Translate

રવિવાર, 10 ડિસેમ્બર, 2017

દાર્જીલિંગ - ગેંગટોક પ્રવાસ (ભાગ - ૨)

ભારતના અનેક લોકનૃત્યમાં મહોરાંઓનું આગવું મહત્વ છે. કથકલીમાં મહોરું પહેરવામાં નથી આવતું તો મેક અપ દ્વારા વિવિધ દેવ-દેવી, અસુર કે પ્રાચીન પ્રખ્યાત પાત્રો નાં મહોરાં કલાકારોના અસલી ચહેરા પર ચીતરવામાં આવે છે તો અન્ય છાઉ કે ભવાઈ જેવાં લોકનૃત્ય કે લોક નાટ્ય ભજવતી વખતે કલાકારો કલાત્મક મહોરાં ધારણ કરે છે. બંગાળની સંસ્કૃતિમાં પણ આ મહોરાંઓનું વિશેષ સ્થાન છે. કોલકાતા એરપોર્ટ પર એક ખાસ સ્થંભ ચારે દિશામાં વિવિધ પાત્રોનાં રંગીન ધ્યાનાકર્ષક મહોરાં સજાવી ઉભો કરાયો છે. 
  મહોરું કયા પાત્રનું છે અને તે પાત્ર વિશે વધુ થોડી માહિતી પણ ત્યાં વાંચવા મળે. મહોરાંઓનું મને ખાસ આકર્ષણ, એટલે તેમનો અભ્યાસ કરી થોડો વધુ સમય અન્ય સ્ટોલસ પર પસાર કર્યો ત્યાં બાગડૉગરા ફ્લાઈટનો સમય થઈ ગયો અને એકાદ કલાકમાં અમે પ્રખ્યાત બાગડૉગરા એરપોર્ટ પર પહોંચી ગયાં જે દાર્જીલિંગથી પાંસઠેક, સિલિગુડીથી નવેક અને જલપાઈગુડીથી પિસ્તાલીસ કિલોમીટરને અંતરે આવેલું પશ્ચિમ બંગાળનું પ્રવાસીઓથી ધમધમતું આંતરરાષ્ટ્રીય હવાઈમથક છે. 
 
  પ્રમાણમાં નાનકડા એવા આ એરપોર્ટ બહાર મુંબઈથી એક મિત્રે આપેલા અહિ ટેક્સી સર્વિસ ચલાવતા સ્થાનિક ડ્રાઈવર પ્રતાપદા અમારી રાહ જોતા ઉભા હતાં. તેઓ પોતે તો સાથે નહોતા આવવાના પણ તેમણે અમને સોંપી દીધા તેમના જેવા જ અન્ય દાર્જિલીંગવાસી નેપાળી ડ્રાઈવર લખુને જે એક ખુબ મળતાવડો અને કાબેલ ડ્રાઈવર હતો! હવે પછીના ચારેક દિવસ દાર્જિલિંગની સફર અમને હસમુખા ,વાતોડિયા લખુએ જ કરાવી તેની મોટી મજાની ગાડીમાં.


અમે લગભગ સાડા ત્રણ વાગે બપોરે બાગડોગરાથી દાર્જિલીંગની અમારી યાત્રા લખુની ગાડીમાં પ્રારંભી.એકાદ કલાક જ થયો હશે અને અહિ તો અંધારું થવા માંડ્યું!આપણે ત્યાં સાત-સાડા સાતે હોય એવું વાતાવરણ ત્યાં સાડા ચારે જોવા મળ્યું.અમે એક જગાએ ચા-નાસ્તો કરવા ગાડી થોભાવી.એ જગા સારી એવી ઉંચાઈએ આવેલી હતી.વરસાદી વાતાવરણમાં અમે ત્યાં વાદળાઓની વચ્ચે પહોંચી ચૂક્યા હતાં.વાદળા જ્યારે તમે તેની વચ્ચે હોવ ત્યારે કંઈ આપણને પૃથ્વી પરથી ઉંચે આકાશમાં ઉડતા રૂની પૂણી જેવા સ્વરૂપે જોવા ન મળે! ત્યારે તો એ તમને ગાઢ ધૂમ્મસ જેવા જ જણાય. વાદળાને આંતરી તમે ચાલી રહ્યાં હોવ ત્યારે ધુમાડા વચ્ચેથી તમે પસાર થઈ રહ્યાં હોવ એવી લાગણી થાય. એ નાનકડી હોટલ ત્યાંના સ્થાનિક રહેવાસી પતિ-પત્ની સાથે મળીને ચલાવી રહ્યાં હતાં. અહિ આ પ્રકારના ઉદ્યમી સ્ત્રી-પુરુષો મોટા પ્રમાણમાં જોવા મળ્યાં.પતિ-પત્ની બંને સાથે મળી રસોઈ કરતાં હોય, હોટલ ચલાવતા હોય કે દુકાન સંભાળતા હોય. ચા-નાસ્તો કરી આગળ વધ્યાં અને ત્યાં પાંચ-સવા પાંચ વાગતા તો સાવ અંધારું થઈ ગયું. અહિ લખુ ભાઈની કાબેલિયત છતી થઈ. પહાડી વળાંકો વાળા રસ્તામાં ધીમો ધીમો પડી રહેલો વરસાદ અને વાદળાઓની હાજરી વચ્ચે ગાઢ અંધારું. એમાં કાચાપોચા ડ્રાઈવરનું કામ નહિ! અમને નવાઈ લાગતી હતી લખુને આગળનો માર્ગ કઈ રીતે માલૂમ પડતો હશે!
સૌ પહેલા અમારે જવાનું હતું તીસ્તા હોમસ્ટે. પહાડોનો રસ્તો કાપી દાર્જિલિંગ શહેર પહોંચ્યા તો આજે અહિ પણ અંધારું હતું.કોઈક કારણસર મોટા ભાગના વિસ્તારની વિજળી ગુલ થઈ જવાને કારણે ઘરોની લાઈટ્સ પણ બંધ હતી. છતાં થોડે થોડે અંતરે યુવાનોની ટોળીઓ હાથમાં ગિટાર, બેન્જો કે અન્ય વાજિંત્રો સાથે ચાલતા જોવા મળી. લખુએ માહિતી આપી કે દિવાળી પછી યુવાન-યુવતિઓ આ રીતે ટોળામાં ઘેર ઘેર ઘૂમે છે અને પૈસા ઉઘરાવે છે. ઘેર ઘેર ફરી તેઓ ત્યાં નાચ-ગાન કરે અને શુભાશિષની આપલે કરી શુકનના પૈસા માગી-સ્વીકારી ફરી આગળ વધે. આપણે ત્યાં થોડાં વર્ષો અગાઉ નવા વર્ષનાં દિવસે છોકરા-છોકરીઓની ટોળી આ જ રીતે સાલમુબારક કરવા નિકળતી તેમજ હોળી માટે પણ ઘેરૈયાઓની ટોળી આમ જ દાણ ઉઘરાવવા નિકળતી એ મને યાદ આવી ગયું.
અહિ અંધારામાં પણ દાર્જિલિંગ શહેરની અનન્ય તાસીર અનુભવાઈ જે ભારતના મેં ફરેલા અન્ય હવાઈ સ્થળો કરતાં સાવ નોખી હતી. અહિંના ઘરો ખુબ સુંદર હતાં અને માચીસના બાકસ એકમેક પર ગોઠવી બાળકો જેમ ઇમારતનું મોડેલ બનાવે તેવી સાચુકલી ઇમારતો અહિં પર્વતો વચ્ચે કોતરી કઢાયેલી જોવા મળી!આખા વિસ્તારની એ ખાસિયત કે ઉંચા નીચા ઢોળાવ વાળા રસ્તા પર જ ફરતા ફરતા તમારે આગળ વધવું પડે.અમે તીસ્તા હોમસ્ટે પહોંચ્યા એ પણ રસ્તા પર જ હતું છતાં માલૂમ પડ્યું કે એ તો ઇમારતનો છઠ્ઠો માળ હતો! નીચેના પાંચ માળાઓના ઘરોમાં જવા માટે ઢાળ ઉતરી નીચેથી ઘૂમતા ઘૂમતા જવું પડે!
અમારા યજમાન સુભાષ અગરવાલ દાર્જિલિંગમાં જ સ્થાયી થયેલા મારવાડી વેપારી હતાં જેમનો પોતાનો પેટ્રોલ પંપ હતો અને છેલ્લા થોડા સમયથી પોતાનાં બંગલા જેવા ઘરમાં તેઓ પ્રવાસીઓને ઉતારો આપી હોમસ્ટેના વ્યવસાય સાથે સંકળાયા હતાં. તેમણે ભારે ઉષ્માપૂર્ણ રીતે અમારું સ્વાગત કર્યું અને હવે પછીની એક રાત અમારે તેમના બંગલામાં વિતાવવાની હતી. મેં તેમના બંગલાના પહેલા માળે બે રૂમ બુક કર્યાં હતાં જે ખુબ સ્વચ્છ અને સુંદર હતાં. ખરું જોતા મેં જણાવ્યું એમ એ ઇમારતનો છઠ્ઠો સૌથી ઉપરનો માળ હતો જેની જાણ અમને બીજે દિવસે સવારે થઈ! સુભાષજી સાથે અહિ આવતા પહેલા વોટ્સએપ પર થોડી ઘણી વાતચીત થઈ હતી અને તેમને એડવાન્સ રકમ મેં ઓનલાઈન મોકલી આપી હતી. પણ રુબરુ મળ્યા ત્યારે તેમનો વધુ પરિચય થયો અને તે ખરેખર મળવા જેવા માણસ સાબિત થયા. તેમની ત્રણ દિકરીઓ વિદેશ પરણી સ્થાયી થઈ છે અને હાલ તેમની પત્ની પણ તેમની એક પુત્રીને ત્યાં લંડન હતી પણ અગરવાલજીને  ત્યાં એક સ્થાનિક મહિલા અને તેમની દિકરી નોકરી કરે છે અને તેમણે અમને ગરમાગરમ રસોઇ કરી આગ્રહપૂર્વક ઘરનું સ્વાદિષ્ટ ખાવાનું ખવડાવી ભરપેટ જમાડ્યાં. જેવા જમીને ઉઠ્યાં ત્યાં જ દસ-બાર યુવાનોનું ટોળું વાજિંત્રો સાથે તેમના ત્યાં આવ્યું અને તેમણે ત્યાંની સ્થાનિક ભાષામાં લોકગીત જેવા ગીતો ગાઈ નાચવું શરૂ કર્યું. મને તથા મારા પરિવારને આમાં ખુબ રસ પડ્યો અને અમે પણ તેમની સાથે ગિટાર અને બેન્જોના તાલે ગવાઈ રહેલાં નાચ-ગાનમાં થોડું ઝૂમ્યાં.અગરવાલજીએ તેઓને સારી બક્ષિશ આપી રવાના કર્યાં.
ઠંડી અહિં ખુબ મજાની હતી.દસ-બાર ડીગ્રી ઉષ્ણતામાનને અમે સ્વેટર-શાલ વગેરેમાં સજ્જ થઈ માણ્યું.રાત સરસ રહી.વહેલી સવારે તેમની બાલ્કનીમાંથી સુંદર દ્રષ્ય જોવાની ખુશી અદભુત હતી.તેમના ઘેર બાથરૂમ્સ,પડદા,બાલ્કની, નાનું પુસ્તકાલય,તાપણું,ભીંતચિત્રો,પુજાનો ખંડ,ઘરનાં જુદા જુદા ઓરડાં વગેરે સઘળું સ્વચ્છ, સુઘડ અને સુંદર હોવાને કારણે અમે અહિં કરેલો ટુંકો નિવાસ મન ભરીને માણી રહ્યાં. 

તેમની બાલ્કનીમાંથી દેખાતાં પહાડો, વાદળાં, છૂટ્ટાછવાયા ઝાડ ફિલ્મોમાં જોયેલાં દ્રષ્ય સમાન લાગતાં હતાં અને સવારની તાજી હવામાં અનુભવેલી એ લાગણી એવી જ પ્રતિતી કરાવે કે ઘર તો આવી જગા એ જ હોવું જોઇએ! 

 કેટલી શાંતિ હતી અહિં! ચા-નાસ્તો કરી ફ્રેશ થયાં બાદ સામાન પેક થઈ રહ્યો હતો એટલામાં હું તેમના ઘર બહાર ઢોળાવ નીચે ઉતરી એક નાનકડાં શિવ-મંદીર જઈ આવ્યો 
 જ્યાંથી બારીમાંથી કરેલ પ્રકૃતિ દર્શન જરા વધુ વિશાળ ફલક પરથી ફરી કરવા મળ્યું.રસ્તામાં એક જાડી રૂંવાટીવાળી પૂંછડી ધરાવતી બિલાડી જોઈ તેને રમાડવાનું મન થયું પણ બિલાડીબેન તો એમ હાથમાં આવે ખરાં? લખુભાઈ અમને લેવા આવી ગયાં હતાં અને સામાન સહિત અમે તેમની ગાડીમાં ગોઠવાઈ ગયાં.
અગરવાલજી એ હવે પછીનાં ત્રણ-ચાર દિવસમાં ક્યાં ક્યાં જવું તે સઘળું કાગળ પર લખી આપ્યું હતું તે સાથે લઈ તેમનો આભાર માન્યો અને અમે તેમની વિદાય લીધી.અહિથી લખુ અમને લઈ ગયો મિરીક નામની જગાએ. ત્યાં સરસ મજાનું સરોવર હતું.એક છેડે બગીચો અને બીજે છેડે જંગલ તરફ લઈ જતી સુંદર પગદંડી અને વચ્ચે આ બંને છેડાઓને જોડતો પુલ જેના માથે લીલા રંગના અનેક પતાકા ફરફરી રહ્યાં હતાં ફૂંકાઈ રહેલાં ઠંડા પવન સાથે! પુલ પર ઉભા રહેવાની અને સરોવર તથાં બંને છેડાનાં દ્રષ્યો માણવાની મજા આવી.

 
 

બીજે છેડે પગદંડી પર થઈ જંગલ તરફ લઈ જતાં રસ્તે અડધે સુધી ગયાં પણ પછી સમયની મર્યાદા હતી એટલે છેક ન જતાં ત્યાં જ થોડાઘણાં ફોટા પાડી થોડું-ઘણું જંગલ શ્વાસમાં ભરી પાછા ફરવા પ્રયાણ કર્યું. બાગમાંથી સામે દૂર એક સરસ બંગલો નજરે પડી રહ્યો હતો અને તેનાં ચોગાનમાં આવેલ વિશાળ મેદાનમાં એક યુવાન અશ્વ મુક્ત રીતે ઘાસ ખાઈ રહ્યો હતો- એ દ્રષ્ય મન પર એક અનેરી છાપ અંકિત કરી ગયું. ઠંડી ખુબ સારી પડી રહી હતી.મિરીકથી અમે પાછા ફરતાં એક જગાએ રોકાયા અને જતી વખતે એક શિવ-મંદીરનું પાટીયું જોયું હતું ત્યાં જવાની ઇચ્છા મેં પ્રગટ કરી. લખુએ ત્યાંથી પસાર થઈ રહેલી બે સ્થાનિક અલ્લડ કિશોરીને મંદીર કેટલું દૂર છે તે પૂછ્યું અને તેમણે માહિતી આપી કે તે નજીકમાં જ છે. તેઓ એ જ રસ્તે આગળ જઈ રહી હતી તેથી તેમની સાથે પણ એક બે ફોટા પડાવી અમે શિવ મંદીર જવા એ માર્ગે પગપાળા પ્રયાણ કર્યું..રસ્તો ખાસ્સો ઢોળાવ વાળો હતો.આવા રસ્તાઓ પર ચાલવું અને ખાસ કરીને તો વાહન ચલાવવું પણ ખુબ અઘરું સાબિત થતું હશે એવો વિચાર મને આવ્યો. રસ્તાની બંને બાજુએ ચાના બગીચા તથા અન્ય લીલાછમ ઝાડ-છોડ અને પુષ્પલતાઓ જોવા મળ્યાં.
 
 
 
 

થોડે દૂર આવેલું મંદીર આમ તો બંધ હતું પણ અમે બહારથી દર્શન કર્યાં અને ત્યાંના વાતાવરણની પવિત્રતા,શાંતિ અને સુંદરતા મનમાં ભર્યાં.
એ પછી અમે નેપાળની સરહદ પાર કરી ત્યાંના પશુપતિબજાર ગયાં અને ભારત બહારના કોઈ દેશમાં પગ મૂક્યાંની ગૌરવભરી લાગણી સાથે આગળ વધ્યાં પણ ભાઈબીજની રજા હોવાને લીધે અહિ ચકલુંયે ફરકતું નહોતું. આખું બજાર બંધ! અમે થોડે આગળ ગયાં બાદ પરત ફર્યાં થોડી નિરાશા સાથે, નેપાળમાં જઈ કંઈ વધુ જોયા-કર્યા વગર જ પાછા ફરી રહ્યાં હતાં એવી લાગણી સાથે. 

પણ આગળ વધતાં આ પ્રદેશની ખુશનુમા હવાએ એ લાગણી ઝાઝો સમય ટકવા ન દીધી.


(ક્રમશ:)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો