Translate

મંગળવાર, 28 ફેબ્રુઆરી, 2017

પોકીમોન ગો!

વર્ષ ૨૦૧૬ના જુલાઈ માસમાં વિધિવત લોન્ચ થઈ વિશ્વભરમાં ધૂમ મચાવનાર ચર્ચાસ્પદ વર્ચ્યુઅલ રીયાલીટી ગેમ 'પોકીમોન ગો' હવે ભારતમાં પણ ગૂગલ પ્લે સ્ટોર પર જઈ ડાઉનલોડ કરી શકાય છે અને મારી જેમ તેના અનેક ચાહકોને ઘણાં સમયથી તેનું રીતસરનું ઘેલુ લાગ્યું છે! અને શા માટે ન લાગે? આ રમત છે જ એટલી મજેદાર અને અન્ય મોબાઈલ કે વિડીઓ ગેમ્સ કરતાં તદ્દન નોખી! ચાલો જોઇએ કઈ રીતે. પ્રથમ તો આ રમત રમવા માટે તમારી પાસે સારી ક્ષમતા ધરાવતો સ્માર્ટ મોબાઈલ ફોન, ઇન્ટરનેટ અને જી.પી.એસ. જોઇએ. એ રમવા માટે તમારે બહારના જગતમાં ચાલવું પડે, જાતે - પોતાના પગે! રમત લોકપ્રિય થયા બાદ જોકે ફ્લાયીંગ જી.પી.એસ. જેવી અન્ય એપ્સ દ્વારા એ ઘેર બેઠા ચીટીંગ કરીને પણ રમવાનું શક્ય બન્યું પણ ખરી મજા તો તમે ખુલ્લામાં ચાલવા અને નવો પોકીમોન પકડો ત્યારે જ આવે!
નિયાન્ટીક લેબ્સ નામની વિડીઓ ગેમ્સ બનાવતી કંપની દ્વારા બનાવાયેલી આ ગેમ અત્યાર સુધી પાંચસો મિલિયન કરતા વધુ લોકો દ્વારા ડાઉનલોડ થઈ ચુકી છે અને તે રમતા રમતા લોકોએ પગે ચાલીને કાપેલું કુલ અંતર પ્રુથ્વીથી પ્લુટો સુધીનાં અંતર કરતા પણ વધુ નોંધાયું છે!
            અગાઉ ઇન્ગ્રેસ નામની સફળ મોબાઈલ ગેમ સર્જનાર અને વર્ષ ૨૦૧૫ના અંતિમ મહિનાઓ દરમ્યાન 'પોકીમોન ગો' મોબાઈલ ગેમ બનાવવાના લક્ષ્ય સાથે ગૂગલમાંથી જ જુદી થઈ સ્વતંત્ર કંપની બનનાર ચાર-પાંચ વર્ષ જૂની નિયાન્ટીક લેબ્સના નિષ્ણાત એન્જિનિયર્સે રાત-દિવસ મહેનત કરી થોડા જ મહિનાઓમાં આ ગેમ તૈયાર કરી અને તેને સફળતાપૂર્વક તબક્કાવાર વિશ્વના ૯૦ કરતા વધુ દેશોમાં લોન્ચ કરી પણ તેની પાછળ રહેલા તેના મૂળ સર્જક જહોન હેન્કની પ્રેરણાત્મક ગાથાનું તો આખું એક પુસ્તક પણ થઈ શકે એટલી રસપ્રદ એની દાયકાઓભરી મહેનતની કહાણી છે.
વિધિવત લોન્ચના ત્રણેક મહિના પહેલા સૌ પ્રથમ જાપાનમાં ગેમ-રસિયા સામાન્ય લોકોને પોકીમોન ગો ના ફિલ્ડ ટેસ્ટીંગ માટે આમંત્રણ અપાયું,ત્યાર બાદ ફીલ્ડ ટેસ્ટીંગનો વ્યાપ વધારી ઓસ્ટ્રેલિયા,ન્યુઝીલેન્ડ અને અમેરિકાની જનતાનો પણ તેમાં સમાવેશ કરાયો.હજારો ચાહકોએ લોન્ચ પહેલા આ રમત રમી ફીડબેક આપ્યો અને તેના આધારે ગેમમાં જરૂરી સુધારાવધારા કરાયા,નવા ફીચર્સ ઉમેરાયા અને આખરે જુલાઈ ૨૦૧૬માં આ ગેમ વિધિવત લોન્ચ કરાઈ અને જાણે મોબાઈલ ગેમ્સની દુનિયામાં એક તોફાન મચી ગયું.જોતજોતામાં જગ પ્રસિદ્ધ થઈ ગયેલી આ રમતે આબાલવૃદ્ધ સૌકોઈમાં પોતાનું અનોખું આકર્ષણ જમાવ્યું.
આ રમતની એપ ગૂગલ પ્લે સ્ટોર પરથી ફ્રીમાં ડાઉનલોડ કર્યા બાદ તમે તમારું ગૂગલ અકાઉન્ટ તેની સાથે લિન્ક કરી આ રમતમાં 'પોકીમોન ટ્રેનર' બની રમત રમવાની શરૂઆત કરી શકો છો.તેમાં રમતની એપ શરૂ કરી લોગિન કર્યા બાદ તમારે ઉભા થઈ ઘરની બહાર ચાલવા જવાનું અને તમને રસ્તામાં મળશે પોકીમોન્સની ફોજ!નાનકડા આ કાલ્પનિક જીવો આખી પ્રુથ્વી પર બધે જ ફેલાયેલા છે.તમે જેમ જેમ ચાલતા જવ તેમ તેમ માર્ગમાં ચોક્કસ સ્થળોએ તમને જુદી જુદી જાતના પોકીમોન્સ ભટકાતા જાય જેના પર તમારે ગેમમાં અવેલેબલ પોકીબોલ્સ થ્રો કરવાનો અને પોકીમોન પકડાઈ જાય અથવા ભાગી છૂટે!
ભૂમિ,અગ્નિ,વાયુ વગેરે અલગ અલગ જાતના જુદી જુદી જાતના પોકીમોન્સ પહેલી વાર પકડો એટલે તમારા અંગત પોકીડેક્સમાં એ પોકીમોન સચિત્ર સ્વરૂપે નોંધાઈ જાય.એક જ જાતના કેટલાક ચોક્કસ પોકીમોન ભેગા કરી તેને પછી તમે તેની જ જાતિના વધુ બળવાન પોકીમોનમાં ઇવોલ્વ કરી શકો.જેમ જેમ વધુ ચાલો એટલે કિલોમીટર નોંધાતા જાય અને બે, પાંચ કે દસ કિલોમીટર ચાલ્યા બાદ તમારી એગ-બાસ્કેટમાં જમા થયેલા એગ્સ પણ હેચ થઈ તેમાંથી નવો પોકીમોન જન્મી તમારા પોકીડેક્સમાં નોંધાઈ જાય.જેમ જેમ વધુ પોકીમોન્સ જમા થતા જાય તેમ તેમ તમારો સ્કોર વધતા એક પછી એક લેવલ ઉંચુ થતું જાય અને આવા પાંચ લેવલ પાર કર્યા બાદ તમે રમત વધુ ઉત્સુકતા અને ઉત્સાહથી રમી શકો કારણ ત્યાર બાદ તમારે વિશ્વમાં રચાયેલી ત્રણ ટીમ પૈકી એકમાં જોડાઈ તમારો અવતર ધારણ કરવાનો રહે અને તમે પોકીજીમમાં લડવા સક્ષમ થઈ જાવ! દસ સ્તરો ધરાવતા આ પોકી જીમ્સ તમારી આસપાસ ચોક્કસ જગાઓએ રચાયેલા હોય અને તેના પર કબ્જો જમાવવા ત્રણે ટીમ્સ - લાલ,પીળા અને ભૂરા રંગની ઓળખ સાથે કમર કસે!તમારા પોકીમોન્સને તમે પોકીજીમના ખાલી સ્તરે બેસાડી તેને ટ્રેન કરી શકો અથવા હરીફ ટીમના પોકીમોન સાથે લડવા માટે સ્થાપિત કરી શકો.એ પોકીમોન થાકી ને હારી જાય એટલે કે તેની બધી શક્તિ ખર્ચાઈ જાય એટલે તમે એને રીવાઈવ જેવા સાધનનો ઉપયોગ કરી અને શક્તિવર્ધક દવાના ઘૂંટડા પાઈ ફરી સજીવન અને સશક્ત બનાવી શકો.પોકીબોલ્સ,એગ્સ,શક્તિવર્ધક દવા,રીવાઈવ સાધન વગેરે જેવી સામગ્રી તમને રસ્તામાં પોકીજીમ્સ જેવાજ અન્ય કાલપનિક વર્ચ્યુઅલ પોકીસ્ટોપ્સ પર મળી રહે.તમારે વધુ ને વધુ ચાલતા રહેવું પડે અને વધુમાં વધુ પોકીસ્ટોપ્સની મુલાકાત લેવી પડે જેથી વધુમાં વધુ પોકીબોલ્સ અનેઆધનો એકઠા કરી તમે વધુમાં વધુ પોકીમોન્સ પકડી શકો અને ઉંચા લેવલ્સ ઝડપથી પાર કરી ગેમને વધુ રસપ્રદ બનાવી શકો.
વેલેન્ટાઈન વીક દરમ્યાન ક્લીફેરી,એગ્ઝીગ્યુટર કે જિગ્લીપફ જેવા ગુલાબી પોકીમોન્સ તો હેલોવીન દરમ્યાન હોન્ટેડ કે ગેન્ગર જેવા ભૂતિયા પોકીમોન્સ સર્વત્ર છવાયેલા જોવા મળે તો ક્રિસમસ જેવા ખાસ પ્રસંગોએ તમે ઓછું ચાલી વધુ લાભ મેળવી શકો એવા ફેરફાર રમતમાં હંગામી ધોરણે કરવામાં આવે.આ તો ઠીક પણ તમે જ્યારે તમે ભેગા કરેલા પોકીમોન્સનું લિસ્ટ ચકાસતા હોવ ત્યારે જે તે પોકીમોન તેને મોબાઈલ સ્ક્રીન પર સ્પર્શતા જે રીતે પ્રતિભાવ આપે એ ક્યુટ એનિમેશન્સ જોઈ તમે વિવિધ પોકીમોન્સના ચાહક ન બની જાવ તો જ નવાઈ!

અગાઉ જુદી જુદી જાતના દોઢસો જેટલા પોકીમોન્સ આ રમતમાં હાજર હતાં પણ બે દિવસ જ અગાઉ તેમાં વધુ ૮૦ સેકન્ડ જનરેશન પોકીમોન્સનો અને નવા રસપ્રદ ફીચર્સનો આ ગેમના લેટેસ્ટ વર્ઝનમાં ઉમેરો કરાયો છે. આ ગેમ અન્ય મોબાઈલ રમતો કરતા જુદી અને સારી એટલા માટે છે કે તે તમને ઘરમાં એક ખૂણે બેસી કલાકો બરબાદ કરવા પ્રેરતી નથી પણ બહારના જગતમાં જઈ ચાલવા પ્રેરે છે જેથી શરીરને કસરત મળે છે.વિશ્વના કંઈ કેટલાયે લોકો આ રમત રમતા રમતા જીવનમાં અગાઉ ક્યારેય ન ચાલ્યા હોય એટલું ચાલી ચૂક્યા છે!લોકોએ ગ્રુપમાં ભેગા મળી આ રમત રમવાની શરૂઆત કરતાં લોકોમાં સમૂહજીવનની ભાવના કેળવાઈ છે અને કેટલાક તો પરીવારો સાથે આ ગેમ રમવા નિકળતા તેમની વચ્ચે નિકટતા વધી છે.પોકીસ્ટોપ્સ અને પોકીજીમ્સ જે તે પ્રદેશનાં વિશિષ્ટ મહત્વ ધરાવતા સ્થળોએ (જેવા કે સ્મારકો,સંગ્રહસ્થળો,મંદીરો,દરીયા કિનારા,પ્રખ્યાત ઇમારતો વગેરે) ઉભા કરાતા લોકો અગાઉ ક્યારેય આ જગાઓએ ન ગયા હોય પણ પછી વારંવાર જતા થયા હોય એવા કિસ્સા નોંધાયા છે!કેટલાયે સ્થાનિક ઉદ્યોગોને આ રમતને કારણે વેગ મળ્યાના દાખલા પણ નોંધાયા છે.રમતી વખતે માર્ગમાં અક્સ્માત ન થાય તેની ચોકસાઈ રમનારે રાખવી જ જોઇએ તેમજ વધુ પડતો સમય રમતમાં આપી જીવનની અન્ય અગત્યતાઓ પ્રત્યે ધ્યાન ન આપવા જેવી બાબતો ચોક્કસ ધ્યાનમાં રાખવી જ જોઇએ તો આ રમત તમને ચોક્કસ ખુબ સારા મનોરંજન સાથે શરીરને જરૂરી કસરત પૂરી પાડશે!

સોમવાર, 13 ફેબ્રુઆરી, 2017

પ્રેમ વિશે...

પ્રેમ ...એક અદભુત લાગણી છે પ્રેમ જેના વિશે કંઈ-કેટલુંય લખાયું છે,કહેવાયું છે.પણ તો અનુભવવાની બાબત છે.એના રંગે રંગાયા બાદ વિશ્વ આખું રંગીન બની જાય, બસ શરત એટલી કે એનું સ્વરૂપ શુદ્ધ ,પવિત્ર અને પ્રમાણસર રહેવું જોઇએ. પ્રેમ વિવેકભાન ભૂલાવનાર નહિ પણ વિવેકનું ભાન કરાવનાર બને રહેવો જોઇએ તો આપણાં માટે નહિ પણ આપણી આસપાસના સૌ માટે જીવન મહેકાવનાર બની રહે છે.
પ્રેમનું પોત સંકુચિત હોવું ઘટે. પ્રેમ બાધારૂપ કે બાંધનાર બની રહેવો જોઇએ. પ્રેમમાં તો મુક્તિ હોય...પતંગિયું પુષ્પને પ્રેમ કરે છે પણ ક્યારેય પુષ્પ પતંગિયાને કહે છે કે તારું સગપણ માત્ર મારી સાથે? અહિં કહેવાનો આશય એવો નથી કે પતિ કે પ્રેમીએ માત્ર એક પત્ની કે પ્રેમિકા પ્રત્યે પોતાનો પ્રેમ સિમીત રાખતા વ્યભિચારી બને જવું!પણ સાચો પ્રેમ તો પોતે પોતાના પ્રિય પાત્ર સિવાય ક્યાંય અન્ય ભટકવા દેનાર બની રહેતો હોય છે. સાથે એક પાત્ર પ્રત્યે પ્રિતી અન્ય પરીવારજનો કે સ્વજનો માટે અન્યાય કરનાર બને રહેવી જોઇએ.જેમકે પત્ની આવે એટલે એના મોહમાં અંધ બની જઈ મા-બાપ પ્રત્યેની ફરજો ભૂલી જઈ અલગ રહેવા જતું રહેવું. આનાથી પણ એક પગલું આગળ વધીએ તો  મારો પ્રેમ માત્ર મારા સ્વજનો કે પ્રેમી પૂરતો મર્યાદિત રહેવો જોઇએ. નહિતર સ્વાર્થી બનાવી દે છે.આવો પ્રેમ મને માત્ર મારા અંગત અને સ્વજનો ના લાભ માટે અન્યોનું અહિત કરવા પણ પ્રેરી શકે છે જે અનુચિત છે.
                પ્રેમ તો સઘળાં સાથે વહેંચવાની ચીજ છે. સઘળામાં મનુષ્યેતર સજીવોનો પણ સમાવેશ થાય તો જીવન ધન્ય બની જાય.મનુષ્યેતર એટલે આપણી આસપાસના અન્ય જીવો - પશુ,પંખી,વનસ્પતિ વગેરે.થોડો વધુ વિચાર કરતાં ખ્યાલ આવે છે કે પ્રેમ માત્ર સજીવ વસ્તુઓ પ્રત્યે નહિ,નિર્જીવ ચીજ-વસ્તુઓ માટે પણ હોઈ શકે.જેમ કે દેશપ્રેમ,વ્યવસાય કે નોકરી-ધંધા પ્રત્યેનો પ્રેમ,આપણી કોઈ પ્રિય માલિકીની વસ્તુ માટેનો પ્રેમ વગેરે. આવો પ્રેમ આપણને જીવનમાં ઉંચે લઈ જનારો સાબિત થાય છે.દેશ માટે પ્રેમ હશે તો આપણે દેશ માટે સત્કાર્ય કરવા,તેનો વિકાસ સાધવા પ્રયત્નશીલ બનીશું જે દેશને અને આપણાં પોતાના સહિત અન્ય સૌ-કોઈ દેશવાસીઓ માટે સારું અને ફાયદાકારક સાબિત થશે.વ્યવસાય કે નોકરી માટે નો પ્રેમ તેમાં શ્રેષ્ઠતમ આપવાની પ્રેરણા આપશે અને આપણું જીવનધોરણ ઉંચુ આવશે અને જીવન સરસ બને રહેશે. કોઈ ખાનગી વસ્તુ પ્રત્યે નો પ્રેમ પણ આપણને જીવન વધુ સારી રીતે જીવવાનું બળ આપનારો સાબિત થઈ શકે છે.પણ સઘળાં સ્વરૂપના પ્રેમમાં યોગ્ય મર્યાદા જરૂરી છે.પ્રમાણ બહારની કોઈ પણ વસ્તુ વિષ સમાન બને રહે છે ભૂલવું જોઇએ.વધુ પડતો દેશપ્રેમ વિશ્વબંધુત્વની ભાવના ભૂલાવનારો સાબિત થઈ શકે છે તો વધુ પડતો નોકરી કે વ્યવસાય પ્રેમ આપણાં પરીવારને સમય આપી શકતા તેમના પ્રત્યે અન્યાયકર્તા સાબિત થઈ શકે છે.કોઈ વસ્તુ પ્રત્યે પ્રમાણ-ભાન વગરની આસક્તિ મોહાંધ બનાવે,ખોટું કામ કરવા પ્રેરનાર બને શકે છે જે જીવનનો વિનાશ નોતરી શકે છે.
                સ્વજનો પ્રત્યેનો પ્રેમ કુદરતી હોય છે.જેમકે તમારું પોતાનું બાળક જન્મે ત્યારે તેના પ્રત્યે લાગણી કે પ્રેમ દરેક સામાન્ય મનુષ્યમાં જન્મજાત હોય છે પણ અન્યોને પ્રેમ કરવા કે વહેંચવાનું શિખવું પડે છે. માટે પ્રયત્ન કરવો પડે છે. શિખવું જો કે જરૂરી છે કારણકે અન્યોને પ્રેમ આપીને આપણે આપણું જીવન સફળ,સરસ,અર્થપૂર્ણ અને સાર્થક બનાવી શકીએ છીએ.

                પ્રેમ છે તેથી જીવન સરસ છે....શું થાત જો સમગ્ર વિશ્વ પ્રેમના રંગે રંગાયું હોત તો? પ્રેમની અનુભૂતિ કરવાનો અને કરાવવાનો તક આપનાર એક પ્રસંગ કે દિવસ હાથવેંતમાં છે - ૧૪મી ફેરુઆરી - વેલેન્ટાઈન્સ ડે! તો તક ઝડપી લો અને તમારા પ્રેમની સૌ કોઈ સ્વજનો-મિત્રો-પાત્રો સાથે લ્હાણી કરવાનું ચૂકશો નહિ! હેપ્પી વેલેન્ટાઈન્સ ડે!

શનિવાર, 11 ફેબ્રુઆરી, 2017

ગેસ્ટ બ્લોગ : ટેક્નોલોજીના લાભ-ગેરલાભ

                                            - આશા છાયા
થોડા સમય  પહેલા " વી ઘ પીપલ " નો શો જોતા જોતા એક આઘાતજનક કિસ્સો  સાંભળવામાં આવ્યો.જે એક માબાપ નો અનુભવ હતો--આ દંપતી નો દીકરો એક ન ધારવામાં આવે એવા અકસ્માતમાં મૃત્યુ પામ્યો. આ જુવાનના માબાપ પાસે એક લાઇસન્સ વાળી રિવોલ્વર હતી. જુવાન લોહીને તુક્કો સૂઝયો કે આ રિવોલ્વર સાથે એક સેલ્ફી લેવી જોઈએ.એક હાથેથી રિવોલ્વર લમણાં પર ધરી અને બીજે હાથેથી સેલ ફોન સેલ્ફી લેવા માટે સામે ધર્યો અને સેલ ફોન નું બટન દબાવવાને બદલે રિવોલ્વરની ટ્રિગર દબાઈ ગઈ.આ આપઘાત ન હતો પણ આ સેલ્ફી  શોખ આપઘાત જનક સાબિત થયો. માબાપ ને રિવોલ્વર સંભાળીને ઠેકાણે ન રાખવાને માટે ઘણો પસ્તાવો હતો પણ પસ્તાવો કરવાથી એ દીકરો ફરી જીવંત થવાનો ન હતો.
એક બીજો આવો દાખલો પણ થોડા સમય પહેલા વાંચવામાં આવ્યો.મુંબઈ માં એક માબાપે પોતાના દીકરાને ૧૬મી વર્ષગાંઠે સ્માર્ટ ફોન  ભેટમાં આપ્યો. દીકરાને કમનસીબે સુઝયું કે ચાલતી ટ્રેન આગળ ઉભા રહી ને એક સેલ્ફી લઉં --અને પ્લેટફોર્મ પર ઉભા રહી ને ફોટો લેતા આ કિશોર સંતુલન ગુમાવતા નીચે રેલવે ટ્રેક પર પડી ગયો અને ટ્રેન નીચે આવી જવાથી તત્કાળ મૃત્યુ પામ્યો. જે ભેટ દીર્ઘ આયુષ્યના આશીર્વાદ સાથે આપી હશે તે જ ભેટે દીકરાનું આયુષ્ય ટૂંકું કરી નાખ્યું.

આજકાલ આવા ઘણા સમાચાર વાંચવા મળે છે જેમાં ટેક્નોલોજીના ગંભીર ગેરલાભ જોવા મળે છે. આપણો દેશ સેલ્ફીને કારણે આકસ્મિક રીતે મૃત્યુ પામેલા ની સંખ્યામાં આગળ છે. તેમ છતાં હવે ‘સેલ્ફી ક્લાસીસ’ પણ શરુ થયા છે અને તેમાં લોકો ભરતી પણ થાય છે. આ તો "ડીમાન્ડ એન્ડ સપ્લાય" નું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
આના સિવાય ટેક્નોલોજીની બીજી પણ ઘણી આડઅસર થાય છે. ઘણી વખત આપણને આની જાણ હોવા છતાં આપણે આંખ આડા કાન કરીએ છીએ.ઘણા માબાપ ગર્વ ની સાથે કહે છે કે તેમનું ૨ કે ૩ વર્ષ નું બાળક સુદ્ધા આવા સાધન સહેલાઈ થી વાપરી શકે છે. ઘણી વાર તો દેખાડો પણ થાય છે કે બાળક ટેબ્લેટ, આઈ પેડ, સ્માર્ટ ફોન કે પ્લે સ્ટેશન કેટલી હોંશિયારીથી વાપરી શકે છે. ઘણા પાલક તો આટલા નાના બાળક ને આ ચીજો ખરીદીને પણ આપે છે --કારણ? એનું પોતાનું હશે તો આપણું લેવાની જીદ નહિ કરે. આ બાળક નું જ્ઞાન આપણે વધારીએ છીએ કે તેના જ્ઞાન નું શોષણ કરીએ છીએ?
ખરેખર તો બાળક ની નજર સામે કુદરતનો નઝારો હોવો જોઈએ- સુંદર આકાશ જેમાં એ તારાઓ નિહાળી શકે- પતંગિયા ને એક ફૂલ થી બીજા ફૂલ પર ઉડતા જોઈ શકે -અથવા  કબૂતર કે ચકલી કે કાગડાની ઉડાન જોઈ શકે. આ બધું દેખાડીને બાળકમાં વી સમજણ કેળવી શકીએ કે "he/she is a part  of this environment and not apart from it !" આ બધું જાણવા છતાં આપણે શું કરીએ છીએ? બાળક ની આખી દુનિયા ૧૦*૧૦ સે.મી.  ના આઈ પેડ કે ટેબ્લેટમાં કેન્દ્રીત કરી દઈએ છીએ. સાધન માં પીક્ચર એટલું ફાસ્ટ ચાલે છે કે બાળક ની આંખ પણ એટલીજ ફાસ્ટ ચાલે છે.બાળક નું ધ્યાન પણ કેન્દ્રિત નથી થતું અને માયોપીયા  તે આંખ ની નબળાઈ તે એક વધારાની ઉપાધિ વણનોતરી આવી ચડે છે..
આપણને -મોટેરાઓને પણ આ બધાં સાધનોની ઘણી વખત લત લાગી જાય છે. આનાથી ન્યૂરોલોજીકલ તકલીફ પણ ઉભી થાય છે-- જેમ કે " કાર્પલ ટનલ સીન્ડ્રોમ". અહીં એક વાત કહેવી જરૂરી છે કે આ તકલીફ " ઓક્યુપેશનલ હાઝાર્ડ" પણ હોઈ શકે -- ખાસ કરીને જે લોકોને વ્યવસાય ને કારણે કોમ્પ્યુટર પર સતત કામ કરવું પડે છે. પણ આની લત એવી લાગે છે કે ટ્રેન કે બસમાં ઘણા પ્રવાસીઓ આ સાધનો માં એટલા લીન હોય છે કે આજુ બાજુ શું ચાલી રહયું છે તેનું ભાન જરા પણ નથી હોતું.
આ પરિસ્થિતિ માટે વાંક કોનો? સ્ટીવ જોબ્સ, બિલ ગેટ્સ, લેરી પેજ, માર્ક કરર્ગ, સુંદર પિચાઈ કે સત્ય નડેલા નો? આપણે કબૂલ કરવું રહયું કે આ બધા નિષ્ણાતોએ સર્વ પ્રકારનું જ્ઞાન આપણી આંગળી ને ટેરવે મૂકી દીધું છે.
પણ આશ્રર્યજનક વાત એ છે કે ખુદ "એપલ"ના સ્થાપક સ્ટીવ જોબ્સે પોતે પોતાના બાળકોને "એપલ" ના સાધનો લગભગ ૨૦ વર્ષ ની વય સુધી વાપરવા નહોતા દીધાં.તેઓ કબૂલ કરતા કે તેઓ ખુદ "લો ટેક" વ્યક્તિ હતા. જમવાના ટેબલ પર સહ કુટુંબ કોઈ  પણ ગેજેટ્સ વાપર્યા વગર સાહિત્ય કે ઇતિહાસ કે ભૂગોળ કે વિજ્ઞાન પર ચર્ચા કરતા. માવતર તરીકે પોતાના બાળક ટેક્નોલોજી પર કેટલો સમય વિતાવતા તેના પર નિયંત્રણ રાખતા.
વાંચકોને નવાઈ લાગશે કે સીલીકોન વેલી – કેલીફોર્નિયા માં ગૂગલ, એપલ, યાહૂ ના  ઘણા  ઉચ્ચ અધિકારીઓ પોતાના બાળકોને "ટેક ફ્રી" શાળાઓમાં મોકલે છે. તેઓ સહુ એમ માને છે કે શરુઆત માં બાળકો જૂની પારંપરિક પદ્ધતિથી શીખે. આ બધા માં ઘણાની એવી દ્રઢ માન્યતા છે કે કોમ્પ્યુટર બાળકની ઉત્સુકતા ,જિજ્ઞાસા ,સર્જનાત્મક વિચારસરણી ,ચપળતા , માનવીય સંપર્ક અને ધ્યાનનું કેન્દ્રિત થવું (અટેનશન સ્પાન) આ બધા ઉપર હાનિકારક અસર કરે છે અને ત્યાં આવીજ એક શાળા છે -- વોલ્ડોર્ફ સ્કૂલ - સીલીકોન વેલી – કેલીફોર્નિયા માં.
આ બતાવે છે કે સંશોધક પોતેજ પોતાના સંશોધનનો દૂર ઉપયોગ થયી શકે એ હકીકત થી ડરે છે.આ સંદર્ભમાં એક ઉદાહરણ જે કદાચ અતિશયોક્તિ લાગશે પણ તેમ છતાં હું આપું છું -- જે રોબર્ટ ઓપનહૈમર જેમણે પોતાની દેખરેખ હેઠળ પહેલા અણુબોમ્બ નો વિસ્ફોટ ન્યૂ મેક્સીકો, યૂ. એસ. એ. માં જોયો ત્યારે તેમને પણ એક ડર હતો કે " હે ભગવાન - મેં આ માનવજાત ને શૂં આપ્યું?”
               હું જરૂર માનું છું કે ટેક્નોલોજી મૂળભૂત હાનિકારક નથી. એનો લાભ અને સદુપયોગ ઘણાં ક્ષેત્ર માં થાય છે --દા ત હવામાન, સમુદ્રી વિજ્ઞાન, કૃષિ વિજ્ઞાન, ઔધીચ સંશોધન, વિવિધ રોગોના નિદાન અને તેની સારવાર --અલબત્ત આ લિસ્ટ ઘણું લાંબુ છે.પણ દરેક જ્ઞાન -વિજ્ઞાન માટે યોગ્ય સમય હોય છે. ગુજરાતી માં કહેવત છે --"બારે બુદ્ધિ --સોળે શાન" -- અર્થ કે બાળક જ્યારે સાચા ખોટમાં તફાવત કરી - સમજી શકે ત્યારે જ એને અમુક ગેજેટ્સ આપવા જોઈએ. આને માટે આપણે ખુદ દાખલો બેસાડવો રહ્યો કારણ કે બાળકો કાનથી શીખે છે તેના કરતાં આંખથી ઘણું વધારે શીખે છે. તેથી તેમના ઉછેર માં આપણે આપણા વર્તનથી દાખલો બેસાડવો એ અનિવાર્ય છે. એમને માર્ગદર્શન આપવું એમની જાસૂસી ન કરવી. સાચા માર્ગદર્શન થી આપણું બાળક સાચી દિશામાં દોરાશે, નહીં તો "ગાડરિયા પ્રવાહ" ની જેમ આપણી સાથે એ નિર્દોષ જીવન પણ "સેલ્ફી" ના વમળ માં ખેંચાઈ જશે.
ટેક્નોલોજીને સરાહો -- વાપરો પણ એને અકસ્માતજનક કે આપઘાતજનક ન થવા દો.સમજદારી થી વાપરો. સમજુ અને સાવધ રહો!!
                                       - આશા છાયા

શનિવાર, 4 ફેબ્રુઆરી, 2017

વી.એસ.પી. એન.જી.ઓ. સંસ્થાની બુલઢાણા ખાતેની મુલાકાતનો અનુભવ (ભાગ - 3)

એન.એસ..દ્વારા શિક્ષણ ક્ષેત્રે અમે સ્પોન્સર કરેલા આઠેક એન.જી.. સંસ્થાઓ માંના એક ડોર સ્ટેપ સ્કૂલ વિષે આપણે ગત સપ્તાહે જોયું.આજે આવા બીજી એક બિનસરકારી સંસ્થા વિકાસ સંસ્થાન પરિષદના કામકાજ અને કાર્યક્ષેત્રની સમીક્ષા માટે અમે લીધેલી મહારાષ્ટ્રના બુલઢાણા વિસ્તારની મુલાકાત અને ત્યાંના અનુભવોની વાત સાથે સી.એસ.આર. શ્રેણીની લેખમાળાનું આજે સમાપન કરીશ.
બુલઢાણા મહારાષ્ટ્રના અંતરિયાળ ભાગમાં આવેલો વિસ્તાર છે જ્યાં નાસિક પાસે આવેલા શેગાંવથી બે-ત્રણ કલાક ડ્રાઈવ કરી પહોંચી શકાય. જિલ્લાના નાના-નાના અનેક ગામો પૈકી કેટલાક ગામોમાં વિ.એસ.પી.દ્વારા હાથ ધરાયેલ પ્રોજેક્ટ્સ ત્યાંની મ્યુનિસિપલ શાળાઓમાં ચલાવવામાં આવે છે.વીસેક કરતાં પણ વધુ શાળાઓ પૈકીની આવી ચારેક શાળાઓની અમે મુલાકાત બે-દિવસ દરમ્યાન લઈ શક્યા. અનુભવ પણ અનેક એવી બાબતો પ્રત્યે ધ્યાન દોરનાર બને રહ્યો જેનો આપણે ક્યારેય વિચાર પણ કર્યો હોય.
દાદરથી ટ્રેન પકડી રાતની મુસાફરી કરી વહેલી સવારે શેગાંવ પહોંચ્યા.ઠંડી ઠીક ઠીક એવી હતી.પણ વાતાવરણ ખુશનુમા હતું.કોઈક નવા પ્રવાસન સ્થળે પહેલી વાર ગયા હોઇએ અને ત્યાં હવામાં વહેલી સવારે જેવી તાજગી અનુભવાય એવી તાજગી અમે શરીરમાં સ્ફૂર્તિ સાથે અનુભવી રહ્યાં.વી.એસ.પી. ના મેનેજર રાહુલ અમને લેવા સ્ટેશને આવ્યા હતા જે આખી યાત્રા દરમ્યાન અમારી સાથે રહેવાના હતા.
નવી ખુલેલી એક સારી હોટેલમાં અમારો ઉતારો હતો.ફ્રેશ થઈ રાહુલ પહેલા અમને શેગાંવના પ્રખ્યાત આનંદ સાગર પાર્કની કેન્ટીનમાં લઈ ગયો.આનંદ સાગર સપરીવાર આખો દિવસ માણી શકાય એવો થીમપાર્ક છે પણ અહિ અમે જુદા આશયથી આવ્યા હતા,એટલે માત્ર ત્યાંની કેન્ટીનમાં સાબુદાણાની ખિચડી,પૌઆ અને ઉપમાનો ચા સાથે નાસ્તો કર્યા બાદ અમે પહેલી શાળાની મુલાકાતે ગયા.
બે-અઢી કલાકની ડ્રાઈવ દરમ્યાન આસપાસના પર્વતીય વિસ્તારો,જળાશયો,નાનાનાના રહેણાંક વિસ્તારો અને ખેતરોના સુંદર દ્રષ્યો માણતા માણતા અમે જઈ પહોંચ્યા પહેલા  ગામની શાળાએ. ગામો એટલે એક-મેકથી ખાસ્સા અંતરે આવેલા અને બસ્સો-ત્રણસો કુટુંબોથી માંડી કેટલીક જગાએ હજારેક પરીવારોની વસ્તી ધરાવતા હેમ્લેટ્સ.. ફિલ્મોમાં ગામડાની શાળા જોઈ હશે એવી નાનકડી એવી શાળાનું મકાન ત્યાંની ગ્રામપંચાયતની નાનકડી ઓફિસની સામે આવેલું હતું.વચ્ચે ચોરસ મેદાન જેની ફરતે આઠ-દસ વર્ગોની બનેલી શાળા શહેરમાં જોવા મળતી શાળાઓ કરતા અનેક રીતે જુદી હતી.
જેવો અમે શાળાનાં પ્રાંગણમાં પગ મૂક્યો કે વિદ્યાર્થીઓના ચોરસ મેદાનમાં જમીન પર બેઠેલા સમૂહે મરાઠીમાં સ્વાગત ગીત ગાઈ અમને આવકાર્યા. અહિં વર્ગોમાં બેન્ચ નહોતી,વિદ્યાર્થીઓ જમીન પર બેસીને અભ્યાસ કરતા હતાં.શાળાના શિક્ષકો સહિત વી.એસ.પી. દ્વારા નિયુક્ત શિક્ષણમિત્ર ટીચર વિદ્યાર્થીઓનો વધારાનો વર્ગ લઈ રહ્યા હતા.ડોર સ્ટેપ સ્કૂલમાં જેમ બુક-ફેઇરી હતે એમ અહિ શિક્ષણ-મિત્ર હતાં. શિક્ષણમિત્ર પણ વી.એસ.પી.દ્વારા નિયુક્ત કરાયેલા દસમું,બારમું કે ડી.એડ. કે બી.એડ. કરેલ ગામમાં નજીક રહેનાર યુવક યુવતિ હતાં. શાળાના નિયમિત વર્ગ પેહેલા કે પછી શિક્ષણમિત્ર વધારાના વર્ગ ચલાવે જેમાં વી.એસ.પી.દ્વારા એન.એસ.. ના સહયોગથી તૈયાર કરાયેલ ગણિત અને ભાષાના ખાસ અભ્યાસક્રમ ધરાવતા પુસ્તકો દ્વારા બાળકોને ગુણવત્તા સભર શિક્ષણ પુરું પાડવામાં આવે.પણ વાત જાણીને નવાઈ લાગી કે શાળામાં ટોયલેટ હતું , પણ માત્ર નામનું. એમાં માટી-ધૂળ ભરેલા અને વર્ષોથી કોઈએ ખોલ્યું હોય એવી સ્થિતીમાં હતું. પછી જેની મુલાકાત લીધી બુલઢાણાની અન્ય શાળાઓમાં પણ ઘણી જગાએ તો નામનું જાજરૂં યે જોવા ના મળ્યું. કેટલીક જગાએ પીવાનું પાણી નહિ,તો એકાદ બે જગાએ તો સૂરજદાદા સહાયક!વિજળીનું નામો નિશાન નહિ! આપણે મુંબઈવાસીઓ આવી શાળાનો વિચાર સુદ્ધા કરી શકીએ ખરાં? શિક્ષકો અને વાલીઓના સભ્યપદ ધરાવતી એસ.એમ.સી. નામની સમિતે ખરી પણ તેમાં પાંખી હાજરી કે ક્યારેક , સમિતી એક્ટીવ હોવા છતાં તેમની માગણીઓ પર ધ્યાન અપાતું હોવાની ફરીયાદ સાંભળવા મળી.મેં અને મારા સાથી કલીગ્સે ગ્રામવાસીઓ સાથે,વિદ્યાર્થીઓ સાથે,શિક્ષણ મિત્રો સાથે જુદી જુદી બેઠક યોજી તેમની કાર્ય પ્રણાલિ,મુસીબતો અને અવનવી વાતો સાંભળવાનો લહાવો લીધો! માબાપો આખો દિવસ ખેતરમાં કે અન્ય જગાએ મજૂરી કરતા હોય એટલે બાળક શાળામાં આખો દિવસ પસાર કરતું હોવાથી તેમને નિરાંત!બાળકોને પણ અભ્યાસ સાથે મિડડે મિલ તથા અન્ય સામગ્રી મળતા હોઈ તેઓને શાળામાં રહેવું ગમે...પણ તરસ લાગે કે પેશાબ-સંડાસ જવું હોય ત્યારે? દોડીને તેઓ પાણી પીવા માટે તો પોતાના ઘર તરફ જાય પણ, પેશાબ-જાજરૂ માટે ખુલ્લામાં! ઘરમાં જાજરૂ હતાં નહિ મોટા ભાગના ગામોમાં!
વિદ્યાર્થીઓના જીવનમાં થોડું પરિવર્તન અમે વી.એસ.પી. ના સહયોગથી લાવી રહ્યા હતા જાણીને સારૂં લાગ્યું તો બીજી તરફ આપણાં થી જોજનો દૂર લોકો કેટલું જુદું જીવન જીવી રહ્યા હતાં અને તેઓ જ્યાં રહે છે ત્યાં ઘણા ભાગોમાં તો જીવનમાં મૂળભૂત ગણી શકાય એવી સ્વચ્છ પીવાના પાણી-વિજળી વગેરેની પણ કમી હતી! બધું વિચારી થોડા દુખ મિશ્રીત રોષની લાગણી અનુભવાઈ રહી હતી.
વી.એસ.પી. ની ઓફિસની મુલાકાત લીધી અને તેમની પ્રવ્રુત્તિઓનો વિસ્તારથી તાગ મેળવ્યો. શિક્ષણના મૂળ મુદ્દા સાથે જે જે વિસ્તારના ગામોમાં તેઓ અમારા પ્રોજેક્ટ્સ સાથે સંકળાયેલા છે ત્યાંની ગ્રામપંચાયતો,એસ.એમ.સી.સમિતી વગેરે સાથે મળી ગ્રામજનોની સમસ્યા યોગ્ય અધિકારીઓ સુધી પહોંચાડવાના કામમાં પણ વી.એસ.પી. ઘણી અગત્યની ભૂમિકા ભજવે છે, એ જાણ્યું. તેઓ અમારા પ્રોજેક્ટ્સ સિવાય ત્યાંના લોકોમાં ખેતી અને તેની અદ્યતન પદ્ધતિઓ વિશે તેમજ કિચન-ગાર્ડન ના કન્સેપ્ટ ઉપર જાગ્રુતિ ફેલાવવાના અન્ય પ્રોજેક્ટ્સ પણ કરી રહ્યાં હોવાની માહિતી મેળવી.
ખેર મુલાકાત ભેગી બીજી ત્રણ-ચાર અવિસ્મરણીય બની રહી એવી કેટલીક બાબતો હતી - બે દિવસ દરમ્યાન લીધેલું ઓથેન્ટીક મહારાષ્ટ્રીયન લંચ,શેગાંવના ગજાનન મહારાજનું ભવ્ય સમાધિ-મંદીર, મંદીરમાં અમારા પ્રવેશ સાથે શરૂ થયેલી આરતી, મંદીરની ભોજનશાળામાં લીધેલું રાત્રિભોજન, દત્તજયંતિને દિવસે અમે ત્યાં હતા તેથી અમુક ખાસ દત્તાત્રેય ભગવાનના મંદીરોમાં તેની ઉજવણી, શેગાંવ મંદીરથી પરત હોટલ આવતી વેળાએ એક ખાસ ઈકોફ્રેન્ડલી ટુક્ટુક રીક્ષાનો પ્રવાસ અને રીક્ષાવાળા ભાઈ સાથેનો રસપ્રદ સંવાદ,શેગાંવની અતિ પ્રખ્યાત લીલવા-કચોરીનો આસ્વાદ, બુલઢાણાના વિશ્વવિખ્યાત ઉલ્કા-સરોવર લોણાર ક્રેટર-લેકની મુલાકાત,ત્યાં આસપાસ આવેલા વાવ-પ્રાચીન જીર્ણ-શીર્ણ પણ ભવ્ય મંદીરોની મુલાકાત વગેરે વગેરે. બધી બાબતો મારા મન પર એક ઉંડી છાપ છોડી ગઈ.

(સંપૂર્ણ)