Translate

રવિવાર, 19 જૂન, 2016

વિષ્ણુબાગ - એન્વાયર્મેન્ટ થીમ પાર્કની મુલાકાત (ભાગ - ર)

બારમાસીના પણ અનેક છોડ અહિ હતા અને તેમાં રહેલા ઔષધિય ગુણોની તેમણે મને માહિતી આપી જેની મને કલ્પના પણ નહોતી.અન્ય પણ ઘણાં ઔષધીય છોડ તેમણે ઉછેર્યાં છે જે તેમણે મને બતાવ્યાં.એક ઝાડના છોડ પર લાલ મંકોડાઓનો માળો જોઇ મને ઘણી નવાઈ લાગી.પાંદડા એકમેક પર સીવી એ મંકોડાઓએ પોતાની આખી વસાહત એ માળો સર્જી ઉભી કરી હતી.જો કે એ લાલ મંકોડા જોઈ મને થોડો ડર પણ લાગ્યો.કદાચ તેઓ ઘણી મોટી સંખ્યામાં હશે એટલે?એ જો કરડે તો બૂરા હાલ થાય એવું મને લાગ્યું! 
તો વળી થોડે દૂર અતિ દુર્લભ એવા લાલ સુંદર ભાત ધરાવતા હેલિકોનિઆ (જેને ગામમાં લોકો તેના આકારને કારણે પોપટ પણ કહે છે) ફૂલોનો ગુચ્છ જોઈ મંકોડા ભૂલાઈ ગયાં.  તો ત્યાં વળી એક પહેલી વાર જોઈ રહ્યો હતો એવા એક કાબરનાં કદનાં તપખીરીયા પક્ષીનું ગીત સાંભળી તેના તરફ ધ્યાન પરોવ્યું. અહિં પ્રક્રુતિનું સારું એવું વૈવિધ્ય જોવા મળ્યું જેનું પ્રોફેસર સાહેબ સારી રીતે જતન કરે છે.
બાગમાં ફર્યાં બાદ સમય થયો જમવાનો.ડો.સોલંકીના પત્નીએ હાથે બનાવેલી સ્વાદિષ્ટ રસોઈ ખાવાની ખુબ મજા પડી.કેરીના રસ વગર તો ઉનાળાનું જમણ કઈ રીતે પુરું થાય? બંગલામાં એક ડોર્મીટરી જેવો મોટો ખંડ છે જ્યાં ઘણાં લોકો પાર્ટી કે ફેમિલી ફંકશન ઉજવે છે. અહિં રાત રોકાઈ શકાય એવી પણ વ્યવસ્થા છે. શાળા-કોલેજના વિદ્યાર્થીઓ અહિ પિકનિક કરવા પણ આવે છે.પ્રકૃતિ- સૌંદર્ય સિવાય અન્ય ખાસ આકર્ષણ છે અહિ યોજવામાં આવતી એક્ટીવીટીઝ.
જેની મજા મેં ભોજન બાદ થોડો આરામ ફરમાવ્યા બાદ માણી. સૌ પ્રથમ ડો.સાહેબ મને લઈ ગયા - રેન ફોરેસ્ટમાં લટાર મારવા! રેન ફોરેસ્ટ એટલે આસપાસ સુંદર વેલ-વનસ્પતિથી ઢંકાયેલ લીલાછમ રસ્તા પરથી પસાર થતા તમારા પર કૃત્રિમ વર્ષા થાય તેવી વ્યવ્સ્થા કરી બનાવેલો ખાસ પટ્ટો.અહિથી પસાર થતી વખતે વન્ય પશુપક્ષીના રેકોર્ડેડ અવાજ પણ એવી રીતે સંભળાય જાણે તમને લાગે સાચે જ તમે કોઈ ગાઢ જંગલમાં આવી ગયા હોવ!
રેન ફોરેસ્ટ માંથી બહાર નીકળ્યા બાદ સામે મોટા ઓટલા પર રેનડાન્સની વ્યવસ્થા છે. ડાન્સ કરવાની મજા પડે તેવા ગીતો લાઉડસ્પીકર પર વાગતાં હોય તેના તાલે માથા પર ફૂવારામાંથી વરસતા પાણીમાં નાચવાની મજા કોને ન પડે? વરસાદ પડતો હોય કે ન પડતો હોય પણ આ ઓટલા પર માથા પરથી પડતું ફુવારાનું પાણી તમને વરસાદ પડી રહ્યો હોય એવી અનુભૂતિ ચોક્કસ કરાવે અને પલળતા પલળતા નાચવાની મજા કંઈક ઓર જ છે!
ભીના થયાં બાદ વડીલ વડલાનાં વૃક્ષ પર બનાવેલ બર્મીસ બ્રીજની એક્ટીવીટી રોમાંચક બની રહે. જમીનથી ખાસ્સી ઉંચાઈએ હવામાં ઝૂલતા સાંકડા દોરડાના પુલ પર માથે લટકતા દોરડાને પકડી સામે  વડલા પર બનાવેલ માંચડા પર ઝૂલતા ઝૂલતા જવાની મજા તમે પોતે આ એક્ટીવીટી કરો ત્યારે ખબર પડશે કેટલી મજેદાર છે! માંચડા પરથી નીચે આવવા માટે પણ દોરડાની મોટી જાળ બનાવેલી હતી જેના પર સૂતા-પડતા-આખડતા નીચે આવવાનું!
ઝૂલતા બર્મીસ બ્રિજ પર થી ઉતર્યા બાદ હજી સાહસિક વૃત્તિ કરવાનું મન થતું હોય તો પહોંચી જાવ પોન્ડ ક્રોસિંગ કરવા! નાનકડા તળાવમાં ઘણાં બધાં કમળ ખીલેલા જોવા મળશે અને આ કાદવ ભર્યા પોન્ડની ઉપર બાંધેલા દોરડા પર લટકી તમારે એ પોન્ડ ક્રોસ કરવાનું. સો કિલો વજન ધરાવતી વ્યક્તિ પણ મન હોય તો આ એક્ટિવીટી કરી શકે. તમારી કમર પર અને પગ માંથી સુર ક્ષા બેલ્ટ પસાર કરી તેને દોરડા પર ભરાવેલી પુલીના પૈડામાં ભરાવી દે અને તમારે સૂતા હો કે બેઠા હો એવા પોઝમાં દોરડું સરકાવતા સરકાવતા તળાવના એક છેડે બાંધેલા ઉંચા પ્લેટફોર્મ થી બીજે છેડે ઉંચા ઝાડ પર બાંધેલા દોરડા ના બીજા છેડા સુધી પહોંચી, ફરી પાછું પહેલા છેડા તરફ પાછા ફરવાનું. વચ્ચે થાકી ગયા તો ચિંતા નહિ કરવાની. પુલી સાથે બાંધેલા બીજા દોરડાથી અટેન્ડન્ટ તમને પાછા ખેંચી લેશે! ખુબ રોમાંચક અને મજેદાર છે આ એક્ટિવીટી!
અહિંથી થાક્યા એટલે થાક ઉતારવા સામે રેનડાન્સના ઓટલા નીચે દાદરા પર બનાવેલ પાણીના કૃત્રિમ ધોધ નીચે બેસીને ઠંડા પાણીની ધાર તમારા માથા પર ઝીલવાની! અહાહા, આ મજા તમે બીજા કોઈ પણ આનંદ સાથે સરખાવી શકો નહિ! પાણીની ધાર સપાટ લાંબા પથ્થર પરથી પડી રહી હોય એટલે તમે તેની નીચે બેસી માથું, ઉપરથી પડી રહેલી પાણીની સપાટ લાંબી ધાર પાછળ લઈ જુઓ તો સામે પાણીની કાચ જેવી પારદર્શક દિવાલ જોવા મળે. આ ધોધ નીચે બેસી દુનિયાના બધા દુખો થોડી ક્ષણ ભૂલી જઈ પ્રકૃતિમય થઈ જવાના આનંદથી હજી ધરાયા ન હોવ તો જમણી બાજુએ દ્રષ્યમાન થતી ઉલ્હાસ નદી તરફ આગળ વધો. અહિં કિનારા પર થોડી ઉંચાઈએ એક તરફ બેસવા માટે થોડા લાકડાના બાંકડા ગોઠવેલા છે જેના માથે નાળિયેરીના પાન અને ઘાસના છાપરા ગોઠવી મનોહર જગાનું નિર્માણ ડો.સોલંકીએ કર્યું છે.  અહિ લોકો બર્થડે પાર્ટી ઉજવવા પણ આવે છે કે રાત વાસો કર્યો હોય ત્યારે કેમ્પ ફાયરની મજા માણવા પણ આવે છે. સુંદરતાની દ્રષ્ટીએ આ જગા વિષ્ણુબાગની શ્રેષ્ઠતમ જગા બની રહે છે! થોડી ઉંચાઈ પર હોવાને લીધે અહિ બાળકો માટે રોકક્લાઈંબીંગની વધુ એક સાહસિક એક્ટીવીટીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
વિષ્ણુબાગ જવું હોય તો તેની વેબસાઈટ   http://www.vishnubaaug.in/ ની મુલાકાત લઈ ડો.સોલંકી નો 9604893616 / 9869067698 નંબર પર સંપર્ક કરો. આ નેચર બેઝ્ડ થીમ પાર્કની મુલાકાત ચોક્કસ એક અવિસ્મરણીય અનુભવ બની રહેશે  તેની ગેરન્ટી!


(સંપૂર્ણ)

રવિવાર, 12 જૂન, 2016

વિષ્ણુબાગ - એન્વાયર્મેન્ટ થીમ પાર્કની મુલાકાત (ભાગ - ૧)

ક્લીઅરટ્રીપ પરથી ધારાવી સફર સાથે ઝીપ લાઈનીંગ,કથક ડાન્સ વિશેનું એક સેશન,વાયોલિન વાદનનું એક સેશન તેમજ વિષ્ણુબાગ નામના એન્વાયર્મેન્ટ થીમ પાર્કની મુલાકાત જેવી અન્ય પણ કેટલીક મજેદાર અને રસપ્રદ એક્ટીવીટી બુક કરી હતી. તેમાંની એક વિષ્ણુબાગની મુલાકાત પણ યાદગાર બની રહી. તે અનુભવ આજના બ્લોગ થકી શેર કરીશ.
બદલાપુર નજીક આવેલા દેવલૌલી ગામથી પાંચેક કિલોમીટર અંતરે ડો. કે.બી.સોલંકી નામના નિવ્રુત્ત પેથોલોજીસ્ટ પ્રોફેસરે નેચર બેઝ્ડ થીમ પાર્ક એવા વિષ્ણુ બાગનું સર્જન કર્યું છે. ૧૦ એકર જેટલી જમીન પર ઘણું જતન કરી ડો.સોલંકીએ ઉજ્જડ જમીનને કુદરતના ખજાના સમી અનેક ફળ-ફૂલ ધરાવતી વનસ્પતિ દ્વારા લીલીછમ બનાવી વિષ્ણુબાગનું સર્જન કર્યું છે.ભગવાન વિષ્ણુ જીવસ્રુષ્ટિનું જતન કરનાર દેવ ગણાય છે તેથી પ્રુક્રુતિનું જતન કરવાના આશય સાથે બનાવાયેલા આ બાગને તેમણે વિષ્ણુબાગ એવું નામ આપ્યું છે.તેમનું મિશન છે લોકોને પ્રક્રુતિ પ્રત્યે પ્રેમ કરતા અને તેને આદર આપતા શિખવતા કરવાનું.
તેમનો પુત્ર અને પુત્રવધુ મુંબઈમાં રહે છે પણ વિષ્ણુબાગના કામ સાથે અહિ રહીને પણ તેઓ ડો. સાહેબના આ વેન્ચર સાથે સતત જોડાયેલા રહે છે.વિષ્ણુબાગમાં જ સરસ મોટા બંગલા જેવા ઘરમાં ડો. સોલંકી પોતાની પત્ની અને કેટલાક સ્થાનિક નોકરો સાથે રહે છે અને પોતાના નેચર પાર્કનું સંરક્ષણ અને સંવર્ધન કરે છે.
એપ્રિલની બળબળતી ગરમીમાં હું વિષ્ણુબાગની મુલાકાતે ગયો એમ વિચારી કે એ નેચર પાર્ક છે એટલે એક દિવસ મને ત્યાં પ્રક્રુતિના ખોળામાં કાળઝાળ ગરમીથી રાહત મળશે અને કંઈક અંશે એવો અનુભવ પણ થયો.
બદલાપુર સ્ટેશનથી શેર ઓટોમાં દેવલૌલી ગામ સુધી પહોંચવામાં મને પ્રોફેસર સાહેબની પુત્રવધુ પ્રાચીએ મુંબઈ બેઠાબેઠા ફોન દ્વારા મદદ કરી અને જેવો દેવલૌલી પહોંચ્યો કે તરત પ્રોફેસર સાહેબની ગાડી મને વિષ્ણુબાગ લઈ જવા તૈયાર ઉભી હતી.રસ્તામાં તેમની સાથે ઔપચારીક વાતચીત-ઓળખાણ કરી.હું એકલો હતો તેથી મારે દેવલૌલી સુધી શેર-ઓટોમાં જવું પડ્યું. પણ જો મોટું ગ્રુપ વિષ્ણુ બાગ જવાનો પ્રોગ્રમ બનાવે તો પ્રોફેસર સાહેબ બદલાપુર સ્ટેશન કે જે તે સ્થળથી બસ કે ટેમ્પો ટ્રાવેલર જેવા વાહનવ્યવહાર સાથેનો પેકેજ પણ ઓફર કરે છે.
વિષ્ણુબાગ પહોંચતા જ પ્રોફેસર સાહેબના પત્નીએ સરસ મજાના ઠંડા કાચી કેરીના ઘેર બનાવેલા પના શરબત પીવડાવી મારું સ્વાગત કર્યું.ત્યારબાદ પ્રોફેસર સાહેબ મને તેમના બંગલાની આસપાસ બનાવેલા બાગ-વાડીની મુલાકાતે લઈ ગયા.અહિં સારી એવી હરીયાળી હતી.વચ્ચે નિયમિત અંતરે બેસવાના બાંકડા ગોઠવેલા હતાં.પ્રોફેસર સાહેબે અલગ અલગ જાતના ઝાડ-છોડ ઉગાડયા છે.ઘણી જાતનાં ઝાડ-છોડ પર તેમણે સંશોધન કર્યું છે અને કેટલીક વનસ્પતિ પર તેમના પ્રયોગો પણ ચાલુ છે.
જત્રોફા નામનાં ઝાડનાં કેટલાક રોપા તેઓ ખાસ તામિળનાડુથી વિષ્ણુબાગમાં લઈ આવ્યાં છે જેના બીજ પીસી તેમાંથી બાયો-ડીઝલ બનાવી શકાય છે.જો આ પ્રયોગ સફળ થાય અને આ રીતે જત્રોફા વનસ્પતિમાંથી બળતણ બનાવી શકાય તો પર્યાવરણને બેવડો ફાયદો થાય : એક હરીયાળી વધે અને બીજું બળતણની સમસ્યામાં રાહત મળે.સસ્તા દરે વૈકલ્પિક બળતણ મળી રહે.
શાળાના વિદ્યાર્થીઓ જે વિષ્ણુબાગની મુલાકાતે આવતા શાળાના વિદ્યાર્થીઓ વનસ્પતિમાં રસ ધરાવતા થાય અને તેમને અનેક જગાઓએ ઉગતા વ્રુક્ષોનો પ્રત્યક્ષ પરિચય થાય એ હેતુથી પ્રોફેસર સાહેબ અનેક જગાઓએ ફરી જે તે પ્રદેશના રોપા વિષ્ણુબાગમાં લઈ આવ્યાં છે.આમ ખાસ આ પ્રદેશમાં ન ઉગતા હોય એવા પણ ઘણાં ઝાડ-છોડ તેમણે મને બતાવ્યાં. નાગપુરથી સંતરાનું ઝાડ તેઓ અહિ લાવ્યા છે.તેના પર ફળ પણ ક્યારેક આવે છે.
દાડમ,પપૈયા અને અન્ય ઘણાં ફળોના વ્રુક્ષો પણ તેમણે મને બતાવ્યાં.કેટલાક અસામાન્ય ફૂલોનાં છોડનો પણ તેમણે મને પરિચય કરાવ્યો.
કેરીની તો જાણે અહિ આખી વાડી હતી અને ઠેર ઠેર લીલીછમ કેરીઓ આંબા પર અમારી આસપાસ હાથેથી ઉંચા પણ થયા વગર તોડી શકાય તેટલી નીચે લચી રહી હતે અને મને લલચાવી રહી હતી!

(ક્રમશ:)

May Flower or June Flower ?!


વાચકમિત્ર ડો.કિશોરી કામદાર દ્વારા ત્રણ-ચાર વર્ષ પૂર્વે અપાયેલ ભેટ સ્વરૂપ છોડમાં આટલી લાંબી રાહ જોયા બાદ 'મે ફ્લાવર' નામનું સુંદર મોટું લાલ રંગી પુષ્પ મારા ઘેર હાલમાં ખીલવાની પ્રક્રિયામાં છે! રોજ ધીરે ધીરે તે ખીલી રહ્યું છે,મોટું થઈ રહ્યું છે. સપ્તાહ સુધીમાં પૂર્ણ ખીલી ગયા બાદ લગભગ પંદરેક દિવસ સુધી આ પુષ્પ છોડ પર રહેશે એવું અનુમાન છે. અગાઉ આ ફૂલ વર્ષમાં માત્ર એક વાર મે મહિનામાં ખીલતું હોવાને લીધે તેનું નામ મે ફ્લાવર છે પણ હવે રુતુઓની અનિયમિતતાને કારણે તે જૂનમાં ખીલે છે.


Day 1


Day 2


Day 3

Day 4


Day 5
શનિવાર, 11 જૂન, 2016

ટૂંકામાં ઘણું

જન્મભૂમિનાં તંત્રીશ્રી કુંદનભાઈ વ્યાસ સાથે મારે જ્યારે મળવાનું થાય અને હું તેમની પાસે સારું લખવા માટેની ટીપ્સ માગું ત્યારે તેઓ એક શબ્દ અચૂક કહે "લાઘવ". આ લાઘવ એટલે ટૂંકું કે ટૂંકાણમાં. ઘણી વાર ટૂંકાણમાં ઘણું કહી શકાતું હોય છે.
એસ.એમ.એસ. કે ટ્વીટરનો તો પાયો જ ટૂંકાણ છે. ૧૬૦ કે એટલા જ અક્ષરોમાં તમારો સંદેશ લખવાનો.ઘણાં સર્જનાત્મક લોકો આ ટૂંકા સંદેશમાં પણ ઘણું અસરકારક કહી જતા હોય છે.
શાળામાં હતા ત્યારે યાદ હશે પરીક્ષામાં પણ બે પ્રકારે સવાલના જવાબ આપવાનું કહેવાતું : વિસ્તારમાં અને ટૂંકમાં જવાબ લખો.આમ નાનપણથી જ આપણને ટૂંકમાં આપણી જાતને પ્રગટ કરવાની તાલીમ આપવામાં આવતી હોય છે.પણ બધા એમાં સફળ થતાં નથી.ટૂંકમાં જવાબ આપવાની કે પોતાની જાતને દર્શાવવાની પણ એક કળા છે.જો ધ્યાન આપી પ્રયત્ન કરી તો એમાં ચોક્કસ સફળ થઈ શકાય.
મોબાઈલના વ્યાપ અને વપરાશ વધ્યા પછી લોકો ઘણુંખરું ટૂંકમાં કહેતા - લખતા શીખ્યા છે.અહિ your ને ur કે thanks ને thnks લખીએ એ સંક્ષિપ્ત પર્યાયોની વાત નથી પણ આખે આખો સંદેશ કે વાત ઓછામાં ઓછાં વાક્યો કે શબ્દોમાં અભિપ્રેત કરવાની વાત કરું છું.
વ્હોટ્સ એપ પર કેટલીક સરસ એક વાક્યની કે ત્રણ-ચાર વાક્યોની વાર્તાઓ વાંચવામાં આવેલી જે ટૂંકામાં ઘણું કહી જતી હતી.આવી બે ચાર વાર્તા :
·         તે આજે ઘણી ઉત્સાહીત હતી.આખરે ઉનાળાના લાંબા વેકેશન પછી આજે શાળા ફરી ઉઘડવાની હતી.હવે, ફરી તે ટ્રાફીક સિગ્નલ પર સ્ટેશનરીનો સામાન વેચી શકશે અને તેના માતાપિતા અને નાના ભાઈ-બહેનોને ભૂખ્યા નહિ સૂવું પડે.

·         આમ તો એ ખ્યાતનામ કલાકાર એક કડક માતા હતી અને પોતાના છ વર્ષના વહાલસોયા બચ્ચાને એક પણ સીધી લીટી ન દોરી શકવાને કારણે અનેક વાર ઠપકો આપતી,પણ આજે જ્યારે એ વેન્ટીલેટર પર હોસ્પિટલની પથારી પર સૂતો હતો ત્યારે તે એને પર વાંકીચૂંકી લાઈન દોરવા જ પ્રાર્થી રહી.

·         તેમણે તેના પિતા લઈ લીધા અને બદલામાં આપ્યો માત્ર દેશનો ધ્વજ.

·         તેમનો પ્રેમ અનોખો હતો.જ્યારે જ્યારે એ તેના પેટ પર લાત મારતો ત્યારે ત્યારે તે ઘણી રાજી થઈ જતી.જ્યારે જ્યારે એ તેને આ રીતે મારતો તે દરેક વખતે તેનો એના પ્રત્યેનો પ્રેમ ઉભરાઈ આવતો-બમણો થઈ જતો.હવે એ રાહ જ જોઈ રહી હતી કે ક્યારે એ તેના ગર્ભમાંથી બહાર આવે અને એ નાનકડા જીવને તે પ્રથમ વાર પોતાના હાથમાં લઈ ચૂમી લે!

યુ ટ્યુબ પર પણ તમને હજારો શોર્ટ ફિલ્મ્સ એટલે કે લઘુ-ફિલ્મો જોવા મળશે.માત્ર પાંચ-દસ-કે-પંદર મિનિટની આ ફિલ્મો ઘણી વાર તો એટલી અસર કારક હોય છે કે તે તમારા હ્રદય પર ઉંડી છાપ છોડી જાય છે.તેની સફળતાને લઈને જ દર વર્ષે આવી ફિલ્મો બનાવવાની એક સ્પર્ધા પણ મુંબઈમાં યોજાય છે જેમાં ભાગ લેવા દેશભરમાંથી એન્ટ્રીસ આવે છે.આ ફિલ્મોના સ્ક્રીનીંગનો ત્રણ-ચાર દિવસનો કાર્યક્રમ પણ યોજાય છે અને વિજેતા નિવડેલી લઘુ-ફિલ્મોને ઇનામ સાથે ઘણી વાર બોલિવુડમાં પ્રવેશની તક પણ તેના દિગ્દર્શક-સર્જકને મળે છે.
TTT (ટેરિબલી ટાઈની ટેલ્સ) આવી જ એક કંપની છે જે ખાસ આવી શોર્ટફિલ્મોને પ્રમોટ અને નિર્માણ સહાય કરે છે. યુ ટ્યુબ પર તેમની અનેક લઘુ કથાઓ જોવા મળશે. આજે જ્યારે લોકો પાસે બે-ત્રણ કલાક જેટલો સમય આખી મોતે ફિલ્મ જોવા માટે ન હોય ત્યારે ચોક્કસ આ ટૂંકી ફિલ્મો સારું આકર્ષણ જમાવે છે.
આવી કેટલીક ફિલ્મો યુ ટ્યુબ પર મેં જોઈ છે અને મને એ ગમી છે. તમે પણ જોઈ તમારા વિચાર - મત વ્યક્ત કરશો તો આનંદ થશે. આ ફિલ્મો ના નામ છે -

અહલ્યા, આફ્ટરગ્લો, અધર્સ, સોપ, ટ્યુબલાઈટ કા ચાંદ, ઇલાયચી, ધેટ સન્ડે, રાસ્તા, બ્લેક મિરર, દેવતા, બાયપાસ