂપિયાનું દાન કર્યું છે.
  કુલ રકમનો લગભગ પચ્ચીસ ટકા જેટલો હિસ્સો એટલે કે પચ્ચીસ હજાર રૂપિયા તેમણે આર્મી (લશ્કરી દળ) ના ફ્લેગ ડે ફંડ, નવી દિલ્હીને અર્પણ કર્યા છે દેશની સેવા બજાવતા સૈનિકોના ચરણોમાં. દેશ પછી આવે માદરે વતન, માતૃભૂમિ, વતન. તેમના મૂળ વતન સાવરકુંડલાના શ્રી વિદ્યા ગુરુ ફાઉંડેશનને અને શ્રી સાવરકુંડલા ગૌશાળા ખાતે તેમણે અગિયાર - અગિયાર હજાર રૂપિયાનું દાન કર્યું છે. તેમનો જન્મ  મુંબઈ ખાતે થયો છે અને તેઓ વતનમાં પોતાનું એકાદ ઘર પણ ધરાવતા નથી, છતાં વર્ષમાં એકાદ વખત ત્યાંની મુલાકાત સપરિવાર અચૂક લે છે. ત્યાંની માટી જાણે તેમને દર વર્ષે એકાદ વાર પોતાના ભણી ખેંચી જાય છે! ત્યાં આવેલ શ્રી વિદ્યા ગુરુ ફાઉંડેશન એક હોસ્પિટલ ચલાવે છે જ્યાં નિશુલ્ક દવા, ઓપરેશન અને મફત રહેવાની સગવડ સંસ્થા કરે છે અને તેમને બિપીનભાઈએ ખુશીથી ફૂલ નહીં પણ ફૂલની પાંખડી રૂપે અગિયાર હજાર રૂપિયા સખાવતમાં આપ્યાં છે. મૂંગા અબોલ પશુઓ પ્રત્યે પણ બિપીનભાઇ ખૂબ લાગણી ધરાવે છે અને તેથી મૂંગા અબોલ પશુઓની રક્ષા તેમજ સુંદર દેખભાળ રાખતી ગૌશાળાને તેમણે અગિયાર હજાર રૂપિયા અર્પણ કર્યા છે.
      વતન પછી આવે કર્મભૂમિ જે બિપીનભાઈની જન્મભૂમિ પણ છે - મુંબઈ. તેઓ જૈન કુળમાં જન્મ્યાં છે જેમાં અહિંસા, સેવા વગેરે તત્વોને ઘણું મહત્વ અપાય છે. ધર્મના સિદ્ધાંતોને અનુસરતા તેમણે મુંબઈના મલાડ ખાતે આવેલ મંદબુદ્ધિના બાળકોના વિકાસ અને ઉત્કર્ષ માટે કામ કરતી સંસ્થા વી. ડી. ઇંડિયન સોસાયટી એમ. સી. ને દસ હજાર રૂપિયાનું દાન કર્યું છે. વૃક્ષોને બચાવવા તેમજ નવા વૃક્ષો ઉગાડવા માટે કામ કરતી નાના ચુડાસમાની સંસ્થા આઈ લવ મુંબઈને અગિયાર હજાર રૂપિયા અર્પણ કર્યા છે તેમજ અગિયાર હજાર રૂપિયા બીજા અર્પણ કર્યા છે પંખીઓની સારવાર અને તેમના રક્ષણ માટે કામ કરતી ભારતીય વિદ્યા ભવન હોસ્પિટલમાં.
   છેલ્લે, સમાજને કેમ ભૂલાય? સામાજિક સેવા સાથે સંકળાયેલી સંસ્થાઓ શ્રી ઘાટકોપર ઘોઘારી વિશાશ્રીમાળી જૈન સમાજ અને શ્રી ઘોઘારી વિશાશ્રીમાળી જૈન જ્ઞાતિ મુંબઈ ને તેમણે અગિયાર - અગિયાર હજાર રૂપિયા દાનમાં આપ્યાં છે.
    સારું કામ, ખાસ કરી નિસ્વાર્થ ભાવના સાથે અન્યો માટે કરેલું કામ મનને અનેરી શાતા અને પરમ સંતોષની લાગણીનો અનુભવ કરાવે છે. બિપીનભાઈ પરિપત્રનું સમાપન કરતા લખે છે કે તેમનું શમણું સાકાર થઈ રહ્યું છે તેથી તેઓ ખૂબ હળવાશ અનુભવી રહ્યા છે, હવે ચિંતાને અવકાશ નથી. મુક્ત પંખીની જેમ તેમનું મન ગગનમાં ઉડી રહ્યું છે. ગીત અને સંગીતના તાલે, બચેલું હવે પછીનું તેમનું શેષ જીવન સંગીતમય બની રહેશે. હવે તેમને મૃત્યુનો ડર નથી, ક્યારે પણ આવે - તેને આવકાર છે....
   બિપીનભાઈ, તમે લાંબુ અને નિરોગી જીવો અને સમાજની સેવા કરતા રહો એવી શુભેચ્છા.

રવિવાર, 19 એપ્રિલ, 2020

સિસુ અને નિકસીન


       કોરોનાએ ફેલાવેલી નકારાત્મકતા વચ્ચે ચાલો આજે આ બ્લોગ થકી વાત કરીએ થોડીક હાકારત્મકતાની, સારપની. સુખની શોધ મનુષ્ય અનાદિ કાળથી કરતો રહ્યો છે અને સાચું સુખ શેમાં છે તે વિશે અનેક મતમતાંતર પ્રવર્તે છે. જગતમાં સૌથી સુખી પ્રજા કયા દેશની એ વિશેનો એક સર્વેક્ષણ પણ થાય છે, જેમાં ફિનલેન્ડ, નોર્વે જેવા રાષ્ટ્રો મોખરે રહે છે. સંયુક્ત રાષ્ટ્રસંઘના સસ્ટેઇનેબલ ડેવલપમેંટ સોલ્યૂશન્સ નેટવર્ક વર્ષ ૨૦૧૨થી આ વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટ પ્રસિદ્ધ કરે છે જેમાં સોશિયલ સપોર્ટ , જીવનમાં વિકલ્પો પસંદ કરવાની સ્વતંત્રતા, સરેરાશ જીવન આયુ અને જી. ડી. પી. પર કેપિટા જેવા પરિબળોના આધારે સુખનો સૂચકાંક નક્કી કરવામાં આવે છે. દોઢસોથી વધુ દેશોનો આ સર્વેક્ષણમાં સમાવેશ કરવામાં આવે છે જેમાં આપણો ભારત દેશ ઘણો પાછળ છે. તેનું કારણ આપણે સૌ અને આપણી જીવન શૈલી છે. આપણે સતત તણાવમાં રહેતી પ્રજા છીએ. કોરોનાએ એક રીતે જોઈએ તો આપણને સુખની ચાવી શોધવાની એક તક પૂરી પાડી છે. તે અંગે શાંત ચિત્તે વિચાર કરવાની જરૂર છે. આપણી જીવન શૈલી વધુ સુખમય બનાવવાની ચાવી આપણે આ લોકડાઉન દરમ્યાન શોધી કાઢવાની છે. સૌથી સુખી ગણાતી પ્રજા કઈ રીતે આપણા કરતા વધુ સુખી છે? તેઓ કઈ રીતે આપણાં કરતા જુદી રીતે જીવે છે તે સમજવાનો પ્રયત્ન કરીએ.
  સૌથી સુખી એવા ફિનલેન્ડની ફિનિશ ભાષામાં એક શબ્દ છે - સિસુ. આમ જોવા જઈએ તો આ શબ્દનો અંગ્રેજીમાં કોઈ ચોક્કસ પર્યાય નથી, પણ તેનો ભાવાનુવાદ કરીએ તો તેનો અર્થ નીકળે - અકલ્પનીય મુશ્કેલ પરિસ્થિતિમાં જાળવવી જરૂરી એવી હિંમત, માનસિક તાકાત, ખંત. અંગ્રેજીમાં 'ગટ્‌સ' શબ્દ પણ સિસુના અર્થની નજીક આવે એવો શબ્દ છે. સિસુ આમ જોવા જઈએ તો માત્ર એક શબ્દ નથી, એક કોન્સેપ્ટ છે, 'સેલ્ફ કેર' ટ્રેન્ડ કે જીવન શૈલી છે. આ જીવનની રીત તમને તમારા આરામદાયી જીવન કે કમ્ફર્ટ ઝોન માંથી બહાર નીકળી કઈંક પડકારજનક કરવા પ્રેરે છે જેમ કે શિયાળાની કાતિલ ઠંડીમાં બરફ જેવા ઠંડાગાર સમુદ્રમાં જઈ સ્વિમિંગ કરો કે આવું જ કઈંક 'તૂફાની'!
    સંશોધક એમિલિઆ લાહતીના કહેવા મુજબ જ્યાં તમારી માનસિક તાકાત, ખંત કે હિંમતનો અંત આવે ત્યાંથી સિસુની શરૂઆત થાય છે. તે માનસિક ક્ષમતાનું એક વધારાનું સ્તર છે, એમ ગણી શકાય. સિસુ જીવનશૈલી પર પુસ્તક લખનાર લેખક જોઆના નાયલૂંડ કહે છે કે સિસુ જીવનના દરેક ક્ષેત્રમાં અપનાવી શકાય છે - જેવા કે સંબંધો, કામ, સ્વ કલ્યાણ કારણ એ તમને જીવનના દરેક પાસા સાથે પ્રમાણિકતા, અખંડિતતા, હિંમત, જોશ અને નમ્રતા પૂર્વક કામ પાડવામાં મદદ કરે છે.
સિસુ જીવન શૈલી પર પુસ્તક લખનાર કાતજા પંત્ઝર જણાવે છે કે સિસુ અપનાવવા તમારે જિમની સરહદો છોડી બહાર ખુલ્લામાં ચાલવું, બાઇક ચલાવવું, સ્વિમિંગ કરવું વગેરે જેવી શારીરિક પ્રવૃત્તિઓ દરરોજ કરવી જોઈએ. નિયમિત રીતે પ્રકૃતિ ના ખોળામાં જવાનો અન્ય કોઈ જ વિકલ્પ નથી. ફોરેસ્ટ થેરપી શ્રેષ્ઠ છે. સિસુને અપનાવી એને ફિનલેન્ડની પ્રજા તેમનો રાષ્ટ્રીય સદગુણ સમજે છે. સિસુ જીવન શૈલી તંદુરસ્ત આહાર ને પણ ખૂબ મહત્વ આપે છે. જેવો આહાર શરીર સાથે મન અને આત્માને પણ પોષે તે ગ્રહણ કરવો જોઈએ. આવો આહાર શાકભાજી, આખા ધાન્ય અને ચરબીયુક્ત માછલીનો સમાવેશ કરે છે અને મીઠાઈ અને લાલ માંસથી દૂર રહેવા જણાવે છે. ફિનલેન્ડ માં લોકો પારંપારિક, તેમની ભૂમિ પર જ પેદા થયેલો અને પર્યાવરણની જાળવણીમાં મદદ કરે એવો જ ખોરાક ખાય છે.
  સૌથી સુખી દેશોમાં છઠ્ઠો ક્રમાંક ધરાવતા દેશ નેધરલેન્ડમાં પ્રચલિત અને પેદા થયેલો અન્ય આવો એક બીજો કોન્સેપ્ટ છે નિકસીન. આ ડચ કલાનો વાસ્તવિક અર્થ થાય છે કંઈ જ ન કરવું, ખાલી (બેસી) રહેવું કે કોઈ જ ઉદ્દેશ વિના કઈંક કર્યા કરવું જેમ કે બારી બહાર તાકતા બેસી રહેવું. કોઈ જ કારણ વગર બહાર ભટકવું કે સંગીત સાંભળ્યા કરવું એ પણ નિકસીન ગણી શકાય. આજની પ્રજા જે ઉચ્ચ સ્તરના તણાવ સાથે જીવે છે તેમાંથી મુક્ત થવા નિકસીન પ્રકારની જીવન શૈલી અપનાવવી જોઈએ. એક નવાઈ ભરી વાત એ છે કે કંઈ ન કરવાની જીવન શૈલી જીવતી પ્રજા વાળો આ દેશ નેધરલેન્ડ ગ્લોબલ પ્રોડક્ટીવીટી પોટેન્શિયલ ની સૂચિમાં દ્વિતીય સ્થાને બિરાજે છે. આનો એક અર્થ તમે એવો કાઢી શકો કે જ્યારે તમે થોડા સમય માટે કંઈજ કરતા નથી, ત્યારે તમારી ઉત્પાદકતા કે ક્ષમતા તમે ત્યાર પછી પ્રવૃત્તિમાં જોતરાવ ત્યારે બમણી થઈ જાય છે. નિકસીન પરંપરાગત દ્રષ્ટિએ બિન-ઉત્પાદક પ્રવૃત્તિમાં વધુ સમય પસાર કરવાનું સૂચન કરે છે. એ કરતી વેળાએ અપોઇન્ટમેંટ્‌સ, ડેડલાઇન્સ કે આગળના કામોના વિચારો તમને ખલેલ પહોંચાડવા જોઈએ નહીં. તમે જેના પર દ્રષ્ટિ પડે તે વસ્તુ વિશે જ વિચાર્યે રાખવાની જરૂર નથી,પણ શરૂ કરવા માટે કોઈ એક વસ્તુ નક્કી કરો. જેમ કે કોઈક ઝાડ. પછી તમારા વિચારો જ્યાં વહે, એ દિશામાં તેમને વહેવા દો. નિક સીન જીવન શૈલી બીજી પણ ઘણી રીતે અપનાવી શકાય છે. જેમ કે ચાલવાની ટેવ પાડો. ચાલવાથી મનનો બોજો હળવો થાય છે અને ચાલતી વખતે તમારા વિચારો પણ મુકત રીતે વહી શકે છે. તણાવ માંથી મુક્તિ અપાવે એવા શોખ કેળવો. જેમ કે ઉન ગૂંથી વસ્ત્ર તૈયાર કરવું, સંગીત સાંભળવું, ઝાડ-પાન ઉગાડવા/ બાગ કામ કરવું. આ પ્રકારની પ્રવૃત્તિઓ તમારા મનને જરૂરી આરામ અને ચોક્કસ દિશામાં ભટકવાની તક આપે છે. સતત ટી વી કે મોબાઇલ જોયા કરવાને નિક સીન ગણી શકાય નહીં. નિકસીનમાં એવી જ પ્રવૃતિઓનો સમાવેશ થાય છે જ્યાં કોઈ સ્ક્રીન કે ઉપકરણ ન હોય. નિકસીન દિવસે સપના જોવા સમાન છે. ધ્યાન ધરવાનો પણ નિકસીનમાં સમાવેશ થાય છે. દરરોજ તમારે થોડી 'ઝેન' ક્ષણો માણવી જ જોઈએ,જ્યારે તમે ધ્યાન ધરો. આજકાલ વિશ્વભરમાં તણાવ અને બર્ન આઉટ જેવી સમસ્યાનો લોકો સામનો કરી રહ્યાં છે તેવામાં નિકસીન તમારા શરીરને પણ આરામ આપે છે અને તેના દ્વારા મન પણ તણાવ ઓછો થતાં તાજગી અનુભવે છે. નિકસીનથી તમારી રોગ પ્રતિકારક શક્તિ પણ સુધરે છે. ઘણાં અભ્યાસ સૂચવે છે કે જેટલો મુકત સમય વધારે તેટલી સર્જનાત્મકતા અને સમસ્યા-નિવારક ક્ષમતા પણ વધારે.
  કોરોના એ આપણને આપેલા મુક્ત સમયમાં ચાલો આપણે પણ આપણી અંદર ઉર્જા ભરી દઈએ અને જ્યારે જીવનનો કોરોના નાબૂદ થયા બાદનો નવો તબક્કો ચાલુ થાય, ત્યારે રાખમાંથી બેઠા થયેલા ફિનિક્સ પંખીની જેમ નવી તાજગી અને નવી ઉર્જા સાથે નવજીવનમાં જોડાઈએ અને સિસુ કે નિકસીન જેવી જીવન શૈલી ને આપણાં રોજબરોજ ના જીવનનો હિસ્સો બનાવી દઈએ.

 -  વિકાસ  ઘનશ્યામ નાયક

ગેસ્ટ બ્લોગ : આશાની જ્યોત ; લોકડાઉન દિવસ-૧૭


આશાની જ્યોત
-----------------------
        બીજા વિશ્વયુદ્ધનાં દારૂણ અનુભવ પછી આજે એકવીસમી સદીમાં જગત આખાને પરેશાન કર્યું કોરોના વાયરસે. મેડીકલ ટર્મીનોલોજીમાં કોવિદ-૧૯ તરીકે ઓળખાતો વાયરસ ચીનના ઉદભવ સ્થાનેથી ઝડપભેર પ્રસરી, ભારત સહીત બીજા અનેક દેશોમાં ફેલાઈ ગયો. સમગ્ર માનવજાતિ પર અદ્રશ્ય કીટાણું કેટલું મોટું સંકટ નાખશે, તેની તો કોઈએ કલ્પના પણ નહી કરી હોય. આનું ગંભીર પરિણામ આવ્યું કે પ્રગતિશીલ દેશોની ગતિ ઓચિંતાની રૂંધાઈ ગઈ, જાણે વિશ્વ આખું થંભી ગયું.
           વૈશ્વિક મહામારિએ લોકોને પોતાના ઘરમાં પોતાને કેદ કરવા માટે મજબુર કરી દીધા. સંક્રમણનાં ડરને લીધે માણસ માણસ વચ્ચેનું અંતર વધી ગયું. આત્મીયતા કે લાગણી ભર્યા સંબધોમાં ઓટ આવી ગઈ. સોશિયલ ડીસ્ટન્સ જેવો શબ્દ માણસના કાને પહેલી વાર અથડાયો. કોઈએ ધાર્યું હતું કે કાતિલ કોરોના આટલી મોટી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ કરશે.વગર ગુનાની સજા મળી દરેકને કે ઘરનો ઉંબર પણ ઓળંગી શકાય. 
         દરેક દેશની સરકારે પ્રજાના હિતને ધ્યાનમાં રાખી અનેક પગલાં લીધા સરકારે લોકોને ઘરમાં રહેવાનું વિવિધ માધ્યમો દ્વારા એલાન કર્યું. એક કુશળ રાજ નેતા, અનુભવી, દીર્ઘ દ્રષ્ટા ગહન વિચારશીલ એવા માનનીય વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના અદભૂત નૈતૃત્વને કારણે ભારતની જનતાને સંકટનો હિંમત ભેર સામનો કરવાનું બળ પૂરું પાડ્યું. લોકોના આત્મવિશ્વાસને મજબૂત કર્યો.
         બાવીસમી માર્ચે રવિવારે જનતા કરફ્યુનો અમલ કર્યો. મુશ્કેલ સંજોગોમાં પોતાના જીવના જોખમે સેવા ધર્મ બજાવતા ડોકટરો, પરિચારિકાઓ, પોલીસો, સફાઈ કામદારો પ્રત્યે કૃતઘ્નતા વ્યકત કરવા દીવસે સાંજે પાંચ વાગે થાળી ઘંટીના રણકાર કવાનું એલાન કર્યું, જેમાં પ્રજાએ ઉત્સાહ પૂર્વક વડા પ્રધાનના એલાંનને સમર્થન આપ્યું. ઋણ ચૂકવવાનું શ્રેષ્ઠ ઉદાહરણ દુનિયા સમક્ષ પ્રદર્શિત કર્યું. ઉપરાંત તારીખ પાંચમી એપ્રિલના રવિવારે રાત્રે નવ વાગે નવ મિનીટ માટે ઘરની બત્તી બંધ કરી મીણ બતી કે કોડીયાનો દીવો કરવાનું સૂચન કર્યું.સમગ્ર દેશની જનતાએ એકતા દ્વારા પ્રકાશની શક્તિનો પરિચય કરાવ્યો
               ઘેરા અંધકારને પણ એક કોડિયું છેદી શકે છે.એટલે સમસ્યા રૂપી અંધકારમાં સકારાત્મક જ્યોત સમાધાન તરફ દોરી જાય છે. આમ નરેન્દ્ર ભાઈએ દરેક માણસના હ્રદયમાં આશાની જ્યોત પ્રગટાવી હકારત્મક વિચારોનું પ્રસ્થાપન કર્યું કોરોના જેવી મહા ભયંકર મુસીબત સામે જીત શક્ય છે એવો આશાવાદ દર્શાવ્યો. કવિવર્ય રવીન્દ્રનાથ ટાગોરના એક કાવ્યનો ઝવેરચંદ મેઘાણીએ કરેલો અનુવાદ તબક્કે સાંભરે છે,
                               અસ્ત જાતા રવિ પૂછતા અવનિને, “સારશે કોણ કર્તવ્ય મારા?”
                              સાંભળી પ્રશ્ન સ્તબ્ધ ઊભા સૌ, મોં પડ્યા સર્વના સાવ કાળાં
                              તે સમે કોડિયું એક માટી તણું, ભીડને કોક ખૂણેથી બોલ્યું,
                               મામૂલી જેટલી મારી ત્રેવડ,પ્રભુ,
                                એટલું સોંપજો તો કરીશ હું.”
          આવા સેંકડો કોડિયાં એક સૂરજનો પર્યાય બની શકે છે. એકતા હોય તો આશાનું એક કિરણ પૂરતું છે. ગંભીર સમસ્યાના નિવારણ માટે વડા પ્રધાને દેશના કરોડો લોકોના અંતરમાં સકારત્મક ઊર્જાનું અજવાળું પાથરી દીધું. સરકારને સહકાર આપવા માટે, આપણે આપણાં હ્રદયમાં પ્રગટેલી આશાની જ્યોતને અખંડ રાખવી રહી દીવસ જરૂર આવશે કે આપણે કોરોના સામેનો જંગ એક થઈ અવશ્ય જીતી લેશું.

 - નીતિન વિ મહેતા 

---------------------------------------------------
  લોકડાઉન દિવસ-૧૭
   - - - - - - - - - - - - - -
     રાતભરકા હૈ મહેમાં અંધેરા
     કિસકે રોકે રૂકા હૈ સવેરા
     રાત જીતની ભી ગમગીન હોગી
     સુબહ ઉતની હી રંગીન હોગી.
સમસ્ત વિશ્ચ આજે અંધકારનાં ઓછાયા હેઠળ છે. જિંદગીની અમૂલ્યતા જાણે મોતની સહજતા સામે ગૌણ બની ગઈ છે. સતત ફેલાઈ રહેલી મહામારી, સતત વધી રહેલાં મૃત્યુના આંકડા. માણસ જાણે સાવ લાચાર થઈ ગયો છે. ઉપરવાળાની ચાલ, કોઈ દાવ કે કોઈ ગણિત સમજમાં નથી આવતું.
ખેર! સમય જરૂરથી ખૂબ કપરો છે. પણ સમય હિંમત હારવાનો નથી કે ખુદમાં થી વિશ્વાસ ગુમાવવાનો નથી. રાત જેટલી અંધારી હશે સવાર એટલી પ્રકાશિત હશે. સવારને રંગીન બનાવવા આપણે સહુએ બદલાવું પડશે . પ્રકૃતિના સાદને સાંભળવો પડશે. પર્યાવરણની મહતાને સમજવી પડશે. ધર્મનું સાચું સ્વરૂપ જાણવું પડશે. માનવતાની મહેક પ્રસરાવતાં સાચા અર્થમાં માનવ બનવું પડશે. થઈ ગયેલી ભૂલોને સુધારવા હિંમત રાખીને ઉભા થવું પડશે. મહામારી ભૂતકાળમાં પણ આવી હતી. બબ્બે વિશ્ચ યુદ્ધનો કપરો કાળ પણ વિતી ગયો અને બધા માંથી માનવ ખુદમાં વિશ્વાસ રાખીને બહાર આવ્યો છે. આપણે પણ ડાહ્યા થઈ, સમજણા થઈ, અહંને ઓગાળીને અને ઉપરવાળાની સર્વોપરીતાને
સ્વીકારી બહાર આવવાનું છે.
એક એંસી વર્ષના વૃદ્ધ આંબાના ઝાડ માટે કેરીનો ગોટલો જમીનમાં રોપી રહ્યા હતાં. પસાર થતાં વટેમાર્ગુએ પૂછ્યું
"દાદા, તમે આંબો વાવી રહ્યા છો પણ એનાં ફળ તો તમને ખાવા નહીં મળે તો પછી શાના માટે મહેનત કરો છો?"
વૃદ્ધે હસીને કહ્યું "હું કદાચ એનાં ફળ ખાઈ શકું પણ મારા ગામનાં લોકો તો કેરીની મીઠાશ માણી શકશેને".
       આપણે પણ હવે પ્રકૃતિની સાથે રીતે કદમ મિલાવીને ચાલવાનું છે, પર્યાવરણની રીતે જાળવણી કરવાની છે, સરહદોને મિટાવી" વસુધૈવ કુટુમ્બકમ "ની ભાવના સાથે રીતે જીવવાનું છે કે આવનાર પેઢી શાંતિ, સલામતી અને સ્વસ્થતા સાથે જીવી શકે.
   રામ નવમી, મહાવીર જન્મ કલ્યાણક, હનુમાન જયંતી, ગઈકાલે શબે બરાત (કૃપાની રાત)
અને આજે 'ગુડ ફ્રાઈડે' જાણે આવનાર રંગીન દિવસોનો સંકેત આપી રહ્યાં છે.
મહામારી સામે જંગે ચઢેલા હરેક યોદ્ધાઓ અને એમનાં પરિવારને સલામ.

- રોહિત ખીમચંદ કાપડિયા