Translate

Wednesday, September 29, 2010

મંદિરોમાં વેપારીકરણ

        ભારતમાં બાર જ્યોતિર્લિંગ છે.તેમાંનું એક શ્રી મલ્લિકાર્જુન - હૈદ્રાબાદથી લગભગ ત્રણસો કિલોમીટર દૂર આવેલા ગામ શ્રી સૈલમની પવિત્ર ભૂમિ પર સ્થિત છે.
       પવિત્ર માસ શ્રાવણના સોમવારે જ્યોતિર્લિંગના દર્શનનું અનેરૂં મહત્વ હોવાથી, અન્ય પાંચ મિત્રો સાથે ૧૫ ઓગષ્ટની રજા પણ આવતી હોવાથી મલ્લિકાર્જુનના દર્શનનો લ્હાવો લેવા જઈ પહોંચ્યો શ્રી સૈલમની પવિત્ર ભૂમિ પર.
    શ્રી સૈલમમાં આમ તો અનેક હોટલો-ધરમશાળાઓ હોવા છતાં, રવિવાર-શ્રાવણી સોમવાર-૧૫મી ઓગષ્ટ આ બધું ભેગુ થયુ હોવાથી અમને ક્યાંય રહેવા માટે જગા મળી રહી નહોતી. દરેક જગાએ 'હાઉસ ફૂલ'ના પાટિયા લટકતા હતા.પાંચ-છ કલાક મથ્યા બાદ એક મોંઘી એવી હોટલમાં બે રૂમની વ્યવસ્થા થઈ ગઈ.એક વાતનો સંતોષ હતો કે આ હોટલ મુખ્ય શિવાલયથી સાવ નજીક હતી.રવિવારની મોડી સાંજ થઈ ચૂકી હતી. સ્નાન વગેરે પતાવી અમે મંદિરે દર્શન કરવા જવાનું નક્કી કર્યું. મંદિર જઈ પહોંચ્યા.
    પવિત્ર તીર્થધામે આવેલા કોઈ પણ મંદિરમાં લોકોની ભીડભાડ અને ઘણાંબધા કોલાહલ છતાં, અનેરી પવિત્રતાનો અનુભવ, મનમાં એક અજબની શાંતિ સાથે થતો હોય છે. ભગવાનના દર્શન માટે લાગેલી લાંબીલચક કતાર જોઈને આશ્ચર્ય થતું હતું ત્યાં જ સામેની એક ઓરડીની ભીંત પર દર્શન-આરતી વગેરે માટે કિંમત ભાવ લખ્યાં હતાં એ વાંચી મને આંચકો લાગ્યો. મોટા મોટા મંદિરોમાં લોકોની ભાવના-શ્રદ્ધાને નેવે મૂકીને રીતસર એક પ્રકારનો વેપાર જ ચાલે છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી.'જલ્દી દર્શન' માટે ૫૦ રૂપિયા અને ૧૦૦ રૂપિયાની એમ બે જાતની ટિકીટોની કતાર અને ભગવાનના દર્શન માટેની ટિકીટ વગરની એક સામાન્ય કતાર.આમ કુલ ત્રણ કતારો. સામાન્ય પૈસા વગરની કતાર લાંબીલચક. ૫૦ રૂપિયા વાળી કતારમાં થોડી ઓછી ભીડ અને ૧૦૦ રૂપિયા વાળી કતારમાં સાવ થોડા ભક્તો જોવા મળે! ભગવાનને એક આરતી ચઢાવવાની કિંમત અઢીસો રૂપિયા. સામાન્ય કતારમાં પાંચ-છ કલાક જેવો સમય લાગે એમ હોવાથી અમારે નાછૂટકે પચાસ રૂપિયાવાળી ટિકીટ લેવી પડી.
    ભગવાન શંકરના જ્યોતિર્લિંગના દર્શન થયા પણ દસ ફૂટ દૂરથી અને હજી તો શિવલિંગ પર નજર ઠરે એ પહેલા તો ત્યાં ઉભેલા કાર્યકરોએ અમને હડસેલો મારી દક્ષિણ ભારતીય ભાષામાં આગળ વધવાનો આદેશ આપ્યો.મને ખૂબ દુ:ખ થયું.કેટલે દૂરથી ભગવાનના દર્શન કરવા આસ્થા પૂર્વક હજારો-લાખો ભક્તો અહિં આવે, કેટલાક તો પૈસાવાળી કતારમાં ઉભા રહે અને છતાં ભગવાન સન્મુખ આવે ત્યારે કેટલીક સેકન્ડમાં જ તેમણે ધક્કામુક્કી સહન કરી ભગવાનના દર્શન સરખા થાય-ન થાય છતાં આગળ વધી જવાનું.ખેર અમે નક્કી કર્યું બીજે દિવસે સવારે વહેલા ઉઠી ફરી દર્શન કરવા આવીશું અને ત્યારે ધરાઈને દર્શન કરીશું.પણ બીજા દિવસની સવારે શ્રાવણી સોમવાર હતો એટલે પચાસ રૂપિયાની કતારની ભીડ જોતા અમને ચક્કર આવી ગયા! હવે સો રૂપિયાની ટિકીટ લીધા સિવાય છૂટકો નહોતો.સો રૂપિયા વાળી કતાર પણ કંઈ ટૂંકી નહોતી.અહિં ઉભા ઉભા એક અજબ દ્રષ્ય જોવા મળ્યું.કેટલાક ભક્તો જમીન પર ચત્તાપાટ સૂઈ, ઉભા થઈ ભગવાનનું નામ લેતા બે ડગલા આગળ વધી ફરી પાછા ચત્તાપાટ જમીન પર સૂઈ જતા અને આ ક્રમનું પુનરાવર્તન કરી આગળ વધતા.પુરુષો સહિત કેટલીક સ્ત્રીઓને પણ આ આકરી રીતે આગળ વધતા જોઈ અનેરી લાગણી થઈ.શું આવી રીતે દર્શન કરીને જવાથી ઇશ્વર તેમને વધુ સારું ફળ આપતા હશે?આને શ્રદ્ધા કહેવી કે શ્રદ્ધાનો અતિરેક?કે પછી તેઓમાંના કોઈકે આવી આકરી બાધા-આખડી રાખ્યા હશે તો શું ઇશ્વરે પ્રસન્ન થઈ તેમની મનોકામના પૂર્ણ કરી હશે?અને ત્યારબાદ તેમને આ રીતે બાધા પૂર્ણ કરતા જોઈ ઇશ્વર ખુશ થતા હશે?આવા વિચારો કરતા કરતા આગળ વધતા હતા અને અમારો નંબર આવી ગયો.ભગવાનના જ્યોતિર્લિંગના દર્શન કર્યા ત્યારે જોવા મળ્યું કે એક આખો પરિવાર શિવલિંગની બાજુમાં બેસી તેનો પ્રત્યક્ષ સ્પર્શ કરી પૂજા વિધિ કરી રહ્યો હતો.પૂછતા ખબર પડી કે આ રીતે દર્શન અને પૂજા કરવા તમારે છસો કે હજાર રૂપિયાની ખાસ ટિકીટ ખરીદવી પડે!આ કેવું વિચિત્ર!જે વધુ પૈસા ખર્ચે તેને જ ભગવાનનો સ્પર્શ કરી નજીકથી દર્શન કરવા મળે.દર્શન કર્યા બાદ ટિકીટ વાળા દર્શનાર્થીઓને ખાસ તૈયાર કરેલો પ્રસાદ મળે જ્યારે સામાન્ય, ટિકીટ વગરની કતારમાં ઉભેલા દર્શનાર્થીઓને પ્રસાદ જેવું કંઈ ન મળે! મને થોડી અણગમાની લાગણી થઈ આવી.ભગવાનના પવિત્ર ધામમાં અનુભવેલું આ વેપારીકરણ મને જરાય ના ગમ્યું.

Tuesday, September 21, 2010

ઈકોફ્રેન્ડલી ગણપતિબાપ્પા

વાતાવરણમાં સર્વત્ર ઉત્સાહ અને ખુશાલી પ્રવર્તી રહી છે. પર્વોનો મેળો જામ્યો છે - પર્યુષણ, ઈદ અને ગણેશોત્સવ. નવરાત્રિ પછી દિવાળી જેવા બીજા તહેવારો પણ જાણે હવે લાઈનમાં રાહ જોઈને જ ઉભા રહેશે! આપણે સૌએ બધા તહેવારો હર્ષોલ્લાસભેર ઉજવવા જોઈએ પણ વિવેકભાન સાથે.


હું ખુશ છું.કારણ આ બ્લોગ છપાશે ત્યારે સુમુખ(ગણેશ)મારે ઘેર પધાર્યા હશે.હું ખુશ છું એનું બીજું કારણ એ પણ છે કે આ વર્ષે પણ મારા ગણપતિબાપ્પા ઈકોફ્રેન્ડલી છે! આ વર્ષે છાપાઓમાં ઘણી જગાએ ઈકોફ્રેન્ડલી એકદંત(ગણેશ)ની મૂર્તિઓનો ઉલ્લેખ વાંચવા મળ્યો હોવા છતાં લોકોમાં આ વિષે જોઇએ એવી જાગ્રુતિ આવી નથી.મારે જ મલાડમાં કપિલ(ગણેશ)ની ઈકોફ્રેન્ડલી મૂર્તિ શોધવા ઠેર ઠેર ફરવું પડ્યું હતું. કેટલાક દુકાનદારો અને મૂર્તિકારોને તો ઈકોફ્રેન્ડલી શબ્દનો અર્થ પણ ખબર ન હતો. ગજકર્ણક(ગણેશ)ના ઈકોફ્રેન્ડલી અવતાર વિષે જાણ હોય કે ન હોય પણ મૂર્તિકારોને લંબોદર(ગણેશ)ને વિવિધ રૂપ આપવા બેહદ પસંદ હોય એમ લાગે છે! કેટકેટલા અવનવા મોહક અને સુંદર રૂપોમાં વિકટ(ગણેશ) તમને જોવા મળશે!

કોઈ મૂર્તિકાર વિઘ્નનાશ(ગણેશ)ને શંકર ભગવાન સ્વરૂપે કંડારશે તો કોઈ વિનાયક(ગણેશ)ને સાંઈબાબાનું સ્વરૂપ આપશે તો કોઈક વળી તેમને હનુમાનદાદા બનાવી દેશે! હદ તો ત્યારે થઈ જાય જ્યારે કોઈક ધૂની મૂર્તિકાર ધૂમ્રકેતુ (ગણેશ)ને માણસનું સ્વરૂપ આપી દે છે!ગયાં વર્ષે જ મેં એક ગણપતિની મૂર્તિ ચડ્ડી-બૂશર્ટ પહેરેલ વિદ્યાર્થીના સ્વરૂપમાં જોઈ અને બીજી એક શિવાજી મહારાજના સ્વરૂપમાં! હવે આ મને જરા વધુ પડતું લાગે છે.ભગવાનને તેમનું મૂળ સુંદર સ્વરૂપ મૂકીને પામર મનુષ્યના સ્વરૂપમાં મૂકવાની વાત મારે ગળે ઉતરતી નથી.ગણાધ્યક્ષ(ગણેશ)ને આપણે તેમના અસલ સ્વરૂપે જ ન પૂજી શકીએ?હા, મને ગોટીઓમાંથી કે ચોકલેટ કે શ્રીફળ કે શાકભાજી કે સૂકામેવા કે આવી અવનવી વસ્તુઓમાંથી બનાવેલ ભાલચંદ્ર(ગણેશ)ની સર્જનાત્મક મૂર્તિ ગમે છે! ગજાનન(ગણેશ) એક જ ભગવાન છે જે, લોકોને અલગ અલગ હજાર સ્વરૂપમાં જોવા ગમે છે!

વળી પાછા ઈકોફ્રેન્ડલી મૂર્તિની વાત પર આવીએ તો આ મૂર્તિની કિંમત સામાન્ય (પ્લાસ્ટર ઓફ પેરિસની) મૂર્તિઓ કરતાં મોંઘી હોય છે કારણ આ પ્રકારની મૂર્તિ પ્લાસ્ટર ઓફ પેરિસ (જે પર્યાવરણને નુકસાન પહોંચાડે છે) ને બદલે માટીમાંથી કે બીજા પર્યાવરણને નુકસાન ન પહોંચાડે એવા તત્વોમાંથી બનાવવામાં આવે છે.તેના પર રંગ પણ પર્યાવરણ મિત્ર પદાર્થમાંથી બનાવાયો હોય તેવો જ વપરાય છે જે સામાન્ય પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ પર કરાતા ભડક રાસાયણિક પદાર્થોમાંથી બનેલા રંગો જેવો આકર્ષક હોતો નથી.આપણને ભડક અને ભપકાદાર વસ્તુઓનો જ મોહ હોય છે આથી લોકો ઈકોફ્રેન્ડલી મૂર્તિઓ ખરીદતા નથીં. લોકોમાં પર્યાવરણ વિષે પૂરતું જ્ઞાન કે પ્લાસ્ટર ઓફ પેરિસ અને રાસાયણિક રંગો પર્યાવરણને કેટલું નુકસાન પહોંચાડે છે તે વિષેની સાચી ને સચોટ માહિતિનો પણ અભાવ છે. હવે જ્યારે લોકો ઈકોફ્રેન્ડલી મૂર્તિઓની સરખામણીમાં સસ્તી અને વધુ આકર્ષક પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ મળતી હોય તો ઈકોફ્રેન્ડલી મૂર્તિઓ શા માટે ખરીદે?આખરે મૂર્તિકારો પણ એવી જ મૂર્તિ બનાવે ને જે વધુ વેચાય? આથી આપણે જાગ્રુત થઈ ઈકોફ્રેન્ડલી મૂર્તિઓ જ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ.

ઘેર શણગાર માટે પણ જે પદાર્થોનો ઉપયોગ કરીએ તે ઈકોફ્રેન્ડલી જ હોય એવો આગ્રહ રાખવો જોઈએ જેમકે થર્મોકોલ કે પ્લાસ્ટીકને બદલે સાચા ફૂલો, રંગબેરંગી દુપટ્ટાઓ, લોટ, લીલાંછમ છોડ-વેલા વગેરેનો ઉપયોગ કરવા વિષે વિચારી શકાય.

બીજો પણ એક મુદ્દો અતિ મહત્વનો છે. પ્લાસ્ટર ઓફ પેરિસની મોટી મોટી મૂર્તિઓ જ્યારે દરિયામાં કે બીજા જળાશયોમાં પધરાવવામાં આવે ત્યારે ત્યાં વસતા જળજીવોને હદ બહારનું નુકસાન થાય છે.આપણે વગર વિચાર્યે જૂનો પૂજાનો સામાન વગેરે પણ પ્લાસ્ટિકની થેલીમાં ભરી તેને દરિયામાં પધરાવતા હોઈએ છીએ જેમ ન કરવું જોઇએ.હવે તો સરકાર ગણેશોત્સવ બાદ ગજાનન(ગણેશ)ની મૂર્તિઓના વિસર્જન માટે પણ ખાસ પ્રકારના કૃત્રિમ તળાવ બનાવે છે.બધાએ આ તળાવોનો ઉપયોગ કરવો જોઇએ. મારા એક મિત્રે અમેરિકામાં તેના ઘેર ગણપતિની મૂર્તિ લાવી હતી અને તેણે આ મૂર્તિનું વિસર્જન પોતે જ તેના ઘરના કંપાઉન્ડમાં નાનકડો ખાડો ખોદી તેમાં સ્વચ્છ પાણી ભરી વિધિવત તેમાં કર્યું હતું અને આ પ્રસંગના ફોટા અમે સૌએ જોયા હતાં અને આશ્ચર્ય પણ અનુભવ્યું હતું.

ગણેશોત્સવ શ્રદ્ધાનું પર્વ છે તેમાં દેખાદેખી કે બીજાને આંજી નાંખવા કે બીજા સાથે સ્પર્ધા કરવા બેફામ ખર્ચ જેવા તત્વો ન ઉમેરાવા જોઈએ. વિનાયક(ગણેશ)ની મૂર્તિને વિસર્જન માટે લઈ જતી વખતે પણ લોકો મોટામોટા બેન્ડ અને હવે તો ડી.જે. પાછળ મસમોટો ખર્ચ કરે છે.દારુ પીને બેહૂદા નાચ કરે છે.ગુલાલ સાથે કૃત્રિમ ફીણ અને કોલ્ડડ્રીંકની છોળો ઉડાડે છે. આ બધું ગણેશોત્સવના પવિત્ર પર્વને કલુષિત કરે છે.આ રીતે ભગવાનને યાદ કરવાના ન હોય.

આજે આપણે ગ્લોબલ વોર્મિંગ, ઋતુઓની અનિયમિતતા, ક્યાંક સુકો દુકાળ તો ક્યાંક લીલો દુકાળ જેવી અનેક પર્યાવરણ સંબંધી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છીએ ત્યારે જીવનમાં ડગલે ને પગલે આપણે કઈ રીતે પર્યાવરણને થોડું પણ નુકસાન થતાં અટકાવી શકીએ એ વિષે વર્તવુ જોઈએ અને સમજણપૂર્વક કુદરતી સ્રોતોનો ઉપયોગ કરવો જોઇએ.ગ્લોબલ વોર્મિંગ જેવા પરિબળોની પર્યાવરણ પર થઈ રહેલી વિપરીત અસરોને ધ્યાનમાં લઈ આપણે દરેક પર્વની ઉજવણી કરવી જોઈએ કારણ એમ કરીશું તો જ આપણે આવનારા ઘણાં વર્ષો સુધી એમ કરવા જીવતા રહી શકીશું અને આપણી આવનારી પેઢીઓને પણ એમ કરવાની તક પૂરી પાડી શકીશું.

હે વક્રતુંડ, ક્રુષ્ણપિંગાક્ષ, ગજ્વકત્ર, વિઘ્નરાજ, ધૂમ્રવર્ણ ગણપતિ બાપ્પા અમને સૌને સદબુદ્ધિ આપો જેથી અમે આપનો આ તહેવાર તથા બીજા બધાં તહેવારો 'યથાયોગ્ય' રીતે ઉજવી શકીએ!!!