- લતા બક્ષી
ગુજરાતમાં આંધી વાવાઝોડું અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ. ઉત્તરપ્રદેશમાં શીતલહેર. દિલ્હી,પંજાબ અને બિહારમાં નીચા તાપમાનને કારણે જનજીવન ખોરવાઇ ગયું. જમ્મુ કાશ્મીરમાં દાલલેક થીજી ગયું. ઉત્તરાખંડમાં ટોચના સ્થળોના જિલ્લાઓમાં તાપમાન શૂન્યનજીક નોંધાયું છે. ઉત્તર-પૂર્વના બરફીલા તેજ પવનની અસર હેઠળ ગુજરાતમાં ઠંદીનું મોજું ચાલુ છે. ધુમ્મસના ચક્રવ્યૂહમાં ઉત્તર ભારત ફસાયું છે. પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં ગાઢ ધુમ્મસને કારણે હવાઇ સેવા, રેલ્વે અને રોડ પરિવહન પ્રભાવિત થયાં છે. વિજળી અને પાણી વિતરણમાં ખામી સર્જાઇ છે. ગુજરાત અને ગોવા સુધી ધુમ્મસના દુષ્પરિણામો જોવા મળ્યાં છે. છેલ્લાં થોડાં વર્ષોમાં આ અને આવી કંઈક ખબરો માત્ર આપણાં દેશમાં જ નહિ પરંતુ વિદેશોમાં પણ સાંભળવા-વાંચવામાં આવે છે.
ધુમ્મસને કારણે ભયંકર અકસ્માતોમા નિર્દોષ પ્રવાસીઓ જાન ગુમાવે છે. હવામાં જ્યારે ચોક્કસ તાપમાને ચોક્કસ પ્રમાણમાં ભેજ અને પ્રદૂષણ જમા થાય છે ત્યારે ધુમ્મસનુ સર્જન થાય છે. ઉત્તર પ્રદેશના ગંગાના પટમાં આ સ્થિતિ સામાન્ય છે.
ભારતમાં છેલ્લા ત્રણ દાયકામાં વસ્તીમાં અભૂતપુ્ર્વ વધારો થયો છે.ઉર્જાસ્ત્રોત ડિઝલથી ચાલતા વાહનોનો વપરાશ વધ્યો છે.સમાજનો નીચલો વર્ગ રાંધવામાં છાણાં અને લાકડાનો ઉપયોગ કરે છે.
વાતાવરણમાં ફેલાયેલ પ્રદૂષણથી ઠંડીનો પારો નીચે જાય છે અને તરત જ ધુમ્મસની સમસ્યા સર્જાય છે. છેલ્લા થોડા સમયમાં ધુમ્મસના પ્રમાણમાં નેવુ ટકાનો વધારો નોંધાયો છે. ધુમ્મસની ગાઢ ચાદર સૂ્ર્યકિરણની ગરમીને જમીન સુધી પહોંચતાં અટકાવે છે. તેથી વાતાવરણ ની ઠંડક જળવાઇ રહે છે. આ વાતાવરણ ગાઢ ધુમ્મસ ઉભુ કરવામાં અનુકૂળતા સર્જે છે. આથી એક વિષચક્રનું નિર્માણ થાય છે. આનો ભોગ સામાન્ય નાગરિક બને છે.
વધુ પડતી ઠંડીને કારણે અનેક બેઘર નાગરિકોના મોત થાય છે.ભારત જેવો વિકાસશીલ દેશ જ્યારે વિશ્વસ્તરે તેનુ નામ કંડારવા તત્પર છે ત્યારે ધુમ્મસને કારણે વિમાન કે રેલસેવામાં વિલંબ થાય તો આંતરરાષ્ટ્રીય સ્તરે તેનું નામ ખરડાય છે. સરકારે આ સમસ્યા માટે લાંબા ગાળાનો ઉપાય શોધવો જરુરી છે.
ચીનમાં ભયંકર ભૂકંપને લીધે બસોના મોત થયાં છે અને અગિયાર હજારથી વધુને ઇજા થઇ છે. યુરોપ, અમેરીકા અને એશિયામાં શિયાળાની વિદાય બાદ ભારી હીમવર્ષા અને તારાજી. ઇરાન ,પાકિસ્તાન,અને ભારતમા ભૂકંપ. દૂબઇ જેવા રણપ્રદેશમાં રેતીનું વાવાઝોડું ફુંકાય તે સામાન્ય છે પણ બ્રિટનમાં રેતીનું વાવાઝોડું આવે એ સારી નિશાની નથી.
આધુનિકીકરણને નામે કુદરતનો દાટ વાળવામાં આવ્યો છે. આ અવિચારી દોટ પર કુદરતે લગામ નાખી છે.
માનવસમાજને જીવાડવા માટે પર્યાવરણ સંવર્ધન અનિવાર્ય છે. પ્રાચીન સમયનો વારસો, લોકોની સુખાકારી અને દેશની અસાધારણ પ્રગતિના મૂળમાં ભારતીય પરંપરા આધારિત પર્યાવરણીય તત્વો તથા કુદરતની સાધના અને આરાધના જવાબદાર હતા.
ભારતીય સંસ્કૃતિ પર્યાવરણલક્ષી છે. ગ્રહો, સૂર્ય, ચાંદ, નદી, પર્વત ઝાડની પૂજા કરવામાં આવે છે. ભારતમાં બાગાયત, નદી, સરોવર અને તળાવની સાચવણને મહત્વ અપવામાં આવે છે. વાતાવરણ શુદ્ધિ માટે તમામ પ્રયાસોને આત્મસાત કરવાની જરુર છે. માનવીએ સંયમ દાખવી કુદરતી સંપત્તિની જાળવણી કરવી જોઇએ.
- લતા બક્ષી
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો