Translate

Sunday, June 26, 2011

વહેલી સવારે રસ્તામાં ચાલતાં ચાલતાં...

વહેલી સવારે ઉઠવાનો કંટાળો ન આવે અને એલાર્મના રણકારે તરત ઉઠી જઈ પથારી છોડી દે એવું ભાગ્યે જ કોઈ હશે! પણ ઉઠ્યા બાદ તમે કામની શરૂઆત પહેલાં પોતાની જાતને કોઈ નવી પ્રવૃત્તિમાં જોતરી દેશો તો મજા આવશે. આ પ્રવૃત્તિ ગમે તે હોઈ શકે જેમ કે ચાલવા કે જોગિંગ માટે જવું કે કસરત કરવી કે મોટર ડ્રાઈવિંગ શીખવા જવું વગેરે.હું થોડા વર્ષો અગાઉ નિયમિત સ્વિમિંગ કરવા જતો અને સ્વિમિંગ પુલ ઘરથી થોડું દૂર હોવાથી મારું સવારના પહોરમાં વોકિંગ પણ થઈ જતું.આવી જ એક સવારે સ્વિમિંગથી પાછા ફરતી વેળાએ આવેલ વિચાર અને થયેલ અનુભૂતિ આજે આ બ્લોગ થકી તમારી સાથે શેર કરવાં છે.આ અનુભવ જ્યારે જ્યારે હું કોઈ પણ કારણ સર વહેલી સવારે બહાર નિકળું ત્યારે થાય છે.વહેલી સવારના પહોરમાં ઘરની બહાર નીકળીએ ત્યારે માર્ગમાં થતી આનંદની અનુભૂતિ ખૂબ આહ્લાદક,મજેદાર અને તાજગીસભર હોય છે.


વહેલી સવારની હવામાં એક ગજબની તાજગી હોય છે.આ તાજી હવામાં ચાલતી વખતે તમે જાણે ચાર્જ અપ થઈ જાઓ છો.વાહનોની અવરજવર શરૂ ન થઈ હોવાને લીધે તેમના દ્વારા ફેલાતાં પ્રદૂષણના અભાવે વહેલી સવારની હવા શુદ્ધ પણ હોય છે જે તમારા શ્વાસમાં નિયમિત રીતે ભરો તો તમારું સ્વાસ્થ્ય સારું રહેવામાં પણ ચોક્કસ મદદ મળે.હું મોટે ભાગે ચાલતી વખતે આઈપોડ કે મોબાઈલ ફોન પર સંગીત સાંભળતો હોઉં છું પણ જો તમારા કાનમાં ઇયર ફોન્સ ન પણ હોય તો વહેલી સવારે વાતાવરણમાં, તમારા કાન સાંભળીને આનંદિત થઈ ઉઠે એવું બીજું ઘણું હોય છે.પંખીઓનો કલશોર (શિયાળામાં વહેલી સવારે કોયલનું કર્ણપ્રિય કુ...ઊ...કુ...ઊ), દૂધવાળાઓની સાઈકલની ઘંટડીનો અવાજ, છાપા વહેંચવાવાળાઓની હોહા, શાળાએ જતાં બાળકોનો અવાજ, શેરીની દુકાન કે કોઈકના ઘરમાંથી આવતો રેડિયોનો અવાજ, ક્યાંક કોઈક મંદિરમાંથી આવી રહેલો આરતી અને ઘંટનો નાદ વગેરે વગેરે અનેક સામાન્ય અવાજોનું સંગીત ક્યારેક ધ્યાન આપીને માણવું જોઈએ.

ઘરેથી સ્વિમિંગ પુલ ચાલીને જતાં પચ્ચીસ મિનિટ લાગતી અને કલાક દોઢ કલાક તર્યા બાદ હું પાછો ફરતો હોઉં ત્યારે મુંબઈની શહેરી દોડધામ ઓછેવત્તે અંશે શરૂ થઈ ચૂકી હોય. રસ્તામાં ઘણા, ઓફિસે જવા નીકળેલા નોકરિયાત તેમની કંપની બસની રાહ જોઈને ઉભેલા જોવા મળે. નાહીધોઈ સ્વચ્છ ઇસ્ત્રીબંધ કપડામાં સજ્જ દિવસની શરૂઆત કરી ચૂકેલા આ લોકોને જોઈ મને વિચાર આવે કે મેં તો હજી સવારનો ચાનાસ્તો કે સ્નાનાદિ પણ પતાવ્યા નથી.હું કેટલો બધો મોડો પડી ગયો! અને મારી ચાલવાની ઝડપ આપમેળે વધી જાય! કેટલાંક મારી જેમજ કોઈક પ્રકારની કસરત કરી પરત ફરી રહેલા જિમના કપડામાં સજ્જ લોકો કે જોગિંગ શૂઝ પહેરીને ઝડપભેર ચાલતાં જાડિયા કાકી કે કાકા પણ નજરે પડે! રસ્તામાં અનેક જાતજાતનાં લોકો જોવા મળે. તેમાંના મોટા ભાગનાં, પોતાના દિવસની શરૂઆત કરી રહ્યાં હોય.

પાછા ફરતી વખતે માર્ગમાં, બીજી એક મને ગમતી બાબત છે સવારના સુકુમાર સૂર્યકિરણોને ચહેરા પર ઝીલવાં.

એક વાર આજ રીતે પાછા ફરતી વેળાએ એ મોસમનો પહેલો વરસાદ સવારે પડેલો અને તે મેં મન ભરીને માણ્યો હતો. મારા મોબાઈલ પર વાગી રહેલું ગીત બદલી નાંખી મેં ત્યારે બરસો રે મેઘા મેઘા બરસો રે...કરી નાંખ્યું હતું અને વર્ષાના ટીપાં મારા શરીર પર ઝીલવાની મને જબરી મજા પડી ગયેલી. ઉનાળાની તપ્ત ગરમીથી ત્રાસી ગયેલી ધરા પણ મોસમના આ પ્રથમ ઝાપટાને મારા જેટલો જ માણી રહી હશે,ત્યારે જ તો તેણે ભીની ભીની માટીની મીઠી મીઠી સોડમ વહેતી મૂકી ને! આ સુગંધે તો જાણે સોનામાં સુગંધ ભેળવવા જેવો ઘાટ ઘડ્યો!

અચાનક આવી પડેલ આ વરસાદના ઝાપટા પ્રત્યે જુદા જુદા લોકોએ વ્યક્ત કરેલી ભિન્ન ભિન્ન પ્રતિક્રિયા જોવાની પણ મને તો મજા પડી! કેટલાંક લોકોએ પલળી ન જાય એ માટે નજીકમાં શરણું શોધવા રીતસર દોટ મૂકી તો વળી કેટલાંક બંને હાથ પ્રસરાવી વર્ષા રાણીને વધાવી જાણે તેનું સ્વાગત કરી રહ્યાં!

અને હજીતો થોડી જ ક્ષણો વિતી હશે ત્યાં તો વાદળા પાછળ સંતાઈ ગયેલા સૂરજ દાદાએ પોતાનું ડોકુ વાદળો વચ્ચેથી બહાર કાઢ્યું અને તડકો છવાઈ ગયો.

મને પેલું બાળપણમાં ખૂબ ગાયેલું વરસાદનુ ગીત ગાવાનું મન થઈ ગયું "આવ રે વરસાદ...ઢેબરિયો વરસાદ ..ઉની ઉની રોટલીને કારેલાનું શાક..!!" (વરસાદ જ્યારે તડકા સાથે પડે ત્યારે ઢેબરિયો ને બદલે અમે 'નાગડિયો વરસાદ’ એમ ગાતાં!)

મેં કેટલાક કૂતરા અને ગાયોને પણ વરસાદમાં પલળતાં જોયાં અને મને એમ લાગ્યું જાણે તેઓ પણ વરસાદ માણી રહ્યાં હોય!

મેં ત્યારેજ નક્કી કરી રાખ્યું હતું કે આ અનુભવ વિષે લખી મારી આ લાગણીઓ મારા અનેક મિત્રો સાથે શેર કરીશ અને આજે થોડા વર્ષો બાદ આ બ્લોગના માધ્યમથી મારા આ વિચારો હું તમારા સૌ સાથે વહેંચી રહ્યો છું.

મને ઘણી વાર એવું લાગ્યું છે કે તમારા ગંતવ્ય સ્થાને પહોંચવાના આનંદ કરતાં પ્રવાસની મજા,માર્ગમાં માણેલી પળોની મજા કંઈક અલગ અને વિશેષ હોય છે.ટ્રેક પર જાઉં ત્યારે પણ આવો અનુભવ ઘણી વાર થયો છે. શું આપણા જીવનનું પણ કંઈક એવું જ નથી? જો જીવનને એક યાત્રા ગણીએ અને સ્વર્ગ કે નરકને અંતિમ સ્થાન તો આ યાત્રાને આપણે ઘણી યાદગાર બનાવી શકીએ - સારા કામ કરીને અને તમને માર્ગમાં જે ભટકાય તેને ખુશી કે સ્મિત માટેનું કોઈક કારણ આપીને!

હું એવી શુભકામના પાઠવું છું કે આપણાં સૌની આ જીવનયાત્રા સુખદ સ્મરણયાત્રા બની રહે..!

Sunday, June 19, 2011

ગેસ્ટ બ્લોગ : જગત સત્ય કે ભ્રમ?

- ટીના ધીરવાણી

ઈશ્વરે રચેલી અતિ અદભુત, અદમ્ય, અવર્ણનીય, અગોચર, સૃષ્ટિ એ સનાતન સત્ય છે કે ભ્રામક માયાજાળ? આવી અકલ્પનિય સૃષ્ટિ ને સમજાવતા મંતવ્યો કેટકેટલાય તત્વચિંતકોએ રજૂ કર્યા છે. અલોકિક વિજ્ઞાનનો તાગ મેળવવાની વિચક્ષણ બુદ્ધિ વૈદિક સાહિત્યના અભ્યાસ દ્વારા જ કેળવી શકાય છે .આપણી ભારતીય શ્રુતિએ જ્ઞાનામૃતનો અખૂટ સાગર છે. તેની એક બૂંદનું રસપાન આપણા તરસ્યા જીવનને આત્મ સાક્ષાત્કારની રસધારામાં ભીંજવી નાખે છે. મર્યાદા પુરુષોતમ શ્રીરામ ના જીવનનો આ નાનકડો પ્રસંગ આપણને ઘણી સહજતાથી જ્ઞાનની ઊંડી વાતો સમજાવે છે.


બાળક રામ બાલ્યાવસ્થામાં આકાશમાં સૌમ્ય ચાંદની રેલાવતા પૂર્ણિમાના ચંદ્રને નિહાળતા જ મુગ્ધ થઇ ગયા હતા. કોઈ સુંદર રમકડું સમજીને તેને લાવી આપવાની તેમના પિતા રાજા દશરથ પાસે માંગણી કરે છે.પરંતુ સામાન્ય માનવી પછી ભલેને રાજા કેમ ના હોય આકાશમાંના ચંદ્ર ને કેમ લાવી શકે? બાળક રામે તો હઠ પકડી ખાવા પીવાનું છોડી દીધું ને રડવા લાગ્યા. કોઈપણ રીતે માનતા ન હતા. ચિંતિત માતા કૌશલ્યાને એક યુક્તિ સૂજી. તેમણે પાણીમાં ચંદ્રમાં નું પ્રતિબિંબ બાળક રામને દેખાડ્યું. મનગમતું રમકડું મળતા જ રામ તો ખુશ થઇ ગયા.તેથી રાજા રાણી એ પણ રાહત નો શ્વાસ લીધો .

આજ પરિસ્થિતિ આપણી પણ છે. આપણી આકાંક્ષાઓ મહત્વકાન્ક્ષાઓ ની યાદી તો ગગનચુંબી ઇમારત કરતા પણ લાંબી છે. જીવન માં પ્રભુ કૃપા થી જે પ્રાપ્ત થયું તેનો સ્વીકાર કરી ને સુખી થવા કરતા જે આપણી પાસે નથી તેનો રંજ અનુભવી તેને મેળવવા મથતા હોઈએ છીએ.આવી મનોવૃતિઓં નું વર્ણન ગીતામાં કરેલુ છે.

इदमद्य मया लब्धमिम प्राप्स्ये मनोरथं

मदमस्तीदमपिमे भविष्यति पुनर्धनम

આજે મે આ પ્રાપ્ત કર્યું છે. આ મનોરથ સિદ્ધ કરીશ. આ ધન મારું છે. આ પણ મને મળશે. આ સધળું પ્રાપ્ત કવામાં જ સાચું સુખ છે, તેવું આપણને લાગે છે. કારણ આપણે માનીએ છીએ કે world is real and I am the part of this world and I wanted to enjoy pleasure as much as possible. પૈસો, પદ પ્રતિષ્ઠાની પાછળ આંધળી દૌડ મૂકીને ઉન્નતિ મેળવવા માટે મથતી આપણી મનોવૃત્તિઓનું વર્ણન કરતાં સંત કબીરજી કહે છે કે

दुनिया आगे हे मगर लगी हे मेरी होड़

हार न मेरी जानिए जारी हे यह दोड़

મહાન ઋષિ ચાર્વાકે તેમના "લોકાયત" તત્વ ચિંતન માં આં જ સિદ્ધાંત ને રજૂ કર્યું છે. તે પ્રમાણે આપણને દ્રષ્ટિ સમક્ષ જે દેખાય છે તે જ સત્ય છે. તેનું જ અસ્તિત્વ છે. જે દેખાતું જ નથી તેનું અસ્તિત્વ જ નથી. તેમના મત પ્રમાણે Materlistic world "ભૌતિક જગત" જ એકમાત્ર સત્ય છે.

અરિસ્ટોટલ, અગસ્ટિન, જોનલોક, હ્યુમ, મૂર, રસલ જેવા વેસ્ટર્ન તત્વ ચિંતકો એ પણ Realism એટલે કે Universal (properties such as "redness") have independent of the human mind આજ વાત ને સમર્થન આપ્યું છે. સૃષ્ટિમાં રહેલા દરેક પદાર્થો એ પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે . આ દરેક વસ્તુઓને નિહાળીને આપણે જ્ઞાન દ્વારા તેને જાણી શકીએ છીએ .મૂરે તો આજ વાત ને common sense ના સિદ્ધાંત દ્વારા એકદમ સરળ રીતે સમજાવી છે.જે વસ્તુ હું પ્રત્યક્ષ રીતે જોઈ શકું છુ, સમજી શકું છુ , તેના અસ્તિત્વને અનુભવી શકું છુ, તેને હું અસત્ય કઈ રીતે માની શકું? આ તો સાવ જ common sense ની વાત છે. તેને સમજવા માટે પોથી પંડિત બનવાની કોઈ જ જરૂર નથી.

આપણે Eat Drink and be Merry ને સાચું સુખ માનીને તેને મેળવવા સો ટચ નો પ્રયત્ન કરીએ છીએ. સમયના વહેતા પ્રવાહ ની સાથે અનુભવોની પાઠશાળા ભૌતિક સુખોની નશ્વર્તાને સારી પેઠે સમજાવી દે છે. જીવનમાં ઉદ્ભભવતા સંઘર્ષો અને કસોટીઓ મહામૂલો સમય નકામી વસ્તુઓ પાછળ વેડફી નાખ્યાનું ભાન કરાવે છે, ત્યારે યથાર્થ સમી સત્યતા, સાર્થકતા, સચરિત્રતા ને સમજવા માંડીએ છીએ. જેમ ભગવાન શ્રીકૃષ્ણ એ તેમના વિશ્વરૂપ ના દર્શન કરાવવા અર્જુન ને દિવ્ય દ્રષ્ટિ પ્રદાન કરી હતી તે જ પ્રમાણે સંસાર ને જોવાની અલગ દિવ્યતા પ્રાપ્ત થાય છે. જગત એ ચંદ્ર ના પાણી માં પડેલા પ્રતિબિંબ જેવું આભાસી પ્રતિત થાય છે.वासुदेव सर्वमिति (સઘળું વાસુદેવ જ છે ) તે સત્ય આપણી આત્મમાં ઉજાગર થવા માંડે છે.

ભારત માં વૈદિક ધર્મ નો પ્રચાર અને પ્રસાર કરનારા જગદગુરુ આદ્યશંકરાચાર્ય એ પણ અજ વાત ને સમર્થન આપ્યું છે. તેમણે આપેલા જ્ઞાન રૂપી ખજાનાનો પારસમણી ब्रह्मः सत्य जगत मिथ्या ब्रह्मैव ना पराः બ્રહ્મ જ એક સત્ય છે, આ જગત મિથ્યા છે. મનુષ્ય નો આત્મા એ બ્રહ્મના આત્માથી અલગ નથી. चर्पटपंज्रिका નામના તેમના સ્ત્રોતમાં પણ તેમણે આ જ વાત પર ભાર મૂકતા કહ્યું છે કે भज गोविन्दं भज गोविन्दं मूढ मते

પ્લેટો, એનસ્યુલમ, થોમસ ડેકાર્ટ, બાક્લી, હેગલ જેવા વેસ્ટર્ન તત્વચિંતકોય પણ "Idealisms" એટલે કે world is exist only in our mind. આજ વાતને સમર્થન આપ્યુ છે. દુનિયાની દરેક વસ્તુઓ સાથે આપણે મન થી જોડાયેલા છીયે. મન ની ભ્રામક માયા જાળમાં જ દુનિયાનું અસ્તિત્વ છે.

આ સત્ય ને આત્મસાત કરતાં જ જગત નું અસ્તિત્વ એ ચંદ્ર ના પ્રતિબિંબ જેવું પ્રતિત થાય છે. અજ્ઞાનને કારણે જગત સત્ય ભાસે છે. પરંતુ જ્ઞાનનો સૂર્યોદય એ અજ્ઞાનના અંધકારને દૂર કરે છે. તેથી જ્ઞાની મહાત્મા જીવન જીવવા છતાં પણ કમળ પત્ર પર પડેલા પાણી ના બિંદુઓની જેમ જીવનથી અલિપ્ત રહે છે. વિષયો ભોગવવા છતાં પણ નિર્વિકાર રહે છે. So People be in the world but off the world

આ જ્ઞાનને આપણા જીવનમાં સ્થિર કરવાની ગુરુચાવી એટલે अभ्यास અને वैराग्य. તેનો ઉલ્લેખ ગીતામાં અને મહર્ષિ પતંજલિ એ પણ તેમના યોગસૂત્ર માં કર્યો છે .

તદુપરાંત મધ્યમ માર્ગ પણ અપનાવી શકાય જેમકે "Dualisms" (દ્વેત + અદ્વેત ) રામાનુજાચાર્ય અને માધવાચાર્ય એ જગત ને સહારે જગદીશ ને પામવાનો અતિ સરળ ઉપાય બતાવ્યો છે.


- ટીના ધીરવાણી

Sunday, June 12, 2011

મંદિર (ભાગ - 3)

થોડા મહિના અગાઉ હું પત્ની અને મારી પુત્રી સાથે આસામ ફરવા ગયેલો ત્યાં ગુવાહાટી ખાતે માતાજીની શક્તિ પીઠ આવેલી છે જે કામાખ્યા મંદિર તરીકે ઓળખાય છે.અહિં લોકવાયકા પ્રમાણે શંકર ભગવાન જ્યારે દેવી પાર્વતીના શબને ઉંચકી આકાશમાં ઉડયા હતા ત્યારે માતાજીનો યોનિભાગ પડ્યો હતો અને તે જગાએ આ મંદિરનું નિર્માણ થયું હતું. (ગુજરાત ખાતે આવેલ અંબાજીના પવિત્ર ધામે માતાજીનું હ્રદય પડ્યું હતું એ મંદિર પણ ખૂબ પ્રખ્યાત અને સુંદર છે.)આ કામાખ્યાદેવીના મંદિરમાં પણ બીજા પ્રખ્યાત મંદિરો જેવું જ વાતાવરણ હતું.અહિં એક માન્યતા છે કે જે જગાએ માતાજીના શરીરનો યોનિ ભાગ પડેલો તે ભાગમાંથી આજે પણ પવિત્ર પાણી ઝર્યા કરે છે અને દરેક ભક્ત આ પવિત્ર જળ માથે ચડાવી પ્રસાદ તરીકે ગ્રહણ કરે છે. મેં પણ આ મુજબ કર્યું પણ ખબર નહિં કેમ મારું મન એ પ્રચલિત લોકકથા સત્ય હોય અને એના ચમત્કાર રૂપે જ આ પાણી ઝરી રહ્યું હોય એ બાબત હજી સ્વીકારી શક્તું નથી. બીજી એક વાત આ મંદિરમાં એ બની કે ત્યાં હું જે દ્રષ્ય જોયાનો સાક્ષી બન્યો એ જોયા બાદ ત્યાંની ભૂમિને પવિત્ર કહેવી કે નહિં એ અંગે પણ હું દ્વિધા અનુભવું છું. હું પૈસા ખર્ચીને વી.આઈ.પી. દર્શનની લાઈનમાં તો ઉભો નહોતો રહ્યો કે ન તો મને સમયના અભાવે ત્યાંની સામાન્ય કતારમાં ઉભા રહી છ-સાત કલાકે મારો નંબર આવે ત્યારે માતાજીના મંદિરમાં ગર્ભગૃહના પ્રત્યક્ષ દર્શન કરવાનો લાભ મળી શકે એમ હતો. આથી એક પાંડાને દક્ષિણા આપી અમારા વતી પૂજા કરાવી દીધા બાદ મંદિરના પ્રાંગણમાં ફરતી વેળાએ બરાબર માતાજીના ગર્ભગૃહની સામે મંદિરની બહાર એક ખાસ જગાએ મારું ધ્યાન ગયું તો ત્યાં લોહીના રેલા જેવું કંઈક વહી રહ્યું હતું. એ લોહીની ધાર જોઈ મને સમજી જતા વાર ન લાગી કે શા માટી આ મંદિરના પ્રાંગણમાં અનેક લોકો બકરી હાથમાં તેડી કે કબૂતરોને ટોપલામાં કે પિંજરામાં લઈ ફરી રહ્યાં હતાં. માણસ નામની ક્રૂર જાત આ મૂંગા પશુઓની અહિં બલિ ચડાવે છે - એ વાસ્તવિક્તાનું ભાન થતાં જ મને એક તીવ્ર અણગમા અને તિરસ્કારની લાગણી થઈ આવી. અહિં આ મુખ્ય મંદિરના પ્રાંગણમાં જ બીજા નાના મોટા દેરા હતાં.જેમાંથી એક કાળકા માતાના અંધારિયા દેરામાં તો હદ થઈ ગઈ. અહિં હું ઘૂંટણિયે ઝૂકી પગે લાગી માથુ ઉંચુ કરું છું ત્યાં જ મારી નજર બાજુમાં જ તાજું વધેરી ચડાવાયેલું બકરાનું લોહી નિતરતું માથું પડેલું હતું. મને એ જોઈ કંપારી છૂટી ગઈ. શું ભગવાન આપણી પાસેથી આવી ભેટની અપેક્ષા રાખતા હશે? અરે એ તો સર્જનહાર છે,જીવની રચના કરનાર છે. પોતાના અંગત સ્વાર્થ માટે અબોલ પશુપંખી (કે ક્યારેક બાળક કે પછી બીજા મનુષ્ય સુદ્ધા) ની બલિ ચડાવવાનું ક્યારે બંધ કરશે? પહેલી વાર કોઈક મંદિરમાં ગયા બાદ મને અણગમાની લાગણી થઈ રહી હતી.


ગુજરાતના મહેસાણામાં એક પશુપાલન કેન્દ્ર જે પાડાકેન્દ્રના નામે પણ ઓળખાય છે તેની આસપાસ સરસ મજાનું નાનકડું જંગલ જ જાણે જોઈ લ્યો! લીલાછમ વૃક્ષો વચ્ચે અહિં એક પાકા સિમેન્ટનો ઓટલો અને તેની ફરતે ચોરસ ઝાંપો અને ઉપર પ્લાસ્ટિક ઢાંકી છાપરા જેવું બનાવી એક શિવલિંગની અહિં સ્થાપના કરેલી જે નીલકંઠ મહાદેવના મંદિર તરીકે ઓળખાય.આમ ખરું જોતાં તો આ જગાને મંદિર કહી શકાય કે નહિં એ પણ એક પ્રશ્ન હોવાં છતાં મને એ હ્રદયથી પ્રિય! હું જ્યારે નીલકંઠ મહાદેવના આ મંદિરમાં બેસું ત્યારે મને અપાર શાંતિનો અનુભવ થાય.અહિં બેસું એટલે જગત જાણે થંભી ગયું હોય એમ લાગે.અહિં મને સાચી આધ્યાત્મિકતાનો અનુભવ થાય.હું સીધું ઇશ્વર સાથે જોડાણ અનુભવું. અહિંની સાદગી મને આટલી ગમતી હશે કે પછી આ જગા પ્રકૃતિની આટલી નજીક હોવાથી મને અહિં અપાર સુખ મળતું હશે? જે હોય તે પણ અહિંની પવિત્રતા મને સ્પર્શતી અને અહિં અનુભવાતી સંવેદના કદાચ હું શબ્દમાં નહિં વર્ણવી શકું. શંકરનું સ્મરણ કરતા અહિં હું એકલો કે ક્યારેક પત્ની સાથે બેઠો હોઉં ત્યારે આસપાસ ખિસકોલીઓ કે કાબર, હોલા વગેરે પંખીઓ મંદિરના ઓટલા પર આસપાસ નિર્ભયતાથી રમતાં હોય તો મંદિરના પ્રાંગણમાં જ નજીક પોપટ,મોર અને કબૂતરા ચણતાં હોય. ઘણી વાર મેં અહિં લાલ-પીળા રંગો ધરાવતું લક્કડખોદ પણ જોયું છે.પોપટના તો ઝૂંડના ઝૂંડ આસપાસના ઝાડો પર જોવા મળે.શિવલિંગ પર લટકાવેલા કાણાવાળા લોટાનાં કાણામાંથી દોરી પરથી ટપકતું પાણી પીને કાબર તરસ છીપાવે! ક્યારેક ગાય વગેરે પણ આવી ઝાડોની ઠંડકમાં બેસે.જ્યારે જ્યારે મારે સાસરે મહેસાણા જવાનું થાય ત્યારે આ મંદિરમાં હું અચૂક જઈને ઘણી વાર સુધી બેસું.દોઢેક વર્ષ પહેલા મેં અહિં પંખીઓ પી શકે એ માટે પાણી ભરીને શકાય એવું માટીનું પાત્ર પણ ઝાડો વચ્ચે મૂક્યું હતું અને તેમાંથી પંખીઓ પાણી પીતા કે તેમાં નહાતા જોઈ જે પરમ સંતોષ અનુભવાતો તે અવર્ણનીય અને અનુપમ હતો.પણ કુદરતને શું સૂઝ્યું ને ગયા વર્ષે ચોમાસા દરમ્યાન એક વંટોળ આવ્યું જેણે નીલકંઠ મહાદેવના મારા આ અતિ પ્રિય મંદિર અને તેના પરિસરને તદ્દન ખેદાન મેદાન કરી નાખ્યું. અહિંના મોટા ભાગના ઝાડ પડી ગયા.મહાદેવના મંદિરના ઓટલાની જાળી વાળી વાડ તૂટી ગઈ અને હવે આ જગા સરકાર હસ્તક હોવાથી બાકી બચેલા ઝાડ પણ સાફ કરી ત્યાં નવી સરકારી ઇમારત બનતા મેં જોઈ જ્યારે હું છેલ્લી વાર અહિં દર્શન કરવા ગયો હતો.મારું મન આ જગાનું તદ્દન બદલાઈ ગયેલું સ્વરૂપ જોઈ અતિ ખિન્ન થઈ ગયું.

થોડા વર્ષ અગાઉ દમણના એક પોર્ટુગીઝ ચર્ચમાં મરી સાથે બનેલ એક રસપ્રદ પ્રસંગ પણ મને અહિં યાદ કરવાનું મન થાય છે.અમારી ઓફિસની પિકનિક દમણ ગયેલી.અહિં કેટલાંક ખૂબ સુંદર ચર્ચ આવેલાં છે.સાંજે લટાર મારવા નિકળ્યો અને મારી નજર એક ભવ્ય બાંધણી ધરાવતા પ્રાચીન ઉંચા, સુંદર પોર્ટુગલ ચર્ચ ઉપર પડી.હું જ્યારે આ ચર્ચમાં પ્રવેશ્યો ત્યારે એક ખાસ પ્રકારની પ્રાર્થના ચાલી રહી હતી.આ પ્રાર્થના પૂરી થતાં જ લોકો બે કતારમાં વહેંચાઈ ગયા અને ચર્ચમાંના પાદરી પાસે જઈ તેમના આશિર્વાદ લેવા લાગ્યા.આપણાં મંદિરોમાં જેમ આરતી પૂરી થયે પ્રસાદ વહેંચાય છે એમજ અહિં ફાધર પતાસું અને પવિત્ર જળ કતારમાં ઉભેલા ભક્તોને વારાફરતી આપતાં હતાં.હું પણ એક કતારમાં ઉભો રહી ગયો અને કતાર ધીમે ધીમે આગળ વધી રહી હતી.હું ચર્ચમાં આજુબાજુ નજર ફેરવી તેનું સૌંદર્ય માણી રહ્યો હતો.મારો વારો આવ્યો અને હજી પતાસું હાથમાં લઉં એ પહેલાં ફાધરે મને પૂછ્યું શું હું ખ્રિસ્તી પ્રોટેસ્ટંટ છું? મેં ના પાડી અને તેમણે મારા હાથ સુધી લંબાવેલું પતાસું પાછુ ખેંચી લેતાં મને જણાવ્યું ફક્ત ખ્રિસ્તીઓ જ આ પ્રસાદ લઈ શકે છે. હું ખૂબ ભોંઠપ અનુભવી રહ્યો!જે બન્યું તે સારું હતું કે ખરાબ,ખોટું હતું કે સાચું એ કંઈ હું તે ક્ષણે નક્કી કરી શક્યો નહિં અને મેં થોડા અણગમાની લાગણી સાથે ચર્ચ છોડ્યું.પણ થોડી વાર પછી મને પસ્તાવો થયો અને મારી ભૂલ સમજાઈ.જે પરંપરા કે રૂઢી વિષે આપણે કંઈ જાણતા ન હોઈએ તેની પૂરેપૂરી માહિતી વગર આપણે તેનો ભાગ બનવા કે મેં કર્યો હતો એવો અખતરો કરવા પ્રયત્ન કરવો જોઈએ નહિં.

મંદિરો સાથે જોડાયેલી કેટલીક ખાસ માન્યતાઓ કે તેમની વિશેષતાઓ પણ તેમને ખાસ મહત્વ અપાવી દે છે. જેમકે મહુડીના ઘંટાકર્ણવીર ભગવાનના મંદિરમાં ત્યાં જ ખાઈ જવી પડતી સુખડી કે મામા ભાણિયાની જોડી જ્યાં દર્શન માટે આવે છે તે શનિ શિંગણાપુરનું મંદિર, મંદ્રોપુરના શિતળામાતાના મંદિરની વાવ કે ત્યાં બનાવેલું નાગનું ગોખ, તિરૂપતિ મંદિરમાં ભગવાનને ધરી દીધેલી માથા પર ટકો કરાવી વાળની ભેટ કે ગુજરાતના કેટલાંક મંદિરોમાં જોયેલા મોટા મોટા મધપૂડા…પંજાબીઓ કે શીખોના ગુરૂદ્વારામાં જાઓ કે મુસ્લિમોની મસ્જિદમાં, ખ્રિસ્તીઓના દેવળમાં જાઓ કે જૈન દેરાસરમાં કે પછી હિંદુઓના મંદિરમાં આ બધાં દેવસ્થાનો તમારા મન અને આત્માને અનેરી શાંતિ, અપાર સુખ અને ગજબના સંતોષનો અનુભવ કરાવે છે અને એ બધાં એક જ રાહ તરફ દોરી જાય છે - ઇશ્વર, અલ્લા, પરવરદિગાર તરફ. તમે ઉદાસ થઈ જાઓ કે જીવનમાં કોઈ પ્રકારની હતાશા આવે ત્યારે કોઈ મંદિર કેરી વાટ પકડી ઇશ્વર સુધી પહોંચવાનો પ્રયત્ન કરજો, એ તમને નિરાશ નહિં કરે...

(સંપૂર્ણ)

Sunday, June 5, 2011

મંદિર (ભાગ - ૨)

અત્યાર સુધી લીધેલ અનેક મંદિરોની મુલાકાત પૈકી કેટલાંક યાદગાર બની રહ્યા હોય એવા અનુભવ મને યાદ આવે છે.


આઠેક વર્ષ પહેલાં ઓફિસના કામે પુણે જવાનું થયેલું. હું ઓફિસના કામ સાથે જે તે નવા પ્રદેશની આસપાસના શક્ય એટલા નવા જોવાલાયક સ્થળો અને મંદિરોની માહિતી મેળવી લઈ, શક્ય હોય તો તેમની મુલાકાત લેવાનું ક્યારેય ચૂકતો નથી. પુણેમાં અતિ પ્રખ્યાત એવા અષ્ટવિનાયકના ગણેશ મંદિરો આવેલાં છે. એમાંથી બે ગણેશ મંદિરોની મુલાકાત મેં લીધી અને એ પણ જરા હટકે સ્ટાઈલમાં! એટલે મને એ યાદ છે. તમે એકલા હોવ અને પહેલેથી આયોજન ન કર્યું હોય ત્યારે ઇમ્પ્રોમ્પ્ટુ (સહસા) તૈયાર થઈ ગયેલા પ્રવાસની પણ એક અલગ મજા હોય છે! પુણેમાં એક ખટારામાં ઘાસના ઢગલા પર બેસી હું અષ્ટવિનાયકમાંના રાંજણગાવ મહાગણેશના મંદિરે પહોંચેલો અને રસપ્રદ સ્થાનિક છકડા જેવી રિક્ષામાં બેસી બીજા વિનાયક મંદિરે ગયેલો અને ત્યારે રસ્તામાં એક લાંબા સાપને અમારા વાહન સામેથી પસાર થઈ ગયેલા જોયાનું યાદ છે. આઠેઆઠ અષ્ટવિનાયક મંદિરોની યાત્રા તો હજી સુધી પૂર્ણ કરી શક્યો નથી પણ કરીશ ખરો.

મારી ગુજરાતમાં આવેલા દ્વારકા, સોમનાથ અને નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરોની યાત્રા પણ યાદગાર બની રહી હતી.

બાર જ્યોતિર્લિંગમાંથી છ ના દર્શનનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે.ઇશ્વરની ઇચ્છા હશે તો બાકીના છ પણ દર્શનાર્થે જઈશ.

ચેન્નાઈ પણ ઓફિસના કામે બે વાર જવાનું થયેલું ત્યારે ત્યાંના મંદિરોની મુલાકાત પણ રસપ્રદ રહી હતી.આમેય મને દક્ષિણ ભારતીય સંસ્કૃતિ તેમજ ત્યાંના મંદિરોનું વિશેષ અને અનેરૂં આકર્ષણ રહ્યું છે. દક્ષિણ ભારતીય મંદિરોની શૈલી, ત્યાંની પરંપરાઓ,ભગવાનને તિલક કરવાની તેમજ શણગારવાની અને તેમની પૂજા કરવાની વિશિષ્ટ રીત - આ બધું મને ખૂબ ગમે છે. ચેન્નાઈમાં હજારો વર્ષ જૂના એવા એક ભવ્ય કપાલિશ્વર શિવાલયની મેં મુલાકાત લીધી હતી જેમાં અલગ અલગ કદના સેંકડો શિવલિંગ હતાં.અહિં એક અષ્ટલક્ષ્મી મંદિરમાં સુંદર રીતે આઠ અલગ અલગ જગાઓએ ગોઠવાયેલી લક્ષ્મીજીના આઠ સ્વરૂપોના દર્શન કરી પણ ખૂબ આનંદ અને સંતોષની લાગણી અનુભવાઈ હતી.

એજ વખતે બીજે દિવસે ત્યાંના પ્રખ્યાત કાંચીપુરમના કામાક્ષી દેવી મંદિર તેમજ અન્ય કેટલાક મંદિરોની મુલાકાત લીધી હતી. અહિં એક વાત મને ખૂબ ખટકેલી. એ મંદિરોમાં લખ્યું હતું 'અહિં વિદેશી લોકોએ આવવાની મનાઈ છે.' કેટલાંક મંદિરોમાં મે વાંચ્યું કે 'અહિં ફક્ત બ્રાહમણો એ જ પ્રવેશ કરવો.' મેં સાંભળ્યું છે કે દક્ષિણ ભારતના કેટલાંક મંદિરોમાં સ્ત્રીઓનો પ્રવેશ પણ વર્જ્ય છે.આ બાબત મને પસંદ નથી. આજે આપણે કયા યુગમાં પ્રવેશ્યા છીએ? આવા બંધનોની કોઈ જરૂર ખરી? ઇશ્વર સુધી પહોંચવાના સ્થળે જાતિ કે વર્ણના આવા ભેદ શા માટે? એ બાબતે મને ખ્રિસ્તી દેવળો ગમે જ્યાં માસિક ધર્મ વખતે પણ સ્ત્રીઓ ઇશ્વરને સ્મરવા જઈ શકે. ભગવાનતો ક્યારેય કોઈ સાથે ભેદભાવ રાખતા નથી તો પછી આપણે મનુષ્યો શા માટે ધર્મના નામે જુનાપુરાણા જડ નિયમોને વળગી રહ્યાં છીએ?

ખેર જવાદો એ વાત. ફરી પાછાં દક્ષિણ ભારતીય મંદિરોની સ્થાપત્ય શૈલી ઉપર આવીએ. મને આ મંદિરોના ખાસ પ્રકારના પિરામીડ જેવા આકારના શિખર ખૂબ ગમે છે જેને 'ગોપુરમ' કહેવાય છે. મદુરાઈના મિનાક્ષી મંદિર કે હૈદ્રાબાદ નજીક આવેલા જ્યોતિર્લિંગ રામેશ્વરમ મંદિરના ગોપુરમ લાક્ષણિક અને આકર્ષક છે. તિરુપતિ મંદિર અને મહાબલિપુરમના જીર્ણ ગોપુરમ પણ ભવ્ય અને સુંદર છે. ગોપુરમમાં ઘણાં બધાં દેવીદેવતાઓ ચારે દિશામાં કોતરેલા અને રંગેલા હોય છે.દક્ષિણ ભારતીય મંદિરોની ખાસિયત સમા મંદિરના પ્રાંગણમાં આવેલ સ્થંભ પણ મને ખૂબ ગમે છે જેમાં બનાવાયેલા ગોખલાઓમાં અનેક દિવા મૂકીને પ્રગટાવાય છે.ભલે દક્ષિણ ભારતના મંદિરો મોટે ભાગે અંધારિયા લાગે (કારણ આ મંદિરો અને એમાં દેવીદેવતાઓની મૂર્તિ પણ સામાન્ય રીતે કાળા પથ્થરમાંથી બનાવેલા હોય છે) છતાં તેમની ભવ્યતા અને દિવ્યતા, એમાં વાસ કરતાં દેવીદેવતાઓ આગળ તમને તમારા વામણાં હોવાનો અહેસાસ કરાવે છે.

રામેશ્વરમ નું પ્રાચીન ભવ્ય મંદિર પણ અવશ્ય એક વાર મુલાકાત લેવા લાયક છે.આ મંદિરની અંદર ૨૧ કુવાઓ આવેલા છે. વિશાળ સમુદ્રને કાંઠે આવેલા આ શિવાલયમાં જ્યોતિર્લિંગ સ્વયમ રામ ભગવાને પોતાને હાથે બનાવ્યું હતું એમ કહેવાય છે.સમુદ્રના પાણીમાં ડૂબકી લગાવ્યા બાદ મંદિરમાં આવેલા ૨૧ કૂવાઓના પાણીથી સ્નાન લઈ શરીરને પવિત્ર કર્યા બાદ શિવલિંગના દર્શન કરવા, એવી અહિં પ્રચલિત પરંપરા છે. વિશાળ સ્થંભો અને વાતાવરણમાં એક અનેરી પવિત્રતા અને શાંતિ તમારા મનને એક અનેરી ધન્યતા અને પરિતૃપ્તિની અનુભૂતિ કરાવે છે.

પ્રખ્યાત મંદિરોની મને એક ન ગમતી બાજુ એ તેમનું થયેલું વ્યાપારીકરણ છે.દરેક મોટા સુપ્રસિદ્ધ મંદિરમાં અલગ અલગ ભાવો વાળી ટિકીટ હોય છે,વી.આઈ.પી. દર્શનની અલાયદી સુવિધાઓ ખાસ વ્યક્તિઓ માટે હોય છે અને જે પૈસા ખર્ચી જાણે તેને જ મંદિર્ના ગર્ભગૃહમાં પ્રવેશ તેમજ ભગવાનની મૂર્તિ કે શિવલિંગની સ્પર્શ કરવાનો અધિકાર મળે છે!

એક બાજુ તમને પોતાના આખા શરીરને ચત્તપાટ સૂઈ જમીન પર ઘસડાવી આગળ વધતા પ્રભુભક્તો જોવા મળશે તો બીજી બાજુ સો કે વધુ રૂપિયાની ટિકીટ લઈ શોર્ટકટથી પ્રભુને મળવા જનારા ભક્તોની ભીડ જોવા મળશે. ભક્તગ્રાહકો મેળવવા માટે પંડિત-ગોર-પંડાઓનીતો જાણે લડાઈ જ જોવા મળશે! તેઓ ભક્તોના ખિસ્સા પ્રમાણેની અલગ અલગ પુજાઓ કરાવશે. પ્રસાદ પણ કિંમત મુજબ અલગ અલગ! આ બધું મોટા મંદિરો અને તીર્થધામો પ્રત્યે એક પ્રકારનો અણગમો જન્માવે છે. ઇશ્વર સામે લાખોપતિ હોય કે કોઈ ભિખારી હોય,બંને સરખા જ છે તો પછી આ બધા ભેદભાવ અને લાલચ-લોલૂપતાનું બેહૂદૂ પ્રદર્શન ઇશ્વરના નિવાસસ્થાન ગણાતા મંદિર જેવી પવિત્ર જગાએ શા માટે?

હજી મંદિરોના કેટલાક બીજા યાદગાર અનુભવોની રસપ્રદ વાતો આવતા અઠવાડિયે આ શ્રેણીના છેલ્લા અને ત્રીજા બ્લોગમાં કરીશ.

(ક્રમશ:)