Translate

રવિવાર, 28 ઑક્ટોબર, 2018

ગેસ્ટ બ્લોગ - કુદરતનો પરચો

- લતા બક્ષી 

ગુજરાતમાં આંધી વાવાઝોડું અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ. ઉત્તરપ્રદેશમાં શીતલહેર. દિલ્હી,પંજાબ અને બિહારમાં નીચા તાપમાનને કારણે જનજીવન ખોરવાઇ ગયું. જમ્મુ કાશ્મીરમાં દાલલેક થીજી ગયું. ઉત્તરાખંડમાં ટોચના સ્થળોના જિલ્લાઓમાં તાપમાન શૂન્યનજીક નોંધાયું છે. ઉત્તર-પૂર્વના બરફીલા તેજ પવનની  અસર હેઠળ ગુજરાતમાં ઠંદીનું મોજું ચાલુ છે. ધુમ્મસના ચક્રવ્યૂહમાં ઉત્તર ભારત ફસાયું છે. પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં ગાઢ ધુમ્મસને કારણે હવાઇ સેવા, રેલ્વે અને રોડ પરિવહન પ્રભાવિત  થયાં છે. વિજળી અને પાણી  વિતરણમાં ખામી સર્જાઇ છે. ગુજરાત અને ગોવા સુધી ધુમ્મસના દુષ્પરિણામો જોવા મળ્યાં છે. છેલ્લાં થોડાં વર્ષોમાં આ અને આવી કંઈક ખબરો માત્ર આપણાં દેશમાં જ નહિ પરંતુ વિદેશોમાં પણ સાંભળવા-વાંચવામાં આવે છે.
ધુમ્મસને કારણે ભયંકર અકસ્માતોમા નિર્દોષ પ્રવાસીઓ જાન ગુમાવે છે. હવામાં  જ્યારે ચોક્કસ તાપમાને ચોક્કસ પ્રમાણમાં ભેજ અને પ્રદૂષણ જમા થાય છે ત્યારે ધુમ્મસનુ સર્જન થાય છે. ઉત્તર પ્રદેશના ગંગાના પટમાં આ સ્થિતિ સામાન્ય છે.
ભારતમાં છેલ્લા ત્રણ દાયકામાં વસ્તીમાં અભૂતપુ્ર્વ વધારો થયો છે.ઉર્જાસ્ત્રોત ડિઝલથી ચાલતા વાહનોનો વપરાશ વધ્યો છે.સમાજનો નીચલો વર્ગ રાંધવામાં છાણાં અને લાકડાનો ઉપયોગ કરે છે.
વાતાવરણમાં ફેલાયેલ પ્રદૂષણથી ઠંડીનો પારો નીચે જાય છે અને તરત જ  ધુમ્મસની સમસ્યા સર્જાય છે. છેલ્લા થોડા સમયમાં ધુમ્મસના પ્રમાણમાં નેવુ ટકાનો વધારો નોંધાયો છે. ધુમ્મસની ગાઢ ચાદર સૂ્ર્યકિરણની ગરમીને જમીન સુધી પહોંચતાં અટકાવે છે. તેથી વાતાવરણ ની ઠંડક જળવાઇ રહે છે. આ વાતાવરણ ગાઢ ધુમ્મસ ઉભુ કરવામાં અનુકૂળતા સર્જે છે. આથી  એક  વિષચક્રનું  નિર્માણ  થાય  છે. આનો ભોગ સામાન્ય નાગરિક બને છે.
વધુ પડતી ઠંડીને કારણે અનેક બેઘર નાગરિકોના મોત થાય છે.ભારત જેવો વિકાસશીલ દેશ જ્યારે વિશ્વસ્તરે તેનુ  નામ કંડારવા તત્પર છે ત્યારે ધુમ્મસને કારણે વિમાન કે રેલસેવામાં વિલંબ થાય તો આંતરરાષ્ટ્રીય સ્તરે તેનું નામ ખરડાય છે. સરકારે આ સમસ્યા  માટે લાંબા ગાળાનો ઉપાય શોધવો જરુરી છે.
ચીનમાં ભયંકર ભૂકંપને લીધે બસોના મોત થયાં છે અને અગિયાર હજારથી વધુને ઇજા થઇ છે. યુરોપ, અમેરીકા  અને એશિયામાં શિયાળાની વિદાય બાદ ભારી હીમવર્ષા અને તારાજી. ઇરાન ,પાકિસ્તાન,અને ભારતમા ભૂકંપ. દૂબઇ જેવા  રણપ્રદેશમાં  રેતીનું  વાવાઝોડું  ફુંકાય  તે  સામાન્ય  છે  પણ  બ્રિટનમાં  રેતીનું વાવાઝોડું આવે એ સારી નિશાની નથી.
આધુનિકીકરણને નામે કુદરતનો દાટ વાળવામાં આવ્યો છે.  આ અવિચારી દોટ પર કુદરતે લગામ નાખી છે.
માનવસમાજને જીવાડવા માટે પર્યાવરણ સંવર્ધન અનિવાર્ય છે. પ્રાચીન સમયનો વારસો, લોકોની સુખાકારી અને દેશની અસાધારણ પ્રગતિના મૂળમાં ભારતીય પરંપરા આધારિત પર્યાવરણીય તત્વો તથા કુદરતની સાધના અને આરાધના જવાબદાર હતા.
ભારતીય સંસ્કૃતિ પર્યાવરણલક્ષી છે. ગ્રહો, સૂર્ય, ચાંદ, નદી, પર્વત ઝાડની પૂજા કરવામાં આવે છે. ભારતમાં બાગાયત, નદી, સરોવર અને તળાવની સાચવણને મહત્વ અપવામાં  આવે છે. વાતાવરણ શુદ્ધિ માટે તમામ પ્રયાસોને આત્મસાત કરવાની જરુર છે. માનવીએ સંયમ દાખવી કુદરતી સંપત્તિની જાળવણી કરવી જોઇએ. 

- લતા બક્ષી

એક પગે મેરેથોન દોડનાર જાવેદ ચૌધરી


પખવાડિયા અગાઉ 'ઉત્સાહ અને સ્ફૂર્તિ સાથે જીવો' બ્લૉગ લેખમાં જે ઝીંદાદીલ યુવાનની વાત કરી હતી એના વિશે વધુ માહિતી જાણવા મળી એટલે એ તમારા સૌ સાથે શેર કરવાનું મન થયું. એક પગ વાળો એ યુવાન પુણે ની મેરેથોનમાં દસ કિલો મીટર દોડયા બાદ જે ઉત્સાહ અને ઉમંગથી નાચ્યો હતો એ હકારાત્મકતા એ આ વિડિયો વાયરલ કર્યો હતો. એ યુવાનનું નામ છે જાવેદ ચૌધરી. ત્રણ વર્ષ અગાઉ એક અકસ્માતમાં તેણે એક પગ ગુમાવી દીધો પણ જીવન જીવવાનો જુસ્સો અને જોમ નહીં. ૨૪ વર્ષીય આ યુવાન પુણેની મેરેથોનનો એમ્બેસેડર હતો. આ તેની દ્વિતીય મેરેથોન હતી. પ્રથમ વાર તે માર્ચ મહિનામાં મેરેથોન દોડયો હતો. તેના વિડિયો દ્વારા અનેક લોકોને દોડવાની અને એક્ટિવ જીવન શૈલી અપનાવવાની પ્રેરણા મળી છે એ વાતની તેને અનહદ ખુશી છે. કૃત્રિમ પગ વગર દોડવાનું આસાન નથી પણ એ તેણે કરી બતાવ્યું છે. પણ કૃત્રિમ પગની કિંમત ૮ - ૧૦ લાખ રૂપિયા થાય જે તેની આર્થિક સ્થિતીને પરવડે એમ નહોતું આથી તે ક્રચીસ (કાખઘોડી ) ની મદદ થી દોડયો જે દોડતી વખતે તેના હાથ અને કમર પર ભારે દબાણ પેદા કરતા હતા અને તેની ઝડપ તેના કારણે ઘટી જતી હતી અને તેને પીડા પણ આપતા હતાં. પણ હવે તેનો વિડિયો વાયરલ થયા બાદ આશા રાખીએ કે તેને પ્રોસ્થેટીક લેગ નો સ્પોન્સરર મળી રહેશે જેનાથી તેને પોતાની દોડવાની ઝડપ વધી શકશે અને તે દોડવાની સ્પર્ધામાં ભાગ લઈ શકશે એવી તેને આશા છે.
મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના લોણાર ના તેના વતનના ગામમાં ત્રણ વર્ષ પહેલાં જાવેદ બાઇક ચલાવતી વખતે એક અકસ્માતને ભેટયો. જો તેને સમયસર સારવાર મળી હોત તો કદાચ તેનો પગ બચી શક્યો હોત. પણ તેણે સારવાર માટે ઔરંગા બાદ સુધી લાંબા થવું પડ્યું અને એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલ માં ધક્કા ખાવા પડયા. છેવટે પુણેમાં તેની સારવાર થઈ જ્યાં તેને વ્યવસ્થિત સારવાર મળી પણ મોડું થઈ જતાં તેણે એક પગ ગુમાવવો પડયો. પણ એક પગ ગુમાવ્યા છતાં તેણે માત્ર દોડવામાં જ સિદ્ધી હાંસલ નથી કરી, પરંતુ ભારતની વ્હીલ ચેર બાસ્કેટ બોલ ટીમ નો મહારાષ્ટ્ર માંથી એકમાત્ર સામાન્ય નાગરિક ખેલાડી બનવાની સિદ્ધી પણ તેણે પ્રાપ્ત કરી છે. આ ટીમના અન્ય ખેલાડીઓ લશ્કરી દળના નિવૃત્ત અધિકારીઓ છે. ગત માસે યોજાયેલી પાંચમી રાષ્ટ્રીય વ્હીલચેર બાસ્કેટબોલ ટુર્નામેન્ટ માં તેની ટીમે સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યો છે અને આ મેચ માં તેને મેન ઓફ ધ સીરીઝ બનવાનું બહુમાન પ્રાપ્ત થયું છે.
તેના પરિવારમાં સ્નાતક કક્ષા સુધી નું શિક્ષણ લેનાર તે પ્રથમ છે. સંયુક્ત પરિવારમાં તેનો ઉછેર થયો છે અને તેના પિતા દૂધ વેચી ગુજરાન ચાલવતા હતા. પરીવાર ના અન્ય સભ્યો પણ નાના મોટા કામ કરી જીવન વ્યતિત કરતા હતા પણ સૌને વિશ્વાસ હતો કે જાવેદ કઇંક જુદું કરશે અને આ પરંપરા તોડશે. આ શ્રદ્ધા અને પરિવારજનોનો સાથ તેને આગળ વધવા માટે બળ પૂરું પાડે છે. આર્થિક સ્થિતી નબળી હોવા છતાં પરિવાર ના સૌએ તે એથ્લેટિક્સ માં આગળ વધી શકે એ માટે ગજા બહારની મદદ કરી છે. આ પીઠબળને લીધે જ તે ખડકી ના પેરાપ્લેજિક રીહેબીલીટેશન સેન્ટર ખાતે વ્હીલચેર બાસ્કેટબૉલ સ્પોર્ટ્સ ની તાલીમ મેળવનાર એક માત્ર સિવિલીયન બની શક્યો છે. જાવેદ ને ઉજ્જવળ ભવિષ્ય માટે આપણે સૌ શુભ કામના પાઠવીએ!

ગુરુવાર, 18 ઑક્ટોબર, 2018

ઉત્સાહ અને સ્ફૂર્તિ સાથે જીવો

           ૭મી ઓકટોબર ૨૦૧૮ને રવિવારે પુણેમાં યોજાયેલ મેરથોનમાં દોડયા બાદ ઉજવણી કરતાં કેટલાક યુવાનોનો એક વિડિયો વોટ્સએપ પર વાયરલ થયો છે. મેં પણ એ જોયો અને મને એ ખૂબ ગમ્યો. કારણ આ એક સામાન્ય વિડિયો નહોતો, એમાં એક અનોખી, ખાસ વાત હતી, પ્રેરણાત્મક. એમાં ઝીંગ ઝીંગ ઝીંગાટ ના ખૂબ પ્રખ્યાત થયેલ મરાઠી ગીતની ધૂન પર એક યુવાન અતિ ઉત્સાહ પૂર્વક નાચી રહ્યો હતો, તાલ માં, એક પગે. એક પગે શા માટે? કારણ તેનો એક જ પગ હતો. બીજો પગ કદાચ જન્મ થી નહીં હોય અથવા કોઈક અકસ્માત માં કપાઈ ગયો હશે. પણ એ ભૂતકાળની વાત એ યુવાન ભૂલાવી ચૂક્યો હશે એટલે જ એ એટલી મસ્તીમાં નાચી શકતો હતો. એક પગે, જેના પર જ એણે ૧૦ કિલોમીટર દોડી મેરથોનની દોડ પણ પૂરી કરી હતી. તેના ઝીંદાદીલી ભર્યા જીવન અને જીવંતતાથી ભર્યા આ વિડિયો ને જોઈ આપણે સૌએ ઉત્સાહથી જીવતા શીખવું જોઈએ. ભૂતકાળને ભૂલી વર્તમાનમાં જીવતા શીખવું જોઈએ.
   શરીરનું એક પણ અંગ ન હોય તો વેઠવી પડતી મુશ્કેલીઓ અપાર હોય છે, છતાં આ યુવાન જેવા ઝીંદાદીલ લોકો ફરિયાદ કરવામાં નથી રાચતા, તેઓ એ ખોટ કે ખોડ ને ભૂલાવી, તેના પર વિજય મેળવી આગળ વધે છે. જ્યારે કેટલાક નકારાત્મક લોકો તેમને ઈશ્વરે કોઈ જ ખામી ન આપી હોવા છતાં ફરિયાદ કરવામાં રચ્યાપચ્યા રહે છે. નિરાશાની ગર્તામાં ધકેલાઈ આત્મ હત્યા જેવું અંતિમ પગલું ભરી બેસે છે. એવા લોકોએ પુણેવાળા યુવાનનો પ્રેરણાત્મક, હકારાત્મક વિડિયો જોવો જોઈએ.

Inspiring Video of the Pune Marathon runner with one leg

   ઈશ્વરે આપણને બધાં અંગો સહી સલામત આપ્યાં છે એ જ જીવનની સૌથી મોટી ભેટ છે તેનો સદુપયોગ કરી પોતાનું, પોતાનાં પરિવાર જનોનું અને આસપાસ ના સર્વ ને બને એટલા ઉપયોગી થઈ કલ્યાણ કરવું જોઈએ. ખુશ રહી જીવવું જોઈએ, ખુશી ફેલાવતા જીવવું જોઈએ.
    કામ અને જીવન બંને વચ્ચે સંતુલન જાળવી, શોખો પુરા કરવા જોઈએ, ફરવા જવું જોઈએ, તહેવારોની ઉજવણીમાં ઉત્સાહ પૂર્વક ભાગ લેવો જોઈએ. પરિવારજનો અને મિત્રો સાથે ખુશીની ક્ષણો માણવી જોઈએ. ગઈ કાલ કરતા આજ વધુ ઝડપથી પસાર થાય છે અને આવતી કાલ તેના કરતાં પણ વધુ ઝડપે પસાર થઈ જશે. નાની મોટી ખુશીઓ માણતા માણતા જીવીશું તો જીવન ના અંત ટાણે પસ્તાવાનો વારો નહીં આવે.


સોમવાર, 15 ઑક્ટોબર, 2018

ભેટ


થોડા દિવસો પહેલા એક મિત્રને ત્યાં થાણે સપરિવાર ગયો.અન્ય એક મિત્ર અમેરિકાથી થોડા દિવસો માટે મુંબઈ આવ્યો હતો અને તેની અમારા ત્રણેના પરિવારો એકમેકને મળે અને અમે સાથે થોડો સમય પસાર કરી જૂની યાદો તાજા કરીએ એવી ઇચ્છાને માન આપી અમે બંને મિત્રો પોતપોતાના બાલબચ્ચાઓ સાથે થાણે વાળા મિત્રને ત્યાં ગયા.અમે ત્રણે મિત્રોએ બે દસકા અગાઉ એન્જિનિઅરીંગમાં સાથે એક કોલેજમાં , એક વર્ગમાં અભ્યાસ કર્યો હતો અને ત્યારે અમારું -સાત મિત્રોનું ગ્રુપ હતું.એન્જિનિઅરીંગ પત્યા બાદ સૌ પોતપોતાના જીવનમાં વ્યસ્ત થઈ ગયાં, કેટલાક અહિં તો કેટલાક વિદેશમાં.વિક્રાન્ત અમેરિકા સ્થાયી થઈ ગયો અને તેના તો બંને બાળકો પણ ત્યાં જન્મ્યા છે.અનિકેત પણ વિદેશ કેટલાક વર્ષ રહી હવે ફરી ભારત આવી ગયો છે અને છેલ્લાં થોડાં વર્ષોથી થાણે ખાતે પોતાની પત્ની અને એક પુત્રી સાથે રહે છે. વખતે ઘણાં વર્ષો બાદ અમે ફરી મળ્યાં, પણ સપરિવાર અને અમને બધાં ને ખૂબ સારું લાગ્યું.ત્રણે મિત્રોનાં બાળકો પણ એકમેક સાથે સારા એવા હળીમળી ગયાં. સાંજે જ્યારે અમે છૂટા પડી રહ્યાં હતાં ત્યારે અનિકેતની પત્ની અમારા સૌ માટે ખાસ સુંદર રીતે ગિફ્ટ-પેક કરેલી ભેટ લઈ આવી.તેમની ચેષ્ટા અમને એટલી બધી સ્પર્શી ગઈ કે સુંદર રીતે પસાર કરેલ દિવસમાં જાણે એક છોગું વધુ એવું ઉમેરાયું જેણે અમારા સૌની ખુશી બેવડાવી નાખી! ભેટ વિષય પર આજના બ્લોગમાં વાત છેડવી છે.
વિક્રાન્ત પણ અમેરિકાથી અગાઉ આવેલો ત્યારે અમારા સૌ માટે પહેરવાના જેકેટ્સ લઈ આવ્યો હતો જે હજી હું જ્યારે જ્યારે પહેરું ત્યારે વધુ હેન્ડસમ હોવાની લાગણી અનુભવી પોરસાઉં છું! એક સારી ભેટ દ્વારા વિક્રાન્તે મને વર્ષો સુધી હું તેને યાદ કરું એવું એક કામ અનાયાસે કરી નાખ્યું હતું. વખતે પણ અમારા સૌ માટે પહેરવાના ફોર્મલ શર્ટ ભેટ તરીકે લઈ આવ્યો. મેં તેને ભારતીય ચિત્રકલાની છાંટ ધરાવતા સુંદર દીવાનો સેટ ભેટમાં આપ્યો જે મેં થોડા મહિના અગાઉ અમારી ઓફિસમાં કોર્પોરેટ સોશિયલ રીસ્પોન્સિબીલીટીના નેજા હેઠળ યોજાયેલા એન.જી..મેલામાંથી ખરીદ્યો હતો, કેન્સર ધરાવતા બાળકો દ્વારા બનાવાયેલો. વિક્રાન્તને ભેટ ખુબ ગમી. અનિકેતે પણ અમને સુંદર ભેટો અમારા શોખ અને પસંદગીને ધ્યાનમાં રાખીને આપી હતી, જે અમે સૌએ ખુબ વખાણી.
અહિં બે-ચાર મુદ્દા સમાવિષ્ટ છે ભેટને લગતા.એક તો તમે જ્યારે કોઈને ભેટ આપો ત્યારે સામી વ્યક્તિને ,તેની પસંદ-નાપસંદ,તેના શોખો વગેરે બાબતોને વિચારીને ભેટ પસંદ કરો જેથી વ્યક્તિ ભેટને અને તમારી લાગણીને વખાણી શકે, તેનો આદર કરી શકે. ક્યારેય તમને મળેલી ભેટ કોઈ અન્યને પધરાવી દેશો નહિ.આમ કરી તમે જેણે તમને ભેટ આપી હતી તેનું અપમાન નથી કરી રહ્યાં પણ જેને ભેટ પધરાવો છો તેની સાથે પણ દગો-અન્યાય કરી રહ્યાં છો.ભેટ અંગેની બીજી મહત્વની બાબત છે કે તેના માટે બર્થડે કે તહેવાર જેવા ખાસ પ્રસંગની રાહ જુઓ.કોઈના ઘરે ઘણાં લાંબા સમય પછી જઈ રહ્યાં હોવ કે કોઈને અતિ લાંબા સમય બાદ મળી રહ્યાં હોવ,કોઈએ કંઈક ખાસ સિદ્ધી હાંસલ કરી હોય કે કોઈએ નવું ઘર કે ગાડી કે અન્ય નવી વસ્તુ ખરીદી હોય તો તેને પ્રસંગને અનુરૂપ ભેટ આપો. તમારા જીવનસાથી કે પ્રેયસી કે પ્રેમી, ભાઈબહેન, માતાપિતા, બાળકો, અન્ય પરીવારજનો કે મિત્રોને ક્યારેક કારણ કે પ્રસંગ વગર કોઈક ભેટ આપી આશ્ચર્ય સાથે ખુશી આપો. ભેટ મોંઘી હોવી જોઇએ તેવું નથી પણ તેમાં તમારી શુદ્ધ, નિસ્વાર્થ પ્રેમભરી લાગણી જોડાયેલી હોવી જોઇએ.
ભેટ અંગેનો ત્રીજો અગત્યનો મુદ્દો છે કે ભેટ ખરીદવા માટે પણ ચોક્કસ તારીખ કે પ્રસંગની રાહ જુઓ.તમે જ્યારે બજારમાં જાઓ કે ઉપર જેની વાત કરી તેવા કોઈ એન.જી.. મેળામાં જાઓ કે અનાયાસે કોઈ સારી વસ્તુ પર તમારી નજર પડે અને તમને કોઈ ખાસ સ્વજનની યાદ આવે કે પછી કોઈની યાદ આવે પણ ચીજ-વસ્તુ તમને બેહદ ગમી જાય તો તેને ખરીદી લો. તમને ભવિષ્યમાં કોઈક સારા પ્રસંગે કોઈકને ભેટ આપવામાં ઉપયોગમાં આવશે. તમે જ્યારે પ્રવાસે જાઓ ત્યારે પણ અન્યો માટે સારી વસ્તુઓની ભેટ ખરીદી શકો.ભેટ જુદી રીતે સક્ષમ વ્યક્તિ કે દર્દી કે જરૂરિયાતમંદ ગરીબ લોકો દ્વારા બનાવાયેલી હોય તો ખરીદી તમે સારું કાર્ય કર્યાના આનંદ સાથે અનોખા સંતોષનો પણ અનુભવ કરી શકો છો અને આમ કરી જરૂરિયાતમંદ વ્યક્તિઓની મદદ પણ કરી શકો છો. ઓડિશાની મુલાકાત લીધી ત્યારે ખાસ્સી એક બેગ ભરીને ભેટો લીધી હતી, કોઈને ધ્યાનમાં રાખીને નહિ પણ ત્યાંના સ્થાનિકોને આર્થિક મદદ થાય હેતુથી અને ભેટો સુંદર અને અનોખી પણ હતી. જેને જેને આપી એણે તેના વખાણ કર્યાં છે! બોરડી ગયો ત્યારે પણ એક ગામમાં સ્થાનિક કલાકારની વાર્લી કલાને પ્રોત્સાહન આપવાના હેતુથી લીધેલી કેટલીક તસવીરો ખુબ સારી ભેટ સાબિત થઈ છે.
કોઈક ને ભેટ આપવાનો પ્રસંગ આવે અને કંઈ ચોક્કસ વસ્તુ સૂઝે ત્યારે ઘણાં લોકો ગિફ્ટ-કાર્ડ આપી દેતા હોય છે અથવા નગદ નાણું આપી દેતા હોય છે.પણ અહિં થોડા સર્જનાત્મક બનો. થોડું મગજ કસી વ્યક્તિ અને પ્રસંગ અનુરૂપ કઈ ભેટ આપી શકો અંગે વિચારો, સંશોધન કરો, અન્યો સાથે ચર્ચા કરો અને પછી નક્કી કરો શી ભેટ આપવી. હવે તો અનુભવ-ભેટ એટલે કે એક્સપિરિયન્સ ગિફ્ટની પણ બોલબાલા છે.આવી ગિફ્ટ ઓફર કરતી વેબસાઈટ પર તમારે પેમેન્ટ કરી દેવાનું એટલે તેઓ ખાસ પ્રકારના વાઉચર્સ સામી વ્યક્તિને ભેટ તરીકે મોકલી આપે જેનો ઉપયોગ કરી સામી વ્યક્તિ વિદેશ જવાની હોય ત્યાં મસાજ કે સ્પા નો આનંદ માણી શકે કે પછી કોઈ થીમ પાર્ક કે થિયેટરમાં જઈ મનપસંદ નાટક-ફિલ્મ-પ્રદર્શન કે પર્ફોર્મન્સ માણી શકે.તંદુરસ્તીની ભેટ તરીકે તમે કોઈને જિમ્નાશ્યમનું વાર્ષિક સભ્યપદ પણ ભેટમાં આપી શકો કે વાચનપ્રિય વ્યક્તિને મેગેઝીનનું લવાજમ ભરી દઈ આખું વર્ષ તેને મેગેઝીન મળ્યા કરે એવી વ્યવસ્થા કરી શકો કે લાઈબ્રરીની મેમ્બરશીપ ભેટમાં આપી શકો.સારા પુસ્તકો,ફિલ્મ કે સંગીતની સી.ડી.,વસ્ત્રો,રીસ્ટ વોચ વગેરે સામાન્ય ભેટો સિવાય આવી કોઈકહટ કે’ ભેટ આપશો તો ચોક્કસ ભેટ મેળવનારનો આનંદ બેવડાઈ જશે.
ભેટ સારી રીતે આપવી પણ મહત્વનું છે.સરપ્રાઈઝ કોને નથી ગમતી?સુંદર પ્રેઝેન્ટેશન તમારી ગિફ્ટનું મૂલ્ય અનેક ગણું વધારી દે છે.
છેલ્લે એક વિચિત્ર લાગે એવો સુઝાવ! ક્યારેક તમને પોતાને પણ તમે ભેટ આપી શકો! હું તો ઘણી વાર આવી ભેટો પોતાને આપતો હોઉં છું! પ્રેરણાત્મક સુવાક્યો ધરાવતું એક સુંદર ડેસ્ક કેલેન્ડર મેં પોતાને ભેટમાં છેલ્લે આપ્યું હતું જેનું રોજ એક નવું પાનું ઉથલાવી નવું સુવાક્ય વાંચવું મારું સૌ પ્રથમ કામ હોય છે ઓફિસમાં કામની અને દિવસની શરૂઆત કરતી વેળાએ!