Translate

રવિવાર, 19 એપ્રિલ, 2020

ગેસ્ટ બ્લોગ : આશાની જ્યોત ; લોકડાઉન દિવસ-૧૭


આશાની જ્યોત
-----------------------
        બીજા વિશ્વયુદ્ધનાં દારૂણ અનુભવ પછી આજે એકવીસમી સદીમાં જગત આખાને પરેશાન કર્યું કોરોના વાયરસે. મેડીકલ ટર્મીનોલોજીમાં કોવિદ-૧૯ તરીકે ઓળખાતો વાયરસ ચીનના ઉદભવ સ્થાનેથી ઝડપભેર પ્રસરી, ભારત સહીત બીજા અનેક દેશોમાં ફેલાઈ ગયો. સમગ્ર માનવજાતિ પર અદ્રશ્ય કીટાણું કેટલું મોટું સંકટ નાખશે, તેની તો કોઈએ કલ્પના પણ નહી કરી હોય. આનું ગંભીર પરિણામ આવ્યું કે પ્રગતિશીલ દેશોની ગતિ ઓચિંતાની રૂંધાઈ ગઈ, જાણે વિશ્વ આખું થંભી ગયું.
           વૈશ્વિક મહામારિએ લોકોને પોતાના ઘરમાં પોતાને કેદ કરવા માટે મજબુર કરી દીધા. સંક્રમણનાં ડરને લીધે માણસ માણસ વચ્ચેનું અંતર વધી ગયું. આત્મીયતા કે લાગણી ભર્યા સંબધોમાં ઓટ આવી ગઈ. સોશિયલ ડીસ્ટન્સ જેવો શબ્દ માણસના કાને પહેલી વાર અથડાયો. કોઈએ ધાર્યું હતું કે કાતિલ કોરોના આટલી મોટી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ કરશે.વગર ગુનાની સજા મળી દરેકને કે ઘરનો ઉંબર પણ ઓળંગી શકાય. 
         દરેક દેશની સરકારે પ્રજાના હિતને ધ્યાનમાં રાખી અનેક પગલાં લીધા સરકારે લોકોને ઘરમાં રહેવાનું વિવિધ માધ્યમો દ્વારા એલાન કર્યું. એક કુશળ રાજ નેતા, અનુભવી, દીર્ઘ દ્રષ્ટા ગહન વિચારશીલ એવા માનનીય વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના અદભૂત નૈતૃત્વને કારણે ભારતની જનતાને સંકટનો હિંમત ભેર સામનો કરવાનું બળ પૂરું પાડ્યું. લોકોના આત્મવિશ્વાસને મજબૂત કર્યો.
         બાવીસમી માર્ચે રવિવારે જનતા કરફ્યુનો અમલ કર્યો. મુશ્કેલ સંજોગોમાં પોતાના જીવના જોખમે સેવા ધર્મ બજાવતા ડોકટરો, પરિચારિકાઓ, પોલીસો, સફાઈ કામદારો પ્રત્યે કૃતઘ્નતા વ્યકત કરવા દીવસે સાંજે પાંચ વાગે થાળી ઘંટીના રણકાર કવાનું એલાન કર્યું, જેમાં પ્રજાએ ઉત્સાહ પૂર્વક વડા પ્રધાનના એલાંનને સમર્થન આપ્યું. ઋણ ચૂકવવાનું શ્રેષ્ઠ ઉદાહરણ દુનિયા સમક્ષ પ્રદર્શિત કર્યું. ઉપરાંત તારીખ પાંચમી એપ્રિલના રવિવારે રાત્રે નવ વાગે નવ મિનીટ માટે ઘરની બત્તી બંધ કરી મીણ બતી કે કોડીયાનો દીવો કરવાનું સૂચન કર્યું.સમગ્ર દેશની જનતાએ એકતા દ્વારા પ્રકાશની શક્તિનો પરિચય કરાવ્યો
               ઘેરા અંધકારને પણ એક કોડિયું છેદી શકે છે.એટલે સમસ્યા રૂપી અંધકારમાં સકારાત્મક જ્યોત સમાધાન તરફ દોરી જાય છે. આમ નરેન્દ્ર ભાઈએ દરેક માણસના હ્રદયમાં આશાની જ્યોત પ્રગટાવી હકારત્મક વિચારોનું પ્રસ્થાપન કર્યું કોરોના જેવી મહા ભયંકર મુસીબત સામે જીત શક્ય છે એવો આશાવાદ દર્શાવ્યો. કવિવર્ય રવીન્દ્રનાથ ટાગોરના એક કાવ્યનો ઝવેરચંદ મેઘાણીએ કરેલો અનુવાદ તબક્કે સાંભરે છે,
                               અસ્ત જાતા રવિ પૂછતા અવનિને, “સારશે કોણ કર્તવ્ય મારા?”
                              સાંભળી પ્રશ્ન સ્તબ્ધ ઊભા સૌ, મોં પડ્યા સર્વના સાવ કાળાં
                              તે સમે કોડિયું એક માટી તણું, ભીડને કોક ખૂણેથી બોલ્યું,
                               મામૂલી જેટલી મારી ત્રેવડ,પ્રભુ,
                                એટલું સોંપજો તો કરીશ હું.”
          આવા સેંકડો કોડિયાં એક સૂરજનો પર્યાય બની શકે છે. એકતા હોય તો આશાનું એક કિરણ પૂરતું છે. ગંભીર સમસ્યાના નિવારણ માટે વડા પ્રધાને દેશના કરોડો લોકોના અંતરમાં સકારત્મક ઊર્જાનું અજવાળું પાથરી દીધું. સરકારને સહકાર આપવા માટે, આપણે આપણાં હ્રદયમાં પ્રગટેલી આશાની જ્યોતને અખંડ રાખવી રહી દીવસ જરૂર આવશે કે આપણે કોરોના સામેનો જંગ એક થઈ અવશ્ય જીતી લેશું.

 - નીતિન વિ મહેતા 

---------------------------------------------------
  લોકડાઉન દિવસ-૧૭
   - - - - - - - - - - - - - -
     રાતભરકા હૈ મહેમાં અંધેરા
     કિસકે રોકે રૂકા હૈ સવેરા
     રાત જીતની ભી ગમગીન હોગી
     સુબહ ઉતની હી રંગીન હોગી.
સમસ્ત વિશ્ચ આજે અંધકારનાં ઓછાયા હેઠળ છે. જિંદગીની અમૂલ્યતા જાણે મોતની સહજતા સામે ગૌણ બની ગઈ છે. સતત ફેલાઈ રહેલી મહામારી, સતત વધી રહેલાં મૃત્યુના આંકડા. માણસ જાણે સાવ લાચાર થઈ ગયો છે. ઉપરવાળાની ચાલ, કોઈ દાવ કે કોઈ ગણિત સમજમાં નથી આવતું.
ખેર! સમય જરૂરથી ખૂબ કપરો છે. પણ સમય હિંમત હારવાનો નથી કે ખુદમાં થી વિશ્વાસ ગુમાવવાનો નથી. રાત જેટલી અંધારી હશે સવાર એટલી પ્રકાશિત હશે. સવારને રંગીન બનાવવા આપણે સહુએ બદલાવું પડશે . પ્રકૃતિના સાદને સાંભળવો પડશે. પર્યાવરણની મહતાને સમજવી પડશે. ધર્મનું સાચું સ્વરૂપ જાણવું પડશે. માનવતાની મહેક પ્રસરાવતાં સાચા અર્થમાં માનવ બનવું પડશે. થઈ ગયેલી ભૂલોને સુધારવા હિંમત રાખીને ઉભા થવું પડશે. મહામારી ભૂતકાળમાં પણ આવી હતી. બબ્બે વિશ્ચ યુદ્ધનો કપરો કાળ પણ વિતી ગયો અને બધા માંથી માનવ ખુદમાં વિશ્વાસ રાખીને બહાર આવ્યો છે. આપણે પણ ડાહ્યા થઈ, સમજણા થઈ, અહંને ઓગાળીને અને ઉપરવાળાની સર્વોપરીતાને
સ્વીકારી બહાર આવવાનું છે.
એક એંસી વર્ષના વૃદ્ધ આંબાના ઝાડ માટે કેરીનો ગોટલો જમીનમાં રોપી રહ્યા હતાં. પસાર થતાં વટેમાર્ગુએ પૂછ્યું
"દાદા, તમે આંબો વાવી રહ્યા છો પણ એનાં ફળ તો તમને ખાવા નહીં મળે તો પછી શાના માટે મહેનત કરો છો?"
વૃદ્ધે હસીને કહ્યું "હું કદાચ એનાં ફળ ખાઈ શકું પણ મારા ગામનાં લોકો તો કેરીની મીઠાશ માણી શકશેને".
       આપણે પણ હવે પ્રકૃતિની સાથે રીતે કદમ મિલાવીને ચાલવાનું છે, પર્યાવરણની રીતે જાળવણી કરવાની છે, સરહદોને મિટાવી" વસુધૈવ કુટુમ્બકમ "ની ભાવના સાથે રીતે જીવવાનું છે કે આવનાર પેઢી શાંતિ, સલામતી અને સ્વસ્થતા સાથે જીવી શકે.
   રામ નવમી, મહાવીર જન્મ કલ્યાણક, હનુમાન જયંતી, ગઈકાલે શબે બરાત (કૃપાની રાત)
અને આજે 'ગુડ ફ્રાઈડે' જાણે આવનાર રંગીન દિવસોનો સંકેત આપી રહ્યાં છે.
મહામારી સામે જંગે ચઢેલા હરેક યોદ્ધાઓ અને એમનાં પરિવારને સલામ.

- રોહિત ખીમચંદ કાપડિયા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો