Translate

રવિવાર, 26 નવેમ્બર, 2017

ગેસ્ટ બ્લોગ - જીવનની કોરી પાટી

-      કિશોર દવે

ઈશ્વરનું અનોખું સર્જન એવો સૂર્ય નિયમીત ઊગે છે અને અસ્ત પામે છે. વિક્રમ સંવતનાં ડટ્ટાવાળા કેલેંડરનાં પાનાં એક પછી એક ફાટતાં રહે છે. ઘડિયાળના કાંટા અવિરત ફર્યા કરે છે અને સવાર, બપોર, સાંજ એમ દિવસ પૂરો થઈ જાય છે. મનુષ્યનો જન્મ થાય છે અને ભાંખોડિયાં ભરીને ચાલતાં, ધીમે ધીમે ડગ માંડતાં યુવાન થઈ દોડતો થઈ જાય છે. અને એની લગોલગ જાણે મેરેથોન રેસ હોય તેમ ઈશ્વરનું સર્જેલું એક અદીઠ તત્વ પણ દોડતું રહે છે અને તે છે સમય. ત્યાં તો દોડતા માણસને અચાનક ઠેસ લાગે છે અને તે તંદ્રામાંથી જાગી જાય છે અને જુએ છે કે પોતે યુવાની વટાવીને વરિષ્ઠ નાગરિકને કતારમાં આંગણે પોંખાવા ઊભો છે. ત્યારે તે જીવનના ઇતિહાસનાં પાનાં ફંફોળે છે. પોતાના જીવનના ભૂતકાળને વાંચવાનો પ્રયત્ન કરે છે. આટ આટલાં વર્ષો મેં શું કર્યું? સામાન્ય માનવી જેવું સામાન્ય જીવન વિતાવ્યું કે જીવનમાં કાંઈક કર્યું – તેની શોધ એ ભૂતકાળની કિતાબનાં પાનામાં કરી રહે છે.
બાળપણમાંતો માતાપિતા તથા ભાઈ બહેનની આંગળી પકડી ચાલવામાં વિતે. થોડા વર્ષોના અભ્યાસ પછી, લગ્ન પછી, સંસાર. સારી નોકરી કે સારો ધંધો, બાળકોના લગ્ન અને પછી પૌત્ર પૌત્રીઓનો સંગાથ! જીવનની નાવ નિવ્રુત્તિ બાદ કિનારે ઉભી રહે ત્યારે પ્રશ્ન થાય કે મેં મારી પત્નિ, બાળ્કો, માબાપ પ્રત્યેની ફરજ બજાવી છે? મેં મારા જીવનમાં શું કર્યુ?  આટલા કિમતી દિવસો, સૂર્યોદય-સૂર્યાસ્ત એળે ગયા કે શું?
            એવો અફસોસ ન રહે એ માટે જીવનને પૂર્ણ રીતે માણી લ્યો. ઈશ્વરે સર્જેલી આ વિશ્વની અજાયબીઓનો ઉપભોગ કરી લો. અગણિત ફૂલોની પરિમલને તમારા હૃદયના ખૂણામા ભરી લો. માતા પિતાના તમારા પ્રત્યેના પ્રેમને પૂર્ણપણે સ્વીકારી સાથે તમારી ફરજ પણ પૂર્ણ કરો.
            માનવી જીવનની એક એવી રેલગાડીમાં બેસી જાય છે કે ફટાફટ સમય વીતી જતાં પોતે જીવનને કિનારે આવી પહોંચ્યો હોય છે. ક્ષિતિજ તરફ નજર નાખતાં વિચાર આવે છે મારે પણ આ સૂર્યની જેમ મૃત્યુના અંધકારમાં પીગળી જવાનું છે ત્યારે ભૂતકાળના ભવ્ય દિવસો યાદ આવે છે અને જીવી ગએલાં વર્ષોમાં પોતે શું કર્યું? કેટલીક વ્યક્તિઓને પોતાના જીવનમાં પૃષ્ઠો ઉકેલતાં એમ થાય છે કે પ્રભુએ આપેલી આટલી જીંદગીમાં મેં શું કર્યું? મારું જીવન તો કોરી પાટી જેવું જ રહ્યું. મેં કાંઇ જ નથી કર્યું. માત્ર દિવસ રાત્રી અને ઘડિયાળના કાંટા જ જોતો રહ્યો ત્યારે અફસોસ થાય છે. પરંતુ હવે શું? હવે તો માત્ર મહિના કે દિવસો જ બાકી રહ્યા છે. તેમાં હું શું કરી શકું? માંહ્યલો જીવ મુંઝાય છે. હવે?
ત્યાં જ અંતરનો અવાજ ઉઠે છે – હજુ કાંઇ બગડી ગયું નથી. વિતેલા સમય માટે અફસોસ કરવા કરતાં જે સમય તારી પાસે બાકી રહ્યો છે તેનો સદુપયોગ કરી ‘રામ’ નામનું સ્મરણ કર. તેમાં અજબ શક્તિ છે અને તારા નકામા ગએલા સમયનું સાટુ વાળી દેશે. જેમ પાપી અજામીલે આખી જીંદગી કુકર્મોમાં વિતાવી માત્ર મૃત્યુ સમયે પુત્ર નારાયણને બોલાવવા ‘નારાયણ નારાયણ’ નો પોકાર કર્યો તે નામથી જ ઉધ્ધાર થઈ ગયો. તેમ હવે જીવનના બાકી રહેલા દિવસોમાં દુન્યવી સંપત્તિનો વિચાર નહીં કરતાં દૈવી સંપત્તિ જેવું ‘રામ’ નામનું રટણ કર. ‘રામ’ નામના શ્વાસમાં વિશ્વાસ કર.
તારા જીવનની કોરી પાટી બાકી રહેલા દિવસોમાં માત્ર ‘રામ’ નામથી જ ભરાઇ જશે. એ તને તારા અંતિમ સમયના શ્વાસ સમયે ખાત્રી થશે જ. તારું જીવન ભર્યું ભાદર્યું છે. તેની તને અનુભૂતિ થશે કે તેં જીવનમાં તારી ફરજ બજાવી છે. અને એટ્લો સંતોષ મળ્યા પછી તને શાની જરૂર છે? વિતેલા દિવસોનો અફસોસ નહીં કરતાં માત્ર સંપૂર્ણ શ્રધ્ધાથી લીધેલ ‘રામ’ નામ તારો ઉધ્ધાર કરશે જ અને સૂર્ય જેમ પોતાની ફરજ બજાવી ક્ષિતિજ પર સમુદ્રમાં પોતાનું તેજ ફેલાવતો ડૂબી જાય છે તેમ તું પણ સુખના સંતોષના સમુદ્રમાં ડૂબી જઈશ. તારે આવતા ભવનો પણ વિચાર નહીં કરવો પડે અને અનંત શક્તિના પ્રભાવથી આ જગત માટે તું કોરી પાટી નહીં પરંતુ ‘રામ’ નામથી અંકિત પાટી ભવિષ્યની પેઢી માટે અહીં મૂકતો જઈશ કે જેને સથવારે અને તારી કંડારેલી પગદંડીએ ચાલીને સુખી થશે અને જીવન સાર્થક કરશે.
તને થતી અફસોસની વ્યથાને હળવી કરવા ‘રામ’ નામથી એક જબરદસ્ત આશ્વાસન મળશે. ભાષાશુધ્ધિ માટે વ્યાકરણની જરૂર છે તેમ જીવનશુધ્ધિ માટે ‘રામ’ નામ રૂપે હમરાહી એ જીવનનું વ્યાકરણ છે. તારા અફસોસનું સ્થાન એક સમાધાન આશ્વાસન લેશે અને પૂરા આનંદથી પૂરી આસ્થાથી તારું જીવન જીવ્યું છે જીવનની છેલ્લી પળોય તું હસતાં હસતાં આ જગતમાંથી વિદાય લઈશ અને સર્વ સ્વજનો તારા જીવનની પાટીમાં સુવર્ણ અક્ષરે લખેલા ‘રામ’ નામ સાથે હર્ષાશ્રુ ભરી આંખે શ્રધ્ધાંજલિ અર્પશે.

                                                     -   કિશોર દવે 

રવિવાર, 19 નવેમ્બર, 2017

પદ્માવતી,લવની ભવાઈ... ફિલ્મોનાં વિરોધની નવાઈ

ઉત્તમ ગજાના સર્જક સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતી ફિલ્મના વિરોધના સમાચાર આજકાલ  ભારે ચર્ચામાં છે. નવાઈની વાત એ છે કે ફિલ્મ હજી પ્રદર્શિત પણ નથી થઈ અને તેને લઈને સંજયજીના માથા અને પદ્માવતીનો રોલ કરનારી અભિનેત્રી દિપીકા પદુકોણનું નાક કાપી લેવાની ધમકીઓ અપાઈ છે! ફિલ્મ બનવી શરૂ થઈ હતી ત્યારથી જ ડગલે અને પગલે સંજય ભણસાલી માટે એક પછી એક મુશ્કેલીઓની હારમાળા સર્જાઈ છે. તેમના પર અંગત હુમલો, ફિલ્મનો સેટ બાળી નખાયો, પદ્માવતી થીમ પર બનાવાયેલી રંગોળી વિખેરી નંખાઈ અને હવે સંજયજીનું માથું વાઢી લાવનાર ને પાંચ કરોડનું ઇનામ જાહેર કરનાર વિરોધીઓએ આ ફિલ્મ ન બને અને પ્રદર્શિત ન થાય એ માટે તમામ પ્રયત્નો કર્યાં છે. પણ ભડવીર સંજય ભણસાળીને સલામ કે આટ આટલી મુસીબતો છતાં તેમણે ફિલ્મ પૂરી કરી છે અને હવે જો વિરોધીઓ સફળ નહિ થાય તો પહેલી ડિસેમ્બરે ફિલ્મ રજૂઆત પણ પામશે. હજી જે ફિલ્મ રજૂ જ નથી થઈ તેના વિરોધને લઈને થિયેટર બાળી મુકાશે,આખું રાજ્ય બંધ પાળશે, ઠેર ઠેર હિંસા આચરાશે આવી ખુલ્લી ધમકીઓ - શું આ બધું હદ બહારનું નથી જણાતું? આ વિરોધ સર્જકની સર્જકતાને ગૂંગળાવી નાખવાના પ્રયાસ સમો છે, તેની અભિવ્યક્તિની સ્વતંત્રતા પર તરાપ સમો છે અને સરકારે અને પોલીસે હવે તો વિરોધીઓ સામે જંગ છેડી આ ફિલ્મ પહેલી ડિસેમ્બરે જ રજૂ કરવાનો પડકાર ઝીલવો જ જોઇએ. ભગવાનને પ્રાર્થના કે મારી ડિસેમ્બરમાં રજૂ થયાના બે-ત્રણ દિવસમાં જ પદ્માવતી ફિલ્મ જોવાની મારી હ્રદયપૂર્વકની ઇચ્છા એ પૂરી કરે!
લોકોને વિરોધ કરવા માટે કોઈક બહાનું જોઇએ છે બસ એમ ઘણી વાર લાગે છે. બે દિવસ પહેલા જ રીલીઝ થયેલી અન્ય એક ગુજરાતી ફિલ્મ ‘લવની ભવાઈ’ને લઈને પણ તેના શિર્ષકમાં ભવાઈ શબ્દનો ઉપયોગ કરવા બદલ વિરોધ ઉભો કરાયો હતો.અને આ વિરોધ ઉભો કોણે કર્યો હતો? મને કહેતા સંકોચ થાય છે કે મારી જ નાયક-ભોજક-બ્રાહ્મણ જ્ઞાતિના કેટલાક લોકોએ આ વિરોધ નોંધાવ્યો હતો.
વાત એમ છે કે અમારી કોમ વર્ષોથી ભવાઈના વ્યવસાય સાથે સંકળાયેલી રહી છે. અમારી જ્ઞાતિના પ્રણેતા અસાઈત ઠાકરે જ ગુજરાતી લોકનાટ્ય ભવાઈની શરૂઆત કરેલી અને મારા પરદાદા, દાદા, પિતા અને અનેક વડીલો ભવાઈ કળા સાથે સંકળાયેલા રહ્યાં છે. હું એમ કહેતા ગૌરવ અનુભવું છું કે મુંબઈમાં મારા પિતા ઘનશ્યામ નાયકે આ કળા મુંબઈમાં હજી સુધી તેના મૂળ સ્વરૂપમાં થોડા ઘણાં પોઝીટીવ ફેરફાર સાથે જીવંત રાખવાના સંનિષ્ઠ પ્રયાસો કર્યાં છે. ભવાઈ શબ્દ સાથે અમારો એક અનોખો સંબંધ છે પણ આ શબ્દનો કોઇ સર્જક પોતાની કૃતિના શિર્ષકમાં ઉપયોગ કરે તે બદલ કંઈ જોયા-જાણ્યા વગર કોઈ તેનો વિરોધ નોંધાવે એ બિલકુલ યોગ્ય નથી. મારા પિતા અને અન્ય એક નાયક યુવાન મૌલિક નાયકે આ ફિલ્મમાં મહત્વની ભુમિકાઓ ભજવી છે અને તેથી મને આ ફિલ્મ પ્રદર્શિત થઈ એ પહેલા જ તેના સ્પેશિયલ સ્ક્રીનીંગમાં સહભાગી થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. અને મેં આ ફિલ્મ ભરપૂર માણી. ફિલ્મ જોયા બાદ મને તેના શિર્ષકને લઈને ઉભો કરાયેલો વિવાદ અને વિરોધ તદ્દન બિનજરૂરી અને ક્ષુલ્લક લાગ્યો. ભવાઈને હલકી ચિતરવાનો કે તેની સાથે ફિલ્મનો દૂર દૂર નો પણ કોઈ સંબંધ નથી. ઉલટાનું દિગ્દર્શન, સંગીત, સંવાદ, કેમેરા, વસ્ત્ર-પરિભૂષા, અભિનય અને દરેકેદરેક પાસામાં મૂઠ્ઠી ઉંચેરી સાબિત થયેલી આ ફિલ્મના શિર્ષકમાં ભવાઈ શબ્દ હોવા બદલ મને આનંદ અને ગર્વની લાગણી થઈ. આ ફિલ્મમાં એક પણ ક્ષણ કંટાળા કે ઉદાસી કે અણગમાની ન અનુભવાઈ અને આખી ફિલ્મ જોતી વખતે ઉત્કૃષ્ટ કક્ષાની અંગ્રેજી કે હિન્દી ફિલ્મ જ જોતો હોઉં એવી લાગણી અનુભવાઈ. આ એક યુથફુલ, અમેઝિંગલી રેફ્રેશીંગ ફિલ્મ છે એવો પ્રતિભાવ હું  તેના દિગ્દર્શક સંદીપભાઈ પટેલને આપ્યા વગર ન રહી શક્યો! અતિ સૌમ્ય, નમ્ર અને ટેલેન્ટેડ એવા સંદીપભાઈ ફિલ્મના આ પ્રથમ સ્ક્રીનીંગ વખતે અતિ નર્વસ હતાં પણ આમંત્રિત સઘળાં મહાનુભાવોએ એક સ્વરે જ્યારે આ ફિલ્મને પૂરી થયા બાદ વખાણી ત્યારે તેમના ચહેરા પરનો સંતોષ અને આનંદ જોઈ મને પણ અનેરા હર્ષનો અનુભવ થયો! દિલ ચાહતા હૈ,હમ દિલ દે ચુકે સનમ,દિલ તો પાગલ હૈ જેવી અનેક હિન્દી ફિલ્મો જોતી વખતે જેવી લાગણી થયેલી તેવી જ પોઝીટીવ ફિલીંગ્સ 'લવની ભવાઈ' જોતી વખતે અનુભવાઈ અને તેમ છતાં એક મૌલિક કૃતિ જોયાનો સંતોષ પણ એટલો જ અનુભવાયો.ક્યાંય એમ ન લાગ્યું કે કોઈ સારી કૃતિની કે ફિલ્મની અહિં ક્યાંય કોઈ સીનમાં નકલ કરવાનો પ્રયાસ થયો હોય.

ફિલ્મના બંને હીરો મલ્હાર ઠાકર અને પ્રતિક ગાંધી મારા મિત્રો રહ્યાં છે અને તેમને આટલી સુંદર ફિલ્મમાં માતબર અભિનય કરતા જોઇને મારી ખુશીનો પાર નહોતો! સાથે જ હીરોઈન આરોહી પટેલના સ્ટ્રોંગ કેરેક્ટરાઈઝેશનને કારણે તેના પણ પ્રેમમાં પડી જવાય એટલો સુંદર તેનો અભિનય, સ્વર અને સ્ક્રીન પ્રેઝેન્સ રહ્યાં. ફિલ્મમાં આરોહીના બોસ ના પાત્રમાં 'કે' તરીકે તેની રીયલ લાઈફ માતા અને ફિલ્મ દિગ્દર્શક સંદીપ પટેલના પત્ની આરતી વ્યાસ પટેલ મારા માટે સરપ્રાઈઝ પેકેજ સમા રહ્યાં! તેમનું પાત્ર મને ખુબ ખુબ ગમ્યું અને તેઓ આ ફિલ્મના નિર્માતા તો હતાં પણ જ્યારે મેં જાણ્યું કે તેઓ રેડિયો પર જિંદગી એક્સ્પ્રેસ્સ નામનો પ્રેરણાત્મક વાર્તાઓ સંભળાવતો કાર્યક્રમ વર્ષોથી ચલાવે છે અને તેમના આ વિષય પર પુસ્તક પણ પ્રકાશિત થયા છે ત્યારે તો તેમના પ્રત્યે એક વિશેષ સમ્માન અને આદરની લાગણી પણ અનુભવાઈ. આ ઉપરાંત મિતાઈ શુક્લા,નેહલ બક્ષી જેવા યુવા સંવાદલેખકો, સચિન-જીગર જેવા હિન્દી ફિલ્મોના સફળ સંગીત દિગ્દર્શકો, તપન વ્યાસની ઉચ્ચ કક્ષાની કેમેરા કલા વગેરેને કારણે લવની ભવાઈ ગુજરાતી ફિલ્મોના સ્તરને ચોક્કસ અનેક ગણું ઉંચુ લઈ જશે એમાં શંકા નથી.  યુવાનો જેની સાથે તરત કનેક્ટ થઈ શકશે અને આબાલવ્રુદ્ધ દરેકને ગમશે એવી પ્રેમના વિષય પરની આ હળવી રોમેન્ટીક કોમેડી ફિલ્મ દરેક ગુજરાતીએ જોવી જ જોઇએ!

રવિવાર, 12 નવેમ્બર, 2017

ફેરીયાઓની સમસ્યા

રોજ મલાડ સ્ટેશનથી ઘેર જતી વખતે સ્ટેશન બહાર માન​વ મહેરામણમાંથી રસ્તો કાપતા આગળ વધવું પડે. સેંકડો લોકો એકબીજાને ભટકાય,કેટલાક ગુસ્સો કરે,કેટલાક આ બાબતથી રોજ ટેવાયેલા હોય એટલે આંખ આડા કાન કરે અને આગળ વધે. આ દ્રષ્ય કદાચ મલાડ જ નહિ પરંતુ મુંબ​ઈના લગભગ દરેક પરાનાં ઉપનગરની બહાર જોવા મળતું હશે.આવી પરિસ્થિતી સ્ટેશન બહાર પોતાનો ધંધો જમાવી બેઠેલા ફેરિયાઓને કારણે  સર્જાતી કે વધુ વકરતી હોય છે. માત્ર સ્ટેશનો જ નહિ,પરંતુ મહાનગર એવા મુંબ​ઈમાં આ સમસ્યા લગભગ દરેક જાહેર સ્થળોએ જોવા મળતી હોય છે.જ્યાં લોકોની અવરજ​વર વધુ હોય ત્યાં પોતાનો માલ વધુ વેચાવાની સંભાવનાને લીધે પેટિયું રળ​વા સ્વપ્નનગરી મુંબ​ઈમાં આવેલા હજારો ફેરિયાઓ જાહેર જગાઓએ જ્યાં કબ્જો જમાવી શકાય ત્યાં પોતાનો અડ્ડો જમાવી મોટે ભાગે અનધિક્રુત રીતે વેપાર કરતા હોય છે. ભ્રષ્ટાચારના દૂષણને લીધે મોટે ભાગે પોલીસ કે મ્યુનિસિપાલ્ટી પણ આ સમસ્યા સામે - આ ફેરીયાઓ સામે આંખ આડા કાન કરતાં હોય છે.ઘણી વાર દેખાડો કરવા અધિકારીઓની ગાડી આવે ત્યારે નાસભાગ કરતાં ફેરીયાઓનું દ્રષ્ય પણ મોટાભાગનાં મુંબ​ઈગરાઓ જોવા ટેવાયેલા હશે.
                પણ છેલ્લાં થોડા સમયથી મલાડ સ્ટેશનના પશ્ચિમ તરફનાં નિકાસદ્વારની બહારનું દ્રષ્ય જાણે તદ્દન બદલાઈ ગયું છે. એક રાજકીય પક્ષે આ મુદ્દાને પોતાનો એજેન્ડા બનાવી અનેક જગાએ હિંસા આચરી ફેરીયાઓને મારી ભગાડ્યાં અને પછી તો આ મોહીમમાં સત્તાવાળાઓ પણ જોડાયા હોઇ આજકાલ મલાડ, માહિમ, દાદર, બોરિવલી, ડોમ્બિવલી વગેરે કિડિયારાની જેમ ઉભરાતા પરાંના ઉપનગરોના કેટલાક વિસ્તારોની શેરીઓની જાણે કાયાપલટ થ​ઈ ગ​ઈ. મને તો મારા મલાડમાં સ્ટેશન બહાર આટલી મોકળાશ હોઇ શકે તેની સ્વપ્નેય કલ્પના નહોતી! ખુલ્લા રસ્તા,ગિર્દીમાં નોંધનીય ઘટાડો,થોડી વધુ સ્વચ્છતા વગેરે જોઇ આભા જ બની જ​વાયું! અને આ ભાવ વ્યક્ત કરતો એક ટ્વીટ સંદેશો મેં પોસ્ટ કર્યો," હું કોઈ રાજકીય પક્ષ કે તેમના ફેરિયાઓને મુદ્દે લીધેલાં પગલાનું સમર્થન કરતો નથી,પણ ખાલી મલાડ (સ્ટેશનની બહાર) કેટલું સુંદર અને વિશાળ ભાસે છે! “
આ સંદેશ અનેક લોકોએ વાંચ્યો, ઘણાંએ તેને "લાઈક" પણ કર્યો અને ઘણાંએ તેના સમર્થનમાં પ્રતિભાવ પણ આપ્યો. મોટા ભાગનાં મિત્રોએ જે પ્રતિભાવ આપ્યો તેના સાર માં કહી શકાય કે આ પગલાં થી મોટા ભાગનાં લોકો ખુશ છે, તેમને રાહત મળી છે. અત્યાર સુધી જે મુદ્દા અંગે કોઈ કંઈ કરી નહોતું રહ્યું એ બાબતે હ​વે નક્કર પગલાં લેવાયા તેથી લોકોને હાશકારા અને આનંદની લાગણી નો અનુભ​વ થયો છે.
મારા ટ્વીટના હકારાત્મક પ્રતિભાવમાં એક મિત્રે કહ્યું આ પરિવર્તન બાદ હ​વે લાગે છે કે જાણે મેં શ્વાસ લેવાનું શરૂ કર્યું હોય! અન્ય એક મિત્રે કહ્યું આ એક માની ન શકાય એવી ઘટના છે. એક જણે પોતાનો સૂર પુરાવ્યો કે ફેરિયાઓની સમસ્યાનો ઉકેલ આપણાં પોતાના જ હાથમાં છે. તેમની પાસેથી ખરીદ​વાનું જ બંધ કરી દો.પછી તેમની પાસે જાહેર જગાઓએ બેસ​વાનું કોઇ કારણ જ નહિ રહે. તો એક મિત્રે તો મને જે રાજકીય પક્ષે આ મુદ્દો ઉઠાવ્યો હતો તેને "ડ્યુ ક્રેડીટ" આપ​વાની પણ ટીપ આપી! એક મિત્રે આ બાબત જેવા જ અન્ય એક મુદ્દા અંગે પણ સૌનું ધ્યાન દોર​વા પ્રયત્ન કર્યો. તેણે દુકાનદારો દ્વારા અનધિક્રુત રીતે ઝડપી લેવાયેલ ફૂટપાથની વાત કરી જેને લીધે લોકો બરાબર ચાલી શકતા નથી. ફેરીયાઓ પાસેતો લાઈસન્સ નહોતું એટલે તેમને હાંકી કઢાયા પણ આ દુકાનદારોની સમસ્યાનો ઉકેલ શો?
કોઈક વિચારકે સાચું જ કહ્યું છે કે તમે ક્યારેય બધાંને ખુશ કરી શકો નહિ.તમે એક વિચાર રજૂ કરો તે કોઈકને ગમે તો અન્ય કોઈક તેનાથી તદ્દન વિપરીત વિચારધારા ધરાવતું હોઈ તેનો વિરોધ પણ નોંધાવે! મારા ટ્વીટના પ્રતિભાવમાં એક-બે નકારાત્મક ટીપ્પણી પણ આવી.એક મિત્રે કહ્યું મોટાં ભાગનાં ફેરીયાઓ અને ગરીબ લોકો જંગલ કે ગામડાંઓમાંથી સ્થળાંતર કરી મુંબ​ઈ જેવા મહાનગરમાં આવતાં હોય છે કારણ તેમની જમીન ત્યાં ગેરકાયદે લૂંટાઈ ગ​ઈ હોય છે કે ત્યાં તેમને તેમની મહેનત પ્રમાણે વળતર મળતું નથી.આવી સ્થિતીમાં તેમને આ રીતે હાંકી કાઢ​વાના પગલાને વિવેકબુદ્ધિથી વિચારીએ તો ક​ઈ રીતે સમર્થન આપી શકાય? અન્ય એક મિત્રે પણ આવો જ સૂર પુરાવતા લખ્યું કે ફેરીયાઓને આ રીતે ભગાડી મૂકીશું તો તેમના ગરીબ પરીવારનું ગુજરાન શી રીતે ચાલશે?
મેં આ પ્રતિભાવ નો જવાબ કંઈક આ રીતે આપ​વા પ્રયાસ કર્યો કે વિદેશોમાં જેમ ખાસ વિસ્તારમાં કે બજારમાં ફેરીયાઓને જગા અપાય છે જ્યાં તેઓ પોતાનો માલસામાન વેચી શકે છે તેમ આપણાં દેશમાં,આપણાં શહેરમાં પણ આવા ચોક્કસ વિસ્તાર નિર્ધારીત કરાવા જોઇએ જ્યાં ફેરીયાઓને કાયદેસર જગા આપ​વામાં આવે.તેઓ ગમે ત્યાં પોતાનો ઠેલો સ્થાપી દે,અડ્ડો જમાવી દે ,ખાસ કરીને જાહેર જગાઓએ કે રસ્તા વચ્ચે એ તો યોગ્ય નથી જ .
તો વળી મારી એ મિત્ર મહોદયાએ પોતાના વિચારને ટેકો આપતા આગળ ચલાવ્યું કે અહિં આપણા દેશમાં જ્યાં વસ્તીવિસ્ફોટની મસમોટી સમસ્યા છે અને જ્યાં લોકોને રહેવા માટે પણ જગા નથી ત્યાં વિદેશોની જેમ અલાયદા વિસ્તાર ક​ઈ રીતે પૂરા પાડી શકાય?અને જો એવા વિસ્તાર બનાવ​વામાં પણ આવે તો ત્યાં ફેરીયાઓ ઉંચા ભાડા વગેરે ને કારણે આપણી પાસેથી જ તગડાં ભાવો વસૂલ કરે! મોલ નું જ ઉદાહરણ લો. ત્યાં વસ્તુઓના ભાવ કેટલા ઉંચા હોય છે.
અહિ મને લાગ્યું કે મારી મિત્ર પોતાના સ્વાર્થ વિશે વધુ વિચારી રહી છે! વસ્તુઓના ભાવ ઉંચા ન આપ​વા પડે એટલે ફેરીયાઓને રસ્તા વચ્ચે બેસ​વા દેવાના? પણ તેની આ ટિપ્પણી પર અન્ય એક મિત્રે તરત પોતાની કેફીયત રજૂ કરી. તેણે સીધો જ મારી પેલી મિત્રને સ​વાલ કર્યો કે શું ફેરીયાઓની દયા જ ખાવાનો સ​વાલ હોય તો એ તેમને પોતાના ઘરમાં બેસ​વાની જગા આપશે? જો પોતાના ઘરમાં કોઈ ફેરીયાઓને બેસ​વાની રજા ન આપે તો આપણાં જ શહેરની શેરીઓમાં પણ તેમને બેસ​વાની પર​વાનગી ક​ઈ રીતે આપી શકાય​? તેઓ શેરીઓને કેટલી ગંદીગોબરી બનાવી મૂકે છે, ચાલ​વાની જગા રાખતા નથી અને બિનજરૂરી દૂષણ ઉભું કરે છે.
મને પણ મારી પેલી મિત્રની વાત વ્યાજબી ન લાગી. કોઇને જાહેર જગા પર પોતાનો કબ્જો જમાવી દ​ઈ સુરક્ષા,સ્વચ્છતા અને અન્યોની સ્વતંત્રતા પર તરાપ માર​વાની છૂટ આપી શકાય નહિ.વસ્તી વધારાની મૂળ સમસ્યાને લીધે ફેરીયાઓની જ એક નહિ પણ અન્ય અનેક સમસ્યાઓનો આપણે સામનો કર​વો પડે છે.પણ એમાં આપણી "હોતા હૈ ચલતા હૈ " વાળી મનોવ્રુત્તિ પણ મોટે ભાગે જ​વાબદાર છે. કાયદાની કથળેલી સ્થિતીનો ફાયદો ફેરીયાઓ અને અનેક લોકો ઉઠાવે છે.જો કાયદા કડક હોય અને તેનું ચુસ્ત પાલન થતું હોત તો આપણાં દેશની મોટા ભાગની સમસ્યાઓ આપમેળે ઉકેલાઈ જાત.
મોલની વાત મારી મિત્રે છેડેલી તો મને એમાં એક ઉકેલ નજરે ચડ્યો. ઘણી જગાએ મોલની મોટા ભાગની દુકાનો ખાલી હોય છે કે ત્યાં જોઇએ એટલું વેચાણ થતું નથી તો આ મોલની જગા જ પર​વડે એવા દરે ફેરીયાઓને અધિક્રુત અપાવી જોઇએ. ફેસબુક પર અન્ય એક મિત્રે પણ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતાં જણાવ્યું કે મુંબ​ઈ જેવા શહેરમાં કરોડોને ખર્ચે બંધાયેલા સ્કાય​વોક્સ તદ્દન નિરર્થક છે, તેમનો ઉપયોગ ભાગ્યે જ લોકો ચાલ​વા માટે કરે છે અને ફેરીયાઓને સ્કાય​વોક પર જગા ફાળ​વ​વામાં આવે તો ચોક્કસ તેનો સદુપયોગ થાય અને જેને જરૂર છે એ ત્યાં જ​ઈ ફેરીયાઓ પાસેથી ચીજવસ્તુઓ ખરીદે.
એક અન્ય મિત્રે પણ થોડા સ્ફોટક વિચારો રજૂ કર્યાં. તેના મતે વસ્તી વધારો કે જગા સમસ્યાના મૂળ કારણ નથી પણ વ્ય​વસ્થાપન અને સ્વાર્થ વ્રુત્તિ અને ભ્રષ્ટાચાર ફેરીયાઓની સમસ્યા માટેનું મૂળ કારણ છે. જો કોઇ બિલ્ડર બીએમસી(મુંબ​ઈ મહાનગર પાલિકા) પાસે જગા ખરીદ​વા જશે તો કરોડો રૂપિયામાં તેને જમીન વેચાતી મળી જશે પણ જો જાહેર જનતા બગીચા,પાર્કીંગ લોટ કે ખુલ્લી જગાની માગણી કરશે તો જમીનની તંગી આગળ ધરાશે. મલાડમાં મોલ બન્યો એ પહેલાં ત્યાં શું હતું? ટ્રાફીક શા માટે અન્ય માર્ગે ફેર​વી દેવાયો? બીએમસી જ ફેરીયાઓ પાસેથી મસમોટા હપ્તા વસૂલી તેમને પોતાનો ધંધો ચાલુ રાખ​વા દે છે. બીએમસી વર્ષો સુધી ઉંઘતી રહી અને હ​વે જ્યારે જાહેર જનતા જાગી ગ​ઈ છે ત્યારે તે કડક પગલા ભર​વા મજબૂર બની ગ​ઈ છે. જો એ જાગ્રુત અને પોતાની ફરજને વફાદાર હોત તો એલ્ફિસ્ટન રોડ ની દુર્ઘટના પણ ઘટ​વા પામી ન હોત. મલાડનું જ ઉદાહરણ લો. અહિં અનેક ઠેકાણે કચરાના ઢગલા ખડકાયેલા જોવા મળે છે પણ જેવી એ જમીન કોઇ બિલ્ડરને વેચાય તો પળભરમાં બધો કચરો સાફ! ફેરિયાઓ તેમની પોતપોતાના રાજ્યોની બિનકાર્યક્ષમતા અને નિષ્ફળતાને પગલે મુંબ​ઈ આવી ચડે છે. અડધું મુંબ​ઈ આજે પચરંગી પ્રજાથી ઉભરાય છે કારણ અહિ બધાને ખબર છે કંઇ પણ ચાલી જશે!

આ બધી ચર્ચા માંડ​વાની મજા આવી! ટ્વીટ કરતી વેળા વિચાર્યું નહોતું કે માત્ર એક સામાન્ય​ વિચાર રજૂ કર્યાનો આટલો બહોળો પ્રતિસાદ મળશે, લોકોના ભિન્ન ભિન્ન અભિપ્રાય પણ જાણ​વા મળશે અને લોકોને પોતાના વિચાર રજૂ કર​વાની એક તક પણ મળી રહેશે. સરકાર ઘણી બધી સમસ્યાઓની ચર્ચા આ રીતે જાહેર મંચ પર કરી લોકોના અભિપ્રાયો જાણ​વા પ્રયત્ન કરે તો એ વિચારમંથનમાંથી જ ઘણી સમસ્યાઓના રસપ્રદ અને અસરકારક ઉકેલો મળી શકે.