Translate

રવિવાર, 25 એપ્રિલ, 2010

નારીત્વનો મહિમા વધારતી એક સન્નારી...

અગાઉ એક બ્લોગમાં મારા એક ઓફિસના મિત્ર અને સહકર્મચારી અનિલ જવાહરાની અને તેમના મોજીલા-ગમતીલા સ્વભાવની વાત કરેલી.આજે આ બ્લોગમાં એવી એક મહિલા વિષે વાત કરવી છે જે બીજી અનેક સ્ત્રીઓને પ્રેરણા મળી શકે એવી રીતે જીવન જીવી રહી છે. નામ છે એનું ડિમ્પલ ઉપાધ્યાય. ડિમ્પલ એટલે મારી બહેન તેજલની સૌથી નિકટતમ સખી.હું તેને મારા બાળપણના સમયથી ઓળખું.હું મારા થી છ વર્ષ મોટી મારી બહેન તેજલ અને તેની જ સમવયસ્ક ડિમ્પલ સાથે જ મોટો થયો છું.ડિમ્પલ એટલે એક બિન્ધાસ્ત વ્યક્તિત્વ.તેને તેનાથી નાની બીજી ત્રણ બહેનો અને ચારે છોકરીઓ તેમના માતાપિતાને ખૂબ વહાલી.આજે ડિમ્પલ તેના પતિ અને તેમની બે જુવાન પુત્રીઓ સાથે સુખપૂર્વક જીવે છે.પણ હું તો ડિમ્પલને તે પોતે એક નાની બાળકી હતી ત્યારથી ઓળખું.

હવે મને જણાવવા દો કે આ ડિમ્પલ પર આખો એક બ્લોગ શા માટે? હું ડિમ્પલને માન આપું છું અને તેની પ્રશંસા કરું છું તેના અત્યુત્સાહી અને ધગશ તેમજ ઝિંદાદિલી ભર્યા સ્વભાવને લીધે.તે હંમેશા સ્ફૂર્તિ અને પોઝીટીવિટીથી છલકતી જોવા મળે.તે શાળાજીવન દરમ્યાન ભણવામાં એક સામાન્ય વિદ્યાર્થીની હતી અને તેણે કોમર્સમાં સ્નાતક સુધી અભ્યાસ કર્યો.તે મારી બહેનની શ્રેષ્ઠ મિત્ર હોવાથી તેણે મારી બહેનના કપરા કાળ વખતે હંમેશા તેને સાથ આપ્યો છે.તે આજે પણ સદાય મારી બહેનના પડખે ઉભી રહેવા તૈયાર અને તેણે દરેક યોગ્ય સમયે મારી બહેનને જરૂરી સાચી સલાહ આપી છે.આજે પણ તેઓ સાથે શોપિંગ કરવા કે ફરવા કે દૂરના કોઈ મંદિરે દર્શન કરવા ઘણી વાર જોડે જાય.

ડિમ્પલમાં બીજાયે ઘણાં શીખવા લાયક ગુણો ભર્યા છે.તે બોલ્ડ છે.તે એક આધુનિક નારી છે.તે ડ્રાઈવિંગ પણ કરી જાણે છે અને સ્વિમિંગ શિખવાનીયે ઇચ્છા ધરાવે છે.તે પોતાની સ્કૂટી પર દિકરીને ટ્યુશન મૂકવા પણ જાય અને ક્યારેક પિતાની કાર પણ ફેરવે.તે શેર ની લેવેચમાં પણ ખાસ્સો રસ ધરાવે અને એમાંથી સારુ એવું કમાઈ પણ લે છે.(મેં ક્યાંક વાંચેલુ કે ભલે ઓછી સ્ત્રીઓ શેરબજારમાં રસ લે છે પણ જેઓ રસ લે છે તે બધી પુરુષો કરતાં ઘણું સારુ કમાઈ જાણે છે!મારી એક ઓફિસની મિત્રની માતાએ પણ નિવૃત્ત થયા બાદ શેરોમાં સક્રિય રસ લેવા માંડ્યો અને ફક્ત સેસાગોઆ જેવી એક મજબૂત કંપનીના શેરમાં રોકાણ થકી કરેલી કમાણીમાંથી મારી મિત્રના લગ્ન અને તેના ભાઈની વિદેશમાં અભ્યાસની ફીનો ખર્ચ કાઢી લીધો!) ડિમ્પલ તેના પિતાને તેમના વ્યવસાયમાં પણ મદદ કરે અને ઘરનાં બધા કામોયે ઝપાટાબંધ, કુશળતા અને ખૂબી પૂર્વક નિભાવી જાણે.તે પોતાની નાની બહેનો માટે પણ પ્રેરણાનો સ્રોત બની રહી છે.એક સારી પુત્રી,સારી બહેન,સારી માતા,સારી પત્નિ અને સારી સખી એમ બધી ભુમિકાઓ ડિમ્પલ સુંદર રીતે જીવી જાણે છે.

હું જ્યારે ડિમ્પલને મળું ત્યારે તે કંઈક નવું શિખતી હોય!તે મને નિયમિત રીતે નવા માં નવા સોફ્ટ્વેર વિષે કે સારી સારી વેબસાઈટ વિષે અને ઇન્ટરનેટ વિષે પ્રશ્નો પૂછ્યા કરતી હોય છે.તે એક ઉત્સાહી વિદ્યાર્થીનીની જેમ મારી પાસે બેસી ઇન્ટરનેટ ના પાઠ તેના રોજબરોજના ઉપયોગ માટે તેમજ બિઝનેસ માટે શિખી હતી અને મારી સાથે બેસીને જ તેણે પોતાનું પહેલું ઇમેલ આઈડી પણ બનાવ્યુ હતું. તેણે અનેક નાનામોટા વ્યવસાય કર્યા છે.તેણે સૌંદર્ય પ્રસાધનોના માર્કેટીંગ થી માંડી બ્યુટી ટ્રીટમેંટ આપવાના અનુભવ પણ લીધા છે.તેણે પોતાના વ્યવસાયને લગતા અને બીજા પણ ઘણા રસપ્રદ વિષયો પર સેમિનાર અટેન્ડ કર્યા છે.તે ક્યારેક સાડીમાં પણ સજ્જ થયેલી જોવા મળે તો ક્યારેક કોર્પોરેટ વુમનના પ્રોફેશનલ લિબાસમાં પણ દેખાય!

છેલ્લે હું જ્યારે તેને મળ્યો ત્યારે તે અકાઉંટીંગના 'ટેલી' પેકેજ શિખવાના વર્ગમાં જોડાઈ હતી.મેં તેને પૂછ્યું હવે આ શા માટે? તો તેણે જવાબ આપ્યો:મેં 'ટેલી' વિષે ખૂબ સાંભળ્યુ હતુ અને મારે જાણવુ હતું કે એમાં એવું શું છે જેથી તે સારું એવું લોકપ્રિય છે.બી.કોમના દિવસોમાં હું અકાઉંટીંગ તો શીખી જ હતી તો મને થયું લાવ મારી કોમ્પ્યુટર કુશળતાનો પણ કંઈક સારો ઉપયોગ કરવા દે!

ડિમ્પલ હંમેશા કંઈક નવુ કરવાની કે શિખવાની વેતરણમાં જ હોય!તેને મેં ક્યારેય ઘરમાં નવરી બેઠેલી તો જોઈ જ નથી.તે માત્ર એક સામાન્ય ગૃહિણી ન બની રહેતાં સતત પોતાનું જ્ઞાન વધારતી રહે છે અને તેને ઉપયોગમાં પણ મૂકે છે.તે કસરત પણ કરે છે,યોગા પણ અને સ્વાદિષ્ટ રસોઈ પણ બનાવી જાણે છે.તેની દિકરીઓને ભણાવવાનો પણ ક્યારેક વારો આવે તો ડિમ્પલબેન એ માટે તૈયાર!તો ક્યારેક તેની દિકરીઓ માટે સ્કૂલનો કોઈક પ્રોજેક્ટ પણ તૈયાર કરવાનો હોય તો ડિમ્પલ ગૂગલ અને બીજા શક્ય એટલા પર્યાય વાપરી તે યોગ્ય સમયે તૈયાર કરી નાંખે.ડિમ્પલના પતિ જયવંત ઉપાધ્યાય પણ પોતાની પત્નિને ખૂબ ચાહે છે અને ડિમ્પલ જેવી પત્ની મેળવવા બદલ ગૌરવ અનુભવે છે.

શાબાશ ડિમ્પલ !હું ઇચ્છુ છું કે મારી પત્ની,માતા,બહેનો અને આ બ્લોગ વાંચનાર દરેક મહિલા તારી પાસેથી કંઈક શીખે અને સ્ત્રીત્વનો મહિમા વધારે...!

સોમવાર, 19 એપ્રિલ, 2010

શતાબ્દીમાં યાત્રાનો એક યાદગાર અનુભવ

ગુણવત્તા ચીજવસ્તુઓને જુદા પાડે છે.સામાન્ય લાંબા અંતરની ટ્રેનમાં દ્વિતીય વર્ગની બેઠક શ્રેણીની ૨૦૦ રુપિયાથી ઓછી કિંમતની ટીકીટ લઈને તમે આઠ-નવ કલાકમાં અમદાવાદ પહોંચી શકો છો જ્યારે એ.સી. ચેરકાર શ્રેણીની શતાબ્દીની પોણા સાતસો રૂપિયાની ટીકીટ લઈને પણં તમે છ કલાકમાં અમદાવાદ પહોંચી શકો છો.પણ આ એક અનુભવલીધા બાદ તમે સમજી શકશો કે ગુણવત્તા ચીજવસ્તુઓને જુદા પાડે છે.(અને ખિસ્સાને પરવડે તો આ શતાબ્દીનો પ્રવાસ ચોક્કસ માણવા લાયક ખરો!)
થોડા દિવસો પહેલા મારે શતાબ્દીમાં અમદાવાદ જવાનું થયું અને બોરિવલીથી વહેલી સવારે ટ્રેન પકડી એ ક્ષણથી જ મેં આ મુસાફરી માણવાની શરૂઆત કરી દીધી.કદાચ આ ટ્રેનને તાજેતરમાં જ નવા ડબ્બા મળ્યા હતા.હું મારા જે ડબ્બામાં મારી સીટ બૂક કરેલી હતી તેમાં ચડ્યો અને મને એવી લાગણી થઈ જાણે હું વિમાનમાં પ્રવેશ કરી રહ્યો હોઉં.ડબ્બામાં એ.સી. ને કારણે ખુલ્લી બારી ન હતી અને બારીનો કાચ જાડો અને પારદર્શક હતો.પણ બારી ખાસ્સી પહોળી અને બીજી ગાડીઓની સામાન્ય હોય છે તેના કરતા અલગ પ્રકારની હતી.બારી ઉપર સામાન મૂકવા માટે પણ ખાસ પ્રકારના એક્રેલીકના જાડા પારદર્શક સ્ટેન્ડ હતા.બારી પરના ખેંચી શકાય તેવા પડદાંયે સામન્ય રીતે હોય છે તેવા પડદા કરતા અલગ!અંધારામાં વાંચી શકો એ માટે સીટ ઉપર ફક્ત તમારા પૂરતા જ જરૂરી પ્રકાશ ફેંકતી ખાસ લાઈટ્સ,ડબ્બામાંના ટોયલેટ્સ,દરવાજા,બે-બે અને ત્રણ-ત્રણ બેઠકની કતાર અને તેમની વચ્ચેના પેસેજ તેમજ તેના પર પાથરેલી જાજમ આ બધુ ખૂબ જાજરમાન અને ઉત્તમ ગુણવત્તા ધરાવતા હતા જે તમને એવો અનુભવ કરાવે જાણે તમે વિમાનમાં પ્રવાસ ખેડી રહ્યા હોવ.
વસઈ-નાયગાંવ નજીક ટ્રેન સહેજ ધીમી પડી અને બહાર વસઈની ખાડી પરથી પસાર થતી વેળા સુંદર સૂર્યોદયના દર્શન થયા.શતાબ્દીના એ.સી. કોચની જાડા કાચ ધરાવતી પહોળી મોટી બારીમાંથી આ મનોહર દ્રષ્ય ધરાઈને માણવાની ખૂબ મજા પડી.આ જ વખતે ચા પણ આપવામાં આવી એટલે મારા તો એક હાથમાં ચાનો કપ અને બીજા હાથમાં અખબાર.આ અનુભવ યાદગાર રહ્યો અને તેનો અનુભવ કરતા એવી પણ લાગણી થઈ રહી હતી જાણે હું વિદેશની ટ્રેનમાં બેસી પ્રવાસ કરી રહ્યો હોઉં!
હજી ચા પૂરી પણ નહોતી થઈ ત્યાં ઉપમા-નાળિયેરની ચટણી અને બ્રેડ-બટર-જામનો બ્રેકફાસ્ટ આવ્યો.
બાજુની બેઠક પર બેસેલ મારો સહપ્રવાસી મુંબઈનો જ એક યુવાન હતો જેની સાથે મેં પાકિસ્તાનથી લઈને રાજકારણ અને ફિલ્મોથી માંડીને શાળાજીવન જેવા અનેક વિવિધ વિષયો પર ચર્ચા કરવાની મજા માણી.તેણે તેના શળાજીવનની એક અતિ રસપ્રદ પ્રવ્રુત્તિની વાત શેર કરી.તે રાજસ્થાનની એક શાળામાં ભણ્યો હતો જ્યાં એવો નિયમ હતો કે રોજ એક વિદ્યાર્થીએ બીજા બધા વિદ્યાર્થીઓ સમક્ષ એક નાનકડી વાર્તા કહેવાની.આ દ્વારા વિદ્યાર્થીઓને રોજ એક નવી વાર્તા તો સાંભળવા મળતી જ હતી જેનાથી તેમનામાં સારા ગુણો અને સંસ્કારોનું સિંચન થતુ અને જે વિદ્યાર્થી વાર્તા કહે તેને સારા વક્તા બની પોતાનો આત્મવિશ્વાસ વધારવાનું એક ઉત્તમ પ્લેટ્ફોર્મ પણ મળી રહેતું.મને લાગે છે દરેક શાળાએ આ પ્રવ્રુત્તિ અપનાવવી જોઇએ.(કોઇ શાળાના શિક્ષક કે આચાર્ય જો આ બ્લોગ વાંચી રહ્યા હોવ તો આનો તાત્કાલિક અમલ કરવા વિનંતી!)
અમારા રસપ્રદ વાર્તાલાપ વખતે ટ્રેન દ્વારા સમયાંતરે અપાયેલા ચોકલેટ્સ, ફ્રુટજ્યુસના ટેટ્રા પેક વગેરે એ અમને તાજામાજા રાખ્યાં.થોડા સમય બાદ મારા સહપ્રવાસી મિત્રને ઉંઘ ચડી અને તે નિદ્રાધીન થયો.મેં સાથે આણેલું ટૂંકી વાર્તાઓનું પુસ્તક વાંચવુ શરૂ કર્યુ.ત્યાં અમારી પાછળની સીટ પર બેસેલા એક વ્રુદ્ધ સ્ત્રી-પુરુષના સંવાદ મારા કાને પડ્યા.સ્ત્રી ગુજરાતીઓની સ્વભાવગત લાક્ષણિકતાઓ ચર્ચી રહી હતી અને સાથે તેણે શુદ્ધ અંગ્રેજીમાં એમ પણ જણાવ્યું કે તે પોતે ગુજરાતી માધ્યમની શાળામાં ભણી હતી.મને એ સાંભળી નવાઈ લાગી.તેણે વયસ્ક પુરુષ મિત્રને એમ પણ જણાવ્યું કે તેના મુક્ત સમયમાં તેને ગુજરાતી સાહિત્ય વાંચવું ગમે છે.હું આ સન્નારીથી પ્રભાવિત થયો.મારા ઇન્ટરનેટ કોર્નર શ્રેણીના પુસ્તકોની નવી આવ્રુત્તિ બહાર પડવાની હતી અને મારે તેનું પ્રૂફ-રીડીંગ કરવાનું હોવાથી મારા પુસ્તકો પણ મેં સાથે રાખ્યા હતા.તેમાનું એક મેં તે સન્નારીને વાંચવા આપ્યુ અને તેમનો અભિપ્રાય અને કોઈ સુધારાવધારા જણાય તો તે સૂચવવા કહ્યું.તેણે થોડા પાના વાંચ્યા જે તેને ગમ્યા.પુસ્તકના લેખક તરીકે છાપેલા મારા પૂર્ણ નામમાં રહેલા મારા પિતાના નામ પરથી તેણે તેમને તરત ઓળખી કાઢ્યા અને તેણે બાજુમાં બેઠેલા વયસ્ક મહોદયને મારા પિતાની ઓળખ ખ્યાતનામ કલાકાર તરીકે આપી તેમની સાથે ગુજરાતની લોકનાટ્ય કળા ભવાઈ વિષે ગોઠડી માંડી.

બ્રેડસ્ટીક્સ અને બટર સાથે ટમેટાનું સૂપ આવ્યું અને ત્યારબાદ તરત સામાન્ય કહી શકાય એવું બપોરનું ભાણું આવ્યું જે મેં એટલું ધીમે ધીમે આરોગ્યું કે હું આઈસક્રીમ ચૂકી ગયો! સમગ્ર યાત્રા ખૂબ આરામદાયક અને માણવાલાયક રહી પણ ગાડી અમદાવાદ થોભી એ પહેલા મેં યાત્રા દરમ્યાન કરેલા બે નિરીક્ષણે મને થોડો ગંભીરતાપૂર્વક વિચાર કરતો કરી મૂક્યો.મને એ વિચાર અમલમાં મૂકી શકાય એ માટે કોઈ રેલવે સત્તાવાળાને મળવાનું પણ મન થયું પણ એ વિચારો આવ્યા બાદ મને ટ્રેનમાં કોઈ યોગ્ય સત્તાવાળી વ્યક્તિ મળી જ નહિં, એટલે હવે આ વિચારો હું આ બ્લોગ દ્વારા વ્યક્ત કરી રહ્યો છું.એક તો ટ્રેનમાં અપાતી મિનરલ વોટર એટલે કે પીવાના પાણીની પ્લાસ્ટીક બોટલ વિષે.આ બોટલ દરેક યાત્રીની સીટ પર પહેલેથી જ મૂકેલી હોય છે.લગભગ ૭૦ સીટ ધરાવતા એક ડબ્બા ગુણ્યા ૧૨ થી ૧૫ ડબ્બાના કુલ મળીને સાડા આઠસો થી હજારેક યાત્રીને પીવાના પાણીની સરેરાશ એક લેખે ગણીએ તો હજારેક બોટલો આપવામાં આવતી હોય છે.(અને આતો થઈ એક ગાડીની વાત. આવી તો કેટલીય ટ્રેનો રોજ અલગ અલગ માર્ગો પર દોડતી હશે જેમાં કુલ લાખો પ્રવાસીઓને પાણીની બોટલો આપવામાં આવતી હશે.) મેં અમદાવાદ ઉતરતી વખતે નોંધ્યુ કે મોટા ભાગના યાત્રીઓએ ઉતરતી વેળાએ ખાલી બેઠક પર અડધું જ પાણી પીધેલી એ બોટલો ત્યાં જ રહેવા દીધી હતી.હવે જો આ પાણીને બીજા વપરાશમાં ન લેવામાં આવતું હોય તો એ ઘણો મોટો વ્યય ગણાય.આજે આપણે સૌ પાણીની તીવ્ર તંગીનો અનુભવ કરી રહ્યા છીએ અને આવનારા દિવસોમાં આપણે પાણીનો સભાનતા અને સાવચેતી પૂર્વક ઉપયોગ નહિં કરીએ તો એ દિવસો પણ દૂર નથી જ્યારે આપણે પાણી મેળવવા માટે પણ લાઈનો લગાદવી પડશે અને પાણી મેળવવા માટે પણ પૈસા ચૂકવવા પડશે. આથી જો કોઈ રેલવે સત્તાવાળા કે તેમની સાથે પરોક્ષ રીતે જોડાયેલ કોઈ વ્યક્તિ આ બ્લોગ વાંચી રહી હોય તો તેને હું વિનંતી કરું છું કે પાણી વેડફાય નહિં અને વધેલા પાણીનો બીજા યોગ્ય વપરાશના કાર્યો માટે ઉપયોગ થાય તેવું કરે એ સંદેશ યોગ્ય વ્યક્તિ કે પક્ષ સુધી પહોંચાડે.પાણીની મોટી બોટલ આપવાની જગાએ નાના કદની બોટલ આપવાનું પણ વિચારી શકાય.
બીજું નિરીક્ષણ હતું ભારે બિનજરૂરી વિજળીના વપરાશ સંદર્ભે.મારા ડબ્બામાં લગભગ ૩૦ જેટલી ટ્યુબલાઈટ્સ હતી.હવે તમે જાતે જ ૧૨ - ૧૫ ડબ્બામાં કુલ કેટલી ટ્યુબલાઈટ્સ હશે તે ગણી લો(અને આવી તો બીજી અનેક દિવસ દરમ્યાન દોડતી ટ્રેનોની ટ્યુબલાઈટ્સ પણ ગણતરીમાં લેજો!)હું વહેલી સવારે ટ્રેનમાં ચડ્યો ત્યારથી લઈને બપોરે એક વાગે અમદાવાદ ઉતર્યો ત્યાં સુધી છએક કલાકના ગાળામાં આ ટ્યુબલાઈટ્સ ચાલુ જ હતી.ગાડીમાં કોઈએ પડદો તો બંધ કર્યો જ નહોતો આથી સુર્યપ્રકાશ પૂરતા પ્રમાણમાં ડબ્બામાં પ્રવેશી તેને પ્રકાશિત કરી રહ્યો હતો અને એક પણ ટ્યુબલાઈટની ખરી રીતે તો જરૂર જ નહોતી ત્યારે આખી ગાડીમાંની બધી ટ્યુબલાઈટ્સ બળતી રાખવામાં કેટલી બિનજરૂરી વિજળીનો વ્યય થતો હતો!હવે જો આખા ડબ્બામાં સળંગ ૩૦ ટ્યુબલાઈટ્સની કતારની જગાએ બે ટ્યુબલાઈટ્સ વચ્ચે થોડું અંતર જાળવી કુલ ટ્યુબલાઈટ્સની સંખ્યા અડધી કરી નાંખવામાં આવે, સામાન્ય ટ્યુબલાઈટ્સની જગાએ ખાસ પ્રકારની ઓછી વિજળી વાપરતી ટ્યુબલાઈટ્સ વાપરવામાં આવે તેમજ દિવસ દરમ્યાન આ ટ્યુબલાઈટ્સ બંધ જ રાખવામાં આવે તો ઘણા મોટા પ્રમાણમાં વિજળી/ઉર્જાની બચત કરી શકાય.મારો આ સંદેશ પણ યોગ્ય વ્યક્તિ કે પક્ષ સુધી પહોંચશે તો આ બ્લોગ સાર્થક થશે. આપણે સૌએ હવે જવાબદાર નાગરિક બનવાની જરૂર છે અને મૂલ્યવાન એવા પાણી અને વિજળી જેવા ઉર્જાસ્રોતોનો વિચારપૂર્વક ઉપયોગ કરવાની શરૂઆત કરવાની જરૂર છે તો જ આપણે આપણા સૌની પ્રિય એવી પ્રુથ્વીમાતા પર આપણું જીવન લાંબા ગાળા સુધી ટકાવી શકીશું.

ગુરુવાર, 15 એપ્રિલ, 2010

સંગીત

કોઈ મને પૂછે કે મને શેનો શેનો શોખ છે તો મારા જવાબમાં સંગીત અચૂક હોય! સંગીતનો શોખ કદાચ મને ગળથૂથીમાં મળ્યો છે એમ કહી શકાય.મારા વડદાદા,દાદા,પિતા અને કાકાઓ સૌ સંગીતના રસિયા જ નહિં પણ વ્યવસાયિક ધોરણે પણ સંગીતના ક્ષેત્ર સાથે સંકળાયેલા રહ્યા છે.હું ભલે હજી સુધી વ્યવસ્થિત તાલીમ લઈ સંગીત શીખી શક્યો નથી પણ એક દિવસ ચોક્કસ વ્યવસ્થિત તાલીમ લઈ ગાતા અને એકાદ વાજિંત્ર વગાડતા શિખવાની ઇચ્છા મારા મનમાં હજી સચવાઈને પડેલી છે ખરી!

સંગીતમાં ચોક્કસ એક જાદુ છે.તે મૂડ સુધારવાની તાકાત તો ધરાવે જ છે પણ એથીયે વિશેશ તમે જ્યારે દુખી હોવ અને એકાંત ઇચ્છતા હોવ ત્યારે પણ તે તમારો મિત્ર બનવાની ક્ષમતા ધરાવે છે અને તમને એ પરિસ્થિતીમાં ટકી રહેવાનું બળ પૂરુ પાડે છે. હું જ્યારે શાંતિથી મારું મનપસંદ એવું કોઇ ગીત કે સંગીત સાંભળું છું ત્યારે હું એક અજબની ધ્રુજારી, અજબના સ્પંદનો અનુભવું છું.એ ત્યારે મારા હ્રદયને ઝંકૃત કરી મૂકે છે, મારા મસ્તિષ્કના કોઈક એવા કોષોને સ્પર્શે છે જે મને સ્વર્ગીય સુખની અનૂભુતિ કરાવે છે.

એ. આર. રહેમાન મારા સૌથી પ્રિય સંગીતકાર છે. તેમના કેટલાક ગીતો સાંભળતી વખતે એટલા સમય માટે હું આ દુનિયાથી ક્યાંક દૂર ચાલ્યો જાઉં છું. રહેમાનના સંગીતમાં એવું કોઈક ઇશ્વરીય તત્વ છે જે સીધુ મારા (અને ગયા વર્ષે ઓસ્કાર જીત્યા બાદ તો વિશ્વભરના લાખો લોકોના) હ્રદયને સ્પર્શે છે.તેમનું 'રોજા','બોમ્બે', 'તાલ',’ ૧૯૪૭ અર્થ’, 'રંગીલા','સપને','દિલ સે' જેવી ભારતીય ફિલ્મનું સંગીત હોય કે 'બોમ્બે ડ્રીમ્સ' કે 'જય હો'જેવી આંતરરાષ્ટ્રીય સ્તરે તેમણે રચેલું સંગીત હોય, એ બીજા બધા સંગીતકારોના સંગીત કરતા જુદું જ તરી આવે છે જેમા રહેમાનની એક વિશેષ છાંટ સાંભળવા, અનુભવવા મળે છે.

કેટલાક ગીતો રાતે સાંભળવા ગમે એવા હોય છે તો કેટલાક વહેલી સવારે.મારા પપ્પાને પણ સંગીતનો જબરો શોખ છે.તે સવારે ઉઠી ભજનની કેસેટ કે રેડિયો ચાલુ કરી પાછા બેડ પર આડા પડી સંગીત માણે છે. આંખો બંધ હોય પણ તેમના એક પગ પર ચડાવેલ બીજા પગ નો અંગૂઠો, વાગતા ગીત સાથે તાલ મિલાવતો હલતો જોવો એ મારો નિત્યક્રમ છે! અમારા ઘરે આઠ થી દસ જૂદાજૂદા રેડિયા-ટેપ રેકોર્ડર-સીડી પ્લેયર હશે! દિવસના મોટા ભાગ દરમ્યાન મારા ઘરમાં સંગીત રણકતુ જ રહેતું હોય છે. મારી બહેનો અને પત્ની પણ સંગીતના ખૂબ શોખીન છે. મમ્મીને જ સંગીતમાં ખાસ રસ ન હોવાથી પપ્પા ક્યારેક તેને ઔરંગઝેબ કહી ને ચિડવે છે!

મારા ઘરે વાગતા પ્રભાતિયામાં મારુ સૌથી પ્રિય ગીત છે 'જળ કમળ છાંડી જા ને બાળા સ્વામી અમારો જાગશે...'. એ સાંભળતી વેળાએ હું મનમાં નૃત્ય અચૂક કરી લઉં છું! ઘણી વાર આ ગીત પર કૃષ્ણ બની નાગની ફેણ પર ચડી લાઈવ પરફોર્મ કરવાની એક અદમ્ય ઇચ્છા થઈ આવે છે! લતાબાઈના કંઠે ગવાયેલા ભજનો કે બીજા કેટલાક ગુજારાતી પ્રાર્થના કે ભક્તિગીત સાંભળી દિવસની શરૂઆત થાય એથી વધુ સારું બીજુ શું હોઈ શકે? રાતે મને જમ્યા પછી વોક લેતી વખતે ધીમુ કે શાંત પ્રકારનું સંગીત સાંભળવું ગમે છે.
'એ દિલે નાદાન...' કે 'ચુપકે સે લગ જા ગલે રાત કી ચાદર તલે...' જેવુ. ખાસ સ્થળોએ ખાસ પ્રકારનું સંગીત સાંભળવાની પણ મજા જ કંઈક જૂદી હોય.જેમકે પર્વતપરના કોઈક સ્થળે ૧૯૪૨ અ લવ સ્ટોરીનું 'ક્યુ નયે લગ રહે હૈ...' કે લકી અલીનું 'ગોરી તેરી આંખે કહે..' મને યાદ છે એન્જિનીયરીંગ ડીગ્રી વખતે વાંગણી ખાતે આકાશદર્શન માટે ફિલ્ડટ્રીપમાં ગયેલો ત્યારે આખી રાત અંધારામાં ખુલ્લા ખેતરમાં ઘાસ પર સૂતા સૂતા તારાઓ નિહાળતી વખતે માચીસ ફિલ્મના ગીતો અને બીજા મારા પ્રિય ગીતો સાંભળતી વખતની એ ક્ષણો આજે પણ યાદ આવે ત્યારે એ ક્ષણો એ અનુભવેલી અનેરી અવર્ણનીય સુખની અનુભૂતિ ફરી મુખ પર સ્મિત રેલાવી જાય છે. આવી તો બીજી પણ ઘણી યાદો છે - જેમકે લોહગઢની ઓવરનાઈટ ટ્રેકિંગ વખતે સાંભળેલા ગીતો અને પર્વતની ટોચે ગુફા બહાર વહેલી સવારે સુર્યોદય વેળાએ ભૈરવી ફિલ્મનું 'ૐ નમ: શિવાય..' ગીત કે હરિશ્ચંદ્રગઢની મુશ્કેલ ઓવરનાઈટ ટ્રેક વખતે રાત્રે ગાયેલા અને સાંભળેલા અને પાછા ફરતી વેળાએ માર્ગમાં વચ્ચે થોભી થોભીને સાંભળેલા ગીતોએ મનમાં જે સ્પંદનો અને લાગણીઓ ઉભા કરેલા તે પણ હું આજેય એવા જ અનુભવી શકુ છું. ક્યારેક ઘરે પણ એકલો મારી રૂમમાં કે ગેલેરીમાં ઉભાઉભા ‘તક્ષક’ કે ‘લેકિન’ કે ‘રુદાલી’ના ગીતો સાંભળવા ખૂબ ગમે તો ક્યારેક ‘હમ દિલ દે ચૂકે સનમ’, ‘દેવદાસ’, ‘સાવરિયા’,’ઝુબેદા’,‘મીનાક્ષી’ ના સુમધુર ગીતો તો વળી ક્યારેક ‘સરદારી બેગમ’ની ઠૂમરીઓ પણ સાંભળવા એટલા જ ગમે!
મને દક્ષિણ ભારતીય સંગીત કે કાર્ણાટિક સંગીત પ્રત્યે પણ અપ્રતિમ લગાવ છે. ‘મોર્નિંગ રાગા’ ફિલ્મની તરજો જ મારા હાલના મોબાઈલ રીંગ અને મેસેજ ટોન પર ગૂંજે છે. આ સંગીત પણ સીધુ મારા આત્મા સાથે જોડાય છે, મને અદભૂત માનસિક શાંતિ આપે છે, મને એક નવી જ દુનિયામાં લઈ જાય છે.આ પ્રદેશની સંસ્કૃતિ,રીતભાત,મંદિરો,પરંપરાઓ અને સંગીત બધા સાથે હું કોઈ અજબ પ્રકારની આત્મિયતા ધરાવું છું, જાણે કોઈક પૂર્વ ભવનું લેણું ન હોય એ બધા સાથે મારું એમ! દક્ષિણ ભારતમાં સંગીતનું એક અનેરું મહત્વ છે. ત્યાં કુટુંબોમાં બાળકોને નાનપણથી શાસ્ત્રીય સંગીતની તાલીમ અપાય છે અને તેઓ એક ચોક્કસ સ્તર સુધી નું સંગીત શીખીલે ત્યાર બાદ તેમનું પ્રથમ જાહેર પ્રદર્શન ત્યાંના એકાદ મંદિરમાં યોજાય છે. આવા એક-બે કાર્યક્રમ માણવાનું સદભાગ્ય મને પ્રાપ્ત થયું છે અને એ દરેક વખતે એક અનેરા ભક્તિભાવમાં તરબોળ થઈ અનેરી ધન્યતા અનુભવી છે મેં. ત્યાંની સ્ત્રીઓ માટલાનો વાજિંત્ર તરીકે સુંદર પ્રયોગ કરી જાણે છે અને ત્યાંની સ્ત્રીઓ શરણાઈ,ઢોલક કે સિતાર,વાંસળી જેવા દરેક પ્રકારના વાદ્યો લયબદ્ધ રીતે વગાડી જાણે છે - તેમાં પારંગત હોય છે. આપણે ત્યાંની ફાલ્ગુની પાઠક નો ઝીણો અવાજ તો મને ગમે જ છે પણ તેની સાથે નવરાત્રિમાં રાસ-ગરબાની રમઝટ બોલાવનાર હેમાંગિની જેવો ભાતિગળ ઘેરો અવાજ મને વિશેષ પ્રિય છે અને એટલે જ કદાચ આવા સ્વરમાં ગવાયેલા હાલના 'ઇક તારા....' અને 'સસુરાલ ગેંદા ફૂલ...' જેવા ગીત પણ મને બેહદ પ્રિય છે.
સૂફી સંગીત, નાટ્ય સંગીત, શાસ્ત્રીય સંગીત વગેરે અનેક પ્રકારના સંગીતની વાત અને મીઠાશ જ નિરાળાં છે.
સંગીતનો મહિમા અને તે મને જે હદે પ્રિય છે તેનું વર્ણન કદાચ એક બ્લોગમાં કરવું અશક્ય છે.પણ જેની શરૂઆત થાય તેનો અંત પણ નિશ્ચિત જ હોય એ લેખે આ બ્લોગ સંગીત ને અંજલિ આપતા પૂર્ણ કરુ છું.

શનિવાર, 3 એપ્રિલ, 2010

ગેસ્ટ બ્લોગ : હાચિકો

[ગેસ્ટ પરિચય: મૈત્રેયી મહેતા ઓલ ઇન્ડિયા રેડિયોના ગુજરાતી સમાચાર વિભાગમાં કાર્યરત છે સાથે તેઓ સારા લેખિકા, ગીતકાર અને અભિનેત્રી પણ છે.તેમનો બ્લોગ તમે http://mainakimehta.blogspot.com આ વેબએડ્રેસ પર વાંચી શકો છો.. તમે એમને mainakimehta@yahoo.co.in આ ઇમેલ એડ્રેસ પર ઇમેલ કરી શકો છો. ]

જાપાનના તોક્યો શહેરના પરા : શિબૂયા સ્ટેશનથી બહાર જવાના એક રસ્તાનું નામ છે હાચિકોએક્ઝિટ. આ એક્ઝિટનું નામ હાચિકો કેમ પડ્યુંતેની ખૂબ દિલસ્પર્શ અને રસપ્રદ દાસ્તાનછે. એક જણે એક કૂતરો પળ્યો. નામ પાડ્યું હાચિકો..હાચિકો અને તેના માલિક વચ્ચે ખૂબદોસ્તી.બન્ને એક્બીજા સથે ખૂબ હળીમળી ગયા. આ હાચિકો ખૂબ એક્ટિવ. તેના માલિકે તેનેબહુ સરસ તાલિમ આપી. હાચિકો છાપુ લઈ આવે,પોતાના માલિકના
નાનામોટા ઘણાં કામ કરે. મેરીહેડ એ લિટલ લેમ્બ ની જેમ હાચિકો માલિકની પાછળ પાછળ ફર્યા કરે.માલિક દરરોજ શિબૂયાસ્ટેશન પરથી નોકરી કરવા ટ્રેનમાં જાય. હાચિકોભાઈ માલિકને મૂકવાસ્ટેશન જાય અને સાંજપડે નિશ્ચિત ટાઈમે પાછા સ્ટેશન પર હાજર થઈજાય..
હાચિકો પોતાના માલિકના ઘણા બધા કામ કરે.મેરી હેડ એ લિટલ લેમ્બની જેમ માલિકની પાછળપાછળ ફર્યા કરે.માલિક દર રોજ શિબુયા સ્ટેશન પરથી નોકરી કરવા ટ્રેનમાં બેસીને જાય.હાચિકોભાઈ દરરોજ માલિકને મૂકવા સ્ટેશન સુધી જાય, ટાટા-બાય બાય કરે અને પાછો ઘરેજાય. સાંજે માલિકના પાછા આવવાના ટાઈમે હાચિકો સ્ટેશન પર હાજર થઈ જાય.માલિકનીઆતુરતાપૂર્વક રાહ જુએ.અને જેવા તેના માલિકને જુએ કે બસ પુછો નહી વાત!
બંન્ને જણાએક્બીજાને ખૂબ વ્હાલ કરે અને પછી સાથે ઘરે જાય.દરરોજનો આ ક્રમ! શિબુયા સ્ટેશન પરસહુ આ વાતથી ટેવાઈ ગયા.હાચિકો અને તેના માલિકના આ નિત્યક્રમથી સહુ પરિચિત થઈ ગયા.આમ ઘણો વખત ચાલ્યું.પણ.... કદાચ બંન્નેના પ્રેમને કોઈની નજર લાગી ગઈ.... એક વારમાલિકનું નોકરીના સ્થળે જ અચાનક મ્રુત્યુ થઈ ગયું.અને તે કદી પાછા ફર્યા જ નહી!!હાચિકોભાઈ માલિકની રાહ જોતા જોતા ત્યાં જ બેસી રહ્યા !!
ના ખાધું,નાપીધું....હાચિકોની આતુર આંખો પોતાના માલિકની એક ઝલક જોવા શિબૂયા સ્ટેશનની એ જએક્ઝીટ પર મંડાઈ રહી !! પણ માલિક પાછા આવે શી રીતે?? તે તો ચાલી નીકળ્યા હતા અગમનીયાત્રાએ !! ! !શિબુયા સ્ટેશન પર પણ સહુ આ હ્રદયદ્રાવક દ્રશ્ય જોઈને ગળગળા થઈગયા…

તે દિવસ પછી હાચિકો ખૂબ ઉદાસ રહેવા લાગ્યો.. જાણે પરાણે ના જીવતો હોય,તેમ મૂઢ થઈ ગયો..દરરોજ સાંજે હાચિકો પોતાના મ્રુત માલિકના ઓફિસેથી પાછા આવવાનાટાઈમે શિબુયા સ્ટેશન પર હાજર થઈ જાય, અને માલિકને ના જોતાં નિરાશ થઈને પાછો ચાલ્યોજાય! !આવતાં-જતાં સહુ તેને કંઈ ખવડાવવાની કોશીષ કરે પણ વ્યર્થ !અને એમ ને એમ એકદિવસ હાચિકોએ પોતાના માલિકની યાદમાં ઝુરી ઝુરીને શિબુયા સ્ટેશનની બહાર જ
પ્રાણત્યાગી દીધા !
પોતાના માલિકની યાદમાં પ્રાણ ત્યજી દેનારા આ વફાદર કુતરાનીયાદમાં તોક્યો શહેરના શિબૂયા સ્ટેશનની તે એક્ઝીટનું નામ હાચિકો એક્ઝીટ પડી ગયું.આજે પણ તે એક્ઝીટની બહાર હાચિકો કુતરાનું સ્ટેચ્યુ છે !અને તોક્યો શહેરની મુલાકાતેજનારા પ્રવાસીઓ હાચિકોના સ્ટેચ્યુ સાથે ફોટો જરૂર પડાવે છે !!
- મૈત્રેયી મહેતા, બોરિવલી, મુંબઈ