Translate

રવિવાર, 25 જુલાઈ, 2021

ગેસ્ટ બ્લોગ : કવિ અને સમાજ

                                 ગુજરાતી ભાષાના પ્રસિદ્ધ હાસ્ય લેખક વિનોદ ભટ્ટે ઉત્તમ હાસ્ય નિબંધો આપ્યા છે. વિવિધ વિષયો પર તેમણે હાસ્ય સર્જન કર્યું છે, જેમાં કવિઓ અને લેખકો માટે પણ ઘણું લખ્યું છે. સમાજની નજરમાં કવિ નિમ્ન સ્તરનો કે બિન મહત્વની વ્યક્તિ હોય તેવું ફલિત થતું હતું. વિનોદ ભટ્ટે એક પ્રસંગ ટાંક્યો છે. એક વડીલે એક યુવાનને પૂછ્યું “ શું કરો છો?” યુવાને ઉત્સાહ પૂર્વક જવાબ દીધો,” કવિ છું.” વડીલે ફરી પૂછ્યું તો પેલા યુવાને પણ તે જ ઉત્તર આપ્યો. આખરે વડીલ અકળાઈને બોલ્યા, “એ તો સમજ્યા ભાઈ, પણ બીજું શું કરો છો?” વડીલનો સંકેત અર્થ ઉપાર્જન વિષે હતો. વડીલને એ કવિ છે એમાં જરા ય રસ ન હતો.     

                               આ પ્રસંગ પરથી એવું લાગે કે કવિ હોવું એ મહત્વનું નથી, એ કોઈ ખાસ ગુણ નથી, પણ આર્થિક રીતે સધ્ધર છે કે નહી તે મહત્વનું છે. વિનોદ ભટ્ટે બીજો પણ એક આ જ વિષયને લગતો પ્રસંગ લખ્યો છે. એક યુવક યુવતી એકમેકને પ્રેમ કરતા હતા. ને લગ્ન કરવાના હતા. એક દિવસ તે યુવકે આદ્ર સ્વરે યુવતીને પૂછ્યું, “તારા પપ્પાને તે જણાવ્યું છે કે હું એક સામાન્ય મધ્યમ વર્ગનો છું” યુવતિએ કહ્યું “ હા તેમાં તેમને કોઈ વાંધો નથી” યુવકે બીજો પ્રશ્ન કર્યો, “તારા પપ્પા જાણે છે કે હું કવિ છું?” અને યુવતી ઉછળીને બોલી,”ના હો તેમને ખબર પડે કે હું કવિને પરણવાની છું તો તેમનું હાર્ટ ફેલ થઈ જાય.” આ પ્રસંગો પરથી સમાજમાં કવિનું કેવું સ્થાન હશે તેની ખબર પડે છે.  

                                                  વ્યવસાઈક દ્રષ્ટિ ધરાવતા હોય તેમને એ જાણ નથી હોતી કે ભલે તેમાં કોઈ આર્થિક લાભ ન હોય, પણ કવિને મન તો નિજાનંદ માટે જે કંઈ સર્જન કર્યું હોય તેનું જ તેને વિશેષ મહાત્વ અને સંતોષ હોય છે.આજના વખતમાં તો એવા ઘણા કવિઓ લેખકો છે કે જેઓ કોઈ ને કોઈ આથિક ક્ષેત્રે કાર્યરત છે. કોઈ ડોક્ટર છે, કોઈ સી. એ. છે, કોઈ એન્જીનીયર છે, બેંક કે મલ્ટીનેશનલ કંપનીના કર્મચારી છે. આ બધા સાહિત્ય ક્ષેત્રે લોકપ્રિય છે. તેમને મન સર્જન એ તેમના જીવનનો એક અલગ ભાગ છે, પેશન છે. લખતા લખતા પોતાને થએલો આનંદ અન્યને વહેંચવામાં તે પરિતોષની લાગણી અનુભવે છે.આખરે સર્જન કરવું તે પણ એક કલા છે. 

                             નર્મદે કલમને ખોળે માથું મૂકી દીધું હતું તે સર્વને અભિપ્રેત છે. નર્મદ પછી પણ ગુજરાતી ભાષામાં ઘણા કલમનવેશ થઈ ગયા, ઉત્તમ સર્જન કર્યું પન્નાલાલ પટેલ, જયભીખ્ખું ધૂમકેતુ ગોવર્ધનરામ ત્રિપાઠી જેવા અનેક સર્જકોના દ્રષ્ટાંતો આપણી સામે છે. એ સમયમાં માત્ર કલમને સહારે જીવવું શક્ય હતું, પરંતુ આજે સમય બદલાયો છે. આજે માત્ર કલમના આધારે જીવવું અત્યંત કઠીન છે.બરકત વિરાણી ‘બેફામ’ની એક ગઝલનો મક્તા છે, 

                               “ કલમને વેચી દેવાનો ય આવે છે વખત ‘બેફામ’ 

                                 બહુ કપરું છે જીવન જીવવું, કરમાં કલમ લઈને.” 

                             રાજાઓના દરબારમાં કવિઓનો પ્રભાવ રહેતો. વિશ્વ સાહિત્યમાં પણ એવા ઘણા ઉદાહરણો છે, કે તે દેશની પ્રજાએ કવિઓને માન સન્માન આપ્યા છે.ઈતિહાસમાં નોંધાયું છે કે સમ્રાટ સિકંદર જે રાજ્ય પર ચડાઈ કરતો, તે રાજ્યમાં પ્રવેશતા પૂર્વે પોતાના સૈનીકોને હુકમ પછી આદેશ દેતો કે સર્વનાશ કરજો, પણ જોજો કોઈ કવિનું ઘર ન બાળતા. કવિને જરા ય આંચ ન આવે તેની કાળજી રાખજો. આમ અનેક રાજ્યો જીતનાર સમ્રાટ સિકંદરનાં હૃદયમાં પણ કવિઓ માટે ઉમદા આદર હતો.

                            કવિ હોવું એ વ્યક્તિનો વિશેષ ગુણ છે. તે તેની આગવી ઓળખ છે. માટે સમાજમાં કવિનું યોગ્ય મૂલ્યાંકન થાય તે અત્યંત આવશ્યક છે અને આવકાર્ય પણ છે. 


- નીતિન વિ મહેતા 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો