Translate

રવિવાર, 26 નવેમ્બર, 2017

ગેસ્ટ બ્લોગ - જીવનની કોરી પાટી

-      કિશોર દવે

ઈશ્વરનું અનોખું સર્જન એવો સૂર્ય નિયમીત ઊગે છે અને અસ્ત પામે છે. વિક્રમ સંવતનાં ડટ્ટાવાળા કેલેંડરનાં પાનાં એક પછી એક ફાટતાં રહે છે. ઘડિયાળના કાંટા અવિરત ફર્યા કરે છે અને સવાર, બપોર, સાંજ એમ દિવસ પૂરો થઈ જાય છે. મનુષ્યનો જન્મ થાય છે અને ભાંખોડિયાં ભરીને ચાલતાં, ધીમે ધીમે ડગ માંડતાં યુવાન થઈ દોડતો થઈ જાય છે. અને એની લગોલગ જાણે મેરેથોન રેસ હોય તેમ ઈશ્વરનું સર્જેલું એક અદીઠ તત્વ પણ દોડતું રહે છે અને તે છે સમય. ત્યાં તો દોડતા માણસને અચાનક ઠેસ લાગે છે અને તે તંદ્રામાંથી જાગી જાય છે અને જુએ છે કે પોતે યુવાની વટાવીને વરિષ્ઠ નાગરિકને કતારમાં આંગણે પોંખાવા ઊભો છે. ત્યારે તે જીવનના ઇતિહાસનાં પાનાં ફંફોળે છે. પોતાના જીવનના ભૂતકાળને વાંચવાનો પ્રયત્ન કરે છે. આટ આટલાં વર્ષો મેં શું કર્યું? સામાન્ય માનવી જેવું સામાન્ય જીવન વિતાવ્યું કે જીવનમાં કાંઈક કર્યું – તેની શોધ એ ભૂતકાળની કિતાબનાં પાનામાં કરી રહે છે.
બાળપણમાંતો માતાપિતા તથા ભાઈ બહેનની આંગળી પકડી ચાલવામાં વિતે. થોડા વર્ષોના અભ્યાસ પછી, લગ્ન પછી, સંસાર. સારી નોકરી કે સારો ધંધો, બાળકોના લગ્ન અને પછી પૌત્ર પૌત્રીઓનો સંગાથ! જીવનની નાવ નિવ્રુત્તિ બાદ કિનારે ઉભી રહે ત્યારે પ્રશ્ન થાય કે મેં મારી પત્નિ, બાળ્કો, માબાપ પ્રત્યેની ફરજ બજાવી છે? મેં મારા જીવનમાં શું કર્યુ?  આટલા કિમતી દિવસો, સૂર્યોદય-સૂર્યાસ્ત એળે ગયા કે શું?
            એવો અફસોસ ન રહે એ માટે જીવનને પૂર્ણ રીતે માણી લ્યો. ઈશ્વરે સર્જેલી આ વિશ્વની અજાયબીઓનો ઉપભોગ કરી લો. અગણિત ફૂલોની પરિમલને તમારા હૃદયના ખૂણામા ભરી લો. માતા પિતાના તમારા પ્રત્યેના પ્રેમને પૂર્ણપણે સ્વીકારી સાથે તમારી ફરજ પણ પૂર્ણ કરો.
            માનવી જીવનની એક એવી રેલગાડીમાં બેસી જાય છે કે ફટાફટ સમય વીતી જતાં પોતે જીવનને કિનારે આવી પહોંચ્યો હોય છે. ક્ષિતિજ તરફ નજર નાખતાં વિચાર આવે છે મારે પણ આ સૂર્યની જેમ મૃત્યુના અંધકારમાં પીગળી જવાનું છે ત્યારે ભૂતકાળના ભવ્ય દિવસો યાદ આવે છે અને જીવી ગએલાં વર્ષોમાં પોતે શું કર્યું? કેટલીક વ્યક્તિઓને પોતાના જીવનમાં પૃષ્ઠો ઉકેલતાં એમ થાય છે કે પ્રભુએ આપેલી આટલી જીંદગીમાં મેં શું કર્યું? મારું જીવન તો કોરી પાટી જેવું જ રહ્યું. મેં કાંઇ જ નથી કર્યું. માત્ર દિવસ રાત્રી અને ઘડિયાળના કાંટા જ જોતો રહ્યો ત્યારે અફસોસ થાય છે. પરંતુ હવે શું? હવે તો માત્ર મહિના કે દિવસો જ બાકી રહ્યા છે. તેમાં હું શું કરી શકું? માંહ્યલો જીવ મુંઝાય છે. હવે?
ત્યાં જ અંતરનો અવાજ ઉઠે છે – હજુ કાંઇ બગડી ગયું નથી. વિતેલા સમય માટે અફસોસ કરવા કરતાં જે સમય તારી પાસે બાકી રહ્યો છે તેનો સદુપયોગ કરી ‘રામ’ નામનું સ્મરણ કર. તેમાં અજબ શક્તિ છે અને તારા નકામા ગએલા સમયનું સાટુ વાળી દેશે. જેમ પાપી અજામીલે આખી જીંદગી કુકર્મોમાં વિતાવી માત્ર મૃત્યુ સમયે પુત્ર નારાયણને બોલાવવા ‘નારાયણ નારાયણ’ નો પોકાર કર્યો તે નામથી જ ઉધ્ધાર થઈ ગયો. તેમ હવે જીવનના બાકી રહેલા દિવસોમાં દુન્યવી સંપત્તિનો વિચાર નહીં કરતાં દૈવી સંપત્તિ જેવું ‘રામ’ નામનું રટણ કર. ‘રામ’ નામના શ્વાસમાં વિશ્વાસ કર.
તારા જીવનની કોરી પાટી બાકી રહેલા દિવસોમાં માત્ર ‘રામ’ નામથી જ ભરાઇ જશે. એ તને તારા અંતિમ સમયના શ્વાસ સમયે ખાત્રી થશે જ. તારું જીવન ભર્યું ભાદર્યું છે. તેની તને અનુભૂતિ થશે કે તેં જીવનમાં તારી ફરજ બજાવી છે. અને એટ્લો સંતોષ મળ્યા પછી તને શાની જરૂર છે? વિતેલા દિવસોનો અફસોસ નહીં કરતાં માત્ર સંપૂર્ણ શ્રધ્ધાથી લીધેલ ‘રામ’ નામ તારો ઉધ્ધાર કરશે જ અને સૂર્ય જેમ પોતાની ફરજ બજાવી ક્ષિતિજ પર સમુદ્રમાં પોતાનું તેજ ફેલાવતો ડૂબી જાય છે તેમ તું પણ સુખના સંતોષના સમુદ્રમાં ડૂબી જઈશ. તારે આવતા ભવનો પણ વિચાર નહીં કરવો પડે અને અનંત શક્તિના પ્રભાવથી આ જગત માટે તું કોરી પાટી નહીં પરંતુ ‘રામ’ નામથી અંકિત પાટી ભવિષ્યની પેઢી માટે અહીં મૂકતો જઈશ કે જેને સથવારે અને તારી કંડારેલી પગદંડીએ ચાલીને સુખી થશે અને જીવન સાર્થક કરશે.
તને થતી અફસોસની વ્યથાને હળવી કરવા ‘રામ’ નામથી એક જબરદસ્ત આશ્વાસન મળશે. ભાષાશુધ્ધિ માટે વ્યાકરણની જરૂર છે તેમ જીવનશુધ્ધિ માટે ‘રામ’ નામ રૂપે હમરાહી એ જીવનનું વ્યાકરણ છે. તારા અફસોસનું સ્થાન એક સમાધાન આશ્વાસન લેશે અને પૂરા આનંદથી પૂરી આસ્થાથી તારું જીવન જીવ્યું છે જીવનની છેલ્લી પળોય તું હસતાં હસતાં આ જગતમાંથી વિદાય લઈશ અને સર્વ સ્વજનો તારા જીવનની પાટીમાં સુવર્ણ અક્ષરે લખેલા ‘રામ’ નામ સાથે હર્ષાશ્રુ ભરી આંખે શ્રધ્ધાંજલિ અર્પશે.

                                                     -   કિશોર દવે 

2 ટિપ્પણીઓ:

  1. કિશોર દવે નો ગેસ્ટ બ્લોગ લેખ આધ્યાત્મિક કક્ષાનો લાગ્યો.વાંચવો ગમ્યો.

    જવાબ આપોકાઢી નાખો
  2. ઘનશ્યામ એચ. ભરુચા2 ડિસેમ્બર, 2017 એ 06:39 AM વાગ્યે

    તાજેતરમાં કિશોર દવેનેા 'જીવનની કોરી પાટી' ગેસ્ટ્બ્લોગ - લેખ ગમી ગયો.ભગવાન બાળકને કોરી પાટી સમું જીવન લઇને જ આ દુનિયામાં મોકલે છે.આપણી એ કોરી પાટી પર રામ અને કૃષ્ણનું નામ હોવું જોઇએ.પણ આપણે આપણી પાટી પર મોહ, માયા, અસંતોષનું લખાણ લખીને ભગવાન સાથેના સંબંઘ તોડી નાખવા પ્રયત્ન કરીએ છીએ.

    જવાબ આપોકાઢી નાખો