Translate

રવિવાર, 28 ઑક્ટોબર, 2018

એક પગે મેરેથોન દોડનાર જાવેદ ચૌધરી


પખવાડિયા અગાઉ 'ઉત્સાહ અને સ્ફૂર્તિ સાથે જીવો' બ્લૉગ લેખમાં જે ઝીંદાદીલ યુવાનની વાત કરી હતી એના વિશે વધુ માહિતી જાણવા મળી એટલે એ તમારા સૌ સાથે શેર કરવાનું મન થયું. એક પગ વાળો એ યુવાન પુણે ની મેરેથોનમાં દસ કિલો મીટર દોડયા બાદ જે ઉત્સાહ અને ઉમંગથી નાચ્યો હતો એ હકારાત્મકતા એ આ વિડિયો વાયરલ કર્યો હતો. એ યુવાનનું નામ છે જાવેદ ચૌધરી. ત્રણ વર્ષ અગાઉ એક અકસ્માતમાં તેણે એક પગ ગુમાવી દીધો પણ જીવન જીવવાનો જુસ્સો અને જોમ નહીં. ૨૪ વર્ષીય આ યુવાન પુણેની મેરેથોનનો એમ્બેસેડર હતો. આ તેની દ્વિતીય મેરેથોન હતી. પ્રથમ વાર તે માર્ચ મહિનામાં મેરેથોન દોડયો હતો. તેના વિડિયો દ્વારા અનેક લોકોને દોડવાની અને એક્ટિવ જીવન શૈલી અપનાવવાની પ્રેરણા મળી છે એ વાતની તેને અનહદ ખુશી છે. કૃત્રિમ પગ વગર દોડવાનું આસાન નથી પણ એ તેણે કરી બતાવ્યું છે. પણ કૃત્રિમ પગની કિંમત ૮ - ૧૦ લાખ રૂપિયા થાય જે તેની આર્થિક સ્થિતીને પરવડે એમ નહોતું આથી તે ક્રચીસ (કાખઘોડી ) ની મદદ થી દોડયો જે દોડતી વખતે તેના હાથ અને કમર પર ભારે દબાણ પેદા કરતા હતા અને તેની ઝડપ તેના કારણે ઘટી જતી હતી અને તેને પીડા પણ આપતા હતાં. પણ હવે તેનો વિડિયો વાયરલ થયા બાદ આશા રાખીએ કે તેને પ્રોસ્થેટીક લેગ નો સ્પોન્સરર મળી રહેશે જેનાથી તેને પોતાની દોડવાની ઝડપ વધી શકશે અને તે દોડવાની સ્પર્ધામાં ભાગ લઈ શકશે એવી તેને આશા છે.
મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના લોણાર ના તેના વતનના ગામમાં ત્રણ વર્ષ પહેલાં જાવેદ બાઇક ચલાવતી વખતે એક અકસ્માતને ભેટયો. જો તેને સમયસર સારવાર મળી હોત તો કદાચ તેનો પગ બચી શક્યો હોત. પણ તેણે સારવાર માટે ઔરંગા બાદ સુધી લાંબા થવું પડ્યું અને એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલ માં ધક્કા ખાવા પડયા. છેવટે પુણેમાં તેની સારવાર થઈ જ્યાં તેને વ્યવસ્થિત સારવાર મળી પણ મોડું થઈ જતાં તેણે એક પગ ગુમાવવો પડયો. પણ એક પગ ગુમાવ્યા છતાં તેણે માત્ર દોડવામાં જ સિદ્ધી હાંસલ નથી કરી, પરંતુ ભારતની વ્હીલ ચેર બાસ્કેટ બોલ ટીમ નો મહારાષ્ટ્ર માંથી એકમાત્ર સામાન્ય નાગરિક ખેલાડી બનવાની સિદ્ધી પણ તેણે પ્રાપ્ત કરી છે. આ ટીમના અન્ય ખેલાડીઓ લશ્કરી દળના નિવૃત્ત અધિકારીઓ છે. ગત માસે યોજાયેલી પાંચમી રાષ્ટ્રીય વ્હીલચેર બાસ્કેટબોલ ટુર્નામેન્ટ માં તેની ટીમે સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યો છે અને આ મેચ માં તેને મેન ઓફ ધ સીરીઝ બનવાનું બહુમાન પ્રાપ્ત થયું છે.
તેના પરિવારમાં સ્નાતક કક્ષા સુધી નું શિક્ષણ લેનાર તે પ્રથમ છે. સંયુક્ત પરિવારમાં તેનો ઉછેર થયો છે અને તેના પિતા દૂધ વેચી ગુજરાન ચાલવતા હતા. પરીવાર ના અન્ય સભ્યો પણ નાના મોટા કામ કરી જીવન વ્યતિત કરતા હતા પણ સૌને વિશ્વાસ હતો કે જાવેદ કઇંક જુદું કરશે અને આ પરંપરા તોડશે. આ શ્રદ્ધા અને પરિવારજનોનો સાથ તેને આગળ વધવા માટે બળ પૂરું પાડે છે. આર્થિક સ્થિતી નબળી હોવા છતાં પરિવાર ના સૌએ તે એથ્લેટિક્સ માં આગળ વધી શકે એ માટે ગજા બહારની મદદ કરી છે. આ પીઠબળને લીધે જ તે ખડકી ના પેરાપ્લેજિક રીહેબીલીટેશન સેન્ટર ખાતે વ્હીલચેર બાસ્કેટબૉલ સ્પોર્ટ્સ ની તાલીમ મેળવનાર એક માત્ર સિવિલીયન બની શક્યો છે. જાવેદ ને ઉજ્જવળ ભવિષ્ય માટે આપણે સૌ શુભ કામના પાઠવીએ!

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો