Translate

બુધવાર, 7 નવેમ્બર, 2018

તાણાવાણા

       કોઈક વસ્તુનો બાહ્ય દેખાવ સારો હોય અને તેનું આંતરિક પોત કે તેની ગુણવત્તા પણ શ્રેષ્ઠ હોય ત્યારે સોનામાં સુગંધ ભળ્યાનો અહેસાસ થાય છે એવી વસ્તુ મેળવીને. આવી જ કઇંક અનુભૂતિ થાય છે જ્યારે જ્યારે સ્નેહી, શુભેચ્છક, અલગારી યોગી, સાહિત્ય અને કલા રસિક વાચક મિત્ર ઉમેદ નંદુ સંપાદિત પુસ્તક શ્રેણી તાણાવાણાનું નવું પુસ્તક હાથમાં આવે છે. 
        થોડા સમય અગાઉ તાણાવાણાનું ૧૬મું  પુસ્તક મળ્યું અને ફરી એક વાર એ હાથમાં લેતાં, એનું પાનેપાનું ફેરવતાં ગદગદિત થઈ જવાયું. સારી કૃતિ સીધી તમારા હ્રદયને સ્પર્શે છે. એ તમારા મસ્તિષ્કની વીણાના તાર ઝંકૃત કરી મૂકે છે. એનું સ્મરણ માત્ર તમારા ચહેરા પર સ્મિત આણે છે. એ માણતા માણતા ક્યારેક તો તમારી આંખનાં ખૂણા પણ ભીના થઈ જાય છે. આવી કૃતિ તમને તમારા મિત્ર કે અંગતજન સાથે માણવાનું મન થઈ જાય છે - ગમે છે. તાણાવાણાનાં દરેક પુસ્તક મને આવો જ અનુભવ કરાવે છે. 
         તેના દરેક પાના પર વિશ્વના કોઈક જાણીતા કે અજાણ્યા ચિત્રકારનું મનભાવી ચિત્ર કે ફોટોગ્રાફરે લીધેલી ઉત્તમ તસવીર જોવા - માણવા મળે અને સામે પાને સંબંધિત વિષય પરનું સુંદર કાવ્ય કે ગદ્ય વાંચવા મળે. આ ગદ્ય કે પદ્ય કૃતિ પણ કેવી? ટૂંકી પણ હ્રદયસ્પર્શી. સિદ્ધહસ્ત લેખક કે કવિની કે પછી ક્યારેક કોઈ નવોદિતની. તાણાવાણામાં સમાવિષ્ટ થઈ હોય એટલે એ ચોક્કસ વિચારશીલ, અસરકારક, સચોટ, સંવેદનશીલ, છમ્મલીલી લાગણીથી ઝમતી અને સુગમ્ય જ હોય. વિશ્વના જુદા જુદા દેશોના ઉત્તમ ચિત્રો કે તસવીરો કે ક્યારેક પદ્યો કે ગદ્યોનો ભાવાનુવાદ પણ તાણાવાણામાં અનુભવવા મળી રહે. રંગો અને પ્રકૃતિના તત્વો, માનવ ભાવો, સંસ્કૃતિ અને વિશ્વભરના જુદા જુદા પરિવેશ,આભૂષણોમાં સજ્જ માનવોની સુંદર છબીઓનો મેળો એટલે તાણાવાણા!

સોળ વર્ષ પહેલા ગણેશચતુર્થીને દિવસે તાણાવાણાનું પ્રથમ પુસ્તક માત્ર એક હજાર કોપી સાથે પ્રકાશિત થયું ખીસ્સાપોથી સ્વરૂપે. પણ જે સદભાગી વાચકમિત્રોનાં હાથમાં આવ્યું તેમને તે એટલી હદે ગમ્યું કે તરત તેની બીજી બે હજાર કોપી છાપવી પડી.આ એક કમર્શિયલ પુસ્તક નહોતું - નથી. એટલે તેના પર તેની કિંમત છાપેલી જોવા મળશે નહિ.પરંતુ ગમતાનો કરી ગુલાલ ને અનુસરી ઉમેદ નંદુએ  જે કંઈ વાંચ્યુ અને જે તેમને સ્પર્શી ગયું તે તેમના ફાઈન આર્ટ્સ અને ડિઝાઈનિંગના કૌશલ્ય સાથે મિશ્ર થઈ એક ઉમદા સર્જન પામ્યું તાણાવાણા સ્વરૂપે જે તેમણે તેમના મિત્રો,શાળાના વિદ્યાર્થીઓ અને સ્વજનો સાથે વહેંચ્યું. પછી તો દર વર્ષે તાણાવાણાનાં એક નવા પુસ્તકની સુંદર ભેટ તેમના મિત્રોને મળતી રહી અને આ વર્ષે તાણાવાણાનું ૧૬મું પુસ્તક પ્રકાશિત થયું છે.
  કમર્શિયલ આર્ટ અને ઇન્ટીરીયર ડિઝાઇનીંગની તેમની ઓફિસ કે સ્ટુડિયોમાંથી પ્રકાશિત થતા આ પુસ્તકને તૈયાર કરવામાં સહ-સંપાદક મીનલ નો પણ તેમને ભારે સહયોગ મળે છે અને સર્જન થાય છે એક કલા અને સાહિત્યના ઉત્તમ સંગમ સમા નઝરાણાનું તાણાવાણા નામે!
તાણાવાણાનું પેકેજિંગ જોવા જેવું હોય! ક્યારેક ખાસ તૈયાર કરેલા પુસ્તકના મુખપૃષ્ઠ સાથે મેળ ખાતા રંગ અને થીમ સાથે સુસંગત બૉક્સ માં તો ક્યારેક સરસ મજાના અવતરણ, ગદ્ય કે પદ્ય ના અંશ થી સજ્જ સુંદર રંગીન કવર માં મૂકાયેલ પુસ્તકને જોવાની તાલાવેલીમાં આ બૉક્સ કે કવર ખોલતી વખતે પણ એટલો જ રોમાંચ અનુભવાય જેટલો પુસ્તકના એકેએક પાના પર હાથ ફેરવતી વેળાએ થાય! એક એક પાનું જાણે એક એક ઉત્તમ કલાકૃતિ. ક્યારેક કાળા, સફેદ કે ગ્રે રંગની પણ એ રીતે રંગસંગતિ  કરી હોય કવર કે પુસ્તકમાં કે તમારી આંખો સાથે મનને પણ એના આસ્વાદ દ્વારા અનોખી પરિતૃપ્તિનો અનુભવ થાય. 
એકાદ પુસ્તકના અપવાદ બાદ તાણાવાણાનાં અત્યાર સુધીના તમામ પુસ્તકો ગુજરાતી ભાષામાં પ્રકાશિત થયા છે, માત્ર એક પુસ્તક આખું અંગ્રેજી અવતરણો, કહેવતો, ગદ્યાંશો કે પદ્યોથી સજ્જ હતું. 
હું મારી જાતને અતિ ભાગ્યશાળી સમજું છું કે છેલ્લાં થોડાં વર્ષોથી હું તાણાવાણાની એક કોપી પામું છું અને તે હાથમાં આવતાં જ ધન્ય થયાની લાગણી અનુભવું છું. પછી આખું વર્ષ ધીમે ધીમે તેના એક-એક પાનાનું રસપાન કરું છું અને આંખ અને મન-હ્રદયને એટલી ક્ષણો પુરતી અનેરી પ્રસન્નતાનો અનુભવ કરાવું છું.
ચાલો તાણાવાણાનાં થોડા અંશોનો તમને પણ આસ્વાદ કરાવું :
"અસતમાંથી મને સતમાં લઈ જા,અંધકારમાંથી મને પ્રકાશમાં લઈ જા,મ્રુત્યુમાંથી મને અમરતામાં લઈ જા." 
“અમને કલ્યાણકારી કર્મ સર્વ દિશાએથી પ્રાપ્ત થતાં રહો...”
“અમારા મનને શુભ સંકલ્પ વાળું,અંતર-આત્માને શુભ કર્મવાળું અને બુદ્ધિને શુભ વિચારવાળી બનાવો. સહુ સુખી થાઓ,સહુ નિરોગી રહો,સહુ કલ્યાણને જુઓ કોઈ પણ પ્રાણી દુ:ખ ન પામો.”
હું હું છું અને તમે તમે છો,જો હું તમને પ્રેમ કરી શકું તો એ સુખદ અને સુંદર છે;જો તમે મને પ્રેમ કરી શકો તો એ પણ સુખદ અને સુંદર છે પણ જો હું તમને પ્રેમ ન કરી શકું તો અસહાય છું;અને તમે મને જો પ્રેમ ન કરી શકો તો તમે પણ અસહાય હશો.આમાં કાંઈ કશું જ ઔપચારિક રીતે કરી શકાય એમ નથી.
એક કાવ્ય : મુકેશ મોદી 
સુખ શોધી ન શકાય 
એનું સરળ કારણ એ છે કે 
સુખ 
ફાઈનલ પ્રોડક્ટ નથી,.એ તો છે બાયપ્રોડક્ટ.
રોટલી વણતા વણતાં મળી જાય 
ને ભગવદ ગીતા વાંચતા વાંચતા ન પણ મળે.

પતંગિયાં ફૂલ સાથે વાતો કરવા આવશે એ સાંભળજો!અને મને આવતાં વાર લાગે તો મારું પેલું ખેતરમાં ઊભા મોલ જેવું હરિયાળું ગીત તમે ફરીથી ગાજો પક્ષીઓ ઊડી આવશે." 

યે માના જિન્દગી હૈ ચાર દિનકી, બહોત હોતે હૈ યારો ચાર દિન ભી.
- કિરાક ગોરખપુરી

જીવન જીવવાની કળા એ મોટામાં મોતે કળા છે.કળા શબ્દનો અર્થ છે દરેક ચીજને એના યથા યોગ્ય સ્થાને મૂકવી.
માનવીના જીવનમાં ઊંચામાં ઊંચા ગોલ(લક્ષ્ય) માટે આ ત્રણ શબ્દો ખૂબ જરૂરી છે : લિબર્ટી, ઇક્વાલીટી અને ફ્રેટર્નીટી એટલે ફ્રેન્ડશીપ.
સ્નેહની સાંકડી શેરીમાં તું અને હું માટે જગ્યા જ ક્યાં છે?ત્યાં તો જવું પડે ફક્ત આપણે થઈને...

“તાણાવાણા પુસ્તક બનાવતી વખતે કોઇ પણ જાતનો પ્લોટ નથી હોતો.જેમ જેમ શરૂ થાય તેમ તેમ તાણાવાણા ગૂંથાતા જાય અને તેની ભાત ઉપસે.હું નથી સાહિત્યકાર,નથી વ્યાપારી,પછી આ તો વર્ષો પહેલાથી જે કાંઈ સારું વાંચ્યું તેને લીથોપ્રિન્ટ,ઝેરોક્સ અને પછી નાનકડી ખીસાપોથી અને ત્યારબાદ પુસ્તક રૂપે બનાવીએ છીએ,જે મિત્રોને મોકલું અને મિત્રો તેમનાં વાચક મિત્રો-સગાં,સંબંધીઓને મોકલે,આમ ધીરે ધીરે વર્તુળ વધતું ગયું એ ખરું! પણ...આ બધું સૌને કેમ ગમ્યું? સિમ્પલ..કારણ તેમાં રહેલ તમામ લેખો,કવિતાઓ કે અન્ય જે કાંઈ હોય એ તમામેતમામ લેખકો,કવિઓ,ફોટોગ્રાફરો,આર્ટીસ્ટોના આર્ટીકલો અને ફોટાઓ થકી જ ગમે છે અને આ સૌ આદરણીઓ એટલે તાણાવાણાના વણાટકારોને ન નામની,ન અર્થની કે ન કોઇ નોંધની અપેક્ષા રહી છે.અરે ,મારી અનેક જાતની અણસમજણને બિલકુલ સહજતાથી માફ કરે છે અને તે પણ મોટું મન રાખીને. તાણાવાણા પુસ્તકો કેમ વધારે લોકોને પહોંચે તે માટે મિત્રો બધી જ જવાબદારી લઈ લે એટલે "મૂલ્ય વિનાના પુસ્તકને અમૂલ્ય બનાવી દે છે." આ સૌન માટે આભાર શબ્દ શું પૂરતો છે? 
મારી સવાર સાંજ જેમણે સમ્રુદ્ધ કરી છે,જીવન પ્રત્યે એક નવો અભિગમ કેળવવામાં જેમણે મને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદ કરી છે એ સર્વ લેખકો,કવિઓ અને મહાનુભાવોનો હું અંત:કરણ પૂર્વક આભાર માનું છું .આ પુસ્તક માત્ર સંકલન નથી પણ મારા એકાંતને દ્રષ્ટી આપનાર ક્ષણોનો અક્ષરદેહ છે. “ – ઉમેદ નંદુ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો