૨૧ દિવસનો બંધ ફરજીયાત પાળવાનો છે, આપણા પોતાના માટે અને આસપાસના સૌ માટે. ઘણાંએ મોઢા ચડાવ્યા છે, હોબાળા મચાવ્યા છે, રીસામણા લીધા છે પણ કોઈ નું કંઈ ચાલવાનું નથી. બંધ જાહેર કરવામાં આવ્યો છે અને વિશ્વમાં અન્ય દેશોમાં કોરોનાએ મચાવેલા કહેરને જોતાં, બંધ સ્વીકારી ઘેર બેસી રહેવામાં જ ડહાપણ છે. આમેય વડવાઓએ કહ્યું છે ને કે જે બાબતો આપણાં નિયંત્રણમાં ન હોય તે અંગે ચિંતા કરી શો ફાયદો? તો આ ૨૧ દિવસના બંધને સ્વીકારી, તેને blessing in disguise ગણી આવો જોઈએ કે એમાં શું શું કરી શકાય જેથી ૨૧ દિવસ બાદ ફરી રૂટીન ચાલુ થાય ત્યારે કઈ રીતે બમણા જોરથી આપણે એમાં ફરી જોડાઈ શકીએ.
નોકરી - ધંધા અને શહેરી જીવનની વ્યસ્તતાને લીધે સૌથી વધુ અવગણના જેની આપણે કરતા હોઈએ છીએ તે છે આપણો પરિવાર. સૌથી વધુ સમય આપણે પસાર કરવાનો છે આપણા પરિવાર સાથે. નાના બાળકો હોય તો તો ઘણું ઘણું કરી શકાય - તેની સાથે રમતો રમી શકાય,તેને વાર્તાઓ સંભળાવી શકાય, ગુજરાતી લખતા - વાંચતા શીખવાડી શકાય, પુસ્તકો વાંચી શકાય, જૂના છાપા કાઢી તેમાંથી સારા લેખ - પૂર્તિઓ વાંચી શકાય, હસ્તકલા, ચિત્રકામ વગેરે સાથે થઈ શકે. થોડા મોટા કે યુવાન બાળકો સાથે પણ આ તમામ પ્રવૃત્તિઓ થઈ શકે, તેમને અઘરા લાગતા વિષયને ભણાવી શકાય કે પત્તા, બોર્ડ ગેમ્સ રમી શકાય, સાથે સારી ફિલ્મો જોઈ શકાય. દૂરદર્શન ચેનલ પરથી રામાયણ, મહાભારત અને ત્રણેક દાયકા પહેલાંની અન્ય રસપ્રદ ટી વી સિરિયલ પુન: પ્રસારીત કરવાનું શરૂ થયું છે, એ સાથે માણી શકાય. બાળકો ન હોય તો પણ પત્ની કે પરિવારના અન્ય સભ્યો સાથે સમય પસાર કરવા અનેક પ્રવૃત્તિઓ થઈ શકે. જેમ કે પતિઓ, પત્ની પાસે થી રસોઈ બનાવતા શીખી શકે. પત્નીઓ પતિ પાસેથી અકાઉન્ટ્સ, આર્થિક બાબતો અંગે શીખી શકે. તમે સાથે ઓનલાઇન ક્લાસ જોઇન કરી સહિયારું જ્ઞાન મેળવી શકો, સાથે ગુણવત્તા ભર્યો સમય પસાર કરી શકો. આખો પરિવાર સાથે કસરત - યોગા કરી શકે. સાથે રસોઈ કરવાનું કે કોઈક રમત રમવાનું આયોજન કરી શકે. લખવાનો શોખ હોય તે વ્યક્તિ ઘણું ઘણું લખી શકે. સંગીત સાંભળવાનું થઈ શકે. વાજિંત્ર વગાડતા શીખી શકાય. આજકાલ ઘણી વસ્તુઓ ઓનલાઇન શક્ય બની છે, તેનો ફાયદો લઈ શકાય. ગાર્ડનિંગ કરી શકાય. ઘરમાં ખાતર બનાવવા ઇનડોર પ્લાન્ટ બનાવી શકાય. વેસ્ટ માંથી બેસ્ટ એવી ઘણી ચીજ વસ્તુઓ આખો પરિવાર સાથે મળી કે તમે એકલા બનાવી શકો. ધ્યાન ધરતા શીખી શકાય. સારી ઊંઘ લઈ શકાય! જેની સાથે ઘણાં વર્ષોથી વાત નથી થઈ શકી એ સૌ પરિવારજનો, મિત્રો, સગા - સ્નેહીઓ સાથે ફોન પર કે વિડિયો ચેટ દ્વારા વાતચીત કરી શકાય. રોજ થોડો સમય જાત સાથે ગાળી, ભવિષ્યનું આયોજન કરી શકાય. મોબાઇલ પર કે લેપટોપ પર ઇન્ટરનેટ દ્વારા ઘણું નવું નવું શીખી શકાય, ઇન ફેક્ટ, આ બે સાધનો નો જ પૂરેપૂરો અને અસરકારક ઉપયોગ કઈ રીતે થઈ શકે તે તમારા સંતાનો પાસેથી કે ઓનલાઇન શીખી શકાય. જેમ કે નવી નવી એપ્સ કઈ રીતે ડાઉનલોડ કરવી, ફેસબુક - ઈન્સ્ટગ્રામ વગેરે કઈ રીતે વાપરી શકાય, કઈ રીતે ફોટા અને વીડીઓ અપલોડ કરી શકાય, સૌ સાથે શેર કરી શકાય, કઈ રીતે તમારો પોતાનો બ્લોગ બનાવી શકાય વગેરે. પઝલ્સ વગેરે સોલ્વ કરી માનસિક કસરત કરી શકાય.
આ અને આવું ઘણું બધું થઈ શકે. આ તક ઝડપી લો અને આ સમયનો સદુપયોગ કરી લો. વિચારતા અને કોરોનાની પંચાત જ કૂટવામાં સમય ગાળશો તો આ ૨૧ દિવસ પણ પૂરા થઈ જશે અને તમે કંઈ નવું કર્યા વગર કે આ સોનેરી તક ગુમાવી બેસવાના અફસોસ સાથે હતા ત્યાંનાં ત્યાં રહી જીવ બાળશો.
૨૧ દિવસ બાદ તમે એ કઈ રીતે પસાર કર્યા તેની વિગતો લખી મોકલજો. એ રસપ્રદ હશે તો ગેસ્ટ બ્લોગ તરીકે સૌ સાથે શેર કરવામાં આવશે.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો