હું ખુશ છું.કારણ આ બ્લોગ છપાશે ત્યારે સુમુખ(ગણેશ)મારે ઘેર પધાર્યા હશે.હું ખુશ છું એનું બીજું કારણ એ પણ છે કે આ વર્ષે પણ મારા ગણપતિબાપ્પા ઈકોફ્રેન્ડલી છે! આ વર્ષે છાપાઓમાં ઘણી જગાએ ઈકોફ્રેન્ડલી એકદંત(ગણેશ)ની મૂર્તિઓનો ઉલ્લેખ વાંચવા મળ્યો હોવા છતાં લોકોમાં આ વિષે જોઇએ એવી જાગ્રુતિ આવી નથી.મારે જ મલાડમાં કપિલ(ગણેશ)ની ઈકોફ્રેન્ડલી મૂર્તિ શોધવા ઠેર ઠેર ફરવું પડ્યું હતું. કેટલાક દુકાનદારો અને મૂર્તિકારોને તો ઈકોફ્રેન્ડલી શબ્દનો અર્થ પણ ખબર ન હતો. ગજકર્ણક(ગણેશ)ના ઈકોફ્રેન્ડલી અવતાર વિષે જાણ હોય કે ન હોય પણ મૂર્તિકારોને લંબોદર(ગણેશ)ને વિવિધ રૂપ આપવા બેહદ પસંદ હોય એમ લાગે છે! કેટકેટલા અવનવા મોહક અને સુંદર રૂપોમાં વિકટ(ગણેશ) તમને જોવા મળશે!
કોઈ મૂર્તિકાર વિઘ્નનાશ(ગણેશ)ને શંકર ભગવાન સ્વરૂપે કંડારશે તો કોઈ વિનાયક(ગણેશ)ને સાંઈબાબાનું સ્વરૂપ આપશે તો કોઈક વળી તેમને હનુમાનદાદા બનાવી દેશે! હદ તો ત્યારે થઈ જાય જ્યારે કોઈક ધૂની મૂર્તિકાર ધૂમ્રકેતુ (ગણેશ)ને માણસનું સ્વરૂપ આપી દે છે!ગયાં વર્ષે જ મેં એક ગણપતિની મૂર્તિ ચડ્ડી-બૂશર્ટ પહેરેલ વિદ્યાર્થીના સ્વરૂપમાં જોઈ અને બીજી એક શિવાજી મહારાજના સ્વરૂપમાં! હવે આ મને જરા વધુ પડતું લાગે છે.ભગવાનને તેમનું મૂળ સુંદર સ્વરૂપ મૂકીને પામર મનુષ્યના સ્વરૂપમાં મૂકવાની વાત મારે ગળે ઉતરતી નથી.ગણાધ્યક્ષ(ગણેશ)ને આપણે તેમના અસલ સ્વરૂપે જ ન પૂજી શકીએ?હા, મને ગોટીઓમાંથી કે ચોકલેટ કે શ્રીફળ કે શાકભાજી કે સૂકામેવા કે આવી અવનવી વસ્તુઓમાંથી બનાવેલ ભાલચંદ્ર(ગણેશ)ની સર્જનાત્મક મૂર્તિ ગમે છે! ગજાનન(ગણેશ) એક જ ભગવાન છે જે, લોકોને અલગ અલગ હજાર સ્વરૂપમાં જોવા ગમે છે!
વળી પાછા ઈકોફ્રેન્ડલી મૂર્તિની વાત પર આવીએ તો આ મૂર્તિની કિંમત સામાન્ય (પ્લાસ્ટર ઓફ પેરિસની) મૂર્તિઓ કરતાં મોંઘી હોય છે કારણ આ પ્રકારની મૂર્તિ પ્લાસ્ટર ઓફ પેરિસ (જે પર્યાવરણને નુકસાન પહોંચાડે છે) ને બદલે માટીમાંથી કે બીજા પર્યાવરણને નુકસાન ન પહોંચાડે એવા તત્વોમાંથી બનાવવામાં આવે છે.તેના પર રંગ પણ પર્યાવરણ મિત્ર પદાર્થમાંથી બનાવાયો હોય તેવો જ વપરાય છે જે સામાન્ય પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ પર કરાતા ભડક રાસાયણિક પદાર્થોમાંથી બનેલા રંગો જેવો આકર્ષક હોતો નથી.આપણને ભડક અને ભપકાદાર વસ્તુઓનો જ મોહ હોય છે આથી લોકો ઈકોફ્રેન્ડલી મૂર્તિઓ ખરીદતા નથીં. લોકોમાં પર્યાવરણ વિષે પૂરતું જ્ઞાન કે પ્લાસ્ટર ઓફ પેરિસ અને રાસાયણિક રંગો પર્યાવરણને કેટલું નુકસાન પહોંચાડે છે તે વિષેની સાચી ને સચોટ માહિતિનો પણ અભાવ છે. હવે જ્યારે લોકો ઈકોફ્રેન્ડલી મૂર્તિઓની સરખામણીમાં સસ્તી અને વધુ આકર્ષક પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ મળતી હોય તો ઈકોફ્રેન્ડલી મૂર્તિઓ શા માટે ખરીદે?આખરે મૂર્તિકારો પણ એવી જ મૂર્તિ બનાવે ને જે વધુ વેચાય? આથી આપણે જાગ્રુત થઈ ઈકોફ્રેન્ડલી મૂર્તિઓ જ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ.
બીજો પણ એક મુદ્દો અતિ મહત્વનો છે. પ્લાસ્ટર ઓફ પેરિસની મોટી મોટી મૂર્તિઓ જ્યારે દરિયામાં કે બીજા જળાશયોમાં પધરાવવામાં આવે ત્યારે ત્યાં વસતા જળજીવોને હદ બહારનું નુકસાન થાય છે.આપણે વગર વિચાર્યે જૂનો પૂજાનો સામાન વગેરે પણ પ્લાસ્ટિકની થેલીમાં ભરી તેને દરિયામાં પધરાવતા હોઈએ છીએ જેમ ન કરવું જોઇએ.હવે તો સરકાર ગણેશોત્સવ બાદ ગજાનન(ગણેશ)ની મૂર્તિઓના વિસર્જન માટે પણ ખાસ પ્રકારના કૃત્રિમ તળાવ બનાવે છે.બધાએ આ તળાવોનો ઉપયોગ કરવો જોઇએ. મારા એક મિત્રે અમેરિકામાં તેના ઘેર ગણપતિની મૂર્તિ લાવી હતી અને તેણે આ મૂર્તિનું વિસર્જન પોતે જ તેના ઘરના કંપાઉન્ડમાં નાનકડો ખાડો ખોદી તેમાં સ્વચ્છ પાણી ભરી વિધિવત તેમાં કર્યું હતું અને આ પ્રસંગના ફોટા અમે સૌએ જોયા હતાં અને આશ્ચર્ય પણ અનુભવ્યું હતું.
ગણેશોત્સવ શ્રદ્ધાનું પર્વ છે તેમાં દેખાદેખી કે બીજાને આંજી નાંખવા કે બીજા સાથે સ્પર્ધા કરવા બેફામ ખર્ચ જેવા તત્વો ન ઉમેરાવા જોઈએ. વિનાયક(ગણેશ)ની મૂર્તિને વિસર્જન માટે લઈ જતી વખતે પણ લોકો મોટામોટા બેન્ડ અને હવે તો ડી.જે. પાછળ મસમોટો ખર્ચ કરે છે.દારુ પીને બેહૂદા નાચ કરે છે.ગુલાલ સાથે કૃત્રિમ ફીણ અને કોલ્ડડ્રીંકની છોળો ઉડાડે છે. આ બધું ગણેશોત્સવના પવિત્ર પર્વને કલુષિત કરે છે.આ રીતે ભગવાનને યાદ કરવાના ન હોય.
આજે આપણે ગ્લોબલ વોર્મિંગ, ઋતુઓની અનિયમિતતા, ક્યાંક સુકો દુકાળ તો ક્યાંક લીલો દુકાળ જેવી અનેક પર્યાવરણ સંબંધી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છીએ ત્યારે જીવનમાં ડગલે ને પગલે આપણે કઈ રીતે પર્યાવરણને થોડું પણ નુકસાન થતાં અટકાવી શકીએ એ વિષે વર્તવુ જોઈએ અને સમજણપૂર્વક કુદરતી સ્રોતોનો ઉપયોગ કરવો જોઇએ.ગ્લોબલ વોર્મિંગ જેવા પરિબળોની પર્યાવરણ પર થઈ રહેલી વિપરીત અસરોને ધ્યાનમાં લઈ આપણે દરેક પર્વની ઉજવણી કરવી જોઈએ કારણ એમ કરીશું તો જ આપણે આવનારા ઘણાં વર્ષો સુધી એમ કરવા જીવતા રહી શકીશું અને આપણી આવનારી પેઢીઓને પણ એમ કરવાની તક પૂરી પાડી શકીશું.
હે વક્રતુંડ, ક્રુષ્ણપિંગાક્ષ, ગજ્વકત્ર, વિઘ્નરાજ, ધૂમ્રવર્ણ ગણપતિ બાપ્પા અમને સૌને સદબુદ્ધિ આપો જેથી અમે આપનો આ તહેવાર તથા બીજા બધાં તહેવારો 'યથાયોગ્ય' રીતે ઉજવી શકીએ!!!
Vikasbhai,
જવાબ આપોકાઢી નાખોI need to share my experience in this regard. Last year we brought Ganesh at my house for the first time and they were very ecofriendly made from sand. We did visarjan at my terrace in a waterfilled tub. Murty dissolved in no time and then we watered our garden with the said water. But....this year, I bought a murty said to be made from sand and eco freiendly, believing the same, tried to immerse in waterfilled tub at home like last year, it did not dissolve !! I realised that I was cheated, I felt so hurt , dipressed and disturbed that I can not explain you in words.I could not sleep for nights together and the biggest question was what to do with undissolved ganesha , then ?? I went next day after visarjan to catch the vendor but not to my surprise he had ran away.
I feel the Ecofreindly Ganesha idols should be certified like diamonds and we should buy it only from reliable stores who can not run away after selling idols and in case of complains we can reach them.
I am writing this in public interest as they can be cautious before buying.
ગુજરાતના કોઈક શહેરમાં, લગભગ સૂરતમાં મેં એક બંગાળી મૂર્તિકારની મુલાકાત લીધેલી જે ગંગા અને તાપીના કિનારા પરના કાદવની માટી ભેગી કરી તેમાંથી ઈકોફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ બનાવતો હતો.મને નથી સમજાતું કે લોકો ગણપતિની મૂર્તિની ઉંચાઈને શામાટે આટલું મહ્ત્વ આપી દેખાદેખી કે હરિફાઈમાં ઉતરતાં હશે?મૂળ રીતે તો લોકમાન્ય ટિળકે લોકોમાં એકતા આણવા આ સાર્વજનિક તહેવારની શરૂઆત કરી હતી પણ હવે જાણે આ તહેવાર દેખાવ અને ભપકાનું માધ્યમ બની ગયો છે.બધાં મંડળો એકમેક સાથે સ્પર્ધા કરી મસમોટા ખર્ચા કરતા હોય છે અને તહેવાર પાછળનો મૂળ આશય ભૂલી જ જતાં હોય છે.તમે અખબારના માધ્યમથી આ વિષે ચર્ચા કરી લોકોમાં જાગ્રુતિ ફેલાવી શકો છો.
જવાબ આપોકાઢી નાખો- હિના માનેરિકર (ગુજરાત)