Translate

રવિવાર, 28 જૂન, 2015

સ્નેહ સાગર સોસાયટીની બાળકીઓ સાથે જન્મદિવસની ઉજવણી


પાછલાં ત્રણ વર્ષની જેમ વખતે પણ નમ્યાનો જન્મદિવસ અનોખી રીતે ઉજવવાની ઇચ્છા હતી. તેનો બીજો જન્મ દિવસ ૨૦૧૨માં મલાડ પશ્ચિમમાં આવેલા દયાવિહાર આશ્રમના ૨૮ બાળકો સાથે મનાવ્યો હતો, ત્રીજો જન્મદિવસ ૨૦૧૩માં મલાડ પૂર્વના ડ્રીમ્સ હોમની પચ્ચીસેક કન્યાઓ સાથે ઉજવ્યો હતો અને ગયા વર્ષે તેનો ચોથો જન્મદિવસ ૨૦૧૪માં ગોરેગામ પશ્ચિમમાં રહેતી ડીઝાયર સંસ્થાની એડ્સ પિડીત પણ જીવનથી ભરી ભરી બાળકીઓ સાથે મનાવ્યો હતો. વર્ષે આવા કોઈક અન્ય નવા ઠેકાણાને શોધવાની મહેનત ચાલુ કરું એ પહેલાં મારા ઓફિસના એક મિત્રે મલાડ પશ્ચિમની સ્નેહ સાગર સોસાયટી નામની એન.જી.ઓ.સંસ્થા વિશે વાત કરી અને મને નમ્યાનો પાંચમો જન્મદિવસ ઉજવવાનું ઠેકાણું મળી ગયું!

સ્નેહ સાગર સોસાયટી સંસ્થાનાં માલવણી,મલાડ ખાતે એક ભાડાનાં ઘરમાં નન સિસ્ટર રીટા  તેમના અન્ય ત્રણ યુવતિઓના સ્ટાફ સાથે કુલ પંદર અનાથ કે તરછોડાયેલ બાળકીઓના પાલક તરીકેની પવિત્ર ફરજ બજાવે છે.

મેં આમ તો નમ્યાના જન્મદિવસે રજા લઈ તેની સાથે આખો દિવસ ગાળવાનું નક્કી કર્યું હતું પણ દિવસે મારી ઓફિસ તરફથી મને કોર્પોરેટ ટ્રેનીંગમાં મોકલવાનું નક્કી થયું હતું અને મહત્વનું હોવાથી મેં આખો દિવસ ટ્રેનીંગ અટેન્ડ કરી સાંજે બને એટલી ઝડપથી હું ઘેર આવી ગયો અને ભાડાથી ગાડી બોલાવી તેમાં ખાવાનું તેમજ બાળકીઓને આપવાની સામગ્રી વગેરે લઈ અમે સ્નેહસાગર જવા રવાના થયા. ભાડાની ગાડીનો ઉલ્લેખ કર્યો તેનું કારણ અતિ ઉપયોગી એવી નવી સુવિધા ભરી સેવા ખુબ ગમી ગઈ અને તેના પર હું ટૂંક સમયમાં અલાયદો બ્લોગ લખીશ. સદનસીબે સાંજે વરસાદ નહોતો. છતાં મલાવણીના પોસરી તળાવ નજીક આવેલ સ્નેહસાગર સોસાયટીના હરે રામ હરે ક્રુષ્ણ સોસાયટીમાં આવેલા ભાડાનાં ઘર તરફ જતાં ગાડી વગર અમને તકલીફ પડી હોત. પાણી-કાદવથી ભરેલ ખાબોચિયામાં ગાડીમાં બેસેલા હોવાથી પગ ખરાબ કર્યાં વગર અમે નિયત સ્થાને પહોંચી શક્યા.


થોડા વખત પહેલા વોટ્સએપ પર એક વિડીઓ જોયેલો એમાં એક સરસ વાત કરેલી જે મને સ્પર્શી ગઈ હતી તેને અનુસરતા વર્ષે બર્થ ડે કેક કાપતી વેળાએ ભારતીય પરંપરામાં જેનું વિશેષ મહત્વ છે દિવ પ્રગટાવી જન્મદિવસ મનાવવાનું નક્કી કર્યું હતું. ઓનલાઈન ઓર્ડર કરેલી કેક તો અમારી પહેલાં ત્યાં સીધી પહોંચી ગઈ હતી! નમ્યાનો પાંચમો જન્મદિવસ હતો એટલે પાંચ દિવડા પ્રગટાવ્યા બાદ તેણે કેક કાપી અને સ્નેહ સાગર સોસાયટીની સૌ બાળકીઓ તથા અમારાં સૌના તાળીઓ તથા શુભેચ્છા ગાનને માણતાં માણતાં નમ્યાએ હરખ ભેર કેક કાપી અને સૌને ખવડાવી અને પોતે પણ ખાધી!

બાળકીઓ સાથે બેસી તેમની સાથે પરિચય કર્યો અને વાતો કરી જાણ્યું કે મોટા થઈને તેમનામાંની કેટલીકને ડોક્ટર તો કેટલીકને ટીચર તો વળી કેટલીકને પોલીસ બનવું હતું.તેઓ અહિની લોકલ શાળામાં મરાઠી કે અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતી હતી. મેં જ્યારે નમ્યાનો જન્મદિવસ તેમની સાથે ઉજવવાની વાતચીત તેમની સાથે કરી ત્યારે તેમને ત્યાં ત્રણ વર્ષથી ચૌદ વર્ષની વયજૂથની અગિયાર બાળકીઓ હતી.પણ નમ્યાના જન્મદિવસે જ સવારે એક સમાજસેવક તેમને ત્યાં પાંચ મુસ્લીમ બાળકીઓને મૂકી ગયો. તેમની માતા પોતાના બાળકો પૈકી એક છોકરાને પોતાની સાથે લઈ પાંચ છોકરીઓને બેવડા પતિ પાસે છોડીને અન્ય યુવક સાથે ભાગી ગઈ અને પાંચ નિરાધાર બાળકીઓને તેમની અપંગ વ્રુદ્ધ ફોઈ કે દારૂડિયો બાપ સાચવી શકે તેમ હોવાથી સમાજસેવક માનખુર્દના તેમના ઘરેથી મલાડના સ્નેહ સાગર સોસાયટીના નિરાધાર બાળકોના આવાસ ખાતે મૂકી ગયો. ત્રણથી દસ વર્ષની માથે બોડી એવી પાંચે બાળકીઓ ખૂબ વહાલી લાગે એવી હતી. તો તેમને મૂકીને ચાલી જતાં તેમની માનો જીવ કઈ રીતે ચાલ્યો હશે? ખેર આવી તો કહાની ત્યાં વસતી દરેક બાળકીની હતી.

ખાસ બચ્ચીઓ માટે મારા લેપટોપ પર તેમને મજા પડે તેવા કેટલાક મરાઠી અને અંગ્રેજી બાળગીતો-વાર્તાઓ તેમજ કાર્ટૂન્સ તૈયાર રાખ્યાં હતાં. વાતચીત કર્યાં બાદ અમે સૌએ સાથે બેસી જોયાં-માણ્યાં. નમ્યા અને તેના પિત્રાઈ ભાઈ ધવલે બાળકીઓને પોએટ્રી-સ્ટોરી બોલી સંભળાવ્યાં અને પછી અમે સૌ સાથે બેસી થેપલાં-સૂકી ભાજી-બિરિયાની-રસગુલ્લાનું ડીનર એન્જોય કર્યું! ખૂબ મજા પડી. પછી નમ્યાએ અમે બાળકીઓ માટે લઈ ગયેલા રમકડાં-કૂદવાના દોરડાં-અભ્યાસ માટે નોટબુક્સ-પાટી-સ્ટેશનરી વગેરે ભેટો બધાંને આપી અને નમ્યાના જન્મદિવસને સુંદર રીતે ઉજવ્યાનાં આનંદ અને સંતોષ સાથે અમે ઘેર પાછા ફર્યાં.

થોડી માહિતી સ્નેહ સાગર સોસાયટી વિશે આપી દઉં. સિસ્ટર માર્થા માંડલ નામના સેવાભાવી નન દ્વારા ૧૯૯૯માં સ્નેહ સાગર સોસાયટીની સ્થાપના કરવામાં આવી હતી અને ૨૦૦૧માં તે એક સંસ્થા તરીકે રજિસ્ટર્ડ થઈ. ગરીબ સ્ત્રીઓને સશક્ત બની આર્થિક સ્વતંત્રતા પ્રાપ્ત કરી શકે તે માટેનું કોચીંગ આપતા વર્ગ સિસ્ટર માર્થા ચલાવતા અને તેમણે ઝૂંપડપટ્ટીના ગરીબ બાળકોને મફત શિક્ષણ આપતાં આપતાં એક બાળવાડીની સ્થાપના પણ કરેલી. જેમાંથી સ્નેહ સાગર સોસાયટીનો પાયો નંખાયો. આ સંસ્થા આજે મલાડના માલવણીમાં ભાડાનાં ઘરમાં અનાથ અને નિરાધાર બાળકોને આશ્રય આપે છે. વસઈ ખાતે તેમનો વધુ મોટો આશ્રમ છે જ્યાં વધુ બાળકો રહે છે અને ભણે છે. આ સંસ્થા મીરા રોડ અને નાયગાવ ખાતે વ્રુદ્ધાશ્રમ પણ ચલાવે છે. નાસિક-અહમદનગર ખાતે પણ તેમના એક કેન્દ્રમાં તેઓ એઈડ્સ પીડિત બાળકોને આશ્રય આપે છે. આ સંસ્થા વિશેની વધુ માહિતી તેમની વેબસાઈટ www.snehasagarsociety.org પર મળી શકશે અને તેમના મલાડના કેન્દ્રની મુલાકાત લેવા કે તેમને મદદ કરવા સિસ્ટર રીટાનો 9757257503 આ નંબર પર સંપર્ક થઈ શકશે.

રવિવાર, 21 જૂન, 2015

એક મુસ્લીમ યોગ-શિક્ષકની વાત


આજે ૨૧મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવાઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી પ્રસંગને લઈ પ્રચાર અને પ્રસાર માધ્યમોમાં ખાસ્સી ચર્ચાઓ અને ઉત્સુકતા જોવા મળ્યાં છે. કેટલાક મુસ્લીમ નેતાઓએ યોગને હિન્દુત્વવાદી ગણાવી તેની સાથે જોડાવાની અનિચ્છા પ્રગટ કરતા મુદ્દે સારો એવો વિવાદ પણ જાગ્યો છે. ત્યારે મારે આજે વાત કરવી છે યોગ શિખવતા એક મુસ્લીમ યુવાનની. નદીમ ખાન નામનાં જાતે મુસ્લીમ યુવાને પોતાની કોર્પોરેટ જગતની કારકિર્દી છોડી યોગને માત્ર પોતાનો જીવનમંત્ર નથી બનાવ્યો પણ તે અન્યોને શિખવવાનું શરૂ કરી તેને પોતાની આજીવિકા રળવાનું સાધન પણ બનાવ્યું છે. હું પોતે હાલમાં તેમની પાસે મારી ઓફિસ દ્વારા આયોજીત યોગશિબિરમાં યોગ શિખી રહ્યો છું.

૨૯ વર્ષના નદીમ ખાન મધ્યપ્રદેશના બૈતુલ નામનાં ગામડામાંથી કારકિર્દી બનાવવા અન્ય યુવાનોની જેમજ વર્ષ ૨૦૦૭માં દિલ્હી જઈ પહોંચ્યા અને ત્યાં વિમા ક્ષેત્રના એક બી.પી..માં જોડાઈ તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.પહેલેથી તેમને રમતગમતનો શોખ હતો અને કોલેજકાળમાં તે બાસ્કેટબોલ ખુબ પસંદ કરતા હતા.કોર્પોરેટ વર્લ્ડમાં પ્રવેશ્યા બાદ ક્યારેક દિવસની ડ્યુટી-ક્યારેક રાતની  ડ્યુટી,કામના બોજ વગેરે ને લીધે જીવન શૈલી અનિયમિત બની જતાં તેમણે સ્વાસ્થ્ય જાળવવા જીમ જોઇન કર્યું હતું પણ સાથે તેમને પીઠની પીડા ખુબ સતાવતી. પછી પાંચ- વર્ષના સમય ગાળામાં તેમણે ત્રણેક નોકરી બદલી પણ તેમનો જીવ ક્યાંય ચોંટ્યો નહિ. દિલ્હીમાં તે  જીમમાં જોડાયેલા ત્યારથી તેમના જીમ પ્રશિક્ષકે તેમને યોગમાં રસ જગાવ્યો હતો. અને કોર્પોરેટ જગતમાં વિતાવેલા પાંચેક વર્ષ દરમ્યાન તેમણે યોગને લઈ સારો એવો અભ્યાસ કર્યો.જાતે યોગાસનો શિખ્યાં અને યોગ કરતાં કરતાં તેમને પીઠના દર્દમાં જે રાહત અનુભવાઈ તેને લઈ તેઓ યોગનાં ચાહક બની ગયા. નસીબ તેમને વર્ષ ૨૦૧૩માં મુંબઈ લઈ આવ્યું અને એક મિત્ર સાથે વસઈમાં તેમણે યોગ શિખવવાની શરુઆત કરી.પછી તો મિત્ર  કાયમી ખાતે વિદેશ જતા રહેવાને કારણે વસઈનાં 'આર્ટ ઓફ યોગ'કેન્દ્રની પૂરી જવાબદારી નદીમ ખાન અને  તેમની  પત્ની પર આવી ગઈ. અલ્લાહની રહેમતથી બે વર્ષમાં તેમણે યોગ શિખવવાનાં ક્ષેત્રે સારી સફળતા હાંસલ કરી છે અને માત્ર બે હજાર રૂપિયાની માસિક આવકથી જે નવી  દિશામાં  જવાનું સાહસ ખેડેલું તેમાં સારી એવી સિધ્ધી હાંસલ કરી તેઓ પોતાના નવા જીવનમાં ખુબ ખુશ અને સંતુષ્ટ છે.

આજે વસઇનાં તેમનાં આર્ટ ઓફ યોગ કેન્દ્રમાં તેઓ ૩૦થી વધુ લોકોને યોગ શિખવે છે તેમજ વ્યક્તિગત ધોરણે તેમજ કોર્પોરેટ સંસ્થાઓમાં જઈને પણ યોગ શિખવી તેનો પ્રસાર કરે છે.

નદીમ કહે છે યોગ શબ્દ મૂળ 'યુજ' શબ્દ પરથી ઉતરી આવ્યો છે જેનો અર્થ થાય છે જોડાવું.યોગ એટલે તન ,મન અને આત્માનું જોડાણ.સાચા યોગ દ્વારા તમે તમારા આત્માની સાચી ઓળખ પામી શકો છો. યમ (નૈતિક શિસ્તપાલન), નિયમ (સ્વ-નિરીક્ષણ), આસન (શરીરની સ્થિતી), પ્રાણાયામ (શ્વાસ નિયંત્રણ), પ્રત્યાહાર (ઇન્દ્રીય નિગ્રહ), ધારણા (એકાગ્રતા), ધ્યાન (મેડીટેશન), સમાધિ (ખુશી અને શાંતિની સ્થિતી) -  આઠ યોગનાં અંગો કે અવયવો ગણાય છે. યોગ તમને જીવન જીવવાની સાચી રીત શિખવે છે,તમારી જિંદગી ખુશહાલ બનાવે છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો યોગને આંતરરાષ્ટ્રીય ફલક સુધી લઈ જવા બદલ નદીમ ખાન આભાર પ્રગટ કરે છે! તે જણાવે છે મોદી આટલા કાર્યક્ષમ છે અને સદાયે તરોતાજા અને ઉર્જાસભર જણાય છે તેનું મૂળ કારણ યોગ છે. મોદી સાહેબ વર્ષોથી નિયમિત યોગ કરે છે.

યોગ ને લોકો સાચી રીતે સમજતા નથી વાતનું નદીમ ખાનને દુ: છે.તે જણાવે છે 'યોગા' યોગ નથી.વિદેશમાં જઈ યોગ યોગા બની ગયો. વાતનો તેમને ભારે અફસોસ છે કે આપણી પ્રાચીન વિદ્યા વિદેશ ગયા બાદ હવે આપણે તેને અપનાવવા તરફ વળ્યા છીએ.શિલ્પા શેટ્ટી કે બિપાશા બાસુની અંગ કસરતોની સી.ડી. જોઈ યોગ શિખી શકાય નહિ અને એમ કરવાની કોશિશ પણ કરવી જોઇએ નહિ.યોગ કોઈ સારા અને સાચા પ્રશિક્ષક કે ગુરુ પાસે થી શિખી અને આચરણમાં મૂકવાની શરૂઆત કરવી જોઇએ.

છેલ્લે મેં જ્યારે તેમને પૂછ્યું કે મુસ્લીમ તરીકે યોગ અપનાવી તેમને કેવી લાગણી થાય છે અને હાલમાં ચાલી રહેલા વિવાદ અંગે તેમના શા વિચાર છે ત્યારે તેમણે જણાવ્યું યોગ અપાનવ્યા બાદ તેમનું આખું જીવન બદલાઈ ગયું છે અને તે પોતાની જાતને સાચી ઓળખી શક્યા છે.તેમના મતે યોગને કોઈ પણ ધર્મ સાથે સાંકળવો તદ્દન અયોગ્ય છે. અને ગાયત્રી મંત્ર મારી સામે બોલી જઈ તેઓ કહે છે મંત્રો જો કોઈએ (મુસ્લીમે) બોલવા હોય તો તેમણે માત્ર તેનો ઉચ્ચાર કરવો, તેની સાથે ભાવ જોડવો. સૂર્ય નમસ્કાર પણ એક કસરતની જેમ કરી જાઓ તો કોઈ ધર્મની ક્રિયા નહિ લાગે. જો કોઈક ક્રિયા તમારા સ્વાસ્થ્ય અને શરીર માટે ફાયદાકારક હોય તો તેને કોઈ પણ ધર્મ સાથે સાંકળતા અપનાવવામાં કોઈ સંકોચ કરવો જોઇએ નહિ. તેઓ માને છે વિરોધ કરનારા મુસ્લીમો યોગને સમજ્યા નથી,જો તેઓ સમજ્યા હોત તો વિરોધ કરત નહિ અને સમજ્યા નથી તો વિરોધ કરવો જોઇએ. વાદ-વિવાદને તેઓ રાજકીય રંગે રંગાયેલો મુદ્દો પણ ગણે છે.

બી.કે.એસ. ઐયંગર, પતંજલિ વગેરે પાસેથી યોગ વિશે ઘણું શીખેલા નદીમ ખાન મારી સાથે તેમજ તેમની પાસે યોગ શિખી રહેલા મારા અન્ય ઓફિસના મિત્રો સાથે એક-બે પ્રેરણાત્મક વિડીઓ શેર કરે છે જેમાં ત્રાણું વર્ષનાં તામિળનાડુના નાનામ્મલ નામનાં ભારતીય ડોશીમા સાડલો પહેરીને ત્રણ વર્ષનાં બાળક જેવી ત્વરાથી યોગ કરતાં બતાવાયા છે. અન્ય એક વિડીઓમાં તાઓ પોર્ચોન લિન્ચ નામક ૯૬ વર્ષનાં વિદેશી ડોશીમા વિવિધ યોગાસનો કરતાં અને શિખવતાં બતાવાયા છે.તેમનું શરીર પણ આવડી મોટી ઉંમરે રબરની જેમ વળે છે.ખરેખર વિડીઓ અતિ પ્રેરણાત્મક છે અને આપણને સૌને જીવનમાં યોગ અપનાવી જીવન સાચી રીતે જીવવાની અને માણવાની પ્રેરણા આપે છે.

 

આશા રાખીએ કે આજના આ દિવસે થયેલા યોગનાં આટલા પ્રચાર બાદ આપણે સૌ તેનું સાચું મહત્વ સમજીએ અને તેને અપનાવી જીવન સાચી અને સારી રીતે જીવી શકીએ.