Translate

રવિવાર, 3 ડિસેમ્બર, 2017

દાર્જીલિંગ - ગેંગટોક પ્રવાસ (ભાગ - ૧)

દર વર્ષે સપરિવાર આપણાં દેશ ભારતનાં એકાદ નવા રાજ્યમાં વેકેશન માણવું એવા વણલખ્યા નિયમને અનુસરતાં આ વર્ષે ક્યાં જવું તેનાં સંશોધન અને આયોજન દિવાળી અગાઉ જ શરૂ કરી દીધાં હતાં. છતાં થોડું મોડું થઈ જતાં મુંબઈ - બાગડોગરા ફલાઈટસની ટીકીટ ઘણી મોંઘી પડી. પશ્ચિમ બંગાળમાં આવેલ દાર્જીલિંગ અને તેના પડોશી રાજ્ય સિક્કિમનાં ગેંગટોકની યાત્રા આ વર્ષે કરવાનું નક્કી કર્યું હતું. દિવાળીને મારે જન્મ દિવસની સાંજે મુંબઈથી સપરિવાર યાત્રા આરંભી. દસ મહિનાના મારા નાનકડાં નવા ફૅમિલી મેમ્બર હિતાર્થની આ પ્રથમ હવાઈ મુસાફરી હતી. અમારી છ જણ ની ટીકીટ એક જ રો માં વેબ ચેકઇન દ્વારા બુક કરી હતી. મધરાતે કોલકાતા પહોંચ્યા. કોલકાતાથી બાગડોગરાની કનેક્ટીંગ ફ્લાઈટ બીજે દિવસે બપોરે બે વાગે હતી. રાત્રિ રોકાણ માટે એરપોર્ટથી પંદરેક કિલોમીટર દૂર કોલકાતાના ન્યૂ ટાઉન વિસ્તારમાં એક બજેટ હોટલમાં બે રૂમ બુક કર્યાં હતાં. એરપોર્ટથી પીળા રંગની પ્રિ પેડ ટેક્સી બુક કરી એ હોટલ પહોંચ્યા. કોલકાતામાં હજી પ્રિમિયર પદ્મિની તરીકે ઓળખાતી મોટી ગાડીઓ પ્રિપેડ ટેક્સી તરીકે દોડે છે જેમાં બેસી હોટલ પહોંચવાનો અનુભવ મજેદાર રહ્યો. ચાર મુખ્ય મેટ્રો શહેરો પૈકીનું આ પૂર્વીય મહાનગર મને ગમી ગયું. અમારા સૌ ની આ શહેરની એ પ્રથમ મુલાકાત હતી. આખા રસ્તે બંને બાજુએ ભૂરા અને સફેદ રંગની લાઈટ સ્ટ્રીટ લાઇટ તરીકે શોભી રહી હતી. પહેલા તો લાગ્યું દિવાળી છે એટલે એ લાઈટો શોભા માટે, તહેવાર પૂરતી મૂકી હશે પણ ડ્રાઇવર પાસેથી જાણવા મળ્યું કે આ સુંદર લાઇટસ આખું વર્ષ અહીં ની સડકોની શોભા વધારે છે અને રાત્રિ નો પ્રવાસ સુરક્ષિત બનાવે છે. કોલકાતા ના એરપોર્ટથી ન્યુ ટાઉન સુધીનાં એ પ્રવાસમાં એક નવા શહેરની ઝાંખી કરવા મળી જે સુગમ્ય રહી. રસ્તાની બંને બાજુએ ભૂરી - સફેદ સ્ટ્રીટ લાઇટ્સ ઉપરાંત બાગબગીચા અને સુંદર કલાકૃતિઓ પણ જોવા મળ્યાં. સાથે અહીંના મુખ્યમંત્રી મમતા દીદીના બેનર્સ તો ખરાં જ!
હોટલ ઠીકઠાક હતી. રાતે સૂતાં ઘણું મોડું થઈ ગયું હતું પણ મારે કોલકાતામાં પણ બને એટલી જગા જોવી હતી - આ નવા શહેર નો સ્વાદ ચાખવો હતો! એટલે બીજે દિવસે નવાં વર્ષની પ્રથમ સવારે ઓલા કેબ કરી હું નીકળી પડયો કાલી ઘાટ નામની જગાએ જ્યાં કાળકા મા નું મંદિર હતું. રાત્રે કોલકાતાનું એક અલગ સ્વરૂપ જોવા મળ્યું હતું અને અત્યારે દિવસે તેની બીજી નોખી તાસીર જોવા મળી. ડ્રાઇવરે કહ્યું કે મારું નસીબ સારું હતું કે એ રજાનો દિવસ હતો નહિતર એ વિસ્તાર માં એટલો બધો ટ્રાફિક હોય રોજ સવારે કે તમારા કલાકો ગાડીમાં બેઠાં બેઠાં જ પસાર કરવા પડે! બીજી રસપ્રદ વાત એ જાણવા મળી કે ત્યાં મંદીર ની સાવ નજીક મમતા બેનર્જી નું નિવાસ સ્થાન પણ હતું અને ગઈ રાત્રે જ દિવાળી નિમિત્તે તેમને ત્યાં મોટી કાળી પૂજા નું આયોજન થયું હતું. ન્યૂ ટાઉનના પોશ, વિશાળ, ખુલ્લા, સ્વચ્છ વિસ્તારમાંથી હું ગીચ, ગીર્દી ભર્યા અને થોડે ઘણે અંશે અસ્વચ્છ વિસ્તારમાં આવી ગયો. જેવો કાળી મંદિર ની ગલીમાં પ્રવેશ્યો કે ત્રણ-ચાર પંડા બ્રાહ્મણો મને ઘેરી વળ્યાં. એક બ્રાહ્મણ મને માત્ર વીસ રૂપિયા માં શાસ્ત્રોકત પૂજા વિધિ કરાવી મંદીર ના ગર્ભગૃહ સુધી લઈ જવા તૈયાર થઈ ગયો. મેં એની સાથે ચાલવા માંડ્યું. નાનકડી બે-ત્રણ ગલીઓમાં થી પસાર થઈ છેવટે અમે એક દુકાન માં જઈ થંભ્યા જ્યાં તેનું ઘર પણ હતું. બીજા ત્રણ ચાર પુરુષો અને એક મહિલા ત્યાં હાજર હતાં. પરિવાર ગરીબ માલૂમ પડી રહ્યો હતો. તેમણે મને માતાજી ને ચડાવવા ફૂલ હાર ચૂંદડી વગેરેની છાબડી અને પ્રસાદ ખરીદવા આગ્રહ કર્યો. હું ક્યારેય આ બધું કોઈ મંદીર માં ચડાવતો નથી તેથી મેં ના પાડી તો પહેલા તેમણે વધુ આગ્રહ કર્યો ત્યાર બાદ ડરાવવા પ્રયાસ કર્યો એમ કહી કે કાળકા મા ખૂબ ક્રોધાયમાન દેવી છે, તેમના દર્શન કરવા ખાલી હાથે જવાય જ નહીં... પણ મેં તેમને ગુસ્સામાં કહ્યું કે મારે કંઈ જ નથી ખરીદવું અને માત્ર એક પ્રસાદ નું પડીકું લેવડાવી એક ઘરડા બ્રાહ્મણ ને તેમણે મારી સાથે રવાના કર્યો. મારા મનમાં ગુસ્સો, ભક્તિ, વિચારો વગેરે ઘમસાણ મચાવી રહ્યાં હતાં.
થોડું ચાલ્યા ત્યાં મંદીર આવી ગયું. માતાજી ની મૂર્તિ નાં દર્શન કર્યા. તેમનું માત્ર મહોરું અહીં મૂર્તિ સ્વરૂપે હતું અને લાંબી ધાતુની જીભ મોઢા બહાર ચડાવેલી હતી પણ તેમનું સ્વરુપ ડરામણું નહોતું. મંદિર માં ઠીક ઠીક ભીડ હતી. બહાર આવ્યા ત્યારે વરસાદ પડી રહ્યો હતો. જૂતા પહેરવા ફરી પેલી દુકાને જવું પડયું.પંડા બ્રાહ્મણ ને દક્ષિણા અને પેલી સ્ત્રીનાં  હાથમાં બીજા દસ રૂપિયા મૂકી મેં ટૅક્સી પકડવા દોટ મુકી કારણ વરસાદ તો પડી જ રહ્યો હતો પણ ન્યૂ ટાઉનની હોટલથી હું ખાસ્સો આઘો હતો અને સમય કાંઈ થોડો થંભવાનો હતો?
પીળી પ્રે-પેડ ટેક્સી એ શરતે જ કરી કે પહેલા એ મને ન્યુ ટાઉન લઈ જાય અને પછી સપરિવાર ત્યાંથી એરપોર્ટ.અડધા પોણા કલાકની એ મુસાફરીમાં ટેક્સી ડ્રાઈવરે મને કોલકાતા વિશે સારી એવી માહિતી આપી. 

ન્યુ ટાઉન આધુનિક કોલકાતાની તસવીર સમો વિસ્તાર છે જે પહેલાં જંગલ સમો હતો અને થોડા વર્ષો પહેલાં જ ત્યાં આયોજન સાથે રહેણાંક વસાહતો અને ઓફિસની ઇમારતો બાંધવામાં આવ્યાં છે તેથી ત્યાં આધુનિકતા,સ્વચ્છતા,મોકળાશ વગેરેનો અનુભવ થાય. જો કે અગાઉ અહિં જંગલ હોવાને લીધે ઘણી વાર આ વિસ્તારમાં આજે પણ હાથી કે હરણ આવી ચડે છે!
            ટેક્સી ડ્રાઈવરે મને કહ્યું કે મેં સવારના પહોરમાં આટલે આઘે જઈ ફરી એરપોર્ટ જવાનું પણ હોવાથી એક જાતનું જોખમ જ લીધું હતું - ત્યારે મને ભાન થયું કે તેની વાત તો સાચી હતી! અજાણ્યા શહેરમાં સપરીવાર આવ્યાં હોઇએ અને ક્યાંક અટવાયા અને ફ્લાઈટ ચૂકી ગયા તો?! પણ ખરું જુઓ તો મને આવા જોખમો ખેડવાની મજા આવે છે! એટલે જ મારા લગભગ બધાં પ્રવાસો સ્વ-આયોજીત હોય છે, પેકેજ્ડ ટુર્સ સાથે નહિ.
ન્યુ ટાઉન હોટલમાં પહોંચ્યા બાદ પરીવાર સાથે ચા-નાસ્તો કર્યા બાદ એ જ પ્રિ-પેડ ટેક્સીમાં બેસી ફ્લય ઓવર્સ પર ચડતાં-ઉતરતાં કોલકાતાના ડમ ડમ એરપોર્ટ પહોંચી ગયા , દાર્જિલિંગ - ગેંગટોકની સફર ખેડવા માટે!

(ક્રમશ:)

2 ટિપ્પણીઓ: