Translate

રવિવાર, 1 ઑગસ્ટ, 2021

સાપુતારાની સફરે (ભાગ - ૧ થી ૪)

 સાપુતારાની સફરે (ભાગ - ૧)

--------------------------------------

     પહાડના ઢોળાવ પર સરસ મજાનાં તંબુ બાંધ્યા હોય, આસપાસ સુંદર ઝાડ-છોડ ઉગાડી, બગીચા બનાવ્યા હોય, સુંદર મજાની કેન્ટીનમાં હસીને આવકાર આપતો ગુજરાતી બોલતો - જાણતો સ્ટાફ હોય જે ઓર્ગેનિક શાકભાજી વગેરેમાંથી તૈયાર કરેલ સ્વાદિષ્ટ વાનગીઓનો આસ્વાદ કરાવવા સતત હાજર હોય, ખાણીપીણી સિવાયના સમયમાં રોમાંચક સાહસ ભરી પ્રવૃત્તિઓ કરવા મળે, ખાટલે આરામ કરવો ગમતો હોય કે હીંચકે ઝૂલવું ગમતું હોય અને છેલ્લે ગરમીનો ત્રાસ સહન થતો ન હોય તો ગુજરાતના એક માત્ર ગિરિમથક અને મહારાષ્ટ્રનાં આપણાં મુંબઈથી પણ નજીક ગણી શકાય એવા હવા ખાવાના સ્થળ સાપુતારાના 'ટેન્ટ સિટી' પહોંચી જાવ!  


   મારા સંતાનોના જન્મદિવસની ઉજવણી હું દર વર્ષે અનાથાશ્રમના બાળકો સાથે કરતો હોઉં છું પણ ગત વર્ષે કોરોનાના કહેર ને લીધે એ શક્ય બન્યું નહીં. ડિસેમ્બરની ઓગણીસ તારીખે હિતાર્થનો ચોથો જન્મદિવસ ઘેર તો ઉજવવો જ નહોતો. આખું વર્ષ ક્યાંય ફરવા પણ જવાયું નહોતું એટલે મેં જન્મદિવસની ઉજવણી અને ફરવા જવાનું એમ બંને હેતુઓ સાથે પાર પડે એવું કંઈક કરવાનો નિર્ધાર કર્યો. કોરોનાની સ્થિતી સહેજ સુધરી હતી, છતાં પ્રવાસન ક્ષેત્રે હજી જોઈએ એવી છૂટછાટ મળી ન હોવાથી એવા જ કોઈ સુરક્ષિત સ્થળે જઈ શકાય જ્યાં ખૂબ લોકો આવતાં જતાં ન હોય. અનેક સ્થળો બાદ ઘણાં વખતથી જ્યાં જવાની ઈચ્છા હતી એવા સાપુતારા પર નજર દોડાવી. ગૂગલ પર થોડાં ખાંખાંખોળા કર્યા એટલે 'સાપુતારા ટેન્ટસિટી એન્ડ એડવેન્ચર પાર્ક' એવી એક જગા નજરે ચડી. તેના વિશે વધુ તપાસ કરી એટલે માલુમ પડયું કે આ સ્થળ સુરક્ષિત અને મારા પ્રવાસ માટે ઉત્તમ રહેશે. એ મૂળ સાપુતારાના મુખ્ય સ્થળથી ચાર કિલોમીટર પહેલા જ માલેગાંવ નામના ગામમાં સ્થિત છે. હજી બે - ત્રણ વર્ષ પહેલાં જ ખૂલ્યો હોવાથી એ હજી પ્રચલિત થઈ રહ્યો છે અને ગત વર્ષે તો આમ પણ કોરોના ને કારણે હજી અહીં ભીડ નહોતી એવી ખાત્રી કરી લીધી. ઓનલાઇન તેના ફોટા અતિ આકર્ષક જણાઈ રહ્યા હતા. આરામ નો આરામ, એડવેન્ચર પ્રવૃતિઓની સુવિધા, કિફાયતી ભાવ-કિંમત અને પ્રકૃતિના ખોળે હોવાથી ખોબલે ને ખોબલે ભરેલું નૈસર્ગિક સૌંદર્ય - આ બધાં પરિબળો એ અમારાં સૌ માં ભારે ઉત્સુકતા અને કુતૂહલ જગાવ્યા. એવું સાંભળ્યું હતું કે સાપુતારા મહારાષ્ટ્રના નાસિક માર્ગથી પણ જોડાયેલું છે. થોડાં વર્ષ અગાઉ નાસિક જવાનું થયેલું ત્યારે સપ્તશૃંગી મા નું એક પવિત્ર ધામ નજીક આવેલું છે એમ સાંભળેલું અને ત્યાં જવાની ઈચ્છા તે સમયે અધૂરી રહી ગયેલી. આ વખતે સાપુતારા ના પ્રવાસમાં જ પરત ફરતી વખતે સપ્તશૃંગી મા ના દર્શન શક્ય બને તો સોનામાં સુગંધ ભળે એમ વિચારી થોડી વધુ તપાસ કરી એવો પ્લાન બનાવ્યો કે જવું મુંબઈથી સૂરત તરફ જતાં ગુજરાત વાળા રસ્તે અને પાછા આવવું મહારાષ્ટ્રના નાસિક માર્ગે અને ત્યારે સપ્તશૃંગી ધામે માતાજીના દર્શન કરી પ્રવાસ પૂરો કરવો. પહેલા બે દિવસ ટેન્ટસીટી માં અને ત્રીજા દિવસે સપ્તશૃંગી ધામે પસાર કરી ત્રીજા દિવસે મોડી સાંજે મુંબઈ પરત આવવાનું એમ નક્કી કર્યું.

લાંબુ પ્લાનિંગ નહોતું કર્યું અને ઝટઝટ જવાનો પ્રોગ્રામ બનાવી દીધો તેની પણ એક અનોખી મજા હતી!

  જવા માટે વડોદરાના એક ગુજરાતી ઉદ્યોગ સાહસિકે બનાવેલી 'વન વે કેબ' નામની મોબાઈલ એપ નો ઉપયોગ કરી ત્રણ દિવસ માટે એક ગાડી બુક કરી લીધી. અન્ય ટેક્સી સેવા વગેરે સાથે ભાવ સરખાવ્યા બાદ 'વન વે કેબ' જ સૌથી સસ્તી અને સારી ઓફર આપતી માલુમ પડી અને તાનાજી નામના મહારાષ્ટ્રીયન યુવાન ડ્રાઇવરની ગાડી અમને ફાળવવામાં આવી. એક ટીપ અહીં શેર કરું. લાંબા અંતર ની ગાડી આ રીતે કોઈ એપ કે વેબસાઇટ થી બુક કરતી વેળા પૂરે પૂરું પેમેન્ટ ઓનલાઇન ન કરો. થોડો ભાગ રોકડા થી ચૂકવવા નું રાખો. મોટા ભાગના ડ્રાઇવર પોતાની પાસે વધુ રોકડા ના રાખતા હોવાથી તેમને આવી ટ્રીપ મળે તો કેન્સલ કરી નાખતા હોય છે. તમે એપ પર પૂરા ઓનલાઇન પેમેન્ટ આપવાની જગા એ એમને હાથમાં રોકડું પેમેન્ટ મૂકશો તો તેમને પેટ્રોલ ભરાવવા કે અન્ય હાથખર્ચ માટે રકમ મળ્યાનો સંતોષ થશે અને તમારી સફર સારી રહેશે. મેં પૂરું પેમેન્ટ ઓનલાઇન કરી દીધું હતું પણ ત્રણ હજાર રોકડા ડ્રાઇવર ના હાથમાં વહેલી સવારે મૂકી દેવાની તૈયારી બતાવી એટલે જ ભાઈ અમને સાપુતારા લઈ જવા તૈયાર થયાં. વન વે કેબ વાળા પણ સારા કે તેમણે ત્રણ હજાર મને રિફંડ આપવાની સહમતિ સાધી. શુક્રવારે વહેલી સવારે અમે મલાડ, મુંબઈથી સાપુતારા જવા તાનાજીની ગાડીમાં રવાના થયા. પાંચેક કલાકની મજલ કાપી સાપુતારા જઈ પહોંચ્યા.

(ક્રમશ :) 


સાપુતારાની સફરે (ભાગ - ૨)

-------------------------------------

   બપોરે બારેક વાગે અમે સાપુતારા પહોંચ્યા ત્યારે હવામાન ખુશનુમા હતું. સાપુતારા જવાના મુખ્ય રસ્તા પર સાપુતારાના બજારથી ચારેક કિલોમીટર દૂર હોવ ત્યારે જ માલેગાંવ જવા ફાંટા પાસે વળી જવાનું. આ માર્ગે દોઢેક કિલોમીટર આગળ જાવ એટલે ટેન્ટસીટી આવી જાય. રસ્તાની બંને બાજુએ ખુલ્લા ખેતરો હતાં. ટેન્ટસીટીનું બોર્ડ ચૂકી જતાં અમે થોડાં વધુ આગળ નીકળી ગયા. પણ આબોહવા ચોખ્ખી અને સારી હોવાથી પાંચેક કલાકની મુસાફરી છતાં કંટાળ્યા નહોતા. વટેમાર્ગુ નજરે ચઢતાં તેની પાસેથી ટેન્ટસીટીના ચોક્કસ સ્થાનની માહિતી મેળવી અમે ગાડી પાછી લીધી અને થોડી વારમાં ટેન્ટસીટી પહોંચી ગયા. અહીં રમેશભાઈ નામના પ્રેમાળ, હસમુખા ગુજરાતી ગૃહસ્થ મેનેજર તરીકે ફરજ બજાવે છે. તેઓ અહીં જ ટેન્ટસીટી ખાતે રહી સુનિશ્ચિત કરે છે કે આવનારા મુલાકાતીઓની બધી સગવડ સચવાય. અમે રસ્તામાં હતાં ત્યારે બે ત્રણ વાર રમેશ ભાઈ મને ફોન કરી પૂછી ચૂક્યા હતા કે અમે કેટલા વાગ્યા સુધી પહોંચી રહીશું. ત્યારે જ ખ્યાલ આવી ગયો હતો કે અમને અહીં ટેન્ટસીટીમાં કોઈ પ્રકારની તકલીફ નહીં પડે. વાંસનું બનેલું સુંદર પ્રવેશદ્વાર ટેન્ટસીટીમાં તમને આવકાર આપતું ઉભેલું દેખાય ત્યારથી જ એક હકારાત્મક લાગણી અનુભવાય. આસપાસ ઝાડપાન અને ખેતરો વચ્ચેથી પસાર થઈ અમે ટેન્ટસીટીના કેન્ટીનના મકાન સુધી પહોંચ્યા કે રમેશભાઈએ ઉમળકા ભેર અમારું સ્વાગત કર્યું. દિનેશ નામના યુવાને અમારો સામાન લઈ લીધો અને અમને અમારા માટે ફાળવાયેલા ટેન્ટ ભણી દોરી ગયો. કચ્છમાં રણોત્સવ દરમ્યાન રહ્યાં હતાં એવા જ સ્વીસ ટેન્ટ હતાં અહીં. કેન્ટીનના મકાનની બાજુમાં આવેલા બાગ પાસેથી પસાર થઈ થોડી ઉંચાઈ એ આવેલા ભાગ પર ઢોળાવ વાળી ભૂમિ પર અહીં બારેક ટેન્ટ બનાવ્યાં છે જેમાં એ. સી., બાથરૂમ વગેરે સુવિધા મોજૂદ છે. ટેન્ટની બહાર ઓટલા પર સરસ મજાની બે આરામદાયી ખુરશી ગોઠવેલી હતી જેના પર બેસો એટલે સામે દેખાતા સુંદર દ્રશ્ય જોઈ તમને એક ગજબની નિરાંત અને શાંતિનો અનુભવ થાય. અહીં ટેન્ટની બહારની ભૂમિ પર નીલગીરીના ઝાડ ઉગાડેલા છે જે હજી કિશોરાવસ્થામાં છે એટલે હવા સાથે તે ડોલે ત્યારે નાના છોકરાં સાથે રમતા હોય એવું લાગે! અહીં ટેન્ટ સુધી પહોંચવા કેડી બનાવાઈ હતી. બાર ટેન્ટ એેકમેકની આસપાસ અંગ્રેજી 'યુ' આકારે ગોઠવાયેલા છે અને તેમની સામે જ એક જગાએ બે - ત્રણ બાંકડા ગોઠવી સામે ઝાડનાં જાડા થડની ટીપોઈ જેવું ગોઠવી, માથે છાપરું ગોઠવી સુંદર જગા બનાવાઈ છે જ્યાં બેસી મિત્રો કે પરિવાર જનો સાથે ટોળટપ્પા મારી શકાય કે રાત્રે નાનો કેમ્પફાયર પણ યોજી શકાય. આવા બે - ત્રણ અન્ય સ્થળો પણ અહીં ટેન્ટ સીટીમાં ખાસ ઉભા કરાયા છે જ્યાં બેસી તમે નિરાંતની સુગમ્ય ક્ષણો સ્નેહીજનો સાથે ભરપૂર માણી શકો. 




એક સ્થળે હીંચકો અને આસપાસ ખાટલા ઢાળેલા ગોઠવ્યા છે તો થોડે આગળ મોટા ઝાડની ફરતે રંગીન પથ્થરો અને ગાડાંના રંગેલા પૈડાં કલાત્મક રીતે ગોઠવી સરસ મજાની બેઠકો બનાવેલી જોવા મળે. બાગની એક બાજુ એક જ જણ સૂઈ શકે એવાં આઠેક નાના ટેન્ટ બેસાડેલા છે જેની થોડે દૂર  બીજા ઝૂલા અને વાંસના બાંકડાં ઝાડ નીચે જોવા મળે. તો બાગની બીજી બાજુએ પાછળ ની તરફ ખુલ્લું મોટું મેદાન જોવા મળે જેમાં મેદાન ફરતે આવેલા વૃક્ષો પર એડવેન્ચર એક્ટિવિટી માટે ઝૂલતાં દોરડાં અને પુલ વગેરે જોવા મળે. 



રાત્રે અહીં મેદાનમાં ગરબા - રાસ અને ડી. જે. પાર્ટી નું પણ આયોજન થાય! મુખ્ય કેન્ટીનનાં મકાનનો પાછળનો દરવાજો આ મેદાન સામે ખુલે. મેદાન થોડા નીચાણવાળા ભાગ પર આવેલું હોઈ ઉપર ટેન્ટ કે બાગ તરફ જવા માટે માટીમાં એકમેક ની ઉપર વાહનના ટાયર ગોઠવી સુંદર દાદરા બનાવાયેલા છે જેના પર દોડાદોડ કરવાની બાળકોને મજા પડી જાય! યુવાનો અને મોટેરાં એડવેન્ચર એક્ટિવિટી કરતાં હોય ત્યારે બચ્ચાં સાઈકલ ચલાવી શકે અને અતિ નાના બાળકો બેટરી ઓપરેટેડ ટોય કાર ચલાવી શકે.

અહીં નૈસર્ગિક સુંદરતાને કારણે સહેલાણીઓ તો આવે જ છે પણ અમારી સાથે જ એક યુગલ પ્રિ-વેડિંગ ફોટો શૂટ માટે પણ આવેલું જોયું ત્યારે નવાઈ લાગી! આશ્ચર્યનો બીજો અવસર ત્યારે આવ્યો જ્યારે નિરાંત ની પળો માણતા આકાશ ભણી જોતા હતાં ત્યારે નજરે પંખીઓની જગાએ માનવ ઉડતા નજરે ચડયા, પેરાગ્લાઈડીંગ કરતા - રંગબેરંગી પેરાશૂટ સાથે!

   ટેન્ટમાં ફ્રેશ થયા બાદ ઉપર વર્ણવેલ જગાઓ એ થોડું થોડું રોકાઈ, ફોટા પાડી બપોરે જમવાનો સમય થયો એટલે કેન્ટીન જઈ પહોંચ્યા. અમે આવ્યાં ત્યારે જ રમેશ ભાઈએ ખાવામાં શું ભાવશે તેની પૃચ્છા કરી લીધી હતી અને અમે દર્શાવેલી પસંદગી મુજબ ભાખરી, શાક, દાળ ભાતનું સ્વાદિષ્ટ ભોજન આરોગી આસપાસનું થોડું નિરીક્ષણ કર્યું. ખોરાક બનાવવા વપરાતા શાકભાજી અહીં જ આસપાસના ખેતરોમાં ઉગાડાતા હોવાથી તેના સ્વાદમાં શુદ્ધતા અને પૌષ્ટિકતા તમે અનુભવ્યા વગર રહી ના શકો. બનાવનાર પણ આસપાસ વસતાં ગામમાંથી આવતા ભાઈ-બહેનો હતાં જેઓ રસોઈ કળામાં નિપુણ તો હતાં જ સાથે તેમનો પ્રેમ ભાવ પણ ભળે એટલે ખાવાનું વધુ સારું લાગે!

   જમ્યા બાદ આસપાસ થોડું ટહેલ્યા. પાસે પાણીના ગોળ પીપડામાંથી બનાવેલ રંગીન બાંકડે બેઠાં. કેન્ટીનમાં ફિશટેન્કમાં રહેલી માછલીઓ નમ્યા અને હિતાર્થે ધરાઈને જોઈ રહ્યા બાદ અમે ટેન્ટમાં થોડો આરામ કરવા પાછા ફર્યાં.

આરામ કરતા કરતા આગળ કરવાની પ્રવૃત્તિઓ અંગે થોડી ચર્ચા કરી અને પછી થોડું સૂઈ ગયાં. સાંજે એડવેન્ચર એક્ટિવિટીઝની મજા માણી.

(ક્રમશ :)


સાપુતારાની સફરે (ભાગ - 3)

-------------------------------------

    જમ્યા બાદ આસપાસ થોડું ટહેલ્યા. પાસે પાણીના ગોળ પીપડામાંથી બનાવેલ રંગીન બાંકડે બેઠાં. કેન્ટીનમાં ફિશટેન્કમાં રહેલી માછલીઓ નમ્યા અને હિતાર્થે ધરાઈને જોઈ રહ્યા બાદ અમે ટેન્ટમાં થોડો આરામ કરવા પાછા ફર્યાં. આરામ કરતા કરતા આગળ કરવાની પ્રવૃત્તિઓ અંગે થોડી ચર્ચા કરી અને પછી થોડું સૂઈ ગયાં. સાંજે એડવેન્ચર એક્ટિવિટીઝની મજા માણી.

એડવેન્ચર એક્ટિવિટીઝ માટે ચોરસાકાર મેદાનની કિનાર પર હવામાં અદ્ધર ત્રીસેક ફૂટની ઉંચાઈએ દોરડાંના ઝૂલતા પુલ બનાવાયેલા છે. સુરક્ષા માટે ના પટ્ટા પહેરી તમારે આ ઝૂલતા પુલ પર ચાલી એક છેડે થી બીજે છેડે જવાનું. ભય સાથે રોમાંચ પણ અનુભવાય જ્યારે આટલી ઉંચાઈએ તમે ચાલી રહ્યા હોવ અને અડધે પહોંચી ગયા હોવ! બીજા એક પ્રકારની એક્ટિવિટીમાં દોરડાની જગાએ પગ મૂકવા માટે લાકડાંની પાતળી પટ્ટીઓ હોય, તો ત્રીજી એક એક્ટિવિટીમાં થોડે થોડે અંતરે હવામાં એક સરખી ઉંચાઈએ રબરના ટાયર લટકાવેલા હોય તેમાં એક પછી એક પગ મૂકતાં જઈ એક ઝાડ પરથી બીજા ઝાડ પર પહોંચવાનું. અન્ય એક એક્ટિવિટીમાં ચોરસ આકારે બાંધેલા દોરડાં ની જાળી પર ત્રીસ-પાંત્રીસ ફૂટ ઉંચી દિવાલ પર ચડી જવાનું અને પછી હવામાં આખા આડા થઈ કેડે બાંધેલા સુરક્ષા પટ્ટા પર વિશ્વાસ મૂકી શરીર મુકત છોડી દઈ નીચે આવવાનું!

દેખાય આ બધી એક્ટિવિટી અતિ સરળ પણ એ કરતી વખતે ખ્યાલ આવે કે એ લાગતી હતી એટલી સરળ નથી, ક્યારેક અડધે મૂકી દેવાનું મન થાય પણ અડધેથી પાછા વળવું કઈ રીતે?! પૂરું કર્યે જ છૂટકો! આ બધી રમતોમાંથી ઘણું શીખવા પણ મળે છે અને ભય પર કાબૂ મેળવવાનો અતિ મહત્વનો ગુણ કેળવાય છે.







  સાંજે આ બધી એડવેન્ચર એક્ટિવિટીઝની મજા  માણ્યા બાદ, એમાં અમારી સાથે રહેનાર દિનેશ, મેનેજર રમેશભાઈ તથા અન્ય સ્ટાફ સભ્યો સાથે વાતચીત કરી - ચા પાણી કર્યા - બાળકો માટે ખાસ બનાવાયેલ મેગીની મજા માણી. બીજે દિવસે ક્યાં ક્યાં નજીક ફરવા જઈ શકાય તે અંગે માહિતી મેળવી. રાત્રે જમવામાં ઓળો અને રોટલા ખાવાની ઈચ્છા પ્રગટ કરી. પછી ટેન્ટસીટીની આહ્લાદક આબોહવામાં ફર્યાં. પ્રિ વેડિંગ ફોટો શૂટ માટે એક યુગલ આવ્યું હતું, તેઓ મોડી સાંજે જાતજાતની લાઇટ તથા પ્રોપ સાથે ફોટો શૂટ કરતું હતું તે કુતૂહલ પૂર્વક જોયું. પછી ઓળા - રોટલા - કઢી ખીચડીનું સ્વાદિષ્ટ જમણ જમ્યા બાદ રાત્રે હીંચકે અને આસપાસ ગોઠવેલી ખાટલીઓ પર બેસી તાપણી કરતાં કરતાં અમદાવાદથી આવેલ બે પ્રવાસી યુગલ સાથે અમારાં તથા તેમના જૂના પ્રવાસોની ખાટ્ટી મીઠી યાદોની આપલે કરી. રમેશ ભાઈ અમારા માટે ખાસ શેકેલા ચણાં - પોપટાં લઈ આવ્યાં હતાં તેની મજા માણતા માણતા ટેન્ટસીટીના માલિકો અને તેમણે કઈ રીતે આ સુંદર જગાનું સર્જન કર્યું તે વિશે વાતો કરી. રાત અને ઠંડી બન્ને જામ્યા હતાં. આંખો પણ ઘેરાવા માંડી હતી એટલે સૂવા જવા અમારા ટેન્ટ ભણી પ્રયાણ કર્યું. આ જગા બને એટલી શ્વાસમાં ભરી લેવી હતી. એટલે તંબુએ પહોંચ્યા બાદ પણ તરત સૂવાને બદલે બહાર ઓટલે ગોઠવેલી ખુરશી પર બેઠી રાતની શાંતિ અને સામેના અંધારિયા વાતાવરણને થોડી વધુ વાર માણ્યા.

  સવારે વહેલા ઉઠી હું ભરત નામનાં કિશોર સાથે નેચર ટ્રેલ પર એટલે કે ટેકરી પર આવેલા જંગલની કેડીએ લટાર મારવા નીકળ્યો. ટેન્ટસીટીની સાવ નજીકમાં જ આ ટેકરીની તળેટી હતી જ્યાંથી અમે ઉપર ચડવાની શરૂઆત કરી. અડધો પોણો કલાક લાગ્યો ટોચે પહોંચતા. થકવી નાખનાર પણ મજેદાર હતી આ ટ્રેલ. ભોમિયો ભરત તો અહીં આ રીતે રોજ ચાલવા ટેવાયેલ હતો એટલે એ આગળ આગળ ભાગે અને હું વચ્ચે વચ્ચે રંગીન ફૂલો જોવા તો ક્યાંક પોરો ખાવા તો ક્યારેક ઊંચાઈથી નીચે દેખાતું દ્રશ્ય જોવા રોકાઈ જતો કે પત્થર પર બેસી જતો. 








ટોચ નજીક પહોંચ્યા એટલે નજીક આવેલા મંદિરનો ઘંટારવ અને રસ્તેથી પસાર થતાં વાહનોનો અવાજ સંભળાવો શરૂ થયો એટલે હાશ થઈ. રસ્તામાં ભરત સાથે તેમના દૈનિક જીવનની અને મારા અગાઉ માણેલા ટ્રેક વિશે ઘણી વાતો કરી. ઉપર પહોંચ્યા એટલે સાપુતારાની મુખ્ય સડક આવી ગઈ. અમે કેટલું અંતર કાપી નાખ્યું હતું! નીચે જીપમાં બેસી પાછા ફરી શકાય તેમ હતું પણ મેં સવારની તાજી હવા શ્વાસમાં ભરતાં ભરતાં ટેકરી વાળા રસ્તે ઉતરી પરત આવવાનું જ પસંદ કર્યું. પાછા ઉતરવાનું સરળ બની રહ્યું અને અમે જલ્દી પાછા ટેન્ટસીટી આવી ગયાં. આ ટ્રેલ અઘરી હતી એટલે અમી, નમ્યા અને હિતાર્થ સાથે નહોતા આવ્યાં. પણ અમે ટેન્ટસીટી પહોંચ્યા એટલે તેઓ મારી રાહ જોતા કેન્ટીન પાસે જ બેઠાં હતાં. ચા નાસ્તો કરી અમે ટેન્ટ પર પાછા આવ્યાં અને ફ્રેશ થઈ નજીકનાં સ્થળોએ ફરવાં નીકળી પડ્યાં. હિતાર્થભાઈ નો ચોથો બર્થ ડે હતો જે મારે યાદગાર બનાવવો હતો! જતાં રસ્તામાં એક નાનકડું મંદિર આવ્યું જ્યાં દર્શન કર્યા અને હિતાર્થે પાસેના બગીચામાં લસરપટ્ટીની મજા માણવાની ઈચ્છા વ્યક્ત કરી જે મેં તેને પૂરી કરવા દીધી. પછી તરત ત્યાંથી આગળ વધ્યા.

પહેલા જઈ પહોંચ્યા પંપા સરોવર. અહીં ખાસ કંઈ જોવાલાયક નથી પણ આ જગાનું ધાર્મિક મહત્ત્વ ઘણું છે. અહીં એ સ્થળ છે જ્યાં ભગવાન રામ અને લક્ષ્મણ વનવાસ દરમ્યાન સૌ પ્રથમ વાર હનુમાનજીને મળ્યાં હતાં. બીજું અહીં શબરી સ્નાન કરવા આવતી. 



શબરી એટલે પરમ રામ ભક્ત ભીલ વૃદ્ધા, જેનાં એઠાં બોર પ્રભુ રામે હોંશે હોંશે ખાધા હતાં. અહીં મંદિરમાં દર્શન કર્યાં, નદીના વહેતા જળમાં પગ પલાળીને નજીક આવેલી એક નાનકડી દુકાનમાંથી છોકરાઓને વહેંચવા ચોકલેટ ખરીદી. અહીંથી પછી શબરીધામ જવા રવાના થયાં. શબરીધામ એટલે ડાંગ જિલ્લાના જંગલમાં આવેલું એ સ્થળ જ્યાં શબરી રહેતી હતી અને જ્યાં તેના ઝૂંપડામાં પ્રભુ રામ પધાર્યા હતાં. આજે પણ એ શિલા ત્યાં મોજૂદ છે જેના પર બેસી રામે શબરીના એઠાં બોર ખાધા હતાં. તેની ઉપર સરસ મંદિર બનાવાયું છે. દર્શન કરી પાછાં ફરતાં એક નાની હોટલમાં ખાવા રોકાયા. અહીં ડાંગી ભોજનની મજા માણી. નાગલીની અને ચોખાની રોટલી, પીઠ... લ જેવું શાક, ડાંગી મસાલા ખીચડી અને છાશ. મજા આવી. રસ્તામાં રમતાં છોકરાઓને હિતાર્થના હાથે ચોકલેટ અપાવી.

એ પછી મહલ ઈકો ટુરિઝમ કેમ્પ સાઇટ નામની જગાએ ગયાં. ગાઢ જંગલમાં આવેલી આ જગા ગુજરાત સરકારે વિકસાવી છે જ્યાં ઓનલાઇન બુકિંગ કરી રહી શકાય છે. પણ કોરોનાના કહેર ને લીધે ઘણાં વખતથી અહીં કોઈ આવતું નહીં હોય એટલે અમને અહીં ખાસ મજા ના આવી. ખરું કહું તો મહલ એટલું આ જગાનું નામ જ ખબર હતી. ઉત્સુકતા હતી કે એ મહેલ હશે મ્યુઝિયમ જેવું કંઈક હશે જ્યાં ડાંગી જીવનની ઝાંખી જોવા મળશે. રમેશ ભાઈ કે અન્ય કોઈને પણ કદાચ આ જગા વિશે માહિતી નહોતી અને હતી આ જગા ખાસ્સી દૂર એટલે આવીને પસ્તાવો થયા જેવો ઘાટ થયો. પણ પરિવાર સાથે ગાડીમાં પસાર કરેલો સારો સમય સાટું વાળવા પૂરતો હતો. સાંજે ટેન્ટ સિટીમાં પાછા ફરતાં પહેલાં સાપુતારા બજારમાં જઈ હિતાર્થ માટે બર્થ ડે કેક ખરીદી.

(ક્રમશ :)

સાપુતારાની સફરે (ભાગ - ૪)

-------------------------------------

    સાંજે ટેન્ટસિટીમાં પાછા ફરતાં પહેલાં સાપુતારા બજારમાં જઈ હિતાર્થ માટે બર્થ ડે કેક ખરીદી. ત્યાં કેકની કોઈ અલાયદી દુકાન નહોતી. આથી થોડી પૂછપરછ કર્યા બાદ ત્યાં એક સારી હોટેલમાં કેક શોપ હતી ત્યાંથી કેક લીધી. અંધારું થઈ ગયું હતું અને પહાડનાં વળાંકો વાળા રસ્તા પર કાંદા - ટામેટાં ભરેલી મોટી ટ્રક ઉંધી વળી ગઈ હોવાથી ટ્રાફિક જામ હતો અને અમને પહોંચતા થોડું મોડું થઈ ગયું હતું. અહીં પોતાનું વાહન લઈ આવનારાઓએ ખૂબ સાવધ રહેવું કારણ આ માર્ગ વાહન અકસ્માત માટે કુખ્યાત છે.

  અમે ટેન્ટસિટી પહોંચી, કેક ફ્રીજમાં મૂકવા આપી દીધી અને ટેન્ટમાં જઈ ફ્રેશ થઈ આવ્યાં. જમવામાં સેવ-ટામેટાંનું શાક, પરાઠા અને ખીચડી કઢીની મજા માણ્યા બાદ નાનું એવું સેલિબ્રેશન રમેશ ભાઈ તથા અન્ય સ્ટાફ સાથે કર્યું. શનિવાર હોવાથી તે દિવસે ઘણાં સહેલાણીઓ ટેન્ટસીટીમાં આવ્યાં હતાં અને તેમને માટે કેન્ટીન પાછળના મેદાનમાં ગરબા-રાસનું આયોજન કર્યું હતું. પણ હિતાર્થના બર્થ ડે માટે ટેન્ટસીટીના સૌ સ્ટાફ મેમ્બર્સમાં ભારે ઉત્સાહ હતો અને નાનકડા કેક કાપવાના સેલિબ્રેશનમાં સૌ પ્રેમથી જોડાયા. 


રમેશભાઈએ હિતાર્થને 'મોન્ટુ' એવું હૂલામણું નામ આપ્યું હતું  અને તેઓ તેમનાં આ નાનકડા ગેસ્ટનું ખૂબ સારું ધ્યાન રાખતાં હતાં અને પ્રેમ પૂર્વક તેનું જતન કરતા હતાં. રાતે અમને ખાસ હળદરવાળંજ દૂધ પીવા આપતા. ગત રાતની જેમ જ થોડી વાર તાપણે બેઠાં, રસોઈ ઘરમાં જઈ ગુલાબજાંબુ બનાવાઈ રહ્યાં હતાં એ ગતિવિધિ નિહાળી, સ્ટાફ સાથે વાતો કરી અને પછી સૂવા ટેન્ટ જઈ પહોંચ્યા.

   હિતાર્થને ગાડીઓનું ભારે આકર્ષણ છે. ટોય કાર હજી સુધી તેને ચલાવવા મળી નહોતી પણ તેણે રમેશભાઈ અને દિનેશ પાસેથી વચન લીધું હતું કે એ ચલાવ્યા વગર તે ટેન્ટ સિટીમાંથી વિદાય લેશે નહીં! આથી રવિવારે સવારે ત્યાંથી વિદાય લેતા પહેલા મેં અને નમ્યા એ બાકી રહેલી એડવેન્ચર એક્ટિવિટીની મજા માણી તે દરમ્યાન દિનેશે ગત આખી રાત ચાર્જ કરી રાખેલી બચ્ચાંઓની ટોય કારની સવારી હિતાર્થને કરાવડાવી અને તે રાજીના રેડ થઈ ગયો!

    વિદાયની વેળા વસમી જ હોય છે! આટલાં સરસ બે દિવસ આનંદ દાયક રીતે પસાર કર્યા બાદ રવિવારે અગિયારેક વાગ્યે સવારે અમે ટેન્ટસિટીને સૌ સાથે ફોટા પડાવ્યા બાદ આવજો કર્યું ત્યારે ખરેખર અમને હજી થોડું વધારે રહેવાનું મન થતું હતું!

  પરત અમારે મહારાષ્ટ્રના નાસિકવાળા રસ્તે થઈ ફરવાનું હતું. રસ્તામાં બંને બાજુ દ્રાક્ષ, રીંગણાં, બટાટા, ટામેટાં વગેરેના ખેતરો હતાં. ખુલ્લા અને ખાસ ભીડભાડ વગરના રસ્તા પર અમારી ગાડી સડસડાટ આગળ વધી રહી હતી. રસ્તામાં ઠેર ઠેર સ્ટ્રૉબેરી, કાંદા, ટામેટાં વગેરે વેચવા સ્થાનિક લોકો ભર તડકે છત્રી લઈ બેઠાં હતાં. અમે સ્ટ્રૉબેરી ખરીદી. માર્ગમાં રોડ રીપેર અને કન્સ્ટ્રકશનનું કામ ચાલુ હોવાથી થોડી વધુ વાર લાગી પણ તાનાજીની ગાડીમાં અંતાક્ષરી અને અન્ય રમતો રમતાં અમે બપોરના બે - અઢી વાગ્યા સુધીમાં સપ્તશૃંગી દેવીના ધામ સુધી પહોંચી ગયાં.

     નાના એવા ગામમાં આ જાત્રા ધામ ખૂબ સારી રીતે વિકાસ પામ્યું છે. અહીંનું મુખ્ય આકર્ષણ છે પહાડોની ટોચે માતાજી ના ધામ સુધી લઈ જતી ફનીક્યુલર રાઇડ. ગાડીનો એક ડબ્બો હોય એવી આ મિની ટ્રેન ના બે ટ્રેક પહાડ પર બનાવાયા છે. રોપ-વે માં એક સવારીમાં છ - સાત જણ બેસી શકે જ્યારે એક જ કોચ ધરાવતી આ ફનીક્યુલર ટ્રેનમાં એક રાઉંડમાં ચાલીસ - પચાસ જણ સવારી કરી શકે. પહાડ પર સીધું ચઢાણ ધરાવતા ટ્રેક પર એકાદ મિનિટમાં તો તમે નીચેથી પહાડની ટોચ પર આરામથી પહોંચી જાવ - ટ્રેનની કાચની બારી માંથી બહારનું સુંદર દ્રશ્ય જોતાં જોતાં! આવી ફનીક્યુલર રાઇડ અગાઉ મેં સ્વિત્ઝર્લેન્ડમાં હૈદર કુલ્મ નામના પહાડની ટોચ પર જતી વખતે માણી હતી તેની યાદ તાજી થઈ ગઈ.

    ઉપર પહોંચ્યા બાદ સાત પહાડોની વચ્ચે આવેલ મંદિરમાં સપ્તશૃંગી મા ની વિશાળ પ્રતિમાના દર્શન કર્યા. આ મંદિર માતાજીની એકાવન શક્તિપીઠમાં સ્થાન પામ્યું છે. માતા પાર્વતીનું શવ લઈ શંકર ભગવાન ક્રોધમાં ઉડ્યા હતા ત્યારે માતાજીનો જમણો હાથ આ જગા એ પડ્યો હતો જ્યાં મંદિર બનાવવામાં આવ્યું છે. બીજી એક કથા પ્રમાણે મહિષાસુર પાડાનું રૂપ ધરી આ પહાડ પરના જંગલમાં છુપાઈ ગયો હતો. માતાજીએ તેને શોધી કાઢી જે જગા એ તેનો વધ કર્યો ત્યાં આ મંદિર ઉભું કરાયું છે. ચોખ્ખાઈ આ મંદિરમાં સારી એવી જળવાઈ છે. ફનીક્યુલર માં નીચે આવ્યા બાદ મોલના સંકુલમાં જ અમે જમ્યા. થોડું મોડું થઈ ગયું હતું પણ મન સારી રીતે દર્શન થવાથી પ્રસન્ન હતું. ફનીક્યુલર સ્ટેશન મોલ ના સંકુલમાં જ તૈયાર કરાયું છે જેની આસપાસ અનેક દુકાનો, ખાણી-પીણીની વ્યવસ્થા ધરાવતો ફૂડ કોર્ટ અને રહેવા માટે પણ રૂમ વગેરેની સુવિધા છે. અહીં પણ તમે રાત રોકાઈ શકો એવો એક - બે દિવસનો કાર્યક્રમ ગોઠવીને આવી શકો છો. દુકાનો નાની હોય તો પણ મોબાઈલ વોલેટથી ઓનલાઇન પેમેન્ટ સ્વીકારતા ગ્રામજનોને જોઈ સુખદ આશ્ચર્ય થયું. પરિવર્તન થતું જાય છે. અમે સમયની મર્યાદાને કારણે જમ્યા બાદ રોકાયા વગર આ સ્થળેથી વિદાય લીધી અને રવાના થયા પરત મુંબઈ આવવા.

  રાતે અગિયાર વાગ્યાની આસપાસ મુંબઈ પરત આવી ગયા અને અમારો સાપુતારા - સપ્તશૃંગી મંદિરનો આ ટૂંકો પણ યાદગાર પ્રવાસ અહીં પૂર્ણ થયો. મનના કચકડામાં જો કે એ કાયમ માટે કેદ થઈ ગયો!

(સંપૂર્ણ)

------------------------------------------------------

સાપુતારા ટેન્ટસિટી જવા કે ત્યાં અંગે પૃચ્છા કરવા

 09484533336 આ નંબર પર ભરતભાઈ માંગુકિયાનો સંપર્ક કરી શકો છો.

-------------------------------------------------------

આવતા સપ્તાહે ગેસ્ટ બ્લોગમાં સાપુતારા ટેન્ટ સિટીના સર્જકના સ્વહસ્તે લખાયેલ બ્લોગ લેખ માં વાંચીશું કે કઈ રીતે તેમને આ સુંદર જગા બનાવવાની પ્રેરણા મળી. 

-------------------------------------------------------

 - વિકાસ ઘનશ્યામ નાયક


રવિવાર, 25 જુલાઈ, 2021

ગેસ્ટ બ્લોગ : કવિ અને સમાજ

                                 ગુજરાતી ભાષાના પ્રસિદ્ધ હાસ્ય લેખક વિનોદ ભટ્ટે ઉત્તમ હાસ્ય નિબંધો આપ્યા છે. વિવિધ વિષયો પર તેમણે હાસ્ય સર્જન કર્યું છે, જેમાં કવિઓ અને લેખકો માટે પણ ઘણું લખ્યું છે. સમાજની નજરમાં કવિ નિમ્ન સ્તરનો કે બિન મહત્વની વ્યક્તિ હોય તેવું ફલિત થતું હતું. વિનોદ ભટ્ટે એક પ્રસંગ ટાંક્યો છે. એક વડીલે એક યુવાનને પૂછ્યું “ શું કરો છો?” યુવાને ઉત્સાહ પૂર્વક જવાબ દીધો,” કવિ છું.” વડીલે ફરી પૂછ્યું તો પેલા યુવાને પણ તે જ ઉત્તર આપ્યો. આખરે વડીલ અકળાઈને બોલ્યા, “એ તો સમજ્યા ભાઈ, પણ બીજું શું કરો છો?” વડીલનો સંકેત અર્થ ઉપાર્જન વિષે હતો. વડીલને એ કવિ છે એમાં જરા ય રસ ન હતો.     

                               આ પ્રસંગ પરથી એવું લાગે કે કવિ હોવું એ મહત્વનું નથી, એ કોઈ ખાસ ગુણ નથી, પણ આર્થિક રીતે સધ્ધર છે કે નહી તે મહત્વનું છે. વિનોદ ભટ્ટે બીજો પણ એક આ જ વિષયને લગતો પ્રસંગ લખ્યો છે. એક યુવક યુવતી એકમેકને પ્રેમ કરતા હતા. ને લગ્ન કરવાના હતા. એક દિવસ તે યુવકે આદ્ર સ્વરે યુવતીને પૂછ્યું, “તારા પપ્પાને તે જણાવ્યું છે કે હું એક સામાન્ય મધ્યમ વર્ગનો છું” યુવતિએ કહ્યું “ હા તેમાં તેમને કોઈ વાંધો નથી” યુવકે બીજો પ્રશ્ન કર્યો, “તારા પપ્પા જાણે છે કે હું કવિ છું?” અને યુવતી ઉછળીને બોલી,”ના હો તેમને ખબર પડે કે હું કવિને પરણવાની છું તો તેમનું હાર્ટ ફેલ થઈ જાય.” આ પ્રસંગો પરથી સમાજમાં કવિનું કેવું સ્થાન હશે તેની ખબર પડે છે.  

                                                  વ્યવસાઈક દ્રષ્ટિ ધરાવતા હોય તેમને એ જાણ નથી હોતી કે ભલે તેમાં કોઈ આર્થિક લાભ ન હોય, પણ કવિને મન તો નિજાનંદ માટે જે કંઈ સર્જન કર્યું હોય તેનું જ તેને વિશેષ મહાત્વ અને સંતોષ હોય છે.આજના વખતમાં તો એવા ઘણા કવિઓ લેખકો છે કે જેઓ કોઈ ને કોઈ આથિક ક્ષેત્રે કાર્યરત છે. કોઈ ડોક્ટર છે, કોઈ સી. એ. છે, કોઈ એન્જીનીયર છે, બેંક કે મલ્ટીનેશનલ કંપનીના કર્મચારી છે. આ બધા સાહિત્ય ક્ષેત્રે લોકપ્રિય છે. તેમને મન સર્જન એ તેમના જીવનનો એક અલગ ભાગ છે, પેશન છે. લખતા લખતા પોતાને થએલો આનંદ અન્યને વહેંચવામાં તે પરિતોષની લાગણી અનુભવે છે.આખરે સર્જન કરવું તે પણ એક કલા છે. 

                             નર્મદે કલમને ખોળે માથું મૂકી દીધું હતું તે સર્વને અભિપ્રેત છે. નર્મદ પછી પણ ગુજરાતી ભાષામાં ઘણા કલમનવેશ થઈ ગયા, ઉત્તમ સર્જન કર્યું પન્નાલાલ પટેલ, જયભીખ્ખું ધૂમકેતુ ગોવર્ધનરામ ત્રિપાઠી જેવા અનેક સર્જકોના દ્રષ્ટાંતો આપણી સામે છે. એ સમયમાં માત્ર કલમને સહારે જીવવું શક્ય હતું, પરંતુ આજે સમય બદલાયો છે. આજે માત્ર કલમના આધારે જીવવું અત્યંત કઠીન છે.બરકત વિરાણી ‘બેફામ’ની એક ગઝલનો મક્તા છે, 

                               “ કલમને વેચી દેવાનો ય આવે છે વખત ‘બેફામ’ 

                                 બહુ કપરું છે જીવન જીવવું, કરમાં કલમ લઈને.” 

                             રાજાઓના દરબારમાં કવિઓનો પ્રભાવ રહેતો. વિશ્વ સાહિત્યમાં પણ એવા ઘણા ઉદાહરણો છે, કે તે દેશની પ્રજાએ કવિઓને માન સન્માન આપ્યા છે.ઈતિહાસમાં નોંધાયું છે કે સમ્રાટ સિકંદર જે રાજ્ય પર ચડાઈ કરતો, તે રાજ્યમાં પ્રવેશતા પૂર્વે પોતાના સૈનીકોને હુકમ પછી આદેશ દેતો કે સર્વનાશ કરજો, પણ જોજો કોઈ કવિનું ઘર ન બાળતા. કવિને જરા ય આંચ ન આવે તેની કાળજી રાખજો. આમ અનેક રાજ્યો જીતનાર સમ્રાટ સિકંદરનાં હૃદયમાં પણ કવિઓ માટે ઉમદા આદર હતો.

                            કવિ હોવું એ વ્યક્તિનો વિશેષ ગુણ છે. તે તેની આગવી ઓળખ છે. માટે સમાજમાં કવિનું યોગ્ય મૂલ્યાંકન થાય તે અત્યંત આવશ્યક છે અને આવકાર્ય પણ છે. 


- નીતિન વિ મહેતા 


ગેસ્ટ બ્લોગ : મસાલાની જાહેરાતની બાળ માનસ પર અસર & ગત વર્ષનું વિહંગાવલોકન તથા આગામી વર્ષની આશા

 ગેસ્ટ બ્લોગ : મસાલાની જાહેરાતની બાળ માનસ પર અસર

---------------------------------------------------------------------

હમણાં એક મસાલાની જાહેરાત ટી. વી. અને અન્ય પ્રસાર માધ્યમોમાં જોવા મળે છે.

કોઈ પણ જાતના પૂર્વગ્રહ કે ધર્મ કે જાતિના ભેદભાવને આધારે નહીં પણ એમાં જે રજૂ થયું છે એ જોઈ મારા મન પર તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે એટલે આ લખવા અને તમારા સૌ સાથે એ અંગેના મારા વિચારો શેર કરવા પ્રેરાઈ છું.

જાહેરખબરમાં કોઈ એક વ્યક્તિ કે જાતિની ભાવનાને ઠેસ પહોંચાડવી યોગ્ય નથી. વાત સુહાના મસાલાની જાહેરાતની છે. એક બાળક જે શાકાહારી કુટુંબમાંથી છે  તે પાડોશમાં ઘરનાથી છૂપાવી બિનશાકાહારી વાનગી ખાય છે. આ જોઈ બાળકો પર તેની શું અસર પડે? આમાં બિનશાકાહારી લોકો કે ખોરાકનો વિરોધ નથી. પણ બાળકો ચોક્કસ આ જોઈ ખોટું કરવા પ્રેરાઈ શકે છે, બાલ-માનસ પર આ જાહેરાતની વિપરીત અસર પડી શકે છે. શું આ એડ નાના બાળકને જૂઠું અને તે પણ ઘરનાથી છાનેછપને કરવા પ્રેરિત નથી કરતી ? તે ઉપરાંત આ ચુસ્ત શાકાહારી કુટુંબમાં બિનશાકાહારી પાડોશી માટે અવિશ્વાસનું વાતાવરણ પણ પેદા કરે છે. આનાથી ધાર્મિક અને સંવેદનશીલ લોકોની ભાવનાને પણ ઠેસ પહોંચે છે. જાહેરાતમાં વિવેકભાન હોવું જોઈએ. આ જાહેરાતમાં દાદી સહીત ઘરના સર્વે સભ્યોને બાળકની ભૂલમાં થયેલ કબૂલાતથી આઘાત લાગે છે. જાહેરાત શું સાબિત કરવા માંગે છે? મસાલાના ગુણગાન કરવા માટે આ પ્રકારનો પ્રસંગ દર્શાવવો જરૂરી છે?


- મીના જોશી


-----------------------------------------------


ગત વર્ષનું વિહંગાવલોકન તથા આગામી વર્ષની આશા

-------------------------------------------------------------

સમયની ગતિ અકળ છે. કુદરત અને પરમ તત્ત્વ સામે આપણે ભલે અભૂતપૂર્વ સિદ્ધિ મેળવીને આપણી જાતને અજેય માનતા હોઈએ, આપણે ભલે ઉંચા ઉંચા શિખરો સર કર્યા હોય, પણ જ્યારે તેની સભાનતા સાથે ઘમંડનો સૂર આવે ત્યારે ગત વર્ષની "કોરોના" મહામારી આપણી તુચ્છતા અને પામરતાનો સચોટ અનુભવ કરાવે છે.

       ગત વર્ષની ફળશ્રુતિ સદા યાદ રહેશે. જેમ સૈનિક પોતાને માટે અજાણ્યા એવાં નાગરિકોની

રક્ષા માટે પ્રાણની આહુતિ આપે છે અને તેમની શહાદતને આપણે માનભેર અંજલિ આપીએ છીએ તેમ "કોરોના" દાનવ સામેના જંગમાં સામાન્ય નાગરિકની ઢાલ તથા કવચ બની રક્ષા કરતા પ્રથમ હરોળમાં કાર્યરત રહી શહીદ થયેલ અસંખ્ય અનામી યોદ્ઘાઓને નત મસ્તક વંદન. આમાં તબીબો, નર્સો, સંરક્ષક અને પોલીસ કર્મચારીઓ,  પરિવહન અને સંચાર સેવા સંચાલકો, શિક્ષક ગણ સફાઇ કામદારો, છુટક કરિયાણાના દુકાનદારો, તથા પ્રાથમિક સેવા પૂરી પાડનાર સર્વ કર્મચારી ગણનો સમાવેશ થાય છે. તેઓની શહીદીની ગરિમા આ હકીકતથી દેવોને માથું નમાવવા પ્રેરે છે કે આ મુઠ્ઠી  ઉંચેરા સ્વયંસેવક યોદ્ઘા છે. મેં ઈશ્વરને નથી જોયા, પણ આ પવિત્ર આત્માઓમાં સદેહે નિહાળ્યા છે. "ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે " એ ભજનમાં સારું લાગે છે, પણ કોરોનાના પ્રત્યક્ષ પરચા જેવો અનુભવ કોઈને ના થાય તેવી મારી ખરા દિલથી પ્રાર્થના છે.

             "કોરોના" દાનવની સામે સમગ્ર વિશ્વનો જનસમુદાય મહદ અંશે સંગઠિત રહીને તેની આંખોમાં આંખ પરોવીને કહે છે,"હા, સમય થોડો વધુ લાગ્યો પણ તું અમારો વાળ પણ વાંકો નહીં કરી શકે ." સાવચેતી અને સભાનતાને આપણા જીવનના અભિન્ન અંગ બનાવવા પડશે. "કોરોના" અવરોધક રસી લીધી અને પાછા હતા એવા થઈ જવાનું  હવે કદાપિ પોસાશે નહીં.

           કોરોનાએ આપણી સંવેદના, અનુકંપા, સુષુપ્ત લાગણીઓને વાચા આપી છે. ઘણી જગાએ સંબંધોની કડવાશ ઓસરી ગઈ છે. જ્યારે ઘણા સમયથી સંપર્ક ન હોય તે પરિચિત તમારી જરૂરિયાત કે સલામતી અંગે પૂછે ત્યારે સાચે જ સારું લાગે છે. આપણે તે વ્યક્તિ માટે મહત્વના છીએ - એવો અહેસાસ થાય છે. મારી જેમ ઘણાંને અનુભવ થયો હશે "પહેલો સગો પાડોશી".

       વર્ષ ૨૦૨૦ પહેલાં આપણે સમય પાછળ આંધળી દોટ મૂકતા, હવે સમય આપણો બંદી છે. ઘરનો મોભી પરિવારની ભૌતિક સુખસગવડ પૂરી કરવામાં વ્યસ્ત હતો, હવે પરિવાર વધુ નજીક આવ્યો છે. ઘરના દરેક સભ્યના યોગદાનનું મૂલ્ય સમજાયું છે. જીવનના ધ્યેયની પરિભાષા બદલાઈ છે. આપણે જીવનની ક્ષણભંગુરતા વિશે સજાગ થયા છીએ, આપણાં અસ્તિત્વ અને જિંદગી માટે ઈશ્વરનો આભાર માનતા થયા છીએ. કોઈ વ્યક્તિ રોગનો કોળિયો બને તે જાણી તરત કહીએ છીએ "ઈશ્વર સદગતના આત્માને શાંતિ આપે તથા પરિવારજનોને અણધારી કારમી વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે." જીવનમાં નાની નાની ખુશીઓ શોધી આનંદ માણતા શીખ્યા છીએ.

        આ કાળમાં ત્રણ ત્રણ પેઢીઓ પોતાની રીતે પરિસ્થિતિનો સામનો કરી રહી છે. તેમની કોઠાસૂઝ વંદનીય છે. નાગરિકોએ ભયને મહાત કરી માનસિક શાંતિ અને આંતરિક શક્તિનો અનુભવ કર્યો છે. આશાનું કિરણ ક્ષિતિજમાં દેખાય છે. યુગલોનો પ્રેમ પરિણયમાં સંપન્ન થયો છે. નવી જીન્દગીની રચના અને આગમન વણથંભ્યા છે. સર્વ બંધુ ભગિનીઓને આ વર્ષ આરોગ્યદાયી તથાા સુખદાયી નીવડે એવી શુુભકામના.

- લતા પ્રકાશ બક્ષી

રવિવાર, 11 એપ્રિલ, 2021

તમારો ખોરાક પોતાને ઘેર ઉગાડો

     હર્ષ વૈદ્ય એક અર્બન ઓર્ગેનિક ફાર્મર છે એટલે કે શહેરમાં વસતો પોતાનો ખોરાક પોતે અદ્યતન રીતે ખેતી કરી પકવતો યુવાન. વૃંદાવન ઓર્ગેનિક ફાર્મ્સ નામની સંસ્થાના સ્થાપક અને મેનેજિંગ ડાઇરેક્ટર એવા યુવા ઉદ્યોગ સાહસિક યુવાન ટ્રી બોક્સ અને પલક નામના સામાજિક પ્રોજેક્ટ પણ ચલાવે છે અને મારા તમારા જેવા હજારો શહેરીજનોને ઘેર બેઠાં ખેતી કઈ રીતે કરી શકાય અને ઘેર પોતાના શાકભાજી ઉગાડી તાજો, શુદ્ધ ખોરાક પ્રાપ્ત કરી શકાય તે શીખવે છે.

     એકાદ વર્ષ પહેલાં હર્ષે  ટેડ-એક્સ જુહુ ઈવેન્ટમાં પોતે પોતાનો ખોરાક પોતાને ઘેર કઈ રીતે ઉગાડી શકાય તે સમજાવતું વક્તવ્ય આપ્યું હતું તેનો વિડિયો યુ ટ્યૂબ પર જોયો અને તેનો સાર આજે બ્લોગમાં રજૂ કર્યો છે
     
હર્ષ જણાવે છે કે ખેડૂતો આજે ગામડે થી શહેરો તરફ વળ્યા છે અને ખેડૂતોની વર્તમાન પેઢીએ રોજગારી અને નોકરી માટે નવી દિશાઓ તરફ નજર દોડાવવાની શરૂઆત કરી છે. આથી તેમને શહેરી ખેડૂત બનવાનો વિચાર આવ્યો. જો બધાં ખેડૂતો ખેતી છોડી શહેરો ભણી કૂચ કરશે તો આગામી દાયકામાં ભારતીય પરંપરાગત ખેતી નાશ પામશે. પછી ખેતી કરશે કોણ? આપણાં માટે ખોરાક ઉગાડશે કોણ?
 
હર્ષ કહે છે કે આથી આપણે સૌ પોતાનો ખોરાક પોતે પેદા કરવાનો વિચાર અમલમાં મૂકવો જોઈએ. સરળ છે. હર્ષ જણાવે છે કે આપણે બાબતે આત્મનિર્ભર બનવું જોઈએ, આખા વિશ્વ અને પર્યાવરણ માટે નહીં તો, પોતાને અને પોતાના પરિવાર માટે તો અંગે વિચારી જવાબદાર નાગરિક બનવું જોઈએ અને પોતાના ઘેર કિચન ગાર્ડન વિકસાવવું જોઈએ.
પહેલો પ્રશ્ન તો થાય કે શહેરમાં જ્યાં રહેવા માટે પૂરતી જગાનો અભાવ હોય છે ત્યાં વળી ખેતી ક્યાં કરવી, નાનકડાં ઘરમાં ગાર્ડન ક્યાં બનાવવું? શું ઉગાડવું? કઈ રીતે ઉગાડવું?
હર્ષ જણાવે છે કે શહેરમાં મોટા ભાગના લોકો બિલ્ડીંગમાં રહે છે અને દરેક બિલ્ડીંગમાં હજારેક ચોરસ ફૂટની ટેરેસ (અગાશી) તો હોય છે . આટલી જગામાં વીસેક પરિવારો માટે જરૂરી ખોરાક ઉગાડી શકાય છે. હર્ષ કહે છે કે શહેરમાં પ્રદૂષણ ઘણું હોય છે બાબત અહીં 'બ્લેસિંગ ઈન ડિસગાઈસ' સમાન સાબિત થાય છે એટલે કે અહીંની હવામાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ ઘણું વધારે હોય છે જે વનસ્પતિની વૃદ્ધિ માટે આવશ્યક હોય છે એટલે અહીં વનસ્પતિ ઘણી સારી રીતે ઉગી શકે છે. હર્ષ જણાવે છે કે સરકાર વર્ષ ૨૦૩૪ સુધીમાં એવો કાયદો લાવવાની છે કે દરેક બિલ્ડીંગમાં ટેરેસ ગાર્ડન બનાવવાનું ફરજિયાત હશે. આપણાં માટે પીરસેલી થાળીમાં તૈયાર ભાણે જમવા બેસવા જેવી વાત છે.
  
પોતાનો ખોરાક કઈ રીતે ઉગાડવો વિશે હર્ષ કહે છે કે જેમનામાંથી આપણી ઉત્ક્રાંતિ થઈ એવા આપણાં પૂર્વજોએ ગૂગલ કે અત્યારે પ્રાપ્ય એવી કોઈ સુવિધા વગર ખેતી કઈ રીતે કરવી તે શોધી કાઢ્યું હતું. આજે તો આપણી પાસે માહિતી અને સુવિધાઓનો ખજાનો છે! હર્ષ કહે છે આપણે પહેલા ધોરણથી ઝાડ છોડ વિશે, તે કઈ રીતે ઉગે છે બધું વિજ્ઞાન વિષયમાં ભણ્યા છીએ. આપણને ખબર છે કે વનસ્પતિ ઉગવા માટે માટી, હવા, પાણી અને સૂર્યપ્રકાશની જરૂર છે અને જે આપણી આસપાસ ભરપૂર માત્રામાં પ્રાપ્ય છે. માત્ર આપણે ધ્યાન પૂર્વક અંગે ક્યારેય વિચાર્યું નથી. સરકારે સૂકો કચરો અને ભીનો કચરો અલગ કરવાનો નિયમ બનાવ્યો છે અને ઘણી સોસાયટીઓમાં રીતે અલગ કરેલા ભીના કચરા માંથી ખાતર બનાવવામાં આવે છે. જરૂર છે વસ્તુ બધાં અમલમાં મૂકવાની અને રીતે તૈયાર થયેલ ખાતર ટેરેસ પર લઈ જઈ તેનો ઉપયોગ ટેરેસ ગાર્ડનમાં કરવા માંડવાની. ઘણું સરળ છે.
હવે જોઈએ શું ઉગાડવું? મીશીગન યુનિવર્સિટીમાં એક રિસર્ચ પેપર રજૂ થયું છે જે જણાવે છે કે શહેરોમાં પ્રાપ્ય ખોરાકમાંથી કયા પદાર્થો સ્વાસ્થ્ય માટે સૌથી વધુ હાનિકારક છે. પાલક, કોથમીર અને મેથી. પદાર્થો આપણાં રોજબરોજ ના ખાવામાં મોટા પ્રમાણમાં હાજર હોય છે પણ શહેરોમાં તે રેલવેના પાટાની બાજુમાં રહેલી જમીન પર ઉગાડવામાં આવે છે, તેને મનુષ્યના મળમૂત્રનું ખાતર મળે છે અને પાણી? ગટર અને નાળાનાં પાણી દ્વારા તે વિકસાવાય છે અને એમાં ધોઈ તે આપણાં સુધી પહોંચાડાય છે. આવો ઝેરી ખોરાક આપણે વર્ષોથી આપણાં પેટમાં પધરાવતા આવ્યાં છીએ, આપણે આપણાં માંદા માતાપિતાને ખવડાવતાં આવ્યાં છીએ, આપણે આપણાં સંતાનોને ખવડાવતાં આવ્યાં છીએ. તો પછી શા માટે આપણે પાલક, કોથમીર અને મેથી જેવા પદાર્થો આપણાં ઘેર ના ઉગાડીએ, પોતાને અને પોતાના પરિવાર માટે?
 
આજે તો ખેતી કરવા માટે કેટકેટલી આધુનિક પદ્ધતિઓ પ્રાપ્ય છે. હાઈડ્રોપોનિકસ, એરોપોનિકસ, એલ. . ડી. લાઇટ નીચે છોડ ઉગાડવા, બંધ ઓરડામાં ખેતી વગેરે વગેરે. ઈંટ લાવી તેની પાળ બનાવી, તેની વચ્ચે માટી પાથરી ત્યાં શાકભાજી ઉગાડી શકાય. એક સરળ ઉદાહરણ લો. બે ત્રણ ઈંચ જાડી અને મોટી એવી એેક પ્લેટમાં માટી પાથરી દો. તમારા રસોડામાં હશે મસાલા બોક્સમાંથી થોડી મેથી લઈ તેને માટી પર ભભરાવી દો. આને સૂર્ય પ્રકાશની પણ જરૂર નથી. થોડું પાણી છાંટતા રહો અને એક - બે અઠવાડિયામાં તમને મળી રહેશે શુદ્ધ, ઓર્ગેનિક મેથીનો પાક તૈયાર!
  
હર્ષ અને તેના અન્ય પ્રકલ્પો અને પહેલો વિશે વધુ માહિતી આવતા સપ્તાહના બ્લોગલેખમાં જોઈશું