Translate

રવિવાર, 28 એપ્રિલ, 2013

હજી કેટલા બળાત્કાર પછી સરકાર જાગશે?


 દિલ્હીમાં ચાર મહિના પહેલા અમાનવીય બળાત્કારની દુર્ઘટના બની અને તેના પડઘા હજી શમ્યા નથી,તેના અપરાધીઓને સજાનો ફેંસલો હજી સુણાવાયો નથી ત્યાં તો તેને પણ ટક્કર મારે એવી બીજી જઘન્ય અપરાધસમી બળાત્કારની કમનસીબ દુર્ઘટના પાંચ વર્ષની બાળકી સાથે બની.તેની ઝીણી ઝીણી વિગતો વાંચો તો કેટલી હદે માનવીનું ભેજું વિકૃત થઈ ગયું છે તેની પ્રતીતિ થાય.તે વખતે પણ જોરદાર વિરોધ થયા હતા અને આ વખતે પણ થઈ રહ્યાં છે પણ આપણી સ્મૃતિ ખૂબ ટૂંકી છે અને ધીરજ પણ એવીજ ટૂંકી.વિરોધો થોડા વખત સુધી જલદ રહ્યા બાદ શમી ગયાં અને નિર્ભયાનો કિસ્સો ખૂબ ગાજ્યા બાદ ભૂલી જવાયો હોત પણ એ પહેલા બદનસીબે આ બીજો કિસ્સો બન્યો. જો કદાચ એ છ નરાધમોને જાહેર ફાંસીની સજા ક્રૂરતા પૂર્વક દિલ્હીની સડકો વચ્ચે અપાઈ હોત, તો પાંચ વર્ષની બાળકી પર જુલમ કરનાર ડરી ગયો હોત અને આ બીના ટાળી શકાઈ હોત.પણ બળાત્કાર માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવા છતાં નિર્ભયા કેસના છ પૈકી એક અપરાધીને કાનૂન સજા ન આપી શકી અને એ પહેલા તેણે ફાંસી ખાઈ જીવન ટૂંકાવી દીધું.હજી બાકીના પાંચ નરાધમોને સજા અપાઈ નથી.આપણા કાયદાઓમાં એવું તે શું છે કે આટાઅટલા લાંબા સમય સુધી કેસ ચાલ્યા જ કરે છે?હવે તો પરિવર્તન આવવું જ રહ્યું. સોનિયાજીના પોકળ દિલાસા કે 'અપરાધી વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે' માત્રથી કામ નહિ ચાલે.મનમોહનજી ફક્ત જીવો બાળ્યા કરશે તે પણ પૂરતું નથી.હવે કાયદો બદલાવો જ જોઇએ. નહિતર પ્રજાએ તે હાથમાં લેવાની ફરજ પડશે.એવો નિયમ હોવો જોઇએ કે બળાત્કારની દુર્ઘટનાના માત્ર પંદર કે વીસ દિવસમાં કેસનો નિકાલ ફરજિયાત પણે આવવો જ જોઇએ અને અપરાધીને સખતમાં સખત સજા જાહેરમાં થવી જોઇએ.તેણે જેટલી ક્રૂરતા કે અત્યાચાર વધુ આચર્યા હોય તેટલી તેની સજા વધુ ક્રૂરતાભરી અને સખત હોવી જોઇએ.તેને ફાંસી તો મળવી જ જોઇએ પણ તે અગાઉ તેના પર જાહેરમાં પ્રજા દ્વારા સજા ફરમાવવાની જોગવાઈ હોવી જોઇએ.જેથી સમાજમાં કડક દાખલો બેસે અને બળાત્કાર કરવા વિષે કોઈ વિચાર સુદ્ધા ન કરે.

ઘણી વાર આપણે પણ આંખ આડા કાન કરતા હોઇએ છીએ.આ વૃત્તિ સુધારવાની જરૂર છે. બાજુમાં કોઈ હલ્કો યુવાન કે પુરુષ કોઈ સ્ત્રી કે યુવતિની છેડતી કરે કે ગંદી કમેન્ટ પાસ કરે તો તેને રોકવાની જરૂર છે.

મને એક કિસ્સો યાદ આવે છે.રજાના દિવસે સાંજે હું લોકલ ટ્રેનમાં ચર્ચગેટ જઈ રહ્યો હતો ત્યારે ગાડીમાં ગિર્દી ખૂબ ઓછી હતી અને બે યુવાનો મારી આગળની સીટ પર બેઠા બેઠા મોબાઈલ પર કંઈક જોઈ રહ્યાં હતાં.મારું ધ્યાન એ તરફ ગયું અને હું પામી શક્યો કે તેઓ કોઈ અશ્લીલ વિડીયોની ક્લિપ જોઈ રહ્યાં હતાં.લગભગ દસેક મિનિટથી પણ વધારે સમય સુધી તેઓ એ જોઈ હસીમજાક કરી રહ્યા હતાં પણ મેં આ અંગે આંખ આડા કાન કર્યાં.કદાચ એ બે યુવાનોએ જ દિલ્હીમાં જઈ પાંચ વર્ષની બાળકીનો બળાત્કાર કર્યો હોય એવું બની શકે.મારી તેમને સીધા ન રોકું તો કંઈ નહિ પણ તેમના વિરુદ્ધ કોઈક એકશન લેવી જોઇતી હતી.તેઓ મારી સાથે જ ચર્ચગેટ સ્ટેશને ઉતર્યા હતાં અને થોડે જ આગળ પોલીસ બેઠી હતી.હું પોલીસ પાસે જઈ તે યુવાનો વિરુદ્ધ ફરિયાદ કરી શક્યો હોત અને તેમના મોબાઈલમાંથી એ ક્લીપ્સ ડીલીટ કરાવી શક્યો હોત.કદાચ એમ કરવાથી તેઓ સુધરી જાત.પણ મેં કંઈ ન કર્યું.આપણી આ બેપરવાહી પણ એક આદર્શ,સુસજ્જ,સારા સમાજ માટે હાનિકારક છે.આપણે સજાગ રહી ખોટું બનતા રોકવાનું છે.રાંડ્યા પછી ડહાપણ જેવા, બળાત્કાર થયા બાદના વિરોધ કે મીણબત્તી પ્રદર્શનોનો કંઈ અર્થ સરે છે ખરો?

દિલ્હી પોલીસનું વર્તન શરમથી માથું ઝૂકાવી દે એવું છે.આવો મારો દેશ જેની પોલીસ આટલી હલકી? બળાત્કાર ઘટનાના માબાપને બે હજાર રૂપિયાની લાંચ આપી કેસ દાબી દેવા પ્રસ્તાવ કરનાર? વિરોધ કરનાર યુવતિને ચારપાંચ લાફા ઝીંકી દેનાર? નિર્ભયાના કેસ વખતે કે બિહારના અન્ય એક કેસમાં બન્યા મુજબ કેસ નોંધવામાં પણ આનાકાની કરનાર?આ પોલીસને સખત પ્રશિક્ષણ આપવાની જરૂર છે - માનવીય મૂલ્યોનું,માણસાઈનું,તેમને પ્રજાનું રક્ષણ કરવાની તેમની મૂળ ફરજ યાદ અપાવનારૂં.

ઇશ્વર તમેજ હવે કોઈ ચમત્કાર કરો આ દેશમાં આવા હિચકારા બનાવો રોકવા માટે...

રવિવાર, 21 એપ્રિલ, 2013

સૌથી ખતરનાક પ્રાણી - મનુષ્ય

      ઇન્ટરનેટ પર એક વિડીઓ જોવામાં આવ્યો.એક ચિત્તો બિલાડીની જેમ ધીમા પગલે ચાલી પોતાના શિકાર - એક વાંદરી પર તરાપ મારે છે અને એક જ ઝાટકે તેની જાન લઈ લે છે.પણ કુદરતની કરામત જુઓ કે મરતા પહેલાં ગર્ભવતી એવી એ વાંદરીની પ્રસૂતિ થઈ જાય છે અને બાળવાનર કૂતુહલપૂર્વક બહારની દુનિયામાં પ્રવેશ કરે છે. જંગલના વિશ્વમાં પ્રવેશતાની સાથે જ બાળવાનર સૌ પ્રથમ તેની માતાના સંહારક એવા ચિત્તાને જુએ છે. ચિત્તાની નજર પણ બાળવાનરની નિર્દોષ દ્રષ્ટી સાથે મળે છે અને ચમત્કાર સર્જાય છે.ચિત્તાને પશ્ચાતાપ થાય છે અને તે બાળવાનરને ચાટીને સાફ કરવા લાગે છે.

          બીજાના શિકાર ઝડપી જવામાં ઉસ્તાદ એવું એક ઝરખ ત્યાં આવી ચડે છે ત્યારે ચિત્તો ઘૂરકિયા કરી તેને ડરાવે છે.મરેલ વાંદરીના શબની પરવા કર્યા વગર,પણ બાળવાનરનું ખૂબ જતન પૂર્વક રક્ષણ કરતા કરતા,તેને ઝાડ પર સુરક્ષિત સ્થાને બેસાડી પછી તે ઝરખ પર હૂમલો કરવા ધસી જતો હોય એમ તેને ડરાવી ભગાડી મૂકે છે. ત્યારબાદ શિકાર કરેલ વાંદરીના શબને તદ્દન ભૂલી જઈ બાળવાનર સાથે ગેલ કરવામાં મસ્ત બની જાય છે.તેને ચાલતા શિખવવા પ્રયત્ન કરે છે,ચાટે છે,તેની સાથે મસ્તી કરે છે અને એટલામાં રાત પડી જતાં,કડકડતી ઠંડીથી બચાવવા બાળવાનરને બચાવવા તેને પોતાની ગોદની હૂંફમાં લઈ સૂઈ જાય છે.

      સબળાનો અસ્તિત્વ ટકાવવા નબળા પર વિજય મેળવી તેનું ભક્ષણ કરવાનો નિયમ જંગલમાં તો તર્કપૂર્ણ લાગે પણ મહા ખતરનાક એવા મનુષ્યની મેલી મૂરાદ ક્યારેક સમજવી અશક્ય બની જાય છે.

      તાજેતરમાં બોસ્ટનમાં મેરેથોન સ્પર્ધા દરમ્યાન ફિનિશ-લાઈન નજીક બોમ્બવિસ્ફોટ કરી આતંકવાદીઓ શું પામ્યા હશે કે તેઓ આવા હિચકારા કૃત્ય દ્વારા શું સિદ્ધ કરે છે તે તો ઇશ્વર પણ કદાચ નહિ સમજી શકતો હોય.

      પ્રાણી જેવા પ્રાણીમાં પણ દયા જેવી લાગણી ઉપરની સત્યઘટનામાં વાત કરી તેમ જોવા મળે છે પણ મનુષ્ય સત્તા,લાલસા,વેરઝેર જેવી દુવૃત્તિથી પ્રેરાઈ ક્યારેક પ્રાણીથીયે બદતર બની જાય છે.સરહદ,યુદ્ધો,આતંકવાદ આ બધું માણસની આવી દુવૃત્તિઓને કારણે જ જન્મે છે. ક્યારેકતો કોઈ દેખીતા કારણ વગર ફોરેન દેશોમાં વિકૃત માનસ ધરાવતા માણસ (કે રાક્ષસ?) અંધાધૂંધ ગોળીબાર કરી અનેક નિર્દોષ બાળકો કે સ્ત્રીપુરુષોની હત્યા કરી નાંખ્યાના બેચાર બનાવો તાજેતરમાં જ વાંચવામાં આવ્યાં હતાં.એક બાજુ અન્ય મનુષ્યની નિસ્વાર્થ સેવામાં આખેઆખું જીવન વ્યતિત કરી દેનાર મધર ટેરેસા જેવા માનવો પણ અહિં જ જોવા મળતા હોય છે તો બીજે છેડે ઓસામા બિન લાદેન જેવા નિષ્ઠુર જલ્લાદ આસુરી વૃત્તિ ધરાવતા જીવો પણ અહિં જ ફેક્ટરીમાં પેદા થતા માલસામાનની માફક આતંકવાદીઓની ફોજ પેદા કરતા હોય છે.અમેરિકાએ જેમ ઓસામાને તેના વતનમાંથી ખોળી કાઢી પરલોક પહોંચાડી દીધો તેમ સમગ્ર વિશ્વના બધાં દેશો એક થઈ આતંકવાદના દૂષણને સમૂળગું ન ઉખાડી ફેંકી દઈ શકે?એ દિવસે દુનિયામાં સોનાનો સૂરજ ઉગશે!

રવિવાર, 14 એપ્રિલ, 2013

ગેસ્ટ બ્લોગ : મૌસમ-ગરમીની,કેરીની,અથાણાની,પરીક્ષાની તથા પરીણામોની...


                                                                        - લતા બક્ષી, બોરિવલી

સમયના ચક્ર પ્રમાણે પ્રથમ ત્રણ મૌસમ તો મહદ અંશે ચોકકસ કાળ દરમ્યાન આવશે એમ કહી શકાય.કેરીનો સ્વાદ પણ રસિયાઓને બારેસ મળી શકે. દરેક ઘરમાં તે રાજય અને રીત મુજબ વિવિધ રીતના અથાણા થાય છે. જોકે આરો ગ્યને મહતા આપનાર લોકો તાજામા અને ઓછા તેલવાળા અથાણા વાપરે છે.  બાળકોને કેરીનો છ્ન્દો ભાવે છે.

વૈશાખમાં અને ખાસ કરીને અખાત્રીજના શુભ દિવસે લગ્ન નો મહિમા અનેરો છે.હાલમાં તો વિદેશમાં  વસતા  ભારતીયો  વૈદિક  અને પુરાતન  રીતે લગ્ન કરવા વતન આવે  છે. નવાઇની વાત તો   છે કે આપણા કરતાં વધુ  રિવા જો નુ પાલન કરે છે.લગ્ન નો આનંદ માણવો  અનેરો  અનુભવ છે.

પણ પરીશ્રા અને પરીણામોની મૌસમ વળી શું છે. !

છેલ્લા દસ વષઁમા મૌસમે આપણી જિંદગી પર અજબ પકડ જમાવી છે.બાળક આઠમા ધોરણમાં હોય ત્યારથી શરુઆત થાય.દસમીની તૈયારી માટે બે વષઁના કોચિંગ ક્લાસ. દસમીના પરીણામ પછી બારમાની તૈયારી માટે અગિયારમા ધોરણની  શરુ આત થીજ ક્લાસ ભરવાના હોય છે. સાથે શાળા અને કોલેજતો ખરાં . બારમાની પરીશ્રા પછી ઉચ્ચ શિશ્રણની સંસ્થા જે વી કે આઈ અઈ ટી, મેડીકલ તથા એન્જિનિયરીંગમાં પ્રવેશ પરીશ્રા માટેના વગઁ. હાલમાં મારા નજીકના સગાના પૌત્ર આવા વગઁમાં ભણવાનું શરુ કર્યુ. એક મહિનાના કોચિંગ ક્લાસમાં સમય સવારે આઠ થી રાત્રે આઠ. વચ્ચે થોડો સમય જમવા અને ચહાપાણીની છુટ.

બધુ મને જુદૂ અને નવું લાગે છે.પણ વતઁમાન ધારામાં રહેવા માટે, તેના ભાગ થવુ પડે તેવો ખુલાસો મને મળે છે.

પરિણામના દિવસો નજિક આવતા જાય તેમ  ઘરનુ વાતાવરણ  બદલાતુ હોય છે,આતુરતા ચરમસીમા પહોંચે છે.બાળકે મહેનત કરી હોય તો તેનુ ફળ તો જરુર મળે .બાળકની કાબેલિયત અનુસાર  અપેક્શા  હોય તો પરિણામ સદા આનંદદાયીહોય છે.

માબાપ અને વાલીઓએ અન્ય બાળક સાથે તુલના કરવાનુ ટાળવું  માબાપ બાળકને તેના પ઼તિ તેઓના વિશ્વાષ અને બિનશરતી વહાલની ખાત્રી કરાવશેતો બાળકનો આત્મવિશ્વાષ  આપોઆપ વધશે.

   કેવળ મેડિકલ એંજિન્યરિંગ કે સી. .શાખાઓ નથી  આમાં એડમિશન  મળે જીવન મરણનો વિષય બને છે.પરંતુ ધારોકે આમ ના થયું તો અંત નથી.જીવન ના ઘડતરમાં સહાયરુપ થાય તેવી  વિવિધ શાખાઓ છે.જે શાખામાં ભણો તેમાં  તમારુ બધુ ધ્યાન આપો તો સફળતા તમારા કદમ ચુમશે અને તમે આકાશને આંબી શકશો

                                                                        - લતા બક્ષી, બોરિવલી

શુક્રવાર, 12 એપ્રિલ, 2013

ગૂગલ ડૂડલ

ગૂગલ ઇન્ટરનેટ ની દુનિયામાં ખૂબ જાણીતું નામ છે. કોઈ પણ ચીજ, સેવા કે વ્યક્તિ જાણીતી 'બ્રાન્ડ' ત્યારે જ બને છે જ્યારે તે કંઈક નોખું અને ગુણવત્તા ભર્યું પીરસે. સારૂ એટલે ભપકાભર્યું જ ,મોટું કે સવિસ્તર હોવું જોઇએ એ માન્યતાને ગૂગલ સદંતર ખોટી પાડે છે. ગૂગલ એક અતિ સાદી અને સરળ 'સર્ચ એન્જીન' વેબસાઈટ છે. તે ઇન્ટરનેટના મહાસાગરમાંથી તમને જે માહિતી જોઇએ તે પળવારમાં પૂરી પાડે છે. કઈ રીતે? અતિ સરળ છે. તેની ખૂબ સાદી વેબસાઈટના હોમપેજ પર તેના રંગબેરંગી અક્ષરોમાં ખાસ રીતે લખાયેલા નામ વાળા લોગોની નીચે એક ખાનુ(ટેક્સ્ટ બોક્સ) દેખાય,તેમાં તમને જે વિષયની માહિતી જોઈતી હોય તેને લગતા મહત્વના બે ચાર શબ્દો લખો અને બાજુનું 'સર્ચ' બટન ક્લિક કરો અને તે વિષયને લગતી ઢગલા બંધ માહિતી બીજી જ ક્ષણે ગૂગલ તમારી સમક્ષ હાજર કરી દેશે! તે વિષય પરની માહિતી જે જે વેબસાઈટ્સ પર હાજર છે તે તે વેબસાઈટ્સના ચોક્કસ પેજની લિન્ક સાથે જ્યાં તમે માગેલી માહિતી હાજર છે. દા.ત. જેરાર્ડ બટલર નામના હોલિવુડ હીરો અંગે માહિતી જોઈતી હોય તો તેનું નામ ગૂગલના સર્ચ બોક્સમાં ટાઈપ કરો, સર્ચ બટન ક્લિક કરો અને જેરાર્ડ બટલરનો ઉલ્લેખ જે જે વેબસાઈટ પર જ્યાં જ્યાં થયો હશે તેની લિન્ક્સ તમારી સમક્ષ હાજર થઈ જશે, બીજી જ મિનિટે. એ પણ અર્થપૂર્ણ ક્રમમાં! એટલે કે બુદ્ધિશાળી મદદગાર બની ગૂગલ તમને જ્યાંથી તમને જોઈતા વિષયની સૌથી વધુ, યોગ્ય તેમજ સવિસ્તર માહિતી મળી શકે એમ હશે તે સૌથી ઉપર દેખાડશે! જેરાર્ડ બટલરના જન્મથી માંડી,તેની કુટુંબ,તેની પ્રથમ થી માંડી અત્યાર સુધીની બધી ફિલ્મો,તેના જીવનના મહત્વના પ્રસંગો,તેના ફોટોગ્રાફ્સ અને તેના વિષે લગભગ સઘળું જે ઇન્ટરનેટ પર પ્ર્રાપ્ય હશે તે ગૂગલ તમારી સમક્ષ હાજર કરી દેશે! છે ને કમાલ?

        બીજી બે-ચાર ખાસિયત એ છે કે કેટલી અસરકારક રીતે એ તમને મદદ કરે છે એ જુઓ. જેવા તમે જે કોઈ પણ વિષયની માહિતી તમને જોઇએ છે તે ગૂગલના સર્ચ બોક્સ પર ટાઈપ કરવાની શરૂઆત કરશો એવું જ તે તમારી મદદ કરવા કાર્યરત થઈ જશે! તમે જેમ જેમ એક એક અક્ષર ટાઈપ કરતા જશો તેમ તેમ નીચે ડ્રોપ ડાઉન બોક્સમાં એ તમને ટીપ્સ આપવા લાગશે જેથી તમારે એ આખો શબ્દ ટાઈપ ન કરવો પડે! દા.ત. ‘અમિતાભ બચ્ચન’  ટાઈપ કરવા માટે તમે જેવું 'A' દબાવશો કે નીચે 'Axis Bank', 'AirTel','Aadhar card' ,’Air India’ વગરે શબ્દો આપમેળે લખાશે, જેના પર દુનિયાની મહત્તમ વ્યક્તિઓએ આ અગાઉ આ અક્ષરથી શરૂ થતી સર્ચ કરી હશે. એ પણ જે તે પ્રદેશને ધ્યાનમાં રાખીને.એટલે 'A' ટાઈપ કરી તમે ભારતમાં સર્ચ કરતા હશો તો અલગ હિન્ટ્સ અપાશે અને અમેરિકામાં કરો તો જુદી!  છે ને ગ્રાહકને મહત્તમ સંતોષ અને સુખકારી સેવા આપવાનો બેજોડ નમૂનો! જેમ જેમ વધુ અક્ષરો ટાઈપ થતા જશે તેમ તેમ હિન્ટ્સ તમારા વિષયને વધુ ને વધુ અનુરૂપ થતી જશે. અમિતાભના નામ માટે બીજો અક્ષર 'મ' ટાઈપ કરશો એટલે ‘am’ થી શરૂ થનારા,સૌથી વધુ સર્ચ કરાયેલા 'ammyy admin','amazon','amway','amar ujala' જેવા શબ્દો હિન્ટ્સ તરીકે દેખાશે.'ami’ ટાઈપ કરશો એટલામાંતો 'aamir khan','amitabh bachchan','amisha patel', 'amie' જેવા શબ્દો દેખા દેશે જેમાંથી તમે ત્રીજું નામ અમિતાભનું સિલેક્ટ કરો એટલે આખું નામ ટાઈપ કરવાની જહેમત ઉઠાવ્યા વગર 'અમિતાભ બચ્ચન' સર્ચ બોક્સમાં આપમેળે લખાઈ જશે અને નીચે અમિતાભ વિષેની માહિતીનો ખજાનો હાજર!

              અતિ સાદી છતાં સ્ટાઈલીશ અને ઉપયોગી એવા ગૂગલની ખૂબીઓ અને ફિચર્સની વાતો કરવી હોય તો આખી એક સિરીઝ લખી શકાય! પણ આ વેબસાઈટનું બીજું એક સુપર્બ આકર્ષણ છે ‘ગૂગલ ડૂડલ’, જેના વિષે વાત કરી આજનો બ્લોગ પૂરો કરીશ.

       મોટે ભાગે ગૂગલનું નામ આવતાં જ તેના નિયમિત વપરાશકારો સમક્ષ તેનો લોગો આંખ સામે તરવરે જેમાં તેનું નામ રંગબેરંગી અક્ષરોમાં ખાસ ફોન્ટ્સ વાપરી ચોક્કસ રીતે લખેલું હોય. પણ ખાસ દિવસોએ ગૂગલ તેનું નામ લખવાની શૈલી, તેનો લોગો બદલે અને આ નવી આક્રુતિ કે લોગો એટલે ગૂગલ ડૂડલ! ગૂગલની સાઈટ પર જણાવ્યા મુજબ ડૂડલ એટલે ગૂગલ લોગોમાં, રજાઓ,ખાસ પ્રસંગો કે પ્રખ્યાત કલાકારો,માંધાતાઓ અને વૈગ્ન્યાનિકોની વર્ષગાંઠ કે જીવનના મહત્વના અવસરોને ઉજવવા કે તેમને અંજલિ આપવા રસપ્રદ,આશ્ચર્યકારક અને ક્યારેક અચાનક, હંગામી ધોરણે કરાતા પરિવર્તન.

 
    આજના બ્લોગ સાથે જે ગૂગલ ડૂડલનો ફોટો મૂક્યો છે તે આ વર્ષના વેલેન્ટાઈન ડે ના દિવસનું ડૂડલ છે. જ્યોર્જ વોશિંગ્ટન ગેલ ફેરીસ જુનિયર નામના અમેરિકન એન્જિનિયરનો બર્થ ડે(૧૪ ફેબ્રુઆરી,૧૮૫૯) પણ હતો જેણે મૂળ 'ફેરીસ વ્હીલ' ના મોટા પૈડાનું સર્જન કર્યું હતું. આ મહાન સર્જકને અંજલિ આપવા ગૂગલે તેના ખાસ ડૂડલમાં તેના સ્પેલિંગમાં આવતા બે 'O' અક્ષરો ચકડોળના મોટા બે પૈડા વડે દર્શાવ્યા હતાં.અને એજ દિવસે વેલેન્ટાઈન ડે પણ હતો તેથી કલાત્મક રીતે લાલ રંગના દિલને પણ આ ડૂડલમાં આવરી લીધું હતું.કેટલી સુંદર સર્જનાત્મકતા અને નવીનીકરણનો સંગમ!વેલેન્ટાઈન ડે ના આ અતિ આકર્ષક ડૂડલમાં રોમેન્ટીક યુવાન-યુવતિને તો કોઈ પ્રેમકથા પણ છૂપાયેલી દેખાય! ડૂડલ ક્યારેક હલનચલન કરતું પણ જોવા મળે જેમકે આપણે જેની ચર્ચા કરી રહ્યાં છીએ એ 'વેલેન્ટાઈન ડે'ના ડૂડલમાં પણ જાયન્ટ વ્હીલ્સના બે પૈડા આસપાસની બીજી રાઈડ્સ સહિત ફરતાં દેખાય અને આખું ડૂડલ જીવંત ચિત્રકથા સમાન ભાસે! ડૂડલની બીજી વિશેષતા એ છે કે તેના પર ક્લિક કરો એટલે તેનું મહત્વ સમજાવતી બધી વિગતો તમે રીઝલ્ટ પેજ પર વાંચી શકો

       સર્ચ બટનની બાજુમાં રેહેલા ‘I am feeling Lucky’ બટનને દબાવી તમે અત્યાર સુધીમાં ડૂડલની શરૂઆત થઈ તે વર્ષ ૨૦૦૦થી માંડી અત્યાર સુધી પ્રગટ થયેલા બધાં ડૂડલ જોઈ શકશો.