Translate

શનિવાર, 23 ડિસેમ્બર, 2017

દાર્જીલિંગ - ગેંગટોક પ્રવાસ (ભાગ - 3)

ફૂલો ઇશ્વરનું પૃથ્વીની શોભા વધારવા કરાયેલું શ્રેષ્ઠ સર્જન છે. પહાડો પર વસતા લોકો ને ફૂલો પ્રત્યે કદાચ વિશેષ લગાવ હશે એટલે  સ્વિત્ઝર્લેન્ડમાં જેમ લોકો પોતાના ઘરની બાલ્કની વિશિષ્ટ રીતે રંગબેરંગી ફૂલોથી સજાવતા જોયા હતાં તેમજ દાર્જીલિંગ માં પણ લગભગ દરેક ઘરની બાલ્કની કે આંગણું સુંદર વિવિધરંગી ફૂલોથી શણગારેલું જોયું. પીળાં રંગનાં ફૂલો ઝૂમખામાં કેટલાંક ઘરની બહાર એટલાં આકર્ષક લાગી રહ્યાં હતાં કે નેપાળ સરહદે થી પાછાં ફરતી વખતે એક જગાએ ગાડી રોકીને ખાસ ફૂલોનાં ફોટા પાડયાં

દિવસ નું છેલ્લું પોઇન્ટ હતું જોરે પાખરે પોઇન્ટ જ્યાં તેના નામ પ્રમાણે (જોર એટલે ત્યાંની સ્થાનિક ભાષામાં બે અને પોખરે એટલે તળાવ) બે તળાવ હતાં, એક મંદીર અને તેની આસપાસ નો સુંદર બાગ. ભાઈબીજની રજાને લીધે કે પછી ગોરખા આંદોલનને પગલે અહિં પણ બધું જ બંધ હતું. મિરિક સરોવર પાસે તો ગણ્યાં ગાંઠયા સહેલાણીઓ જોવા મળ્યાં હતાં પણ અહીં તો અમે એકલા હતાં. ધીમો ધીમો વરસાદ અને વાદળોનું ધુમ્મસ અમને કંપની આપી રહ્યાં હતાં! ધુમ્મસ એટલું ગાઢ હતું કે સો બસો મીટર આગળ કોણ ઉભું છે પણ ના ઓળખાય. શિવ પરિવાર અને કાળકા મા ની મૂર્તિ ના દર્શન કર્યા બાદ દાદરા ઉતરી નીચે જવાનું હતું જ્યાં જોરે પાખરે દેવી નું વિશાળ મંદિર હતું.



અહીં ઘણાં નાના મોટા દેરા ઓનાં દર્શન કરી ફરી ઉપર આવ્યાં જ્યાં એક  સુંદર તળાવ જોવા મળ્યું જેમાં અધવચ્ચે શેષ નાગ ની મોટી ફેણ વાળી મૂર્તિ બનાવેલી હતી. ઠંડી ખૂબ લાગી રહી હતી અને ત્રણેક વાગવા છતાં હજી અમે સારી હોટલ મળતાં  જમ્યા હોવાથી ભૂખ્યાં હતાં. પેલા પહેલા તળાવની આગળ પણ જોવા જેવું ઘણું હશે તેમ છતાં વિસ્તાર તદ્દન નિર્જન અને મોસમ વિષમ હોવાથી ફરી ગાડી માં ગોઠવાયા અને દાર્જીલિંગ ભણી આગળ વધ્યાં. માર્ગમાં નાનકડી હોટલમાં આચરકૂચર ખાઈ-ચા પાણી પી પેટ ભર્યું અને રાત્રે વ્યવસ્થિત ભોજન લેવાનો નિર્ણય લઈ સ્ટર્લિંગ હોટલ જવા પ્રયાણ કર્યું જ્યાં અમારે હવે પછીના બે-ત્રણ દિવસ રોકાવાનું હતું.
સ્ટર્લિંગ રીસોર્ટની મોટા ભાગની રીસોર્ટ્સ જે-તે મુખ્ય શહેરથી ખાસ્સી દૂર રળિયામણા વિસ્તારમાં હોય છે.અહિ તો આખું દાર્જિલિંગ રળિયામણું હતું!અહિં સ્ટર્લિંગની ખુશાલય રીસોર્ટ ધુમ નામના પરામાં આમતો સહેલાઈથી પહોંચી શકાય એવા વિસ્તારમાં હતી. પણ મુખ્ય હોટલ પ્રવેશદ્વારથી અડધા કિલોમીટર જેટલા અંતરે અને ખાસ્સી ઉંચાઈ પર હતી.ત્યાં પહોંચવા ગાડીએ ભયંકર ઢાળ ચઢવા પડે!તમે પગે ચાલીને ઉતરી તો જાવ પણ ફરી ચઢીને જતા દમ નિકળી જાય! અહિં પ્રવેશદ્વારની બાજુમાં સેંકડો વર્ષ જૂની ઘુમ મોનસ્ટરી હતી.જે અતિ લોકપ્રિય છે.અમે પહોંચ્યા ત્યારે તો પાંચેક વાગ્યામાં ભર-રાત જેવું અંધારું થઈ ગયું હતું અને ધુમ્મસ પણ ખુબ હોવાથી સવારે દર્શન કરવા આવવાનું નક્કી કર્યું અને ખુશાલયમાં ચેક - ઇન કર્યુંરીસેપ્શન પર ગરમાગરમ સુગંધીદાર બ્લેક ટીના વેલકમ ડ્રીન્ક સાથે અમારું સ્વાગત કરાયું.અહિંનું વાતાવરણ ખુશનુમા અને પોઝીટીવ હતું. પાછળ મનને શાંત કરી દે એવી બૌદ્ધ મંત્રોની સૂરીલી ધૂન વાગી રહી હતી. હોટલમાં અમે ડુપ્લેક્સ જેવો ફેમિલી રૂમ પસંદ કર્યો.રાતે ધરાઈને જમ્યાં અને પછી ઘસઘસાટ ઉંઘી ગયાં!
            બીજે દિવસે સવારે હું થોડો વહેલો ઉઠી પગે ઉતરીને ધુમ મોનસ્ટરી જઈ આવ્યો.અહિં બુદ્ધની વિશાળ પ્રતિમા હતી.આસ પાસ તેમના શિષ્ય અને અનુયાયીની પણ વિશાળકાય પ્રતિમાઓ શોભી રહી હતી. નામ પ્રમાણે જ આ મોનસ્ટરી અતિ પ્રાચીન હતી.અહિં એક મોટો જૂનો પ્રાર્થનાનો બેલ હતો જે ભક્તો હાથ દ્વારા ઘૂમાવી શકે. મંદીરની બહાર બંને બાજુએ આવા નાના કદના પોતાની ધરી પર ઘૂમી શકે એવા પ્રેયર બેલ્સની હાર હતી.ભક્તજનો પ્રાર્થના કરી દરેક બેલને વારાફરતી ઘૂમાવે. મને આ પ્રથા ખુબ ગમી.ફરી હોટલે પહોંચવા બે માળ જેટલી ઉંચાઈ સર્પિલાકારના ઢાળ ચઢીને સર કરી!ત્યાંથી અમે નિકળ્યા લખુ સાથે ગાડીમાં બેસી દાર્જિલિંગની બીજા દિવસની સફરે.
પહેલા જઈ પહોંચ્યા અહિના પ્રખ્યાત પદ્મજા નાઇડુ ઝુલોજિકલ પાર્ક અને તેની સાથે આવેલા હિમાલયન માઉન્ટેનિયરીંગ ઇન્સ્ટીટ્યુટ.

 અહિનું પ્રાણીબાગ ખુબ ગમ્યું અને ઉપરથી ખુલ્લા પણ ખાસ્સા નીચાણ વાળા પાંજરામાં મુક્ત વિહરતા અલગ પ્રકારના પર્વતીય પ્રાણીઓ જોવાની ખુબ મજા પડી.ખાસ હતું અહિં નું રેડ પાન્ડા. નાનકડું મોટે ભાગે ઝાડ પર રહેતું સુંદર ટેડીબેર જેવું પાન્ડા પ્રદેશની ખાસિયત છે અને તેને જોવા લોકો દૂર દૂરથી અહિં આવે છે.દુર્લભ એવો રોયલ બંગાલ ટાઈગર જોવા ખુબ મથ્યાં પણ ક્યાંક તેના વિશાળ પાંજરામાં બનાવાયેલી ગુફામાં બેઠો હશે એટલે દેખાયો નહિ.પર્વતીય દીપડો,હિમાલયન ગોરલ,માર્ખોર,સાબર,બ્લુ શીપ,યાક, હિમાલયન વુલ્ફ,જેકલ,ભસતું હરણ  








 વગેરે જેવા ઘણાં પ્રાણીઓ તેમના કુદરતી આવાસમાં હોય તેવા પાંજરાઓમાં નિહાળવાની મજા આવી.પંખીઓનું ,સાપોનું અને જુદી જુદી જાતની બિલાડીઓના અલગ અલગ વિભાગો જોવાની પણ મજા પડી.હિમાલયન માઉન્ટેનિયરીંગ ઇન્સ્ટીટ્યુટમાં પર્વતારોહણને લગતા કોર્સ ચાલે છે અને અહિ એક મોટું સરસ મ્યુઝિયમ છે જેની મુલાકાત રસપ્રદ રહી.
ત્યાંથી લખુ અમને લઈ ગયો રોપવે જવા પણ વિષમ વાતાવરણને લીધે બંધ હતું.ત્યાંથી આગળ અમે ચાના બગીચા જોવા ગયાં.જ્યાં ટેકરી પર ચાની ખેતી કરવામાં આવે છે અને તેમાં પર્યટકો માટે ખાસ પગથીઓ બનાવવામાં આવી છે.ત્યાં જઈ તમે ચાના બગીચા જોઈ શકો,ફોટા પડાવી શકો અને પરવત પરથી દેખાતા સુંદર દ્રષ્યોને પણ માણી શકો.દરેક બાગ સાથે જે-તે માલિકની ચાની દુકાન હતી  
 અને અહિ તમે ચાનો આસ્વાદ માણી શકો તેમજ દાર્જિલિંગની પ્રખ્યાત ચા ખરીદી ઘેર પણ લઈ જઈ શકો.
ત્યાંથી પાછા ફરતાં બજાર વાળા વિસ્તારમાં આવ્યા અને અહિં લુનાર નામની પ્રખ્યાત શુદ્ધ શાકાહારી રેસ્ટોરેન્ટમાં જમ્યાં.
 



 ત્યાંથી બજારમાં થોડું આમતેમ ફરી જાપાનીઝ ટેમ્પલ જવા રવાના થયાં.
જાપાનીઝ ટેમ્પલમાં એક ખુબ સરસ અનુભવ થયો.અહિં ચોખ્ખાઈ,પવિત્રતા અને શાંતિ આંખે ઉડીને વળગે એવા હતાં અને તેની અનુભૂતિ મનને પ્રસન્ન બનાવી રહી હતી.અમે ત્યાં બરાબર સાડાચારે પહોંચ્યા અને ત્યારે ત્યાં એક પ્રકારની આરતીની શરૂઆત થઈ.ત્યાંના એક ધર્મગુરુની મૂર્તિની સામે અમે બેઠક ધારણ કરી અને ત્યાંના મોન્ક પુજારીએ અમને ઇશારો કરી પ્રાર્થનામાં એક ખાસ પ્રકારનું વાદ્ય વગાડી જોડાઈ જવા જણાવ્યું.પ્રાર્થનામાં એક બૌદ્ધ મંત્રનો ચોક્કસ લય તાલમાં ઉચ્ચાર કરતા કરતા ગાવાનું હતું 'નમુ મ્યો હો રેન્ગે ક્યો'.સાથે પેલું ડફલી જેવું વાદ્ય સાથે આપેલા દંડાને તેના પર ફટકારી વગાડવાનું હતું.અમને નવા અનુભવની ખુબ મજા પડી.અમે પરીવારના પાંચે સભ્યો વગાડી મંત્ર ગાઈ રહ્યાં હતાં જ્યારે નાનકડો હિતાર્થ મુગ્ધ ભાવે આશ્ચર્ય પૂર્વક નિહાળી-સાંભળી અમારી આસપાસ જમીન પર બિછવેલા પાથરણા પર ઘૂમી રહ્યો હતો.અમે વિચારી રહ્યા હતાં કે પ્રાર્થના કેટલી લાંબી ચાલશે ત્યાં અન્ય એક યુગલ આવ્યું તે પણ અમારી સાથે જોડાયું અને થોડી વારમાં વાદ્ય મૂકી મૂર્તિના દર્શન કરી ત્યાંથી ચાલતું થયું.પછે તો અમે પણ તેમને અનુસર્યાં!પણ જો તેઓ આવ્યા હોત તો ખબર નહિ કેટલી વાર સુધી અમે ત્યાં બેસી કીર્તન ગાઈ રહ્યાં હોત
 
  
  
ત્યાંથી બહાર આવી સ્તુપના અને તેની આસપાસ ગોળાકારે બુદ્ધની વિવિધ મુદ્રાધારી પ્રતિમાઓના દર્શન કર્યાં. ઓડિશામાં થોડા સમય અગાઉ મેં કરેલા ધૌલાગિરીના શાંતિ સ્તૂપ જેવો જ આ સ્તુપ હતો.
મંદીરની બહાર આવવાનો રસ્તો સુંદર જંગલ જેવા વિસ્તારમાંથી થઈને જતો હોય એવો હતો અને અહિં ખાસ્સ ઉંચા ત્રીસ થી પચાસ ફીટ ઉંચા ખાસ પ્રકારના દેવદાર જેવા લાગતાં ઝાડ હતાં.મેં અહિ થોડું ચાલીને બહાર આવવાનું પસંદ કર્યું.અંધારું થવામાં હતું અને અહિં બીજા દિવસનું દાર્જિલિંગ દર્શન પુરું થયું.

 (ક્રમશ:)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો