Translate

રવિવાર, 28 જૂન, 2015

સ્નેહ સાગર સોસાયટીની બાળકીઓ સાથે જન્મદિવસની ઉજવણી


પાછલાં ત્રણ વર્ષની જેમ વખતે પણ નમ્યાનો જન્મદિવસ અનોખી રીતે ઉજવવાની ઇચ્છા હતી. તેનો બીજો જન્મ દિવસ ૨૦૧૨માં મલાડ પશ્ચિમમાં આવેલા દયાવિહાર આશ્રમના ૨૮ બાળકો સાથે મનાવ્યો હતો, ત્રીજો જન્મદિવસ ૨૦૧૩માં મલાડ પૂર્વના ડ્રીમ્સ હોમની પચ્ચીસેક કન્યાઓ સાથે ઉજવ્યો હતો અને ગયા વર્ષે તેનો ચોથો જન્મદિવસ ૨૦૧૪માં ગોરેગામ પશ્ચિમમાં રહેતી ડીઝાયર સંસ્થાની એડ્સ પિડીત પણ જીવનથી ભરી ભરી બાળકીઓ સાથે મનાવ્યો હતો. વર્ષે આવા કોઈક અન્ય નવા ઠેકાણાને શોધવાની મહેનત ચાલુ કરું એ પહેલાં મારા ઓફિસના એક મિત્રે મલાડ પશ્ચિમની સ્નેહ સાગર સોસાયટી નામની એન.જી.ઓ.સંસ્થા વિશે વાત કરી અને મને નમ્યાનો પાંચમો જન્મદિવસ ઉજવવાનું ઠેકાણું મળી ગયું!

સ્નેહ સાગર સોસાયટી સંસ્થાનાં માલવણી,મલાડ ખાતે એક ભાડાનાં ઘરમાં નન સિસ્ટર રીટા  તેમના અન્ય ત્રણ યુવતિઓના સ્ટાફ સાથે કુલ પંદર અનાથ કે તરછોડાયેલ બાળકીઓના પાલક તરીકેની પવિત્ર ફરજ બજાવે છે.

મેં આમ તો નમ્યાના જન્મદિવસે રજા લઈ તેની સાથે આખો દિવસ ગાળવાનું નક્કી કર્યું હતું પણ દિવસે મારી ઓફિસ તરફથી મને કોર્પોરેટ ટ્રેનીંગમાં મોકલવાનું નક્કી થયું હતું અને મહત્વનું હોવાથી મેં આખો દિવસ ટ્રેનીંગ અટેન્ડ કરી સાંજે બને એટલી ઝડપથી હું ઘેર આવી ગયો અને ભાડાથી ગાડી બોલાવી તેમાં ખાવાનું તેમજ બાળકીઓને આપવાની સામગ્રી વગેરે લઈ અમે સ્નેહસાગર જવા રવાના થયા. ભાડાની ગાડીનો ઉલ્લેખ કર્યો તેનું કારણ અતિ ઉપયોગી એવી નવી સુવિધા ભરી સેવા ખુબ ગમી ગઈ અને તેના પર હું ટૂંક સમયમાં અલાયદો બ્લોગ લખીશ. સદનસીબે સાંજે વરસાદ નહોતો. છતાં મલાવણીના પોસરી તળાવ નજીક આવેલ સ્નેહસાગર સોસાયટીના હરે રામ હરે ક્રુષ્ણ સોસાયટીમાં આવેલા ભાડાનાં ઘર તરફ જતાં ગાડી વગર અમને તકલીફ પડી હોત. પાણી-કાદવથી ભરેલ ખાબોચિયામાં ગાડીમાં બેસેલા હોવાથી પગ ખરાબ કર્યાં વગર અમે નિયત સ્થાને પહોંચી શક્યા.


થોડા વખત પહેલા વોટ્સએપ પર એક વિડીઓ જોયેલો એમાં એક સરસ વાત કરેલી જે મને સ્પર્શી ગઈ હતી તેને અનુસરતા વર્ષે બર્થ ડે કેક કાપતી વેળાએ ભારતીય પરંપરામાં જેનું વિશેષ મહત્વ છે દિવ પ્રગટાવી જન્મદિવસ મનાવવાનું નક્કી કર્યું હતું. ઓનલાઈન ઓર્ડર કરેલી કેક તો અમારી પહેલાં ત્યાં સીધી પહોંચી ગઈ હતી! નમ્યાનો પાંચમો જન્મદિવસ હતો એટલે પાંચ દિવડા પ્રગટાવ્યા બાદ તેણે કેક કાપી અને સ્નેહ સાગર સોસાયટીની સૌ બાળકીઓ તથા અમારાં સૌના તાળીઓ તથા શુભેચ્છા ગાનને માણતાં માણતાં નમ્યાએ હરખ ભેર કેક કાપી અને સૌને ખવડાવી અને પોતે પણ ખાધી!

બાળકીઓ સાથે બેસી તેમની સાથે પરિચય કર્યો અને વાતો કરી જાણ્યું કે મોટા થઈને તેમનામાંની કેટલીકને ડોક્ટર તો કેટલીકને ટીચર તો વળી કેટલીકને પોલીસ બનવું હતું.તેઓ અહિની લોકલ શાળામાં મરાઠી કે અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતી હતી. મેં જ્યારે નમ્યાનો જન્મદિવસ તેમની સાથે ઉજવવાની વાતચીત તેમની સાથે કરી ત્યારે તેમને ત્યાં ત્રણ વર્ષથી ચૌદ વર્ષની વયજૂથની અગિયાર બાળકીઓ હતી.પણ નમ્યાના જન્મદિવસે જ સવારે એક સમાજસેવક તેમને ત્યાં પાંચ મુસ્લીમ બાળકીઓને મૂકી ગયો. તેમની માતા પોતાના બાળકો પૈકી એક છોકરાને પોતાની સાથે લઈ પાંચ છોકરીઓને બેવડા પતિ પાસે છોડીને અન્ય યુવક સાથે ભાગી ગઈ અને પાંચ નિરાધાર બાળકીઓને તેમની અપંગ વ્રુદ્ધ ફોઈ કે દારૂડિયો બાપ સાચવી શકે તેમ હોવાથી સમાજસેવક માનખુર્દના તેમના ઘરેથી મલાડના સ્નેહ સાગર સોસાયટીના નિરાધાર બાળકોના આવાસ ખાતે મૂકી ગયો. ત્રણથી દસ વર્ષની માથે બોડી એવી પાંચે બાળકીઓ ખૂબ વહાલી લાગે એવી હતી. તો તેમને મૂકીને ચાલી જતાં તેમની માનો જીવ કઈ રીતે ચાલ્યો હશે? ખેર આવી તો કહાની ત્યાં વસતી દરેક બાળકીની હતી.

ખાસ બચ્ચીઓ માટે મારા લેપટોપ પર તેમને મજા પડે તેવા કેટલાક મરાઠી અને અંગ્રેજી બાળગીતો-વાર્તાઓ તેમજ કાર્ટૂન્સ તૈયાર રાખ્યાં હતાં. વાતચીત કર્યાં બાદ અમે સૌએ સાથે બેસી જોયાં-માણ્યાં. નમ્યા અને તેના પિત્રાઈ ભાઈ ધવલે બાળકીઓને પોએટ્રી-સ્ટોરી બોલી સંભળાવ્યાં અને પછી અમે સૌ સાથે બેસી થેપલાં-સૂકી ભાજી-બિરિયાની-રસગુલ્લાનું ડીનર એન્જોય કર્યું! ખૂબ મજા પડી. પછી નમ્યાએ અમે બાળકીઓ માટે લઈ ગયેલા રમકડાં-કૂદવાના દોરડાં-અભ્યાસ માટે નોટબુક્સ-પાટી-સ્ટેશનરી વગેરે ભેટો બધાંને આપી અને નમ્યાના જન્મદિવસને સુંદર રીતે ઉજવ્યાનાં આનંદ અને સંતોષ સાથે અમે ઘેર પાછા ફર્યાં.

થોડી માહિતી સ્નેહ સાગર સોસાયટી વિશે આપી દઉં. સિસ્ટર માર્થા માંડલ નામના સેવાભાવી નન દ્વારા ૧૯૯૯માં સ્નેહ સાગર સોસાયટીની સ્થાપના કરવામાં આવી હતી અને ૨૦૦૧માં તે એક સંસ્થા તરીકે રજિસ્ટર્ડ થઈ. ગરીબ સ્ત્રીઓને સશક્ત બની આર્થિક સ્વતંત્રતા પ્રાપ્ત કરી શકે તે માટેનું કોચીંગ આપતા વર્ગ સિસ્ટર માર્થા ચલાવતા અને તેમણે ઝૂંપડપટ્ટીના ગરીબ બાળકોને મફત શિક્ષણ આપતાં આપતાં એક બાળવાડીની સ્થાપના પણ કરેલી. જેમાંથી સ્નેહ સાગર સોસાયટીનો પાયો નંખાયો. આ સંસ્થા આજે મલાડના માલવણીમાં ભાડાનાં ઘરમાં અનાથ અને નિરાધાર બાળકોને આશ્રય આપે છે. વસઈ ખાતે તેમનો વધુ મોટો આશ્રમ છે જ્યાં વધુ બાળકો રહે છે અને ભણે છે. આ સંસ્થા મીરા રોડ અને નાયગાવ ખાતે વ્રુદ્ધાશ્રમ પણ ચલાવે છે. નાસિક-અહમદનગર ખાતે પણ તેમના એક કેન્દ્રમાં તેઓ એઈડ્સ પીડિત બાળકોને આશ્રય આપે છે. આ સંસ્થા વિશેની વધુ માહિતી તેમની વેબસાઈટ www.snehasagarsociety.org પર મળી શકશે અને તેમના મલાડના કેન્દ્રની મુલાકાત લેવા કે તેમને મદદ કરવા સિસ્ટર રીટાનો 9757257503 આ નંબર પર સંપર્ક થઈ શકશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો